વિશ્વ એઈડ્સ દિન (૧ ડિસેમ્બર) નજીક આવે એટલે રેડ રિબિન ચીપકાવી કશુંક ‘કરી’ નાખ્યાનો સંતોષ માનતી મુગ્ધ સેલિબ્રિટિઓ અને એટલા જ અર્ધદગ્ધ ગુજરાતીમાં વિજ્ઞાન અંગેનું જ્ઞાન આપવા માંગતા પત્રકારો કબૂતરોની માફક ગૂટરગૂ કરીને ભોળુડાંબાળુંડાઓને ડારો આપે છે. એઈડ્સના ખૌફ અંગેની તબીબી સાવચેતી એક વાત છે, પણ ગબ્બરના નામે ગામે ગામ ખંડણી ઉઘરાવતા સાંભાઓ જેવા કંઈક ફૂટકળિયાઓ એઈડ્સ અંગેની એનજીઓ કે ચોપાનિયા બહાર પાડી રોકડી કરી લે છે. એઈડ્સ એમના બેન્ક બેલેન્સને ‘એઈડ’ આપતો જાણે ગૃહઉદ્યોગ છે.
માઈકલ ફાઈટન, સાયન્સ ફિક્શનની દુનિયાના વર્લ્ડ ટૉપ ટૅન રાઈટરમાંના એક એવી આ જિનિયસ પ્રતિભા ૬૬ વર્ષે કૅન્સરને લીધે આપણી વચ્ચેથી જતી રહી. ખુદ ફિલ્મ ડાયરેક્ટર રહી ચૂકેલા ક્રાઈટનની ઓળખ આપણે ત્યાં ‘જ્યુરાસિક પાર્ક’ના લેખકની છે, પણ આ સુપર પૉપ્યુલર રાઈટરના વિઝનનો દબદબો એવો હતો કે જિનેટિક પેટન્ટના મામલે અમેરિકન સંસદમાં એમનાં વ્યાખ્યાનો ગોઠવાતાં. ડિટેઇલિંગ અને રિસર્ચના માસ્ટર સ્ટોરીટેલર ક્રાઈટને ગ્લોબલ વોર્મિંગની માફક એઇડ્સના રોગ કરતાં વઘુ એના ભડકામણા ‘‘હાઊં’’ સામે રેડ સિગ્નલ આપ્યો હતો. છેક ૧૯૯૧માં હૉટ તસવીરો માટે ખ્યાતનામ એવા રંગીલા ‘પ્લૅબોય’ મૅગેઝિનમાં એમણે હળવાશથી એઈડ્સના ફેલાતા જતા ભય અને એના ‘બ્રાન્ડ ઍમ્બૅસેડર્સને ચૂંટી ખણી હતી. આવું કરવાનો એમને હક પણ હતો, કારણ કે ઍન્થ્રોપોલોજીના ગ્રેજ્યુએટ ક્રાઈટન રીતસરનાં એમ.ડી. ડૉક્ટર પણ હતા ! ક્રાઈટનના તેજસ્વી તર્ક, અગાધ સંશોધન, પાક્કી વૈજ્ઞાનિક સમજ અને ખાસ તો (sublime) ધારદાર રમૂજવૃત્તિની ઓળખ જેવા આ લેખના ચૂટેલાં અંશો (એમના જ શબ્દોમાં) ૧ ડિસેમ્બરના ‘વિશ્વ એઇડ્સ દિન’ નિમિત્તે મમળાવવા જેવા છે, જ્યારે બીજા કોઈ પણ રોગને ભૂલી ફક્ત એઇડ્સ પર જ સ્પૉટલાઈટ મુકાય છે ! હા, બાય ધ વે, પુરા પાંચ વખત લગ્ન કરી ચૂકેલા ક્રાઈટનના રિલેશનશિપ ઍક્સપીરિયન્સીઝ વિશે (અને લેખમાં કુમાશપૂર્વક રજુ થતી એમની એ અંગેની ઊંડી સમજણ અંગે) પણ કંઈ કહેવાની જરૂર ખરી ?’
* * *
સંબંધ તૂટી ગયો. રિંગ રિટર્ન થઈ ગઈ. આંસુ. ધડાકાભેર બંધ થતા દરવાજા. બૅગમાં પૅક થતાં કપડાં, હું ૪૪ વર્ષનો ફરી, બેચલર અને ન્યૂયોર્કમાં મારી ત્રણ વર્ષ પછી પહેલી ડેટ. એ આકર્ષક અને પ્રેમાળ હતી. ડિવૉર્સ્ડ. લંચ ઉપર અમે મળ્યાં, વાતો કરી અને પછી પૉઝ આપ્યો. એવું મૌન જેમાં કોઈ જરા ખોખારો ખાઈને ગળું સાફ કરે અને કોઈ બોલી ઊઠે, ‘વેલ,
ધેટ હેઝ બીન ફન.’ અને પછી ‘નાઈટ ડેટ’ ગોઠવાય. પણ ત્યાં જ અચાનક એ બોલી ઊઠી ઃ ‘તમે એઈડ્સ અંગે શું વિચારો છો ? મારી બહેન તો કોઈ પુરૂષ સાથે (પથારીમાં) જતાં પહેલાં એની બ્લડ ટેસ્ટનો આગ્રહ રાખે છે !’
મેં વિચાર્યું, થૅન્ક ગૉડ, તું તારી બહેન નથી ! પણ એ જે દિશામાં વિચારતી હતી, એ રોમેન્ટિક હતી. તે મને ગમ્યું પણ આ એઇડ્સ ? મેં કહ્યું, ‘કશું ખાસ નહીં, અને આ તો જરા વધારે પડતું છે.’
એણે કહ્યું, ‘વેલ, યુ નેવર નો….’ અને બજારમાં કોઇ ચીજની ખરીદી કરવી કે નહીં, એ માટે જેમ ગ્રાહક ટીકી ટીકીને અસમંજસમાં વસ્તુ સામે નિહાળે, એમ મારી સામે જોઈ રહી.
‘એ તો કોઈ પણને થઈ શકે.’ એણે કહ્યું, ‘મેં કહ્યું ને, ત્રણ વર્ષથી હું કોઈ સંબંધમાં જ નથી.’ મેં કહ્યું.
‘પણ ટીવી ને છાપાંઓમાં તો એના કેવા સમાચારો આવે છે ! મને બહુ બીક લાગે છે !’
‘સાચું. પણ એમ એઈડ્સ થવાનું જોખમ ઘણું ઓછું છે !’
‘એ તો અત્યારે, પણ પાંચ વર્ષ પછીનું શું….’
‘પાંચ વર્ષ પછીની કોને ખબર ? એમ તો તું આવતા અઠવાડિયે જ કાર ઍક્સિડન્ટમાં મરી જાય એવુંય બને !’
એ સ્ત્રી વિચિત્ર નહોતી. પણ વાસ્તવિકતા એ હતી કે સુયોગ્ય નર-નારીઓનાં મનમાં એક અજ્ઞાત ડર હતો…એઇડ્સનો !
* * *
એ મારી દોસ્ત એલન ફોન ઉપર હતી. કહેતી હતી ‘તું તો ડૉક્ટર છો તને એઇડ્સની બીક નથી લાગતી ?’
‘ના’ મેં કહ્યું, ‘હું હોમોસેક્સ્યુઅલ નથી. ઇન્જેકશનથી ડ્રગ લેતો નથી. અને મારા અંગત સાથીઓ પણ આવું કશું કરતા નથી, એ જાણું છું. એટલે ડર લાગતો નથી.’
‘તું તો બરાબર સાવચેત છો. પણ આ તારા અંગત સાથીઓ અંગે તું કેમ આટલી ખાતરીથી કહી શકે ?’
‘કોઈ ખાતરી નથી જ. બસ, સાવધ રહેવાનું.’
‘પણ એઇડ્સ થવાનું જોખમ તો ખરૂં જ ને !’
‘‘ચોક્કસ પણ અત્યારે તો એટલું જ જેટલું….તને હડકવા થવાનું છે.’’
‘હડકવા ? તેની કોને ફિકર છે !’
બસ, એ જ તો મુદ્દો હતો મારો
એલન હજુ મૂઝાયેલી હતી, ‘પણ આફ્રિકાનું શું ? ત્યાં તો એ બહુ કૉમન છે.’
‘આપણે કૅલિફોર્નિયામાં છીએ, એલન.’
‘હા…પણ !’
‘ટી.બી. આફ્રિકામાં કૉમન છે. તને કેમ ટી.બી. થઈ જવાની ચિંતા નથી થતી ?’
એલન અકળાઈ: ‘તું આટલો બેદરકાર કેવી રીતે રહી શકે ? આખી દુનિયા ગભરાયેલી છે અને તું એવી વાત કરે છે કે જાણે કશું છે જ નહિ.’
મેં કહ્યું, ‘હું બિલકુલ બેદરકાર નથી (એટલે જ બેફિકર છું !) હું જાણું છું કે એઇડ્સ એક દુઃખદ ભયાનક અવસ્થા છે. પણ કેટલાંક ચોક્કસ વર્ગ માટે. બધા માટે નહિ.’
‘હોય કંઈ’ એ લોકો કહે છે કે આ તો પ્લેગ જેવાં છે !’
‘કોણ ? ક્યા લોકો ?’
‘બધા છાપાઓ .સમાચારો.’
હમ્મ્ માસમીડિયા નાગરિકોને ઘણા ફાયદાઓ આપે છે, પણ જોખમનો વાસ્તવિક અને સાચો અંદાજ એમાંનો એક નથી, મીડિયાને વેચાણ કરવાનું હોય છે. એટલે એ બઘું અતિરંજિત કરે છે.
એલનની દલીલોથી હું થાક્યો એને ડરવું જ હતું અને કદાચ ભયભીત રહેવામાં વઘુ સલામતી લાગતી હતી. સાચું સમજીને આત્મવિશ્વાસ કેળવવામાં નહિ.
મને કોલ પણ આવ્યો. ઑફિસમાં એક મેડિકલ કન્વેન્શનને સંબોધવાનું હતું. ‘એઇડ્સ’ ઃ મોડર્ન ડે એન્ડ્રોમીડા સ્ટ્રેઈન (ક્રાઈટનની આ નામની પ્રસિદ્ધ નવલકથામાં પૃથ્વી પર છવાઈ જતા કાતિલ રોગચાળાથી સર્વનાશની વાત છે ઃ ‘મેં ના પાડી દીધી. હું આ નહિ કરૂં. એઈડ્સ રોગ હશે. પણ મેં વર્ણવ્યો એવો મહાઘાતક સર્વસંહારક નથી. લોકો આમ પણ ફફડે છે. અફવાઓથી એમાં વધારો હું નહિ કરૂં. હા આડેધડ-સ્ત્રી-પુરૂષ સાથે સંબંધ બાંધતાં મારા દોસ્ત બેરીને મેં સ્પષ્ટ કહેલું, તારી ટેવો બદલાવ. સુરક્ષિત સંબંધ માટે કૉન્ડોમ્સનો ઉપયોગ કર. જરા વિવેકપૂર્વક રહે. મારે તારી અંતિમયાત્રામાં જોડાવું નથી. ને આમ તું વર્તે છે. એ આપઘાતને આમંત્રણ આપવા જેવું છે.’
બેરી મરે, એ વિચાર જ મને ખળભળાવતો હતો પણ બેરીએ ખભા ઉલાળીને વાત હસી કાઢી. ‘મને ફાવે એમ કરૂં. આ આઝાદ દેશ છે.’ વેલ, હું સમજું છું – આંધળા ડર જેટલું જ નુકસાનકારક છે. આંધળો ઇન્કાર !
* * *
હુંય ઘણાં સંબંધો બાંધતો. મિત્રો સાથે ચર્ચાઓ કરતો. પણ વાત આગળ વધે ત્યાં એઇડ્સ ટપકી જ પડતો. આંખમાં આંખ નાખીને રોમૅન્ટિક અદામાં બેઠાં હોઈએ. ત્યાં સવાલો આવે – તારામાં કેટલું જોખમ લેવા જેવું છે. મારી પહેલાં કોની સાથે તારા નિકટ સુંવાળા સંબંધો હતા…અને આ સવાલો પ્રેમની ઇર્ષાને બદલે એઇડ્સના હાઉને લીધે વઘુ પૂછવામાં આવતા હતા !
મેં કેટલીક સૂક્ષ્મ બાબતોની નોંધ લીધી. પહેલું તો એ કે બધા જ આ પ્રતિભાવ સતત મીડિયામાં ચાલતા એઇડ્સના હોહાગોકીરાને આપતા હતા. કોઈ ચોક્કસ આધારભૂત જાતમાહિતી વિના, કોઈ ક્યારેય કશા આંકડાઓ ટાંકીને વાત કરતું નહોતું. બધા ડિસ્ટબર્ડ હતા. કારણ કે જ્યાં જાવ ત્યાં એઈડ્સની જ વાતો ચાલતી હતી.
એલનનો ફરી ફોન આવ્યો ઃ ‘મેં તને ન્યૂયોર્ક ટાઇમ્સનો એઇડ્સ પર આર્ટિકલ મોકલાવ્યો છે !’
‘મેં એ વાંચ્યો હતો. પૂર્તિઓનાં પાનાં ભરવા માટે લખાયેલો લેખ !’
‘તને બીક નથી લાગતી ?’
‘ના,’ ‘કેમ ?’
હવે જોખમ બહુ રસપ્રદ વિષય છે. મેં લોકોને આફત સામે આગોતરા રક્ષણ માટે ઘરમાં બંદૂકો રાખતા જોયા છે. પણ એ જ લોકો સીટબૅલ્ટ વગર ડ્રાઇવ કરતા હોય છે. આડેધડ તળેલો ખોરાક ખાતા હોય છે. મન ફાવે તેમ તમાકુનું સેવન કરે છે, પણ એમને તેની બીક નથી લાગતી. એઇડ્સની લાગે છે ! ક્રેઝી.
મેં એલનને પૂછ્યું, ‘તને ડર લાગે છે કે તને અકસ્માત થશે ?’ તારી કોઈ હત્યા કરી નાખશે ?’
એનો જવાબ નકારમાં હતો, મેં કહ્યું, ‘પણ તારી હત્યા થાય કે અકસ્માત થાય એની સંભાવના તો છે જ ને…બસ, એટલી જ એઇડ્સની છે !’
જિંદગી એક જોખમ છે. તમે કોઈ પણ કરો એ રિસ્કી છે. ગલીમાં ચાલો, એ પણ. રેસ્ટોરામાં ખાવ અને તમે ક્રૂડપૉઝનિંગથી મરી જાવ. જોગિંગમાં જાવ અને હાર્ટએટેક આવી જાય. એમ જ તમે પ્રેમ કરવા જાવ અને મોત મળે !
માનવજાતનો ઈતિહાસ છે. સેક્સ ઘણી વાર યમદૂત બનીને આવે છે. એક જમાનામાં મહાન કલાકારો સિફિલિસથી મરી જતા. એ તો ૨૦મી સદીમાં જ માનવજાતને થયું કે ઇન્ટરકોર્સની ક્રિયા એટલી જોખમી નથી. એમનું આ સપનું એઇડ્સને લીધે છીનવાતું. જાય છે, એટલે એ ગુસ્સે છે રિસ્ક ફ્રી સેક્સનું રમકડું જવાને લીધે ઓવરરિઍક્શન આપે છે. ઈતિહાસના મહાન પ્રેમીઓ કાસાનોવાથી સારાહ બર્નહાર્ટ સુધીનાઓ આ જોખમની સાથે જ જિંદાદિલીથી જીવ્યા. પ્રેમ કરતા રહ્યા, એમને જોખમ રોકી શક્યું નહીં. આપણને પણ ન રોકી શકે. આપણે ‘એડ્જસ્ટમૅન્ટ પિરિયડ’માં છીએ.
* * *
‘તે સાંભળ્યું ? સાનફ્રાન્સિસ્કોમાં પેલા પુરૂષે એક અજાણી છોકરી સાથે મળતાંવેંત એક રાતનો સંબંધ બાંઘ્યો અને સવારે ઊઠ્યો, તો અરીસા પર લિપસ્ટિકથી લખેલું હતું: વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ એઇડ્સ. છોકરી ગાયબ !’ આ જ વાત પછી એક ફિલ્મ દિગ્દર્શકે કરી. ત્યાં પુરૂષ ફલૉરિડાનો હતો. મારી નોકરાણીએ પણ ભાંગી-તૂટી અંગ્રેજીમાં કરી, ત્યારે એ સાન ડિયેગોનો હતો ! મતલબ, એ સમાચાર નહોતા. દંતકથા હતી. જેનો બોધ સ્પષ્ટ હતો : નો કૅઝ્યુઅલ સેક્સ !
આમ તો આ સરસ વાત છે. મારા અનુભવો કહે છે કે ‘મીટ એ વુમન ઍન્ડ જમ્પ ઇન ટૂ બેડ રાઈટ અવે’ એ બઘું ડહાપણભર્યું નથી. ના રે, હું ઑલ્ડ ફૅશન નથી. પણ રિલેશનશિપને રિસ્પેક્ટ આપું છું. લવર્સ બનવા માટે ફ્રેન્ડસ પણ બનવું જોઈએ. થોડોક સંયમ, થોડી વઘુ વાતો સંબંધની ગાડી પાટે રાખે છે. ક્વિસ સેક્સ (શેકહૅન્ડ ઍન્ડ ગો !) તો એવી જ વ્યક્તિ સાથે થઈ શકે, જે તમને અંદરથી બહુ ગમતી ન હોય, ફક્ત બહારથી આકર્ષક લાગી હોય.
ફાસ્ટ સેક્સ એ કોઈ સેક્સ્યુઅલ ક્રાંતિ નથી. કૉમ્યૂનિકેશન અને ઇન્ટિમસીને વધારવાને બદલે એ ઘટાડવાનું કામ કરે છે. એ માણસનું રૂપાંતર કોઈ નિર્જીવ વસ્તુમાં કરી નાખે છે. (અમેરિકામાં) સમય એવો હતો કે ફટાફટ લોકો પહેલી મુલાકાત પછી સાથે સૂઈ જતા, જેથી પછી જમવામાં બરાબર ઘ્યાન આપી શકાય ! નથિંગ રૉમૅન્ટિક કદાચ ઇરૉટિક પણ નહીં.
સારૂં, એઇડ્સને લીધે હવે કોઇને તેવી ઉતાવળ નથી. એટલે સંબંધ વઘુ હૂંફાળો અને ગંભીર બની શકે છે. ખરેખર, પુરૂષની જિંદગીમાં એક ગાળો એવો હોય છે કે જેમાં એ લવ કરતાં સેક્સની પાછળ પાગલ હોય છે, અને એ પ્રેમમાં પડે તો પણ એ દીવાનગી ગર્લફ્રેન્ડ સાથેના શયન પછી પોતાના વાહનમાં ચાવી ફેરવે એટલા સમય પૂરતી જ હોય છે. સમય પસાર થાય તેમ પ્રાથમિકતા ફરે છે. આજે મારી પ્રાથમિકતા પ્રેમ છે. ફીલિંગ ઑફ ક્લોઝનેસ, કોઈ તમને સમજે, નાની-નાની વાતોનું શેરિંગ…મારા લક્ષ્યાંકો વઘુ સરળ થયા છે અને કદાચ એટલે જ વઘુ ઉંચા !
પણ હું જાણું છું કે તમારી જિંદગી રેલવે સ્ટેશન જેવી હોય તો પ્રેમ થઈ શકતો નથી. કેટલાય લોકો આવે ને જાય. તમે ઍક્ટિવ રહો અને બિઝી રહો. એટલા બિઝી કે કશુંક અનુભવવાનો સમય જ ન રહે ! મેં આ અનુભવ કર્યો છે. ફરી કરવામાં રસ નથી. હું જિંદગીનું શ્રેષ્ઠ માણવા માગું છું, અને જાણું છું કે સેન્સિબલ ડીપ રિલેશનશિપ ઇઝ ધ બેસ્ટ (લાઇફ કૅન ઑફર). આ માર્ગ અઘરો છે, પણ એ જ મારો પથ છે. એઇડ્સને લીધે નહિ, પણ મારી પરિપકવતાને લીધે હું મારો સમય જેમતેમ વેડફવા માગતો નથી, ને આ મરવાની પણ ઊંમર નથી.
પણ મેં એક નવતર નિરીક્ષણ કર્યું. મારા ફ્રેન્ડ બિલ સાથે કાફેમાં બેઠો હતો, ઘણી જોડીઓ ત્યાં વિહરતી હતી. ક્યાંક એઇડ્સનો મુદ્દો નીકળ્યો પણ બિલને રસ નહોતો. મારી ફ્રેન્ડ કેરોલ સાથે તો મેં સામેથી ચર્ચા કાઢેલી એઇડ્સની, પણ એણે ‘હા, ફલાણો ગુજરી ગયો નહીં !’ કહીને વાત પર પડદો પાડી દીધો મતલબ, બિલ અને કેરોલ સંતોષકારક ઇન્ટિમેટ રિલેશનશિપમાં હતા. જે લોકો સમજદાર છે. ગાઢ સંબંધમાં છે એમને એઇડ્સનો ડર સતાવતો નથી. અને ફ્રેન્કલી. આવા લોકો ઓછા છે જેમની પાસે પરફેક્ટ ઇન્ટિમેટ રિલેશન હોય ! મોટે ભાગે લોકો નજીદીકીયાંથી ડરે છે. બહુ નિકટના સંબંધમાં એમને પસીનો છૂટી જાય છે. કામનાં, કુટુંબના બહાનાં બતાવી એમાંથી છટકે છે. એઇડ્સ એમનું નવું બહાનું છે. કે કદાચ પોતાની જિંદગીમાં સંબંધની પસંદગી ખોટી થઈ હોય તો એમાંથી છટકવાનું શસ્ત્ર.
* * *
‘તમને શું લાગે છે ? ભવિષ્યમાં એઇડ્સનું શું થશે ?’
આ સવાલનો જવાબ આપતા હું મૂંઝાઊં છું. મારી દોસ્ત લિન્ડા એઇડ્સ પેશન્ટસ્ સાથે કામ કરી એમની હોરર સ્ટોરીઝ મને સંભળાવે છે. લોકો એઇડ્સના દર્દી સાથે રંગભેદ જેવું વર્તન કરે છે. આ અમાનવીય છે. પૂર્વગ્રહવાળું છે અને એમાં એઇડ્સ પબ્લિક હેલ્થ પ્રૉલ્બેમમાંથી હ્યુમન રાઈટ પ્રૉબ્લેમ બનતો જાય છે. સર્વેક્ષણો બતાવે છે લોકો સુરક્ષિત જાતીય સંબંધ માટે એટલા ઉત્સાહી નથી હોતા અને એઇડ્સ થયા પછી પણ આ વાત સમજતાં નથી તો શું કરવું ? મર્સી કિલિંગ કે રસ્તા વચ્ચે કાર રોકીને રેન્ડમ્ એઇડ્સ ટેસ્ટસ ?
ને પત્રકારો એઇડ્સને પ્લેગ સાથે સરખાવે ત્યારે મને કહેવાનું મન થાય છે. પ્લેગ શું છે એ તમે જાણતા નથી. જો એઇડ્સ એવો હશે તો આપોઆપ સંસ્કાર અને સૌજન્ય બારીની બહાર ફેંકાઈ જશે, અત્યારે મુઠ્ઠીભર લોકોની નોકરી જવાની કે બહિષ્કારની સમસ્યા સતાવે છે, ત્યારે તો સરેઆમ કત્લેઆમ થવા લાગશે !
બી કેરફૂલ. તમારી લાઇફસ્ટાઇલ બદલાવો વાસ્તવિકતા સ્વીકારો. સાચી માહિતી મેળવો. આ રોગને ફેલાતો અટકાવો.
પણ ભયભીત થઈ ગભરાટ અનુભવવાથી પરિવર્તન આવતું નથી થોડા શાણા બનો.
ઝિંગથિંગ
એચઆઇવી ટૅસ્ટ, નેગેટિવ ન્યૂઝ પણ પોઝિટિવ ફયુચર લાવી શકે, તેનું ઉત્તમ ઉદાહરણ !
#વિશ્વ એઈડ્સ દિન નિમિત્તે જૂનો છતાં કદી વાસી ના થાય એવો લેખ.