RSS

Daily Archives: November 17, 2011

બચ્ચનબેબીનું ટેન્શન : બબૂચકોનું એટેન્શન

રા.રા.અભિષેકરાયના સહધર્મચારિણી અ.સૌ. ઐશ્વર્યાદેવીને ત્યાં પારણું બંધાયું અને આપણે સહુ (અભિષેક સિવાયના પુરુષો!) મામા બન્યા. 🙂 મિડિયાએ પણ લાજવાબ સંયમ રાખ્યો. બધાઇયાઁ જી બધાઇયાઁ 🙂

લગ્ન માટે છોકરી જોવા જવાનું કામ અંગત રીતે મારાં અત્યંત નાપસંદ અને તિરસ્કૃત કુ-રિવાજોમા આવે છે. પણ એના ઘણા ‘અનુભવી’ મિત્રો સાચું જ નિરીક્ષણ આપે છે કે કુમારિકા યુવતી લાગતી કન્યા થોડા વર્ષો પછી પત્ની તરીકે કેવી લાગશે, એ જાણવા માટે કલ્પના કરવાને બદલે એની માતાને જોઈ લેવી. 😉 એ ન્યાયે એશને ત્યાં લક્ષ્મીજીના કુમકુમપગલા થયા, એનો હરખ પ્રિય અભિનેતા અમિતાભ દાદા બન્યા એ સાથે બેવડાયો છે. માતાના પગલે વધુ એક સૌંદર્યનું ગુચ્છ સર્જનહારે પૃથ્વીલોકને પાઠવ્યું છે. મમ્ મમ્ માધુરી દીક્ષિત-નેને એક તો ઠીક, બબ્બે પુત્રોની માતા બની, ત્યારે આવતીકાલના અરમાનો ધૂળધાણી થઇ ગયા હતા. 😀  થેંક ગોડ , મોનિકા બેલુચીને બે રૂપકડી દીકરીઓ છે. પર્સનલી સ્પીકિંગ, પુત્રી તો સંતાન તરીકે બહુ વહાલું લાગે એવું ગોડજીનું લાઈફટાઈમ ગિફ્ટપેકેજ હોય છે.

એની વે, જમાનો જેટલો ઝડપી એટલી યાદશક્તિ ટૂંકી. જયારે એશ ચાર મહિનાની પ્રેગ્નન્ટ હતી, ત્યારે અમિતાભે (અને પછી અભિષેકે) પરિવારમાં દીકરીનું આગમન થાય તો કેવું મજાનું એવી આશા વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી. (અને પુત્રીજન્મના વધામણા પણ બંનેએ ટ્વીટર પર જ આપ્યા ૧૬ નવેમ્બરે). એ વખતે એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ (‘ભેજાં ફ્રાય’ અને એક-બે ફિલ્મોમાં દેખાયા પછી વધુ દેખાવા મળે માટે પોતાનું પૂરું દેખાડવા તત્પર) ભૈરવી ગોસ્વામીએ ટ્વીટર પર ધડાકો કર્યો અને જાણે એ બચ્ચનખાનદાનની ખબરપત્રી હોય એમ ધીબેડ્યું હતું કે “ આ સુપરસ્ટાર લોકો તો યુ.પી.ના ભૈયાજીની રૂઢિચુસ્ત માનસિકતાવાળા છે. બેંગકોકના એક જાણીતા ક્લીનીકમાં જઈ ઐશ્વર્યાએ ટ્રીટમેન્ટ કરાવી છે. ઇન-વિટ્રો ફર્ટીલાઈઝેશનની મદદથી પુત્રપ્રાપ્તિ (પતિ-પત્નીના ધાર્યા ક્રોમોઝોમ મિક્સ કરી મનપસંદ ટેસ્ટ ટ્યુબ બેબી માતાના ગર્ભમાં રોપાય તે) કરાવી છે, ને હવે દીકરી આવે તો કેવું સારુંના દંભી દેખાડા કરે છે.” (મૂળ અંગ્રેજીમાં વાંચવા આ લિંક ક્લિક કરો) મિડિયા હેન્ડલ કરવામાં કુશળ બડે બચ્ચને એમનું લાક્ષણિક ગરવાઈભર્યું મૌન ધારણ કર્યું. ભૈરવીના ‘ક્લેઈમ ટુ ફેઈમ’ના ફુગ્ગામાંથી હવા આપોઆપ નીકળી ગઈ. અત્યારે ય ન્યુઝમાં કોઈએ ભૈરવીને યાદ ના કરી.

ભૈરવી ગોસ્વામી

પણ મને ભૈરવી બરાબર યાદ હતી. દેહ સિવાય સામાજિક નિસબતનો દેખાડો કરવા એ ફેસબુક પર અષ્ટમપષ્ટમ એક્ટીવિઝ્મ ચલાવે છે. કોઈ નોંધ પણ ના લેતું હોય તો ય એના અભિપ્રાયો આપે છે. હશે, એની તો આઝાદી છે. પણ ગઈ કાલે એશને બેબી ગર્લ આવી , કે ભૈરવી શુદ્ધ ગુજરાતીમાં કહું તો જાહેરમાં ‘ચાટ’ પડી ! ધડાકાનું સુરસુરિયું થઇ ગયું! (એમ તો એક અખબારે એશને ટ્વીન્સ હોવાની સોનોગ્રાફી થઇ હોવાનો ગુબ્બારો ઉડાડ્યો હતો !) હવે, એવું વિજ્ઞાન શોધાયું નથી ક્યાંય કે ચાર મહિનાના ગર્ભની જાતિ બદલાવી શકે. એટલે આમાં કંઈ આક્ષેપ થયા પછી પુરાવા ‘સગેવગે’ કરવાના કોઈ કૌભાંડની તો શક્યતા જ નથી. સીધી વાત છે, છોરા ગંગા કિનારેવાલાની આપબળે અને લાયકાત પર મળેલી લોકપ્રિયતાની વહેતી ગંગામાં ડૂબકી મારીને એને આવા અંગત, સસ્તા અને સાવ જ ખોટા આક્ષેપો વટભેર કરીને ઉછીની પ્રસિદ્ધિ જોઈતી હતી.

ભૈરવીએ એના સ્ટેટમેન્ટ પછી માફી માંગવાનો ઇન્કાર કરેલો. વચ્ચે બહુ હોબાળા પછી એવું ગોળ ગોળ કહેલું કે મેં કોઈનું નામ નથી લીધું. મારાં એકાઉન્ટ મારાં ઉપરાંત મારો સ્ટાફ મેનેજ કરે છે. પણ હું તો ય મારી વાતને વળગી રહું છું. હું કોઈનાથી ડરતી નથી. મારી તો આ સામાજિક ઝુંબેશ છે. એટ સેટરા, એટ સેટરા. ગઈ કાલે પણ રાત્રે મેં ભૈરવીની ટ્વિટ ચેક કરી (ફોલો અપ વિના સ્ટોરી કેવી રીતે થાય?) તો હજુ ય તમાચો મારી ગાલ લાલ રાખવાના હવાતિયાં જેવી એણે ટ્વિટ / એફબી સ્ટેટસ મુકેલા છે. માફી માંગવાને બદલે એણે ઠઠાડ્યું છે કે – Man proposes, God disposes. Science & medical breakthrough’s bow before God’s will. God is Great. લો કર લો બાત. આને કહેવાય નકટી નફફટાઈ. ના એ અધ્યાત્મ જાણે છે, ના વિજ્ઞાન… એ તો પુરવાર થઇ જ ગયું છે. (માતૃત્વનો અનુભવ તો છે જ નહિ !) મેડમ ગોસ્વામીએ વળી ટ્વીટર પર રોક્સ્ટારમાં નરગીસ ફક્રીએ લિપ ટ્રીટમેન્ટ કરાવ્યાનો દાવો કરી એને બદલે સોહા, અમિષા, દિયા મિર્ઝા વગેરે હોત તો ફિલ્મ વધુ સારું બન્યું હોવાનું ‘જ્ઞાન’ પ્રદર્શિત કર્યું છે. એના વક્ષની સાથે મગજમાં ય સિલિકોન લાગે છે- બીજું તો શું ? 😉 

તો આ બચ્ચનપરિવાર માટે સુખાંત ભૈરવી ‘વાર્તા’ ના અંતે ગ્રહણ કરવા જેવો સાર :

* કોઈ પણ પ્રતિભાવંત જાહેર વ્યક્તિત્વને સફળતા સાથે લોકોનો પ્રેમ મળે છે, એમ કેટલાક ઝેરીલા, ખારીલા, કુપાત્ર લોકોની ઈર્ષા પણ મળે છે. અમૃતમંથનનું વિષ સમજી એને ગટગટાવી જવું રહ્યું. કાળ મોડેથી પણ ન્યાય તોળતો હોય છે.

*સોશ્યલ નેટવર્કિંગ / મિડિયામા કોઈ આધાર વિના ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવો બદનક્ષીનો બકવાસ કોઈ બેવકૂફ કોન્ફિડન્સથી કરે, એટલા માત્રથી જ એ પ્રલાપ સાચો નથી થઇ જતો. સમીક્ષાત્મક ટીકા અને દ્વેષયુક્ત પૂર્વગ્રહ વચ્ચે  પાતળી  પણ દેખીતી ભેદરેખા હોય છે.

* રૂપવતી નારી હોવાથી જ ઐશ્વર્યા નથી બની જવાતું. રૂપ રૂપમાં ય ફેર હોય છે, અને એશના સ્તરે પહોંચવા માટે જોબન ઉપરાંત બોલવાની સ્માર્ટનેસ જરૂરી છે, જેની કોસ્મેટિક સર્જરી થતી નથી હોતી.

* અમિતાભના સ્તરની સતત સફળતા અને ગુણવત્તાની સિદ્ધિ મેળવવી આસન નથી હોતી. અને કોઈ પણ ક્ષેત્રમાં અમિતાભો ડઝનના હિસાબે પેદા નથી થતા. માટે એમની હેલ્ધી કોમ્પિટિશન કરી એમના જેવી ઉચ્ચ કક્ષાએ પહોંચવાને બદલે એમને પોતાના જેવી ઉતરતી કક્ષાએ લઇ આવવા માટે કેટલાક નિષ્ફળ મહત્વાકાંક્ષી કે અધૂરિયા અદેખાઓ દિવસ રાત પ્રવૃત્ત હોય છે. સરવાળે એ પોતાનો અને સમાજનો સમય બરબાદ કરે છે.

*માત્ર સમાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોવા માત્રથી જ જેમ બચ્ચન અને ગોસ્વામીની ‘ક્રેડિબિલિટી’ કે ‘ક્વોલિટી’ એક સમાન હોતી નથી. એમ જ એક જ ફિલ્ડમાં હોવાથી એમાં  બધા બધું જ સત્ય જાણતા હશે, એવા ભ્રમમાં મુગ્ધ ઓડિયન્સે કદી ના રહેવું. દિખાવો પે મત જાઓ, અપની અક્કલ લગાઓ.

* બાયોલોજીના બિલાડ કુળ જેવા વર્ગીકરણની માફક વ્યર્થ વિવાદો અને આક્ષેપોના એટેન્શન સીકર્સનો આપણે ત્યાં એક ‘રાખી સાવંત ઘરાના’ તૈયાર થઇ ગયો છે. સેમ્પલ્સ :  શર્લિન ચોપરા, પૂનમ પાંડે, ભૈરવી ગોસ્વામી વગેરે. આ તો ગ્લેમર વર્લ્ડના હોઈ દેખાય છે. પણ આવા રીલની માફક રીઅલ લાઈફમાં ય જોવા મળે છે. કેટલાક નાદાનિયતથી તો કેટલાક શેતાનિયતથી આવી હરકતો કર્યા જ કરે છે. એમને ‘ગેટ વેલ સૂન’ની શુભેચ્છાઓથી ફરક ના પડે ત્યારે જરૂરી ધડબડાટીના ઇન્જેક્શન્સ ભોંકીને પછી એમનું ઠેકાણે લઇ આવવા માટે ઠંડી  ઉપેક્ષા કરવાની લોકજાગૃતિ ય જોઈએ.

*પહેલી નજરે આપણને એમ જ થાય કે કોઈ સ્ત્રી , કોઈ વિદ્યાર્થી, કોઈ સામાન્ય માણસ બિચારો કૈં થોડું હળાહળ જૂઠ બોલી , એનું કશું ય બગાડ્યું ના હોય એવી ટોચ પર બેઠેલી , આગળ નીકળેલી વ્યક્તિની બદનામી કરવાની કે ઠેકડી ઉડાડવાની હરકતો કરે ? પોતાની આબરૂની એ ફિકર ના કરે? એમ જ કંઈ થોડું જૂઠ ઝીંક્યા કરે? પણ ડોસાડગરાની ભાષામાં કહીએ તો કળિયુગ છે ભાઈ. શકુનિઓ અને ઇયાગો પોતપોતાની મેન્યુફેક્ચરિંગ ડિફેકટ લઇ યુગે યુગે ય જન્મતા રહે છે. પબ્લિસિટી અને એટેન્શનના આ ભૂખ્યા પરોપજીવીઓ છે. સૂરજ ના બની શકે એટલે સૂર્યકિરણનું રિએક્શન આપતા અરીસાના ટુકડા બનવા પોલાં પ્રયાસો કરે છે.

*બધા બળતણીયા બીમારોનો  સ્ક્રિઝોફોનિઆ બિચારી પરવીનની જેમ પ્રગટ નથી થતો. એ ખલ-પાત્રોના બ્લેક ઈગોની કાળાશ કોઈના શ્વેત વસ્ત્ર પર ઠાલવવામાં એમને ગમ્મત પડતી હોય છે. ઘણા માટે આ બહાને ઉછીનું તેજ લઇ લાંબા ગાળે પોતાના ટી.આર.પી. વધારવાની ગણતરીબાજ રમત / ષડયંત્ર હોય છે. લાંબુ વિચારવાની કે શબ્દ સિવાય પ્રગટ થતું સત્ય સમજવાની થોડા લુચ્ચા, થોડા ભોળા ટોળાંને અક્કલ હોતી નથી. માટે ક્યારેક આવા દાવ ચાલી પણ જાય છે. પણ એનું આયુષ્ય લાંબુ હોતું નથી. કપડાં ઉતારવાથી કિમ શર્મા કંઈ અભિનયમાં (અને અવ્વલ રહેવામાં) કાજોલ બની જતી નથી.

*ઐશ્વર્યા કે અમિતાભના ફોટા નીચે નામ લખવું નથી પડતું. ભૈરવીના ફોટા નીચે લખવું પડે છે. આટલો ફરક દેખીતો છે.

* સ્ત્રી બીજી સ્ત્રી માટે સહાનુભૂતિથી જ વર્તે એ જરૂરી નથી. થોડીક દેખાવડી હોય તો ખાસ.

* ગુફ્તગુ અને ગપ્પાં વચ્ચે ફરક હોય છે.

*ભૂલ જાહેરમાં સ્વીકારવાની નિખાલસ પ્રામાણિકતા ફેસબુક / ટ્વિટર એકાઉન્ટ જેટલી સુલભ હોતી નથી.

*એક્સ્ટર્નલ બ્યુટી અને ઇન્ટરનલ પ્યોરીટી બંનેનું કોમ્બિનેશન સદૈવ પ્લેટીનમની માફક દુર્લભ છે. 😛

*આ તો સારું થયું કે અભિ-એશને પુત્રી જ આવી..સાવ કુદરતી રીતે પુત્ર આવ્યો હોત તો? આખી જીંદગી કેટલાક લોકો વગર વાંકે એક કલંક એમના કપાળે  ચોંટાડીને એમની અંગત બાબતનો જાહેર ન્યાય તોળતા ફરત ને ? ! 😐

તો બિગ એન્ડ સ્મોલ  એઝ એન્ડ બીઝને ત્યાં ચાંદની કે હસીન રથ પે સવાર આયી નન્હી પરી બેબી બીને હરિવંશરાયનું તેજ પણ માતાના રૂપ, પિતાની સૌમ્યતા અને દાદાની શક્તિ સાથે પ્રાપ્ત થાય એવા ‘જલસા’ની મંગલ કામના.  🙂

 
30 Comments

Posted by on November 17, 2011 in cinema, inspiration, personal, philosophy

 
 
%d bloggers like this: