RSS

ત્રણ અક્ષરમાં માપી લીઘું વિશ્વને ‘રમેશ’ પૂછો કે એનું નામ હતું : ‘વેદના’, તો હા!

26 Nov

સમજયા, ચંદુભાઇ!

એને ટેવ નડી, ટેવ…

ખોતરવાની.

આ ખુસાલિયો કાંઇ ખોતરવે ચડયો,

કાંઇ ખોતરવે ચડયો…

છેવટે ઇણે ઇનું મગજ ખોતર્યું

મોટા મોટા ખાડા કર્યા ઇમાં

મૂળે ખુસાલિયાને ગોતવું’તુ સુખ

જોવું’તું નજરોનજર

પછી પારકું હોય કે પોતાનું- પણ સુખ

ઇ અડબાઉને એમ કે

ચોપડિયુંમાં લખ્યું હોય ઇ બઘું સાચું જ હોય

સુખના ઝાડવા ફિલમુમાં ઉગે

સુખના ફુવારા કવિતામાં ઉડે

નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા

તે ખુસાલિયાને એમ જ થઇ ગ્યું કે સુખ હોય!

દીકરો અહીં જ થાપ ખાઇ ગ્યો…

એને એમ કે સોમવાર કે રવિવાર હોય

એમ સુખ પણ હોય જ!

ટપુભાઇને તરવેણીબેનની જેમ

સુખે ય આપડે ત્યાં આવે…

અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?

આપણે તો જાણીએ, ચંદુભાઇ કે

સસલાને શિંગડા હોય તો

માણસને સુખ હોય.

ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ

ચોપડિયું વાંચીએ

જે વાંચવુ જોઇએ એ વાંચ્યું નહીં

પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે?

છે ચપટીય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઇ પાને?

એક દિવસ ખુસાલિયો

પોતાના સપનાંને અડ્યો’તો!

ત્યારથી આવી દિમાગને ચાટી જાતી બળતરાઉં!

પણ હાળો મરસે !

સુખ નથી આઠે બ્રહ્માંડમાં

સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર

આવી વાત ઇ જાણતો નથી

ઇ જ એનું સુખ!

રમેશ પારેખની આ લાંબી કવિતાનું ‘એડિટેડ વર્ઝન’ છે… એમની જીંદગી જેવું! છ અક્ષરના નામના આ ધણી આ વર્ષે મોટા ગામતરે ચાલ્યા ગયા, ત્યારની ગુજરાતી કવિતા વિધવા બની છે.  તારીખ ૨૭ નવેમ્બરે કવિનો જન્મદિન છે. એમના શરીર અને એમના શબ્દોની સ્મૃતિઓ મનની ‘માલીપા’ ધક્કામુક્કી કરીને ‘હડિયાપાટી’ કરે ત્યારે એમનો મૃત્યુદિન યાદ આવે… એ સાંજે મોરારિબાપુએ એક બહુ ઝીણું કાંતીને પારખેલી વાત કહી હતી… રમેશ પારેખને સતત, સનાતન એક અજંપો સતાવતો હતો! એ રાત્રે રાજકોટના સ્મશાનમાં પ્રજ્વલિત ચિતા સામે જોતાં થયું… શું દેહ સાથે આત્માનો અજંપો પણ ભડભડ બળતો હશે?

આમ તો રમેશ પારેખે ગામો ગજવ્યા હતાં. મહેફિલની શાન અને મસ્તીની જાન થઇ જાય એવો એ માણસ. જીવનના અસ્તાચળે ખાધેપીધે પણ સુખી. ખુલ્લી તલવાર જેવી છોકરી અને સિટ્ટીના હીંચકે ઝૂલતા છોકરાની કાઠિયાવાડી કવિતાના ટ્રેન્ડસેટર કવિસમ્રાટ. આલા ખાચરની કવિતાના જાણતલ સર્જક. રમૂજી કટાક્ષથી મુશાયરાને ડોલાવે, અને ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે દીધેલું ફૂલ યાદ કરીને રોમાન્સની ગુલાબી મહેંક પણ પ્રસરાવે! પરિવાર પ્યારો, મિત્રોનો સંગાથ ન્યારો… નામ થયું, ઠરીઠામ થયા… અઢળક યુવક મહોત્સવોમાં નવા નિશાળિયાઓએ એમની કવિતાની પાદપૂર્તિ કરી… સરટોચના તમામ સન્માનો મળ્યા… લોકોના હૃદયમાં, ટીવી ચેનલના કેમેરામાં, સરકારી યાદીમાં, અખબારી કાગળમાં, માંધાતાઓની મિજબાનીમાં બધે જ માનભર્યું સ્થાન મળ્યું. સંસારની જવાબદારી ત્રીજી પેઢીને ખોળે રમાડતાં સુપેરે નિભાવી. ગાલિબની માફક રમેશ પારેખની છે, એવી ખબર ન હોય છતાં સામાન્ય માનવીના જીભે એમની પંકિતઓ રમતી હોય એવું અમરત્વ મળ્યું.

રમેશ પારેખને કશુંક છાનુંછપનું પણ કદાચ છિન્નભિન્ન એક સપનું હતું… એને કશુંક અસુખ હતું. કયાંક આ ભડભાદર માણસને ચેન નહોતું પડતું. બધી અમીરાતની વચ્ચોવચ્ચ શૂન્યના આકારનો એક ઉણપ નામનો અંધારિયો કૂવો હતો! આવું એમણે જાહેરમાં નથી કહ્યું, પણ સર્જકના શબ્દો કયારેક એના અંતરમનની ચાડી ખાય છે….

અને સૌથી વઘુ ધારદાર, હૈયા સોંસરવા આરપાર નીકળતાં શબ્દોનો ગર્ભ હંમેશા દુઃખ નામના શુક્રકોષનું પીડા નામના અંડકોષ સાથે ફલન થાય ત્યારે બંધાય છે! હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! ઓયવોય હાયહાય- અરેરેરે માડી! મરી ગયો પોકારીને લોહી નીંગળતી અવસ્થામાં હોસ્પિટલ ભેગું થવું સહેલું છે પણ નિયતિની થપ્પડને કંઇ ગુંજ નથી હોતી. એનો રક્તસ્ત્રાવ બહાર નહિં, ભીતર થાય છે. એમાંથી આકાર લે છે અક્ષરો…

વિશ્વનું એક્કે ન પુસ્તક દઇ શકયું એનો જવાબ

શું છે આ છાતીને ખોદી કાઢતી ઝીણી કણસ

*

કેમ તું મૂંગી છે તદ્દન, બોલપેન!

તારૂં કોણે દુભવ્યું મન, બોલપેન!

*

બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરાને

કોઇ વિલંબ કે કોઇ સબર કબૂલ નથી

*

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે

મને કંઇ તો જોયાનું સુખ આપો…

મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય

મને કંઇ તો રોયાનું સુખ આપો…

*

લોહી તોડી શબ્દને દર્પણ કર્યા

ને તને અર્પણ કર્યા!

*

હથેળી બહુ વ્હેમવાળી જગા છે

અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે

હવે પાંપણોમાં અદાલત ભરાશે,

મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે

*

જેટલી દંતકથાઓ બની અરીસાની

છે ઝીણી ઝીણી કરચ એ તો કોઇ કિસ્સાની

*

વીતેલી કાલનું જો નામ ખુશખુશાલ નથી

તો દોસ્ત, આજ હું સ્હેજે પાયમાલ નથી

 

મને બગીચો કહ્યો’તો એ તારી ભૂલ હતી

કોઇ લીલોતરી વિશે મને ખયાલ નથી

*

ઘટનાને હોત ભૂલી શકવાના બારણા

તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને?

*

ચકવી, ચાલો જઇએ એવા દેશ…

પ્હેરવો પડે છે અહીં તો આ કે પેલો

એકબીજાને ચાહવાનો કોઇ વેશ

*

તું ચહેરો ઉગામીને ઉભી રહી

એટલે હોઠમાં વાત થંભી ગઇ

*

અક્ષરો પાડું, ધકેલું, ચીતરૂ, ઘૂટું, ભૂંસું

હું રમું કાગળની વચ્ચે તમને મળવાની રમત

*

શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે

બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે

 મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ

સમૂળગું જ હવે મનને મારવું પડશે

 સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો

દીઘું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે.

રમેશ પારેખની આંખોમાં એ કયું આંસુ આજીવન થીજી ગયું હશે? એ કયા કિસ્સાની કરચ એમના પ્રતિબિંબને તરડાવતી હશે? કયા ટકોરાની પ્રતીક્ષામાં એમની મૂંગી બોલપેન કાગળને ‘બચબચ ધાવતી’ હશે? કયું સ્વપ્ન એમને ભૂલી જવાનું નિરંતર યાદ આવતું હશે? કઇ છાતીની કણસે કવિનો દેહ હાર્ટ એટેકથી ‘આફટર સિકસ્ટી’ પડ્યો, એ પહેલાં જ હાર્ટ પર એટેક કરીને ‘સ્વીટ સિકસ્ટીન’માં એમનો આત્મા દઝાડ્યો હશે? કેટલાક સવાલો એવા હોય છે કે એના જવાબ આપવાની લાખ ઇચ્છા હોય તો પણ એ ઢબૂરીને મૌનના સોયદોરાથી હોઠ સીવી લેવા પડે છે.

રમેશ પારેખે હરહંમેશ નિયતિની, સંજોગોના શિકાર બનેલા ઉછળતા હરણા જેવા સ્વપ્નોની વાત લખી છે. ‘મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે’થી પ્રચલિત કવિ એક ખૂણે ગૂપચૂપ એવું ય લખીને ગુમસુમ છે…

મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું

બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું?

પડયું છે કોઈનું મડદું પણે ગુલમ્હોર તળે

વચન દીધેલ હશે કોઈએ ત્યાં મળવાનું?

માણસ ધાર્યું કરવા માટે હવામાં બાચકા ભરે છે. જીવસટોસટની બાજી રમે છે. દોડે છે. પડે છે. ચડે છે. રડે છે. ઝંખે છે. ડંખે છે. એને એવો ભ્રમ હોય છે કે, આ તો હાથવેંતમાં આવેલું સ્મિત છે. પણ જગતની ગમે તેટલી જીત મળે, પ્રીત ન મળે ત્યારે એને ખબર પડે કે, કુદરતના દરિયામાં એ એક પરપોટો છે.

 હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,

અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

 અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાને

હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

 એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી

ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

રમેશ પારેખે ગર્વથી ‘મારી કવિતા વિશ્વના હોઠ પર કરેલું પ્રથમ ચુંબન છે’ એમ ઉચ્ચાર્યું છે… અને કવિએ લોકોને રિઝવવા માટે કરવા પડતાં નખરાંનું મૂલ્ય સ્વીકાર્યું છે. દુનિયાને હસવા જેવી બે – ચાર પળો આપી, એમના મનમાંથી આવતીકાલનો ભય કાઢવાનું અવતારકાર્ય સર્જકનું છે, એવું કહી મન મનાવ્યું છે. એમણે કાલિદાસને પણ મૂતરડીમાં મેઘદૂતના નામે પડકારો કર્યો છે, અને આસપાસના અકસ્માતોથી અકળાઈને ઈશ્વરને પણ તોફાનમાં ગધેડીનો કહ્યો છે. શયનખંડની શહેનશાહત અને સ્તનોની સુંવાળપ, ભીડની ભયાનકતા અને મીરાના મનસૂબા પણ શણગાર્યા છે. પણ ફાંસી પહેલાની છેલ્લી ઈચ્છાના નામે લખેલી આ રચનામાં સર્જકના સપના નથી? વાંચો :

ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે

વડની ખાલીખમ છાયાને

ટગરટગર વળગી પડી રોઈ લેવું છે

એકલભૂલું બકરી બચ્ચું ઊંચકીને

પસવારવી છાતી

જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી

છાનું છપનું ન્હાતી

થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધ ઝરી પડતું જોવું

મારગે કદી થડમાં કોર્યા નામને કહી આવજો છેલ્લીવાર વછોવું

સીમમાં નીહળ આ ઘટાટોપ ભાનને ફરી ખોઈ લેવું છે

 આવું જ એક અવર્ણનીય શબ્દચિત્રના વર્ણનનું ચમત્કારિક કામ રમેશ પારેખની ‘ઈચ્છા’ નામની કવિતામાં છે. આખી કવિતામાં રંગબેરંગી વાસંતી કામનાઓના લસરકા છે, પણ દીર્ઘ કાવ્યની પૂંછડીએ વીંછીડંખ છે. કવિ લખે છે કે, મૃત્યુની અંતિમ ક્ષણે તમામ સ્વજનોના સ્મરણ થાય, હેડકી ચડે ને… પછી ફેરવી તોળે છે. ના, ના, લગાતાર હેડકી ઉપડી હોય તે ક્ષણે તું ઉભી હોય સ્મિતવંતી ટગરટગર ને છેલ્લી હેડકી શમી જાય… ને હું મૃત્યુ પામું!’

વાત નક્કી છે. રમેશ પારેખના ગળે મરણપર્યંત બાઝેલો ડૂમો એક મોગરાની કળી છે. ટહૂકાની જાળી છે.યાને એક સ્ત્રી છે. કવિતામાં છોકરો છોકરી પાસે કાંટો કઢાવવા જાય છે, ત્યારે સોયને બદલે અણિયાળી આંખોથી એ કાઢવા કાકલૂદી કરે છે. ગામ સમજી જાય છે – કાંટો નહિ, આયત્મો કઢાવવાની વાત છે! કવિએ પોતાના આત્માના સોનેરી પિંજરાને નામ આપી દીઘું : સોનલ! નામ આપીને કદાચ નામ છૂપાવ્યું! અને આ દરેક પુરૂષના લલાટમાં લખાયેલી, છાતીના વાળમાં પસીનો બનીને બાઝેલી અને મૂલાધાર ચક્રમાં સહસ્ત્રદલ કમલ બનીને ખીલેલી નાયિકાનું રૂપ છે. રમેશ પારેખે વાસ્તવમાંથી વાયકા બની ગયેલી સ્વપ્નિલ પ્રિયા સોનલ માટેનો તલસાટ અને થનગનાટ કેવો ઉપસાવ્યો છે?

તું આવી તો ઘરના ખૂણા પ્હોળા પ્હોળા

પહેલીવાર હું મારાથી અળગો પડી

કરતો મારી ખોળંખોળ

*

તમે ઘેર આવ્યા ને, સોનલ

ફળિયે બેઠેલા પથ્થરના પંખીને

નીલું પિચ્છ અચાનક ફૂટે

પિચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે

*

એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ…

એક વકત આ હું ને મારી આંખ ગ્યાં‘તા દરિયે

ત્યારે કોઈ પગલું પડી ગયું હતું ઓસરીએ

ઘેર આવતા ઘરના મોં પર તાજગી ભાળી

અડપલું બોલી ઉઠયું : જડી ગયું, દે તાળી

પગલાં ઉપર અમે ચડાવ્યા પાંપણના બે ફૂલ

ટીપે ટીપે સપના સુધી બાંઘ્યો ભીનો પુલ

ઘર આખ્ખું ને અમે ય આખ્ખા ઝલમલ

ઓસરીએ અફળાતો દરિયો કલબલ કલબલ

*

સાંજ – અંગત એક ચિઠ્ઠી… પ્રિયતમાની,

પત્ર મારો – ફકત નિઃશ્વાસોનો ઢગલો

ભૂકંપોના વિચારોનો જ

સિસ્મોગ્રાફ અધકચરો

અને ચિઠ્ઠી –

તરન્નુમ જેટલી મીઠ્ઠી!

રમેશ પારેખની એક કવિતા ‘છેલ્લો પ્રેમપત્ર’ છે. પ્રિયતમ પ્રિયાને પત્ર લખીને પોતાને જલદી પત્ર લખવા વિનવે છે! (એસએમએસના જવાબમાં ‘મિસ’ને મિસ્ડ કોલ થાય, એ જમાના પહેલાની વાત છે). જૂઈમંડપમાં પહેલી વાર હાથ પસવારવાની ઘટના યાદ કરી જૂઈનો સ્પર્શ અને ચુંબનનો કંપ લખવાની વિનવણી કરે છે…‘મારા લકવાગ્રસ્ત હાથનો શણગાર, ઠંડા પડતા જતા હાથોની ઉષ્મા તું’ એવું કહીને કવિ પત્રના અંતે લખે છે ‘ખરૂં કહું છું તારા વિના દેહ જાળવવાનો મારો આ અપરાધ બહુ લાંબો નહીં ચાલે!’

જી હા, રમેશ પારેખનો દેહ જળવાયો, પણ રમેશ તો કયાંક વ્હેલેરો ખોવાયો! એ શેતૂરના કોશેટાના ઉકળતા બાફમાંથી ગુજરાતી ભાષાને મળ્યું મુલાયમ કવિતાનું રેશમ! સ્વયં ર.પા. એ લખેલું:

એક ખાબોચિયું ઉંબરમાં આવ્યું : સુકાયું

હતો રમેશને મોટો પ્રસંગ જાણું છું.

પણ કદાચ સ્વજનો સિવાય વાહવાહીની કદરદાની લૂંટાવતી જનતાને આ ‘મોટા’ પ્રસંગ કરતા બીજા ઘણા ‘ખોટા’ પ્રસંગમાં વઘુ રસ હતો. સમયનું હિમ જામ્યું. એમના મનની ડાળીએ કોઈ ‘રેશમી કૂંપળ રૂપ’ ઝૂલતું રહ્યું, બહારની ત્વચા પર ઉંમરની કરચલીઓનું જાળું વધતું ગયું.

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?

અમે પૂછયું : લે બોલ, હવે તું…

પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?

જોવાની હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?

ઊંચી ઘોડીને ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?

સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે, એ તડકાઓ હોય કે લૂ?

અમે પૂછયું : લે બોલ, હવે તું…

આ સંવેદનશીલ હૈયાના તખ્તા પર નિત્ય ભજવાતો અજંપાનો ખેલ છે. સારૂં છે, રમેશ પારેખે એને કાવ્યની કયારીમાં રોપીને મહેકાવ્યો… નહીં તો, આપણી છાતીમાં બાઝેલો આવો જ ગળગળાટો ઓળખવાના શબ્દો કયાંથી સાંપડત? સર્જક અને સર્જન વચ્ચે કેવી અદ્રશ્ય બ્લૂટૂથ કનેકિટવિટી અઘૂરા પ્રણયની છે?…

તબક્કો જુદા પડવાનો જુદાઈમાં ય ના આવ્યો

તમે જુદા હતા કયાં કે તમારાથી જુદા પડીએ?

રમેશ પારેખથી, ફોર ધેટ મેટર કોઈ પણ ઉમદા સર્જકથી અળગા થઈ શકાતું નથી. ખરેખર, આ વાત કવિતાની નથી, પ્રેમની છે. એની તમામ તડપ, વિરહ, પીડા, વિષાદ પછી પણ ર.પા.એ જગતના તમામ દીવાનાઓનો ‘હાઝરનાઝર’ રાખીને લખ્યું છે :

તું જો જીતે તો ભલે, તું જીતે

હું તો હારી શકું છુ સાવ એ રીતે..

તું જો જીતે તો ભલે, તું જીતે

હું તો ચાહી શકું છું, તને એ રીતે!

આપણા જીવતરના ગઢમાં રમેશ પારેખની વેદનાનો હોંકારો સંભલાય છે? રમેશ પારેખની કવિતા હોય કે હિમેશ રેશમિયાના ગીતો… પ્રેમની કથા અમર હોય કે ન હોય, વ્યથા અમર હોય છે!

ફાસ્ટ ફોરવર્ડ

આપણે મળ્યાં તો ખરાં પણ એમ-

જેમ દરિયાની ધુમ્મરીમાં

ડૂબતા માણસના હાથમાં

કયાંકથી તરતું આવેલું

વહાણ’ છાપ બાકસનું ખોખું આવી જાય

ને એ…

(રમેશ પારેખ)

# ગુજરાતી ભાષાના મારા સૌથી પ્રિય કવિ રમેશ પારેખના નિધન પછી આવેલા જન્મદિને મારી કોલમમાં વર્ષો પહેલા લખેલો લેખ, આ ૨૭ નવેંબરના રોજ આવતા જન્મદિન નિમિત્તે , ફરી સ્મૃતિશેષ કવિને અંજલિ સાથે..

 
34 Comments

Posted by on November 26, 2011 in art & literature, feelings, gujarat

 

34 responses to “ત્રણ અક્ષરમાં માપી લીઘું વિશ્વને ‘રમેશ’ પૂછો કે એનું નામ હતું : ‘વેદના’, તો હા!

 1. Envy

  November 26, 2011 at 1:03 PM

  “..કયા ટકોરાની પ્રતીક્ષામાં એમની મૂંગી બોલપેન કાગળને ‘બચબચ ધાવતી’ હશે?”
  ર. પા. ની કવિતા ની જેમ તમારી આ સમ-વેદના ક્યારેય જૂની થાય !!!?
  તમારા ઘણા લખાણો સમય થી આગળ તો હતા પણ સમય ની સાથે જુવાન થતા ગયા…

  Like

   
 2. pinal

  November 26, 2011 at 1:40 PM

  તારા હોંઠ ભર્યા બે કાઠાં, મારું તરસ રિબાયું નામ…..
  નદી જોઈને વસી ગયું, મારી બે આંખોનું ગામ……

  આ મારી સૌથી ફેવરીટ રચના છે રમેશપારેખની રચનાઓમાં. જે પ્રીત કિયે સુખમાંથી અત્યારે કોપી મારી.

  Like

   
 3. Daxesh Contractor

  November 26, 2011 at 1:43 PM

  એક કવિ માટે એના સર્જનોને સમજનાર ભાવક મળે તો ભયોભયો .. તમારી કલમ અને ર.પા. ની વચ્ચેની આવી બ્લુટૂથ કનેક્ટીવીટી સલામત રહે …
  ર.પા. ઉપર લખાયેલ દરેક લેખ વાંચવો ગમે પણ આ લેખ .. વારંવાર વાચવો ગમે એવો થયો છે. excellent.

  Liked by 1 person

   
 4. pinal

  November 26, 2011 at 2:05 PM

  એક્ચયુલી છોકરાઓનો મોટો પ્રોબલેમછે મારો પ્રેમ્ મારો પ્રેમ્; અરે હા ભઈ તમારો પ્રેમ સાચો પણ એ પ્રેમ નું હવે કઈ થાય એમ નથી. એક પ્રેમ માંથી જિંદગીભર બાહરના નીકળે અને ગીતો ગાતારે પ્રેમની વેદનાના. છોકરાઑ પોતે જેને પ્રેમ કર એને શોધે જિંદગીભર અને છોકરીઓ જ્યાંથી પ્રેમ મળે ત્યાં જતીરે એને પોતાનો પ્રેમ એવું વળગણ ના હોય. કઈક શીખો છોકરાઓ.

  Like

   
  • Moxesh Shah

   November 26, 2011 at 4:24 PM

   “રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
   હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી

   રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવના ખોલે કંઈ વાણી
   વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી

   માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
   ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી

   રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી
   તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!

   એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
   “શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?”
   શબ્દો – પૂજ્ય ઈંદિરાબેટીજી
   સ્વર – સંગીત : કલ્પક ગાંધી.
   અત્યારે કોપી મારી: Tahuko.com

   Appropriate to what U had said.

   Liked by 1 person

    
  • Ghanshyambhai Bunha

   November 27, 2011 at 12:57 PM

   namskar pinalji, 4 litima premno mahanibandh… na.. na..na.. na.. premni philosophy no mahagranth…..thanks

   Like

    
  • Ghanshyambhai Bunha

   November 27, 2011 at 1:02 PM

   namskar pinalji, 4 litima premno mahanibandh na.. na.. na.. na.. premni philosophy no mahagranth…… thanks

   Like

    
 5. Hitesh Dhola

  November 26, 2011 at 2:23 PM

  આવી વાત ઇ જાણતો નથી ઇ જ એનું સુખ! Brilliant !!

  Like

   
 6. Rpan

  November 26, 2011 at 2:35 PM

  તું ચહેરો ઉગામીને ઉભી રહી
  એટલે હોઠમાં વાત થંભી ગઇ

  અદ્ભૂત….

  Like

   
 7. Moxesh Shah

  November 26, 2011 at 3:14 PM

  “અને સૌથી વઘુ ધારદાર, હૈયા સોંસરવા આરપાર નીકળતાં શબ્દોનો ગર્ભ હંમેશા દુઃખ નામના શુક્રકોષનું પીડા નામના અંડકોષ સાથે ફલન થાય ત્યારે બંધાય છે! હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! ઓયવોય હાયહાય- અરેરેરે માડી! મરી ગયો પોકારીને લોહી નીંગળતી અવસ્થામાં હોસ્પિટલ ભેગું થવું સહેલું છે પણ નિયતિની થપ્પડને કંઇ ગુંજ નથી હોતી. એનો રક્તસ્ત્રાવ બહાર નહંિ, ભીતર થાય છે. એમાંથી આકાર લે છે અક્ષરો…”

  Jay Ho!!! History Repeats? I become equally emotional for poetry of Shri RP and writing of Sh. JV in this article.

  Like

   
 8. Ankur Suchak

  November 26, 2011 at 4:57 PM

  wahhh.
  મને બગીચો કહ્યો’તો એ તારી ભૂલ હતી

  કોઇ લીલોતરી વિશે મને ખયાલ નથી……

  master storesby Ramesh PArekh…

  Like

   
 9. Prashant

  November 26, 2011 at 5:21 PM

  મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું

  બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું?

  પડયું છે કોઈનું મડદું પણે ગુલમ્હોર તળે

  વચન દીધેલ હશે કોઈએ ત્યાં મળવાનું?

  khub saras vat aa kavita ma chhe…………
  khubaj gami mane.

  Like

   
 10. મનન

  November 26, 2011 at 5:48 PM

  બહુ સરસ ! મજા આવી વાંચીને.

  Like

   
 11. Jasmin Bhimani

  November 26, 2011 at 9:39 PM

  its really nice one ,

  Like

   
 12. hiral

  November 26, 2011 at 11:16 PM

  truly amazing just love it ……

  Like

   
 13. Taksh Bhatt

  November 27, 2011 at 4:49 AM

  Jay Bhai,
  I used to read news paper online.
  N In “Gujarat samachar” the website is not working at all.
  Most of the time it is not accessible.
  I request you to put your recent articles or the online link of that article on your blog.
  I know that U mentioned that putting same article is against your professional ethics but make it available online via “Gujarat samachar” is really essential. Also It might add another feature in this blog as a collection of JV’s articles.

  Hope U understand the situation.

  Regards,

  Taksh Bhatt

  Like

   
 14. parikshit s. bhatt

  November 27, 2011 at 11:30 AM

  અને સૌથી વઘુ ધારદાર, હૈયા સોંસરવા આરપાર નીકળતાં શબ્દોનો ગર્ભ હંમેશા દુઃખ નામના શુક્રકોષનું પીડા નામના અંડકોષ સાથે ફલન થાય ત્યારે બંધાય છે! હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! ઓયવોય હાયહાય- અરેરેરે માડી! મરી ગયો પોકારીને લોહી નીંગળતી અવસ્થામાં હોસ્પિટલ ભેગું થવું સહેલું છે પણ નિયતિની થપ્પડને કંઇ ગુંજ નથી હોતી. એનો રક્તસ્ત્રાવ બહાર નહંિ, ભીતર થાય છે. એમાંથી આકાર લે છે અક્ષરો…….
  અદ્દભૂત…જયભાઈ…આ લેખ માં તમારું ગદ્ય પણ એ ઉંચાઈ ને આંબે છે;જ્યાં લાગે કે આ પણ એક પદ્ય/કવિતા જ છે…સાચ્ચું કહું છું,કે તમારી ભાષા અને એમાં પ્રગટેલા આ શબ્દો; કોઈ ના મરણ પછી એના(એ વ્યક્તિ ના) સ્મરણ ને;એ વ્યક્તિને જીવંત કરી દે છે…આમીન…

  Like

   
 15. Ghanshyambhai Bunha

  November 27, 2011 at 1:11 PM

  namskar saheb, R.P. vishena aa lekhe ( tena pratye ahobhav to hatoj ) pan have ghelu lagadi didhu.

  Like

   
 16. laaganee

  November 27, 2011 at 3:11 PM

  કવિ રમેશ પારેખનો કવિતા સંગ્રહ “ છ અક્ષરનું નામ “ , જેમાંથી હું પસાર થઈ છું, ખબર છે કે એમનો અજંપો ને ઉચાટ સઘળું મળ્યા છતાં અંતરની તરસ….. આપે ખુબ જ સુંદર રીતે કહી છે.
  વાંચીને ગળે ડૂમો ને આંખમાં પાણી ના આવે તો કદાચ તમે જીવનમાં કોઈને એક ક્ષણ માટે પણ પ્રેમ નથી કર્યો સાબિત થાય ….!!
  આપની સંવેદનશીલતા માટે અને એ અમારી સાથે વહેંચવા બદલ ખુબ-ખુબ આભાર…
  ન હોઈને પણ તારો અણસાર મુજમાં સતત વર્તાય છે,
  બની ગઈ છું આઈનો એવો જેમાં તુ જ દેખાય છે….!!!
  મૌસમી મકવાણા – ‘સખી ‘

  Like

   
 17. siddharth

  November 27, 2011 at 11:07 PM

  આંખોને કાળમીંઢ કોણે ઘડી છે

  મને કંઇ તો જોયાનું સુખ આપો…

  મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય

  મને કંઇ તો રોયાનું સુખ આપો…

  (kuvari chokri nu git) one of my most favrt….superb.

  Like

   
 18. siddharth

  November 27, 2011 at 11:17 PM

  superb article n so is picture(trapped heart)

  Like

   
 19. Nayan Tarasaria

  November 28, 2011 at 11:58 AM

  Class …super …thanks …..subha … roshan ho gayee..sham rangeen..

  sapne mithe ho gaye… khayal patangiya….dubara dubara..

  Like

   
 20. jeet

  December 1, 2011 at 1:07 PM

  Jaybhai, jyare pan Ra. Pa. ne vachya che, andar thi evu j lagyu ke koi bija jamana no manas bhulthi aa pruthvi par avi chadhyo che…apne lucky kahevaie ke e gujarat ma avya ane apna jamana ma avya… pan emnu bhitarnu dard to emne j khabar hashe. thank you for this article.

  Like

   
 21. Pranav

  December 4, 2011 at 3:55 PM

  Ramesh Parekh…!!!

  Ek lila chttak kavi…!!! emna ek ek shabd ne ghodine pivanu mann thai jay…!!!

  Like

   
 22. vandana

  December 5, 2011 at 3:27 PM

  i cant get any word for this artical… but….

  aankh ma jaljaliya chhe ne man no dariyo hilole chadyo chee..

  Like

   
  • Maharshi Shukla

   December 6, 2011 at 5:33 PM

   “Kharbachdu lohi thatu ruvantiudar evu chomasu char char nen nu;
   dhodhmar pincha no padto varsad, gaam akhu tanai jatu ven nu”…
   Ramesh Parekh ni mane khub j gamti rachna ane etli j saras rite Parthiv Gohil na ghuntayela swar ma Shyamal-Saumil munshi e ‘Hastakshar’ma swasrbaddh karel chhe……”

   Like

    
 23. Jagdish

  December 10, 2011 at 11:47 AM

  khubj khubj maja avi gai great J.P.Buch

  Like

   
 24. Ashwin C. Ahir

  December 12, 2011 at 1:20 AM

  aashrubhin0!!!!!!!

  Like

   
 25. Jignesh

  April 9, 2012 at 1:00 AM

  JV

  have been religiously reading your articles from the time you started writing in Gujarata Samachar. Sometimes it is hard to decide what is better, your writing on a subject or the subject itself…..

  i have found many of your articles on movies more entartaining then the movie itself. you repackage the original content in your unique style.

  hats off to you….

  keep rocking and keep writing the same way..

  Like

   
 26. નિરવની નજરે . . !

  April 26, 2014 at 9:47 PM

  છેક હવે આ લેખ’રૂપી અંજલી વાંચવા મળી !!! અદભુત અને અનહદ !

  જય સર , આ કાવ્ય’માં . . .

  દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?

  અમે પૂછયું : લે બોલ, હવે તું…

  પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?

  જોવાની હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?

  ઊંચી ઘોડીને ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?

  સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે, એ તડકાઓ હોય કે લૂ?

  અમે પૂછયું : લે બોલ, હવે તું…

  મને પાંચમી લીટી’એ થોડુ ધ્યાન ખેંચ્યું . . . ત્યાં ” એના મારગ મોટા કે કોલ મોટા? ” ને બદલે ” એના મારગ મોટા કે મોટા કોલ ? ” એમ આવે ?

  કદાચિત મને એમ લાગ્યું . . શું લખવામાં કાઈ ભૂલ રહી ગઈ કે પછી આમ જ આવે ?

  [ મને ખ્યાલ નથી , જરા ધ્યાન દોરજોને . . . આ તો સળંગ વાંચતા વાંચતા અહીંયા અટકી જવાયું , માટે પૂછ્યું ]

  Like

   
  • ભૌતિક સોરઠિયા

   October 8, 2018 at 10:23 AM

   દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
   અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

   પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
   જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
   બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
   અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

   ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
   દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
   સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
   અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

   – રમેશ પારેખ
   From :- laystaro.com

   Liked by 1 person

    
 27. mansi

  June 1, 2014 at 3:50 PM

  superb

  Like

   
 28. ankit sadariya

  May 17, 2018 at 2:47 PM

  હું દૃઢ પણે માનું છું કે જો ગુજરાતીને બદલે અંગ્રેજી માં લખાયું હોત તો રમેશ પારેખ અને ઝવેરચંદ મેઘાણીને નોબેલ મળ્યા જ હોત

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: