ભારતભૂમિની આગળ જવા માંગતી ગાડીની ભૂતકાળની ભવ્યતામાં જ પાછળ રહેલી હેડલાઈટ્સને ફેરવવાનું બીડું એક ભડવીરે ઝડપ્યું. આઝાદીની ક્રાંતિ કરતાં ય મોટી ક્રાંતિ વ્યક્તિત્વઅને વિચારોને આઝાદ કરવાની હતી. આઘુનિક્તા અસલી ધર્મ અને સ્વઓળખનો સંદેશો લઈને નીકળી પડેલા એ લાજવાબ ભેજાંબાજે જે વેક્યુમ ક્લીનર ફેરવ્યું, એની મહત્તા ભલભલા ભેજાંબાજોને આજેય પૂરી દેખાઈ નથી. સો વ્હોટ ? કાળ એક કઠોર શિક્ષક અને ક્રૂર ન્યાયાધીશ છે. ગમે તેટલી છબીઓ લટકાવો કે કથાઓ ચલાવો… પૂજાપાઠ ગમે તેટલા ઉંચા સાદે કરો… જમાનો બદલાય છે, એ બદલાય જ છે. સમયના સંચામાં કંઈક ખેરખાંઓની મીઠી વિચારધારાની શેરડીના છોડાં નીકળી જાય છે. જે માણસ ભવ્ય ભૂતકાળની વાતો કર્યા કરે એ મહાન નથી. જે થઈ ગયું એનું પુનરાવર્તન કરવામાં શું મોથ મારી ? જે માણસ ભવિષ્યને પારખી શકે છે, એ મહાન છે. જે આવનારા સમયને અગાઉથી ઓળખી શકે છે – એ મૌલિક દ્રષ્ટા છે. જે સમયની સાથે વાસી (આઉટડેટેડ) નહિ પણ તાજો (કરન્ટ) લાગવા લાગે એ ખરા અર્થમા ચમત્કારિક છે. એ માટે પોપટપાઠ નહિ, ઓરિજીનાલિટી – મૌલિક્તા જોઈએ જ.
‘જીનિયસ’ શબ્દની હાલતી ચાલતી વ્યાખ્યા જેવી એક વ્યક્તિ ભારતમા થઈ ગઈ… કૃષ્ણ કે રામના અસ્તિત્વને તો કોઈ જોઈ ન શક્યું, પણ આ વ્યક્તિ તો સાપ્રત છે. હજુ હમણા સુધી નજર સામે હતી. જો યહૂદીઓ, જર્મનો કે અમેરિકનો પોતાની પાસે આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોવાનું ગૌરવ અનુભવતા હોય, તો પછી ભારતે પણ કહેવું જોઈએ : ‘હમ ભી કુછ કમ નહીં, આપ કે પાસ આઈન્સ્ટાઈન હૈ, તો હમારે પાસ ભી રજનીશ હૈ !’
જી હા, રજનીશ.
ઓશો નહિ, ભગવાન નહિ, આચાર્ય નહિ, ગુરૂ નહિ… સિર્ફ રજનીશ ! સમય કરતા ઘણા વહેલા જન્મી ગયેલા એક વિચારક ! બે ઘડી એમની આઘ્યાત્મિક વાતોને ભૂલી જાવ. એટલું યાદ રાખો કે એ માણસે કેટકેટલું વાંચ્યુ હતું ! કોઈ માની કૂખેથી અવતરેલ માનવપ્રાણી આટલું વાંચીને યાદ રાખે, અને એમાં ય પાછો પોતાના સર્જનાત્મક વિચારોનો સ્પર્શ ઉમેરે… એ પ્રેક્ટિકલી શક્ય નથી ! ઘણા ગુરૂઓના ચેલાઓ પોતાના ગુરૂજીને આખેઆખી લાયબ્રેરી મોઢે હોવાનું કે પાનું ફેરવે ને પાનું યાદ રાખે એવી સ્મરણશક્તિ હોવાનો ઢંઢેરો પીટ્યા કરે છે. એ મહાવિદ્વાન ગુરૂજીઓને સાંભળો કે વાંચો તો દસ-બાર પુસ્તકો સિવાય આજીવન બીજા – રેફરન્સ ન હોય. રોજબરોજના બનાવોની જાણકારી ન હોય. બસ, થોડા સંસ્કૃત શ્વ્લોકો, બે – ચાર વિખ્યાત અંગ્રેજી ગ્રંથો અને ચીલાચાલુ પ્રસંગકથાઓ – પંક્તિઓથી ગાડું ગબડાવ્યા કરે.
પણ રજનીશને વાંચો નહિ, પણ એમના પ્રવચનોના આધારે તૈયાર થયેલા પુસ્તકોની યાદી પર પણ નજર કરો તો મોઢામાં ટેનિસ બોલ જતો રહે એટલું એ આશ્ચર્યથી પહોળું થઈ જશે. વેદ, ઉપનિષદ, સૂફી, તાઓ, ઝેન, તંત્ર, ગીતા, જૈન, ખ્રિસ્તી વગેરે ફિલસૂફીઓ… અષ્ટાવક્ર, મીરા, ગોરમ, કૃષ્ણ, રામ, બ્લેટ્વેસ્કી, ગુર્જીયેફ, જીબ્રાન, મહાવીર, બુઘ્ધ, ઝોરબા, લાઓત્સે, કબીર, રજ્જબ, નાનક, શંકરાચાર્ય, દયાબાઈ, સહજોબાઈ, વાજીદ, નારદ, શિવ, સરહયા-નિલોબા, યારી, ફૂલન, લાલ, ગુલાલ, જગજીવન, દરિયા, સુંદરદાસ, દાદૂ, ધરમદાસ, પલટૂ, મલૂક, જરથૂસ્ત્ર વગેરે વિભૂતિઓ…
આ યાદી જ વાંચતા હાંફી ગયા ? તો વિચાર કરો કે યુવાવસ્થાએ પહોંચતા સુધીમાં તો રજનીશે આ બધાને વાંચ્યા જ નહિ, પચાવ્યા પણ હતા ! વળી એ ઉપરાંત પોતાની મૌલિક વાતો તો ખરી જ. આમાંના કોઈ ઉપર રજનીશને વાંચો / સાંભળો તો ક્યાંય એ બધાએ કહેલી વાતોનું ઉપદેશાત્મક રટણ ન હોય ! એમાં વિજ્ઞાન, કળા, રાજકારણ અને સાહિત્યની છેલ્લામાં છેલ્લી વાતો હોય ! સંખ્યાબંધ ઉર્દૂ શાયરો અને હિન્દી કવિઓની રચનાઓ હોય. એકદમ ફ્રેશ ફ્રેશ ઉદાહરણો બોધકથાઓ, વાર્તાઓ અને કદી ન સાંભળ્યા હોય એવા રમૂજ ટૂચકાઓ પણ હોય ! કોઈ નોર્મલ માણસ આટલું ગોખી શું, જોઈ પણ ન શકે ! રજનીશ તો પુસ્તકો વાંચતા ત્યારે પણ નજર નાખવાને બદલે અન્ડરલાઈન કરી ફૂટનોટ (નોંધ) મૂકતા ! વાંચન નહિ, મનન થતું !
બીજાના પુસ્તકોની ક્યાં વાત કરવી, ખુદ રજનીશના જ હિન્દી – અંગ્રેજીમાં દળદાર કહેવાય એવા ૬૦૦થી વઘુ પુસ્તકો છે. એ જ બઘું ડીવીડી – વીસીડી – કેસેટ્સ પર પણ ઉપલબ્ધ છે. ગમે ત્યાંથી એ પ્લે કરો કે ગમે તે પુસ્તકના ગમે તે પાનાથી વાંચવાની શરૂઆત કરો. રજનીશની પ્રજ્ઞા અને તેજસ્વીતાનો તાપ દઝાડી નહીં દે ઉલટું, જાણે કોઈ આંગળી પકડીને ખાડા – ટેકરા કૂદાવી મેઘધનુષ્ય ભણી લઈ જતું હોય એવું લાગશે. જીવન અને સંવેદનનો એક પણ એવો કોયડો એવો બાકી નથી, જેને રજનીશે હળવા હાથે રમાડ્યો ન હોય. તમે સંમત થાવ કે ન થાવ, પણ રજનીશના તર્ક હંમેશા ‘જરા’ નહિ, ‘બહુત હટ કે’ હોવાના… તમે એના ‘ઈનોવેટિવ’ વિચારોથી અચંબિત તો થઈ જ જાવ. તર્કની તલવાર રજનીશ એવી રીતે ફેરવી શકે કે બેઘડી સત્યને પણ એની ધાર કાપી નાખે !
રજનીશની સૌથી મોટી ખૂબી જ એમની આડેનો સૌથી મોટો અંતરાય હતી. રજનીશથી જ્ઞાન મેળવવાની થિયરી સાવ સિમ્પલ હતીઃ ‘નેતિ નેતિ !’ રજનીશે આ ફોર્મ્યુલા છુટ્ટે હાથે વહેંચી. પણ રજનીશવાણી મુજબ જ ‘લોકોએ ચંદ્ર દર્શાવતી મારી આંગળી પકડી લીધી, હું દર્શાવતો હતો એ ચંદ્ર પર ઘ્યાન ન આપ્યું !’
રજનીશ વૉઝ મેન ઓફ ડિનાયલ. જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છેઃ ઈન્કાર. નીચી મૂંડીએ હા એ હા કરનારા અનુયાયી બની શકે છે. આગેવાન એ છે, જેમાં ‘ના’ પાડવાની હિંમત હોય. જે સત્યો સમજતા અનેક ચિંતકોના જન્મારા વીતી ગયા, એ રજનીશને કેમ ‘ચુટકી બજા કે’ દેખાઈ જતા ? કારણ કે, રજનીશે ક્યારેય કોઈ વાત સ્થાપિત છે, પરંપરા છે, લોકપ્રિય છે, જરૂરી છે, સ્વીકૃત છે, સફળ છે… એમ માનીને સ્વીકારી નહિ ! એમણે સવાલો પૂછવાના ચાલુ રાખ્યા. ઈન્કાર કરવાનો ચાલુ રાખ્યો. દરેકે દરેક બાબતને શ્રદ્ધાને બદલે શંકાથી નિહાળવાનું ચાલુ કર્યું અને માત્ર ખંડન કરીને બેસી ન રહ્યા. એક પછી એક વિકલ્પો પર ચોકડી મૂકતા મૂકતા સાચા વિકલ્પની તલાશ ચાલુ રાખી કોમ્પ્યુટરક્રાંતિના દાયકાઓ પહેલા એકલે હાથે મઘ્યપ્રદેશના કુચવાડા – ગાડરવારા જેવા ગ્રામીણ ઈલાકાઓમાં બેઠા બેઠા આખા જગતનું સાહિત્ય અને જ્ઞાનવિજ્ઞાન ઘોળીને પી ગયા.
રજનીશે કદી આત્મકથા લખી નથી, પણ એમના પ્રવચનોના અંશો કે અંતરંગ વાર્તાલાપોના ટૂકડા જોડવાથી આ જીનિયસ બ્રેઈનની પ્રોડક્શન પ્રોસેસનો અંદાજ આવે છે. ૧૧ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ જન્મેલા આ જૈન બાળકનો વેપારી પિતા-માતાને બદલે સંપન્ન નાના-નાનીને ત્યાં ઉછેર થયેલો. રજનીશ પર એમની નાનીનો અમીટ પ્રભાવ હતો. નાની ખજૂરાહોના તાંત્રિક કુટુંબની સ્ત્રી હતી. સુંદર પણ નાસ્તિક કહી શકાય એટલી હદે ધર્મના કર્મકાંડની વિરોધી. બચપણમાં એણે રજનીશને શાળાએ મોકલ્યા જ નહિ. માટે રજનીશ ખરેખર શિક્ષણ મેળવી શક્યા. તળાવો, વૃક્ષો, ખેતરો, પુસ્તકો, વાતો, સિતારાઓ, પંખીઓ… આ બધા એમના ગુરૂ બન્યા.
મોડે મોડે પરાણે ભણવા ગયેલ રજનીશને ભણતર ગમ્યું નહિ. પણ મૃદુ તબિયતનો આ માણસ પોલાદી કાળજાનો હતો. ત્યાગના નામે ભણતરથી ભાગીને શું મળે ? લોકો કહે કે આવડતું નહિ હોય ! રમતા રમતા રજનીશે ફર્સ્ટક્લાસ ગોલ્ડ મેડલની કારકિર્દી ફિલોસોફીમાં બનાવી. હસતા હસતા એ કહેતા ‘હવે હું શિક્ષણની ટીકા કરું, તો એમાં વજન હશે. ફિલોસોફરો મારા ગુરૂઓ નથી. શત્રુઓ છે. એમને હરાવવા માટે એમને ઓળખવા તો પડે ને !’
પછીનો ઈતિહાસ આજે લખવાની જરૂર નથી. જબલપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીપ્રિય અઘ્યાપક, ભારતભ્રમણ કરનાર વક્તા, ગુરૂ, કોમ્યુનના સ્થાપક, ઘ્યાનના શાહસોદાગર, મોંઘીદાટ ઘડિયાળો અને ગાડીઓ, અમીર વિદેશી શિષ્યો, સેવનસ્ટાર લાઈફસ્ટાઈલ, પ્રચંડ વિરોધ, ભયંકર ગેરસમજ, હિપ્પી કલ્ચર, ડ્રગ્સ, ફ્રી લાઈફસ્ટાઈલ… અમેરિકાના ઓરેગોનનું અદ્ભુત રજનીશપુરમ્, અમેરિકન સરકારના વિરોધથી વિશ્વભ્રમણ અને ફરી સ્વદેશાગમન… કથળતી તબિયત, છેલ્લે તબક્કે ગાંડીઘેલી લાગતી સ્વપ્નીલ વાતો, એકલતા… અને અંતે ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ ૫૯ વર્ષે વિઝિટ ઓન પ્લેનેટ અર્થ પૂરી !
રજનીશ એક્ઝિટની બાબતે થોડા કમનસીબ રહ્યા. ૧૯૯૧માં નરસિંહરાવે ગ્લોબલાઈઝેશનનું ગંગાવતરણ કર્યું, અને છેલ્લા દોઢ દસકામાં ભારતના સમજદાર માણસોએ નજરે નિહાળ્યું કે રજનીશ વિચારોમાં કેટલા સાચા (અને કેટલા આગળ !) હતા. અત્યારનો સમય રજનીશ માટે પરફેક્ટ પ્લેટફોર્મ હતો. આસમાન ફાડીને આવતી સેટેલાઈટ ચેનલ્સ, સાઈબર રિવૉલ્યુશન, ટેકનોજનરેશન… હવે જ રજનીશની અષ્ટમ્ પષ્ટમ્ લાગતી વાતો સમજવા – સમજાવવાનો ખરો વખત આવ્યો છે. એક રીતે રજનીશ મોજૂદ નથી – એ એમની પ્રતિભાને વઘુ ન્યાય અપાવે તેમ છે. રજનીશે શરૂઆત કરી ત્યાંથી અંત સુધી પહોંચવામાં એ (કદાચ જાણી જોઈને) એસ્ટાબ્લિશમેન્ટના શિકાર થઈ ચૂક્યા હતા. પોતાના જ વિચારોને ધીરે ધીરે પોતાના જ આચરણમાંથી એમણે દૂર કર્યા… (આ પ્રક્રિયાની ઝલક જાણવા માટે દળદાર નવલકથા ‘અંગાર’ વાંચવા જેવી છે.)…
પોતપોતાના સ્વાર્થ માટે ભળતાસળતા લોકોએ રજનીશનો કબજો લીધો, અને સેલિબ્રિટી સ્ટેટસથી દુનિયા પર છવાઈ જવાના વાજબી મોહમાં રજનીશે એમાં સાથ આપ્યો. ગુરૂવાદનો વિરોધ કરનાર રજનીશ એમની લાખ મનાઈ છતાં ‘ઓશો’ની માળા કે મરૂન ઝભ્ભાના ગુરૂ બનીને પૂજાય… એમની સાથે વાહિયાત ચમત્કારિક દંતકથાઓ જોડાય… જે ધાર્મિક્તાનો વિરોધ કર્યો હોય એ જ ધાર્મિક્તાનો ઢાંચો ભલે અત્યાઘુનિક સ્વરૂપે, પણ એમના નામે ગોઠવાય… રિયલ થૉટ્સ વેર લૉસ્ટ. ઓશો ગાજતા રહ્યા, રજનીશ ખોવાતા રહ્યા.
પણ રજનીશ ચાલાક માણસ હતા. માર્કેટિંગના સોળે સોપાન ભણી ચૂક્યાની વાત છોડો, ભણાવી શકે એવા સ્માર્ટ હતા. ‘બિટવિન ધ લાઈન્સ’ એમની વાતો પર ઘ્યાન આપનાર પામી જાય, એટલી હદે આ વાત એમણે જ પ્રગટ કરી છે. આ દેશે વળી ક્યારે તીવ્ર બુદ્ધિશક્તિના કદમોમાં ઝૂકવાનું શીખ્યું છે ? ભગવું કપડું ભાળીને ભૂરાંટા થનારાના દેશમાં કોઈ ગુમનામ ખૂણામાં વિચારવાયુથી ગૂંગળાઈને મરી જવાનું ? રજનીશે એકલે હાથે ચેલેન્જ લીધી. નવી વાતો કોઈ આ રૂઢિચુસ્ત મુલ્કમાં સાંભળશે નહિ, એ અનુભવ પછી ધાર્મિક રેપર લગાડીને એ જ વિચારો રમતા કર્યા.
માર્કેટિંગમાં ‘ગિમિક્સ’ (ગતકડાં)નું આગવું મહત્વ છે. નિવેદનો, સંન્યાસ, પહેરવેશ… બધામાં સભાનપણે રજનીશે એ ગતકડાં ચાલુ રાખ્યા. ‘સંભોગ સે સમાધિ કી ઓર’નું પુસ્તક અને પ્રવચન એમના માટે ‘બ્રેક થ્રુ’ બન્યું. રાબેતા મુજબ સેક્સે આખી દુનિયાનું ઘ્યાન ખેંચ્યુ અને અંગપ્રદર્શન કરીને હિટ ફિલ્મ આપનાર હીરોઈન પછી સેન્ટ્રલ રોલ ભજવીને અભિનય પ્રતિભા બતાવે, એમ રજનીશે શાંત પાણીમાં પથરો નાખી… લોકોનું ઘ્યાન ખેંચી પછી તદ્દન નવી સ્વતંત્ર વૈચારિક ક્રાંતિનો લેસર શો શરૂ કર્યો !
રજનીશે ઘણુ બઘું ભારતીય તંત્રવિદ્યા અને પાશ્ચાત્ય વિચારકો પાસેથી મેળવ્યુ, પણ એને આગવા પેકેજીંગમાં રજુ કર્યું. આર્કિટેક્ચર, કલર કોમ્બિનેશન, લેઆઉટ, ડિઝાઈન આ બધાનો ક્રિએટિવ ઉપયોગ કેવી રીતે કરીને ધર્મ કે વિચારની શુષ્ક લાગતી વાતો આકર્ષક બનાવી શકાય, એ એમણે સાબિત કરી બતાવ્યું. પુરાતનને સાહસથી ભાંગી બતાવ્યું.
ગુજરાતીમાં લખતા એકે એક લેખકોએ રજનીશ પાસેથી કઈકને કંઈક ઉધાર લીઘું છે. ગાંધીવાદની ખુલ્લેઆમ ટીકા અને સેક્સનો ઉઘાડેછોગ બચાવ… એ બે બાબતો માટે તમામ ઢેખાળા રજનીશે ખાઈને માન્યતાઓના અડાબીડ જંગલમાં ફોરટ્રેક રોડ તૈયાર કરી આપ્યો. પાછળથી સઘળા ચિંતકશિરોમણિઓ એના પર પોતાની ફટીચર ગાડીઓ પૂરપાટ દોડાવીને બંગલા મેળવી લીધા. સમાજવાદનું ખોખલાપણું હોય કે પાશ્ચાત્ય અશ્વ્લીલતાના આક્રમણની મૂર્ખાઈભરી કાગારોળ હોય… રજનીશની ત્યારે ગળે ન ઉતરે એવી વાતો આજે નજરમાં ઉતરતી દેખાય છે.
સેક્સ અને સાયન્સને ધર્મથી આગળ મુકવાની વાત માટે આ માણસે જે ‘મનતોડ’ મહેનત કરી, એ જોતાં ભારતના દરેક યુવાને આ સફેદ દાઢીવાળા માણસની છબીમાં દેખાતી જાદૂઈ આંખો સામે તારામૈત્રક કરવું જોઈએ. યુવાપેઢીની મુક્તિ માટે આટલી સજ્જડ વકીલાત કરવાવાળો બીજો કોઈ પૃથ્વીના પટ પર હજુ સુધી પેદા થયો નથી. જો તમારામાં ‘જીનિયસનેસ’ ખીલવો, તો નાટકીયાવેડા છતાં પણ માત્ર વિચારના જોરે વિશ્વની શ્રેષ્ઠ સુંદરીઓને તમારા ચરણોમાં ઝૂકાવી શકો… અઢળકદોલત ભોગવી શકો… મહાસત્તા અમેરિકાને, એના જ ઘરમાં, પ્રમુખને પરસેવો છૂટી જાય એટલી હદે પડકારી શકો… શબ્દશઃ શૂન્યમાંથી સ્વર્ગનું સદેહ સર્જન કરી શકો…
… આ સાબિત કરવા માટે જ રજનીશ ‘મેન ઓફ ધ મિલેનિયમ’ કહેવાનું જરૂરી નથી લાગતું ? બાકી બઘું બોનસમાં ! સલામ, સર. થેન્ક્સ એ લોટ્ !
ઝિંગ થિંગ!
રજનીશ પાસે એકવાર એક માણસે આવીને કહ્યું: ‘આપને ખબર છે, આપના આશ્રમમાં યુવક – યુવતીઓ કેવો ‘સ્વૈર વિહાર’ કરે છે ?’
રજનીશે કહ્યું: ‘એમાં મારે શું ?’
પેલો પંચાતિયો કહે, ‘પણ આ તમારો આશ્રમ છે !’
રજનીશે કહ્યું, ‘તો પછી તારે શું ?’
(સૌજન્યઃ સુભાષ ભટ્ટ)
#૧૧ ડિસેમ્બર બર્થ ડે તરીકે મારાં માટે લાઈફટાઈમ સ્પેશ્યલ છે. રજનીશ આજે જીવતા હોત તો ૮૦ વર્ષના થયા હોત. ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી. ભારતના અધ્યાત્મને ઓળખવું હોય તો રજનીશને ઓળખવા જ પડે. હું ઓશોનો ભક્ત નથી, પણ પ્રેમી જરૂર છું. ૬ વર્ષ અગાઉનો એમના પરનો લેખ તો કેવળ એક ઝાંખી છે. કહો કે એકલવ્યની ગુરુદક્ષિણાનો એક હપ્તો છે !