RSS

Daily Archives: November 23, 2011

ફાધર વાલેસ નહીં પણ ફાધર ”વ્હાલેશ” !

શિક્ષકના ઓરડાના દરવાજે ટકોરા પડયા, એક વિદ્યાર્થી હાથમાં નોટબુક લઈને આવ્યો. એને એક દાખલો સમજાતો નહોતો. પ્રયત્ન કર્યે પણ બેસતો નહોતો. શિક્ષકે બાજુમાં બેસાડી કોરો કાગળ આપ્યો અને પોતાની હાજરીમાં એ વિદ્યાર્થીને આખો દાખલો નવેસરથી ગણવાનું કહ્યું. ક્રમે ક્રમે સમીકરણો મુજબ ગણત્રી કરીને, જરા અમથી સૂચના ગુરૃજીની લઈને, આખો દાખલો વિદ્યાર્થીએ પોતાની મેળે પૂરો કર્યો. જવાબ સાચો. રીત પણ સાચી! શિક્ષકે મર્માળુ સ્મિત સાથે તેની સામે જોયું. વિદ્યાર્થીએ સહજ નિર્દોષ ભાવે ખુલાસો આપ્યોઃ ”તમે સાથે હતા એટલે આવડયું!”

મોકળાશથી મલકાતાં શિક્ષકે કહ્યું: ”હા. પણ આવડયું તો તમને જ ને!”

* * *

એ શિક્ષક એટલે છ્યાંશી વર્ષે તાજેતરમાં વતન સ્પેનથી (૨૦૦૯ પછી ફરી) ગુજરાત આવેલા ફાધર વાલેસ. ”સવાયા ગુજરાતી”થી ”વિશ્વનાગરિક” સુધીના બિરૂદ અને રણજીતરામ સુવર્ણચંદ્રક સુધીનું સન્માન પામી ચૂકેલા ફાધર વાલેસને જાણવા, સાંભળવા કે વાંચવા એ તો ગુજરાતી ભાષાનું સન્માન છે! એકવીસમી સદીમાં સંત કેવા હોવા જોઈએ એની સાક્ષાત્ જીવંત વ્યાખ્યા એટલે આ સારસ્વત કાર્લોસ જી. વાલેસ. મહેનત, શ્રદ્ધા અને આત્મીયતાથી એમના સત્વ તત્વનો પીંડ ઘડાયેલો છે એવું આ નરસિંહ મહેતાના ભજનમાંથી બહાર નીકળી આવનારા વૈષ્ણવજન ખુદ કહે છે. ચમકતી નિર્મળ આંખો અને સ્નેહાળ મૃદુ સ્મિત થકી એમને જોતાંવેંત ખબર પડે કે એમના વ્યક્તિત્વની ઉંચાઈ એમના દેહની છ ફૂટની ઉંચાઈથી પણ વધુ છે.

* * *

ફાધર વાલેસ ૧૯૪૯માં ૨૪ વર્ષની ઉંમરે ભારત આવ્યા, ત્યારે ગ્રીક લીટરેચર અને ફિલોસોફીમાં તેમની પાસે ડીગ્રી હોઈ, પછી ચેન્નઈમાં ગણિતની ડીગ્રી મેળવી. પહેલી મે- ૧૯૬૦ના ગુજરાતના સ્થાપના દિને ગુજરાત આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યા. (એ આગમનનો રમૂજી પ્રસંગ વર્ણવતા, ભીડવાળી ટ્રેઈનમાં ધક્કાથી ચડી ગયેલ અને ભીડને લીધે જ ઊભા ઊભા અને ઉંઘતા આવેલ ફાધર આજેય ખડખડાટ હસી પડે છે!) ગુજરાતમાં આવ્યા પછી વિશ્વધર્મથી લઈ ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો.

એ સમયે નવગણિત અભ્યાસક્રમમાં આવ્યું હતું. ફાધર વાલેસે ગુજરાતીમાં તેની સરળ સમજૂતી આપતાં પુસ્તકો લખ્યા. અનેક અંગ્રેજી પારિભાષિક શબ્દોનું ભારતીય દર્શનનો વઘાર કરી સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભાષાંતર કર્યું. જેમ કે જી.એચ. હાર્ડીના ”પ્યોર મેથેમેટિક્સ” પુસ્તકનું કાચો પોચો અનુવાદક ”શુધ્ધ ગણિત” એવું ભાષાંતર કરે. પણ ફાધરને થયું કે આમ તો બાકીના ગણિત અશુદ્ધ લેખાય એટલે શંકરાચાર્યના ”કેવળાદ્વૈત” પરથી ભાવાનુવાદ કર્યો, ”કેવળ ગણિત”! નવા ગણિત અંગે દરેક નવી બાબતને સ્વીકારવા માટે થતા રાબેતા મુજબના ભારતીય ગણગણાટને ઠારવા ફાધર વાલેસે એને સાસરે આવતી, મુંઝાતી, ફફડતી ગુણિયલ નવોઢા જેવું ગણાવીને એનો વાત્સલ્યપૂર્વક સ્વીકાર કરવા અપીલ કરી હતી! સુખ્યાત ગણિતશાસ્ત્રી મહાવીર વસાવડા નોંધે છે તેમ આ નિરીક્ષણથી માત્ર ગણિતને જ નહીં પણ સામાજીક સંબંધોને સમજવાનું પણ માર્ગદર્શન મળે તેમ હતું!

બસ, ખરી રીતે ફાધરે આ જ ઋષિતુલ્ય પિતામહી ભૂમિકા ભજવી. લેખના આરંભે જ લખેલો કિસ્સો ફરીથી વાંચો. સામાન્ય માસ્તર વિદ્યાર્થીનો અઘરો દાખલો ગણીને (આજના જમાનામાં રેડીમેઈડ મટીરિયલ આપીને!) ગુમાની વટ પાડે. પણ ફાધરે આ પ્રસંગ પછી નોંધ્યું છે- ”જો એના હાથમાંથી દાખલો લઈને મેં એ ઉતાવળમાં એને માટે ગણી આપ્યો હોત તો ખોટું થાત, બીજાએ ગણાવી આપેલો દાખલો તો બીજાનો જ રહે છે. એમાં આનંદ નથી, શિક્ષણ નથી, તાલીમ નથી. જવાબ આ પ્રમાણે છે એટલી શુષ્ક માહિતી એમાં છે. આવો પારકો દાખલો મનમાં ઊંડે ન ઊતરે અને ઝાઝો ન રહે. બહુ તો પરીક્ષાના દિવસ સુધી રહે, પછી તરત ભૂંસાઈ જાય. જ્યારે પોતે ગણેલો દાખલો તો પૂરો સમજાયને- ઊંડે ઊતરે ને કોઈ દિવસ ન ભૂલાય.”

ફાધર ખુદ સમજાવે છે કે જીવનના દાખલામાં પણ આ જ વાત લાગુ પડે, ”પારકી આશ સદા નિરાશ.” ઉત્તમ શિક્ષકની જેમ કોઈ હુંફ અને પ્રેરણા આપી શકે. હિંમત વધારી વિશ્વાસનું વાતાવરણ તૈયાર કરી શકે. અનુભવસિધ્ધ સાવચેતી સમજાવી શકે. તમે દિલ ખોલી શકો એ માટે સાક્ષી અને ચાહક બની શકે પણ સાચા નિર્ણયો લઈને અઘરો દાખલો ઉકેલવો તો જાતે જ પડે! ફાધરના શબ્દોમાં ‘(તમે) રડી પડશો તો તમારી પોતાની આંખો આંસુથી ધોવા માટે, જેથી એ વધારે સ્પષ્ટ જોઇ શકે ને તમને સાચો રસ્તો દેખાડે. આખરે તો તમારી નજરે તમારે જોવાનું છે.’

એકદમ સરળ ભાષામાં તદ્દન તટસ્થ અને ભાવનાની ભીનાશથી છલોછલ એવા મખમલી ચિંતનની ઝગમગતી ચમક ફાધર વાલેસ ઠેર ઠેર ફેલાવતા ગયા. રૃંવાડે રૃંવાડે ‘પોઝીટીવ એટીટયુડ’ રાસડા લેતી હોય એવું એમનું શુભ- શાંત, શાલિન વ્યકિતત્વ. ‘ઘેર ઘેર માટીના ચૂલા’ જેવી કહેવત એમને નકારાત્મક લાગે! બધાં પરિવારોમાં માત્ર ખામીઓ જ હોય એવું પ્રતિપાદિત કરવાનું? દરેક કુટુંબમાં કંઇક ઉજળી બાજુ તો હોય ને! એમણે કહેવત ઉલટાવી, ‘ઘેર ઘેર સોનાના ચૂલા!’ આત્મત્યાગ અને લોકસંપર્ક કાજે ૧૯૭૩થી કોલજનો સલામત નિવાસ છોડી અમદાવાદની પોળોમાં ‘વિહાર યાત્રા’ શરૃ કરી. મધ્યમ વર્ગના કુટુંબોમાં આતિથ્યભિક્ષા માગી. એમની સાથે થોડા થોડા દિવસ રખડતા મહેમાનની જેમ જીવે. સ્વભાવે હાસ્ય રસિક અને હળવા ફૂલ એટલે અગવડોમાં પણ આનંદથી આરાધના કરી શકે.

આમ કરતાં કરતાં પોતાની સ્પેનિશ માતાની આર્થિક મદદથી પહેલું પુસ્તક ‘સદાચાર’ છપાવ્યું. પછી તો વિવિધ લેખો અને પુસ્તકોનો અંબાર લાગી ગયો. પાનાંઓના પારણે ગુજરાતી ભાષાને ફાધર વાલેસ હેતથી ઝૂલાવે. ખ્રિસ્તી દર્શનના ઉત્તમ તત્વો ક્ષમા, કરૃણા, ઉદારતા, સમાનતા, બંધુતા, સેવા વગેરે તો એમના વ્યકિતત્વમાં જ છલોછલ વણાઇ ગયા હતાં. ભારતીય અધ્યાત્મની સુવાસ એમણે દેહ પર ચોળાતા અત્તરની જેમ પોતાનામાં ઓગાળી દીધી.  કરસનદાસ માણેકના ભજનો એમને કંઠસ્થ હોય, ગાંધીજીના ચશ્મામાંથી એ ગામડું નિહાળી શકે અને કૃષ્ણની મૂરલીના તાન પર થનગનીને નાચી શકે.

પશ્ચિમમાં પૂર્વ જન્મની સંકલ્પના ના હોવા છતાં ‘લખ ચોરાસીના ફેરા’ ફાધરના લખાણોમાં વારંવાર આવે! હળવાશથી કહે, પશ્ચિમને તો એક જન્મમાં જ બધું ઝટ મેળવી લેવું હોય, બધા ભાગતા રહે. જયારે પૂર્વમાં તો જન્મજન્માંતરના ફેરા! એટલે બધું ય ધીમે ધીમે, ઢીલુઢફ, આળસભર્યુ ચાલી શકે! ભારતીય તહેવારો અને પ્રતીકોનું પણ પોતાની ચિરંજીવ આસ્થા અને રેશમી અહોભાવથી કલ્પનાશીલ અર્થઘટન કરે. જેમ કે અંદરોઅંદર લડાવી મારતા ધર્મો અને ઇશ્વરની માનવે બનાવેલી વ્યાખ્યાઓ જડને બદલે નિત્ય પરિવર્તનશીલ હોવી ઘટે એવું સમજાવવા ગણેશ વિસર્જનનું ઉદાહરણ આપે. પ્રતિવર્ષ ભગવાનની નવી મૂર્તિ બનાવવાની અને પછી એની મર્યાદામાં જ ન રહેતાં, નવી મૂર્તિ ઘડવા માટે જૂનીને વિસર્જિત કરવાની! જ્ઞાન અને વિચારોના આદાનપ્રદાનથી પણ માણસે હંમેશા પોતાની જૂની સીમાબદ્ધ વ્યાખ્યાઓ તોડી નવીનતાનું ઘડતર કરતાં રહેવું પડે.

ફાધર વાલેસે આવા તો અઢળક લખાણો લખ્યા. ભારતીય બાવાઓની માફક સ્વયંના સંસારત્યાગ પછી પણ સંસાર પ્રત્યે એમને લગીરે અરૂચિ નહીં એટલે કુટુંબ અને જીવન ઘડતરના એમના લેખો વ્યવહારૂ તથા વૈજ્ઞાનિક અભિગમવાળા. શાળા જીવનમાં બાળકો નિર્દોષ હોય અને કોલેજમાં ફેશન, ફ્રેન્ડશીપ, ફન બધું આવતાં યુવક- યુવતીઓની નિર્લજજતા- કલુષિત વાતાવરણ અંગે ચોખલીયાઓ ટીકા કરે ત્યારે મજાક કરતાં ફાધર વાલેસ નવી પેઢીના વકીલ બને. ‘તો શું જવાનિયાંવને માત્ર બાળક બનાવી પારણામાં પાછા ધકેલી દઇશું?’ એવું પૂછી ‘સ્કવેરકટ’ ફટકારે. “પણ અહીંયા વિશેષ મુશ્કેલી એ છે કે સ્કુલની ‘નિર્દોષતા’ વટાવીને કોલેજની દુષ્ટતા જો કોઇ ન આદરે તો પારણાં બંધાતા પણ બંધ થઇ જાય, એટલ એમાં સૂઇ જવાનું મહાસુખ પણ કોઇને ન મળે.”

બ્રહ્મચારી એવા આ ફાધરની નર-નારી સંબંધો વિશેની સમજણ પણ ગળપણથી ભરપૂર, વગર લગ્ને પણ એમનું ‘લગ્ન સાગર’ પુસ્તક પચાસથી વધુ યુગલોને ભેટ આપ્યાનો જાત અનુભવ છે! પ્રેમ લગ્નના એ ચુસ્ત હિમાયતી! પણ આંધળુકિયાના સ્પષ્ટ આલોચક. વડીલોને ટપારે, યુવાનોને રમાડે, અત્યારે મારા લેખ છપાય છે એ જ સ્થાને ‘ગુજરાત સમાચાર’ની રવિપૂર્તિના છેલ્લા પાને એમની કટાર ‘નવી પેઢીને’ ગુજરાતભરમાં વન્સઅપોન એ ટાઇમ લાખો વાચકોને ‘ક્રેઝી કિયા રે’ના હિલ્લોળા લેવડાવતી હતી.

ફાધર નવી પેઢીને શિખામણો ન આપતા પણ એમની સાથે પોતાના સંવેદનો / સ્પંદનોનું ‘શેરિંગ’ કરતા. ગુજરાતની ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ બતાવતાં. ગુજરાત એમના માટે પોતાનું ઘર હતું. કવિ ઉમાશંકરને એમણે સ્પેન જતી વખતે ‘એબ્રોડ’ જાઉં છું કહ્યું ત્યારે કવિએ ધ્યાન દોર્યું કે તમે તમારા પોતાના સ્વદેશને પરદેશ કહી રહ્યા છો! નિવૃત્તિ પછી અંતે પચાસ વર્ષ ભારતમાં ગાળી, ૧૯૯૯માં એમણે ગુજરાત છોડી દીધું. માતૃભાષા સ્પેનીશનો સિક્કો અમેરિકા સહિત અનેક દેશોમાં રણકે એટલે વિદેશ પ્રવાસો કર્યા. એમનું ૨૦૦૯મા આવેલું પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’ વિદેશમાં વસી ગયેલા ‘ઇમીગ્રન્ટસ’ની નવી પેઢીમાં ઉભા થતા ‘કલ્ચર કન્ફયુઝન’ વિશે છે. મા-બાપ પોતાના મૂળીયાને વળગી રહે અને સંતાનને સ્વાભાવિકપણે પરદેશી વાતાવરણ પોતીકું લાગે! (હવે છેલ્લું પુસ્તક અંગ્રેજીમાં ગુજરાતની નવરાત્રિ પર આવ્યું છે.)

પરંતુ, આ બધા વૈશ્વિક સવાલોની ચર્ચા પછી પાયાનો સવાલ એ થવો જોઇએ કે નેવુંના દાયકામાં ગુજરાત હોવા છતાં ફાધરે ગુજરાતીમાં લખવાનું કેમ ઓછું કર્યું? અને આજે કેમ એમના અઢળક નવા પુસ્તકો અંગ્રેજીમાં જ કેમ છે?

એનો ખુલાસો એક ગુજરાતીની આંખો લજ્જાને બદલે લઘુતાથી નીચી ઢાળે તેવો છું. ખુદ ફાધરના જ શબ્દોમાં વાંચવો છે?

* * *

‘મેં ભાષા મનોવિજ્ઞાનના પુસ્તકો વાંચ્યા, તર્કો ચલાવ્યા, વિપુલ નોંધ લીધી અને ધીરે ધીરે ભાષા અને સંસ્કૃતિના ગાઢ સંબંધ વિશે મારૃં અંગત સંશોધન પણ આગળ વધ્યું, મારે મન વાત એટલી મહત્વની લાગી કે સમય કાઢીને હુ એ ક્ષેત્રમાં પ્રખ્યાત એવી અમેરિકાની જોર્જ ટાઉન યુનિવર્સિટીમાં ગયો અને ત્રણ મહિના સુધી ત્યાં રહીને ભારતના નિષ્ણાત પ્રાધ્યાપક ડો. શાલિગ્રામ શુકલના હાથ નીચે આ વિષયનો મેં શિસ્તબદ્ધ અભ્યાસ કર્યો.’

આ પ્રયત્નોના ફળસ્વરૃપે છેવટે મારૃં ‘શબ્દલોક’ પુસ્તક ૧૯૮૮ની સાલમાં બહાર પડયું. મને એમ હતું અને છે કે ગુજરાતી ભાષામાં મારા વિચાર, અનુભવ, અભ્યાસ અને મંથનનો નિચોડ એમાં છે. એ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી સંસ્કૃતિમાં મારૃં વિશેષ યોગદાન છે. મેં જિંદગીમાં કદીએ કર્યું નહોંતુ એવું આ પુસ્તક વખતે કર્યું. એટલે કે પુસ્તકનો વિમોચન વિધિ રીતસર ગોઠવ્યો, સભા બોલાવી મેં એ પુસ્તકની પાછળના મારા વિચારો, મહેનત, આશા, મમતા હતાં એ દિલના ઉમળકાની સાથે કહ્યાં, અને મારૃં એ માનીતું પુસ્તક ગુજરાતના વાચકવર્ગના હાથમાં મૂકયું.

એમાં મારા લેખક તરીકેના જીવનમાં સૌથી કરૃણ બનાવ બન્યો. એ પુસ્તક નિષ્ફળ ગયું, મારાં બધાં પુસ્તકોની પહેલી આવૃત્તિ તો પ્રકાશનના પહેલાં વર્ષની અંદર જ ખપી જતી. તો આ પુસ્તકની પહેલી આવૃત્તિ હજી ચાલે છે, એટલે કે ચાલતી નથી. એ પુસ્તક વેચાયું નહિ એટલે વંચાયું નહિ. એની સાથે ગુજરાત સાથેની મારી રોમાંચક પ્રેમકથાનું છેલ્લું પ્રકરણ લખાયું. ત્યાર પછી મારા ગુજરાતી પ્રકાશનો નોંધપાત્ર રહ્યાં નથી.”

ફાધર વાલેસની ડાયાબિટીસ થઈ શકે એવી મીઠાશ અને સંતસહજ સૌમ્ય અને સારપને બાજુએ રાખીએ તો સીધીસટ વાત એ છે કે એક પરદેશીએ જેટલી ગુજરાતની કદર કરી એટલી ગુજરાતે શબ્દોને વૃંદાવનની ગોપીઓ માનીને ભજતા ઉપાસકની ન કરી! ગુજરાતીઓને મૂળભૂત રીતે કોઈપણ ભાષા પ્રત્યે પ્રેમ નથી. અંગ્રેજી શીખવા બાબતે ફાધર વાલેસે જ લખ્યું છે તેમ અભ્યાસક્રમ બહારની કોઈપણ બાબત શીખવાની આપણને ટેવ નથી. (અંગ્રેજીનો મોહ પણ ગુજ્જુઓને ભાષાસાહિત્યના પ્રેમને લીધે નહીં પણ પૈસા અને પાવરને લીધે છે).

