RSS

ફાધર વાલેસ નહીં પણ ફાધર ”વ્હાલેશ” !

23 Nov

શિક્ષકના ઓરડાના દરવાજે ટકોરા પડયા, એક વિદ્યાર્થી હાથમાં નોટબુક લઈને આવ્યો. એને એક દાખલો સમજાતો નહોતો. પ્રયત્ન કર્યે પણ બેસતો નહોતો. શિક્ષકે બાજુમાં બેસાડી કોરો કાગળ આપ્યો અને પોતાની હાજરીમાં એ વિદ્યાર્થીને આખો દાખલો નવેસરથી ગણવાનું કહ્યું. ક્રમે ક્રમે સમીકરણો મુજબ ગણત્રી કરીને, જરા અમથી સૂચના ગુરૃજીની લઈને, આખો દાખલો વિદ્યાર્થીએ પોતાની મેળે પૂરો કર્યો. જવાબ સાચો. રીત પણ સાચી! શિક્ષકે મર્માળુ સ્મિત સાથે તેની સામે જોયું. વિદ્યાર્થીએ સહજ નિર્દોષ ભાવે ખુલાસો આપ્યોઃ ”તમે સાથે હતા એટલે આવડયું!”

મોકળાશથી મલકાતાં શિક્ષકે કહ્યું: ”હા. પણ આવડયું તો તમને જ ને!”

* * *

એ શિક્ષક એટલે છ્યાંશી વર્ષે તાજેતરમાં વતન સ્પેનથી (૨૦૦૯ પછી ફરી) ગુજરાત આવેલા ફાધર વાલેસ. ”સવાયા ગુજરાતી”થી ”વિશ્વનાગરિક” સુધીના બિરૂદ અને રણજીતરામ સુવર્ણચંદ્રક સુધીનું સન્માન પામી ચૂકેલા ફાધર વાલેસને જાણવા, સાંભળવા કે વાંચવા એ તો ગુજરાતી ભાષાનું સન્માન છે! એકવીસમી સદીમાં સંત કેવા હોવા જોઈએ એની સાક્ષાત્ જીવંત વ્યાખ્યા એટલે આ સારસ્વત કાર્લોસ જી. વાલેસ. મહેનત, શ્રદ્ધા અને આત્મીયતાથી એમના સત્વ તત્વનો પીંડ ઘડાયેલો છે એવું આ નરસિંહ મહેતાના ભજનમાંથી બહાર નીકળી આવનારા વૈષ્ણવજન ખુદ કહે છે. ચમકતી નિર્મળ આંખો અને સ્નેહાળ મૃદુ સ્મિત થકી એમને જોતાંવેંત ખબર પડે કે એમના વ્યક્તિત્વની ઉંચાઈ એમના દેહની છ ફૂટની ઉંચાઈથી પણ વધુ છે.

* * *

ફાધર વાલેસ ૧૯૪૯માં ૨૪ વર્ષની ઉંમરે ભારત આવ્યા, ત્યારે ગ્રીક લીટરેચર અને ફિલોસોફીમાં તેમની પાસે ડીગ્રી હોઈ, પછી ચેન્નઈમાં ગણિતની ડીગ્રી મેળવી. પહેલી મે- ૧૯૬૦ના ગુજરાતના સ્થાપના દિને ગુજરાત આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યા. (એ આગમનનો રમૂજી પ્રસંગ વર્ણવતા, ભીડવાળી ટ્રેઈનમાં ધક્કાથી ચડી ગયેલ અને ભીડને લીધે જ ઊભા ઊભા અને ઉંઘતા આવેલ ફાધર આજેય ખડખડાટ હસી પડે છે!) ગુજરાતમાં આવ્યા પછી વિશ્વધર્મથી લઈ ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો.

એ સમયે નવગણિત અભ્યાસક્રમમાં આવ્યું હતું. ફાધર વાલેસે ગુજરાતીમાં તેની સરળ સમજૂતી આપતાં પુસ્તકો લખ્યા. અનેક અંગ્રેજી પારિભાષિક શબ્દોનું ભારતીય દર્શનનો વઘાર કરી સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભાષાંતર કર્યું. જેમ કે જી.એચ. હાર્ડીના ”પ્યોર મેથેમેટિક્સ” પુસ્તકનું કાચો પોચો અનુવાદક ”શુધ્ધ ગણિત” એવું ભાષાંતર કરે. પણ ફાધરને થયું કે આમ તો બાકીના ગણિત અશુદ્ધ લેખાય એટલે શંકરાચાર્યના ”કેવળાદ્વૈત” પરથી ભાવાનુવાદ કર્યો, ”કેવળ ગણિત”! નવા ગણિત અંગે દરેક નવી બાબતને સ્વીકારવા માટે થતા રાબેતા મુજબના ભારતીય ગણગણાટને ઠારવા ફાધર વાલેસે એને સાસરે આવતી, મુંઝાતી, ફફડતી ગુણિયલ નવોઢા જેવું ગણાવીને એનો વાત્સલ્યપૂર્વક સ્વીકાર કરવા અપીલ કરી હતી! સુખ્યાત ગણિતશાસ્ત્રી મહાવીર વસાવડા નોંધે છે તેમ આ નિરીક્ષણથી માત્ર ગણિતને જ નહીં પણ સામાજીક સંબંધોને સમજવાનું પણ માર્ગદર્શન મળે તેમ હતું!

બસ, ખરી રીતે ફાધરે આ જ ઋષિતુલ્ય પિતામહી ભૂમિકા ભજવી. લેખના આરંભે જ લખેલો કિસ્સો ફરીથી વાંચો. સામાન્ય માસ્તર વિદ્યાર્થીનો અઘરો દાખલો ગણીને (આજના જમાનામાં રેડીમેઈડ મટીરિયલ આપીને!) ગુમાની વટ પાડે. પણ ફાધરે આ પ્રસંગ પછી નોંધ્યું છે- ”જો એના હાથમાંથી દાખલો લઈને મેં એ ઉતાવળમાં એને માટે ગણી આપ્યો હોત તો ખોટું થાત, બીજાએ ગણાવી આપેલો દાખલો તો બીજાનો જ રહે છે. એમાં આનંદ નથી, શિક્ષણ નથી, તાલીમ નથી. જવાબ આ પ્રમાણે છે એટલી શુષ્ક માહિતી એમાં છે. આવો પારકો દાખલો મનમાં ઊંડે ન ઊતરે અને ઝાઝો ન રહે. બહુ તો પરીક્ષાના દિવસ સુધી રહે, પછી તરત ભૂંસાઈ જાય. જ્યારે પોતે ગણેલો દાખલો તો પૂરો સમજાયને- ઊંડે ઊતરે ને કોઈ દિવસ ન ભૂલાય.”

ફાધર ખુદ સમજાવે છે કે જીવનના દાખલામાં પણ આ જ વાત લાગુ પડે, ”પારકી આશ સદા નિરાશ.” ઉત્તમ શિક્ષકની જેમ કોઈ હુંફ અને પ્રેરણા આપી શકે. હિંમત વધારી વિશ્વાસનું વાતાવરણ તૈયાર કરી શકે. અનુભવસિધ્ધ સાવચેતી સમજાવી શકે. તમે દિલ ખોલી શકો એ માટે સાક્ષી અને ચાહક બની શકે પણ સાચા નિર્ણયો લઈને અઘરો દાખલો ઉકેલવો તો જાતે જ પડે! ફાધરના શબ્દોમાં ‘(તમે) રડી પડશો તો તમારી પોતાની આંખો આંસુથી ધોવા માટે, જેથી એ વધારે સ્પષ્ટ જોઇ શકે ને તમને સાચો રસ્તો દેખાડે. આખરે તો તમારી નજરે તમારે જોવાનું છે.’

એકદમ સરળ ભાષામાં તદ્દન તટસ્થ અને ભાવનાની ભીનાશથી છલોછલ એવા મખમલી ચિંતનની ઝગમગતી ચમક ફાધર વાલેસ ઠેર ઠેર ફેલાવતા ગયા. રૃંવાડે રૃંવાડે ‘પોઝીટીવ એટીટયુડ’ રાસડા લેતી હોય એવું એમનું શુભ- શાંત, શાલિન વ્યકિતત્વ. ‘ઘેર ઘેર માટીના ચૂલા’ જેવી કહેવત એમને નકારાત્મક લાગે! બધાં પરિવારોમાં માત્ર ખામીઓ જ હોય એવું પ્રતિપાદિત કરવાનું? દરેક કુટુંબમાં કંઇક ઉજળી બાજુ તો હોય ને! એમણે કહેવત ઉલટાવી, ‘ઘેર ઘેર સોનાના ચૂલા!’ આત્મત્યાગ અને લોકસંપર્ક કાજે ૧૯૭૩થી કોલજનો સલામત નિવાસ છોડી અમદાવાદની પોળોમાં ‘વિહાર યાત્રા’ શરૃ કરી. મધ્યમ વર્ગના કુટુંબોમાં આતિથ્યભિક્ષા માગી. એમની સાથે થોડા થોડા દિવસ રખડતા મહેમાનની જેમ જીવે. સ્વભાવે હાસ્ય રસિક અને હળવા ફૂલ એટલે અગવડોમાં પણ આનંદથી આરાધના કરી શકે.

આમ કરતાં કરતાં પોતાની સ્પેનિશ માતાની આર્થિક મદદથી પહેલું પુસ્તક ‘સદાચાર’ છપાવ્યું. પછી તો વિવિધ લેખો અને પુસ્તકોનો અંબાર લાગી ગયો. પાનાંઓના પારણે ગુજરાતી ભાષાને ફાધર વાલેસ હેતથી ઝૂલાવે. ખ્રિસ્તી દર્શનના ઉત્તમ તત્વો ક્ષમા, કરૃણા, ઉદારતા, સમાનતા, બંધુતા, સેવા વગેરે તો એમના વ્યકિતત્વમાં જ છલોછલ વણાઇ ગયા હતાં. ભારતીય અધ્યાત્મની સુવાસ એમણે દેહ પર ચોળાતા અત્તરની જેમ પોતાનામાં ઓગાળી દીધી.  કરસનદાસ માણેકના ભજનો એમને કંઠસ્થ હોય, ગાંધીજીના ચશ્મામાંથી એ ગામડું નિહાળી શકે અને કૃષ્ણની મૂરલીના તાન પર થનગનીને નાચી શકે.

પશ્ચિમમાં પૂર્વ જન્મની સંકલ્પના ના હોવા છતાં ‘લખ ચોરાસીના ફેરા’ ફાધરના લખાણોમાં વારંવાર આવે! હળવાશથી કહે, પશ્ચિમને તો એક જન્મમાં જ બધું ઝટ મેળવી લેવું હોય, બધા ભાગતા રહે. જયારે પૂર્વમાં તો જન્મજન્માંતરના ફેરા! એટલે બધું ય ધીમે ધીમે, ઢીલુઢફ, આળસભર્યુ ચાલી શકે! ભારતીય તહેવારો અને પ્રતીકોનું પણ પોતાની ચિરંજીવ આસ્થા અને રેશમી અહોભાવથી કલ્પનાશીલ અર્થઘટન કરે. જેમ કે અંદરોઅંદર લડાવી મારતા ધર્મો અને ઇશ્વરની માનવે બનાવેલી વ્યાખ્યાઓ જડને બદલે નિત્ય પરિવર્તનશીલ હોવી ઘટે એવું સમજાવવા ગણેશ વિસર્જનનું ઉદાહરણ આપે. પ્રતિવર્ષ ભગવાનની નવી મૂર્તિ બનાવવાની અને પછી એની મર્યાદામાં જ ન રહેતાં, નવી મૂર્તિ ઘડવા માટે જૂનીને વિસર્જિત કરવાની! જ્ઞાન અને વિચારોના આદાનપ્રદાનથી પણ માણસે હંમેશા પોતાની જૂની સીમાબદ્ધ વ્યાખ્યાઓ તોડી નવીનતાનું ઘડતર કરતાં રહેવું પડે.

ફાધર વાલેસે આવા તો અઢળક લખાણો લખ્યા. ભારતીય બાવાઓની માફક સ્વયંના સંસારત્યાગ પછી પણ સંસાર પ્રત્યે એમને લગીરે અરૂચિ નહીં એટલે કુટુંબ અને જીવન ઘડતરના એમના લેખો વ્યવહારૂ તથા વૈજ્ઞાનિક અભિગમવાળા. શાળા જીવનમાં બાળકો નિર્દોષ હોય અને કોલેજમાં ફેશન, ફ્રેન્ડશીપ, ફન બધું આવતાં યુવક- યુવતીઓની નિર્લજજતા- કલુષિત વાતાવરણ અંગે ચોખલીયાઓ ટીકા કરે ત્યારે મજાક કરતાં ફાધર વાલેસ નવી પેઢીના વકીલ બને. ‘તો શું જવાનિયાંવને માત્ર બાળક બનાવી પારણામાં પાછા ધકેલી દઇશું?’ એવું પૂછી ‘સ્કવેરકટ’ ફટકારે. “પણ અહીંયા વિશેષ મુશ્કેલી એ છે કે સ્કુલની ‘નિર્દોષતા’ વટાવીને કોલેજની દુષ્ટતા જો કોઇ ન આદરે તો પારણાં બંધાતા પણ બંધ થઇ જાય, એટલ એમાં સૂઇ જવાનું મહાસુખ પણ કોઇને ન મળે.”

બ્રહ્મચારી એવા આ ફાધરની નર-નારી સંબંધો વિશેની સમજણ પણ ગળપણથી ભરપૂર, વગર લગ્ને પણ એમનું ‘લગ્ન સાગર’ પુસ્તક પચાસથી વધુ યુગલોને ભેટ આપ્યાનો જાત અનુભવ છે! પ્રેમ લગ્નના એ ચુસ્ત હિમાયતી! પણ આંધળુકિયાના સ્પષ્ટ આલોચક. વડીલોને ટપારે, યુવાનોને રમાડે, અત્યારે મારા લેખ છપાય છે એ જ સ્થાને ‘ગુજરાત સમાચાર’ની રવિપૂર્તિના છેલ્લા પાને એમની કટાર ‘નવી પેઢીને’ ગુજરાતભરમાં વન્સઅપોન એ ટાઇમ લાખો વાચકોને ‘ક્રેઝી કિયા રે’ના હિલ્લોળા લેવડાવતી હતી.

ફાધર નવી પેઢીને શિખામણો ન આપતા પણ એમની સાથે પોતાના સંવેદનો / સ્પંદનોનું ‘શેરિંગ’ કરતા. ગુજરાતની ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ બતાવતાં. ગુજરાત એમના માટે પોતાનું ઘર હતું. કવિ ઉમાશંકરને એમણે સ્પેન જતી વખતે ‘એબ્રોડ’ જાઉં છું કહ્યું ત્યારે કવિએ ધ્યાન દોર્યું કે તમે તમારા પોતાના સ્વદેશને પરદેશ કહી રહ્યા છો! નિવૃત્તિ પછી અંતે પચાસ વર્ષ ભારતમાં ગાળી, ૧૯૯૯માં એમણે ગુજરાત છોડી દીધું. માતૃભાષા સ્પેનીશનો સિક્કો અમેરિકા સહિત અનેક દેશોમાં રણકે એટલે વિદેશ પ્રવાસો કર્યા. એમનું ૨૦૦૯મા આવેલું પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’ વિદેશમાં વસી ગયેલા ‘ઇમીગ્રન્ટસ’ની નવી પેઢીમાં ઉભા થતા ‘કલ્ચર કન્ફયુઝન’ વિશે છે. મા-બાપ પોતાના મૂળીયાને વળગી રહે અને સંતાનને સ્વાભાવિકપણે પરદેશી વાતાવરણ પોતીકું લાગે! (હવે છેલ્લું પુસ્તક અંગ્રેજીમાં ગુજરાતની નવરાત્રિ પર આવ્યું છે.)

પરંતુ, આ બધા વૈશ્વિક સવાલોની ચર્ચા પછી પાયાનો સવાલ એ થવો જોઇએ કે નેવુંના દાયકામાં ગુજરાત હોવા છતાં ફાધરે ગુજરાતીમાં લખવાનું કેમ ઓછું કર્યું? અને આજે કેમ એમના અઢળક નવા પુસ્તકો અંગ્રેજીમાં જ કેમ છે?

એનો ખુલાસો એક ગુજરાતીની આંખો લજ્જાને બદલે લઘુતાથી નીચી ઢાળે તેવો છું. ખુદ ફાધરના જ શબ્દોમાં વાંચવો છે?

* * *

‘મેં ભાષા મનોવિજ્ઞાનના પુસ્તકો વાંચ્યા, તર્કો ચલાવ્યા, વિપુલ નોંધ લીધી અને ધીરે ધીરે ભાષા અને સંસ્કૃતિના ગાઢ સંબંધ વિશે મારૃં અંગત સંશોધન પણ આગળ વધ્યું, મારે મન વાત એટલી મહત્વની લાગી કે સમય કાઢીને હુ એ ક્ષેત્રમાં પ્રખ્યાત એવી અમેરિકાની જોર્જ ટાઉન યુનિવર્સિટીમાં ગયો અને ત્રણ મહિના સુધી ત્યાં રહીને ભારતના નિષ્ણાત પ્રાધ્યાપક ડો. શાલિગ્રામ શુકલના હાથ નીચે આ વિષયનો મેં શિસ્તબદ્ધ અભ્યાસ કર્યો.’

આ પ્રયત્નોના ફળસ્વરૃપે છેવટે મારૃં ‘શબ્દલોક’ પુસ્તક ૧૯૮૮ની સાલમાં બહાર પડયું. મને એમ હતું અને છે કે ગુજરાતી ભાષામાં મારા વિચાર, અનુભવ, અભ્યાસ અને મંથનનો નિચોડ એમાં છે. એ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી સંસ્કૃતિમાં મારૃં વિશેષ યોગદાન છે. મેં જિંદગીમાં કદીએ કર્યું નહોંતુ એવું આ પુસ્તક વખતે કર્યું. એટલે કે પુસ્તકનો વિમોચન વિધિ રીતસર ગોઠવ્યો, સભા બોલાવી મેં એ પુસ્તકની પાછળના મારા વિચારો, મહેનત, આશા, મમતા હતાં એ દિલના ઉમળકાની સાથે કહ્યાં, અને મારૃં એ માનીતું પુસ્તક ગુજરાતના વાચકવર્ગના હાથમાં મૂકયું.

એમાં મારા લેખક તરીકેના જીવનમાં સૌથી કરૃણ બનાવ બન્યો. એ પુસ્તક નિષ્ફળ ગયું, મારાં બધાં પુસ્તકોની પહેલી આવૃત્તિ તો પ્રકાશનના પહેલાં વર્ષની અંદર જ ખપી જતી. તો આ પુસ્તકની પહેલી આવૃત્તિ હજી ચાલે છે, એટલે કે ચાલતી નથી. એ પુસ્તક વેચાયું નહિ એટલે વંચાયું નહિ. એની સાથે ગુજરાત સાથેની મારી રોમાંચક પ્રેમકથાનું છેલ્લું પ્રકરણ લખાયું. ત્યાર પછી મારા ગુજરાતી પ્રકાશનો નોંધપાત્ર રહ્યાં નથી.”

ફાધર વાલેસની ડાયાબિટીસ થઈ શકે એવી મીઠાશ અને સંતસહજ સૌમ્ય અને સારપને બાજુએ રાખીએ તો સીધીસટ વાત એ છે કે એક પરદેશીએ જેટલી ગુજરાતની કદર કરી એટલી ગુજરાતે શબ્દોને વૃંદાવનની ગોપીઓ માનીને ભજતા ઉપાસકની ન કરી! ગુજરાતીઓને મૂળભૂત રીતે કોઈપણ ભાષા પ્રત્યે પ્રેમ નથી. અંગ્રેજી શીખવા બાબતે ફાધર વાલેસે જ લખ્યું છે તેમ અભ્યાસક્રમ બહારની કોઈપણ બાબત શીખવાની આપણને ટેવ નથી. (અંગ્રેજીનો મોહ પણ ગુજ્જુઓને ભાષાસાહિત્યના પ્રેમને લીધે નહીં પણ પૈસા અને પાવરને લીધે છે).

માટે ગુજરાતી શબ્દો યુરોપિયન ફાધરને જેટલાં આકર્ષે તેટલા આપણને સ્પર્શતા નથી. માટે, ફાધર ”શબ્દલોક” માં ”હું નહિ આવું”ના કર્તરિપ્રયોગના બદલે ”મારાથી નહીં અવાય” ના કર્મણિ પ્રયોગ વચ્ચે પરિગ્રહથી અપરિગ્રહનું સાંસ્કૃતિક અંતર બતાવે, એ સૂરેશ રૈનાને શોર્ટપીચ બોલ ”બાઉન્સર” જાય એમ ગુજરાતીઓને ”ઉપરથી” જાય! સાંસ્કૃતિક લાક્ષણિકતા તો એ છે કે ગળથૂથીમાં મળેલી કુતૂહલવૃત્તિ કે ”નોન જજમેન્ટલ એટિટયૂડ”ને લીધે વિદેશીઓ જેટલા આપણી સાથે સમરસ બની શકે છે તેટલા આપણે આપણા મિથ્યાભિમાન અને અજ્ઞાનને લીધે પરદેશ સાથે અનુસંધાન જોડી શકતાં નથી. જુઓને વાર – તહેવારે ખ્રિસ્તી ધર્માંતરનું ખંડન કરતી ભગવી સંસ્થાઓને હિન્દુત્વની અખિલાઈ દર્શાવવા ફાધર વાલેસ જેવા સ્નેહસેતુના સન્માનનું ”મંડન કાર્ય” સૂઝે છે ખરૃં?

ગાંધીજન ડો. સુદર્શન આયંગર સાચું જ કહે છે કે એક સમયે ફાધર વાલેસ ગુજરાતની નવી પેઢી સુધી પહોંચ્યા હતાં. હવે ગુજરાતની નવી પેઢીને ફાધર વાલેસ સુધી પહોંચાડવાની છે! નવી પેઢીના  ભાષા અને સંદર્ભો આજે ફરી ગયા છે. ઈમોશનલ મેલોડ્રામા એમને ખપતો નથી. કારણ કે એ પેઢી નવી છે, જૂની નથી. ફાધર વાલેસના સુંવાળા લખાણો એમને થોડાંક આદર્શવાદી અવાસ્તવિક પણ લાગી શકે. પણ એ કંઈ લેખકની કલમથી નહીં પણ ઓલીયાના આત્માના અવાજથી લખાયેલા છે. રફતારની સાથે જ અવઢવનો અંધકાર વધ્યો છે ત્યારે કોઈ પ્રેમાળ પાદરીની ચાંદીની દીવીનો સાત્વિક પ્રકાશ મનનો મેલ નિતારવા જોઈશે ને?

ફાસ્ટ ફોરવર્ડ

”પ્રાર્થના એટલે રોજ સવારે હસતા ચહેરે ઊઠવું  !”(એક સ્કુલગર્લ રાધિકા સમ્રાટ બુધ્ધના નિબંધમાંથી)

++++++========

જેમને વાંચીને, કહો કે ધાવીને મોટા થયા હોઈએ એવા સર્જકોમાંના એક ફાધર વાલેસ. (એમણે પોતે લખેલો એમનો પરિચય એમની સાઈટ પર અહીં વાંચવા મળશે, એમનું મેઈલ આઈ.ડી. carlos@carlosvalles.com છે. ) બધા તો એમના પુસ્તકો નથી વાંચ્યા, પણ જે વાંચ્યા એ હ્રદય સુધી પહોંચ્યા. હું થોડો ‘લાઈમલાઈટ’માં લેખનક્ષેત્રે આવ્યો અને ફાધર માદરે વતન સ્પેન (હા, હા ‘જીંદગી ના મિલેગી દુબારા’ વાળું સ્તો ! :P) એમના વૃદ્ધ માતા પાસે જતા રહ્યા એવું સાંભળેલું. ફાધર તો ગુજરાતી ના ભૂલ્યા પણ ગુજરાત એમને વીસરતું ચાલ્યું.

એમાં બે વર્ષ પહેલા ૨૦૦૯ના અંતકાળે ફાધર વાલેસ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સન્માનિત થવાના છે, એવા સમાચાર મિત્ર રમેશ તન્નાએ આપ્યા. મારે જમણા હાથે ફ્રેક્ચર અને બે સર્જરી પછીનો પાટો. છતાં ય જવાનું નક્કી કર્યું. કોઈ વ્યાખ્યાન નહિ, પ્રોફેશનલ રીઝન નહિ. ગાંઠના ખર્ચે પટ્રોલ બાળવા માટે ઘણાખરા ગુજરાતી વક્તાઓ કદી તૈયાર હોતા નથી. પણ હું તો દેખા જાયેગા કહીને ફિલ્મ જોવા ય ઉપડું. ઉપડ્યો. ફાધરના દર્શન થયા. કાર્યક્રમ પુરો થયે નજીક જઈને અલપઝલપ જોયા. મજા પડી. સંતોષ થયો.  ફાધર સરસ બોલ્યા હતા.

હમણાં જ ફાધર વાલેસ ફરી ગુજરાત આવી ગયા. કમનસીબે મને સમાચાર જ બહુ મોડા મળ્યા અને મારા કાર્યક્રમો એવી રીતે ગોઠવાયેલા કે ફેરવું તો બીજાઓ હેરાન થાય ! તો ય જેમતેમ કરી અમદાવાદની ઉડતી મુલાકાત  લીધી. મનમાં તક મળે તો નજીકથી બે ઘડી ગોઠડી કરવાનો ભાવ. પણ ૫ વાગે પુરો થવાનો પ્રોગ્રામ અન્ય ભાષણોને લીધે ૬ સુધી ચાલતો હતો! રમેશભાઈને ફાધર માટે પુસ્તકો આપીને જ નીકળવું પડ્યું. છતાં ય ફરી જોવા -સામ્ભળવા તો મળ્યા!

પહેલી વખતે ફાધર વાલેસ આવેલા ત્યારે ગુર્જરે બહાર પાડેલો એમનો ૬ પુસ્તકોનો સંપુટ લીધેલો. એ વાંચતા વાંચતા ફરી એમના વિષે લખવાનો ઉમળકો ચડ્યો અને ત્યારે આ લેખ મારી કટાર ‘સ્પેકટ્રોમીટર’માં લખેલો. એમનો ઓડિયો-વિઝ્યુઅલ ઇન્ટરવ્યુ ‘સંવાદ’ સ્ટાઈલમાં કરવાની ઈચ્છા ખરી, પણ આ લખાય છે, ત્યારે તો સ્પેન ભેગા થઇ ગયા હશે કદાચ. એમની ઉંમર જોતા એ યાદગાર આર્કાઇવ્ઝ ચુકી જવાનો વસવસો રહે અને આવા કાર્યક્રમો માત્ર અમદાવાદ કેન્દ્રિત બનવાને બદલે ગુજરાતના અન્ય ભાગ સુધી વિસ્તરે તો ફાધરનો લાભ તાળીમાર શ્રોતાઓથી આગળ ખરેખર સમાજને વધુ મળે એવી ચળ પણ આવે. ગુજરાત સરકાર સદભાવના મિશનમાં ગુજરાતભરના આચાર્યો/ શિક્ષકોના સંમેલનમાં ફાધર વાલેસને ના બોલાવી શકે? હિન્દુ ધર્મ વિષે મોરારીબાપુ, ઇસ્લામ વિષે મૌલાના વસ્તાનવી અને ખ્રિસ્તી ધર્મ વિષે ફાધર વાલેસ જેવા પ્રગતિશીલ અને ખરા અર્થમાં તટસ્થ જાણકારને એક મંચ પર લાવી કોઈ રળિયામણો પરિસંવાદ ના થાય? ફાધર વાલેસ જેવાનું પ્રવાસ આયોજન વધુ ઉમદા રીતે થાય તો એ સુરતથી રાજકોટ સુધીના નગરોમાં જઈ શકે.

ખેર, આ પોસ્ટ વહેલી મૂકી હોત તો  કમસેકમ કેટલાક દોસ્તો ફાધરને જોવા – મળવા અમદાવાદ પહોંચી ગયા હોત એનો ય અફસોસ તો થાય છે. પણ બધું ધાર્યું જીવનમાં થતું હોત તો ગોડને પ્રેયર જ કોણ કરત ? પણ મળી-જોઈ ના શકાય તો યે વાંચી તો શકાય ને? લો, રીડગુજરાતી.કોમ પર આ સેમ્પલ આર્ટીકલ વાંચો એમણે લખેલો ! બ્રહ્મચર્યને વરેલો કોઈ સંન્યાસી લગ્નની તરફેણમાં કોઈ જ કડવાશ કે ધાર્મિક માન્યતાઓ વચ્ચે લઇ આવ્યા વિના કેવી સૌમ્ય હકારાત્મકતા રાખી શકે, એનો આ અદભૂત સંતુલિત નમૂનો ખરેખર તો જડબુદ્ધિ ધર્મગુરુઓને વંચાવવા જેવો છે!  અને, જો વાંચી ના હોય તો એમની કોઈ બુક પણ વાંચજો. અંતરમાં અજવાળું થતું રહેશે 🙂 

 

35 responses to “ફાધર વાલેસ નહીં પણ ફાધર ”વ્હાલેશ” !

 1. khanjan

  November 23, 2011 at 6:11 AM

  Jaybhai,

  Bahu sachi vat. . Mara Maths na sudhar programme ma father no moto falo chhe.

  Like

   
 2. Jani Divya

  November 23, 2011 at 7:02 AM

  Wah saras majanu che emnu varan!! mane paaku yaad nathi pan high school ma emnu ghanu vanchelu che!!!
  also the sample article is having balanced view!!!
  really vahlesh article!!! 🙂

  Like

   
 3. Tamanna shah

  November 23, 2011 at 8:47 AM

  thank you jvsir,

  i was waiting for ur article since last 5 days…and i m really happy by reading article on father wallace..in gujarati he may called “dunyavi sant”…

  Like

   
 4. Amit Andharia

  November 23, 2011 at 10:34 AM

  saras ane father na maths jevu sidhu j gale utarai jai tevu j temna vyaktitv ane kary nu sachot alekhan! 🙂
  khabar hati to pan chuki javayu, koi karan sar aa gaam ma j na hato… 😦 vasvaso rehshe! pan, anand a vaat no che k a gujarati o bhale bhuli jata pan te haji gujarat ne niswarth prem kare che a vaat temne prove kari j api! 🙂

  Like

   
 5. રૂપેન પટેલ

  November 23, 2011 at 10:43 AM

  જયભાઈ ફાધર વિશે આપના થકી ઘણું જાણવા મળ્યું . અગાઉ ફાધર વિધાપીઠના કાર્યક્રમમાં આવ્યા તેની માહિતીસભર પોસ્ટ ઉર્વીશભાઈના બ્લોગ પર વાંચી અને ફાધરને મળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ તે આ વખતે પરિષદના કાર્યક્રમમાં જવાનો મોકો મળ્યો . ફાધરને નજીકથી જાણવા , માણવા અને જોવા મળ્યા . ફાધરના ઓટોગ્રાફ તેમની નવી બુક 9 nights in india પર પ્રેમથી મળ્યા . ફાધર શુદ્ધ ગુજરાતીમાં ટૂંકમાં ઘણું બધું કહી ગયા . ફાધર વાલેસને મળવાનો દિવ્ય અનુભવની પોસ્ટ મારા બ્લોગ http://rupen007.wordpress.com/2011/11/19/carlos-g-valles-sj/ પર મૂકી છે .

  Like

   
  • Rajiv Desai

   November 23, 2011 at 11:02 PM

   Rupen,
   It is good that you wrote about Father Valles on your blog. I just have a few points for your friend Urvish Kothari, if you really want to find out more about him:
   1. While talking about Father Valles (who actually came to release his book on ‘Contribution of the Christians in Gujarat’s development’, whose name itself shows a complete religious bias) he becomes mesmerized. But when it comes to Morari Baapu, he becomes completely negative about it. Morari Baapu has encouraged Gujarati literature tremendously in the Asmita-Parva and many other occasions. He has been involved in a lot of activities like education and health services in remote areas in Gujarat. In short, he has been doing much more to Gujarat than any Christian missionaries.
   If you still haven’t heard about it, this is called pseudo-secularism.
   2. Nobody can have anything against a regular christian person. But Urvish Kothari who do have problem with Vande-Maatram (you better know why!), but encourages conversions done by the missionaries. Too many problems with Morari Baapu’s Ramkatha but never asking the christian missionaries if they would still be around in India if they are not permitted to convert the people to christianity!
   3. Urvish Kothari’s shoe-polish can not only be seen at many occasions at Gujarati Sahitya Parishad’s functions, but also in his writings. This time he has even gone further to coin the word ‘Raghuvairya’ for Raghuvir Chaudhari. If you don’t know who Raghuvir Chaudhari is – he is one of the authorities in Gujarati Sahitya Parishad since last 30 years, in charge of the Academy’s awards, and above all completely bad writer whose books are purchased or read by nobody! Because of the shoe-polish of Raghuvir Chaudhari and alikes in the academy, Urvish Kothari has recently been given an award for humour-writing.
   Btw, did you read his Batata-vada article? Even a school-kid would be disgusted by anyone calling such article a ‘humour article’. And for this kind of articles, he has got an award !!! Or you like this article?

   Rajiv

   Like

    
 6. Deepak Ved

  November 23, 2011 at 11:45 AM

  very balanced article on Rev. Father “Vahlesh”

  Like

   
 7. nirlep bhatt

  November 23, 2011 at 11:49 AM

  my first hero of guj. literature father wallace….take a bow, father 🙂 – many many thanks, JV for this much needed article..will share it on fb… ”સવાયા ગુજરાતી”થી ”વિશ્વનાગરિક” સુધીના બિરૂદ અને રણજીતરામ સુવર્ણચંદ્રક સુધીનું સન્માન પામી ચૂકેલા ફાધર વાલેસને જાણવા, સાંભળવા કે વાંચવા એ તો ગુજરાતી ભાષાનું સન્માન છે! – superb

  Like

   
 8. Prasham Trivedi

  November 23, 2011 at 12:21 PM

  Jaybhai, I have found a link…. Seems like site of Father Valles

  http://www.carlosvalles.com/indexing.htm

  It’s really surprising!!!!!

  Like

   
 9. anandbabu

  November 23, 2011 at 1:12 PM

  jaybhai ,,,,,,,afsos rahi gayo ke father ne na malau,,.father na ghana pustako vanchya che bahu maja aavi che,,,,,,,,,,goog writer,,,,,,,freiend ,,,philosopher and guide………tamara aa lekh pachi me pan “””lagnasagar””” vasavi che ne be char mitro ne bhet pan aapi che,,,tamara lekh thi j hu father ne vanchato thayo chu,,,thank u jaybhai,,,,tamane pan life ma ekvar malvani ichcha che…..

  Like

   
 10. mehuldhinoja

  November 23, 2011 at 1:42 PM

  JAY BHAI TME PREM VISE NA EVERGREAN TOPIC PAR KHUB LKHO 6O I LIKE IT, “MAA” PAN EVO J TOPIC 6 TO THODUL HAT KE KAIK LKHO NE AA TOPIC PAR…PLSSS..

  Like

   
 11. Aarti Mandaliya

  November 23, 2011 at 1:54 PM

  saras… 🙂 pathya pustkoma emnu nam jota pan emni mahnata aje samjani.

  Like

   
 12. sanket

  November 23, 2011 at 1:54 PM

  વાહ જયભાઈ. ફાધર વાલેસ ખરેખર વિચક્ષણ વ્યક્તિત્વ કહેવાય. મેથ્સ અને ભાષા બંનેમાં એ જબરા આગળ છે. અને ભાષા પણ કઈ? પારકી ભાષા શીખવી અને એમાં લખવું અને વંચાવું એ બહુ મોટી વસ્તુ છે. તમારી વાત સાચી છે, ગુજરાતીઓને એકેય ભાષા પ્રત્યે પ્રેમ નથી.
  ચલો આટલા વર્ષો એમણે આપણને આટલું આપ્યું એ માટે આપણે નસીબદાર. થેન્ક્સ ફાધર.

  Like

   
 13. Parth Gevaria

  November 23, 2011 at 1:57 PM

  ghana time pahela vacheli emni book emanu ek quote cum story haju pan yaad 6 ‘na fave to favadavavanu’ 🙂

  Like

   
 14. SHRIDEVI SHAH

  November 23, 2011 at 2:03 PM

  JAYBHAI….MATHS ANE LITRETURE NU RARE COMBINATION ANE SANT SWABHAV….ADBHUT….FATHERNI DAREK BOOK VANCHVA KARTA VAGOLVA JEVI CHHE…..AAPNO VICHAR MORARIBAPU,FATHER VALES ANE MAULANA VASTANVINE EK MANCH PER EKTHA THAVANO KYARE FALIBHOOT THASHE?????AAP TENA SANCHALAK HOI EVA SWAPNA SATHE….ABHINANDAN

  Like

   
 15. Gaurang Bhatt

  November 23, 2011 at 2:52 PM

  ફાધર વાલેસ નો પહેલો પરિચય મારા teens માં થયો હતો. મમ્મી ના મિત્રએ એમની આખી લાઇબ્રરી અમને ભેટ આપી હતી. એમાં ફાધર વાલેસ ના પુસ્તકોનો આખો સંપુટ હતો. એ પુસ્તકોની ઊંડી છાપ મારી ઉપર છે. એંસીના દાયકાના અંત ભાગમાં મુંબઈમાં એમની પ્રવચનમાળા યોજાયી હતી. એમાં લગ્ન વિશેના પ્રવચન વખતે હોલ ની બહાર speakers લગાડ્યા હતા.

  એમના ટૂંકા અને સરળ વાક્ય લખવાની પદ્ધતિને હું આજે પણ અનુસરવાની કોશિશ કરું છું, તે પછી અંગત પત્ર હોયે કે વ્યવસાયિક mail .

  Thanks ફાધર વાલેસ. Thanks જય, યાદ કરવા માટે.

  Like

   
 16. Envy

  November 23, 2011 at 4:42 PM

  “અંગ્રેજીનો મોહ પણ ગુજ્જુઓને ભાષાસાહિત્યના પ્રેમને લીધે નહીં પણ પૈસા અને પાવરને લીધે છે” એકદમ સચોટ.
  હું મરાઠી શીખતો ત્યારે મારા મરાઠી મિત્રો ટોકે – શું કરીશ શીખીને? મેં કહ્યું મરાઠી શીખીને મરાઠી સાહિત્ય વાંચવું છે અને વાંચ્યું, અઢળક.
  આજે કોરિયન શીખું છું એની પાછળ પણ એજ આશય.
  ફાધર જેવા કેટલા? આપડા ગુજરાતી?

  Like

   
 17. bansi rajput

  November 23, 2011 at 5:20 PM

  Very nice aemnu nam sambhdyu hatu but was not knowing dis much abt him…. Really vahalesh aapni jem….:)

  Like

   
 18. Mahesh bavaliya

  November 23, 2011 at 5:57 PM

  Very nice sir …………………..father valles nu naam school time ma sambhalyu hatu parntu emana vise vadhar khabar tamara blog par vachya pachhi padi ,,, thank you sir Aam to hu sahitya ma navo 6u etale thodi gata gam ochhi pade 6e pan really good

  Like

   
 19. nikita patel

  November 23, 2011 at 6:02 PM

  bau kharab lage 6e ke je manas ni ane tena vicharo ni kadar karvi joiae aen badale apne aemnu aek pustak pan na vanchi skya….
  n ha navi pedhi suhi aemne ane aemna sudhi navi pedhi ne pahochadava mate thnx a lot….
  jyare pan extra readng mate time madase tyre aanam pan dhyan ma rakhis…..

  Like

   
 20. Hitesh Dhola

  November 23, 2011 at 7:39 PM

  ફાધર વાંચવા તો હમેશા ગમતા, પણ તેમના વીશે વાચવા મા પણ મજા પડી.

  Like

   
 21. ushapatel

  November 24, 2011 at 2:24 AM

  સુંદર માહિતી આપવા બદલ જયભાઈ આપનો આભાર

  Like

   
 22. SATISH DHOLAKIA

  November 24, 2011 at 3:33 PM

  ફાધર વાલેસ ના સહજ,સરળ અને સંવેદનશીલ લખાણો સાથે ગુજરાત ની એક સમગ્ર પેઢી જીવીછે ! તેઓ નવી પેઢી ને લેખમાળા લખતા ત્યારે એ નવી પેઢી એટ્લે અમે..! નવીપેઢીને, સદાચાર,લગ્ન સાગર જેવા પુસ્તકો વચ્ચે અમે અમારી મુગ્ધાવસ્થા પસાર કરી. એવાતાવરણ મા થી પસાર થઈ, નોકરી ના સ્થળ અને વાતાવરણ વખતે, થોડો વિષાદ અવશ્ય થયો કે ફાધરે કહ્યુ તેવુ આ જગત નથી, પરંતુ, આખરે ઉમ્મ્ર ના આ પડાવે કહી શકાય કે ફાધર ને ન વાંચ્યા હોત તો શુ થતે ..! ( ફાધર અંગે નો લેખ જય વસાવડા લખે એટ્લે એમ કહેવાય કે મંદિર ઉપર સોના નો કળશ…)

  Like

   
 23. kalyanshah

  November 25, 2011 at 7:01 PM

  ફાધર જેટલા સાદા અને સરળ છે એવુજ એમનું લખાણ છે. લગ્ન અંગે એમણે લખેલ એક નાની રચનાનો હું હમેશા મારા ગ્રાહકના લગ્નના આલ્બમમાં ઉપયોગ કરતો. આ રચના એક કાર્ડરૂપે મેં છપાવી હતી. કાર્ડ લોકોને એટલું બધું ગમતું કે કોઈ આલ્બમમાં તે લગાવવાનું રહી ગયું હોય તો ગ્રાહક આલ્બમ પાછું મોકલાવતો અને કાર્ડ લગાવ્યા બાદ જ તે પાછું મેળવતો.
  ફાધર સવાઈ ગુજરાતી છે. ગુજરાતી ભાષામાં તેમનું પ્રદાન હમેશા યાદ રહેશે.
  કલ્યાણ શાહ
  ૨૫-૧૧-૧૧
  શુક્રવાર

  Like

   
 24. ઝાકળ

  November 25, 2011 at 9:46 PM

  જય વસાવડા
  સોરી ટુ સે, પણ તમારા જેવા માણસો એમ કહે કે અમને મોડી ખબર પડી તો અમારા જેવા અદના વાંચકોનું શું ??? તમે પોતે તો પત્રકારત્વના માણસ છો, તમને નથી લાગતું કે …

  ‘‘સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર’’ જેવા અગ્રીમ દૈનિકો આ કાર્યક્રમ વિશે વાચકોને આગોતરી જાણ કરવામાં સરેઆમ નિષ્‍ફળ ગયા છે ? સાચો રીપ્‍લાય લખજો પ્‍લીસ

  – ઝાકળ

  Like

   
 25. bhushit

  November 26, 2011 at 12:02 AM

  😀

  Like

   
 26. Suresh

  November 29, 2011 at 8:47 PM

  I am father’s fan since 1970. One gentleman rightly said recently in a program. Every home must have two fathers. One biological and one spiritual like him. Long live FATHER

  Like

   
 27. Naimish Vasoya

  December 12, 2011 at 7:08 AM

  Mane em hatuk Father whalesh Christ College Rajkot ma bhanve chhe.
  Hu to dobo ne dobo j rahyo.

  Like

   
 28. akashspandya

  January 6, 2012 at 3:28 PM

  father vishe tamari pase thi j aatlu badhu janava malyu…

  Like

   
 29. navnit

  January 11, 2012 at 6:58 PM

  gujarati bhasha nu sadbhagy ane gujrat nu durbhagy!

  Like

   
 30. hiral dhaduk

  April 30, 2012 at 10:24 PM

  very nice…

  Like

   
 31. Rajendra G Patel (raju patel)

  May 2, 2012 at 5:19 PM

  Shri Jaybhai
  Father Valles…. 35 varso pahela me tena pustako vachava sharu karya ane hu tene prem ma padi gayo ane lagbhag 35 varsh pahelaj temnu “LAGNA SAGAR ” pustak vachelu ane tyar thij me temne
  mara GURU manela chhe ane 25/30 vars thi darek GURU PURNIMA ne divse achuk temne patra marfat mara pranam pan pathvu chhu.. atyare te (Madrid) sapin ma chhe. mara makan nu vastu hatu tyare me invitation pan moklel ane temna blessing no letter pan avel avar navar temna photographs mangavu chhu ane father mokle pan chhe… father sachej ek sant karta pan vishesh ane pujniy chhe
  me temna rubru darshan ghana vars pahela bhavnagar ma Sardar Smruti ane Theosofical ma avela tyare karel… temne mara PRANAM sathe…

  Like

   
 32. Vijay Thobhani

  June 3, 2012 at 12:02 PM

  Father is not a person, he is a personality. You can learn and get much stuffs by seeing, reading or just thinking on thought way…
  I read his book “Lagnasagar” so many times but every time i feel some new learning, important to life and self realization.
  Thanks Jay to discover the fact on miracle man Father Valles

  Like

   
 33. L@s#k@r!

  July 30, 2012 at 9:59 PM

  thanks for a writeen a father valles it is a very useless……..
  L@s#k@r!

  Like

   
 34. Mr.Mukesh Kothari.

  November 10, 2020 at 10:49 PM

  Gujrat,my birthplace.
  Gujarati, my first language,my first love.
  In Europe this people has lots of learning and development tools,because of economic development.
  Jaybhai love and respect your dedication.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: