RSS

Daily Archives: November 4, 2011

વિકેડ વિશીઝ : નાઈસ ગાયઝ ઓલ્વેઝ ફિનિશ લાસ્ટ !

ફત્તેચંદ ફોતરું અને છોટુચંદ છોતરું સારા ભાઈબંધો. ફત્તેચંદ દોસ્તીના હવાલે બધા કામ છોટુચંદ છોતરું પાસે કરાવે. છોટુચંદ બાપડો ભલોભોળો સીધી લીટીનો માણસ. ફત્તેચંદ હિમાલયમાં બરફ વેંચી આવે એવો ઉસ્તાદ. બેસતા વર્ષે ફોતરું-છોતરું એક ઘેર સાલ મુબારક કહેવા ગયા.

મીઠાઈની પ્લેટ આવી. એમાં એક ટૂકડો મોટો અને એક નાનો હતો. ફત્તેચંદ ફોતરું એ તરાપ મારીને મોટો ટૂકડો હડપ કરી લધો. દબાતા સાદે છોટુચંદ છોતરુંએ રડમસ ફત્તેચંદને કહ્યું – ‘તારી જગ્યાએ હું હોત, તો મોટો ટૂકડો છોડીને નાનો પીસ લેવાનો વિવેક બતાવત. આને સૌજન્ય કહેવાય, કર્ટસી કહેવાય.’

ઓડકાર ખાઈને ફત્તેચંદ ફોતરું એ ખંધુ હસતા કહ્યું ‘મને ખબર છે દોસ્ત, એટલે મેં જ સામે ચાલીને મોટો ટૂકડો લઇ લીધો. હી હી હી !’

* * *

નવા વિક્રમ સંવતની પધરામણીને એક સપ્તાહ પૂરૃં થવા જઇ રહ્યું છે. રજાઓ, રખડપટ્ટી અને હેપ્પી ન્યુ ઇયરના મેસેજીસની ડમરી ‘હેઠે’ બેસી રહી છે. એવું નથી કે અમને આવી વિશ પાઠવવી-મેળવવી ગમતી નથી. હર સાલ અમેય દિલથી શક્ય તેટલા સ્વજનોને નવ વર્ષની મંગલ કામનાઓ હરખભેર પાઠવીએ છીએ. આત્મીયજનો અમને ઉમળકાથી વિશ કરે તો ભાવવિભોર થઇ જઇએ છીએ. પણ રહેતા રહેતા અનુભવે આવું લખતી બોલતી વખતે ક્યારેક હાલત પેલા એક જમાનાના ક્રિકેટ કોમેન્ટેટર સુશીલ દોશી જેવી થઇ જાય છે. ખેલાડીઓ ગ્રાઉન્ડ પર અપીલ કરે કે દૂરદર્શનના છાપેલ કાટલા જેવા કોમેન્ટેટર સુશીલ દોશી તરત જ તકિયા કલામ ફરમાવતા (ઇસ અપીલ મેં) વિશ્વાસ કમ, ઉત્સાહ જ્યાદા !

હમ્મ્મ્. વિશાવિશ કરતી વખતે ક્યારેક પોઝ લઇને અમારું ચિત્તડું ચકરાવે ચડી જાય છે. અંતરથી શુભ શુભ કામનાઓના એક્સચેન્જનો ઉત્સાહ મોળો નથી પડયો, પણ ક્યારેક એ સાવ સાચી જ નીવડશે એનોભરોસો ડગુમગુ થઇ જાય છે. જે ઘરમાં અચાનક અકસ્માતે અકાળ મૃત્યુ થઇ જાય કે જબ્બર ખોટ જાય એમને ય દિવાળીની તો સુખ, શાંતિ, સમૃધ્ધિની જ ઢગલો શુભેચ્છા મળી હશે ને ! જે ડિપ્રેશનમાં દુઃખીના દાળિયા થઇ જાય એમણે ય નવા વિક્રમ સંવતે તો પીસ એન્ડ જોયના મેસેજીસ જ ઝીલ્યા હશે ને !

શિરોમણિ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ એક માસ્ટરપીસ હાસ્યલેખ ‘મોડા ઉઠવાવાળાઓ’ પર લખ્યો હતો. એમણે લખેલું કે’અર્લી બર્ડ કેચીઝ ધ વોર્મ’ એવી કહેવતથી વહેલા ઉઠવાનું મહિમાગાન થતુંહોય છે. વહેલું ઉઠતું પંખીડું સમયસર જીવડાંનો ખોરાક મેળવી શકે છે. દવેસાહેબે હળવેકથી સ્કવેરકટ ફટકારી ઃ પણ પેલા વહેલા ઉઠતાં જીવડાનું શું ? એ બિચારું વહેલું ઉઠી બહાર નીકળે એટલે તરત જ શિકારી પંખીનો કોળિયો જ બની જાય ને ?

ઇન્ટરેસ્ટિંગ. જમાનો ફરી ગયો, પણ આ વાસ્તવિક્તા નહિ ! રિમેમ્બર, આ ૨૦૦૮મા ગાજેલી આઈપીએલની પહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટ ? એમાં ઉત્તમ ‘કોડ કન્ડક્ટ’ યાને ગ્રાઉન્ડ પર ડાહ્યાડમરાં, સંસ્કારી વર્તન માટે એક એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે રાહુલ દ્રવિડની ટીમને મળ્યો હતો. ખેલદિલીથી રમવાનું મેદાન પર ગાળાગાળી નહિ કરવાની, શિસ્ત અને વિનયનું પાલન કરવાનું, સ્ટાઇલથી સીનસપાટા નહિ કરવાના વગેરે… અને વિજય મેળવવામાં આ ‘ગુડી ગુડી’ પ્લેયર્સનું રેટિંગ તળિયે હતું !યાનિકી, જો તમે નાઇસ ગાય હો, તો બાળક સમજીને ચગળવા માટે વખાણની ‘ટોફી’ આપવામાં આવે, પણ ચેમ્પીયનશિપની ‘ટ્રોફી’ તો ચાલાક, આક્રમક, ઘૂરકિયાં કરી, ધક્કામુક્કી કરીને ‘સ્લેજીંગ’ કરનારા ખેલાડીઓ લઇ જાય !

પેલું જગમશહૂર વનલાઇનર છેને ? ગુડ ગાયઝ વિલ ઓલ્વેઝ ગો ટુ હેવન, બિકોઝ ધે ઓલરેડી પાસ્ડ થ્રુ હેલ ઓન ધ અર્થ ! સારા માણસોને સ્વર્ગ જ મળતું હોય છે, કારણ કે નરક તો અમણે આ પૃથ્વી પરની જીંદગીમાં સતત ઠેબાં ખાઈને, હતાશ થઇને, નિષ્ફળ થઇને, છેતરાઈને, પરાજીત થઇને ભોગવી જ લીધું હોય છે. આ વનલાઇનરના કઝિન જેવી જ એક સ્માર્ટ કોમેન્ટ હતી: ગુડ બોયઝ ગેટ હેવન, બેડ બોયઝ ગેટ ગર્લ્સ !

રિયલી ? ઓહ યસ. વિમેન લાઇક ટુ ચેઝ. અને ‘જર્ક’ગણાતા ઇમરાન હાશ્મી ટાઈપ બોયઝ એમને ચેઝની એક થ્રિલિંગ ચેલેન્જ આપીને ક્રેઝી કરે છે, એવું અમેરિકન સાયકોલોજીસ્ટ એસોસિએશનનું જર્નલ સાયન્ટિફિકલી, ઓફિશ્યલી કહે છે ! શાણી વાતોના ભજન કરતા શરારતી વાતોની મસ્તી સહુ કોઇને સદાકાળ વધુ ગમે જ છે ને ! સંજય દત્તો કે સલમાન ખાનોેને કદી પ્રેયસીઓની કમી વર્તાઇ છે ? રિચા નહિ તો રિયા, ને નાદિયા નહિ તો માન્યતા ! સંગીતા ગઇ તો સોમી અને ઐશ્વર્યા પછી કેટરીના !

વાત પ્યારની જ નથી, કારોબારની પણ છે. નીતિવાન નેકી ટેકીવાળા વેપારીને દુકાનનું લાયસન્સ જ ન મળે, તો નફો બહુ દૂરની વાત છે ! દરેક બિઝનેસમાં અઘરા હંમેશા પહેલા એક કરોડ કમાવા એ જ છે. બાકીના કરોડો તો એની પાછળ ખેંચાતા આવે છે, અને આજે પુણ્યભૂમિ ભારતવર્ષમાં સીધા રસ્તે એક કરોડ કમાવા જતાં કરોડરજ્જુના મણકા ખસી જાય છે ! સુભાષ ધાઈની ‘તાલ’ ફિલ્મમાં અનિલ કપૂર માના બનાવેલા ગાંધીવાદી સાત્વિક સિધ્ધાંતોને બદલે ‘મામા’ના બનાવેલા સાત શેતાની નિયમોને અનુસરી, દુનિયાને ‘મામા’ બનાવી ટાયકૂન બની જાય છે. આ કહાની ફિલ્મી છે, પેલા નિયમો નહિ ! (સેમ્પલ: નેકી કર, પહેલે ખુદ સે, ફિર દૂસરો સે !)

કોઇને પોતાનું ઘરનું મકાન કરવું હોય તો ટાંટિયા ઘસીને બેન્કોના પગથિયાં લિસ્સા કરે છે. માસિક હપ્તાની રકમનો હિસાબ કરી ઉધાર ઉછીના કરવા ભાઈસા’બ કરે છે. એમનું મકાન ચણાય છે, સપનામાં ! અને વિનર એ રહે છે જે ઠંડા કલેજે પહેલા સૂચિત જગ્યાએ પોતાનું મકાન મફતના ભાવમાં બનાવે છે, અને પછી ટાઢા કોઠે એનો દંડ ભરીને એને કાનૂની કરી નાખી લીલાલ્હેર કરે છે ! ધેટસ થમ્બ રૃલ ટુડે. ગમે તેમ કરીને ટ્રેનના ડબ્બામાં એકવાર ઘૂસી જવાનું. પછી કાકલૂદી કરીને ટીસી પાસેથી ટિકિટ કન્ફર્મ કરાવી. લાંબા થઇ રિઝર્વ્ડ બર્થ પર સૂઇ જવાનું ! પાઇરસીનો ધંધો કરીને પૈસા કમાઈ ગુલશનકુમારે ‘ટી સિરિઝ’ને જંગી કમાણી કરતી કંપની બનાવી, જે ટી-સિરિઝ આજે એન્ટીપાઇરસીની સ્કવોર્ડ રચી દરોડા પાડે છે ! વટથી ખોટું કરો, લાગ જોઇ ફાઈન ચૂકવીને એને લીગલાઇઝડ કરી દો. વેરી ફાઈન ! ભૂતકાળ તો ભૂતોને યાદ રહેતો હશે, જીવતા માણસોને તો એટલી ફુરસદ જ ક્યાં છે ?

સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, એ બાળવાર્તાઓમાં ! બાકી આજે સ્લો એન્ડ સ્ટેડીને રેસમાં એન્ટ્રી જ નથી ! યાદ છે ?  બિગ બોસ ટુમાં નોન પોલિટિકલ દેબાશીષ બહાર ફેંકાઈ ગયો હતો  અને મોનિકા બેદીની રિ-એન્ટ્રી થઇ ગઇ હતી  ! (રાહુલ મહાજન તો હજુ સ્વયંવર પછી ય  અડીખમ જ છે !) ધેટ્સ ‘રિયાલિટી’ ઓફ ધ શો !’ધક ધક’ અને ‘એક દો તીન ચાર’ કરીને માધુરી સુપરસ્ટાર બની જાય, અને પછી કહે કે હું તો નંબર વન હીરોઇન, જોરદાર મુખ્ય ભૂમિકાઓ જ કરું, અંગપ્રદર્શન… ઓહ, સો ચીપ ! સો વલ્ગર !

એક સિધ્ધ એવા આદરણીય સંતે આ લખનાર સાથેની વાતચીતમાં એકાંતમાં કહેલું ‘દોસ્ત, આ જમાનો સારપનો અને ભલાઈને નથી, એનો મને જાત અનુભવ છે. વાત કડવી છે. જાહેરમાં કહી શકાય તેમ નથી. પણ અહીં ઝૂકતી હૈ દુનિયા, ઝૂકાનેવાલા ચાહિયેની બોલબાલા છે. તને ચેતવું છું કે બહુ ભોળા, પારદર્શક, ભલા રહેવામાં માલ નથી. કશુંક મેળવવા માટે તો નહિ,પણ ‘સર્વાંઇવલ’ માટે પણ ‘તૈયાર’ થવું પડે એવી હાલત છે !’

નોટ લાસ્ટ, બટ  વન મોર એક્ઝામ્પલ: રાજ વર્સીસ રાજ ! રાજનીતિમાંપણ આ જ માહોલ છે. સાચું તડ-ફડકરનારાઓને તો પક્ષની મીટિંગમાં જ એન્ટ્રી ન મળે,ત્યાં ધારાસભા-સંસદમાં શું જવા મલે ? વાત રાજની થતી હતી. રાજ ઠાકરેએ જ્યારે શિવસેનાથી છેડો ફાડયો, ત્યારે અફલાતૂન અંગ્રેજીમાં એક શાનદાર ઇન્ટરવ્યૂ આપ્યો હતો એકદમ આધુનિક અને આદર્શવાદી વાતો. (આજના જમાનામાં ફેશન શો કે વેલેન્ટાઇન્સ ડેના વિરોધ કરવા માટે ભારતીય સંસ્કૃતિના નામે તોડફોડ થાય, એ સાવ જ પછાત માનસિક્તા છે… ને એવું બધું !) રાજ ઠાકરેને ભૂજિયા ભાઈએ પણ નગરપાલિકામાં આવી ઉમદા વાતો પર મત ન આપ્યા. અચાનક રાજ ઠાકરેએ હાર્ડલાઈનર માસ્ક ચડાવી લીધું ને બધી ટીવી ચેનલો એની પાછળ દોડી. વેન્સ્ડે જેવી ફિલ્મોમાં (અને ‘કૌન સુને ફરિયાદ’ જેવા અમારા જૂના લેખોમાં) જે આમઆદમીનો ધૂંધવાટ-ઉશ્કેરાટ વર્ણવાયો છે, એવી અકળામણમાં એક રાહુલ રાજ નામનો જુવાનિયો પોતાનો અવાજ દેશ સુધી પહોંચે એ માટે બસ હાઇજેક કરવા ગયો. અહીં ત્રાસવાદીઓને ફાંસી નથી થતી, પણ રાહુલ રાજનું ઢીમ ઢાળી દેવાયું. ગૃહમંત્રીએ શેખી કરી: ગોળીનો જવાબ ગોળી ! અને બેફામ વાણીવિલાસકરતા રાજ ઠાકરેને લીધે જે તોફાનોમાં મરી ગયા, એ માટે શું રાજને મુંબઇ પોલિસ આવો જવાબ આપી શકી ? રાહુલ રાજના ગુનાનો બચાવ નથી. પણ આખો દેશ હાઈજેક કરીને બેઠેલા નેતાઓને પણ એ જ સજા થવી જોઇએ ને, જે રાહુલને થઇ !

એવું ન થાય. કારણ કે એ લોકો નાઇસ નથી, નોટી છે. બ્રાહ્મણોને બબ્બે કટકે ગાળો દઇ મશહૂર થયેલ માયાવતીએ બ્રાહ્મણો સાથે સમાધાન કરી સત્તા મેળવી લીધી ! ખ્રિસ્તી ચર્ચો પર તૂટી પડનારા રાષ્ટ્રવાદી સંગઠ્ઠનો ત્રાસવાદી તાલિમ કેમ્પો પર કદી નહિ ધસી જાય ! એમને ખબર છે, ત્યાં તો સામા જવાબમાં મોત મલકે મીઠું મીઠું ! દાધારંગા, ખેપાની અને નાટકિયાઓ સતત કેવી જીત મેળવતા રહે છે, એ રોજ ટીવી ન્યૂઝહેડલાઈન્સમાં ચમકે છે. રજત શર્માએ ‘ઇન્ડિયા ટીવી’ શરૃ કરી ત્યારે સ્ટિંગ ઓપરેશન કરતી સચ્ચાઈના રણકાવાળી નાઇસ ન્યૂઝ ચેનલ હતી. ટીઆરપી મળતા નહોતા. શર્માજીએ ટોળી ફેરવીને ટેબ્લોઇડ જર્નાલિઝમનો ગરમ મસાલો વઘારમાં ઝીંક્યો. ક્રાઈમ,હોરર, સનસનાટી ઝિન્દાબાદ ! આજે ઇન્ડિયા ટીવી નંબર વન ન્યૂઝ ચેનલ છે !

એટલે જ પાઘડીનો વળ છેડે ત્યાં આવે છે કે આપણે હકીકતમાં નવવર્ષની અધૂરી શુભેચ્છાઓ આપીએ છીએ. આપનું નવું વર્ષ સુખમય, આનંદમય, ફળદયી નીવડો એટ સેટરા એટસેટરા. પણ આ તો ઉત્તરાર્ધ થયો. પૂર્વાર્ધ એ છે કે આપ સારા હો, તો પરમાત્મા આપને દુષ્ટ, લુચ્ચા, જુઠ્ઠા, ઉસ્તાદ બનવાની શક્તિ અને તક આપે ! કારણ કે એવા બન્યા વિના તો સુખ, સંપત્તિ, સમૃધ્ધિ ઇત્યાદિ નૂતન વર્ષમાં ક્યાંથી મળશે ? જસ્ટ જોકિંગ. પણ યુગો પહેલા દુર્યોધને અકળાઈને કહ્યુંહતું ‘જાનામિ ધર્મમ, ન ચ મે પ્રવૃત્તિ’ (ધર્મ શું છે એ જાણું છું, પણ આચરણ કરી શક્તો નથી !) આજના  વિક્રમ સંવતના રડયા-ખડયા યુધિષ્ઠિરોનો આર્તનાદ છે : જાનામિ અધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ ! (અધર્મ શું છે એ સમજું છું, પણ આચરી શક્તો નથી !)

લેટ્સ હોપ, આ નવા વર્ષે અપાયેલી શુભેચ્છાઓ ખરેખર સાચી નીવડે, અને આ લેખ ખોટો ! સાલ મુબારક.

ઝિંગ થિંગ

 ‘અગર તુમ કિસી ચીજ કો સચ્ચે દિલ સે ચાહતે હો તો પૂરી કાઈનાત તુમ્હેં ઉસે મિલાને મેં જૂટ જાતી હૈ !’ (ઓમ શાંતિ ઓમનો સ્વપ્નીલ સંવાદ !)

 ‘અગર તુમ કિસી કી  સચ્ચે દિલ સે મારના ચાહતે હો, તો પૂરી કાઇનાત તુમ્હેં ઉસમેં મદદ કરતી હૈ !’ (ગોલમાલ રિટર્ન્સનો સેન્સર બોર્ડે પાસ કરેલો વાસ્તવિક સંવાદ !)

* બેસતા વર્ષે જ વિશિઝના ખડકલા સાથે આવી પડેલી માંદગી અને પછી ધરમ કરવા જતા સ્વધામ પહોચેલા કીનન -રૂબેન જેવા મુંબઈના યુવાનોની અકાળ શહાદત જેવા સમાચારો વાંચીને યાદ આવી ગયેલો જુનો લેખ. વિશ એક્સચેન્જ ની આપણને બધાને આદત છે. હું તો પ્રકૃતિએ આશાવાદી ખરો, પણ  ફેનેટીક ઓપ્ટિમિસ્ટ થવા જેટલો નહિ. પોઝીટીવીટીના ગળપણથી મોઢું ભાંગી જાય તો રિયાલીસ્ટિક બનવાનું નમકીન ચાખી લેવું. સોચનેવાલી બાત યે હૈ કિ ઇતની સારી  ન્યુ ઈયર / બર્થ ડે વિશિઝ , મેસેજીઝ, કાર્ડસ, કોલ્સ કે બાદ ફૂટી કિસ્મત વહી રહેતી હૈ ઔર જીંદગી કભી  સિર્ફ ઉસસે નહિ બદલતી હૈ 😉 તમને શું લાગે છે?

 
33 Comments

Posted by on November 4, 2011 in feelings, fun, philosophy

 
 
%d bloggers like this: