RSS

Daily Archives: January 14, 2012

સહેજ ભીની સ્હેજ કોરી હોય છે, લાગણી અણસમજુ છોરી હોય છે….હોય છે રંગીન પતંગો સહુ કને, બહુ જ થોડાક કને દોરી હોય છે !

પવનમાં ફરફરતા પાના એની વચ્ચે ઉપસતી એક ચિત્રવાર્તા. હવામાં ઉડતો એક તાશના પત્તામાંથી ટપકી પડેલો ચોકટનો આકાર, એની નીચે લટકાડેલી ધાતુની ચાવી અને એમાંથી આવતો વીજળીનો કરન્ટ !

કરન્ટ ! યસ, આંચકો. બેન્જામીન ફ્રેન્ક્લીનના આ જગમશહૂર પ્રયોગનું વાંચન, અને પતંગ સાથેનું એ પહેલું અનુસંધાન ! જ્યાંની સ્મૃતિઓ કારના કાચ પર બાઝેલા શિયાળુ ઘુમ્મસના હિમકણો જેવી ઝાંખપમાંથી આવે, એ ઉંમરે આંખોમાંથી હાથ સુધી પહોંચેલો એક સળવળાટ… પતંગ !

ના અમદાવાદ, ના સુરત, ના રાજકોટ… અઢી-ત્રણ દસકા પહેલાના ગોંડલ ગામમાં મકરસંક્રાંતિએ પતંગો કરતા રૂપિયાના સિક્કાવાળી તલની લાડુડીઓ, ખીચડો અને લીલું ઘાસ ચાવતી કથ્થાઇ ગાયો જ વઘુ દેખાતી. પતંગબાજીની ધમ્માલ કમ્માલ સાહિત્યકારોના વર્ણનોમાં વાંચવા જેવડી પણ હજુ ઉંમર નહોતી.

અને ભાદરવા મહિનામાં એક સાંજે મમ્મીની આંગળી પકડીને ઘાસને પગના અંગૂઠા તથા આંગળી વચ્ચે ભરાવતો ચાલતો હતો, ત્યાં મેદાનમાં ત્રણ છોકરાઓ થીંગડાવાળા કપડે, થીંગડાંવાળી એક પતંગ ચગાવતા હતા. વળી પાછો એક વીજળીનો આંચકો આવ્યો પણ હવે મનમાં… એકીટશે એ આસમાનીને ચુંબન કરતી પતંગ સામે જોયા કર્યું. એક છોકરો મૂકાવે, બીજો ફિરકી પકડે, ત્રીજો ચગાવે.

ઘર આવી ગયું. પણ પતંગ ના ગઈ. મમ્મી સમજી ગઈ. એક નાનકડી પતંગ લઇ આવી. ફિરકી નહિ, પણ માંજાનો ટૂકડો. એ પતંગ એણે મૂકાવી, પણ ચગે ક્યાંથી ? મેદાનમાં પતંગે થોડા ગોથાં ખાધા. દોડો એટલે પતંગમાં પવન ભરાય, દોરી ટટ્ટાર થાય અને એક મિથ્યા અહેસાસ થાય કે પતંગ આપણાથી ચગે છે. જેવા તેવા કાલ્પનિક સુખને બે ઘડી સ્પર્શવાની ઝંખનાનો સળવળાટ ત્યારથી કદાચ હસ્તરેખાઓના સળમાં સંતાઈ ગયો.

મન બહુ હતું પતંગ ચગાવવાનું… પણ એકલપંડે કંઈ પતંગ ચગી નહિ. અઘ્ધર થઈ, પટકાઈ પડી. વળી જરાક પરાણે પરાણે હવામાં તાણી. પણ પતંગથી પવન રિસાયેલો હતો. એ ઢળતી રાત્રે માત્ર પતંગ જ પૃથ્વી પર પટકાઈ નહોતી, એક સપનું ય ધરતી સરસું સૂઈ ગયું હતું.

પછી થોડા વર્ષો એક વિચિત્ર ધારો આવ્યો. દર ઉત્તરાયણે બજારમાંથી એક-બે રંગબેરંગી પતંગ લેવાની, ભડકામણા રંગે રંગાયેલી ફિરકી લેવાની. બઘું ખરીદીને ઘરમાં મુકવાનું. ફિરકી લઇને ફરવાનું દોરો રમકડાંને વીંટવાનો. પતંગને બે હાથે પકડીને એના કાગળ સાથે રાસડા લેતી હવાનો ખડખડાટ સાંભળવાનો. જાણે પતંગમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ! બસ, પતંગ ઉડે નહિ તો કંઇ નહિ, એને અડીને એને લઇને બસ કલ્પનાઓમાં ઉડાડવાની !

કોલેજ કાળમાં એવી જ રીતે ફૂટપાથ પરથી જતી કોઈ ફૂટડી કન્યાને જોઇને કલ્પનાઓમાં જ એની સાથે કન્ના બંધાઈ જતા. મનમાં ને તનમાં તરંગોના પતંગો ઉડાઉડ કરતા. હજુ ‘કાયપો છે’વાળા ફિલ્મી સોંગનેવાર હતી ને રેડિયો પર દર સંકરાતે ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, ચલી બાદલોં કે પાર…’ અચૂક વાગ્યા કરતું. હવે અગાશી પર પતંગરંગ અને પતંગજંગના સાક્ષી બનવા માટે દોસ્તોના આમંત્રણ મળતા. પહેલીવખત એક સંક્રાંતિ ઘરની બહાર એક મિત્રની અગાશીએ કરી. ચોમેર વાગતા ટેપરેકોર્ડરના અવાજો. ચિચિયારીઓ નીચેથી ઉપર આવતી વાનગીઓ. અને બાજુની અગાશી પર ત્રાંસી આંખે જોઇને મુસ્કુરાતી કેટલીક ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગીઓ ! પતંગ ચગાવવાની લિજ્જત કરતા આ માહોલી મસ્તી જાતને જ હવામાં ઉડાવવા માટે કાફી પણ હતી, અને કેફીપણ હતી !

પતંગો ઉડતા રહ્યા, કોલાહલ વધતો રહ્યો. પણ પહેલી વખત જ્યાં સંકરાત કરી એ દોસ્તોના સંબંધો કાળના કસાયેલ માંજાથી કપાતા ગયા. ઘડીમાં ઉંચે લહેરાતો પતંગ પળવારમાં કોઈ ઝાડની ડાળી કે ઇલેક્ટ્રીકપોલ પર ચાડિયાની માફક લટકતો દેખાય કે ક્યાંક વધસ્તંભે રહેલા ઇસુ જેવી શહાદત વહોરતો લાગે ! બસ, એમ જ સમયના અવકાશમાં કેટલીક મૈત્રીના પતંગો કારકિર્દી કુટુંબની હવામાં અઘ્ધર થયા પછી દૂર દૂર સરતા ગયા. અને ધીરે ધીરે નાનકડું ટપકું બનીને, આંખોથી ઓઝલ બની ગયા ! રહી ગયા ગૂંચવાઈને લટકતા તૂટેલા દોરાના ગૂંચળાઓ.

…વર્ષો પછી અમદાવાદના ગીચોગીચ વિસ્તારમાં એક બોસ, એક દોસ્ત ગણાય એવી વ્યક્તિને સંક્રાંતની પૂર્વસંઘ્યાએ વર્ષોના સંબંધોના નાતે મળવા જવાનું થયું. દર વખતે તો વાતો ઓફિસ કે ડાઇનંિગ ટેબલ પર થાય, પણ આ વખતે એ પાવરફૂલ પર્સન એમના સામ્રાજ્ય બનેલા કાર્યક્ષેત્રની જ ઉપરના માળે આવેલા ઘરની અગાશી પર હતા. એમના બે નાનકડાં દીકરા-દીકરીને એ યુવાન પિતા પતંગ ચગાવવાનું શીખવાડતો હતો. ભારે ઉમળકાથી ફિરકી લઈને દોડતો દોડતો ! અચાનક જાણે દિમાગમાં પાર વિનાના પતંગો ગુલાંટ મારવા લાગ્યા. ફાટેલો પતંગ ગુંદર પટ્ટીથી સંધાતો હોય એવું લાગ્યું. ગગનવિહારી પતંગની ફિરકી પકડીને દોરાને ઢીલ આપતી વખતે અંગૂઠા-આંગળી વચ્ચેની જગ્યામાં ગલીપચી કરીને ફરતા લાંકડાના ખૂંટાની ગતિ મહેસૂસ કરી. જાણે દિલને વ્હીલ આવ્યા અને સાયક્લિક સરક્યુલર મોશનના બાયબ્રેશન્સ પગથી માથા સુધી ‘ધુમરી’ લેવા લાગ્યા ! પછી ઉંચે ઉંચેને ઉંચે જતી પતંગની તાણને હાથમાં પકડીને અનુભવી. જાણે ચુંબક સામે ઝઝૂમતી ટાંકણી ! આવેગનો પ્રવેગ, આકર્ષણનું ખેંચાણ… દોરી આપણને ઉડાવી જાય એવી ન હોવા છતાં એવું મને તો થાય કે કાશ, આટલા સ્ટ્રેચિંગ ટેન્શનથી આપણને ય જો હવામાં ઉડાવી દે… તો એ હવા મેરે સંગ સંગ ચલ…

* * *

હાઉ બ્રાઇટ ઓન ધ બ્લ્યુ, ઇટસ એ કાઇટ વ્હેન ઇટ્‌સ ન્યુ ! એક અંગ્રેજી કવિતાનું આવું મુખડું છે. વાદળી આકાશના સ્ક્રીન પર પતંગોના કેવા કલર પિકસેલ્સ ૧૪મી જાન્યુઆરીએ ભારતભરમાં ઝગમગશે ! છત પર આપણી આંખોને પાંખો આવશે ! માહોલ જો હોય તંગ, થયો હોય મોહભંગ, તો ઠલવો આકાશમાં રંગ, લહેરાવો લિજ્જતથી પતંગ ! પૂંછડિયો હોય કે બાંડો, ઠુમકા લગાવે એ ગાંડો !

પતંગ ગુજરાતી બોલીના સ્પેશ્યલ શબ્દપ્રયોગમાંનો એક છે. જેને ગમે ત્યારે સ્ત્રીલિંગ કે ગમે ત્યારે પુલ્લિંગ તરીકે લોકો લખતા બોલતા હોય છે ! પતંગ ચગ્યો પણ ચાલી જાય, અને પતંગ ચગીએ પણ ! ઇન શોર્ટ, ચગી હોય કે ચગ્યો હોય – સિતારો સે આગે જહાં શોધવા માટે ઉપરને ઉપર જાય, ત્યાં સુધી ભાષા કરતા આસમાનોં કે છૂને કી આશાવાળી ઉડાન વઘુ મહત્ત્વની છે !

પતંગોનું ય એવું, આમ તો માણસ જેવું ! ગમે તેવો સુંદર નમૂનેદાર મોંઘોદાટ પતંગ હોય, પણ ધાબામાં પડ્યો રહે કે દુકાનમાં ટંિગાતો રહે ત્યાં સુધી પતંગ કેવો ? પતંગનું ‘પતંગપણુ’ ત્યારે જ સાર્થક થાય, જ્યારે એ વહેતા વાયરા સામે સામી છાતીએ બાથ ભીડીને ઉડાનભરે, આકાશમાં લહેરાય ! પતંગ અગાશીએ સલામત હોય છે. ન કોઈ ડર, ન કોઈ ફિકર ! પણ એ કંઇ એના કમાન-ઢઢ્ઢા કે માંજાની મજબૂતાઈની કસોટી નથી. એ તો ‘આ પતંગ, આ પવન…’ એ જ શીખવે… એકબીજાને અનુકુળ હો, તો આખું આકાશ હાથમાં આવે’ ના ન્યાયે જ્યારે હવામાં ઉડે છે, ત્યારે પતંગત્વની દીક્ષા મેળવે છે.

છોકરીની ચોળી કસોકસ તંગ થઇ જાય છે, ત્યારે એ પતંગ બની જાય છે. એવી છોકરીની કાયાના કામણ સાથે આંખોમાં આમંત્રણ દેખાય, ત્યારે છોકરો પતંગ બની જાય છે. કોઈ નવજાત યુવાનને જોબ કે પ્રમોશન મળે અને એ પતંગ થઇ જાય… અને કોઈ એકાકી વૃઘ્ધને વ્હાલભરી વાતો મળે અને એ પતંગ બની જાય ! શિશુ વાત્સલ્યભર્યા હાથોથી હવામાં ઉછળીને ખિલખિલ હસે ને પતંગ બની જાય ! અંગતદોસ્ત કોઈ કાળજીથી ભૂલ બતાવીને કાન ખેંચે ત્યારે સંબંધ પતંગ બની જાય ! સિતારામઢી રાતે હાથના અંકોડા સુંવાળી હથેળી સાથે ભીડાય, અને ચિત્તડું પતંગ બની જાય. ટાઈટ સ્વીટ હગ વચ્ચે જ્યુસી લિપલોક થઇ જાય અને ઉન્માદના ધબકારે હૈયું પતંગ બની જાય !

કોઈ આત્મીય સંબંધની માફક જ પતંગ પણ અપેક્ષા નહિ, પ્રેમના બંધનનું મહાત્મ્ય મૌન સંવાદથી શીખવે છે કોઈને ઝટ સાચં-સારું બંધન થનગનતી ‘વાઇલ્ડ હોર્સ’ યુવાનીમાં ગમતું નથી. પણ નીચે સ્નેહની, ભરોસાની, ખુશીની, પરિવારની, દોસ્તીની મજબૂત માંજાવાળી ફિરકી હોય અને એની દોરીનો કન્નો પતંગની છાતી એ જોડાયેલો હોય ત્યારે જ એકલો લાગતો પતંગ હવામાં તેજ ગતિએ સડસડાટ ટોચે જઇને બેસે છે, અને કુશળ હાથમાં પોતાની જાતને ખુલ્લી અને ઢીલી મૂકી દે, ત્યારે જ લૂંટાયા વિના જરૂર પડે થોડો ઉપર-નીચે થઇ, ગોથ લગાવી, પેચ જમાવીને પણ પોતે ‘સ્કાય હાઈ’ બનીને ‘ક્લાઉડ કિસ’કરતો રહે છે !

ઓહ પતંગ ! જેવો ઉપર ઉડે, આકાશમાં આગળ વધે, બીજાઓથી ટોચ પર પહોંચે કે તરત જ એના એક માંજાને વગર વાંકે કાપવા માટે કાચપાયેલી દોરીઓ તૂટી પડે છે કારણ ? બસ, પતંગ આવા ઠાઠથી અઘ્ધર થયો જ શા માટે ? એને લુઢકાવીને, કાપીને, જમીનદોસ્ત કરીને જ આપણને રોમાંચ થાય ! કેટલા પતંગો ચગ્યા એ પોઝિટિવિટી પર નહિ, પણ કેટલા પતંગો કાપ્યા એ નેગેટિવિટી પર જ બાજુવાળી બાળાનું સ્માઇલ મળે, ને એટલે જ એ સ્ટાઇલ ગણાય ને !

વેલ, ક્યાંક વાંચેલા સાક્ષર ઠક્કરના શબ્દો પતંગ બનીને દિમાગમાં ઉડે છે:  પતંગ ક્યાં ક્યારેય કપાય જ છે ? કપાય છે દોરી ! સાથે મળીને ભલભલી મુસીબતોને કાપી શક્તી દોરી જ્યારે પતંગથી વિખૂટી પડી છે, ત્યારે સંવેદના, સ્પંદનોનો નાતો તૂટ્યા બાદનો પતંગ ભોંયભેગો થઇ જાય છે ! પછી એના કાગળ ધીરે ધીરે ચિરાય છે, ફાટે છે, રંગો ઉખડે છે, કોઈક ખૂણે એના ખડખડાટનો સૂક્કો અવાજ કાને અથડાયા કરે છે. પવન એને આરપાર વીંધતો રહે છે. લીરેલીરા થઇ ગયેલું પતંગનું બદન જર્જરિત થઇને ધજાની માફક સંજોગોની હવામાં ફરક્યા કરે છે. કાળના બોજથી એનાવાંસના અસ્થિ બેવડા બનીને તૂટતા વિખરતા જાય છે. તંગ, ચુસ્ત, તંદુરસ્ત એવો કાગળ તાપમાં કરચલિયાળો બનતો જાય છે ! ત્યારે નથી હોતી ફિરકી, નથી મળતો માંજો ! રહે છે બસ ઉડાનની યાદો અને સપનાઓની કરચો !

રે પતંગ ! ન એક સાથે ઉડી શકે, … ન એને એકલા એકલા ઉડવું ગમે ! ક્યાંક ઉડતા ઉડતાપેચ જામે, અને કપાયા વિના પતંગો મોજ લડાવે… એવું તો આસમાનમાં ય નથી થતું, તો જમીન પર ક્યાંથી થાય ? માંજો મજબૂત ન હોય, તો કેટકેટલા પતંગો લહેરાય, પણ એકેય આપણા હાથમાં ન આવે, ને જીંદગી રંગબેરંગી ન બનાવે ! પછી રહે સ્મિતભંગ.

(શીર્ષક પંક્તિ: સંદીપ ભાટિયા)


# ૨૦૦૯માં આ લેખ છપાયો ત્યારે વરિષ્ઠ કવિ અને ભાવનગર ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના મિતભાષી અધ્યક્ષ વિનોદ જોશીનો સવારના પહોરમાં પહેલવહેલો હુંફાળો ફોન આવેલો ટે હજુ યાદ છે. મેં સહજભાવે અનાયાસ લખેલો આ લેખ એમને ગુજરાતી ગદ્યના ઉત્તમોત્તમ લેખોમાં સમાવી શકાય એવો બળકટ લાગેલો. તમને જુદું ય લાગી શકે. મને તો એ બસ મારાં હૃદયની બહુ નજીક લાગે છે. હેપ્પી મકરસંક્રાંતિ...

 
52 Comments

Posted by on January 14, 2012 in art & literature, feelings, personal

 
 
%d bloggers like this: