સ્વ-સરવૈયું ૨૦૧૧ :
૧૪૩ લોકપ્રિય લેખો…૨ કવિતા, ૨ વાર્તા…ભારત-ગુજરાતમાં વિવિધ વિષયો પર કોઈ કાગળ વિના ઉત્સ્ફૂર્ત રીતે ૧૭૯ સુપરહિટ જાહેર પ્રવચનો / સેમિનાર / વર્કશોપ્સ / મુલાકાતો (ક્યારેક એક દિવસમાં ત્રણ અલગ અલગ નગર અને વિષય !)…કેવળ કારનું જ ગણો તો યે એક વર્ષમાં ૬૦૦૦૦થી વધુ કિમીનું પરિભ્રમણ… વિવિધ વિસ્તાર અને બેકગ્રાઉન્ડ/ ઉંમરના લાખો લોકો સાથે જીવંત સંવાદ – પંદરસોથી વધુ પ્રશ્નોના જાહેર ઉત્તર…એક પુસ્તક “પ્રીત કિયે સુખ હોય’ની કુલ ત્રણ (આ વર્ષમાં જ બે ) આવૃત્તિ…ત્રણ પુસ્તકો ‘સાયન્સ સમંદર’, ‘નોલેજ નગરિયા’ જી.કે. જંગલ’ની પ્રથમ આવૃત્તિ બેસ્ટ સેલર…એક સક્સેસફુલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘હેરિટેજ ખીરસરા પેલેસ’નું લેખન-સહદિગ્દર્શન…ગુજરાતી તખ્તા પરનો એક અગાઉ ક્યારેય ના થયો હોય એવો અજોડ શો ‘પ્રેમ એટલે…’ એક આંતરરાષ્ટ્રીય નાટક અને બે ફિલ્મ લખવા માટે મળેલી (અને વ્યસ્તતાને લીધે વેઠ ના ઉતરે એટલે સાભાર નકારેલી) ઓફર્સ ..કોલેજમાં ભણતા ભણતા શરુ થયેલ કટારલેખનના ૧૫ વર્ષ….ફેસબુક-ટ્વીટર-ઓરકુટ-ગૂગલ પર મળીને વીસેક હજાર ઓનલાઈન વાચકોનો હુંફાળો પ્રતિસાદ અને ‘નેટીઝન’ ના હોય તેવા અન્ય અસંખ્ય રીડરબિરાદરો તો ખરા જ ..આ બ્લોગનો અનાયાસ આરંભ અને માત્ર ૬ મહિનામાં જ એને (અનિયમિતતા છતાં) પોણા બે લાખથી વધુ હિટ્સ (મેક્સિમમ ૩૦૯૦! એક જ દિવસમાં!!), બારસોથી વધુ રજીસ્ટર્ડ ફોલોઅર્સ અને પોણા ત્રણ હજારથી વધુ કોમેન્ટસની સાથે ગુજરાતી ભાષાના દેખીતી રીતે જ નંબર વન બ્લોગનું સ્થાન…અને ૨૫થી વધુ યુવાનોના આપઘાત અટકાવી શક્યો તથા ૮ યુગલોને પરોક્ષ મદદથી એકબીજા સાથે જોડી શક્યો (જેની મારી પાસે જાણકારી છે, બાકીના અલગ ) એ માલિકની મહેરબાનીથી મળેલી મહામુલી મૂડી. 😎
વીતેલા વર્ષમાં અંગત જીવનના અનેક અઘરા – અટપટા પડકારો સાથે ગોંડલ જેવા નાના ગામમાં રહ્યે, કોઈ જ નોકરી વિના, ટીમ કે ઓફિસ વિના, લેખન-વ્યાખ્યાનની કોઈ ખાસ ચિબાવલી પૂર્વતૈયારી વિના, નોર્મલ લાઈફનો ભોગ લીધા વિના – સ્વાધીન જીવવાના સંકલ્પ સાથે આ પુરાંત સિલક ( બેલેન્સ )માં અપરંપાર સહકાર નિકટ દોસ્તોનો મળ્યો છે, પરમાત્માની અનરાધાર કૃપા કસોટીની સાથે જ વરસતી રહી છે. વેઢા જેટલી ઈર્ષા-દ્વેષ પણ સાઈડ ઇફેક્ટ રૂપે મળી છે, પણ શેઢા જેટલો બહોળો પ્રેમ સર્વે શુભેચ્છક ચાહકોનો મળ્યો છે. મારા પરિવાર સમા ‘ગુજરાત સમાચાર’નો હુંફાળો ખોળો તો ખરો જ. અને પપ્પાની પપ્પીઝ પણ! આનંદ એ વાતનો છે કે આ બધું સર્જન અને કોમ્યુનિકેશન ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ને બદલે બેસુમાર લોકોના દિલ સુધી પહોંચે છે. સર્જકોની કમી નથી. સેંકડો સર્જકો કિડિયારાની માફક ઉભરાય છે. સવાલ એ છે , કે એમાંથી કેટલાને સ્વયંભૂ સ્વીકૃતિ મળે છે? એક પણ વ્યાખ્યાન કે લેખ હું સામેથી માંગીને મેળવતો નથી. આપોઆપ મળતા રહે છે. ના તો હું લોકરંજક ગણાય એવા જૂનવાણી કે ઠાવકા વિચારો પીરસું છું. ગુજરાતની નવી પેઢી વાંચતી નથી કે લેખક – વક્તા અહીં સુપર પોપ્યુલર ‘સેલિબ્રિટી’ ગણાતા નથી – એ ગેરમાન્યતાઓના એકલપંડે ખંડન કરવાની તાકાત અને તક કુદરતે આપી , એ માટે એની સામે નતમસ્તક છું. ચાલુ ચીલાની સલામતીને બદલે સામા પ્રવાહે તરવાનું જોખમ લેવા છતાં, અત્યાર સુધી કિનારે પહોચાડનાર એ નાખુદા-ખુદાને સલામ અને સ્માઇલી 🙂
જાણું છું, ને વીતેલા વર્ષમાં વારંવાર અનુભવ્યું કે કડવું લાગી જતું તીખું સત્ય કહી દેવાની સાહજિક નીડર નિખાલસતાની પાચનશક્તિ હજુ કંઈ સિદ્ધિ કરતા વધુ પ્રસિધ્ધિના ભૂખ્યા, એવા સમજ વગરના સમાજની પૂરી વિકસી નથી. જોઈએ…૨૦૧૨ માં કેવા રોમાંચક ઉતાર-ચઢાવ આવે છે ! આ બધું હું ય કોઈ ગુમાની ગર્વ નહિ, પણ બિલકુલ મુગ્ધ કૌતુકથી નીરખી રહ્યો છું. મેં તો લગામ દીધી હાથ હરિને…હરિ ચાહે તો પાર ઉતારે…હરિ હળવે હળવે હંકારે… મારું ગાડું ભરેલ ભારે…. 😛
તમને બધાય ને ૨૦૧૨માં ય સૂંડલામોઢે “ઢીન્ચાક” મોમેન્ટ્સ મુબારક…. 😀