માટે ગુજરાતી શબ્દો યુરોપિયન ફાધરને જેટલાં આકર્ષે તેટલા આપણને સ્પર્શતા નથી. માટે, ફાધર ”શબ્દલોક” માં ”હું નહિ આવું”ના કર્તરિપ્રયોગના બદલે ”મારાથી નહીં અવાય” ના કર્મણિ પ્રયોગ વચ્ચે પરિગ્રહથી અપરિગ્રહનું સાંસ્કૃતિક અંતર બતાવે, એ સૂરેશ રૈનાને શોર્ટપીચ બોલ ”બાઉન્સર” જાય એમ ગુજરાતીઓને ”ઉપરથી” જાય! સાંસ્કૃતિક લાક્ષણિકતા તો એ છે કે ગળથૂથીમાં મળેલી કુતૂહલવૃત્તિ કે ”નોન જજમેન્ટલ એટિટયૂડ”ને લીધે વિદેશીઓ જેટલા આપણી સાથે સમરસ બની શકે છે તેટલા આપણે આપણા મિથ્યાભિમાન અને અજ્ઞાનને લીધે પરદેશ સાથે અનુસંધાન જોડી શકતાં નથી. જુઓને વાર – તહેવારે ખ્રિસ્તી ધર્માંતરનું ખંડન કરતી ભગવી સંસ્થાઓને હિન્દુત્વની અખિલાઈ દર્શાવવા ફાધર વાલેસ જેવા સ્નેહસેતુના સન્માનનું ”મંડન કાર્ય” સૂઝે છે ખરૃં?

ગાંધીજન ડો. સુદર્શન આયંગર સાચું જ કહે છે કે એક સમયે ફાધર વાલેસ ગુજરાતની નવી પેઢી સુધી પહોંચ્યા હતાં. હવે ગુજરાતની નવી પેઢીને ફાધર વાલેસ સુધી પહોંચાડવાની છે! નવી પેઢીના  ભાષા અને સંદર્ભો આજે ફરી ગયા છે. ઈમોશનલ મેલોડ્રામા એમને ખપતો નથી. કારણ કે એ પેઢી નવી છે, જૂની નથી. ફાધર વાલેસના સુંવાળા લખાણો એમને થોડાંક આદર્શવાદી અવાસ્તવિક પણ લાગી શકે. પણ એ કંઈ લેખકની કલમથી નહીં પણ ઓલીયાના આત્માના અવાજથી લખાયેલા છે. રફતારની સાથે જ અવઢવનો અંધકાર વધ્યો છે ત્યારે કોઈ પ્રેમાળ પાદરીની ચાંદીની દીવીનો સાત્વિક પ્રકાશ મનનો મેલ નિતારવા જોઈશે ને?

ફાસ્ટ ફોરવર્ડ

”પ્રાર્થના એટલે રોજ સવારે હસતા ચહેરે ઊઠવું  !”(એક સ્કુલગર્લ રાધિકા સમ્રાટ બુધ્ધના નિબંધમાંથી)

++++++========

જેમને વાંચીને, કહો કે ધાવીને મોટા થયા હોઈએ એવા સર્જકોમાંના એક ફાધર વાલેસ. (એમણે પોતે લખેલો એમનો પરિચય એમની સાઈટ પર અહીં વાંચવા મળશે, એમનું મેઈલ આઈ.ડી. carlos@carlosvalles.com છે. ) બધા તો એમના પુસ્તકો નથી વાંચ્યા, પણ જે વાંચ્યા એ હ્રદય સુધી પહોંચ્યા. હું થોડો ‘લાઈમલાઈટ’માં લેખનક્ષેત્રે આવ્યો અને ફાધર માદરે વતન સ્પેન (હા, હા ‘જીંદગી ના મિલેગી દુબારા’ વાળું સ્તો ! :P) એમના વૃદ્ધ માતા પાસે જતા રહ્યા એવું સાંભળેલું. ફાધર તો ગુજરાતી ના ભૂલ્યા પણ ગુજરાત એમને વીસરતું ચાલ્યું.

એમાં બે વર્ષ પહેલા ૨૦૦૯ના અંતકાળે ફાધર વાલેસ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સન્માનિત થવાના છે, એવા સમાચાર મિત્ર રમેશ તન્નાએ આપ્યા. મારે જમણા હાથે ફ્રેક્ચર અને બે સર્જરી પછીનો પાટો. છતાં ય જવાનું નક્કી કર્યું. કોઈ વ્યાખ્યાન નહિ, પ્રોફેશનલ રીઝન નહિ. ગાંઠના ખર્ચે પટ્રોલ બાળવા માટે ઘણાખરા ગુજરાતી વક્તાઓ કદી તૈયાર હોતા નથી. પણ હું તો દેખા જાયેગા કહીને ફિલ્મ જોવા ય ઉપડું. ઉપડ્યો. ફાધરના દર્શન થયા. કાર્યક્રમ પુરો થયે નજીક જઈને અલપઝલપ જોયા. મજા પડી. સંતોષ થયો.  ફાધર સરસ બોલ્યા હતા.

હમણાં જ ફાધર વાલેસ ફરી ગુજરાત આવી ગયા. કમનસીબે મને સમાચાર જ બહુ મોડા મળ્યા અને મારા કાર્યક્રમો એવી રીતે ગોઠવાયેલા કે ફેરવું તો બીજાઓ હેરાન થાય ! તો ય જેમતેમ કરી અમદાવાદની ઉડતી મુલાકાત  લીધી. મનમાં તક મળે તો નજીકથી બે ઘડી ગોઠડી કરવાનો ભાવ. પણ ૫ વાગે પુરો થવાનો પ્રોગ્રામ અન્ય ભાષણોને લીધે ૬ સુધી ચાલતો હતો! રમેશભાઈને ફાધર માટે પુસ્તકો આપીને જ નીકળવું પડ્યું. છતાં ય ફરી જોવા -સામ્ભળવા તો મળ્યા!

પહેલી વખતે ફાધર વાલેસ આવેલા ત્યારે ગુર્જરે બહાર પાડેલો એમનો ૬ પુસ્તકોનો સંપુટ લીધેલો. એ વાંચતા વાંચતા ફરી એમના વિષે લખવાનો ઉમળકો ચડ્યો અને ત્યારે આ લેખ મારી કટાર ‘સ્પેકટ્રોમીટર’માં લખેલો. એમનો ઓડિયો-વિઝ્યુઅલ ઇન્ટરવ્યુ ‘સંવાદ’ સ્ટાઈલમાં કરવાની ઈચ્છા ખરી, પણ આ લખાય છે, ત્યારે તો સ્પેન ભેગા થઇ ગયા હશે કદાચ. એમની ઉંમર જોતા એ યાદગાર આર્કાઇવ્ઝ ચુકી જવાનો વસવસો રહે અને આવા કાર્યક્રમો માત્ર અમદાવાદ કેન્દ્રિત બનવાને બદલે ગુજરાતના અન્ય ભાગ સુધી વિસ્તરે તો ફાધરનો લાભ તાળીમાર શ્રોતાઓથી આગળ ખરેખર સમાજને વધુ મળે એવી ચળ પણ આવે. ગુજરાત સરકાર સદભાવના મિશનમાં ગુજરાતભરના આચાર્યો/ શિક્ષકોના સંમેલનમાં ફાધર વાલેસને ના બોલાવી શકે? હિન્દુ ધર્મ વિષે મોરારીબાપુ, ઇસ્લામ વિષે મૌલાના વસ્તાનવી અને ખ્રિસ્તી ધર્મ વિષે ફાધર વાલેસ જેવા પ્રગતિશીલ અને ખરા અર્થમાં તટસ્થ જાણકારને એક મંચ પર લાવી કોઈ રળિયામણો પરિસંવાદ ના થાય? ફાધર વાલેસ જેવાનું પ્રવાસ આયોજન વધુ ઉમદા રીતે થાય તો એ સુરતથી રાજકોટ સુધીના નગરોમાં જઈ શકે.

ખેર, આ પોસ્ટ વહેલી મૂકી હોત તો  કમસેકમ કેટલાક દોસ્તો ફાધરને જોવા – મળવા અમદાવાદ પહોંચી ગયા હોત એનો ય અફસોસ તો થાય છે. પણ બધું ધાર્યું જીવનમાં થતું હોત તો ગોડને પ્રેયર જ કોણ કરત ? પણ મળી-જોઈ ના શકાય તો યે વાંચી તો શકાય ને? લો, રીડગુજરાતી.કોમ પર આ સેમ્પલ આર્ટીકલ વાંચો એમણે લખેલો ! બ્રહ્મચર્યને વરેલો કોઈ સંન્યાસી લગ્નની તરફેણમાં કોઈ જ કડવાશ કે ધાર્મિક માન્યતાઓ વચ્ચે લઇ આવ્યા વિના કેવી સૌમ્ય હકારાત્મકતા રાખી શકે, એનો આ અદભૂત સંતુલિત નમૂનો ખરેખર તો જડબુદ્ધિ ધર્મગુરુઓને વંચાવવા જેવો છે!  અને, જો વાંચી ના હોય તો એમની કોઈ બુક પણ વાંચજો. અંતરમાં અજવાળું થતું રહેશે 🙂 

 
 
%d bloggers like this: