હું હમણાં નડિયાદ, દાહોદ, સુરત, અમદાવાદ, ભુજ, મુંબઈ, જુનાગઢ….સતત પ્રવાસોમાં હોઉં છું, ને હજુ ય ઇન્શાલ્લાહ આમ જ રહેવાનું છે, થોડો સમય. વિન્ટર ઇઝ સીઝન ઓફ લેક્ચર.
પ્રવાસ દરમિયાન જ ખબર પડી કે આર.કે. લક્ષ્મણ અને અજીત નિનાન જેવા જ ફેવરિટ અને દિગ્ગજ કાર્ટૂન આર્ટિસ્ટ મારિયો મિરાન્ડા એમના પ્રિય ગોવાને હમેશ માટે છોડી ચાલ્યા ગયા. પેલી બકઝ્મ બોમ્બ સેક્રેટરી મિસ ફોન્સેકાને આપણા માટે મજા કરવા છોડી ને ! ગોવામાં બીચ, બિકીની, ફેણી, રેમો અને ચર્ચ પછી સૌથી વધુ ફેમસ એ જ હશે. (શ્યામ બેનેગલની ‘ત્રિકાલ’નું શૂટિંગ એમના મકાનમાં થયું હોવાનું સાંભળ્યું હતું). ડેડલાઈન પર લાસ્ટ મોમેન્ટ કામ કરતા. ઓફિસે ભાગ્યે જ આવતા. કાર્ટૂનકલાની કોઈ જ ફોર્મલ ટ્રેનિંગ એમણે લીધી નહોતી. એમનું કાર્ટૂનમાં કે એ સિવાય પણ ગ્રાફિક ડીટેઇલિંગ લાજવાબ રહેતું. રોજ એકલા એકલા ફિલ્મો જોવા જવાના એ અઠંગ શોખીન હતા – અપૂન કે માફિક, ક્યા ! 🙂 ગઈ કાલે બ્લોગ પર “છબી – છબછબિયાં”માં એમના કેટલાક કમાલ કાર્ટૂનિશ ચિત્રોની લિંક મૂકી હતી. (મારિયોના કાર્ટૂનવિશ્વ પરથી પણ એક ઝમકદાર ટીવી સીરીઅલ બની શકે તેમ છે, )
ફનીમેન મારિયોના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ગ્રાફિક્સ અફલાતૂન રહેતા. બચપણથી એ માણવાની આદત. આજે ય એમના સેંકડો વિઝ્યુઅલ્સ ધરાવતા થોકબંધ મેગેઝીન્સ મારી પાસે જતનથી સચવાઈને પડ્યા છે, પણ એ ખજાનો કદી’ક વેળાસર ખુલ્લો મુકીશું.
મારિયો તો ૮૫ વર્ષે અગ્નીશીખામાં વિલય પામ્યા (એમના પત્ની હબીબાના જણાવ્યા મુજબ ખ્રિસ્તી હોવા છતાં એમનો એમની ઈચ્છા મુજબ અંતિમસંસ્કાર અગ્નિદાહ આપી કરાયો હતો !). ક્યારેક હજાર શબ્દો ના કહે , એ એક ચિત્ર કહી શકે, અને સેંકડો ચિત્રો ના કહી શકે એ એક કાર્ટૂન આસાનીથી કહી શકે – એટલે તો ગ્લોબલ સેલિબ્રિટી મારિયો મિરીન્ડા મહાન છે, હતા અને રહેશે. આજે એમની સલામીમાં સતીશ આચાર્યનું એક કાર્ટૂન જ બસ. (મૂળ બ્લોગની લિંક કાર્ટૂન નીચે છે)
હજુ હમણાં જ રવિપૂર્તિમાં પ્રગટ થયેલા દેવ આનંદ પરના અંજલિલેખના પહેલા ભાગના અંતે ફાસ્ટ ફોરવર્ડ મુકેલું (લેખ તો અખબારી પૂર્તિના શિરસ્તા મુજબ છપાયાના છ દિવસ પહેલા જ લખાઈ ગયો હતો ) કે સ્વર્ગમાં જરૂર કોઈ અપ્સરાઓનો મેગા એન્ટરમેઇન્ટ શો છે. દેવ-શમ્મી નાચવા ગાવા, હુસેન આર્ટ ડિરેક્શન માટે, સ્ટીવ ઇવેન્ટના ટેકનીકલ મેનેજમેન્ટ માટે અને ભીમસેન-ભૂપેન-જગજીત-સુલતાનખાન વગેરે સંગીત માટે ત્યાં તેડાવાયા છે ! (કદાચ પટૌડી ફિટનેસ કોમેન્ટ્રી માટે !) સો, વોચ ધ સ્ટાર્સ ઇન સ્કાય… પ્રગટ થયો ત્યાં તો મારિયો પણ ગયા.
યોગાનુયોગે આ કાર્ટૂન પણ કંઇક આવું જ કહે છે. હવે હેવન્સ વોલ પર ગ્રાન્ડ ગ્રાફિટી જરૂર રચાશે ! ચેક ધ ક્લાઉડસ 😛
રેસ્ટ ઇન પીસ, ઉપ્સ, રેસ્ટ ઇન જોય માસ્ટર મિરાન્ડા.
*મારિયો મિરાન્ડા વિષે વધુ જાણવા અને માણવા અચૂક ક્લિક કરો : http://www.mariodemiranda.com