RSS

Daily Archives: November 13, 2011

પ્યાર, ઈશ્ક, મહોબ્બત : એક થા ગુલ, એક થા બુલબુલ…

ગઈ કાલે મારાં પ્રિય પુસ્તક ‘પ્રીત કિયે સુખ હોય’ની ‘બિહાઈન્ડ ધ બાઈન્ડિંગ’ ટીટ-બિટ્સ એના ટૂંકા ગાળામાં ત્રીજી આવૃત્તિના પ્રકાશન નિમિત્તે અહીં મમળાવી. સાથે આપ બધાની ફરમાઈશ મુજબ મેહુલ સુરતીનું  વધુ એક મદમસ્ત પ્રેમગીત ‘પ્રિયતમ’ પણ. આજે જો વાદા કિયા વો નિભાના પડેગાના ન્યાયે આજે એક્સક્લુઝિવલી એ પુસ્તકમાંનો મને બહુ ગમતો લેખ. (એક મેઘદૂતનો લેખ અહીં અગાઉ મુકેલો છે, બારીશના બહાને !) ઓસ્કાર વાઈલ્ડ મારાં ફેવરિટ જીનિયસ લેખક અને એમની કમાલની વાર્તાનો અનુવાદ કરવામાં મેં રીતસર ધન્યતા અનુભવી છે. કેવું અદભૂત સાહિત્યિક વર્ણન છે એમાં ! જાણે વાર્તા નહિ, કવિતા છે! શાહીને બદલે લોહીથી લખાયેલી  દર્દીલી ચિરંજીવ પ્રેમકથા ! અને હા, તમારા બધાની કોમેન્ટ્સ, કોન્ગ્રેટ્સ, વિશિઝની પ્રેમવર્ષા માટે ફરી પપ્પીજપ્પીઝ 🙂

એસએમએસે અઢળક ભૂલાઈ ગયેલી શાયરીઓ, કવોટેશન્સ અને ટૂચકાઓનો જીર્ણોઘ્ધાર કરી નાખ્યો છે. કઈ ગંગોત્રીમાંથી એસએમએસગંગા ફૂટીને કયા મોબાઈલ સમુદ્રમાં ભળી જશે, એનું કોઈ ‘સેટલાઈટ પિકચર’ મળે તેમ નથી હોતું!

પણ કયારેક રસિકજનોની આંખો જ નહિ, દિમાગ પણ એસએમએસ આવે ત્યારે ઝબકી ઉઠતા સેલફોનના સ્ક્રીનની માફક જ ચમકી ઉઠે છે. એક ચકલી અને ફૂલનો પાંચેક લીટીનો લવ એસએમએસ કોલેજીયન જુવાનિયાઓ બહુ ફોરવર્ડ કરવા લાગ્યા છે. આ એસએમએસનું મૂળ અને કૂળ તો ઘુરંધર લેખક ઓસ્કાર વાઈલ્ડની સોએક વરસ અગાઉ લખાયેલી એક અમર અદ્‌ભૂત કથા સુધી પહોંચે છે!

જરા વાંચો ‘બુલબુલનું ગુલાબ’ નામની એક સંવેદનોથી છલોછલ વાર્તા… અને વિચારો કે ઉત્તમ સાહિત્યના વર્ણનોનો અવર્ણનીય જાદૂ અસલી આસ્વાદ વિના મળે ખરો? અને મેળવો પ્રેમની ફનાગીરી અને નિર્દોષતા સામે સ્વાર્થના સમીકરણોની સમર્પણ ગાથા!

* * *

‘‘એણે કહ્યું કે જો હું એને લાલ ગુલાબનું ફૂલ લાવી આપીશ, તો તે મારી સાથે નાચશે. પણ મારા આખા બગીચામાં કયાંય લાલ ગુલાબ છે જ નહિ!’’ એક જુવાન કોલેજીયન નિરાશ થઈને બડબડયો.

આસોપાલવ પરના તેના માળામાં બેઠેલા એક ભોળા બુલબુલે આ સાંભળ્યું, અને પાંદડામાં થઈને એણે આશ્ચર્યપૂર્વક નીચે જોયું.

‘‘અરરર! એકે ગુલાબ બગીચામાં નથી!’’ એ જુવાન ફરી બોલી ઉઠયો અને તેની આંખોમાંથી આંસુ દડદડ પડવા લાગ્યા: ‘‘કેટલી નજીવી ચીજો પર માણસનું સુખ આધાર રાખે છે? વિદ્વાનોએ લખેલા અનેક પુસ્તકો મેં વાંચ્યા છે. ફિલસૂફોના પુસ્તકોમાંથી તત્વજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો છે. છતાં એક લાલ ગુલાબના અભાવે આજે મારી જીંદગી કેટલી દુઃખી થઈ ગઈ છે!’’

‘‘આ એક સાચો પ્રેમી ખરો!’’  બુલબુલે વિચાર્યું. ‘‘તેને જોયા વિના જ મેં રાતોની રાતો તેના ગીત ગાવામાં ગાળી છે. તેની વાતો મેં સિતારાઓને રોજ સંભળાવી છે. પણ સાચા પ્રેમીને નજરોનજર મેં આજે જોયો એની ભ્રમર પર શોકની છાયા છે. એનો ચહેરો પ્રેમના તલસાટમાં બીજના ચંદ્ર જેવો ફિક્કો થઈ ગયો છે. એના હોઠ એના અંતરની લાલસા જેવા જ લાલ છે!’’

કોલેજીયન તો નિઃસાસો નાખી ફરી ગણગણવા લાગ્યો : ‘‘આજે રોયલ પાર્ટી છે. મારી પ્રેયસી ત્યાં આવશે. જો હું તેના માટે એક લાલ ગુલાબ લઈ જઈશ, તો સવાર સુધી એ મારી સાથે નૃત્ય કરશે. મારા હાથ તેના અંગો પર વીંટળાશે. એ પોતાનો હાથ મારા હાથમાં મૂકીને મારા ખભા પર માથું ટેકવશે. પણ મારા બગીચામાં એકે ય લાલ ગુલાબ નથી. હાય! મારે એકલા બેસી રહેવું પડશે. એ મારી આગળથી પસાર થઈ જશે. મારી સામું જોશે પણ નહિ – મારૂં દિલ ભાંગીને ચૂરેચૂરા થઈ જવાનું છે!’’

‘‘આ એક સાચો પ્રેમી જ છે!’’ બુલબુલ ફરી વિચારે ચડયું. ‘‘હું ગાઉં છું, તેની વ્યથા એ અનુભવે છે. મને જે આનંદ આપે છે, એ એના માટે દુઃખકારક છે. ખરેખર, આ પ્રેમ વિચિત્ર છે. નીલમના કરતાં વઘુ મૂલ્યવાન અને રત્નોથી મોંઘો છે. મોતી – માણેકથી એ ખરીદી શકાતો નથી. બજારમાં મળતો નથી. વેપારીઓને ત્યાં કંઈ વેંચાતો નથી. સોનાના સાટે પણ એને ત્રાજવામાં તોળી શકાતો નથી.’’

‘‘ઝરૂખામાં વાજીંત્રો લઈને સંગીતકારો બેઠા હશે. એમના વાદ્યોને તાલ આપી મારી પ્રિયતમા નૃત્ય કરશે’’ જુવાન વિદ્યાર્થી બોલ્યો ઃ ‘‘એ એટલા હળવા પગે ડાન્સ કરશે કે જમીન પર તો એના પગ અડકશે જ નહિ! રંગબેરંગી પોશાકોમાં સજ્જ મહેમાનો એના વખાણ કરશે. પણ મારી સાથે એ નહિ હોય. કારણ કે, એને આપવા માટે મારી પાસે એકે ય લાલ ગુલાબ નથી.’’ આટલું કહેતા તો એ કપાળે હાથ મૂકી રડવા લાગ્યો.

એક નાની ગરોળી ત્યાંથી પૂંછડી ઊંચી કરી પસાર થતી હતી. એ પૂછવા લાગી: ‘‘આ કેમ રડે છે?’’ એક પતંગિયું સૂરજના કિરણ આસપાસ ભમતું હતું, એ ય બોલી ઉઠયું ‘‘હા, કેમ રડતો હશે?’’ ધીરા મૃદુ અવાજે એક મોગરાના ફૂલે પોતાના પાડોશીને પૂછયું: ‘‘શા માટે આ રડે છે?’’

બુલબુલે જવાબ આપ્યો : ‘‘એ તો લાલ ગુલાબને માટે રડે છે.’’

‘‘રાતાં રંગના ગુલાબ માટે?’’ તેઓ બધા તિરસ્કારપૂર્વક ખડખડાટ હસતા બોલી ઉઠયા ‘‘કેવું હસવા જેવું!’’

પણ બુલબુલ એ યુવાન મનના દુઃખનું રહસ્ય સમજતું હતું. તે ચૂપચાપ પ્રેમની ગહનતાનો વિચાર કરતું ઝાડ પર બેસી રહ્યું. પછી એકાએક પોતાની પાંખો પસારીને હવામાં ઉડયું. સ્વપ્નની પેઠે એ વૃક્ષોની ઘટામાંથી પસાર થયું અને બગીચાની બીજી બાજુએ જઈ રહ્યું.

ત્યાં એક ગુલાબનો સુંદર છોડ ઉભો હતો. તેને જોઈને બુલબુલ તેની એક ડાળખી ઉપર ઝૂલ્યું. પછી બોલ્યું: ‘‘તું એક લાલ ગુલાબ મને નહિ આપે? બદલામાં હું તને મારૂં મીઠામાં મીઠું ગીત ગાઈ સંભળાવીશ.’’

પણ ગુલાબના છોડે માથું ઘૂણાવ્યું. જવાબ આપ્યો ‘‘અરે, મારાં ગુલાબ તો ધોળાં છે. સમુદ્રના ફીણ જેવા સફેદ. પર્વતો પરના બરફથી પણ વઘું શ્વેત! પણ તું બાજુમાં મારા ભાઈબંધ પાસે જા.’’

એટલે બુલબુલ બાજુમાં બીજા ગુલાબના છોડ પાસે ઉડી પહોંચ્યું. ફરી એણે ગીતના બદલામાં એક લાલ ગુલાબનો પ્રસ્તાવ મૂકયો.

‘પણ મારા ગુલાબ તો પીળાં છે’ ગુલાબે ડોકું ઘૂણાવતાં જવાબ આપ્યો. ‘અંબરના સિંહાસન પર બેઠેલી જળપરીના સોનેરી વાળ જેવા પીળાં, કરેણના ફૂલથી પણ વઘુ પીળાં પણ પેલી બારી પાસે રહેલા મારા દોસ્ત પાસે જા. એ કદાચ તને જે જોઇએ તે આપશે.’

એટલે બુલબુલ એ ગુલાબના છોડ પાસે પહોંચ્યું. ‘તું મને એક લાલ ગુલાબ નહિં આપે? હું તને એના બદલામાં મારૂં મીઠામાં મીઠું ગીત ગાઇ સંભળાવીશ.’

પણ ગુલાબે ડોકું ઘુણાવ્યું: ‘મારા ગુલાબ લાલ છે એ ખરૂં, હંસના પગ જેવા અને દરિયાના પરવાળા કરતાં પણ વઘુ લાલ! પણ શિયાળામાં મારી બધી નસો ઠરી ગઇ છે. હિમે મારી કળીઓને બાળી મૂકી છે. પવને મારી ડાળીઓ ભાંગી નાંખી છે, એટલે આ વરસે મને એકેય ફૂલ નહિ આવે.’

‘મારે તો એક જ ગુલાબ જોઇએ છે, માત્ર એક. એ કોઇ રીતે અત્યારે નહીં મળે?’

ગુલાબે જવાબ આપ્યોઃ ‘એક રીતે મળે તેમ છે, પણ એ ભયંકર રીત કહેવાની મારી હિંમત ચાલતી નથી.’

બુલબુલે આજીજી કરી ‘મને વિના સંકોચે એ રસ્તો બતાવ!’

ગુલાબ બોલ્યું: ‘જો તારે લાલ ગુલાબ જોઇતું જ હોય તો પછી ચાંદનીમાં તારા સંગીતમાંથી નિપજાવી કાઢવું પડશે… અને તેને તારા પોતાના હૃદયના લોહીના લાલ રંગથી રંગવું પડશે. તારી છાતી મારા કાંટા સામે ધરીને ગાવું પડશે. આખી રાત કાંટો તારા હૃદયમાં ભોંકાતો જશે. તારા હૃદયનું રક્ત મારી નસોમાં ફરતું થશે.’

બુલબુલ કંપી ઉઠયું: ‘લાલ ગુલાબ માટે જીંદગી આપવાની કિંમત તો આકરી ગણાય. જીવ તો દરેકને વ્હાલો હોય. લીલીછમ હરિયાળી વચ્ચે સૂરજને સોનાના અને ચંદ્રને મોતીના રથમાં બેસીને આવતો નીરખવાની રોજ કેવી મજા પડે? પારિજાતની મઘુર સુગંધ અને મોગરાની મીઠી ખૂશ્બુ છોડીને જતાં રહેવું કોને ગમે? પણ પ્રેમની મહત્તા જીંદગી કરતાં વઘુ નથી શું? અને વળી માણસના હૃદય આગળ પંખીના હૃદયની શી વિસાત?’

આટલું બોલી એ પાંખો પસારી ઉડવા લાગ્યું. પેલો કોલેજીયન જુવાન હજુ ઘાસમાં પડેલો હતો. એના આંસુ હજુ સૂકાયા નહોતા.

બુલબુલ બોલી ઉઠયું ‘રાજી થા. રાજી થા. તને તારૂં લાલ ગુલાબ મળશે. ચાંદરણા અને સંગીતમાંથી એ બનાવી હું મારા હૃદયના લાલ લોહીથી રંગીશ. બદલામાં તું સાચો પ્રેમી બનશે. પ્રેમ એ જ જ્ઞાન છે. પ્રેમ એ જ શકિત છે. એની પાંખો અગ્નિની જવાળાના રંગની છે અને એના હોઠ મધ જેવા છે. એનો શ્વાસ ચંદન જેવો છે!’

જુવાને ઉંચે જોયું. બુલબુલનો અવાજ સાંભળ્યો પણ એણે શું કહ્યું એ સમજાયું નહિ. એ માત્ર પુસ્તકોમાં લખેલી વાત જ સમજતો હતો.

પણ આસોપાલવ એનો મર્મ સમજી ગયો. એ ઉદાસ થયો. પોતાની ડાળીઓમાં માળો બાંધીને રહેતું આ નાનકડું બુલબુલ એને બહુ વ્હાલું હતું. એણે ધીમેથી બુલબુલને કહ્યું ‘પ્રિય બુલબુલ, તું એક છેલ્લું ગીત ગાતું જા. તું નહીં હો ત્યારે મને નહીં ગમે. બઘું એકલું એકલું લાગશે’

બુલબુલે રૂપેરી ઘડામાંથી નીકળતાં પાણીના ખળખળ વહેણ જેવું એક ગીત તેના માટે ગાયું.

એ વખતે પેલા જુવાને ડાયરી કાઢીને નોંધ લખી. ‘બુલબુલ રૂપાળું છે, એમાં બેમત નથી. પણ એને લાગણીઓ છે ખરી? મને નથી લાગતું. એમાં કળાની શૈલી હશે, પણ હૃદયની સચ્ચાઇ કયાં? બીજાઓ માટે એ કંઇ ત્યાગે છે? એને માત્ર સંગીતનો જ સ્વાર્થ હોય છે. એના કંઠમાં કુદરતે ભરપૂર મીઠાશ મૂકી છે. પણ એ શા કામની? વ્યવહારમાં શું ઉપયોગની?’ એટલું લખી એ પોતાના ઓરડામાં જઇ પ્રેયસીના વિચારમાં ઉંઘી ગયો.

અને આકાશમાં ચંદ્ર ઉગ્યો. બુલબુલે પેલા ગુલાબના છોડ પાસે જઇને એના કાંટા સામે પોતાની છાતી ધરી. આખી રાત ગાવાનું હતું. કાંટો ધીરે-ધીરે એની છાતીમાં ભોંકાતો ગયો. લોહી વહેતું ગયું.

પહેલાં તો એણે છોકરા- છોકરીના હૃદયમાં પ્રેમના પ્રથમ ઉદ્દભવનું ગીત ગાયું. એટલે ગુલાબની છેક ટોચની ડાળખી પર એક ભવ્ય ફૂલ ફૂટયું. પહેલાં તો તે ફિક્કું હતું. નદી પરના શિયાળુ ઘુમ્મસ જેવું સફેદ- પાણીના ઝરણામાં આયનાના પડછાયા જેવું. એક પછી એક ગીત ગવાતા ગયા, એમ તેને પાંખડીઓ આવતી ગઇ.

ગુલાબે બુલબુલને છાતી જરા જોરથી દબાવવાનું કહ્યું. ફૂલ પૂરૂં ખીલે એ પહેલાં સૂરજ ઉગી જાય તો….

નાના બુલેબુલે છાતી વઘુ દબાવી. હવે એણે યુવક- યુવતીના હૃદયમાં ઉછળતાં પ્રેમનું ગીત ઉંચા સાદે ગાવાનું શરૂ કર્યું. ફૂલની પાંખડીઓમાં સુકોમળ લાલ સુરખી આવી. પ્રેયસીના હોંઠનું ચુંબન લેતી વખતે પ્રેમીજનના ચહેરા ઉપર પ્રસરતી રતાશ જેવી! પણ હજુ એનું કેન્દ્ર સફેદ હતું. બુલબુલે છાતીસરસો કાંટો વઘુ ભીંસ્યો. હવે એના શરીરમાં હૃદયવિદારક વેદના હતી. એટલું જ વ્યાકુળ અને ઉન્મત્ત એનું ગીત હતું. હવે તે મૃત્યુમાં પૂર્ણતા પામતા પ્રેમીનું ગીત ગાઇ રહ્યું હતું. સ્મશાનની આગમાં પણ ખાખ ન થતાં પ્રેમનું ગીત એણે ગાયું હતું.

અને પેલું ફૂલ ઉગતા સૂરજના જેવું લાલ બન્યું. એ ઝળહળતા માણેક જેવું રક્તરંગી હતું. પણ બુલબુલનો અવાજ ધીમો પડયો. એની પાંખો તરફડી. એની આંખોને ઝાંખપ આવી. એનું ગળું રૂંધાયું. એણે એક આખરનું ગીત શરૂ કર્યું.

ફિક્કા ચંદ્રમાએ એ સાંભળ્યું. અને પ્રભાતને ભૂલી જઇ એ આકાશમાં થંભી ગયો. લાલ ગુલાબે એ સાંભળ્યું અને હરખમાં ઝૂમવા લાગ્યું. એ ધ્રુજારીમાં એણે પોતાની પાંખડીઓ પસારી. પડઘો એ ગીતને ટેકરીઓની ખીણમાં ભરવાડોને જાગૃત કરવા લઇ ગયો. વેલાઓએ નદીઓને અને નદીઓએ સમુદ્રને એ ગીત સંભળાવ્યું.

ગુલાબે કહ્યું : ‘જો ફૂલ ખીલ્યું!’ પણ બુલબુલે જવાબ ન આપ્યો. એ કાંટાને હૃદયમાં જડી ઘાસમાં મરેલું પડયું હતું.

બીજા દિવસે પેલી જુવાને બારી ઉઘાડીને બહાર જોયું એ બોલી ઉઠયો ‘કેવું મજાનું! જીંદગીમાં આવું લાલ ગુલાબ કદી જોયું નથી!’

એ સુંદર વિશિષ્ટ ફૂલ ચૂંટીને એ દોડયો.

એ પોતાની પ્રિયતમાના ઘેર પહોંચ્યો. એને ફૂલ આપીને કહ્યું ‘જો હું તારા માટે લાલ ગુલાબ લઇ આવ્યો. આજે આપણે નૃત્ય કરીશું ત્યારે એ તને મારા પ્રેમની વાત કરશે.’

પણ છોકરીએ મોં બગાડયું. ભવાં ચડાવ્યા. ‘મને લાગે છે કે મારા સરસ પોશાક સાથે એના રંગનો મેળ નહિ ખાય. અને મને પ્રધાનસાહેબના છોકરાએ મોતીની માળા મોકલાવી છે એ તો ફૂલથી પણ કિંમતી કહેવાય, એ નાનું છોકરૂંય જાણે!’

‘તું બેકદર છો’ કહીને છોકરાએ ફૂલનો ગુસ્સામાં રસ્તા પર ઘા કર્યો, ત્યાં એ વાહનના પૈડાં નીચે કચડાઇ ગયું.

‘બેકદર?’ તું કેટલો ઉદ્ધત છો? બૂટના બકલ જેટલી પણ તારામાં અક્કલ નથી!’ એટલું કહી યુવતી અંદર ચાલી ગઇ.

ત્યાંથી જતાં વિદ્યાર્થી ગણગણ્યો: ‘પ્રેમ કેવી મૂર્ખાઇ ભરેલી વસ્તુ છે. તર્કથી એ અડધો ઉપયોગી પણ નથી. એનાથી પુરવાર શું થાય? જે બનવાની નથી એની જ વાતો એ કરે છે. જે સત્ય નથી એ જ માનવા પ્રેરે છે. વળી વ્યવહાર માટે તો સાવ બિનઉપયોગી! આજના જમાનામાં તો પ્રેમના વિચાર છોડી ઇકોનોમિકસના અભ્યાસમાં ચિત્ત પરોવવું જોઇએ, જેથી પરીક્ષામાં પાસ થવાય.’

અને ઓરડામાં આવી એણે કબાટમાંથી અર્થશાસ્ત્રનો ગ્રંથ કાઢયો!

ફાસ્ટ ફોરવર્ડ

‘Easy… Sex is. Love is not!’ (એક કોરિયન  ફિલ્મના પોસ્ટરની કેચલાઇન!)

 
28 Comments

Posted by on November 13, 2011 in art & literature, feelings, romance

 
 
%d bloggers like this: