RSS

Daily Archives: November 16, 2011

મિડિયા : હેડલાઈન, ડેડલાઈન, બેડલાઈન !

મિડિયા સૌરસ.

‘જ્યુરાસિક પાર્ક’ જેવી કથા લખીને લાખ્ખો વર્ષ પછી જગતભરના લોકોના મનમાં ડાયનોસોરને ફરી સજીવન કરનારા લેખક માઈકલ ક્રાઈટને કોઈન કરેલો આ શબ્દ છે. સ્વર્ગસ્થ ક્રાઈટન સાહેબ માનતા હતા, કે મિડિયા ટાયનોસોરસ રેક્સ ટાઈપનું એકવીસમી સદીનું ગંજાવર અને ખતરનાક પ્રાણી છે. એટલે એમણે આ આઘુનિક ડાયનોસોરનું નામ આપેલું – મિડિયા સૌરસ ! (આમ પણ ડાયનોસોરનું કદ મોટું અને મગજ નાનું હોઈને એની પૂંછડીએ ટાંકણી ભોંકો, તો મગજને તેનો સંદેશો મળતા થોડો સમય લાગતો – એવું વિદ્વાન વિજ્ઞાનીઓ માને છે !)

ક્રાઈટનસાહેબ કહેતા: મિડિયા દેશની સમસ્યાઓનું કવરેજ કરવાને બદલે તેમાં ઉમેરો કરે છે ! મિડિયા ઈઝ નોટ રિપોર્ટિંગ સ્કૂપ, ઈટ ઈઝ ઈટસેલ્ફ એ સ્કૂપ ! મિડિયા એક ઈન્ડસ્ટ્રી હોય, તો તેની પ્રોડક્ટ છે: ઇન્ફોર્મેશન. સાચી માહિતી. આ પ્રોડક્ટ વેંચાય તેની સામે વાંધો નથી. વાંધો છે એ પ્રોડક્ટના તકલાદીપણા સામે. બનાવટી ચળકાટના રેપરથી ગ્રાહકોને છેતરવા સામે. કારણ કે આ બટકણી પ્રોડક્ટ વિધાઉટ વોરન્ટી વેંચવામાં આવે છે !

* * *

સવા અબજની વસતિ ધરાવતા ભારત જેવા દેશમાં એક માનસિક રીતે અસ્થિર છોકરો ઓરડામાં ભરાઈને ફાયરિંગ કરે (જેમાં કોઈ મર્યું ન હોવા છતાં) ડીઆઈજીને દોડી આવવું પડે, તેવો હોબાળો થાય..એ આખો દિવસ ટીવીની ન્યૂઝ ચેનલ્સમાં મેઈન હેડલાઈન બને ! બાળક કૂવામાં પડી એ સ્થાનિક કમનસીબ ઘટના રાષ્ટ્રીય પ્રાણપ્રશ્ન બની જાય. નેચરલી, પહેલા તો તેની અસર દર્શક નહિ તો પ્રિન્ટ મિડિયાના એડિટર્સ પર થાય, અને એવા ફાલતુ સમાચાર બીજે દિવસે સારે અખબારોમાં ફરી રાષ્ટ્રવ્યાપી બને. આટલી ‘મહત્વ’ની ઘટનાની નોંધ ન લે, તો હરીફાઈમાં નેશનલ લેવલ મેગેઝીન્સ પાછળ પડી ગયા કહેવાય ને ! આમ, ચકડોળ ચાલતું રહે છે. નવા આવનારને તો ફક્ત વેગીલી પાલખીમાં કૂદકો મારીને ચડી જવાનું જ રહે છે !

માય નેઈમ ઇઝ ખાનની રિલીઝ યાદ છે? શિવસેનાએ શાહરૂખખાનની ફિલ્મને તગડું ઓપનિંગ અપાવી દીઘું. (શરૂઆતની કમાણી પછી તો સિનેમાઘરો બધા ખાલી જ રહે છે.) ધારો કે, બંને પક્ષની મિલીભગત છે. ધારો કે નથી. પણ ધાર્યા વિના જ પૂછી શકાય એવો એક સાદો સવાલ છે. મિડિયાએ આ આખા મામલાને ઇમ્પૉર્ન્ટન્સ જ શા માટે આપવું જોઈએ ? પેટાપ્રશ્ન વઘુ અણીદાર છે: કોઈ થિયેટરના કાચ તૂટે, પ્રેમીઓ પર કાળો કૂચડો ફેરવાય, વેલેન્ટાઈન્સ ડેના કાર્ડ-ગિફટની હોળી થાય- આ દરેક ઘટના વખતે ત્યાં રિપૉર્ટર-કેમેરામેન હરહંમેશ હાજર જ કેવી રીતે હોય ? મીન્સ, ઈટ્‌સ પ્રિ-પ્લાન્ડ, સ્ટેજ મેનેજડ. આવા ગાંડિયાવેડાંને જે રીતે ન્યૂઝ ફૂટેજ મળે, એને લીધે પોલિટિકલ પાવર જમાવવાની ફિરાકમાં રહેતા લોકોને ફાવતું મળી જાય છે.

લીડર થવા માટે ગામડે ગામડે ફરીને કામ કરવાની જરૂર નથી. કોઈ પણ મુદ્દા અંગે ગંભીરતાથી અભ્યાસ કરવાની જરૂર નથી. (આ તો ખરેખર આપણે ત્યાં ગેરલાયકાત ગણાય !) નવાં વિચાર કે નવા ઉકેલો શોધવાના નથી. લોકોની અગવડો ઘટે કે સગવડો વધે એ માટે કશી કામગીરી કરવાની નથી. કરવાનું એટલું જ છે કે સંસ્કૃતિ કે ધર્મના નામે કશો ટિસ્યૂ પેપરની કક્ષાનો ઈસ્યૂ શોધીને કાગારોળ કરવાની છે. પશ્ચિમનો અદ્રશ્ય ખતરો બતાવીને શેરીઓમાં થોડી સોફિસ્ટિકેટેડ ગુંડાગર્દી બતાવવાની છે. છાપામાં મફત નામ-ફોટા છપાઈ જશે. બોસ લોકોને લાગશે કે બચ્ચાપાર્ટીમાં દમ છે, પોપ્યુલર છે. અને જેની પાસે અહીં વૉટબેન્ક, એના ચરણોમાં રિઝર્વ બેન્ક ! માટે ગોકીરો કરવો, ટોળાં ભેગા કરી આગઝરતા ભાષણો કરવા, ટીવીની સામે લાલચોળ મોં કરીને વાનરવેંડા કરવા….બ્રાન્ડનેમ જામી ગયું, બાપુ !

રૂપર્ટ મર્ડોક કે પ્રણય રોય વગેરે શું મિડિયાકિન્ગ કહેવાય ? ખરા મિડિયા બેરોન તો રાજ ઠાકરે ટાઈપના લોકો છે. જે પાગલો જેવી વાત કરે કે ગોળની કાંકરી ફરતે મંકોડાઓ ઉભરાય તેમ મિડિયા તૂટી પડે છે. દરેક સ્ટોરી ડેડલાઈન પહેલા સબમિટ કરવાની છે. એમાં કશું ક્રોસ-ચેક કરવાનો સમય રહેતો નથી. અડધી કલાકના ‘સ્પેશ્યલ’ પ્રોગ્રામમાં રૂપાળા ઢીંગલા-ઢીંગલી જેવા એન્કર્સ એકની એક લીટીઓ આવ્યા કરે છે. નક્કર નવી માહિતી એટલી જ, જેટલું પોપકૉર્નના પડીકામાં પ્રોટિન !

૨૦૧૦માં  કેન્દ્રિય મંત્રી ફારૂક અબ્દુલ્લાહે ઉત્તર પ્રદેશની એક જાહેરસભામાં એમની ટિપિકલ સ્ટાઈલની સ્વાદિષ્ટ દલીલોથી બુરખાપ્રથાનો વિરોધ કર્યો. પર્દો તો શર્મ-હયાનો હોય અને અશ્લીલતા તો ફક્ત આંખ ખુલ્લી હોય તો એમાંથી પણ ટપકી શકે જેવી સેક્યુલર સાયન્ટિફિક વાતો કરી. તરત જ એક ટીવી ચેનલ બે ‘એક્સપર્ટ’ને સ્ટુડિયોમાં ઉપાડી લાવી. જેમાં એક ટોપી-દાઢીધારી રૂઢિચુસ્ત મુલ્લાજી હતા, તો બીજા નખશિખ પર્દામાં ઢંકાયેલા બાનુ હતા. બંનેએ ફારૂકસા’બને મણમણની સંભળાવી અને ઇસ્લામની વાતો કરી. બેલેન્સ કરવા માટે કોઈ સ્કોલર વિદ્વાન કે મોડર્ન મુસ્લિમ મહિલા તો હાજર જ નહોતી ! ચેનલ માટે બપોરની ખાલી પડેલ થાળીમાં ભાણુ પીરસાઈ ગયું.

અગેઈન, આવી વાતોને હાઈલાઈટ કરવાનો મતલબ જ શું છે ? પાછા આ જ બધા ન્યાય, સત્ય, પ્રગતિ, આઘુનિકતા, લોકશાહીનો પાવો વગાડતા નીકળશે ! સાનિયા મિર્ઝાના સ્કર્ટનો વિવાદ પણ આવી જ રીતે સમાચાર માઘ્યમોએ વકરાવ્યો હતો. નિવેદનશૂરા ટીકાકારોને માઈલેજ જ ન આપ્યું હોત, તો ફતવાબાજી કોણ કરત ? કોઈ પણ બોમ્બ બ્લાસ્ટર વખતે મહેશ ભટ્ટ અને જાવેદ અખ્તર પાસે પહોંચી જનારી ચેનલ્સ તટસ્થ (હિન્દુ-મુસ્લિમ પિચકારીથી રંગ્યા વિનાનું) મંતવ્ય આપનારા નસીરૂદ્દીન શાહ કે સલીમ ખાનને કેટલી વખત બોલાવશે ? ૨૬/૧૧ની મુંબઈવાળી ઘટનામાં સ્વદેશી હાથની સંડોવણીનું ગુજરાતના મુખ્યમંત્રી કહે તો છાજિયાં લેવાય, અને દેશના ગૃહમંત્રી આ જ વાત કરે તો મોતીડે પોંખાય ! તમારે માણસથી મતલબ છે કે તેની પાસે રહેલા સત્યથી ?

છાપામાં નામ છપાય એ માટે કુબેરપતિઓ પણ ગલૂડિયાંની જેમ ગલોટિયાં ખાય છે. ટીવીમાં ચહેરો ચમકે એટલે જાણે સાક્ષાત મોહિનીએ અમૃતકુંભમાંથી સોનાનો કટોરો પીવડાવ્યો હોય એવો હરખ આડોશીપાડોશીઓને થાય છે. માટે મિડિયામાં જે કંઈ ઝગમગે છે, એ જ ખરા હીરો-હીરોઈન લાગે છે. ક્વોલિટી કે કામની ફિકર નથી કરવાની, ફેમ એન્ડ ફોર્ચ્યુનનો જ હિસાબકિતાબ કરવાનો છે.

સડી ગયેલી શિક્ષણ પદ્ધતિ અને કોહવાઈ ગયેલી ધાર્મિકતાને લીધે ભારતમાં મિડિયા જ ‘ટીચર એન્ડ પ્રીચર’ના રોલમાં છે. ‘ઈન્સ્ટન્ટ વેવ’ તેમાંથી જ જાગે છે. જો વઘુ જોવાતી ચેનલ્સ કે વઘુ વંચાતા અખબારો જ અવૈજ્ઞાનિક, પછાત, સંકુચિત, ગેરબંધારણીય, બિનલોકશાહી ખબરોને પવન દેવાનું બંધ કરે તો તેના અંગારા આપોઆપ રાખ બની જાય ! સંસ્કૃતિ પૂજકોના દેશભક્તિના નામે લુખ્ખી દાદાગીરીના ડંગોરા એટલે મજબૂત છે કે મિડિયા તેમને મહત્વ આપે છે, ‘મોટાભા’ બનાવે છે ! દંભી અને લુચ્ચા બિનસાંપ્રદાયિકોને પણ મિડિયા જ ચગાવીને હવામાં ઉડાડે છે. ધર્મના નામે બેહિસાબ ફંડ ભેગું કરી મનફાવે તેવો વાણીવિલાસ કરતા બાબાઓના ફરંદી ફુગ્ગાઓમાં પણ મિડિયાનો જ પવન છે ! ‘મિડિયોકર’ (મઘ્યમ કક્ષા) અને મિડિયાનો પ્રાસ અપુન કા ઇન્ડિયામાં તબલાં-હાર્મોનિયમની માફક બેસી ગયો છે, નવરાઘૂપ કે ચાલબાજ નેતાઓને મિડિયાનું રણ ખેલતાં બરાબર આવડી ગયું છે.

સમાચારમાં સૌથી અગત્યનો સવાલ વૉટ, વ્હેન, વ્હેર, હુ નથી. એ છે વ્હાય…! આવું કેમ બન્યું ?

* * *

એવું નથી કે લગ્નના માંડવા નીચે ગલોફામાં ગુટકા દાબીને થતી કૂથલીની માફક ભારતમાં બધી તકલીફોનું મૂળિયું મિડિયા જ હોય. કમસેકમ ભ્રષ્ટ એડમિનિસ્ટ્રેશન કરતાં આપણું મિડિયા વઘુ જવાબદાર છે. મિડિયાનો વૉચ ટાવર ન હોત તો ગીધો મડદું ચૂંથે એ અદાથી આ દેશ પીંખાઈ ગયો હોત ! જેસિકાથી લઈ રૂચિરા સુધીના કેસમાં કૉર્ટ ટ્રાયલ પણ મિડિયાના ક્રાંતિકારી વલણથી થઈ છે. (ટાઈમ્સ નાઉ જેવી ચેનલે સુપ્રીમ કોર્ટ પછી સૌથી મહત્વની ભૂમિકા રાષ્ટ્રહિતમાં ભજવી હોવાનું એક નાગરિક તરીકેનું લેટેસ્ટ મંતવ્ય છે. ) આળસુ પોલીસના કાન મિડિયા આમળે છે. શોષણખોર કંપનીઓ કાયદાને બદલે મિડિયાથી ભડકે છે. દેશની મિલકતોને ખેતર સમજીને ખૂંદવા-ચરવા આવતા ગોધાઓના પૂંછડા આમળીને જેવી-તેવી રક્ષણાત્મક વાડ મિડિયા જ રચે છે. છેલ્લાં બે દસકામાં ભારતમાં જે કોઈ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા થયા હોય કે આઘુનિક પરિવર્તન આવ્યું હોય – તેમાં મિડિયાનો ફાળો ભારતીય ક્રિકેટટીમની જીતમાં સેહવાગ / લક્ષ્મણની ઇનિંગ્સ જેવડો અને જેટલો રહ્યો છે !

એક્ચ્યુઅલી, પ્રોબ્લેમ મિડિયા નથી. પ્રોબ્લેમ છે, વી ધ પીપલ ઑફ ઇન્ડિયા ! આપણે સાસ-બહુની સિરિયલ્સ વર્ષો સુધી જોયા કરવી છે, અને પોતાના વાંક ન દેખાય માટે ગાળો એકતા કપૂરને ભાંડવી છે ! ઇન્ટેલીજન્ટ ડિસ્કશન્સ કરતા ભૂતપલીતના સનસનાટીભર્યા કાર્યક્રમોના ટીઆરપી ઉંચા હોય છે – એટલે એ વઘુ દેખાય છે. ક્રાઈમના ન્યૂઝ વિના છાપું ખાંડ વિનાની ચા જેવું લાગે છે, અને ગડી કરીને ‘આ છાપાવાળા કેવા ગંદા સમાચારો જ છાપે છે’ની ફરિયાદો કરવી છે. જે જૂના સમાચારપત્રો ગાંધીચીંઘ્યા માર્ગે ચાલવા ગયા, એમની દશા ગાંધીજી જેવી જ થઈ. એ અકાળે શહીદ થઈ ગયા ! જો દિખતા હૈ, વો બિકતા હૈ એ વીસમી સદીનું અર્ધસત્ય છે. એકવીસમી સદીનું પૂર્ણસત્ય છે : જો બિકતા હૈ, વહી બારબાર દિખતા હૈ !

આપણે જ મિડિયાને ટાઈમપાસ એન્ટરટેઈનમેન્ટનાં કૂવામાં ગબડાવી દીઘું છે. જરાક નવીનતાસભર, ઉંડાણસભર, અભ્યાસપૂર્ણ પેશકશ થાય કે આપણે કંટાળીને ભાગી છૂટીએ છીએ. પોતાને સરાજાહેર ‘મિડિયા કી બેટી’ કહેનારી રખડેલ (આનાથી વઘુ અભદ્ર શબ્દો સૂઝે છે, જે મનમાં જ વાંચી લેવા-કલ્પનાશીલતામાં વધારો અને ગુસ્સામાં ઘટાડો થશે !) રાખી સાવંતને કોણ નવા નવા કાર્યક્રમો અપાવે છે ? મિડિયા ? જી ના એને જોયા કરતા, એની પાછળ પાગલ થઈને ફરતાં આપણે ! ટીવીને ટ્રાન્કવીલાઈઝર અને અખબારને એપિટાઈઝર બનાવી દેવા વાળા લોકો છે. મિડિયા માત્ર એમની પસંદગી, રૂચિ, માન્યતા, લાયકાતને પ્રતિબંિબિત કરતું દર્પણ છે. લોકશિક્ષણ વિના લોકસ્વરાજ લઈ લેવાનું આ ભૂંડુભૂખ પરિણામ છે. લોકોને જ ડાન્સ અને ક્વીઝના ફિલ્મી સેલિબ્રિટીઝના અતિરેકથી ઉબકા આવે એવા રિયાલિટી શોની ‘નાટકબાજી’ ચૂસ્યા કરવી છે. કોઈને દૂધ પીવું નથી અને દારૂ વેંચવાવાળાઓને જેલમાં પૂરવાની ચિચિયારીઓ કરવી છે ! મિડિયા એક કઠપૂતળી છે, એને ઠુમકા મરાવતી દોરીનું નામ છે – પબ્લિક ચોઈસ !

એટલે જ જેમ સ્વાતંત્ર્યસંગ્રામથી કારકિર્દી શરૂ કરનારા રાજકારણીઓ રીઢા શોષણખોર થતા ગયા, તેમ જ મિડિયામાં સેન્સિબલ, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, રિવોલ્યુશનરી જર્નાલિઝમ કરનારા ધીરે ધીરે જાહેરાતોના સમંદરમાં ઘુબાકા મારવા ‘એડજેસ્ટમેન્ટ’નું લાઈફ જેકેટ પહેરતા થઈ ગયા. શું ચાલે છે, એ પાઠ નપાવટ પ્રજાએ એમને ઊંચી ફી વસૂલીને બરાબર ભણાવી દીધો. એમણે પછી પોતાના પ્રકાશનો કે ચેનલ્સને નૌટંકી બનવા દીધા. ‘કેવા છીછરા મેગેઝીન્સ આવે છે ? કેવી તસવીરો છાપે છે ?’ની બૂમરાણો મચાવનારાઓએ કદી નવનીત સમર્પણ કે કુમાર ખરીદવાની તસદી લીધી ? ફિલ્મગીતોને વખોડનારા કેટલાઓએ કવિતાઓ વાંચી ? લોકો વાતો આદર્શોની કરે છે, પણ આદર્શો ખરીદતા નથી. પછી સિદ્ધાંતવાદીઓને પૂનમના ચંદ્રમાં રોટલી દેખાય છે. નૈતિકતાના મૂલ્યોને પીળો તાવ ચડે છે. એવરીબડી લવ્ઝ પાવર. પાવર લાઈઝ ઈન પોપ્યુલરિટી. લોકશાહીમાં રિમૉટ કન્ટ્રોલ રાજાના નહિ, પ્રજાના હાથમાં હોય છે. માઘ્યમોનું જ નહિ, મહારાજાઓનું પણ ! પ્રજાને સેક્સ સ્કેન્ડલ્સ યાદ રાખવા હોય, અને શિથિલ સ્તર માટે મિડિયા સામે ફરિયાદ કરવી હોય એ કેમ ચાલે ?

જસ્ટ થિંક. બધા જ કહે છે – શીબૂ સોરેન જેવો તકવાદી ક્રિમિનલ ઝારખંડનો મુખ્યમંત્રી બન્યો, ખોટું થયું. જાહેરજીવન પર કલંક લાગ્યું. પણ સોરેન ક્યારે મંત્રીશ્વર થાય છે ? જ્યારે પ્રજા તેને વિધાનસભામાં ચૂંટે છે – ત્યારે ! હેડલાઈન્સ પાછળ છુપાયેલી આ ‘બેડ’ લાઈન છે, જે ગુણવત્તાને ડેડ કરે છે. લોકો હૈસો હૈસો કરી માર્કેટિંગનો, પ્રમોશનનો (અને એ બહાને મિડિયાનો) વિરોધ કરે છે. ખરેખર વિરોધ થવો જોઈએ નબળા, હલકા, જડભરત, ચીલાચાલુ, કન્ટેન્ટનો ! એવી અક્કલ કે અનુકૂળતા કોઈ પાસે છે જ નહિ ! માટે શબ્દોની રમતો અહીં તાળીઓ મેળવે છે, અને વિચારની સજ્જતા ગોળીઓ મેળવે છે.

‘સચ કા સામના’ ટીવી શોની ચકચાર ચગી હતી, ત્યારે પ્રસિદ્ધિભૂખ્યા ‘રિટ’ સમ્રાટોને ઠમઠોરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એ.પી. શાહે કહ્યું હતું ‘ગાંધીના દેશમાં ગાંધીની વાત કોઈ માનતું નથી. બૂરા મત દેખો,સી નો ઈવિલ ! ટીવીમાં કોણે શું બતાવવું જોઈએ તેની ચિંતા કરવાને બદલે અમારા (જજસાહેબો)ની જેમ એ બઘું ન ગમે તો જોવાનું જ બંધ કરી દો. આપોઆપ કાર્યક્રમની વ્યૂઅરશિપ ઘટશે તો એ બંધ થઈ જશે. ‘ (એમાં સંસ્કૃતિની ચિંતામાં અડધા અડધા થઈ, વજન ‘વધારવા’ની જરૂર નથી !) પરફેક્ટ ! કોમનમેન હેવ મોર પાવર ધેન ન્યુક્લીઅર બોમ્બ. પાવર ઑફ રિજેકશન. તાલિબાન હોય કે ભગવા બ્રિગેડ. ન ગમે તો થૂંક ઉડાડતી ટીકા ન કરો, એમને રિજેક્ટ કરો. નેતા કે અભિનેતા સામે મોરચા ન માંડો, ઠંડી ઉપેક્ષા કરો.

મિડિયાની તાકાત સડક પર ચાલતો માણસ છે. અને એ માણસની નબળાઈ ? મિડિયા !’

ઝિંગ થિંગ :

‘પાગલ અને જીનિયસ વચ્ચે ફરક કેવળ સફળતાનો હોય છે !’ (ટુમોરો નેવર ડાઈઝ ફિલ્મનો સંવાદ)


# નેશનલ પ્રેસ ડે (૧૬ નવેમ્બર ) નિમિત્તે , ગત વર્ષે પ્રગટ થયેલ આર્ટીકલ નજીવા જરૂરી સુધારા સાથે.

 
21 Comments

Posted by on November 16, 2011 in Uncategorized

 
 
%d bloggers like this: