RSS

Daily Archives: December 19, 2011

લાયસન્સ ટુ ચિલ! શિયાળાના તડકા-છાયા…

વોટ એ વન્ડરફુલ એન્ડ કૂઉઉલ કૂઉઉઉલ સીઝન! ઓલ્ડ થઇ જનારાને કોલ્ડ થવું નહિ ગમતું હોય, પણ યંગબર્ડસ માટે તો આ પાંખો ફફડાવીને ઉડવાની મોસમ છે. ફલેશ ગોર્ડનના કોમિકસમાં ‘ફ્રિજીયા’ નામનો એક ગ્રહ આવતો, જેમાં બારેમાસ શિયાળો રહેતો! વાઉ! ત્યાં જઇને રહેવા માટે વિન્ટરલવરનું દલડું ધડામ ધડૂમ કરતું ધબકે એમાં કોઇને ય સરપ્રાઇઝ ન થવું જોઇએ! ઠંડા ઠંડા કૂલ કૂલ હોવાને લીધે જ તો પશ્ચિમના મુલકો જોઈને આપણું મનડું મલકાય છે.

ગુજરાતી સાહિત્યમાં શિયાળાની સવાર પર અફલાતૂન નિબંધો લખાયા છે. અંગ્રેજી સાહિત્યમાં શિયાળાની રાત પર બહેતરીન કવિતાઓ રચાઇ છે. અલબત્ત, બંનેના મૂડ અને ટેમ્પરામેન્ટ ડિફરન્ટ છે. શિયાળાની સવારના તડકાનું ગુજરાતી વર્ણન હંમેશા ચીઅરફુલ હોય છે. વૃક્ષોના પર્ણોના મર્મર ઘ્વનિમાંથી ચળાઇને આવતા કૂણાકૂણા સૂર્ય કિરણોની તાજગી ને એવું બઘું ! શિયાળાની ઠંડી રાતનું અંગ્રેજી વર્ણન નિત્ય સેડ રોડ હોય છે. સફેદ બરફમાં થીજી ગયેલી પ્રકૃતિ પૃથ્વીનું હાડપીંજર દર્શાવે છે. એટ સેટરા.

‘જેન્નેકસ્ટ’ (જનરેશન નેકસ્ટનું શોર્ટ ફોર્મ. યુ.સી.? યંગથીંગ્સ પાસે ટાઇમ નથી હોતો ને?)માં આવા બ્લેક વર્સીસ વ્હાઇટ, જોય વર્સીસ સોરોના લિસ્ટિંગ માટેના જાણીતા વર્ડિંગ્સ છે. ટર્ન ઓન, ટર્ન ઓફ.

કોઇ જોશીલો જુવાનિયો નીચું માથું ઘાલી પોતાની ઘૂનમાં સીટી વગાડતો જતો હોય, ત્યાં વગર સિગ્નલે ટ્રાફિક થંભાવી દે એવી કોઇ છરહરી છોકરી નીકળે અને જુવાનજી પોતાનો મારગ મેલીને, યાને કે પોતાની દિશા ધૂમાવીને એ છોકરીનો પીછો કરવા લાગે ત્યારે એણે શું કર્યું કહેવાય? ટર્ન મારવા માટે મજબૂર થયો કહેવાય! મતલબ કે બાબત તમને ઉત્તેજીત કરી મૂકે, જાત ભૂલાવે તેવી લલચાવી શકે, એ થઇ ટર્ન ઓન! અને કોઇ ડાહીડમરી ડોલ જેવી કન્યા ઠુમકતી મલપતી પોતાની મંઝિલે જતી હોય અને કોઇ આવારા અલેલટપ્પુ કોલર ટાઇટ કરી ગુટકા ચાવતો બાઇક પર ધૂમરીઓ લગાવે, ને છોકરી ફટ પોતાનો રસ્તો બદલાવી નાખે એ શું થયું? એણે પણ પોતાની દિશા ફેરવી, અલબત્ત નેગેટિવલી! જે ખેંચાણને બદલે અવળો ધકકો લગાવે, તે છે ટર્ન ઓફ!

તો ૨૧મી સદીનો વિદ્યાર્થી એની ૧૧મી સદીની સ્ટાઇલમાં લેવાતી પરીક્ષાઓના નિબંધમાં લખી શકે એવું એક લિસ્ટ બનાવીએ. વિન્ટરના ટર્ન ઓન્સ, ટર્ન ઓફ્‌સનું. હાઇ એન્ડ લોનું! કિસીઝ એન્ડ કિક્‌સનું! શિયાળાની સવારના કુમળા તડકા જેવા ટર્ન ઓન અને શિયાળાની મધરાતની ઠરી ગયેલી અંધારી છાયા જેવા ટર્ન ઓફ કયા કયા છે? મતલબ, આપણા ફુલગુલાબી (આ ઠંડી ગુલાબી જ કેમ હોતી હશે? એમાં પર્પલ, ચેરી રેડ, મેજેન્ટા, મરૂન, ફલ્યુરોન્સન્ટ વાયોલેટ, એવા શેડસ કેમ ન હોય?) સ્વદેશી શિયાળાની ૨૧ મોડર્ન વાહ અને આહની વાતો!

(૧) શિયાળાની રાત્રે પંખા થાય નહિ, બારી-બારણા ખુલ્લા હોય નહિ ને બ્લેન્કેટમાં ધૂસી ગયેલો મચ્છર ગુન ગુન ગુન કરી ચટકા ભર્યા કરે, બિગ ટર્ન ઓફ! રીતસર લોહી પી જાય, મચ્છરિયો!

પણ શિયાળાની રાતોએ ઘણાને જે ભેંકાર, સૂનકાર લાગે તેવી નીરવ શાંતિ હોય, અને ગાદલામાં લપાઇને આરામથી કશું વાંચી શકાય… કોમ્પ્યુટર પર ટકાટક કરી શકાય… ટીવી/મુવી નોનસ્ટોપ, વિધાઉટ ડિસ્ટર્બન્સ માણી શકાય… હમમમ… ટેરિફિક ટર્ન ઓન!

(૨) શિયાળાને ખાતર શરીરને જરૂર ન હોય તો પણ બેસ્વાદ ઉકાળા ફેશનના ભાગ રૂપે પીવા, ને પછી પાછું મન ફાવે તે ‘પીવું’ ને ઉકાળા ય જાતે બનાવવાની તસદી નહિ લેવાની… ઉફફ.. ટર્ન ઓફ!

પણ શિયાળાની મદમસ્ત ઠંડીમાં હોટમહોટ ચોકલેટ કે ઠંડીની સામે ગરમી જીભડો કાઢતી હોય એવા ઘૂમાડા નીકળતી ગરમા ગરમ કોફીની ચુસ્કીઓ લેવી, ઉપર મોંમાં આદૂની કટકી ચગળવી! એકદમ હુંફાળું ટર્ન ઓન!

(૩) શિયાળામાં આઇસ્ક્રીમ ખાવા પર નાહકનો જ દોઢડાહ્યાઓ પ્રતિબંધ મૂકી દે છે. શિયાળુ શરદી એલર્જી અને કાનમાં ધૂસી જતા પવનથી થાય છે, આઇસ્ક્રીમથી નહિ બાપલા! બહાર પણ ટાઢક હોય અને અન્નનળીથી જઠર સુધી પણ ટાઢક હોય એવો અનુભવ વૈદરાજો અને મોટેરાઓ કડકાઇથી ન લેવા દે, અને ‘આઇસ્ક્રીમોફોબિયા’થી પીડાતી પબ્લિક આઇસ્ક્રીમ ખાય નહિ, એ છે ટર્ન ઓફ!

પણ આ ૠતુમાં જ વિટામીન સીથી છલોછલ, દાંત અંબાઇ જાય એવા ઓરેન્જ, જામફળ, દાડમ, આમળા, ચણીબોર વગેરે ફળો ખાવા મળે… સુપર હેલ્ધી શેરડી ને ખજુર ઝાપટવા મળે… ટર્ન ઓન!

(૪) લોકો એક-બે દિવસ ન્હાવામાંથી ગુલ્લી મારી જાય ને બગલ બાજુવાળાને ગંધાય.. યક્‌…. ટર્ન ઓફ!

પણ અડદિયા, તલસાંકળી કે શિંગની ચીકી ગરમ થવાની સોડમ નાકમાં પ્રવેશે.. યમ્મી.. ટર્ન ઓન!

(૫) ગમે તેટલા ઘુઓ ને ઓળો.. વાળ ચટ-પટ વીંખાઇને શિંગડા જેવા થઇ જાય! ટર્ન ઓફ!

પણ બિન્દાસ જાતભાતની રંગબેરંગી ટોપીઓ ચડાવી, ફેંટા વીંટીને ઘરમાં પણ બેસી શકાય… ટર્ન ઓન!

(૬) શિયાળામાં રાત્રે પથારીમાં પણ હળવાફુલ રહેવાને બદલે ઠંડી કડકડતી હોય તો બઘું પહેરી ગોટપોટ થઇ જવું પડે ને જયાં બહારગામ જવાનું હોય ત્યાં સ્વેટર, પુલઓવર, કોટ જેવા તગડાં વસ્ત્રો પેટીમાં પેક કરવાથી મસમોટી બેગનું વજન ઉંચકીને ફર્યા કરવું પડે, ટર્ન ઓફ!

પણ શરીરનું બેડોળ અદોદળાપણું ઢંકાઇ જાય એવા, પ્રાચીન કાળમાં યોઘ્ધાઓ કવચ પહેરતા એમ જોધપુરી સુટ, કલરફુલ સ્વેટર્સ, થ્રીલર ફિલ્મના હીરો જેવા ઓવરકોટ, મફલર, જાકીટ, સેકસી પુલઓવર્સ, હિપ હગિંગ જીન્સ, શૂઝ પહેરી શકાય… એમાં ય નીચે એકનું એક શર્ટ-અન્ડરવેઅર ચોળાયેલું ઠઠાડો તો ય ચાલે! પણ શરીરને ચપોચપ સ્વેટર-જાકીટ તો શું શાલ પણ ઠંડીમાં રૂંવાડે-રૂંવાડે જે ખરબચડી ભીંસ આપે, એની ‘સેન્સ ઓફ સિકયુરીટી’ જગાડતી અને ‘ટોપ ઓફ ધ વર્લ્ડ’ હોવાનો કોન્ફિડન્સ આપતી ફીલિંગ… ટર્ન ઓન!

(૭) વહેલી પડી જતી સાંજ ઝટ ઠપ્પ થઇ જતી જીંદગી, સન્નાટાના સાપની કાંચળી જેવી વેરાન, ભેંકાર લાંબી લાંબી રાતોનું નિર્જન એકાંત… નેચરલી ટર્ન ઓફ!

લેકિન, સવાર-સવારમાં ઘેર બેઠાં હિમાલય જેવા હિલ સ્ટેશને પહોંચાડી દેતું રહસ્યમય ઘુમ્મસ! વાદળ ઉપર ચાલતા હોઇએ એવો ફોગમાં વોક લેવાનો સ્વર્ગીય આનંદ. સૂરજ ઉગે એમ શ્વેતમાંથી ગોલ્ડન ટોન પકડીને ઓગળી જતાં ઘુમ્મસમાંથી ઉપસતા સડકો, મકાનો, વૃક્ષો, પહાડો અને ઇન્સાનોના દ્રશ્યો! મોમાંથી ઘૂમાડા કાઢીને ગરદન ટટ્ટાર કરી ચિલ્લાવાનું ટર્ન ઓન!

(૮) ઘટ્ટ જામેલા શિયાળામાં ફ્રોસ્ટ બાઇટ (હિમડંખ) લાગે, ને ચામડી તડતડી જાય, સફેદ કિનારીઓ ફાટવા લાગે, હોઠથી ટેરવા દુઃખવા લાગે ને પેટ્રોલિયમ જેલીમાંથી બનેલા સુગંધી ક્રીમ ઘસ્યા કરવા પડે..! વાઢિયા પર કોકમનું ઘી લગાડવું પડે, ટર્ન ઓફ!

પણ શિયાળામાં પરસેવો ખાસ વળે જ નહિં, અને ચામડી ચીકણી બને જ નહીં! પછી તો સ્નાન પહેલાં સરસવ કે ઓલિવ ઓઇલનું ચમકદાર માલિશ ‘કરાવી’ને (માલિશ કરવામાં તનને ફાયદો છે, કરાવવામાં તન-મન બંનેને એડવાન્ટેજ છે!) બોડીની શાઇનિંગ ‘બિઓવુલ્ફ’માં ઝળહળતી એન્જેલીના જોલીની ઘાટીલી કાયા જેવી કરી શકાય એ વાત અલગ છે! બટ નોન સ્ટિકી સ્વેટ ફ્રી સ્કીન- ટર્ન ઓન!

(૯) શાલ, ધાબળા, બંડી, હેડ ગીઅરનો ખર્ચો કરી ત્રણ મહીના બાદ એ બધાને ઘરમાં ઢબુરી દેવા પડે, ટર્ન ઓફ!

પણ એના એ ફરીથી બીજા શિયાળે વાપરી શકાય અને ભારતમાં સતત ઇલેકટ્રિસિટી બિલ વધારતાં ફેન, એરકન્ડીશનર જેવા ‘એન્ટી હીટ ઇકિવપમેન્ટસ’ ઓન કરવા જ ન પડે! ટર્ન ઓન!

(૧૦) શિયાળો એટલે જ લગનગાળો! કપલ્સ માટેની હનીમુન સીઝન (અમસ્તા કંઇ જગતના અસંખ્ય સેલિબ્રિટીઝ ૧૦મા મહિના ઓકટોબરમાં જન્મેલા લિબ્રન હોય છે?) ટીવી પર ચાલતી સિંગિંગ- ડાન્સિંગ કોમ્પીટિશન્સ કરતાં વઘુ પ્રમાણમાં એક દિવસમાં મેરેજ ઇન્વિટેશન્સ હોય છે પણ આ મેરેજીઝના ભપકાદાર ભોજન સમારંભોમાં ઠંડી હોવાથી વઘુ મીઠી લાગતી શિખંડ, બાસુંદી, રસમાઘુરી, ફ્રુટ સલાડ જેવી સ્વીટસને બદલે ટાઢને લીધે સુકી ગરમ મીઠાઇઓ જ જમાડયા કરે, ટર્ન ઓફ!

પણ ઘેર બેઠાં લાલચટ્ટક દેશી ટમેટાંના સૂપના સબડકા ભરી શકાય. ઘરમાં જ ‘હરિયાળી ક્રાંતિ’ આવી હોય એવા લીલા લીલા કઠોળ ચાવી ચાવીને ખાઇ શકાય. લીલું લસણ, લીલી ડુંગળી, લીલી ભાજી… ગ્રીનપીસ મુવમેન્ટ! પ્રોટીન ડાયેટના પાઉડર લેવાને બદલે જરા રીંગણાનો ઓળો કે ઉંધિયુ બનાવવા શાક માર્કેટમાં લટાર તો મારો! બેટરી ચાર્જ થઇ જશે! ટર્ન ઓન.

(૧૧) ચોમાસામાં છોકરીઓ વળ ખાતી, અમળાતી, સંતાતી, પલળતી જોવા મળે. ભીના થઇને પારદર્શક થયેલા વસ્ત્રોની સિલવટોમાંથી બુંદોની સાથે વળાંકો પણ ટપકતાં નિહાળવાની તૃપ્તિ મળે. પણ શિયાળામાં છોકરીઓ બધી ઢંકાઇ જાય! સ્વેટર, કોટ, શાલ, કેપ, સ્કાર્ફમાં બોકસ પેક બાળાઓના ગિગલિંગ સ્માઇલ સિવાય બીજું કશું દેખાય જ નહીં! હયુઉઉજ ટર્ન ઓફ.

પણ શિયાળામાં શરીરના વળાંકો સાથે જ વળ લેતા સ્વેટર-જીન્સ પહેરતી ‘હોટ ચિકસ’ના ચીક રતુમડાં સફરજન જેવા દેખાય, અને ગર્લ્સના એ ગુલાબી ગુલાબી ગાલ જોઇને તબિયત લાલ ટમેટાં જેવી ફુલગુલાબી થઇ જાય… રિયલ ટર્ન ઓન.

(૧૨) સ્કૂલ કે કોલેજે જવા માટે પરાણે ગોદડામાંથી ઉઠીને ઉંઘરેટી આંખે તૈયાર થવું, ટર્ન ઓફ.

ગોદડામાં લપાઇને ગાદલાની અંગત સંગતમાં મોડે સુધી ઘસઘસાટ ‘નીની’ કર્યા બાદ આખો દિવસ ફ્રેશ રહેવું ટર્ન ઓન, યુસી?

(૧૩) શિયાળાના ફટાફટ ખતમ થતાં ટૂંકા દિવસો, ટર્ન ઓફ.

શિયાળાની જો ફંકશનમાં કે ફરવા જવું હોય તો નિરાંતની રાહત આપતી લાંબી રાતો. ટર્ન ઓન.

(૧૪) શિયાળો આવે કે વાતવાતમાં યોગ, વસાણા, મોર્નિંગ જોગિંગ, પાક, આયુર્વેદિક ફાયદાઓ, ડાયેટિશ્યનની સલાહો, ફિટનેસ એકસપર્ટના અભિપ્રાયો ફટકારતાં મિડિયાને ઓન કરીને એકની એક વાતોના રિપિટેશનથી બોર થતાં રહેવું જસ્ટ સ્વીચ ઓફ ધેમ. ટર્ન ઓફ!

પણ આવી ગ્લોસી ટિપ્સ વાંચ્યા- સાંભળ્યા કરવાને બદલે ખરેખર કોઇ કંપની ન મળે તો પણ ટ્રેક, ટીશર્ટ ને શુઝ ચડાવી દોડવા નીકળવું, જીમમાં જઇને એકસરસાઇઝ કરવી, ફિલસૂફીઓની ચોવટમાં શ્વાસ વેડફવાને બદલે ચૂપચાપ પ્રાણાયામ કરવું. વઘુ ભૂખને લીધે ઇનપુટ વધારતા બોડીનો આઉટપુટ વધારવા એકિટવ થવું. ટર્ન ઓન.

(૧૫) શિયાળામાં હોટ શાવરબાથને બદલે ફરજીયાત ટાઢાંબોળ પાણીએ ન્હાવું પડે એ ફૂટેલા કરમ, ટર્ન ઓફ.

ન્હાઇને વઘુ સમય સુધી મહેંક જાળવી રાખતી સીઝનમાં મઘમઘતું પરફયુમ છાંટીને એનર્જેટિક થઇ ડબલ ફોર્સથી કામે ચડવું. ટર્ન ઓન.

(૧૬) બરફની કાતિલ હિમવર્ષા થાય એવી જગ્યાએ જઇ ભૂખ્યા ફસાઇ રહેવું, ટર્ન ઓફ.

સ્નો ફોલમાં તરબોળ થઇ રૂના પોલ જેવા બરફને હથેળીમાં ઝીલવો, આવડે તો આઇસ સ્કીઇંગ કરવું કે હિમમાનવ બનાવવો ને સ્નો બોલની ફેંકાફેંકી કરવી… વિષુવવૃત્તીય વિસ્તારમાં રહેવાવાળાઓ માટે તો આવા સપનાં કે ફિલ્મી સીન પણ છેઃ ટર્ન ઓન!

(૧૭) માત્ર ફેમિલી વેકેશન સમરટાઇમમાં આવતું હોઇને ભઠ્ઠીમાં શેકાતાં, ભીડમાં પીસાતા, પરસેવે ન્હાતા ઉનાળામાં જ ફરવા જવાની કુટેવ ટર્ન ઓફ.

ગમે તેમ સમય કાઢીને રણ અને હિલ સ્ટેશન સિવાયના ભારતનું ભ્રમણ ચેરેશ્મેટિક એન્ડ રોમેન્ટિક વિન્ટરમાં કરવું, અને પ્રાઇવસીની લિજજત માણવી. ટર્ન ઓન.

(૧૮) ઠંડીને લીધે મળવા ઓછા આવતા નજદીકી મિત્રો ફોન પર લોંગ ચેટ કરે છે પણ ખરી મજા તો ટોળા ઓછા ઉમટે એવી મોસમમાં દોસ્તો સાથે લોંગ ડ્રાઇવ કરવાની છે! કોલ્ડ સીઝનમાં કોઇ ન મળે તો કોમ્પ્યુટર સામે કલાકો સુધી કૂકડા બનીને બેસી રહેવું.. ટર્ન ઓફ.

એને બદલે વિન્ટરની ડાર્ક નાઇટમાં આકાશ સામે (ભલે, કાચ બંધ રાખીને) જોઇને સ્કાય ડાયમંડસ જેવા સિતારાઓને જોવા… સવારના મુલાયમ તડકાનો વરખ પહેરીને અગાસીમાં કે બાલ્કનીમાં હોમવર્ક કરવા બેસવું, ગમતા ગીતો સાંભળવા, આવડે એવું કશુંક લખવું- ચીતરવું એ શબનમી પ્રવૃત્તિઓ કરો.. ટર્ન ઓન!

(૧૯) લીકર (લિકયોર)ને હીટર, ટર્ન ઓફ.

તાપણું ને વરાળિયા શાકનો ધુંટો. ટર્ન ઓન.

(૨૦) શિયાળામાં ગેલ, ગમ્મત ને ગપસપ કરવાને બદલે બંધ ઓરડામાં કેદ થઇ પરીક્ષાઓની એકલા એકલા તૈયારી કરવી. ટર્ન ઓફ!

શિયાળામાં અચૂક ભારત આવતા વિદેશવાસી એન.આર.આઇ. મહેમાનોની સંગાથે હરવા ફરવા ને ખાણીપીણી કરવા મળે, ગિફટસ એકસચેન્જ થાય, ક્રિસ્મસ બ્રેક ને ઉતરાણનો ઉત્સવ આવે. ટર્ન ઓન.

(૨૧) શિયાળાની રાતો એકલા એકલા ઓશિકાં મરોડતાં, ચાદર પર આળોટીને રજાઇ ચૂંથતા કાઢવાની ખાલીપાની લાચારી તો એક મોત નોતરતી બીમારી છે. શિયાળાની ટાઢમાં શરીરને માત્ર વૂલનો જ ટચ થયા કરે એ રિયાલિટીથી તનની ટાઢ ઉડાડી હશે, મન ફ્રીઝકોલ્ડ થઇ જાય છે. ટર્ન ઓફ!

ઊનના સ્થાને ઉન્માદ આવે, એક કંબલની નીચે બે વ્યકિતનું યુગલ પોઢે, અનાવૃત થઇને એકમેકને ઓઢતી નર-નારીની ત્વચાઓના સંગમમાંથી નીપજતી ઉષ્મા સામે જગત આખાના લેધરવેઅર પણ ટાઢાબોળ થઇ જાય, એવી હનીસ્વીટ ફેન્ટેસી… ટર્ન ઓન, પ્લીઝ.

 

યે ઈક્કિસ એલીમેન્ટસ કો ફ્રીઝ કિયા જાયે? કે પછી તમે તમારૂં પોતાનું લિસ્ટ બનાવીને ઠંડીને ઠમઠોરી નાખશો?

 

ફાસ્ટ ફોરવર્ડ


કૂંપળ ફૂટયાનું મને સપનું આવ્યું

ને મારી ઉગી’તી લીલ્લી સવાર

સૂરજ પહેરીને થયો હરિયાળા સાફાને

લીલુડે ઘોડે અસવાર…

આખ્યુંની છાજલીઓ વારતાઓ થઇ ગઇ ને

છત્રીનો ઉતર્યો ખુમાર

તડકાઓ આજ હવે લાગે છે છાંયડાને

છાંયડાઓ મળતા ખુવાર…

રણમાં લ્હેરાય હવે લીલા વંટોળ

નથી મૃગજળનો સ્હેજે અણસાર

ધરતીયે ટાઢકથી ધગધગતી આજ

જાણે મખમલીયો મ્હોર્યો જુવાર…

ભાલેથી દડદડતાં પ્રસ્વેદી સસલાંઓ

ઝાકળનો જાણે અવતાર

અગનિની પરબુંને માંડે જે ભામાશા

એને છે ઝાઝા જુહાર

મારી ઉગી’તી લીલ્લી સવાર.

(ડો. જગદીપ નાણાવટી)

#દર શિયાળે નવો થઇ જતો ૪ વર્ષ જુનો લેખ !

 
33 Comments

Posted by on December 19, 2011 in entertainment, youth

 
 
%d bloggers like this: