RSS

Daily Archives: December 3, 2011

‘કૌમાર્ય’ની ‘ખુશ્બૂ’ : ભારતમાં સેકસની ભૂખ અને સૂગ !

૧૯૮૦ની સાલમાં એ વખતની ‘જૂલી’ ફિલ્મથી હોટમહોટ થઇ ગયેલી અભિનેત્રી લક્ષ્મીએ એક દક્ષિણ ભારતીય મેગેઝીનને ઇન્ટરવ્યૂમાં કહેલું કે ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હિરોઇનને પત્ની બનાવો, અને એ પાછી વર્જીન (કુંવારી) હોય એવી અપેક્ષા રાખો- એ બેઉ કેવી રીતે બની શકે?’ અને હોબાળો મચી ગયો! એ વખતે ટીવી ચેનલ્સ નહોતી. દેશવ્યાપી વિવાદ ન થયો.

૨૦૦૫માં તામિલનાડુની જ સુપરસ્ટાર (પણ બમ્બૈયા અયૈયો ગર્લ) ખુશ્બૂએ આ નિવેદનની જાણે ‘રજત જયંતી’ ઉજવી. બદલાયેલી પેઢી અને વીતેલા સમયે એમાં ફરક એટલો જ પડયો કે વાત માત્ર ફિલ્મી હિરોઇનોની ન રહેતાં આઘુનિક યુવતીઓની ‘ઇન જનરલ’ બની ગઇ. ખુશ્બૂએ ટુ પીસમાં આટલું જ કહેલુ, ‘બે પરિપક્વ વ્યક્તિઓ કાળજીથી કરે તો લગ્ન પૂર્વેના સેકસમાં મને કંઇ ખોટું લાગતું નથી. આજના જમાનામાં પતિઓએ પત્ની વર્જીન હોવાની અપેક્ષા જ ન રખાય’ અને આ દંભી દેશમાં દેકારો થઇ ગયો. ખુશ્બુ પર ૨૫ કોર્ટ કેસ થઇ ગયા. એના ઘર સામે મહિલા મોરચાઓ નીકળ્યા. (સુપ્રીમ કોર્ટે પાછળથી ખુશ્બૂને બાઇજ્જત બરી કરી દીધી). આ દેશમાં શું કોઇ પોતાનું મંતવ્ય પણ પબ્લિક સામે મૂકી ન શકે? બહુ બોલકી મલ્લિકા શેરાવતો ચૂપ થઇ ગઇ, ત્યારે નારાયણ કાર્તિકેયન, દીપલ શાહ, પૂજા ભટ્ટ, સુહાસિની મણિ રત્નમ જેવી ગણીગાંઠી સેલિબ્રિટીઓએ ખુશ્બૂની તરફેણ કરી હતી. સાનિયા મિર્ઝાએ ‘સેકસ લગ્ન પહેલાં કરો કે પછી કરો પણ સેફ (સલામત રીતે, યાને ગર્ભનિરોધકોનો ઉપયોગ કરીને કે પછી કલીન્ટન- મોનિકા સ્ટાઇલમાં) કરો’ એવું સહજભાવે, ઉંમરના પ્રતાપે કહ્યું, ત્યાં તો ખડુસ બુઢ્ઢાઓ તૂટી પડયા એટલે ફટાફટ ફેરવી તોળ્યું. આ બધાને સાઉથ ઇન્ડિયન મૂવીઝના કામુક નૃત્યો નહિ દેખાતા હોય?

એક બડી અજાયબ વાત છે. હિન્દુસ્તાનમાં સેકસ અંગેના એજ્યુકેશનની વાત હોય કે પ્રિ-મેરિટલ સેકસની- બાવામુલ્લાઓની જમાતને એમાં પોતાના અભિપ્રાયોનો કડછો ફેરવવાનો વિકૃત આનંદ આવતો હોય છે. એમની ઇબાદત કે ભકિતમાંથી તરત જ એમનું ઘ્યાન આવી કોઇ સેકસી તસ્વીર, ફિલ્મ, જાહેરાત કે કોમેન્ટ પર જતું રહેતું હોય છે. બ્રહ્મચારી બાવાઓ કે જડબુદ્ધિ મુલ્લાઓને આખો દેશ જાણે પોતાની જેમ જ જીવે એવો જ બનાવી દેવાની તાલાવેલી છે. આમાં આ બધા ઇશ્વર સાથેનું અનુસંધાન કયારે જોડતા હશે? જો વાત સમાજ કે દેશના હિતની જ હોય, તો પછી તમે કદી કોઇ ધર્મગુરૂને ભારતભરના રસ્તા પર પડતાં વેંતવેંતના ખાડાઓ ઉપર ક્રોધિત થતો ભાળ્યો છે? કદી કોઇ પૂજય વંદનીયશ્રીએ શિક્ષણની ઘોર ખોદનારી પરીક્ષા પદ્ધતિની સામે રસ્તા પર આંદોલન કરી મોરચો માંડવાની હાકલ કરી છે? ધર્મના વિષયમાં કોઇ નાક ધુસાડે તો એમને ચમચામંડળ દ્વારા તરત કહી દેવાતું હોય છેઃ ‘આ તમારો વિષય નથી. આનું તમારી પાસે ઉંડાણ નથી’ તો પછી સેકસ, ટીવી કે ફિલ્મો ઉપર ધાર્મિક માણસોને અભિપ્રાય આપવાની આટલી ખુજલી કેમ થયા કરે છે? એમનો એ ‘વિષય’ છે?

જો પ્રિમેરિટલ સેકસની વાત માત્રથી ભારતીય સંસ્કૃતિની પવિત્રતાને લાંછન લાગી જશે એવું માનતા હો, તો જાણી લો કે આ દેશના નામ સાથે એ જોડાયેલો છે. ભારતનું નામ પડયું છે શકુંતલાપુત્ર ભરત પરથી. થેન્કસ ટુ કાલિદાસ એન્ડ ઓલ, એ સુવિદિત છે કે ૠષિપુત્રી શકુંતલા અને રાજા દુષ્યંતે અધિકૃત નહિ એવા ગાંધર્વવિવાહ (જેમાં નર, નારી અને ઇશ્વર સિવાય કોઇ ચોથા પાત્રની જરૂર નથી) કરીને જે સંબંધ બાંઘ્યો, એનું જ ફળ રાજકુમાર ભરત! દરેક લગ્નપૂર્વે કે પછીના સહશયનમાં પરસ્પરની સંમતિથી પ્રવૃત્ત થતાં સ્ત્રી- પુરૂષ મનોમન એકબીજાનો સ્વીકાર કરીને જ ‘તનોતન’માં આગળ વધે છે!

ભગવદ્‌ગીતા કે મહાભારતના રચયિતા વેદવ્યાસ, જેમના ‘નિયોગ’ થકી ખુદ પાંડુ કે ઘૃતરાષ્ટ્રનો વંશ આગળ વઘ્યો, એ પણ મુનિ પરાશર અને મત્સ્યગંધાના લગ્ન પૂર્વેના સંબંધોનું સંતાન હતાં- એ જગજાહેર છે. અને આ વાત જાણીને પણ હસ્તિનાપુર નરેશ શાંતનુએ ખુશી ખુશી એ જ સ્ત્રીને બેહિચક પોતાની રાણી બનાવી હતી! કર્ણની કથા તો કોઇ ભૂલ્યું જ ન હોય! ભારતની પૌરાણિક કથાઓ જ નહીં, વિવિધ પ્રદેશોની લોકવાર્તાઓમાં પણ ઠેકઠેકાણે લગ્નપૂર્વેના કે લગ્નેતર સંબંધોની ગાથાઓ રચાઇ છે, ગવાઇ છે!

મતલબ ‘વર્જીનિટી’ જેવા શબ્દોને રાષ્ટ્રવ્યાપી ‘હાય વોય’નો મુદ્દો બનાવવાની પ્રણાલિકા ભારતીય નથી. એ ખરૂં કે ભારતીય કામશાસ્ત્રના ગ્રંથોમાં ‘અક્ષત યોનિ’ સ્ત્રીની ચર્ચા આવે છે, મતલબ જેનો યોનિપટલનો પડદો પુરૂષસંગથી તૂટયો નથી એવી કુંવારી સ્ત્રીઓ… ખુશ્બૂની ચર્ચા પણ આ પ્રકારના કૌમાર્ય વિશે જ છે. બાકી, ‘મિસ’ હોવું અને ‘વર્જીન’ હોવું એ બંને વચ્ચે તફાવત છે. પૂર્વ વડાપ્રધાન વાજપેયીની રમૂજ યાદ છે ને? ‘હું અપરિણત (અનમેરિડ) છું, કુંવારો (વર્જીન) નથી!’ એક પુરૂષ આવું બોલે તો ચર્ચા નહીં થાય. પણ એક સ્ત્રી આવું બોલી કે ખલ્લાસ! ઇસ્લામના સુવર્ણકાળમાં રચાયેલી ‘અરેબિયન નાઇટસ’ની સાહિત્યિક વાર્તાઓમાં પણ ચોમેર પ્રિમેરિટલ અને એકસ્ટ્રામેરિટલ અફેર્સ વેરાયેલા પડયા છે. તો પછી આ સૂગ આવી છે કયાંથી?

આજે જે આચરણમાં સૌથી વઘુ લિબરલ બન્યો છે, એવી ખ્રિસ્તી અસર ‘વર્જીનિટી સિન્ડ્રોમ’ પાછળ હોઈ શકે છે. આદમ અને ઇવે લગ્ન વિના જ સંતાન લ્યુસિફરના ષડ્‌યંત્રથી જ્ઞાનવૃક્ષનું સફરજન ખાઇ લીઘું. અને નિર્દોષભાવે ઇડન ગાર્ડનમાં નગ્ન ફરતાં એ યુગલમાં કામેચ્છા જાગૃત થઇ અને પરમેશ્વરે આ ‘ઓરિજીનલ સીન’ (દેહસંબંધનું પાયાનું પાપ) કરવા માટે એમને પૃથ્વી પર મોકલ્યા! એટલે સ્તો ઇસુને જન્મ આપનાર માતા મેરી પણ બાળકને જન્મ આપ્યા છતાં દેવદૂતની કૃપાથી ‘વર્જીન મેરી’ જ ગણાય છે! સેકસ ઇઝ સીન… સ્ત્રી-પુરૂષનો શરીર સંબંધ એટલે જ પાપની આ માન્યતા એક જમાનામાં યુરોપમાં એવી વ્યાપક હતી કે ઉમરાવ કક્ષાના પુરૂષો પત્નીઓને અને પિતાઓ પુત્રીઓને ‘ચેસ્ટીટી બેલ્ટ’ પહેરાવતા! એટલે કે લોખંડનું અંતઃવસ્ત્ર! જેની ઉપર તાળું હોય – ઘરનો મોભી કુંવારી દીકરી કે પરિણીતા પત્નીને એ પહેરાવીને તાળું મારી, ચાવી પોતાની પાસે રાખીને બહાર જાય! પછી પ્રેમ કરી શકો, પણ સેકસ ન માણી શકો!

આજે ભારતીય સમાજની જૂનવાણી જડતાએ જાણે આખા દેશની નવી પેઢીને આવો જ એક ‘ચેસ્ટીટી બેલ્ટ’ પહેરાવી દીધો છે. અહીં તો ‘સેફ સેક્સ’ એટલે ‘મેરેજ સેક્સ’ એવું જ બધા સમજે છે! બરાબર સમજજો, વાત સેકસની છે. અન્ડરએજ મેરેજની કે ટીનએજ પ્રેગનન્સીની નથી. બાળલગ્નો કંઈ લફરાં રોકવાનો ઉકેલ નથી, એ તો લગ્નેતર લફરાં વધારવાનો કૂવો છે! એક બીજી વાત પણ કલીયરકટ સમજવી પડશે. કાનૂન અને સરકાર લગ્નની ઉંમર અને નોંધણીના નિયમો નક્કી કરી શકે છે, સેકસના નહિ! એ પ્રેકટિકલી પોસિબલ જ નથી! ગમે કે ન ગમે, સાચી વાત સ્વીકારવી પડશે. ભૂકંપ આવે એ કંઈ ગમતું નથી, એની ઘણી અવળી અસરો થાય છે. પણ કુદરતના ‘પ્લેટ ટેકટોનિકસ’ આપણને પૂછીને ધરણી ઘુ્રજાવતા નથી. જે વસ્તુ આપણે રોકી ન શકીએ તેનું મેનેજમેન્ટ કરવું, એ શાણપણ છે. ટીનેજર્સને ‘સેફ સેકસ’ વિશે સમજાવવાને બદલે આપણે ‘નો સેકસ’ના બરાડા પાડીએ છીએ!

લગ્ન એ માનવસમાજ કે માનવ સંસ્કૃતિની શોધ છે. હવે તો એ વૈશ્વિક આદત બની ચૂકી છે. પણ સેકસ માણસની નહિ, માણસના સર્જનહારની શોધ છે. માનવ લગ્નની ઉંમર નક્કી કરી શકે છે પણ સેકસની ઉંમર સ્વયં પ્રકૃતિ નક્કી કરે છે. આ હકીકત છે. સૂરજના ઉગવા જેવું અને વરસાદના પડવા જેવું જ અફર કુદરતી સત્ય! પુરૂષ ઉત્થાન અનુભવે અને સ્ત્રી રજઃસ્વલા થાય એટલે કુદરતની નજરમાં એ સેકસલાયક બની જાય છે. પણ શારીરિક વિકાસક્રમ અને એથીયે વિશેષ માનસિક વિકાસક્રમમાં આટલું ‘લગ્નલાયક’ બનવા માટે પૂરતું નથી. લગ્ન એ સહજીવન છે. ૨૧મી સદીમાં મેરેજમાં ઘર કે પતિ / પત્ની ઉપરાંત કેરિયર, કોમ્પીટિશન, સામાજીક વ્યવહારો, બાળકો ઈત્યાદિની અનેક જવાબદારીઓ આવે છે. સેકસમાંથી અડધી કલાકમાં (સેફ હોય તો) છૂટી શકાય છે. મોટાભાગની સેક્સ અંગેની મૂંઝવણો સામાજીક પ્રતિબંધોને લીધે આવે છે, મૂળ રતિક્રીડાને લીધે નહિ! પણ પ્રેમ અને સહજીવન લાંબા ગાળાના કમિટમેન્ટસ છે.

માટે સોસાયટી (સમાજ) સ્ત્રી – પુરૂષના લગ્નજીવન માટે લો (કાયદો) બનાવે છે. પરંતુ, સ્ત્રી – પુરૂષને એકબીજા તરફ ખેંચવામાં ચૂંબક બનતી સેકસની વૃત્તિ સાયકોલોજી કે સોશ્યોલોજીમાંથી નહિ, ‘બાયોલોજી’માંથી આવે છે. એનડીટીવીની એક ચર્ચામાં સેકસોલોજીસ્ટ ડો. કોઠારીએ કહેલું એમ ‘પ્રવાસમાં નીકળેલા માણસને ભૂખ લાગે, ત્યારે ઘણી વાર એ કોઈ ગંદા ઢાબા પર કાચીપાકી, આરોગ્ય માટે હાનિકારક, ન ભાવતી કે અજાણી રસોઈ ખાઈને પેટ ભરી શકે… અને કાં તો ભૂખ્યા રહેવાની સાથે સમાધાન કરી કે બે‘ક બિસ્કીટ ખાઈને એ ઘેર પહોંચી સરસ, તાજી, ગરમ, સ્વાસ્થ્યવર્ધક, જાણીતી રસોઈ જમી શકે.’

સમજાયું? આખરે મામલો ઈન્ડિવિજ્યુઅલ ચોઈસનો છે. જાહેર રસ્તા પર પાણીપુરી ખાવાવાળાઓ એમની ખુદની તબિયત માટે ખોટું જ કરે છે. પણ એટલે બાવડું ઝાલીને એમની ડિશ ઢોળી નાખો છો? બહુ બહુ તો સાચું શું એ સમજાવી શકો. ઘણા બહારનું ખાતા નથી, તો એને ઢસડીને લારી પર લઈ જાવ છો? ના.

આવી જ રીતે કયારે અને કોની સાથે સેકસ કરવો કે ન કરવો (કયાં કરવો એ યક્ષપ્રશ્ન વધે ખરો!) એ લોકશાહી દેશના પુખ્ત વયના નાગરિકની સ્વતંત્ર મરજી પર આધાર રાખે છે. ત્યાં ધર્મ, સમાજ, કાયદો કે કુટુંબ… કશાની ધોકાબાજી ન ચાલે. એમાં કોઈ પાત્રની બળજબરી કે છેતરપિંડી હોય – ત્યાં જ આ બધાનો રોલ શરૂ થાય છે. ત્યાં સુધી નહિ. પરસ્પરનો પ્રેમ જવા દો, સોદાબાજીમાં પણ સંમતિ હોય ત્યાં કયા કરેગા કાજી? જરા વિચારો, સમાજની આટલા ચોવટિયા – પંચાતિયાઓની બાજનજર, છોકરીઓ પરના હજાર જાતના પ્રતિબંધો અને એકાંતવાળી જગ્યાના અભાવ જેવા અવરોધક પરિબળો છતાં ય શું આ દેશમાં ચોરીછૂપીથી સેકસસંબંધો બંધાતા નથી?

તમે આ પ્રશ્ન દેશના યૌવનધનને પૂછશો, અને એમને ખાનગીમાં જવાબ આપવાનું કહેશો તો નેવું ટકાનો જવાબ ‘હા’ માં આવશે! આપણી આ ભારતભૂમિમાં બધા બઘું જ કરશે, પણ કહેવાની વાત આવે ત્યારે ડાહી ડાહી સૂફિયાણી સલાહોના ઉપદેશો આપવા લાગશે. જે જમાનામાં આજના મ્યુઝિક વિડિયો નહોતા, એ જમાનામાં (ગાંધીયુગમાં પણ) નારી નિકેતનો અને અનાથાલયો તો હતા જ ને? જરા પૂછો ત્યાં જઈને ત્યાં શું તાજા જન્મેલા બાળકો દરવાજે સ્વર્ગના ફિરસ્તાઓ મૂકી જતા હતા? ત્યારે સમાચારગંધા શ્વાન જેવું મિડિયા નહોતું. બાકી તો મહિલા વિકાસગૃહોની જરૂર પડે ખરી?

આપણો દેશ મર્યાદાશીલ નથી. દંભી છે. તમારૂં ચારિત્ર્ય તમે બધાની નજર સામે શું કરો છો, એના પરથી નહિ – એકલા હો ત્યારે શું કરો છો, એના પરથી નક્કી થાય છે. આજની મોડર્ન યંગ જનરેશન જીન્સ – મિની ન પહેરતી – ત્યારથી ગુજરાતી ફિલ્મોમાં કાનમાંથી કીડા નહિ, આખા કાન પડી જાય એવી રમેશ મહેતા બ્રાન્ડ વલ્ગર કોમેડી ન આવતી? એની મજા કોણ માણતું? ગ્રામ્યજનો! આજે પણ એસએમએસ ટ્રાફિકમાં ૭૦% એસએમએસ ‘નોનવેજ’ (?) હોય છે. કયા કૂલ હૈ હમ, નો એન્ટ્રી, ગરમ મસાલા જેવી લફરાંની ફિલ્મો ઓડિયન્સ ચસચસાવીને માણે છે. પહેલાં ફિલ્મી પડદે નર – નારી સાથે સૂઈ જતાં ત્યારે પડદા પર કરોળિયાના જાળા તૂટતાં કે સૂરજમુખીના ફૂલ ટકરાતાં બતાવાતા… એ કૃત્રિમ હતું! આજે વળગાવળગી કે કિસીંગ બતાવાય છે, એ તો સાહજીક છે!

સત્યથી ભાગી છૂટવાથી કંઈ સત્ય બદલાતું નથી. ભારતને અંગત જીવનમાં સેકસની જબ્બર ભૂખ છે. પણ જાહેર જીવનમાં બધા સેકસની સૂગનો ડોળ કરતા ફરે છે. સેકસ કરો તમારી મરજી, ન કરો તમારી મરજી. પણ બીજાની વાતમાં ટાંગ ન અડાડો. આપણી પોલીસે પણ કોર્લગર્લ પકડવા કરતાં ક્રિમિનલ પકડવામાં વઘુ ‘મર્દાનગી’ દાખવવી જોઈએ. સેકસના ટોપિકની ચર્ચા પણ તરત બધાનું ઘ્યાન જાય છે. પણ શરમને લીધે કોઈ ખૂલીને એની વાત કરતું નથી. એડવાન્ટેજ: રોડ સાઈડ રોમિયોઝ એન્ડ લસ્ટફૂલ લૈલાઝ! એમની શેતાનિયતને સામા સ્ત્રી / પુરૂષના પ્રાકૃતિક સંવેદનો અને માનસિક મુગ્ધાવસ્થાનો દોડતો ઢાળ મળે છે, પણ સલામત અને સાચા સેકસની સમજ તો મળતી જ નથી. પછી થાય પ્રોબ્લેમ્સ! પછી ‘નિંદારસ’ તો સમાજને શેરડીના રસથી પણ વઘુ ગળ્યો લાગે છે.

અહીં ‘ઈન્ડિયા ટુડે’ નેશનલ વિમેન સેકસ સર્વે કવર સ્ટોરી તરીકે છાપી શકે છે. સગાઈ કરીને યુવક- યુવતીઓ છાનગપતિયાં કરી શકે છે. સુપરહીટ હમ આપકે હૈ કોન ફિલ્મમાં શું હતું? લગ્નમંડપમાં કુંવારા જાનૈયાઓની ઈશારાબાજી! પત્ની ઉપર ઉપપત્ની કરનાર નેતાઓ (અને એમની રખાતો પણ!) ભારતમાં મુખ્યમંત્રી બની શકે છે! (જયલલિતા શું છે? કરુણાનિધિ કોણ છે? ) પણ એક યુવતી પોતાનો સ્પષ્ટ અભિપ્રાય સેકસ એન્ડ મેરેજ પર મોકળાશથી આપી શકતી નથી! ઈટ હેપન્સ ઓન્લી ઈન ઈન્ડિયા!

ફાસ્ટ ફોરવર્ડ

 Virginity is lack of opportunity, not dignity ! 😉  😛 😀


# ૬ વર્ષ અગાઉનો આ મારો લેખ છે. (કરુણતા એ છે કે હજુ ય બધું આમ ને આમ જ છે! 😐 ) ગઈ કાલે જોયા પછી આલ્કોહોલને બદલે  મિલ્ક ઓફ સિલ્કનો કેફ ચડી જાય  એવું  ‘ડર્ટી પિક્ચર’ નિહાળતી વખતે યાદ આવી ગયો. (એક મિત્રે વીણા મલિકને વસ્ત્રો ઉતાર્યા બાદ વળગેલા વિવાદની યાદ અપાવી 🙂 ) ફિલ્મની વાત બહુ જાણી જોઈને કરતો નથી. હજુ ઘણાને જોવાની બાકી હશે. પણ બે વજનદાર સ્ત્રીઓ વિદ્યા બાલન અને એકતા કપૂરને આટલા બોલ્ડ (એન્ડ બ્યુટીફુલ !) બનવા માટે સેલ્યુટ આપું છું. ડર્ટી પિક્ચરનો ફેસબુક પર મેં મુકેલો રિવ્યુ આ રહ્યો.

Dirty Picture : pretty picture ! smarty picture ! naughty picture ! sultry picture !….Victorious and Vivacious VIDYA BALAN is pure VIAGRA of silver screen by showing her breast N best performance (a rare feather for Bollywood heroine ) and besides awesome bosom she had exposed her volcano of talent clearly burn the viewers with heat of passion n emotions simultaneously – for a character that requires courage n competence n charisma to deliver. barring bit loosing grip in concluding part milan lutharia has made a film which has dostoevsky-ish artistic appeal, too. over the top shah and subtle hashmi both holds firmly under vidya-wave. though partly predictable, film is totally enjoyable because of its bold n old fashioned presentation. but in this female forte film, “man of the match” is undoubtedly writer RAJAT ARORA (who had fantastically wrote ‘once upon a time in mumbai’, too). this man has served full platter of original golden punchlines missed since era of salim-javed. even after decades long presence, some self promoted writers of bollywood are still struggling to deliver something really exceptional and original; in trivial time where SMS’s are conveniently lifted and fitted as lines, mr. arora has flawless flow of sharp arrows that knock our mind and stays in heart. what a daringly dashing dialogue writing ! this film about wild womanhood is raw silk that shines in glamorous lights of projection and also in dark edgy corners of life beautifully. kudos to producer ekta kapoor for once again delivering a standout film.

 
167 Comments

Posted by on December 3, 2011 in cinema, entertainment, india, youth

 
 
%d bloggers like this: