RSS

Daily Archives: November 1, 2011

નંબર વન લેડી ગાગાના ત્રાગાં : સંગીતનો નાદ, સર્જકતાનો ઉન્માદ, વિચિત્ર વિષાદ!

૨૮માર્ચ ૧૯૮૬ના રોજ ન્યૂયોર્કના એક મિડલ ક્લાસ ફેમિલીમાં પ્રથમ સંતાન તરીકે એક કન્યા જન્મી. ઓળીઝોળી પીપળપાન વિના સ્ટેફની જોઆન એન્જેલીના જર્મનોટ્ટા એવું નામ એના ઈટાલિયન પિતા જોસેફ અને માતા સિન્થીયાએ પાડ્યું. ઘર મઘ્યમવર્ગીય એવું કે બાળકોને ઉછેરવા પિતા નાનકડી ઈન્ટરનેટ કંપનીમાં કામ કરે, તો મા ટેલીફોન ઓફિસમાં સવારે ૮થી રાતના ૮ નોકરીએ જાય.

સ્ટેફીનીને ભણવા માટે મેનહટનના પૉશ ઈલાકાની રૉમન કેથોલિક કૉન્વેન્ટમાં મૂકવામાં આવી. તેજસ્વી છોકરી ડિસિપ્લીનમાં એકદમ ડાહીડમરી. ડ્રેસ કોડમાં ઓર્થોડોક્સ. પોતે બહુ સારી આર્થિક સ્થિતિવાળા કુટુંબમાંથી નહિ, પણ આસપાસના બધા ગર્ભશ્રીમંતોના ચાંદીના ચમચા જ નહિ, થાળીવાટકા લઇને જન્મેલા સંતાનો- એટલે સતત તાણમાં રહ્યા કરે, અને સ્કૂલની મ્યુઝિકલ ઈવેન્ટસમાં ભાગ લીધા કરે!

૪ વર્ષની ઊંમરે જ એની આંગળીઓ પિયાનોના કીબોર્ડ પર ફરવા લાગી હતી. પિતા પણ એની જુવાનીમાં નિષ્ફળ ગયેલા રોક મ્યુઝિશ્યન, એટલે ઘરમાં ઑક્સિજન સાથે થોડું સંગીત હમેશા વાતાવરણમાં વહેતું હોય. ૧૩ વર્ષે સ્ટેફની જાહેર કાર્યક્રમોમાં પરફોર્મ કરતી થઇ ગયેલી. ૧૭ વર્ષની ઊંમરે તો એણે ન્યૂયોર્કની વિશ્વપ્રસિઘ્ધ અને હોલીવૂડના માંધાતાઓ પણ જ્યાં ભણ્યા છે, તેવી પ્રતિષ્ઠિત ટિશ ( TISCH) સ્કૂલ ઓફ આર્ટસમાં એડમિશન લઇ લીઘું! આટલી નાની ઊંમરે મ્યુઝિક કોર્સમાં ડાયરેક્ટ એડમિશન મેળવવું, એ ય એક સિદ્ધિ તો હતી જ, પણ હજુ સ્ટેફની પાસે રિદ્ધિ નહોતી. એણે યુનિવર્સિટીની કોમન ડોરમેટરીમાં રહીને ભણવાનું ચાલુ કર્યું. નોંધપાત્ર કહેવાય એવા નિબંધો કળા, ધર્મ, રાજકારણ, સામાજીક સમસ્યાઓ વગેરે પર લખ્યા.

પણ સ્ટેફનીને ક્લાસરૂમમાં બેસવામાં અકળામણ થતી. એને લાગતું કે પોતાના બૅચમૅટ કરતા એ વઘુ ક્રિએટિવ છે, અને ફિક્સ્ડ ફ્રેમના અભ્યાસક્રમો એને અકળાવી મૂકે છે. ‘એક વખત સ્વતંત્ર વિચારતા આવડી જાય, તો આપણે જ આપણા શિક્ષક બની શકીએ’ એવું એણે એક સહપાઠીને કહ્યું. એ બિચારીને આ વાક્ય ન સમજાયું પણ સ્ટેફનીને સમજાઇ ગયું હતું કે જીવવું હશે, તો એક જબરદસ્ત ધુમાવ આપવો પડશે લાઇફને. અને રિસ્કી ટર્ન જો ભરજુવાનીમાં નહિ લઇએ, તો બૂઢાપો તો આપોઆપ સામે ચાલીને અથડાવાનો જ છે!

અને સ્ટેફનીએ પહેલી વખત પોતાના ઠાવકા ચહેરાનો માસ્ક ઉતારી એકવીસમી સદીની ચુલબુલી ટીનેજર છોકરીના જંગલી તોફાનની ત્રાડ નાખી! દુનિયાને શાંત, ઠરેલપણુ ગમે છે, કારણ કે સલામત લાગે છે. ઉછળતા મોજાંઓથી તો તણાઇ જવાનો ડર લાગે છે.

સ્ટેફનીએ મહામહેનતે મોંઘી ઈન્સ્ટિટયુટમાં ટેલેન્ટના જોર પર મળેલા કોર્સના સેકન્ડ સેમેસ્ટરને જ અલવિદા કહ્યું! લોહીનો રંગ બધે લાલ હોય, એમ જુવાન દીકરીના બાપાજીઓનું ભેજું દીકરીની આઝાદી બાબતે જગતભરમાં લાલચોળ જ હોય છે. પપ્પા ખિજાયા. તાડૂકીને છોકરીને ઘરમાંથી કાઢી મૂકી. એક વરસનો ખર્ચો પણ એ શરતે આપવાની ઓફર કરી કે ધોરીમાર્ગ મૂકીને કાંટાળી ઝાડીમાં જાતે ચાલીને કેડી કંડારવાની જીદમાં નિષ્ફળતા મળે તો ફરી એડમિશન લઇ લેવું પડશે.

સ્ટેફનીએ વિપ્લવનો પડકાર ઝીલી લીધો. ડ્રગ્સથી ક્રિએટિવિટીમાં કેવા તરંગો આવે છે, એની રંગીનમિજાજી કરવા નશો પણ કર્યો! અલબત્ત, ઓશો રજનીશની સ્ટાઇલમાં એકસ્ટેસીનો એને એક્સપિરિયન્સ લેવો હતો, એડિક્ટ બનવું નહોતું. પણ લાઈફ ઓન ધ રોક્સનો એ ગાળો સ્ટેફની માટે પથ્થરની નુકીલી ધાર આગળ નાચવા માંગતા કદમોમાં ભોંકાવોનો કઠિનકાળ હતો. પહેલા પપ્પાએ ઘરમાંથી તગેડી મૂકી, અને પછી ૧૯ વર્ષની ઊંમરે જ ડેફ જામ રેકોર્ડીંગ્સવાળાઓએ પહેલો બ્રેક આપવાનો કોન્ટ્રાક્ટ સાઈન કરી ત્રણ મહિના પછી પડતી મૂકી! નાનકડું બેન્ડ બનાવ્યું, ઘેર અબોલા હોઇ લોકલ શો કરવાનું શરૂ કર્યું. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવા માટે બ્રિટની સ્પીયર્સથી પુસીકેટ ડૉલ્સ જેવા પૉપ્યુલર બ્રાન્ડનેમના ગીતો લખવાનું સ્ટેફનીએ શરૂ કર્યું.

એ વખતે ૧૯૮૪ના પૉપ આર્ટિસ્ટ ક્વીનના સુપરહિટ સોંગ ‘રેડિયો ગાગા’ના નામ પરથી એક મ્યુઝિક પ્રોડ્યુસરે આ ઘૂની, ઘેલી છોકરીને લેડી ગાગાના નામથી ચીડવવાનું શરૂ કર્યું. એ જ સમયે પગલીદીવાની બનીને જેને એ પ્યાર કરતી હતી, એવા એક હેવી મેટલ બેન્ડના ડ્રમર તરીકે કામ કરતા લવરે એની સાથે બ્રેક અપ કરીને પોતાની લાઈફમાંથી એને ડ્રૉપ કરી. તૂટેલો અભ્યાસ, તૂટેલો પરિવાર, તૂટેલી કારકિર્દી, તૂટેલી જીંદગી અને હવે એક તૂટેલા સંબંધથી ભાંગેલું જવાન દિલ! કરોડો યંગસ્ટર્સની માફક સ્ટેફનીની જીંદગી યૌવનના સૌથી મઘુર તબક્કામાં જ કર્કશ-કકડવી થઇને વેરવિખેર થઇ હતી.

અને સ્ટેફની નામની એક ચંચળ છોકરી એ લવના હાર્ટબ્રેક પછી ફાઈટર બની. એણે નક્કી કર્યું કે રોવુંકરગરવું નથી, ભીખ માગીને ઈશ્કની ઉઘરાણી કરવાની લાચારી કરવી નથી, વ્હાલ મેળવવા વલખાં મારીને દુઃખી દુઃખી થઇ, ગુમનામીમાં મરીને જીંદગી બરબાદ કરવી નથી. ‘‘મને, મારા સાચા પ્રેમને રિજેક્ટ કરનાર એ માણસને એક દિવસે અફસોસ થવો જોઇએ. મને એને ગુમાવ્યાના ગમમાં જેટલું રડવું આવ્યું, એટલા આંસુઓ મને ટોચ પર બેઠેલી જોઇને મને ગુમાવ્યાના પસ્તાવામાં એના નીકળવા જોઇએ.’’

માણસને પરિસ્થિતિ નહિ, પણ પરિસ્થિતિ સામેનો એનો પ્રતિભાવ ઘડે છે. સ્ટેફનીમાં આગળ વધીને કશુંક કરી બતાવવાની ભભૂકતી અગન જાગી. એણે પોતાનામાં રહેલી સ્ટેફનીને એમાં ભસ્મીભૂત કરી નાખી. અને દુનિયા સામે એ રાખમાંથી પ્રગટ થઇ તેજલિસોટા જેવી સાક્ષાત અગ્નિશિખા…

લેડી ગાગાના અવતારનો આરંભ થયો!

* * *

જે માઈકલ જેકસનના સોંગ સાંભળીને પોપસ્ટાર થવાના ખ્વાબ આવતા હતા, એ માઈકલ જેકસનના નારીસ્વરૂપનું બિરૂદ લોકપ્રિયતાની દ્રષ્ટિએ લેડી ગાગાને મળી ચૂક્યું છે. લેડી ગાગાના નામની મ્યુઝિકવર્લ્ડમાં સોનામહોરો પડે છે. ઓલરેડી પોપ્યુલારિટી ચાર્ટમાં એ સુપરસેક્સી આફ્રો-અમેરિકન સિંગર બિયોન્સ પછી બીજા નંબરે છે.  વર્ષના ૨૦૧૦ના એમટીવી મ્યુઝિક એવોર્ડસમાં એકસાથે ૧૩ (તેર) નોમિનેશન્સ સાથે લેડી ગાગાએ ૨૪ વર્ષની વયે ૧૩ રિકટર સ્કેલના ભૂકંપ જેવો વિક્રમ સર્જી નાખ્યો હતો. (એમાં એ ૮ જીતી ગયેલી ! એ વર્ષે બે અને આ વર્ષે ત્રણ ગ્રેમી એવોર્ડ્સ એ જીતી છે. એના એવોર્ડ્સનું અધધધ લિસ્ટ અહીં વાંચો ) સંગીતના બદલાયેલા ડિજીટલ યુગમાં પોતાના સોંગ્સના મ્યુઝિક વિડિયોઝના ૪૦ લાખ પેઈડ (પૈસા ચૂકવીને) ડાઉનલોડ્સ થવાનો બીજો એક વિશ્વવિક્રમ લેડી ગાગાના નામે છે. ગત વર્ષના ફોર્બ્સ મેગેઝીનના સેલિબ્રિટી હન્ડ્રેડના લિસ્ટમાં ઓપરાહ વિન્ફ્રે કે જેમ્સ કેમરોન (અવતાર) પછી વિશ્વકક્ષાએ એનું નામ ચોથા અબજો ડોલરની અધધ કમાણીની દ્રષ્ટિએ છે. ‘ટાઈમ’ મેગેઝીનના વિશ્વને પ્રભાવિત કરે એવા સો ચુનંદા નામોમાં એનું નામ આવી ગયું છે. એના એક પછી એક ગીતો ધમ્માલ મચાવી સુપરહિટ થાય છે. એની કોન્સર્ટસ, એના મ્યુઝિકલ શો ગણત્રીની મિનિટોમાં આખી દુનિયામાં હાઉસફૂલ થાય છે.

સુપર પૉપ્યુલર સેલિબ્રિટી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર ૨૦૧૦માં જ બ્રિટનીને પાછળ રાખીને પૉપ્યુલારિટીમાં નંબર વન પોઝિશન મેળવી લીધી છે. આ લખાય છે ત્યારે (૩૧ ઓક્ટોબર,૨૦૧૧ની રાતે)  લેડી ગાગાના ટ્વીટર પર ૧,૫૧,૭૯,૩૪૧ (એક કરોડ ૫૧ લાખથી પણ વધુ!)  ફોલોઅર્સ ઓફિશ્યલી છે! મેગાસ્ટાર પૉપસિંગર એકોને ગ્રુપ સિંગર તરીકે સ્ટેફનીને સાંભળી, એના માટે ભલામણ કરી અને પોતાના ૨૦૦૮માં આવેલા ડેબ્યુ આલ્બમને લેડી ગાગાના સ્વરૂપમાં એણે સાર્થક કરી બતાવ્યું, જેનું નામ હતું – ‘ધ ફેમ!’ એના જસ્ટ ડાન્સ અને પૉકર ફેસ દુનિયાના તમામ દેશોના ચાર્ટમાં નંબર વન બન્યા. લાખ્ખો કોપીઝ વેચાઇ ગઇ. અને ‘વાઇરલ વિડિયોઝ’ (ઈન્ટરનેટ પર ફ્રેન્ડસ સાથે જેની લિન્ક શેર થતી હોય એવા વિડિયોઝ)માં પણ એક અબજનો સ્કોર કરનારી એ પ્રથમ પૃથ્વીવાસી બની ગઇ! ‘ફેમ મોન્સ્ટર’ આલ્બમ પછીની ‘મોન્સ્ટર બોલ ટુર’ પણ સોલ્ડ આઉટ રહી અને માત્ર પૉપ્યુલારિટી જ નહિ, મ્યુઝિક વર્લ્ડના નૉબલ પ્રાઇઝ ગણાતા ગ્રેમી એવોર્ડસમાં પણ ૨૦૦૯માં  એને પાંચ નોમિનેશન્સ (અને બે એવોર્ડસ મળ્યા!)

લેડી ગાગા આજે હોટકેક નામ છે. એ કુરમા અને જાલફ્રેઝીનું તીખુંતમતમતું ભારતીય ભોજન લેવા એક અમેરિકન રેસ્ટોરામાં પહોંચી ગઇ, અને ઈન્ડિયન સ્પાઇસી ફૂડ એને ભાવ્યું, એ સમાચાર આખી દુનિયામાં ચમક્યા હતા!

આ મરચી જેવી મસાલેદાર છોકરી ટિપિકલ પૉપસ્ટાર નથી. એ ઓલરાઉન્ડર છે. ગીતો લખે છે. કમ્પોઝ કરે છે, કોરિયોગ્રાફ કરે છે, પોતે જ પરફોર્મ કરે છે, કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ અને માર્કેટિંગ પણ પોતે જ કરે છે! (વન વુમન શો!) બીજા પૉપસ્ટારના પૉપ્યુલર સોંગ્સ પણ એ લખી આપે છે! દર વર્ષે એક લેખે આલ્બમ બહાર પાડે છે. એનું મ્યુઝિક પણ ટિપિકલ નથી, એના ‘વર્લ્ડ ફેમસ ગૅટ અપ્સની જેમ વીઅર્ડ (વિચિત્ર) છે. ગુલશન ગ્રોવરની માફક લેડી ગાગા અવનવા તુક્કાવાળા કોસ્ચ્યુમ અને મેકઅપ ચડાવી રીતસર જાહેરમાં ફરે છે. આઝાદખયાલ અમેરિકામાં પણ ‘પબ્લિક ડિસન્સી’ના ભંગ માટે એની સામે ફરિયાદો થાય છે.

લોકો હગ એન્ડ કિસ કરતા હોય, તેના તરફ પણ ઘ્યાન ન આપતા દેશોમાં લેડી ગાગાના ‘વાઘા’ (અને વેશ!!) ભલભલાનું ઘ્યાન ખેંચે છે. કોઇ ફેશન ડિઝાઇનર પણ વિચારી ન શકે એવા આઇડિયાઝ એના ફળદ્રુપ ભેજામાં આવે છે. ‘રોલિંગ સ્ટોન’ મેગેઝીનના ટાઇટલ ફોટોશૂટ માટે એણે માત્ર બબલ્સ (પરપોટાં) ‘પહેરી’ને પૉઝ આપેલો. પોતડી પહેરીને કિંગ જ્યોર્જને જેમ ગાંધીજી બેફિકર થઇને મળવા ગયેલા, એમ લેડી ગાગા લાલ રેકઝીનના ભડકામણા ડ્રેસમાં ક્વીન એલિઝાબેથને મળવા રૉયલ પ્રોટોકોલની ઐસી તૈસી કરીને ગઇ હતી. દરેક સ્ટેજ પરફોર્મન્સમાં માત્ર ડાન્સ એન્ડ મ્યુઝિકને બદલે એબ્સર્ડ આર્ટિસ્ટિક થીમ અને કોસ્ચ્યુમ, પ્રોપ્સ લઇ લેડી ગાગા આવે છે! પોતાના ચાહકોને એ પોતાના જેવા ‘લિટલ મોન્સ્ટર્સ’ (નાનકડા શેતાનો) કહે છે!

પોતાના પ્યારાપિતાને હાર્ટ સર્જરીના સમાચાર આવ્યા, ત્યારે કેથાર્સીસરૂપે લેડી ગાગાએ સિમ્બોલિક રીતે છાતી ચીરી હૃદય ખાવાનો શો કરેલો! એના ગીતોમાં સેક્સ, પોર્નોગ્રાફી, પ્રસિદ્ધિભૂખ, નશો, ઝનૂન, લવ, યૂથ સ્પિરિટ, બ્રેકઅપ, ડિપ્રેશન, ફાઇટિંગની વાતો હોય છે. ‘હું જેમાંથી પસાર થઇ છું, જે જાણું છું- એ લખું છું. કે ઉપરવાળો મારી પાસેથી એવું લખાવડાવે છે.’ ગાગા ઉર્ફે સ્ટેફની કહે છે. (દરેક સફળ વ્યક્તિની ટીકા થાય એમ કેટલાક ચુસ્ત ખ્રિસ્તીઓ વળી ગાગાને શેતાનની દૂત કહે છે!) એ પર્પલ ટી-કપ સ્ટેજ પર લઇ જાય છે, કારણ કે મમ્મી એને એમાં ચા પીવડાવતી! પોતાની સરખામણી કોઇ સાથે ન થાય, એટલે કાળા વાળને સોનેરી રંગાવે છે!

અણધાર્યા જાતભાતના નુસખા કરી, એ લોકોને હેરત પમાડી સતત ન્યૂઝમાં રહે છે. ‘બિહેવ યોરસેલ્ફ’ના સુશીલ સંસ્કારી ગુડિયાપણા સામે એનો આ પ્રોટેસ્ટ છે. હજુ પ્રેમને ભૂલી નથી. પણ જસ્ટ ફોર ફન એન્ડ એડવેન્ચર બાયોસેક્સ્યુઅલિટીનો સ્વાદ ચાખે છે. એના વિશે વાત પણ કરે છે. થ્રીલ્સ માટે બોડી છે, થિકિંગ માટે સૉલ છે, એવું માનતી લેડી ગાગા ‘બેડ રોમાન્સ’ ટાઇપના સોંગ અચરજ પમાડતાં કપડાંમાં ગાઇને એક આગવી ઈમેજ બનાવી ચૂકી છે. પબ્લિક સાથે પ્લે કરી પૉપ્યુલારિટી વધારતા, જાળવતા, મેળવતા એને આવડી ગયું છે. જે હોય તે, પણ એમાં સાવ પબ્લિસિટીક્રેઝી પાગલપન નથી. છોકરી એકદમ ક્રિએટિવ છે. ટેલન્ટનો પ્રચંડ વિસ્ફોટ છે.

* * *

ઈઝીલી ગાળો બોલતા અને નફ્ફટ થઈ કાસ્ટિંગ કાઉચની વાતો કરતા કરતા લેડી ગાગા એક ઈન્ટરવ્યૂમાં હૈયું ખોલે છે.

‘‘મારો ભૂતકાળ મારા માટે મહત્વનો છે. મારા જૂના સીધાસાદા દોસ્તો, મારી શેરી… આ બધાએ મને બનાવી છે. સીધી જ પથારીમાંથી આંખ ખુલે ને હું પરીકથાની જેમ અહીં પહોંચી નથી. હું હોલીવૂડમાં રહું છું પણ હોલીવૂડને ચાહતી નથી. હું ચાહું છું- મારા કુટુંબને. મારા મમ્મી-ડેડીને. મારા ડેડીને સંગીતકાર બનવું હતું, પણ એમની કદી કોઇએ નોંધ ન લીધી. આજે મારી નોંધ દુનિયાએ લેવી પડે છે. એ મારા ડેડીને મેં આપેલી ગિફ્ટ છે. હું રોજ નવું લખું છું, કમ્પોઝ કરું છું. જાણે ભગવાન મારા ખોળામાં એ બઘું આવીને મૂકી દે છે. સવારે હું ઊઠું ત્યારે અસલામતીથી પીડાતી, દુનિયાથી ડરતી ૨૫ વર્ષની સામાન્ય છોકરી હોઊં છું. પણ રોજ સવારે મારી જાતને કહું છું- ‘ચલ, તું હવે સ્ટેફની નહિ, લેડી ગાગા છો- ઉઠ, ઊભી થા. કામ કર. જાતને નીચોવી ….’

મને ખબર છે, મારું બેવડું વ્યક્તિત્વ છે. ફાઈન. કોનું નથી હોતું? મારે એની થેરેપી નથી જોઇતી. એ મારી ક્રિએટિવિટી છીનવી લેશે. મારી થેરેપી મ્યુઝિક છે. કેઓસ (અરાજકતા)માંથી ક્રિએટિવિટી આવે છે. મારું બચપણ જરાય ખરાબ નહોતું, સ્વીટ હતું. મારી બેસ્ટ બહેનપણી હજુય સ્કૂલ ટાઇમની છે. હા, મારી તરૂણાવસ્થા ખરાબે ચડી હતી, પણ મારે કારણે. મારે એક આર્ટિસ્ટિક યાત્રા કરવી હતી, અજાણ્યા અંધકારને અડકવું હતું. હું હજુ ય મમ્મીને કહું છું ‘સોરી.’ અને એ હસીને ગાલે ટપલી મારે છે, ‘કંઇ નહિ, બેટા, તેં એનું વળતર આટલા આગળ આવીને વાળી દીઘું છે!’

ફરતા કોકેઇનના ઢગલા, વંદા, ગંધાતી પથારી, તૂટેલા અરીસામાંથી એક છોકરી અહીં સુધી પહોંચી, એજ પુરાવો છે કે કોઇ અદ્રશ્ય મહાન શક્તિ તમને જોઇ રહી છે. હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. દીપક ચોપરા પાસેથી ઘ્યાન શીખું છું. હું સાવ એકલી હોઊં છું ત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડ મારા પપ્પા છે. હું એમની પાસે જઇ રડી પડું છું. મારે લીજેન્ડ બનવું છે, એમાં શું ખોટું છે? હું મારા જીગરને મારી હથેળી પર રાખીને નીકળી છું. મને ગમશે, જો મારા બાપ જેવો મરદ મારી જીંદગીમાં આવશે.

મારા આલ્બમની પબ્લિસિટી માટે હું એનું ટેટૂ કરાવું છું. લોકો ફોટા પાડે છે. પણ મારા શરીર પર મેં જર્મન કવિ રિલ્કેની કવિતા પણ ત્રોફાવી છે. પણ આજના જમાનામાં લોકોને ઈન્ટેલીજન્ટ વાતમાં રસ લેતા કરવા ટ્રિક કરવી પડે છે. કળા માત્ર એક જૂઠ છે. સંગીત પણ રિયલ નથી. પણ તમે એને એવી રીતે રજૂ કરો છો કે ચાહકો માટે એ સત્ય બની જાય છે! હું મારા આનંદ, મારી પીડાને સ્માર્ટલી ગીતોમાં પરોવીને વેંચુ છું. જે સ્માર્ટ છે, એ મારી અંગત જીંદગી એમાંથી સમજી જશે.

મારા ગુમાવી દીધેલા પ્રેમને હજુ ય ચાહું છું, પણ હવે એ પ્રેમ મારા ચાહકોમાં વહેંચું છું. પ્રેમને પુરો સમજો, તો કળા પેદા જ ન થાય. સંઘર્ષ અને વેદના વિના સર્જન યાદગાર નથી બનતું. દરેક આર્ટિસ્ટ હાર્ટબ્રોકન હોય છે. મારી આસપાસની વિચિત્રતાઓમાં લોકો ગુંચવાયેલા રહે તો સારું છે, મારી અંગત જીંદગીમાં ઓછા ડોકિયું કરશે. મને લ્યુપસ નામનો અસાઘ્ય રોગ બોર્ડરલાઇન છે. તો? હું તો અલગ જ દુનિયામાં રહું છું- જે મારા વિડિયો સ્ટેજ શોમાં જાતે બનાવું છું:  બિકોઝ આઈ એમ ફ્રી બર્ડ.”

ફ્લાય હાય , ડાર્લિંગ ગાગા.

***

લાંબા સમયે ગાગાનું ભારતમાં પરફોર્મ કરવાનું સપનું અંતે આ રવિવારે ફોર્મ્યુલા વન રેસિંગમાં પૂરું થયું.  અને ગયા વર્ષે એના પર લખેલો લેખ અપડેટ કરી આપ બધા સાથે શેર કરવાનો મોકો મળ્યો. (એક ખાનગી વાત. આમ તો લેડી ગાગા પર લેખ લખવાનું ૨૦૦૯માં વિચારેલું. પણ સંગીતપ્રેમી, નેટ સેવી યુવા દોસ્તોની આખી નવી પેઢી ગુજરાતી જર્નાલિઝમમાં એક્ટિવ છે, એમાનું કોઈક તો લખશે જ એમ માની ના લખ્યો. પણ કોલમ તો ઠીક, કોઈ મેગેઝીને ગાગાની ન્યુઝ વેલ્યુ સમજી કવર સ્ટોરી પણ ના કરી! પછી બધા એકી સુરે ફરિયાદ કરે કે નવી પેઢી કેમ વાંચનથી દુર જાય છે! :P) રહી રહીને હવે થોડા અધકચરા રાઈટ અપ ફોર્માલિટી ખાતર છપાય છે. પણ આવા સિમ્પલ સમાચાર હાથવગા, ઉપ્સ ટ્વિટવગા હોવા છતાં નજરે નથી પડતા! જેમ કે..  આ મેવરિકમિજાજી મસ્તાનીએ હમણાં જ  ટ્વિટ કરીને હોલીવૂડને ગાળ દઈ  બોલીવુડને બિરદાવી આ નખરાળો ફોટો મુક્યો :

પણ એણે અચાનક એક તસવીર મૂકી…રીઅલ સ્ટેફનીની અને લખ્યું…When I am sad, INDIA makes me feel….વેલ, જવાબ એના ફોટા પરના પ્રસન્નચિત્ત  સ્મિતમાં છે !

અને લેડી ગાગાના નશીલા રસીલા મ્યુઝિક વિડીયો ના જોઈએ તો પ્રિન્ટ વર્ઝન અને બ્લોગ વર્ઝનમાં ફરક જ ના રહે ને ! જુડાસ, અલેહાન્દ્રો, બોયઝ બોયઝ બોયઝ, બોર્ન ધિસ વે તો કોન્સેપ્ટ અને મ્યુઝિકને લીધે પર્સનલી મોસ્ટ ફેવરિટ છે. લાસ્ટ વિડીયો ભારતમાં સિતાર સાથે કરેલાં ‘મેરી ધ નાઈટ’ના પરફોર્મન્સની ઝલક આપે છે. એ પહેલા ગાગાના વોઇસ રેન્જની ઝલક્વાળો વિડીયો છે. અને એ અગાઉ એના ઇન્ટરવ્યુના અંશો છે.

 
 
%d bloggers like this: