* સાન્તાકલોઝનું સાયન્સ + ફેરીટેલની ફેન્ટેસી + કિસ્મસની કમાલ + બાળકોની ધમાલ = હેપીનેસ ઓફ હાર્ટ! *
ક્રિસ્મસ સેલિબ્રેશન્સ.
નોર્વેની બાલ્કન પહાડીઓમાં થતા સ્પ્રુસના ગગનચુંબી સ્પ્રુસના વૃક્ષો ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લંડનના ટ્રફેલ્ગર સ્ક્વેરમાં ક્રિસ્મસ ટ્રી તરીકે ઝગમગી ઉઠે એ મોસમ. ‘પવિત્ર રાતનું પુષ્પ’ ગણાતા લાલચટ્ટક મેકસિકન પોઈનસેટ્ટીયા સજાવવાનો તહેવાર. ચાર્લ્સ ડિકન્સની ‘ક્રિસ્મસ કેરોલ’ નવલકથાથી વિશ્વવિખ્યાત થઈ ગયેલા ૧૫મી સદીથી પ્રચલિત એવા ફ્રૂટસ, નટસ, બ્રેડક્રમ્બ, તજ, લેમન, ઓરેન્જ સાથે શેરી, રમ, બ્રાન્ડી ભેળવીને બનાવાતા ઈંગ્લીશ પુડિંગગને હડપ કરી જવાનો ઉત્સવ. મધ, ફૂલો અને સૂકાં ફળોમાંથી ઈજીપ્શ્યન્સ બનાવતા; એ કેન્ડીની દાદાજીની લાકડી જેવી વ્હાઈટ ‘J’ શેઈપ સ્ટિક્સ પર લ્હેરાતી રેડ સ્ટ્રાઈપ્સ ચૂસવાની સીઝન.
ક્રિસ્મસ. રોમના પિયાઝાથી જર્મન બવારિયાની જીંજરબ્રેડ સુધી વિસ્તરેલું પર્વ. વિએનામાં રોશનીથી તરબોળ બર્ગથિએટરમાં હેન્ડમેઈડ ચોકલેટસ ચગળતા સંભળાતી સંગીતની સૂરાવલિઓ. પ્રાગમાં ચળકતા ક્રિસ્ટલ, વૂડ, રિબિનમાંથી બનેલા રમકડાંઓ અને બ્રસેલ્સમાં શેરીઓ વચ્ચે ઝૂમતા ફ્લેમેન્કો ડાન્સર્સના જલવા. ડેન્માર્કના કોપનહેગનમાં નદીકિનારે આવેલા ટ્રિવોલી ગાર્ડનનો ઝળહળી ઉઠતો સરોવરકિનારે સાતેક કિલોમીટરમાં પથરાયેલો વેભવ. બદામ, દ્રાક્ષ અને લવિંગથી તમતમતા રેડ વાઈન સાથે બ્લેક કરન્ટ જામ પથરાયેલા આઈસ્ડ ડોનટસ ચાવવાની લિજજત. સ્વીડનના સ્ટોકહોમમાં મળતા ડ્રાઈડ પ્લમ્સ અને હેઝલનટના બનાવેલા જીસસના આકારો અને સ્કેન્ડેવીઅન દેશોની પડોશમાં આવેલું ગ્રાન્ડરેડ સાન્તાક્લોસનું ઘર… સફેદ બરફથી ઢબુરાયેલું ગ્રીનલેન્ડ! જે સાન્તાદાદાની ટપાલો વળી ફિનલેન્ડના લેપલેન્ડ ટાઉનમાં આવે છે, જેમાં દુનિયાભરની બચ્ચાપાર્ટી જનલોકપાલ કરતા ય વઘુ જોરશોરથી ડિમાન્ડ કરે છે, ગિફટસની!
* * *
એક ટિપિકલ ગુજ્જુ શેરબજારિયો સવાલ છે. માનો કે સાન્તાક્લોસ છે. તો ઉત્તર ધ્રુવમાંથી એક જ રાતમાં જગતના કરોડો-અબજો બાળકોને એક સાથે મનગમતી ભેટસોગાદો કેમ પહોંચી શકે?
આમ તો ધારવાનું જ છે. પણ આવી રીતે કલ્પનાની કૂકરી ગાંડી કરવાથી જ જગતભરમાં અવનવી શોધો અને કળાઓ, અરે રમતો અને વાનગીઓ પણ જન્મી છે. ઘનચક્કર લાગતા તરંગોમાં રંગપૂરણી કરવાથી!
તો પલંગના કિનારે મોજું લટકાવીને ગિફટની વિશ કરીને સૂઈ જતા બાળકો કુલ વસતિના કેટલા ટકા હશે? કેટલા સાન્તા જોઈએ એક જ રાતમાં ગિફટસ ડિસ્ટ્રીબ્યુશન માટે? રોજર હાઈફિલ્ડ નામના ભેજાંબાજ લેખકે તો ‘કેન રેન્ડીઅર ફ્લાય?’ નામનું એક ઈન્ટરેસ્ટિંગ પુસ્તક જ લખી નાખ્યું છે. જેમાં યુનાઈટેડ નેશન્સના આધારે પૃથ્વી પર ૧૧ વર્ષની નીચેના ૨.૧ અબજ બાળકો છે, એમ સ્વીકાર્યું છે. એક ઘર દીઠ સરેરાશ અઢી બાળકો (હવે આંકડાશાસ્ત્ર આવું જ અળવીતરું હોય છે, જીવતા જાગતા વનપીસ ભૂલકાંને કટિંગ ચાયની માફક અડઘું કરી નાખે! આસ્ક એની સ્ટુડન્ટ!) ગણો તો ક્રિસ્મસની રાત્રે સાન્તાબાપાની પેલી રેન્ડીઅરવાળી સ્લેજ ગાડીએ ૮૪ કરોડ સ્ટોપ કરવા પડે!
જો કે, સાન્તાજી ‘ઈશ્માર્ટ ભાભા’ હોય, તો એમની પાસે થોડોક એકસ્ટ્રા ટાઈમ પણ રહે. પૃથ્વી પોતાની ધરી પર જે દિશામાં ફરે છે, એનાથી અવળી દિશામાં સાન્તા ક્લોસ પ્રવાસ શરૂ કરે, તો વિવિધ લોકેશન્સ પર અક્ષાંસ-રેખાંશ સાથે સંતાકૂકડી કરતા સૂરજદાદાને પ્રતાપે સાન્તા પાસે ૨૪ને બદલે ૪૮ કલાક ચીમનીમાંથી નીચે સરકીને ગિફટસ વહેંચવા માટે રહે. એ માટે ૦.૨ મિલિસેકન્ડસ એકથી બીજા ઘેર ઠેકડો મારવા માટે મળે. અને એની ગાડી એમણે ૨૦૯૩ કિમી/સેકન્ડની સ્પીડે ભગાવવી પડે! જે આજના કોઈ પણ ઉપલબ્ધ એરક્રાફટની પણ સ્પીડ નથી! અલબત્ત, એ પ્રકાશવેગ કરતા ઘણી ધીમી સ્પીડ હોઈને એમ તો એચિવેબલ છે. પણ કાગળ પર!
હમમમ. એન્જીનીઅરિંગ પ્રોફેસર લેરી સિલ્વરબર્ગ વળી એવું સાયન્ટિફિક લોજીક લડાવે છે કે – સ્પેશ્યલ થીઅરી ઓફ રિલેટિવિટી મુજબ સાન્તાક્લોસ ‘રિલેટિવિટી ક્લાઉડ’માં છે. જેને લીધે આખી દુનિયા એમને માટે પોઝનું બટન દબાવેલુ ડીવીડીની માફક ફ્રીઝ થઈ ગયેલી છે. આ ભાંજગડ પડતી મુકો, તો ય એક ક્વેશ્ચન વધે. ટાઈમ અને સ્પેસનું તો સમજ્યા, પણ વજનનું શું? આટલી બધી ગિફટસ આ રેડ એન્ડ વ્હાઈટ દાદાજીના કોથળામાં સમાય? વીસેક લાખ ટનનું વજન ખેંચી શકે બાપડા રેન્ડીઅર્સ?
વેલ, કદાચ એમણે ગિફટસ ક્યાંય ઉંચકીને લઈ જવાની જ ન હોય તો? સકળ આ સચરાચરની સૃષ્ટિ તો અંતે પદાર્થ, તત્વ, રંગ, સોલિડ, લિક્વિડ, એર બઘું જ અણુ-પરમાણુનું બનેલું છે. તો પછી સાન્તાદાદા ‘હો હો હો’ બોલી રહે, એટલી વારમાં બાળકની ભેટ આસપાસના અણુમાંથી જ ન બની જાય?
અને ધારો કે, ૨૧મી સદીમાં મેજીક સાન્તા ન હોય, પણ હાઈ ટેક સાન્તા હોય તો?
* * *
આર્થર ક્રિસ્મસ.
ના, ના… મેરી ક્રિસ્મસની ટ્રેડિશનમાં કંઈ ફેરફાર નથી થયો. આ તો એક તાજી બ્રિટિશ એનિમેશન ફિલ્મનું નામ છે. પરફેક્ટ હોલીડે મૂવી એવી આ ફિલ્મમાં એક નાનકડી પરાણે વ્હાલી લાગે એવી ગરીબ બાળકી છે, ગ્વેન. એ ઢીંગલીના દોસ્તો આ લેખ વાંચી અકળાતા મુઠ્ઠીભર સૂક્કાંભઠ તાર્કિક વાચકોની માફક એને ચીડવે છે. ‘સાન્તાક્લોસ એક ભ્રમ છે, એવું કંઈ ન હોય!’
ઢીંગલી ગુમસુમ બને છે. પછી એને થાય છે કે ‘લાવોને, ડાયરેક્ટ સાન્તાને જ પૂછી લઈએ, તમે દાદાજી છો કે પછી માર્કેટિંગ ગિમિક છો?’ અને એક ગુલાબી કાગળ લખે છે, સાન્તાના સરનામે. ‘મને એક ટ્રાઈસિકલ આપશો, આ ક્રિસ્મસ પર?’
કટ ટુ. સાન્તા આઈએનસી. ગ્રાન્ડસાન્તા રિટાયર્ડ છે. ડેડી સાન્તાનો કારોબાર હવે મોટો દીકરો સ્ટીવ કોર્પોરેટ સ્ટાઈલમાં સંભાળે છે. પૂરા દસ લાખ એલ્વ્ઝ (સાન્તાના મદદગાર વહેંતિયાઓ)ની એની પાસે ફોજ છે. કર્મચારીઓની વર્કિંગ ફોર્સ છે. હવે પેલી આઉટડેટેડ સ્લેજ ગાડી નથી. જાયન્ટ સ્પેસશિપ છે. કોમ્પ્યુટર પર ઓટોમેટિકલી મેનેજ થતો ગિફટ ડિસ્ટ્રીબ્યુશનની શિફટનો કારોબાર છે. ક્રિસ્મસ નાઈટ શરૂ થતાંની સાથે ફટાફટ મિશન પૂરું કરવામાં આવે છે. ટાર્ગેટ એચિવ થયા પછી સેલ્સ ટીમને ડ્રિન્ક, ડાન્સ, ડિનરની પાર્ટી આપવાની હોય, એમ ગ્રાન્ડ સેલિબ્રેશન ચાલે છે.
અને સાન્તાનો નાનો દીકરો આર્થર, જે ઘેલો હોઈને ટપાલો વાંચવાનું ફાલતું લાગતું કામ જ સંભાળે છે, એ કહે છે કે લોડિંગ વખતે કન્વેયર બેલ્ટ પરથી પડી ગઈ હોઈને એક ગિફટની ડિલીવરી રહી ગઈ છે. પેલી ઢીંગલીની ગિફટ!
બધા મોં મચકોડે છે. આવડા મોટા કારોબારમાં એકાદી ચીજ રહી જાય. આમતેમ થઈ જાય, ભૂલ થાય. લિવ ઈટ, ફર્ગેટ ઈટ લેટસ પાર્ટી ફોર મેરી ક્રિસ્મસ, આટલી માર્જીન ઓફ એરર તો હોય.
પણ આર્થર મક્કમ છે. સવાલ એક ગિફટનો નથી. એક નાનકડી બાળકીની શ્રઘ્ધાનો છે. એણે રોજ રાહ જોઈ હશે, રોજ સપનું જોયું હશે. રોજ એ મૂંઝાતી હશે, કોઈ એની ઈચ્છાની કંઈ કદર કરશે કે નહિ! સાન્તાકલોસની સકસેસ પ્રોફિટ એન્ડ બેલેન્સશીટ પર નહિ એની શાખ, રેપ્યુટેશન પર છે. અને એ છે લાગણી વ્હાલ.
અને સવાર પડવાને માત્ર બે કલાક બાકી છે, ત્યારે આર્થર કમર કસે છે, દુનિયાના બીજે છેડે હું જઈશે! ઘૂની, વાયડા એવા નિવૃત્ત દાદાજી એમના જમાનાની ખખડધજ સ્લેજ ગાડી અને હવે ટેકનોલોજીને લીધે છૂટા થઈ ગયેલા રેન્ડીઅર્સને ફરી યાદ કરે છે. પડતા – આખડતા અવનવા દેશોમાં અવનવા અનુભવોમાંથી પસાર થતાં અંતે ગિફટ ટાણાસર પહોંચાડીને જ આર્થર પોતાની ક્રિસ્મસની ઉજવણી પૂરી કરે છે!
અને વળતી ગિફટમાં મળે છે, ઢીંગલીના ચહેરા પર છવાતું સ્મિત!
* * *
રમૂજ અને થ્રીડી મનોરંજન સાથે ‘આર્થર ક્રિસ્મસ’ આપણી કોર્પોરેટ સ્ટાઈલમાં ઢળતી જતી જીંદગી પરનો વેધક કટાક્ષ છે. દુનિયામાં બઘું જ પ્રોડકટ નથી. પીપલ પણ છે. એમના ટીઅર્સ, એમના ચીઅર્સ પ્રાઈસલેસ છે.
હજારો વર્ષ પહેલા એક મક્કમ પણ શાંત યુવાને એકલપંડે આ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો. દોલતને બદલે દિલની માવજત કરવાનો એ આજે જેનો હેપી બર્થ ડે છે, એ જીસસ ક્રાઈસ્ટ! એને કંઈ ધર્મ સ્થાપવો નહોતો (ખ્રિસ્તી ધર્મની સ્થાપના ઈસુના મૃત્યુ પછી થઈ છે), એને તો પ્રેમ સ્થાપવો હતો. પારકાંની પીડા ધોઈ નાખતો કરૂણાસાગર વહેવડાવો હતો.
ઈસુના મિરેકલ્સ કંઈ હીલિંગના નથી, હાર્ટના છે. અને લાઈફમાં સતત નસોમાંલોહીને બદલે ઝેરનું પરિભ્રમણ કરતા લોકો પાસે રોમેન્ટિકમાંથી રોબોટિક બનતી લાઈફને ફિકસ કરવા માટે ‘હોલી-ડે’ની રજા આવતી નથી.
એક ગિફટ ભૂલાઈ જવાની કોમ્પ્યુટરાઈઝડ એરરમાં બચ્ચાંના તુટી જતાં ડ્રીમનું ડૂસકું રજીસ્ટર નથી થતું. એ માટે સમ-સંવેદનથી ધબકતું જીગર ધરાવતો કોઈ ઈન્સાન જોઈએ ! ભપકાદાર હવાઈજહાજથી ન થાય, એ તૂટલીફૂટલી નકામી ગણી ફગાવી દેવાઈ કોઈ લાકડાની સ્લેજગાડીથી થઈ શકે. એવું જ નકામા ગણી કચરાટોપલીમાં ફગાવી દેવાયેલા માણસોનું પણ છે. એટીએમથી ઈમેલ સુધી માણસ બીજા માણસનો સંપર્ક મેળવે છે, પણ સ્પર્શ નહિ! ટેકનોલોજી કંઈ ખરાબ બાબત નથી, પણ એની ગુલામી સારી બાબત નથી. મોબાઈલ સાયલન્ટ થાય, તો માણસનો અવાજ સંભળાય!
એન્ડ ક્રિસ્મસ કિડ્સ. બાળકો જન્મે ત્યારે પોતાની આગવી ઓળખ લઈને આવે છે. ત્યારે એ ભગવાનના છે, એના હાથોમાં સલામત છે. રડે છે, હસે છે, શ્વસે છે, જીવે છે. પછી મોટાં થતાં જાય એમ આપણા બીબાંમાં ઢળતા જાય છે. પછી એ રમાડતા શીખી જાય છે, રમતા બંધ થઈ જાય છે! ચાઈલ્ડ ખોવાયું એટલે અંદરથી માઈલ્ડ અને વાઈલ્ડ બેઉ એલીમેન્ટ્સ ખોવાયા સમજી લો!
તો સવાલ એ નથી સાન્તાકલોસ છે કે નહિં? સવાલ એ છે કે બાળસહજ હૃદય પાસે અચંબો, આનંદ, આશા છે કે નહિં? એની બંધ આંખોમાં સપના અને ખુલ્લી આંખોમાં માસુમિયત છે કે નહિં? સવાલ “ઇશ” (ઇશ્વર)નો નહિ, “વિશ” (ઇચ્છા)નો છે. બાળકોની ભોળીભોળી વિશ પૂરી કરે, એનું નામ સાન્તાકલોસ. એ ટીચર પણ હોઇ શકે અને પેરન્ટસ પણ!
કદી વિચાર્યું છે કે આ પ્લેનેટ પર કેટલાય ગરીબ, અનાથ, ગ્રામીણ બાળકો હશે, જેમની કેટલીય સાવ નાની નાની સાદી સીધી વિશિઝ પૂરી નથી થતી! એમને માટે ચોકલેટ, કેક, આઇસ્ક્રીમ, પેસ્ટ્રી, કોમિકસ, કાર્ટુન, ટોય, પિકનિક- બઘું જ મિશન ઇમ્પોસિબલ છે. અને એમના સ્માઇલમાં ઇસુનો રોજ પુનરાવતાર (રિઝરેકશન) થતો રહે છે! સેલિબ્રેટ ધ ફેસ્ટિવલ બાય મેઇક ધેમ હેપી, એન્ડ વી કેન બિકમ હેપી ટુ! એમને ખુશ કરો, અને ખુદકુશીને બદલે ખુદ ‘ખુશી’નો પણ અનુભવ કરો, યારો!
* * *
પંદર વર્ષ પહેલાં હાન્સ એન્ડરસન પરના લેખમાં ‘સ્પેકટ્રોમીટર’ કટાર માટે જ એની અદ્દભૂત વાર્તા ‘લિટલ મેચ ગર્લ’નો સંક્ષિપ્ત અનુવાદ કરેલો. એ આંખ જ નહીં- હૃદય ખોલીને વાંચો…..
કાળજું કંપાવે તેવી ટાઢ હતી. જોરદાર બરફવર્ષા વચ્ચે ગાઢ અંધકાર થઇ ગયો હતો. નાતાલના આગલા દિવસની એ સાંજ હતી. શહેર આખું ઉત્સવની, તૈયારીઓમાં વ્યસ્ત હતું, ત્યારે એક નાનકડી ઢીંગલી જેવી માસુમ છોકરી ફાટેલા- તૂટેલાં કપડે અને ઉઘાડે પગે શેરીઓમાં ભટકતી હતી. ‘દિવાસળી લો કોઇ… દિવાસળી’ બોલી બોલીને તેનો સાદ બેસી ગયો હતો. એના હાથમાં થોડી દીવાસળીઓ હતી. થોડીક મેલાઘેલા ઝબ્બામાં હતી. દિવસોથી એણે કંઇ ખાઘું નહોતું. ટાઢમાં એનું શરીર જકડાઇ ગયું હતું. દીવાસળી વેચ્યા વગર ઝુંપડી જેવા ઘેર જાય તો આરામને બદલે બાપનો માર પડે તેમ હતો. પરંતુ, લોકોને ફેન્સી દુકાનો મૂકી એ બાળકી પાસેથી દીવાસળી જેવી તુચ્છ ચીજ લેવામાં રસ નહોતો!
થાકીને લોથ થઇ ગયેલી છોકરી એક મજાના ઘરની દીવાલને ટેકો દઇ બેઠી. બહેર મારી ગયેલા હાથને ગરમાવો આપવા એ દીવાસળી સળગાવે ત્યાં એને ઘરની અંદરના ઠાઠમાઠ, ભાતભાતના ભોજનની રસલ્હાણ, અવનવાં રમકડાં વગેરેનો અહેસાસ થયો. એણે વગર વેચાયેલી પહેલા દીવાસળી સળગાવી અને એને લાગ્યું કે કદી ન ચાખેલી મીઠાઇઓથી થાળી ટેબલ પરથી કૂદકો મારી પોતાની પાસે આવી છે! પણ દીવાસળી હોલવાઇ અને દ્રશ્ય ગાયબ! બીજી દીવાસળી સળગાવી કે અત્યાર સુધી દુકાનોના કાચમાં જ જોયેલા મોંઘા રંગબેરંગી રમકડાંવાળુ ક્રિસ્મસ ટ્રી દેખાયું. પણ જોતજોતાંમાં દીવાસળીના પ્રકાશ સાથે આ દ્રશ્ય ગુમ! પછીની દીવાસળી સળગાવી કે એને પોતાના ગુજરી ગયેલા દાદીમાં સ્મિત કરતાં દેખાયા. છોકરી રડી પડી. એ બોલી… ‘દાદીમા, મને તમારી સાથે એવી જગ્યાએ લઇ જાવ જયાં ભૂખ- તરસ- થાક કે દુઃખો નથી. દીવાસળી પુરી થઇ જશે તો તમેય જતાં રહેશો, જેમ મીઠાઇઓ અને પેલું ક્રિસ્ટમસ ટ્રી જતું રહ્યું!’ એમ બોલી એણે દીવાસળીની આખી ઝુડી સળગાવી નાખી. એના પ્રકાશમાં એ જાણે રાજી થઇને નહાઇ રહી!
સવારે તહેવાર મનાવવા નીકળેલા લોકોએ કોકડું વળી સૂતેલી છોકરીનો નિર્જીવ દેહ જોયો. આજુબાજુ વેરાયેલી દીવાસળીઓ વચ્ચે એ લાશના ચહેરા પર હાસ્ય હતું! લોકોએ એ બિચારીના કમનસીબ પર ભારેખમ શબ્દોમાં અફસોસ પ્રગટ કર્યો પણ એમને ખબર નહોતી કે એ છોકરીએ મરતાં પહેલાં કલ્પનાવિહારમાં કેવો અવર્ણનિય આનંદ માણ્યો હતો.
* * *
કેટલાક આનંદો માત્રો સપનાની કલ્પના બનીને જ થીજી જતાં હોય છે. હકીકત બનતા નથી!
તો?
બી એ ચાઇલ્ડ, મેઇક અ વિશ, રીડરબિરાદર…. અને જો પોસિબલ હોય તો કોઇ બાળકના ખ્વાબ, ખ્વાહિશને પૂરી કરવા ય પ્રયત્ન કરો. એમનું ઉપરવાળા સાથે ડાયરેકટ ડાયલિંગ હોય છે, આપણને ઘેરબેઠા સાન્તા બનવા મળશે, કોઇ એકાદ લિટલ ગર્લ, બોયના સંજોગોની ટાઢ જો આપણી દિવાસળીના હુંફાળા અજવાળે ઉડે….
……તો ગોડ વિલ સે-
મેરી ક્રિસ્મસ!
ફાસ્ટ ફોરવર્ડ
‘જયારે જગતમાં પહેલું બાળક જન્મીને પહેલી વાર હસ્યું, ત્યારે એ હાસ્ય હજારો ટૂકડાઓમાં વહેંચાઇ ગયું! અને એ પરીઓની શરૂઆત હતી! આજે ય નવું બાળક જયારે જન્મે છે, ત્યારે એનું પહેલું હાસ્ય પરી બની જાય છે, માટે દરેક છોકરા કે છોકરી માટે એક પરી તો હોય જ છે!’ (‘પીટર પાન’માં જેમ્સ મેથ્યુ બેરી)
બાળકો અને પરીલોકની ફેન્ટેસી માટેના લેખો લખવા મને શૃંગાર અને પ્યાર બાબતના લેખો લખવા જેટલા જ પ્રિય રહ્યા છે (કેટલાક લોકોને અમુક જ લખાણો યાદ રહી જાય છે, ને આવા ચુકી જાય છે – એ એમનો પ્રોબ્લેમ હશે- મારો નહિ ! :P)….આખી રાત જાગીને એક સપ્તાહ પહેલા દોડતી કારમાં પીળા લેમ્પના અજવાળે આ લેખ ખૂને-જીગરથી લખ્યો હતો. પૂર્તિ તો વર્ષાંતે સ્વાભાવિક ‘ગુડ બાય’ ફીચરને લીધે કેન્સલ થઇ, પણ ક્રિસ્મસની રાત વીત્યા પછી કિડ્સ માટે આ લેખનો ચાર્મ બિલેટેડ બર્થ ડે જેવો થઇ જાય ! સદનસીબે આ બાબતે મારાથી પણ વધુ સંવેદનશીલ એવા પ્રિય એડિટરસાહેબે કાળજીપૂર્વક આ લેખ અખબારમાં જગ્યાની જબ્બર કટોકટી છતાં લેવડાવ્યો. ક્યાંક કદાચ ના આવ્યો હોય, પણ ખાસ તો બહાર રહેતા ઓન લાઈન વાચકોને વાંચવા ના મળ્યો અને ફરમાઈશનો ધોધ વછૂટ્યો ! ઘેર બેઠાં આટલું આપવા જેટલી ‘સાન્તાગીરી’ કરી જ શકાય ને આ રાત્રે…એટલે વધુ સજાવટ સાથે મુકું છું. આ વાંચીને વાહવાહી કે ટીકાટિપ્પણ તો ઠીક, પણ ‘કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે’ ની વૃત્તિ પ્રવૃત્તિમાં બદલાય તો મારાં દિલમાં દીવા થશે 🙂 ….અને હા, અહીં બે વિડીયો મુકું છું, એ જોવાનું આળસમાં ટાળી ના દેતા પ્લીઝ. પ્રથમ વિડીયો અનુવાદ કરતી વખતે મને ય રડાવી ગયેલી ‘લિટલ મેચ ગર્લ’ના હૃદયસ્પર્શી એનિમેશન અવતારનો છે. આ ટચૂકડી ફિલ્મ ડીવીડી બોનસ તરીકે ડિઝની (હુ એલ્સ?) સ્ટુડિયોએ બનાવી હતી. મસ્ટ સી. બીજામાં ‘આર્થર ક્રિસ્મસ’નું મસ્ત ટ્રેલર છે.સાન્તાક્લોઝ અત્યારે દોડમદોડ કરતા અહીં પણ નજર નાખી ફૂમતું ફરકાવતા હશે, અને જીસસ સ્માઈલ આપતા હશે. કેમ? આવું કશું વાંચીને તમારા હ્રદયમાં એ સ્મિતનું સંગીત ગુંજતું નથી? :-“