RSS

Daily Archives: November 12, 2011

પ્રીત કિયે સુખ હોય : ક્વિક ફ્લેશબેક

first version of first edition title

“મૈં જો એસા જાનતી, પ્રીત કિયે દુઃખ હોય…
નગર ઢંઢેરા પીટતી, પ્રીત ના કરિયો કોય !”

મીરાંની આ પ્રસિદ્ધ રચના છે. પ્રેમ અંગે જગતમાં ધર્મ પછી સૌથી વધુ લખાયું છે. એમાં વધુ એક પુસ્તક રચવાનો વિચાર આવ્યો, ત્યારે ટાઈટલ શોધવા માટે માથાના થોડાક વધુ વાળ ખેરવી નાખ્યા. એ વખતે ‘લવ આજકલ’ ફિલ્મ તાજી રિલીઝ થઇ હતી. એ પરફેક્ટ બંધબેસતું શીર્ષક લાગતું હતું. પણ હિંદી ફિલ્મોની રેડી ટ્યુનમાં ગુજરાતી ભજનો બેસાડી દેવાની ના-લાયકી સામે પુરો અણગમો – એટલે એવું કરવામાં મન માન્યું જ નહિ. ‘લવ ૨૪ x ૭’ ટાઈટલ વધુ પડતું વેસ્ટર્ન લાગતું હતું, અને બુકના મલ્ટીકલર કન્ટેન્ટ માટે મિસલીડિંગ હતું. બીજા ડઝનેક નામો સારા હોવા છતાં મનમાં બેસતા નહોતા બરાબર. કેચી હોય તો અર્થસભર ના હોય એન્ડ વાઈસે વર્સા. ધારાવાહિક ગુજરાતી નવલકથાઓને શોભે એવા ચિબાવલા નામો રાખવા નહોતા.

અને અચાનક ઝબકારો થયો…મીરાંની પંક્તિમાં માત્ર એક જ અક્ષરના ફેરફારમાં આખો નવો આયામ ઉમેરાઈ જતો હતો. પ્રીત સફળ થાય તો પ્રિયજન સાથે આનંદ અને સહવાસનું સુખ મળે, નિષ્ફળ જાય તો અનુભવ અને સ્મૃતિઓનું ભાથું મળે. માટે પોઝીટીવલી જુઓ, તો પ્રીત કિયે દુઃખ મળે એમાં ય કોઈ સુખ શોધી શકો. મિત્રોને નામ ગમ્યું અને ફાઈનલ થઇ ગયું.

વાત થાય છે અત્યારે ગુજરાતી ભાષાના સૌથી વધુ વેંચતા પુસ્તકો પૈકીનું એક એવા મારાં પ્રિય પુસ્તક “પ્રીત કિયે સુખ હોય” ની…

***

છેક ૨૦૦૧માં મારાં લેખોના સંગ્રહના ૪ પુસ્તકો આવ્યા. પછી એ પ્રકારનું બીજું પુસ્તક મૂકી શકાયું નહોતું. વિચાર પછીના ત્રણ વર્ષે નવું સંપાદન કરવાનો હતો. પણ ૨૦૦૪ના અંતમાં અચાનક અમેરિકા જવાનું થયું અને આદર્યા અધૂરા રહ્યા. મમ્મીની કાયમી ગેરહાજરીમાં મારી ફાઈલો પણ વ્યવસ્થિત હતી નહિ. પ્રથમ સંપાદનોમાં મદદ કરનાર મિત્રો વ્યસ્ત અને દુર હતા. વાત ઠેલાઈને ૨૦૦૬માં ગઈ. પરફેક્શનનો કે. આસિફછાપ કીડો અને જૂનાને નવા રંગરોગાન કરવા કરતા નવા રચવામાં ખર્ચાઈ જતો સમય પણ ઢીલમાં મારી આળસ સાથે જવાબદાર. એમાં ૨૦૦૬માં ફરી બધું ઓપરેટ કરવાઆપ્યું પણ મને જ એ વખતે કરવા ધારેલી સીરીઝ ના ગમતા એ પડતી મૂકી. લેખો વધતા જતા હતા. એટલે સંપાદનકાર્ય વધુ કઠિન હતું. કારણ કે આ બ્લોગ પર પણ બધાને અનુભવ છે , તેમ રોયલ્ટી મળે તો જેમ ના તેમ છપાવી દેવા માટે મારી પૂરી નામરજી. લેખ વાંચું, અપડેટ કરું. પ્રૂફ જાતે તપાસું. કોઈ ધ્યાન ખેંચે એ ભૂલ કે બદલાયેલી વિગતો સુધારું. સજાવટના ય મારાં ચુસ્ત આગ્રહો. અને બીજા કામકાજ, પ્રવાસ, ઘરની જવાબદારીઓ ઈત્યાદિની વચ્ચે મેં કઈ ચેલા મૂંડવાનું કામ જાણી જોઈને ય કર્યું નથી કે કોઈ રસ લઈને આ બધું માથાકુટીયું કામ કરે. એટલે જાતે જ કરવું પડે. એમાં ય ૨૦૦૮માં મારી ફાઈલો જે-તે વ્યક્તિની ભૂલે અમદાવાદમાં ખોવાઈ. ફરી જેમતેમ કરી કેટલાક ખૂટતા લેખો એકઠા કર્યા. (થોડા હજુ ય ખૂટે છે). વળી ખોરંભે ચડ્યું.

પછી એક ગાંઠ વાળી, આટલા લાંબા સમય પછી જે પુસ્તક રીડરબિરાદરો સામે મુકવું છે, એ ‘સ્પેશ્યલ’ જ હોવું જોઈએ. નવભારત સાહિત્ય મંદિરના મારાં કાયમી પ્રકાશક પ્લસ શુભેચ્છક  મહેન્દ્રભાઈને કહ્યું , તમારે માત્ર છાપવાનું તૈયાર હું કરી આપીશ. પણ ખાસ પુસ્તક એટલે? મને ય બહુ ગમતા અને લખતી વખતે મજા ખૂબ પડેલી એવા મારાં હૃદયની નજીક રહેલા પ્રેમ પરના લેખોનું પુસ્તક !

***

સંપાદન પ્રમાણમાં સહેલાઈથી થઇ ગયું. ગોંડલથી અમદાવાદ પ્રિન્ટહબ પહોંચ્યો ત્યાં સુધીમાં તમામ લેખોનું મેં સુધારા, ઉમેરા, એડિટિંગ સાથે પ્રૂફરીડીંગ કરી રાખેલું. (સાક્ષી સારથી ગોપાલ !) સપાટાબંધ ! કિન્નર,પ્રણવ,જીગ્નેશ જેવા મિત્રોને બધા લેખો મોઢે. એટલે એમના સુચન ફટાફટ આવી ગયા. પ્રોડક્શન લેવલે પ્રીત કિયે સુખ હોય માત્ર ચાર જ દિવસમાં તૈયાર થયું છે. સવારથી રાત સુધીમાં ટેલેન્ટેડ આર્ટિસ્ટ મિત્ર ગિરીશે મેં જે કોન્સેપ્ટ આપ્યા એ મુજબ ડીઝાઈન પેજ લે આઉટ સહિત રેડી કરી રાખી. અમારા બંનેનું ટ્યુનિંગ સંગીતકાર બેલડી જેવું. કવરપેજમાં રીતસર રાતપાળી થઇ, પણ અંતે જે ઈમેજ ફાઈનલ થઇ એ તો ત્રણ કલાકની એકધારી મહેનત પછી માત્ર પંદર મિનીટમાં ! બીજે દિવસે લેખો રાજકોટ ગોઠવ્યા. દરેક લેખ સાથે સરસ રીતે એને અનુરૂપ એક ચિત્ર મુક્યું. દરેક પેજને ફૂલો-પતંગિયાની બોર્ડર. પેજ નંબર પણ હૃદયના આકારમાં અને લેખના અંતે કાર્ડિયોગ્રામ શેપમાં ચૂંટેલી ‘લવ બીટ્સ’. અર્પણ નિકટ સખ્યના અર્ધ્ય રૂપે બીજલને કરવાનો નિર્ણય લેવાઈ ગયો. પ્રેમનું પુસ્તક હોઈ ચોકલેટી શાહીમાં છાપવાનો નિર્ણય કર્યો. એ માટે ક્રીમીશ પેપર મંગાવવા મહેન્દ્રભાઇને વિનંતી કરી. બધું તૈયાર કરી મોકલ્યું પણ પ્રૂફ જોયા છતાં પારાવાર ભૂલો પ્રિન્ટ વર્ઝનમાં ઓપરેટરની બેદરકારીને લીધે. રાતોરાત મામાના દીકરા દીપને મારાં ખર્ચે પહેર્યે કપડે અમદાવાદ મોકલ્યો. એણે રાત રોકાઈ મારાં મનમાં હતું એવી ચોકસાઈથી પોઝિટીવ કઢાવી. પુસ્તક સાવ નજીક આવી પહોંચેલા વેલેન્ટાઈન્સ ડે પહેલા પ્રગટ કરવું હતું. મહેન્દ્રભાઈએ અમદાવાદ પાસે રાતોરાત બાઈન્ડિંગમાં આપ્યું અને એની ગમ સુકાયો ના હોય તેવી ‘લીલીછમ’ કોપીઝ લેવા હું ત્યાં ગયો. એના પોસ્ટર્સ પણ સરસ ગિરીશે બનાવ્યા. (જે ઘેર જ પડ્યા રહ્યા..મારી પાસે કોઈ ગામેગામ એ ચોંટાડે એવી ટીમ નહોતી એટલે :|)

***

ખાસ પુસ્તકનું લોકાર્પણ પણ ખાસ રીતે રીતે થાય એવી ઈચ્છા. સમય તો હતો જ નહિ. પણ અમદાવાદમાં ‘ગુજરાત સમાચાર’ પ્રેરિત સુગમ સંગીતનો કાર્યક્રમ ‘સમન્વય’નું સુપેરે સંચાલન કરતા કવિમિત્ર અંકિત ત્રિવેદીએ માર્ગ સુઝાડ્યો, એમાં જ કિતાબ લોન્ચ કરવાનો. શગમોતીડે એ વધાવી લેવાયો. અને એ લોકાર્પણ સાચે જ અવિસ્મરણીય રહ્યું. મારા પારિવારિક સ્વજનો જેવા શ્રેયાંસભાઈ અને સ્મૃતિબહેન શાહ હાજર હતા, એટલે જાણે મારા પિતા હાજર ના રહ્યા એ ખોટ પુરાઈ ગઈ. મારી ઈચ્છા મુજબ કોઈ સેલિબ્રિટીને બદલે આ પુસ્તક વાચકના હાથે સ્પોન્ટેનીયસ સરપ્રાઈઝની માફક લોન્ચ થાય, એ ય તમન્ના વાચકમિત્ર તૃપ્તિએ તત્કાળ ઉમળકાથી પૂરી કરી. પુરુષોત્તમ ઉપાધ્યાય, મનહર ઉધાસ, ઉષા મંગેશકર જેવા સંગીતના ઉત્તમ કલાકારવર્યોની ઉપસ્થિતિમાં મારાં પક્ષે કઝીન ઋષિપરિવાર ત્યાં હાજર. કોઈ વ્યાખ્યાન વિના માત્ર ૫ મિનીટમાં આ ઉપક્રમ પુરો થયો, પણ ઘડી એવી મંગળ કે આગમના એંધાણ ત્યાં જ મળી ગયા. એક જ રાતમાં સમન્વયના સંગીત શ્રોતાજનોએ પ્રીત કિયે સુખ હોય એવું વધાવ્યું કે ૧૦૦ નકલ ત્યાં હતી એ ખાલી! મારી ગાડીમાંથી ઘેર લઇ જવા માટે રાખેલી નકલો પણ મહેન્દ્રભાઈએ માંગી. (બીજે દિવસે આત્મીય મોરારીબાપુ ત્યાં આવેલા , એમને ટાઈટલ ખૂબ ગમ્યું અને પ્રેમપૂર્વક માથે અડાડી અંતરના આશિષ આપ્યા.ને પચ્ચાલથી એનો કથામાં ઉલ્લેખ કર્યો. મીરાની પંક્તિ સાથે કરેલી મધુર છેડતી કોઈને નહિ ગમે વાળી એક-બે મિત્રોની શંકા પર ત્યાં જ પૂર્ણવિરામ આવી ગયું) હજુ બાઈન્ડિંગ ચાલુ હતું ત્યાં બે દિવસમાં હાથમાં આવેલી કુલ ૨૦૦થી વધુ નકલ રોકડેથી વેંચાઈ ગઈ!  આ વાચકોની મારાં માટેની પ્રીત નહિ તો બીજું શું?

***

‘પ્રીત કિયે સુખ હોય’ ઘણા કારણોથી સ્પેશ્યલ આજીવન રહેશે. આગવા લોન્ચિંગ અને દિલ સે નીકળેલા લેખો તો ખરા જ. પણ ગુજરાતીમાં પહેલી જ વાર એની પ્રસ્તાવના હજુ ય ભારતના મોસ્ટ પોપ્યુલર લવ અઈકોનમાંના એક એવા સલમાનખાનના પિતાશ્રી સલીમ ખાને લખી આપી. સોરી, બોલી આપી. સલીમ સાહેબની ઓળખાણ એમના પુત્રની સફળતાથી વિરાટ છે. નાના હોઈએ ત્યારે પડદા પર જે ‘સલીમ-જાવેદ’ નામ જોતા હોઈએ અને રોમાંચનું લખલખું રૂંવાડેરૂંવાડે પસાર થઇ જાય…એવા વિશ્વસિનેમાના સૌથી કામિયાબ પટકથાલેખક પૈકીના એક સલીમ સાહેબ મારાં પુસ્તકની પ્રસ્તાવના લખે એનું તો સપનું ય ક્યાંથી આવે? પણ એમના હુંફાળા આશીર્વાદ એક લેખ વાંચીને મારાં સંપર્કમાં અનાયાસ આવ્યા પછી મારાં પર સતત વરસતા રહ્યા છે. સમય ટૂંકો હતો, પણ ફોન પર બે જ મિનીટમાં એમણે કહ્યું, આપ લિખતે જઈએ મૈ બોલને લાગતા હૂં! કોઈ પૂર્વતૈયારી વિના પણ એમની લખેલી ફિલ્મો જેવા જ ટ્રેડમાર્ક પંચલાઈનવાળી પ્રસ્તાવના એ બોલતા ગયા. હું ધડાધડ લખતો ગયો. ટાઈટલ માટે સરસ શેર પણ આપ્યો અને કુરિયરની પણ રાહ જોવાની મૂંઝવણ ટાળી દીધી. એટલા જ ભાવથી ઉભાઉભ મારાં વિષે એની ચોટડુક શૈલીમાં કિન્નર આચાર્યે પણ કમાલનો પીસ લખી નાખ્યો. આ બંને લખાણમાં નીતરતો પ્રેમ મને સુખી કરે છે. લોન્ચ થયા બાદ ઠાઠમાઠ કે અંગત ફોન કરીને રિવ્યુ માટે મોકલવાની કડાકૂટને બદલે મારાં વ્યાખ્યાનો સાથે એણી ‘પ્રેમગોષ્ઠી’ ગોઠવવાનું નક્કી કર્યું. જેમાં હું પુસ્તક વિષે નહિ, પણ પ્રેમ વિષે બોલું, અને એ બહાને મારાં પર પ્રેમ વરસાવતા વાચકોને એમના શહેરમાં મળું. સુરતમાં મુકુલ ચોકસી અને એષા દાદાવાળાએ એને શોભાવી. વડોદરા ક્રોસવર્ડમાં એ ગોઠવાઈ, ને ક્રોસવર્ડના ઇતિહાસમાં ના મળ્યો હોય (આ મારું નહિ, એમનું સ્ટેટમેન્ટ છે!) એવો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. સેંકડો લોકો ઉભા રહ્યા. બધી નકલો ત્યાંય તરત જ ખલાસ થઇ ગઈ.

બસ, પછી તો મારાં હોમગ્રાઉન્ડ કહેવાય એવા રાજકોટમાં ય એ ગોષ્ઠી ના થઇ શકી, પણ પુસ્તક ચપોચપ પ્રિય વાચકો હૃદયસરસું ચાંપતા રહ્યા. એસ.એમ.એસ./ઇ-મેઈલ/ ફોનથી હજુ ય હ્રદયસ્પર્શી ફીડબેક આવતા રહે છે. મધરાતે રાજકોટમાં પુસ્તક કોમ્પ્યુટર પર તૈયાર કરી છુટા પડ્યા, ત્યારે મેં હાજર મિત્રોને લેખક તરીકે નહિ, વાચક તરીકે સાક્ષીભાવે કહેલું… “આ સુપરહિટ છે”..સદનસીબે નિયતિએ તથાસ્તુ કહી દીધું. રિલીઝ થયાના ૬ મહિનામાં પહેલી આવૃત્તિ ખલાસ થઇ ગઈ ! (કોઈ વિશેષ પ્રયત્નો વિના!) હું ત્યારે અમેરિકા હતો, એટલે આવી ૨૦૧૦ની દિવાળી બાદ બીજી આવૃત્તિ માટે જરૂરી ઝીણા ઝીણા  પ્રિન્ટના સુધારા કર્યા. એ આ વર્ષે વેલેન્ટાઈન્સ ડે પર આવી. હવે તો કોઈ પ્રચારનો ય પ્રશ્ન નહોતો. પણ ફરી ૬ મહિનામાં એ ય ખલાસ થઇ ગઈ ! વર્ડ ઓફ માઉથ ઉપર જ ! (ગુજરાતીમાં સાવ સસ્તા ના હોય એવા ય પુસ્તકો વેંચાય છે, જો મૂલ્ય એનું ઊંચું જળવાય તો ! ) છેલ્લા બે માસથી એની તંગી હતી. આ દિવાળીએ નવભારતે ત્રીજી સંવર્ધિત આવૃત્તિ મૂકી છે. રોનક શાહના ઉત્સાહથી હવે ટાઈટલમાં ‘યુવી’નો શાઈનિંગ ટચ અને ‘ગુજરાતી બેસ્ટસેલર’ લખેલું ગુલાબી હાર્ટ મુકાઈ ગયું છે. બેક ટાઈટલમાં વ્રુક્ષ પર એક પાટિયું આવ્યું છે. (આ બેક કવરનો બધાને બહુ ગમતો ફોટો મારાં ૨૦૦૬ના જર્મનીના પ્રવાસ દરમિયાન સહપ્રવાસી પ્રોફેસર હરેશ ધડુકે પાડેલો છે! પ્યોર નેચરલ!) જાણી જોઈને બેક કવર પર મને ખૂબ ગમતો એક અંગ્રેજી ફિલ્મી સંવાદ લીલોતરીમાં ભળે એમ મુક્યો છે, પણ એ વાંચવાની કોઈએ ખાસ તસ્દી લીધી હોય એવું લાગતું નથી 😉 બાકી બોનસ રૂપે છેલ્લે મને ગમતી કેટલીક પ્રેમકવિતાઓ મેં મૂકી છે. જેમણે પ્રેમપૂર્વક શરૂઆતમાં લીધી, એ વાચકો સાથે અન્યાય ના થાય માટે કોઈ લેખ ના જ ઉમેરવો, એવો નિર્ણય લીધો હતો.

***

નવા પુસ્તકોની તૈયારી તડામાર ચાલુ છે. મારાં બધા જુના પુસ્તકો ખલાસ થઇ ગયા છે, જેમાંથી ‘યુવાહવા’ પુનઃમુદ્રિત થયું. હવે અન્ય ત્રણ નવા સ્વરૂપે સુધારા સાથે આવશે. સાયન્સ એન્ડ જી.કે.ના ત્રણ આ વર્ષે આવ્યા. અંગ્રેજીમાં મેં Life@Kite મોટીવેશનલ બૂક પણ મૂકી (ફોર કલરમાં ,પ્રોડક્શનની સાપેક્ષે  ઓછી કિંમતે!) પણ આ પ્લેનેટજેવીની માફક ‘પ્રીત કિયે સુખ હોય’ને પણ આટલી ચાહવા માટે સહુ રીડરબિરાદરોને પપ્પીજપ્પીઝ 🙂 ગુજરાતી પ્રકાશનો સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિને ખ્યાલ હશે કે મને એમાંથી કંઈ અધધધ આવક નથી. હું ના તો સતત મારાં પુસ્તકો જ પ્રમોટ કરું છું, ના તો દરેક વખતે મારાં વ્યાખ્યાનોમાં રાખું છું. ઉલટો સ્વખર્ચે મિત્રોને ભેટ વધુ આપું છું 😀 નવભારતમાંથી વાંચવા માટે અન્ય એટલા પુસ્તકો લેતો હોઉં કે આની રોયલ્ટી તો બારોબાર બીલમાં ઉધારાઈ જાય, તો ય દેવું ચડત રહે! 😛 પણ લોકોએ આ પુસ્તક કાર્ડ –ગિફ્ટ શોપમાં માંગ્યું અને મુકાવ્યું…વેડિંગ કે બર્થ ડે ગીફ્ટમાં આપ્યું…ક્યાંક ઈનામરૂપે આપ્યું.. ખાસ કોઈ પ્રચાર વિના જ પ્રેમની માફક એનો પ્રસર આપમેળે થયો…આ પ્રેમનું જે વ્યાજ મળે છે, એ બહુ ‘ઈન્ટરેસ્ટિંગ’ લાગે છે.

ભારતીય લેખકોએ ઉપદેશો બહુ આપ્યા, ક્યાંક તો જરાક પ્રેમધર્મનો પ્રસાર વધે તો હરખ ના થાય ? આ પુસ્તક મારું છે , માટે નહિ..પણ વાસ્તવમાં ગુજરાતીમાં તો ઠીક મેં તો હજુ કોઈ ભાષામાં ફક્ત પ્રેમ પર જ લખાયેલા ૪૩ લવલી લેખો (ક્વોટ, ફિલસુફી, કવિતા,સંશોધનાત્મક અભ્યાસલેખ નહિ)નો બ્યુટીફુલ બૂકે બુક સ્વરૂપે ક્યાંય જોયો નથી ! તમે જોયો હોય તો જણાવજો! કાલિદાસથી રૂમી, ફેન્ટમ ઓફ ધ ઓપેરાથી સીટીલાઈટ્સ…વસંતવિલાસથી વેલેન્ટાઈન્સ ડે..ભારતથી અમેરિકા…ટેન્ગોથી આર્ચીઝ…મહિષાસુરની મેરેજ પ્રપોઝલથી સમર અફેર…એકતરફી પ્રેમથી લઇ ફ્રેન્ડશિપ એન્ડ લવનો તફાવત..ટીનએજ લવથી સાયન્સ ઓફ લવ..પોપ મ્યુઝિકથી કૃષ્ણ…ઇકોનોમિક્સ ઓફ લવથી રોયલ રોમાન્સ…ઉમરના તફાવતવાળા પ્રેમથી પ્રેમલગ્ન જેવી એમાં આગવી અને અજોડ રેઇનબો રેન્જ છે ! (મારું પુસ્તક છે, એટલે નહિ પણ હું જેન્યુઈનલી માનું છું અને કહું છું..કોલેજીયન યુવા દોસ્તોને ગાંધીજી અને વિવેકાનંદના જુના પુસ્તકો ભેટમાં આપીને જ એમને અડધા વાંચનવિમુખ કરી નાખ્યા છે. પ્રેમ તો એમને થવાનો જ. તો ક્વોલીટી પ્રેમ પુસ્તકની ગિફ્ટ કેમ નહિ?)

એટલે જ કાલે એમાંથી એક પ્રેમનીતરતો લેખ કાલે અહીં મુકીશ. બાકી, પ્રેમપંથ પુષ્પ અને કંટક, હિમ અને અગનથી છવાયેલો હર કોઈનો હમેશા રહેવાનો. માટે આ પ્રિય પુસ્તક કદી જુનું થવાનું નથી. મેં એમાં મારાં નિવેદનમાં ટાંકેલુ…

કંકરી પડે જબ નૈનમેં , કૈસે આવત ચૈન…..
ઉસ નૈનન કા ક્યા હોય, જિસ મેં પડે દો નૈન !

* “પ્રીત કિયે સુખ હોય” કોઈને મેળવવાની ઈચ્છા હોય, અને પ્રાપ્ય ના હોય તો મારું કોમેન્ટ / ઈમેઈલ થી ધ્યાન ખેંચવા વિનંતી. હું નવભારત સુધી વાત પહોંચાડી બનતી મદદ કરીશ. નકલ વધુ હોય તો ડિસ્કાઉન્ટ માટે એમને ભલામણ કરીશ. આ ફરજીયાત લેવાના આગ્રહ માટે લખ્યું નથી. એની કોઈ આવશ્યકતા ય નથી. પણ પ્રેમથી મદદ કરી શકું એટલે લખ્યું છે

# આ અગાઉની પોસ્ટમાં મુકેલું મિત્ર મેહુલ સુરતીનું ગીત તો આ પ્લેનેટના પ્રવાસીઓને બહુ બહુ ગમ્યું ! આમ થયું એ  મને ય બહુ ગમ્યું 🙂 મેહુલ ડિઝર્વસ ઇટ, એન્ડ મચ મોર. હું તો ફક્ત શબરીવેડા કરતો ટપાલી છું 😛 સંગીતનો મુઠ્ઠીભર તત્વો ડાઉનલોડ કરી દુરુપયોગ કરતા હોવાના કડવા અનુભવે એની ડાઉનલોડ લિંક હું મુકતો નથી. પણ બહુ જરૂરી લાગે તો મારો મેઈલથી વ્યક્તિગત સંપર્ક કરજો. પ્રીત કિયે સુખ હોયની સફળતાની પાર્ટી રૂપે મેહુલનું એક મને ખૂબ જ ગમતું  સોંગ મુકું છું. રહેમાન જેવો (એટલે નકલ નહિ, એ કક્ષાનો ) કમાલ પ્રયોગ એણે અહીં પત્ની નૂતન સુરતી પાસે ગવડાવેલા ગીતમાં ટ્રેડીશનલ ઢાળની જાણીતી રચના ફ્યુઝન કરીને આપ્યો છે. સાંભળો એટલે
મેહુલિયો અનરાધાર વરસતો હોય એવું લાગશે ! 🙂

 
39 Comments

Posted by on November 12, 2011 in personal

 
 
%d bloggers like this: