RSS

Daily Archives: October 31, 2011

કામદારના સરદાર, મજૂરના મહાજન !


‘સત્તાધીશોની સત્તા પોતાના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા એમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે ‘  

– આ ક્વૉટ છે સરદાર વલ્લભભાઇ પટેલનું! સરદારે ખુદે જ એની સાબિતી આપી છે. ૫ વર્ષ પહેલાના ધારાસભ્યને યાદ ન કરતી ગુજરાતની જનતા આજે પણ ૩૧ ઓકટોબર નજીક આવે એટલે એમને ‘સરદાર’ તરીકે વ્હાલથી યાદ કરે છે. કારણ કે, એમનું કમિટમેન્ટ ખુરશી સાથે નહિ, પણ ભારતના સામાન્ય નાગરિકની ખુશી સાથેનું હતું !

ગાંધીના પટ્ટશિષ્ય સરદાર એ બરાબર સમજતા હતા કે જો દેશના આમ આદમીનો સહકાર નહિ હોય તો ગમે તેટલા મોટા આદર્શો પણ ખોટા જ સાબિત થશે. માટે રાજકીય ઉપરાંત રચનાત્મક વૃત્તિ-પ્રવૃત્તિ એમણે જાહેરજીવનમાં શરૃઆતથી અંત સુધી જાળવી રાખી. ૧૯૧૮ની સાલમાં ગાંધીજીએ અમદાવાદના મજૂરોની પ્રથમ સત્યાગ્રહી ચળવળની શરૃઆત કરી, ત્યારથી સરદાર અમદાવાદના મજૂરો સાથે જોડાયેલા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર એવા સરદારે ૧૯૨૪માં ચૂંટણીઓમાં મજૂર મહાજનના હરિજન પ્રતિનિધિ કચરાભાઇ ભગતનું જૂનવાણી વિચારના સ્થાનિક કોંગ્રેસીઓના વિરોધ વચ્ચે પણ સમર્થન કર્યું હતું. ૧૯૨૭માં અનસૂયાબહેન સારાભાઇની રજુઆત પછી સરદારે મજૂર મહોલ્લાઓમાં એક હજાર જેટલા ‘નાવણિયા’ (બાથરૃમ) કરી આપ્યા હતા!

સરદારે બી.બી. એન્ડ સી.આઈ.ના નામે રેલવેના નોકરોનું મહાજન બાંધ્યું હતું અને પોસ્ટ ખાતાના કર્મચારીઓનું સંગઠન પણ રચ્યું હતું. એ બંને સંસ્થાના ‘સરદાર’ (પ્રમુખ) તરીકે પણ વર્ષો સુધી સરદાર રહ્યા હતા! ૧૯૩૭માં અમદાવાદના મિલમાલિકોને સમજાવી એમણે મજૂરોના પગારમાં વધારો કરાવ્યો હતો. ૧૯૩૮માં ગાંધીજીના આગ્રહથી દેશભરના મજૂર કાર્યકરોને તાલીમ આપીને એમની પ્રવૃત્તિ પર દેખરેખ રાખતી ‘હિન્દુસ્તાન મજૂર સેવક સંઘ’ના પણ એ ‘સરદાર’ યાને પ્રમુખ બન્યા હતા.

૧૯૪૨ની ‘હિન્દ છોડો’ની લડત સફળ થવા પાછળ અસહકાર અને હડતાળના હથિયારે વેધક કામગીરી બજાવી હતી. સરદાર જેલમાં હતા, ત્યારે અમદાવાદના મજદૂરોએ ૧૦૫ દિવસની હડતાલ પાડી હતી! ૧૯૪૭માં આઝાદી પછી ‘રાષ્ટ્રીય મજદૂર સંઘ’ની સ્થાપના માટે પણ પ્રેરણામૂર્તિ સરદાર જ રહ્યા હતા! સરદારની સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારથી લઇને રજવાડાઓના એકીકરણ સુધીની સિદ્ધિઓને વારતહેવારે અબખે પડી જાય, એમ ગુજરાતીઓ યાદ કરે છે. પણ મજૂરોની સરદારીને તો જાણે વિસારે જ પાડી દેવાઇ છે! લેખકો-સમીક્ષકોને રસ ન હોય, ત્યાં  પછીની પેઢીને શું ખ્યાલ રહે?

આ વાત પણ ઈન્ટરેસ્ટિંગ છે. સરદાર પોતાની મીઠી મીઠી વાતોથી નહિ, પણ સચોટ કડવી વાણી માટે જાણીતા હતા. એમની નરમાશ કરતા એમની સખ્તાઇ વધુ અસરકારક રહેતી. કોઇ પણ સમસ્યા ઉકેલવા માટે સરદારનો એપ્રોચ ‘પ્રેકટિકલ’ રહેતો.

ઉદ્યોગપતિઓ સાથેના અંગત સંબંધો અને નહેરૃ-ગાંધીને પ્રિય સામ્યવાદના ઉગ્ર વિરોધને લીધે સરદાર ‘મૂડીવાદી’ ગણાતા. અલબત્ત ‘સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ’માં માનતા સરદારની લાઈફસ્ટાઈલ મૂડીવાદી નહોતી. પણ ડાબેરી વિચારધારાના મોટા ઢોલ પાછળની પોલ એમની ધીંગી કોઠાસૂઝ તરત જ પારખી ગઇ હતી. ભારતમાં આજે પણ આગેવાની લેવા બધાને મહેનતકશ કામદારોની મદદ જોઇએ છે, મત પણ જોઇએ છે. એટલે કોઇ આ શ્રમજીવી વર્ગને સત્ય સમજાવતું નથી. એમને ગમી જાય એવી ચોકલેટી ગળચટ્ટી વાતો કરી, તાળીઓ પડાવી ગાડું ગબડાવ્યા કરે છે. બધા માને છે કે આ વર્ગના વખાણ કરાય, પણ શિખામણ કે બદલાતા જમાનાને અપનાવવાની સલાહ આપીએ તો એ આપણને ફગાવી દે!

ઘણી ગેરમાન્યતાઓની માફક સરદારે સામા પૂરે તરીને આ વાત પણ ખોટી ઠેરવી હતી. ગુજરાતી પત્ર ‘મજૂર સંદેશ’માં એમણે દાયકાઓ સુધી મજૂરોની જાહેરસભામાં કરેલા પ્રવચનોની સ્ક્રિપ્ટ છપાતી. એ જૂના અંકોમાંથી તારવેલા કેટલાક અંશો પર નજર ફેરવો અને વિચારો કે આજે પણ એટલી જ આવશ્યક લાગતી આ સલાહો આઝાદી અગાઉ આપનારા વલ્લભભાઇની દૂરંદેશી કેવી હશે? આવો માણસ જ ‘સરદાર’ કહેવાય ને! ઓવર ટુ સરદારવાણી, ફોર ધ લેબરર્સ! :

* ”આપણે લડાઈ બંધ કરી છે, એ કહેવાને જરાય હરકત નથી. આપણે થાક્યા છીએ. થાક તો લડનારને લાગે. જોનારાઓને થાક નથી લાગવાનો! તમાશો જોનારને તમાશો બંધ થાય એટલે નિરાશ થવાનું લાગે છે. લડવૈયાને તો લડાઈ બંધ કરવી પડે. શરૃ કરવી પડે. એના વ્યૂહ ગોઠવવા જોઇએ. વળી, વ્યૂહરચના બદલવી જોઇએ. એ તો થાકતો નથી, નિરાશ થતો નથી. પોતાનો માર્ગ છોડતો નથી.”

* ”તેઓ મૂડીવાદીઓનો વિરોધ કરે છે. મૂડીવાદીઓને ગાળો દે છે, એમની ઈર્ષા કરે છે. જમીનદારો માટે પણ એમ જ કરે છે. ને કેવળ ઝેર પેદા કરવા માંગે છે. હું તો માથું કોરે મૂકીને બેઠો છું- હું સલ્તનતથી ડરતો નથી. મને એમ પણ કહેવામાં આવ્યું છે કે મજૂર સંગઠન એટલે મજૂરોએ રોજ હડતાળ પાડવી, મજૂરો અને માલિકો વચ્ચે રોજ કજીયો કરાવવો, આમાં મજૂરોનું હિત નથી! લાખોને એમના માલિકો સાથે કજીયો કરાવવાથી નથી તેમની મુક્તિ થવાની, નથી હિન્દને લાભ થવાનો.”

* ”છાપામાં હું હિટલર થવાનો દાવો કરું છું- એમ કહે છે. તમે મને શું રોકવાના છો? તમે તમારા હાથે નષ્ટ થવાનો છો. હું તો મારા માર્ગે જાઉં છું. મને ખેડૂતોએ સરદાર ગણ્યો છે. એ પદવી બજારમાં વેચવા જાઉં તો દામ ઉપજવાના નથી. તમારે મજૂર સંગઠન કરવું હોય, મારું કામ ન રૃચતું હોય તો તમે પોતે ૮૦ ટકા ખેડૂતોમાંથી એક ખૂણો શોધો ને કામ કરી બતાવો. બેઠા બેઠા  પૈસા બગાડી  છાપાં ન કાઢો.”

* ”ગાંધીજયંતી ઉજવવા આપણે ભેગા થઇએ, ત્યારે આટલી પોલીસ શાંતિ જાળવવાને આપણું રક્ષણ કરવા આવે, તે શરમની વાત છે. શું આપણે એટલા મૂર્ખ છીએ, અસભ્ય છીએ કે આપણી સભામાં પોલીસને આવવું પડે? જેઓ ગાંધીજીની ભૂલો કાઢે છે. તેમને તમારે પૂછવું જોઇએ તમને કેટલા વર્ષ થયા? ગાંધીજીએ તો ૬૦ વર્ષ સુધી લોકોની સેવા કરી. તમે કેટલા વર્ષ કરી?”

* ”મજૂરોની શક્તિ જેટલી વધે તેટલો વધુ ઈન્સાફ મળે. માટે આપ મૂઆ વગર સ્વર્ગે ન જવાય. મને મિલો જોડે પ્રેમ નથી. તમે જો ગામડામાં જઇ ઉદ્યોગ કરો તો તો સારું. મિલોમાં માનસિક તેમ જ શારીરિક સ્થિતિને નુકસાન પહોંચે છે. પણ ગામડામાં પેટ ભરીને રોટલો મળ્યો નહીં માટે તો અહીં આવ્યા. તો સ્વાર્થ સમજીને વાતો કરવી જોઇએ. માલિકો અને મજૂરો વચ્ચે પિતા-પુત્ર જેવો સંબંધ રાખવો એ સામે ટીકા થાય છે. હું પણ કહું છું કે કોઇ મજૂર માલિકને બાપ માનતો નથી. પણ તેથી શું કૂતરા-બિલાડા જેવો સંબંધ રાખવા ઈચ્છો છો? માલિક અને મજૂર માણસતરીકે સરખા છે, એ વાત સાચી છે. પરંતુ તેથી તેના બંગલામાં પેસી જવાશે? એમ કહેવાશે કે ચાર દિવસ તું ઝૂંપડીમાં રહે અને હું તારા બંગલામાં રહું? કારખાના હશે તો મજૂરોને રોટી મળશે, ને આ કારખાના તૂટી જશે તો વિદેશનો માલ ઢગલાબંધ આપણે ત્યાં ખડકાવાનો. આપણા હક માટે આપણે મરતાં શીખવું જોઇએ. પણ પારકાનું પડાવી લેવાની દાનત ખોટી છે.”

* ”લાલ વાવટા (સામ્યવાદી/ડાબેરીઓ)ની જય જો કાલે થતી હોય તો આજે થાય તેમાં મને વાંધો નથી. પણ એ તો તેની પાછળ શક્તિ હશે તો થશે. કેટલીક વાતો તેણે નકામી કરી છે. નાદાનિયતની વાતો સાંભળી નાહક વખત બગાડવા કરતાં તો તે સાંભળવી ન પડે માટે એવી સભામાં મજૂરોને જવા ના કહું છું. હું કંઇ તેમને કાન બંધ કરવાનું કહેતો નથી. પણ મારી ફરજ છે કે કોઇ ગટરનું પાણી પીવા કહે તો હું તો કહું કે મૂર્ખા ન બનો, નળનું પાણી પીઓ ને. હડતાળ પડાવ્યા પછી લાલ વાવટાવાળા શું કરવાના છે? ભાગોળે જઇ પાછા ફરવાના હોય ને બે ગાઉ દોડવાની તાકાત ન હોય ને મોટી વાતો કરો એ શું કામની?”

* ”મને મૂડીવાદ સામે વિરોધ છે. મૂડીવાદી સાથે નહીં. મને ઘણા શેઠિયા સાથે મહોબ્બત છે. તેમ મજૂરો સાથે પણ મહોબ્બત છે. મૂડીવાદીની દુશ્મનાવટ કર્યે શું વળવાનું છે? ધનસંગ્રહનો જે સિદ્ધાંત છે, એની સામે મારો વિરોધ છે. લાલ વાવટાની જય વર્ષોના વર્ષો બોલાવ્યા કરજો, તો પણ થવાની નથી. રશિયાએ તો મૂડીવાદીઓની કતલ કરી. તેની પાસે બંદૂક હતી. આપણી પાસે બંદૂક તો શું પણ લાકડી ઝાલવાની ય તાકાત નથી. (સામ્યવાદીઓ) તમને જે માર્ગ સ્વીકારવાનું કહે છે તેમની પાછળ અનુભવ નથી. શક્તિ નથી. પણ ગાંડપણ છે. મેં એમના ભાષણો વાંચ્યા છે. તેમાં અનેકની જીભ લાંબી ટૂંકી થાય છે. એ લોકો વરસોના વરસો બોલ્યા કરશે તો પણ કંઇ વળવાનું નથી.”

* ”માણસનો અધિકાર જાનવર પર હોય, માણસ પર નહિ. કોઇ કોઇના આયુષ્યને તોડી શકે એમ નથી, અને આયુષ્ય ખૂટયું હશે ત્યારે કોઇ તે આપી નહીં શકે. રાજારંક દરેકને આયુષ્ય ખૂટયે જવાનું છે. તો મજૂરોને કોઇથી પણ બીવું શા માટે? મજૂરોને તો ઈશ્વરે બે મજબૂત હાથ આપ્યા છે. તેને તો જ્યાં જશે, ત્યાં મજૂરી મળી રહેશે. તમે કોઇ જાતનો ડર રાખતા નહીં. ડર એક વાતનો રાખજો કે તમારા હાથે કંઇ મેલું ન થાય, જૂઠ્ઠું ન બોલાય,  કુદ્રષ્ટિ ન થાય. ઝાડની જે ડાળ પર બેઠા હોઇએ તેને જો કાપીએ તો આપણું મૃત્યુ થાય તે નક્કી સમજવું. ધનિકો ઉપર ખાલી રોષ કરવાથી ફાયદો શો?  ગાળો દીધે કોઇની શક્તિ કદી વધવાની નથી. ક્યાંય વધી હોય તેમ જાણ્યું નથી. જગતમાં જોરાવર નબળા પર અધિકાર કરે છે. જો મજૂરોમાં એવી શક્તિ પેદા થાય અને તેમને તેનું ભાન થઇ જાય તો તેમની સામે કોઇ થઇ શકવાનું નથી. મજુરો વગર માલિકો શું કરવાના છે? એટલે તમારી તો સૌને પહેલી ગરજ છે. શેઠિયાઓ સાથે લડવાનું હોય તો ઠીક, પણ આ તો આપણે આપણી જ સામે લડવા બેઠા છીએ. મજૂરો માટે રોટલા ખાવાને છાંયો નથી, રહેવાની ઝૂંપડીનું ઠેકાણુ નથી અને બીજું ઘણુ દુઃખ છે. ત્યારે તે ઓછું કરવા માટે મહેનત થાય, તો યે રાહત મળે. તેને બદલે આ લોક રોજ હડતાળ પાડવા કહે, એટલે રોજ ને રોજ દુઃખ વધારવા કહે છે.”

* ”એમ કહેવામાં આવે છે કે ‘દુનિયાના મજૂરો એક થાઓ” દુનિયાના મજૂરો એક થશે ત્યારે આપણે મોખરે હશું. પણ હજુ કોઇ બે દેશના મજૂરો એક થયાનું સાંભળ્યું નથી. પછી દુનિયાના મજૂરોના નામે આપણુ ફોડતા પહેલાં આપણું તો ચાલુ કરીએ. માલિકને તેની મહેનતનું મળે, બાકીનું મજૂરને. માલિકોએ પણ સમય અને સંજોગો વિચારી સમજવું પડશે. એણે ન્યાયનું પાલન કરવું જોઇએ. માલિકોને કોલસામાં, રૃમાં, સ્ટોરમાં, વીમામાં, યંત્રોની ખરીદીમાં એમ દરેક વસ્તુમાં દલાલી ખાવી છે, અને મજૂરોની મજૂરીમાંથી પણ દલાલી છોડવી નથી. માલિકોની મગદૂર નથી કે આવી દલાલી ખાઇ શકે- જો આપણામાં પૂરતી તાકાત હોય તો. આપણે માલિકોનું ભલું ઈચ્છીએ. તેને નફો જેટલો વધુ તેટલો આપણો હિસ્સો પણ વધુ.”

* ”હિંદના કરોડો માનવીઓમાં રહેલી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા તોડી પાડવામાં ન આવે અને તેમને રોટલો અને કપડું મળે તો તેમને બીજું કશું જોઈતું નથી. પેટ ભરીને ખાવાનું મળે તો સ્વરાજ મળ્યું એમ આ લોકો માને છે.”

* ”મહાત્માજીએ કહ્યું છે કે યુરોપ પાસેથી જો કોઇ મોટામાં મોટી વસ્તુ શીખવાની હોય તો તેમની સ્વચ્છતા છે. અહીં વેપાર-ઉદ્યોગમાં બધા કુશળ માણસો છે કે તેઓ જમાનાને અનુકૂળ થઇ નવા ઉદ્યોગો પણ લાવશે. પણ આપણે ઉંઘવું ન જોઇએ. ગુજરાતની ધરતીમાં કાચું સોનું છે. આ સોનું કેમ કાઢવું તે આપણે પરદેશીઓ પાસેથી શીખી લેવું જોઇએ. ધરતી, પાણી અને હવામાંથી (સોનું) પેદા કરવાની શક્તિ તેમણે ખીલવી છે. તેનો આપણે લાભ લેવો જોઇએ અને શહેરી તરીકેની ભાવના વધુ ખીલવવી જોઇએ.”

* ”તમારી ફરજ વિશે તો તમને (મજૂરોને) થોડુંક કહેવાનું બાકી રહી ગયું હતું તે તમને કહું છું :

(૧) આપણું શરાબબંધીનું કામ જરાય નરમ ન પડે તે વિશે ખાસ કાળજી રાખશું. શરાબ એ આપણો કટ્ટો દુશ્મન છે.

(૨) મોંઘવારી મળે તો એનો સંભાળથી અને કરકસરથી ઉપયોગ કરજો. કારણ કે બધા દિવસો સરખા હોતા નથી. ભવિષ્યમાં ભીડના દિવસો આવે, તો સારા વખતમાં બચાવેલા પૈસા કામમાં આવે.

(૩) મજૂરોએ જુગાર કે આંકફરક વગેરે વિનાશકારક વ્યસનોથી દૂર રહેવું જોઇએ. રાત્રિશાળાઓ અને પુસ્તકાલયોનો લાભ ઉઠાવી સૌએ  અક્ષરજ્ઞાાન મેળવી લેવા પ્રયત્ન કરવો.

(૪) મજૂરોએ સભ્યતા અને નમ્રતા શીખી લેવી જોઇએ. અને જેટલી આપણા હકનું રક્ષણ કરવાની કાળજી રાખીએ, એટલી જ આપણી ફરજ બજાવવા વિશે કાળજી રાખવી જોઇએ.

(૫) ગાળાગાળી કે મારામારીથી દૂર રહેવું જોઇએ. સામાન્ય પ્રજાની સહાનુભૂતિ મળે એવું વર્તન ચલાવવું જોઇએ. મજૂરોએ આપસ – આપસમાં એકબીજાને સાથ આપવો જોઇએ. દેવું કરતાં ડરવું. પોતાના બાળકોને શિક્ષણ લેવા દેવું.

*
”મારા મતે આપણી આર્થિક પરિસ્થિતિના ઉકેલની ચાવી ઉત્પાદન વધારવામાં રહેલી છે. આ દેશમાં અઢળક સમૃદ્ધિ ખડકાયેલી છે, અને જો તેનો પૂરો લાભ ઉઠાવાય તો જગતના ઔદ્યોગિક દેશોમાં આ દેશને મોખરે મૂકી શકાય છે.”# ૨૦૦૯નો આ લેખ હજુ ચિરકાલીન એટલે લાગે છે, કે સરદારની દાયકાઓ અગાઉની દ્રષ્ટિને કાટ લાગ્યો નથી. ભારતના જનમાનસની નાડ બરાબર પારખી ગયેલા વલ્લભભાઈની વાતોમાં ક્યાંય પોથીમાંનાં રીંગણાં જેવા  કોરા વેવલા આદર્શો નથી. નક્કર પરિણામલક્ષી અને વાસ્તવિક વ્યવહારુ ચિંતન છે. એમણે શ્રમિકોને કહી એ વાતો હર કોઈ માણસને શીખે સમજે તો આજે ય કામ લગે તેવી ટકોરાબંધ છે !

 
11 Comments

Posted by on October 31, 2011 in gujarat, history, india, inspiration, philosophy

 
 
%d bloggers like this: