ઉંડાણભરી નિર્મળ આસમાની આંખો… તેજોમય… કપાળ… પાતળા રકતરંગી હોઠ… ખભા સુધી લહેરાતા સુંવાળા વાળના ઝૂલ્ફા… પ્રમાણસરની રતાશ પડતી ત્રિકોણાકાર દાઢી… લાંબુ નાક.. ગૌરવર્ણી ગાલ… સૌમ્ય સ્મિત અને દિવ્ય કરૂણામય આભાનું મિશ્રણ જે ચહેરામાં જોવા મળે, એ ચહેરો કદાચ વિશ્વનો સૌથી પ્રસિઘ્ધ ચહેરો હોઇ શકે. કારણ કે, આ વર્ણન ઇસુ ખ્રિસ્ત યાને જીસસ ક્રાઇસ્ટના મુખારવિંદનું છે. આટલું વાંચતા જ મનોમન આ વિશ્વવિખ્યાત ચહેરો સજીવન થઇને તરવરી ઉઠે! પછી સાકાર થાય લાંબા ઝભ્ભાધારી એક પ્રભાવી દેહની આકૃતિ!
હવે જરા ધારી ધારીને આ લેખ સાથે શરૂઆતમાં જ મુકેલી એકસકલૂઝિવ તસવીરને જુઓ. ઇસ ચહેરે મેં કુછ જાના -પહેચાના સા લગતા હૈ? યા ચહેરા હી અન્જાના સા લગતા હૈ? આ તસવીર કંઇ ખાસ પરિચિત નહિ લાગે. પહેલી નજરે કોઇ કૂતૂહલના ભાવ પ્રગટ કરનાર પ્રાચીન પૃથ્વીવાસીની કે ગામડાના અલગારી ખેડૂતની તસવીર લાગશે. ખાસ વ્યવસ્થિત સજાવટ કે વસ્ત્રો ધારણ ન કરનાર કોઇ ભટકતા વણઝારા કે ફકીરની ઝાંય પણ એમાં મળી શકે. પણ નાતાલ છે એટલે બાય ગોડ, આ તસવીર ઇસુ ખ્રિસ્તની છે!
એટલે કે એ ઇસુ – ખ્રિસ્તનો કોઇ પ્રમાણભૂત ફોટો નથી, પણ વિજ્ઞાનીઓ, કળાકારો અને ટેકનોક્રેટસે તૈયાર કરેલો આ ઇસુનો આજ દિન સુધીનો સૌથી વઘુ વાસ્તવિક, અધિકૃત અને વૈજ્ઞાનિક ચહેરો છે. અને આવો દાવો કંઇ ખ્રિસ્તી વિરોધી સંસ્થાઓનો નહિ, પણ ખ્રિસ્તના સામ્રાજયનો ડંકો દુનિયામાં વગાડનાર બ્રિટનની વર્લ્ડ ફેમસ અને દરેક તથ્યને સત્તર ગળણે ગાળીને પીતી સમાચાર સંસ્થા ‘બીબીસી’નો છે!
આ ચહેરાને જીસસનો સૌથી વઘુ નજીદીકી પ્રમાણભૂત ચહેરો ગણાવીને બીબીસીએ ૧૫ લાખ પાઉન્ડ (રૂપિયાથી ગુણી કાઢજો ને પછી દસ વર્ષનો ફુગાવો ઉમેરજો !) ખર્ચીને ‘સન ઓફ ગોડ’ નામની ડિજીટલ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવીને માં બ્રિટનમાં ૨૦૦૨માં બતાવી પણ દીધી છે. પછી તો ખાસ ન વંચાતા ટેકનીકલ મેગેઝીનોએ પણ આ બાબતના સંશોધન કાર્યના ભારેખમ અહેવાલો પ્રગટ કર્યા છે. એમાં સામાન્ય માણસને મજા પડે એવું કંઇ નથી – સિવાય કે જીસસનો આ બધી કસરતને અંતે તૈયાર થયેલો બ્રાન્ડ ન્યૂ ફેઇસ!
આમ તો ઐતિહાસિક મહાપુરૂષોના ચહેરા અને દેખાવ શ્રઘ્ધાળુઓની કલ્પના પર વઘુ આધારિત હોય છે અને વૈજ્ઞાનિક સચ્ચાઇ પર ઓછા! એનું સહુથી કલાસિક ઉદાહરણ કૃષ્ણનું છે. જેમનું નામ જ ‘શ્યામ’ છે, એવા આ અવતારી પુરૂષ અંગેના કાવ્યાત્મક ગ્રંથોમાં પણ કાનજીને ‘કાળા’ સોઇઝાટકીને કહેવાયા છે. ખુદ કૃષ્ણ કે કૃષ્ણ ચરિત્રના પ્રાચીન ગ્રંથકારોએ આ શ્યામ વર્ણનો સ્વીકાર કર્યો છે. પણ ભગવાન કંઇ કાળા હોય? એટલે ચિત્રકારોએ છટકબારી શોધીને એમને ‘બ્લ્યુ’ યાને વાદળી રંગના બતાવ્યા. પછી ફિલ્મ – ટી.વી.ના પડદે તો મેક – અપના થથેડા સહિત રૂડારૂપાળા હેન્ડસમ કૃષ્ણ સ્થાપિત થઇ ગયા.
‘મહાભારત’ કે ‘રામાયણ’ કાળમાં મોગલ દરબાર જેવા અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો- ઝુમ્મરોના ઠઠારા પણ નહોતા. સ્ત્રીઓ માત્ર કમર નીચેનું કટિવસ્ત્ર પહેરતી. ઉપર કેવળ આભૂષણો કે ખાસ કિસ્સામાં કંચૂકી (બ્લાઉઝની આદિમાતા) પહેરતી. ભવ્યાતિભવ્ય મહાલયોમાં ઝગમગાટ કરતા પથ્થર અને લાકડાની કોતરણીનું મહત્ત્વ વિશેષ હતું. ‘મહાભારત’ના યુદ્ધ વખતે તો કૃષ્ણ-અર્જુન બધા ઓફિશ્યલી વૃદ્ધ થઈ ગયા હતા!
શ્યામ બેનેગલે એની અફલાતૂન ટી.વી. શ્રેણી ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં આ સલીમ ધાઉસ (‘સોલ્જર’ ફિલ્મનો વિલન, ‘સુબહા’ ટીવીસિરિયલનો નાયક)ને કૃષ્ણ અને ઓમપુરીને દુર્યોધન તરીકે લઈને સાદાસીધા કળાત્મક રાજદરબાર દર્શાવતો એપિસોડ બનાવેલો. પ્રચલિત લોકમાન્યતા વિરૂદ્ધનું ચિત્રણ પ્રજાને જરાય પસંદ નહોતુ પડયું! (જુઓ યુદ્ધ પહેલા કૌરવો સાથે ‘વિષ્ટિ’ (negotiation) નું ચિત્રણ નીચેના વિડીયોમાં) હજુય દાઢીધારી શિવ કરતા ક્લીન શેવન શંકર જ પોપ્યુલર છે. આસ્થાળુ બધેય ધોળા! હિન્દુ હોય, મુસ્લીમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય!
શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર હોતી નથી. અહીં વાત કોઈ ધર્મની શ્રદ્ધાની છે જ નહિ. વાત કેવળ ઈતિહાસની છે, જ્યાં સબૂતોથી વાત સાબિત થતી હોય છે. ખ્રિસ્તી શોધકોએ જ ઈસુની અસલી ઓળખની તલાશ કરી છે. પણ રામકૃષ્ણ પરમહંસને મળતો આવતો આ ચહેરો કેવી રીતે બન્યો, વાત માંડતા પહેલાં અત્યારે સત્તાવાર ગણાતો ઇસુનો ચહેરો કેવી રીતે બન્યો એની તવારિખ ટૂંકમાં જોઈ લઈએ. જે ચહેરાને ‘જાદૂગર’ ફિલ્મમાં અમિતાભે ભજવી બતાવેલો અને હાલ ‘આર્ટ ઓફ લિવિંગ’વાળા રવિશંકરશ્રી જેને ‘હાઈલાઈટ’ કરી રહ્યા છે, એવા ઈસુના લોકપ્રિય ચહેરાનું મૂળ અને કુળ શું છે? લેટસ ફાઈન્ડ આઉટ. (એ પહેલા માર્ટીન સ્કોર્સીસની વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ ફિલ્મમાં યુવાન ઇસુનો થોડો ઓફબીટ દેખાવ અહીં વિડીયોમાં જોઈ શકો છો )
આમ તો ઈસુના દેખાવ કે વ્યક્તિત્વની કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. ઈસુના જીવન અને ચરિત્રનો મુખ્ય સ્ત્રોત બાઈબલ છે. બાઈબલમાં પણ ‘ન્યુ ટેસ્ટામેન્ટ’નો વિભાગ છે. એમાંય ‘ગોસ્પેલ’ નામે ઓળખાતા ૪ ખંડ સૌથી વઘુ મહત્વપૂર્ણ ગણાય છે, જે સંત મેથ્યુ, સંત માર્ક, સંત લ્યૂક અને સંત જોન નામના ઈસુના ૪ શિષ્યોએ લખ્યા છે. બાકીના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’વાળા ઈઝરાયેલી યહૂદીઓની હિબ્રુ ભાષામાં લખાયેલા ભાગમાં પુરાતન કથાઓ અને મસીહાના આગમનની એંધાણીઓ છે.
ગ્રીક ભાષામાં ‘શુભ સમાચાર’ એવો અર્થ ધરાવતા ‘ગોસ્પેલ’માં પણ ફોક્સ ઈસુના વિચારો- ઉપદેશ પર છે. ઈસુના જન્મ અને મૃત્યુ પહેલાના થોડા વર્ષો સિવાય એમના જીવનમાં બનેલી અન્ય ઘટનાઓ વિશે કે તારૂણ્ય અને યુવાની વિશે ખાસ ઉલ્લેખ નથી. શારીરિક વર્ણનની તો વાત જ ક્યાં કરવી? એ વખતે ઈસુ ચોક્કસ સમુદાય સિવાય ખાસ વિખ્યાત પણ નહોતા. માટે પ્રારંભકાળના ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ‘ક્રોસ’ જેવા પ્રતીકોની વઘુ પૂજા કરતા.
ઈસુની અત્યારે મશહૂર ઈમેજીઝ મુખ્યત્વે મઘ્યયુગીન ચર્ચોમાંથી ‘કોપી’ કરવામાં આવી છે. એ માટેનો ‘પ્રાઈમ સોર્સ’ ૧૨મી સદીમાં મળી આવેલ ‘વેરોનિકાનો પડદો’ ગણાતો હતો. એ અગાઉ વર્જીન મેરી અને બાળકનું વિખ્યાત ચિત્ર ઈસુના પટ્ટશિષ્ય સેઈન્ટ લ્યુકે બનાવી રોમમાં મૂક્યું; પરંતુ વેરોનિકાનો પડદો વળી જુદી જ માયા હતી. ઈસુને માથે ઝાંખરાનો મુગટ પહેરાવી ક્રોસ ઉપાડીને વધસ્તંભ પર લઈ જવામાં આવ્યા, ત્યારે વેરોનિકા નામની એક સેવકશિષ્યા એની સાથે ચાલતી હતી. (એક માન્યતા મુજબ ઈસુએ ચમત્કારિક રીતે બિમારીમાંથી સજી કરી એ સ્ત્રીનું નામ વેરોનિકા હતું) વેરોનિકા ઈસુના ચહેરા પરથી નીતરતો પસીનો અને કાંટાને કારણે કપાળ પરથી દડતું લોહી એક પડદાનો ગમછો બનાવી, એનાથી વારંવાર લૂછતી હતી. આ કારણે એ પડદા પર લોહી અને પરસેવાની કાયમી છાપ બની, જેમાં ઈસુના ચહેરાની રેખાઓ અંકાઈ ગયેલી. આ પડદાનો ટૂકડો વેટિકનમાં ૧૨મી સદીમાં આવ્યો ત્યારે એ ઈસુના ચહેરાનો પ્રગટ પુરાવો મનાયો. પણ ઈ.સ. ૧૫૨૭ માં રોમ ભાંગ્યું ત્યારે આ સ્મરણાવશેષ નાશ પામ્યો.
બાદમાં ઈ.સ. ૧૪૯૮-૯૯માં વિખ્યાત કળાકાર માઈકલ એન્જેલોએ એના સર્જન દ્વારા ઈસુનો આજે અનિવાર્ય ગણાતો ચહેરો સ્થાપિત કર્યો. એના ‘પિએતા’ શિલ્પમાં વાંકડિયા વાળ, સફાઈદાર દાઢી અને મૃદુ ભાવવાળા ઈસુ પ્રગટ થયા. એ અરસામાં હિનોમીમોસ નામના ચિત્રકારે પણ ‘ક્રાઈસ્ટ યોકડ’ નામના ચિત્રમાં ઈસુનું પ્રેમાળ શાંત વદન પેશ કર્યું.
બસ, ફિકર તો નીકલ પડી! રેનેસાં (નવજાગરણ) યુગના તમામ ચિત્રકારો માટે લાંબા વાળ, સુરેખ દાઢી અને સ્હેજ ફિક્કો લાગે એવો નાજુક ચહેરો જાણે નિયમ બની ગયા. ૧૬મી સદીમાં હાન્સ હોલ્બીને વળી પર્શિયન યાને ઈરાની શૈલીના ઈસુ ચીતર્યા. કારોવાગિયો નામના એક ચિત્રકારે વળી દાઢી વિનાના સફાચટ ચહેરાવાળા ઈસુની કલ્પના કરી (રસ પડે એવી વાત છે, જરા આંખો મીંચીને મગજ દોડાવો! નહિ તો આગળ મુકેલું ચિત્ર જોઈ લેજો) તો મેથિયસ ગ્રનેવાલ્ડ નામના ચિત્રકારે પ્રથમવાર બ્લોન્ડ યાને સોનેરી વાળવાળા ગોરા (વ્હાઇટમેન) ઈસુ રજુ કર્યાં.
અને આવ્યો લિયોનાર્દો દ વિન્ચી (ઓફ મોનાલિસાફેમ)નું યાદગાર ચિત્ર ‘લાસ્ટ સપર’! જાણે હૂબહૂ લેવાયેલો ફોટોગ્રાફ હોય એવા આ ચિત્રમાં ઈસુની ઢળતી આંખો, કોમળ ચહેરો અને ખભા સુધી પથરાતા સુંવાળા વાળ ઈશ્વરીય દૈવીતત્ત્વના પ્રતીક બની ગયા! ધાર્મિક ક્રિશ્ચિયન ચિત્રકારોએ પછી રૂપાળા, ઝૂલ્ફાદાર, દાઢીધારી અને ભૂરી આંખોવાળા સ્નેહમૂર્તિ ઈસુને આજદિન સુધી અમર કરી દીધા છે. વિલિયમ ડિફોએ ‘લાસ્ટ ટેમ્પટેશન ઓફ જીસસ ક્રાઈસ્ટ’માં ફરી ઈસુને કથ્થાઈને બદલે સોનેરી કેશવાળા દર્શાવ્યા… પણ ઈસુનું મુખ જડબેસલાક રીતે ગોઠવાઈ ગયું.
એમાં વળી ૧૯મી સદીમાં ‘તુરીન શ્રાઉડ’ તરીકે ઓળખાતું ઈસુના કફનનું કાપડ મળ્યું, જે ૧૪મી સદીમાં ફ્રાન્સના એક લશ્કરી અફસરે તૂર્કીના ઈસ્તંબૂલમાંથી શોઘ્યા બાદ ખાનગી માલિકીમાં ગાયબ થઈ ગયેલું. હાલ ચર્ચ પાસે રહેલ આ કફનમાં ઈસુનો મૃતદેહ વીંટાયેલો, એમ મનાય છે. લાંબા સમય સુધી એમાં દેહ રહ્યો હોઈ, એના પર લોહીના ડાઘ અને ચહેરા-શરીરની આકૃતિ અંકાઈ ગઈ છે. આ કાપડની સત્યતા અંગે વિવાદ ચાલે છે. પણ એને અધિકૃત માનીએ તો ઈસુની ઉંચાઈ ૫ ફૂટ ૧૧ ઈંચથી ૬ ફૂટ ૨ ઈંચ વચ્ચે હોવાનું નક્કી મનાય છે. એમાં સ્પષ્ટ ચહેરો દેખાતો નથી, પણ દાઢીનો અણસાર જરૂર મળે છે. તો પછી ઈસુનો આ અજાણ્યો લાગતો ચહેરો કયાંથી આવ્યો?
આ કાલ્પનીક ચિત્ર પાછળ આઘુનીક ફોરેન્સીક સાયન્સ, પ્રાચીન કળા કૃતિઓ, કોમ્પ્યુટર, નૃવંશશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ અને રસાયણ જ્ઞાનનો વાસ્તવિક સંગમ છૂપાયેલો છે! ઉત્ખનન (ખોદકામ) કરતાં મળી આવેલ ૨,૦૦૦ વર્ષ જૂની એક યહૂદીની ખોપરીની સાથે ૬ઠ્ઠી સદીમાં રચાયેલા ચિત્રોની ઝીણી ઝીણી વિગતોનો સંગમ કરાયો છે. એ વખતના આછાપાતળા સાંયોગિક પુરાવા અને પુરાણી હસ્તલિપિઓના વર્ણનોના આધારે જેમ અપરાધીનો ચહેરો પોલિસ તંત્ર તૈયાર કરે, એમ નિષ્ણાતોએ અહીં એમની નજરે દેખાતા હોય એવા ‘ઇશ્વરપુત્ર’ (જોકે, બાઇબલમાં ઘણી વાર ઇસુએ પોતાને ‘સન ઓફ મેન’ તરીકે પણ ઓળખાવ્યા છે)ની તસ્વીર બનાવી.
ઇસુ જન્મે યહૂદી હતા. માટે યહૂદીઓની આનુવંશિક લાક્ષણિકતાઓને ઘ્યાનમાં રખાઇ. ‘ક્રૂસેડ’ બ્રાન્ડ ધર્મયુદ્ધો પછી ગોરી ચામડીના ન હોય, એ ખ્રિસ્તવિરોધી જ હોય એવી લોકમાન્યતા યુરોપમાં પ્રચલિત હતી. માટે બધાએ ઇસુને ગોરા ચીતર્યા. પણ રણપ્રદેશમાં ફરતા ભરવાડની ત્વચા તડકો અને ઘૂળ ખાઇને તાંબાવરણી બની ગઇ હોય! માટે નવા ચહેરામાં ચામડીનો રંગ ઘેરો કરાયો.
યહૂદીઓની કદ-કાઠી ગ્રીકો જેવી ભવ્ય નહીં પણ સ્હેજ બેઠી દડીની હોય છે. વળી, એ કાળમાં રોમનો લાંબા વાળ રાખતા, બેથેલહેમ -નાઝરથ વિસ્તારના સામાન્ય માણસો નહીં ! માટે વાળ ટૂંકા થયા. સતત રખડપટ્ટી કરનાર શ્રમજીવીના વાળ લિસ્સા લ્હેરાયેલા ન હોય…. એ માટે ગૂંચળાવાળા દર્શાવાયા. જીનેટિકસના આધારે નાક સ્ત્રૈણને બદલે કડક ચીતરવામાં આવ્યું.
કાળની થપાટો ખાઇને ખડતલ બનેલ આદમીના ચહેરા પર કૂમાશ નહીં પણ સ્નાયુબદ્ધ, સખતાઇ હોય, એમ માનીને ગાલ ભરાવદાર અને આંખો ઉંડી બતાવાઇ. ચહેરા પર ‘પરમ શાંતિ’ના રોમેન્ટિક ભાવપ્રદર્શનને બદલે ‘નિર્દોષ વિસ્મય’ના બાળસહજ ભોળપણનું નિરૂપણ કરાયું. વિદ્વાનોના મતે ઇઝરાયેલના જેરૂશાલેમમાં આજેય આ આકૃતિને મળતી આવતી વ્યકિતઓ મળી શકે છે! આ તજ્જ્ઞોએ નાઝીઓની ગેસ ચેમ્બરમાં કેદીઓને થયેલા અનુભવોના આધારે આવી સ્થિતિમાં પરસેવાને બદલે લોહી પણ ઝમી શકે છે, એમ સાબિત કરીને એ દંતકથાને પુષ્ટિ આપી, પણ દિવ્ય ચહેરાવાળી દંતકથાને તોડી પાડી!
જે કેવળ આંધળો અનુયાયી નહિ, પણ ખરો ખ્રિસ્તી છે, એને કશી શંકા-કુશંકા થવાની નથી. ઇસુના મુખ કરતાં એમના મોંમાંથી નીકળેલા સદ્ભાવના શબ્દો વઘુ અણમોલ છે. જે ભક્તિ નહિ, પણ જીસસને પામ્યો છે, એની શાંતિ અને કરૂણાસભર નજરોમાં પૃથ્વીનો પ્રત્યેક ચહેરો ઇસુનો ચહેરો છે. ઇસુ જીવતા હોત, તો કહેતઃ ‘કોઇપણ માણસને જુઓ, અને એમનામાં મને નિહાળો!’
મેરી ક્રિસમસ.
ફાસ્ટ ફોરવર્ડ
લંડનના ગાર્ડિયન અખબારમાં નાતાલની ઉજવણીરૂપે ‘ઇસુ કોણ હતા?’ એની કટાક્ષિકા પ્રગટ થઇ છે. એમાં રમૂજના રંગમાં વાસ્તવિક વેદનાની વેધકતા ભળેલી છેઃ જેમ કે
(એ) ‘ઇસુ કાળા નીગ્રો હતા.’
કારણ એકઃ એમને કદી સાચો ન્યાય ન મળ્યો!
(બી) ‘ઇસુ યહૂદી હતા’
કારણ બેઃ (૧) એ ૩૩ વર્ષ સુધી ઘેર રહી, પછી પિતાના ધંધામાં જોડાઇ ગયેલા! (૨) એ એમની માતાને કુંવારી માનતા, અને એમની માતા એમના પુત્રને ભગવાન માનતી!
(સી) ‘ઇસુ સ્ત્રી હતા’
કારણ ત્રણ : (૧) એમણે ટોળાને મિનિટોમાં વગર સામાને ભોજન જમાડયા, (૨) ઢગલો પુરૂષોને એમણે એવો સંદેશો આપ્યો, જે પુરૂષોને ઝટ સમજાયો નહીં! (૩) મૃત્યુ પછી પણ એમણે ઉઠવું, પડયું કારણ કે ઘણું કામ એમની માથે બાકી હતું ! 😛
# ૯ વર્ષ અગાઉનો લેખ ફરી નાતાલ ટાણે ઝબકી ગયો અને વધુ સારી સજાવટ સાથે રજુ થઇ શક્યો. હજુ યે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ (રાજકુમાર સંતોષી )માં કે ‘પેશન ઓફ ધ ક્રાઈસ્ટ’ (મેલ ગિબ્સન)માં પરંપરાગત ચહેરાવાળા જ જીસસ રજુ થાય છે. લોકમાનસમાં જો કલ્પના છવાઈ જાય, તો વાસ્તવ એને હંફાવી ના શકે એનો આથી વધુ મોટો પુરાવો શો હોઈ શકે? આ કળાનો વિજ્ઞાન પર વિજય હશે? રજાઓમાં વિચારજો.