RSS

Daily Archives: October 28, 2011

સબ સે ઉંચી મીઠાઈ સગાઇ : પિયા જૈસે લડ્ડુ મોતીચૂર કા…મનવામાં ફૂટે હો !

ગાળી નાખે જાત ઘી, ગોળ ને લોટ..
જ્યારે બંદા લાડુ ઓળખાય..
ક્યાં ગયા ભૂધરો? ઉદરો, ઉત્સવો ?
લાડુ શોધે કોઈ જઠારાગ્નિ !

અહા હા હા …ગરવી ગુર્જરગીરામાં રાધાકૃષ્ણના શૃંગારથી લઈને ગાંધીજીના ચરખા અને વિશ્વયુદ્ધની ટેંકથી લઈને છત પરથી મેલા ખમીસ પર ટપકતી ગરોળી સુધીના કાવ્યો લખાયા છે. પણ ઘીમાં પકવેલી ઘઉંની સેવ બિરંજ જેવી સુંવાળી સુંવાળી, મધમાં ઝબોળેલી સ્યુગરી ઇમોશનલ કવિતાઓ ઠપકારતા કવિઓએ કદી આટઆટલી શતાબ્દીઓમાં મિષ્ટાન્ન પર ફૂલ ફ્લેજ્ડ ટેસ્ટી ટેસ્ટી પોએમ્સ લખી હોવાનું ધ્યાન માં આવ્યું નથી! બસ, કઢી ખીચડી પછી ‘ડીસર્ટ’ માં ચોકલેટ બ્રાઉની જેવો અપવાદ ચંદ્રકાંત ટોપીવાળા જેવા શિરોમાન્ય સર્જક-વિવેચકનો, જેમણે છેક ૨૦૦૨માં રસીલા આઠ મીઠાઈકાવ્યો લખ્યા ! કવિતાના નામે દેખાદેખીથી વધતા અધ્યાત્મના ડોળ સામે ‘જીભ બતાવવા’ (જેમ કે ‘તંતુમાં તંતુ હોઈ આદિ-અંત વિનાની સુતરફેણી છે અનંત’ !) એમણે તુકારામ જેવા મરાઠી સંતકવિઓના પ્રિય છંદ ‘અભંગ’ માં શુદ્ધ ભૌતિક સ્વાદરસને પોંખતા મીઠાંમધુરા સ્વાદિષ્ટ કાવ્યો પેંડા, રસગુલ્લા,જલેબી.શીરા, પુરણપોળી ઇત્યાદિ પર લખ્યા છે. તેમાંથી એક લાડુ કાવ્યની ચમચી અહી ચખાડી છે.

મીઠાઈ! મ્મ્મ્મ્મ્મ્મ્મ્ ! ગળ્યું એ ગળ્યું, ને બાકી બધું બળ્યું ! આવો ગળચટ્ટો અભિગમ શિશુ હોઈએ ત્યારે ‘ગળથૂથી’ માં જ મળ્યો હોય પછી ‘ક્રેવીંગ ફોર સ્વીટ્સ’ આજીવન રહે જ ને ! લીઝા રેની ઉત્તમોત્તમ ફિલ્મ ‘વોટર’ માં કોઈ ભાષણબાજી વિના એક મર્મવેધક દ્રશ્ય છે. સમાજના નિયમોને લીધે કાશીમાં રહેતી સુખોપભોગથી વંચિત પરાણે સાધ્વી જેવું જીવન વિતાવતી વિધવાઓની તેમાં વાત છે. એક વયોવૃદ્ધ ડોશી રોજ એમાં મોક્ષનો ધર્મોપદેશ સાંભળે છે. મિથ્યા માયા અને સંયમ-નિયમના બોઝિલ ધુમ્મસ વાખે નવી આવેલી નાનકડી બાળવિધવાને એ વૃદ્ધા દસકાઓ અગાઉના પોતાના લગ્નની વાતો કરે છે. એમાં પીરસાયેલી મીઠાઈઓ ના સ્મરણમાત્રથી એની આંખમાં અનોખી ચમક આવી જાય છે ! બાળકી આંખોમાં ડોકાતી એ જીભનીગળચટ્ટી ઝંખનાનો તણખો પામી જાય છે. એક રાત્રે એ ગરમાગરમ બનારસી જલેબી લઇ આવે છે, અને ગુપચુપ માજી ને આપે છે. થાળી જેવડું મોં પહોળું કરી વર્ષો પછી તાજી મીઠાઈ આરોગતા માજી ને સાક્ષાત હરિદર્શન થયા જેટલો પરમ સંતોષ મળે છે, અને એ જ ક્ષણે પ્રાણત્યાગ થઇ જાય છે ! વાસનામોક્ષ પછીની ચિરશાંતિ !

મીઠાઈ તો હરજીને પણ અતિ વ્હાલી છે જ ને ! એવરગ્રીન સાકરદાણા ઉપરાંત ગણપતિના મોદક તો માતાજી ના નૈવેદ્યમાં કુલેર ને ગળ્યા સાટા, મહાવીરસ્વામીની સુખડી તો હવેલીનો મોહનથાળ, સ્વામીનારાયણની મગસ લાડુડી તો બાલાજી ના લાડુ, શ્રીનાથજીનો ઠોર તો મથુરાના પેડા, અમૃતસરનો હલવો તો બદ્રીનાથનો મેવો! સાઈબાબાની બુંદી તો સત્યનારાયણનો શીરો, પિતૃશ્રાદ્ધની ખીર તો લાલાને છપ્પનભોગ ! કૃષ્ણ માટેની સ્તુતિમાં જ અધરમ્ મધુરમ્, વદનમ્ મધુરમ્ જેવા પ્રભુ ‘અખિલમ્ મધુરમ્’ કહેવાયા છે ! મીઠડા મુરલીધર ! વન્સ અપોન અ ટાઇમ, અન્નક્ષેત્રમાં જોગીઓને ‘કાળી રોટી, ધોળી દાળ’ નું ભોજન પીરસાતું, મતલબ દૂધપાક અને માલપુઆ ! ઈદના સેવૈયા તો ક્રિસમસની કેક, હોળીનો ઘેબર તો દશેરાની ઘારી, આઠમ ના શક્કરપારા તો દિવાળીના સુંવાળી-મઠીયા-ઘૂઘરા….યમ્મીઈઇઈ …. કોણ કહે છે સંસારમાં આ સાર નથી ?

પૃથ્વીલોક પર આ દુર્લભ મનખાદેહ ના મળ્યો હોત તો આ સુલભ મિષ્ટાન્નની મોજીલી મિજબાની કેવી રીતે કરત? થેન્ક્સ ગોડજી, અમે તમને વારેઘડીએ ડીસ્ટર્બ કર્યાં વિના, તમારાથી દૂર આ દુનિયાના મેળામાં બધી જોયરાઇડ્સ પર ઝૂમી શકીએ એટલે તો તમે અમને ગજવામાં જુવાનીનું પોકેટમની આપીને ફરવા મોકલ્યા છે! એમ ને એમ ધોયેલ મૂળા જેવા તમારી પાસે પાછા ફરીધું, તો તમારા જ બનાવેલા રંગરંગીલા અમ્યુંઝમેન્ટ પાર્કમાં ‘ફ્રી એન્ટ્રી’ છતાય કેમ ભેંકડો તાણી રોતા રોતા દોડ્યા આવ્યા એમ કહી તમે વઢશો એ ય ખબર છે, હોં કે !

ગામેગામની ફેમસ સ્વીટ્સ હોય છે. તહેવારોની આગવી મીઠાઈઓ હોય છે ! (અરે, વેલેન્ટાઈન્સ ડે પણ જરા ચુલબુલી ચોકલેટ વિના કલ્પી તો જુઓ!) મનલુભાવન મીઠાઈઓનો મધુરસ જેમ મોંમાં ખાધા પછી પણ ઝરતો રહે છે, એમ ગમતી અને ભાવતી મીઠાઈઓની સાથે જોડાયેલા સંભારણા પણ મીઠા લાગે છે !

***

” ભૈ, લેકચર-બેક્ચર ને વિક્ટોરિયા મેમોરીઅલ-બેલુર મઠ-ઝભ્ભા-ટાગોર બધુંય સમજ્યા, આપણે તો પાંત્રીસ વર્ષથી તપ કર્યું છે બંગાળી સાહિત્ય કાજે નહિ, બેન્ગોલ સ્વીટ્સ માટે ! પુરસ્કાર પછી, પહેલા તાજાં સંદેશ-રસગુલ્લા-ચમચમ ખવડાવજો તો આ જાત્રા સફળ થશે!”

કોલકાટ્ટા ( ઉફ્ફ, કલકત્તી પાનવાળા કલકત્તામાં મઘમઘતી કીમાંમી ખૂશ્બુ આ નામમાં નથી !)માં આ ચોમાસે પગ મૂકતાવેંત આયોજકો-શુભેચ્છકોને આવું રોકડું કહ્યું હતું. એ બધા પણ દિલદાર શોખીનો હતા, મધરાતના દુકાનો ખોલાવીને અને પરોઢિયે હોટેલ રૂમ ખોલાવીને કોઠો ટાઢો કરી આપ્યો ! હજુ ય ઘણી ફ્લેવર્સ બાકી છે, અને ફરી એ શહેરમાં જવાનો એ જ તો રોમાંચ છે! (રિયા થી બિપાશાને કાજોલથી કોઈના સુધીની બેન્ગાલી બ્યુટીઝ તો ક્યાંકને ક્યાંક ‘ગોઠવાયેલી’ છે, એમના હાર્ડ લક , બીજું શું? lolzzzzzzzzzz !)

રસગુલ્લા ઈઝ વન ઓફ ધ ફેવરીટ ! સ્વીઈઈઈઈઈઈટ્ ચીઈઈઈઈઈઈઝ બોલ્સ ! ઠંડા ને શ્વેત રસગુલ્લા મૂળ તો ઓરિસ્સામાં જગન્નાથની રથયાત્રામાંથી માનવજાતને મળેલો કાયમી પ્રસાદ છે. માણસમાત્ર રસગુલ્લું હોય તો કેવું સારું! ગોરું ગોરું ગોળમટોળ બદન અને નરમ નરમ સ્વ-ભાવ ! સતત મદઝરતી મીઠાશ ! રસગુલ્લા ગણી ને એક-બે ખાય એ તો ઉલ્લુ કહેવાય! બંગાલણો ની બિલોરી કાચ જેવી આંખો અને બાબુમોશાયોની રસગુલ્લાની હાંડી જેવી ટકોરાબંધ બુદ્ધિનું મિસ્ટિક સિક્રેટ આ ‘મિષ્ટિક’ મૈત્રીના પ્રતાપે જ હશે?

રસગુલ્લાના જ ફર્સ્ટ કઝીન લાગે એવા મેળામાં છુટા પડેલા કાલા-ગોરા ભાઈઓ જેવા લાગે ગુલાબજાંબુ! ગુલાબજળ જેવી મઘમઘતી ચાસણીમાં વચ્ચે એલચી ને બદામ-પીસ્તા નીકળે એવી રીતે માવાને તળીને તારવ્યો હોય ! જાણે ભેખડો માં ભટકતા યુયુત્સુ યોધ્ધા જેવી તાંબાવર્ણી કાયા ! બ્લો હોટ. બ્લો કોલ્ડ ! સ્વાદમાં ય હનીમૂન જેવું! ગરમ ખાવ એની એક લહેજત અને ઠંડાની જુદી જ લિજ્જત ! કોલેજકાળમાં ગુલાબજાંબુ ખાવાથી અચાનક આધાશીશીનું ટ્રીગર શરુ થતું! પણ એનાથી ગભરાઈ ને છેક બગદાદથી ભારત આવેલા જાંબુ છોડવા ને બદલે જલેબી પકડી ! થોડા વર્ષે કંટાળીને આધાશીશી દરિયાના મોજા પર સવાર સંદેશાના શીશા માફક મુઠ્ઠીઓ વાળી ગઈ ગાજતી!

જલેબી ! સ્ત્રીમાત્ર જલેબી જેવી હોય છે! રસભરી, મધુરી, હુંફાળી, ચળકતી, સોનેરી, ગુલાબ જેવી મહેકતી અને કેસર જેવી તેજ, ચાસણીને ચૂસી લેતી અને જોતાવેંત ખાઈ જવાનું મન થાય એવી! અને એવી જ ગૂંચળા જેવી! જેનો તાગ કદી ન મળે એવી ભુલભુલામણી ! એને આખી ને આખી ચાખી શકાય, મોમાં મૂકી શકાય પણ એના વમળવર્તુળોને પારખી ના શકાય ! આપણે સ્વાદ થી કામ રાખવું, ગૂંચળા ઉકેલવાની ભાંગજડમાં ના પડવું !

મોટાભાગની મનગમતી મીઠાઈઓની માફક જલેબીના મુળિયા પણ અરબ સંસ્કૃતિમાં છે. મૂળ એ કહેવાતી ‘જીરીયાબી’, કારણ કે એ ૮મી સદીના મશહૂર સંગીતકાર અને પાકશાસ્ત્રી અબુ અલ હસન નફી ઈબ્ન નફી ‘જીરીયાબ’ એ યુરોપની ભૂમિ સુધી પહોચાડી હતી ! અરેબીક માં જીરીયાબ એટલે ‘કાળી કોયલ’, માટે જીરીયાબ ને એના સૂરીલા કંઠ માટે એ નામ મળ્યું હતું. એમ તો જર વત્તા આબ એટલે સોનાનું પાણી પણ થાય ! છે ને જલેબી તણો અર્થ અહી પણ સ્ત્રી જેવો! અને હા, એનું ભારતીય નામ જલવલ્લિકા એટલે પણ (લાગણીનું) પાણી સમાવતા ગૂંચળા !

પણ જાંબુ, રસગુલ્લા, જલેબી બહારથી આવે, ઉત્સવોના ઉલ્લાસ ને ઉજાસ માં ઘરમાં અચૂક બને પુરણપોળી, અફ કોર્સ, ઘીમાં ઝબોળી ! તુવેર-મગ-ચણાની દાળના શીરા જેવું પુરણ ગરમ ગરમ ફળફળતું જ પોળીની તંગ ચોળીનું આવરણ ધારણ કરે એ પહેલા ચાટી જવાનું ! સાથે મો ખરું કરવા જાહેર સમારંભો માં પુષ્પગુચ્છ થી સ્વાગતની ઔપચારિકતા જેવું બટેટાનું શક કે પૂરણમાં વાપરી ગયેલા દાળના લચકા પછી વધેલા પ્રવાહી ના વઘારનું ઓસામણ હોય ! વધેલી પુરણપોળી આઈસ ચિલ્ડ કરો એટલે ડીનર ઈઝ રેડી ટુ બી સર્વ્ડ ! પુરણપોળી નું અસલી મહારાષ્ટ્રીયન સ્વરૂપ જો કે સજ્જ ઉદઘોષક હરીશ ભીમાણીની ઘેર ‘વેઢમી’ રૂપે એમના મરાઠી શ્રીમતીજી રેખાબહેનના સૌજન્ય થી મળેલું!

મહારાષ્ટ્રીયન માધુરીને ઠુમકતી જોઈને જેવા ઉલાળા અંગે અંગમાં ઉઠે, એવો જ થનગનાટ હજુ રુવાંડે રુવાંડે મરાઠી ગીફ્ટ સમા ‘શ્રીખંડ’ ના લીસ્સાલપટ શીતળ સાન્નિધ્યમાં થાય છે. આજુબાજુ જમવાનો પરાણે આગ્રહ કરી પંજાબી ગ્રેવી ઠુંસનારાઓનો ત્રાસ ના હોય ત્યારે ઘણી વખત એકલપંડે આ લખનારે (સોરી, ખાનારે!) ૫૦૦-૬૦૦ ગ્રામ તાજો શિખંડ આઈસક્રીમ ને પેઠે ઝાપટી લીધો છે! મિષ્ટી દોઈ કે યોગર્ટ કશું શિખંડનું અખંડ સામ્રાજ્ય તોડી ના શકે! ઉનાળામાં જમવામાં શિખંડને બદલે બોક્સ મીઠાઈઓ ના ચોસલા રાખનારને પૂંઠાના ખોખામાં જ પેક કરી દેવા જોઈએ એવું આ ભરતખંડે શિખંડમર્દન કરનારા મર્ત્ય માનવીનું ઉદ્ધત નિવેદન છે !

બે વાનગીઓ એવી છે કે જે ઘરમાં ખાધા પછી એ સ્વાદ બજારમાં જડ્યો નથી. મમ્મી શિખંડ માલામાલ ના કપડામાં દહીં બાંધી એમાં ખડી સાકરનો ભૂકો તથા એલચી,કેસર,બદામની કતરણ તથા ગુલાબ ની પાંદડી લસોટીને બનાવતી. એમાં પછી ચીકુ, દાડમ, અંગુર,પાઈનેપલ  જેવા ફ્રુટ્સ પણ ભળે. પણ એવી રીતે ઘેર શિખંડ બનતો, એ  આ વીકએન્ડ ઇટીંગ આઉટના દૌરમાં પછી ભાળ્યો નથી! એવું જ ઉપવાસ હોય ત્યારે ઘેર જ બનતા પેંડાનું! દુઝાણા દોહવાના ગામઠી અનુભવે ઘાટું મલાઈદાર દૂધ ઉકાળી ઉકાળીને એમાં મીસરી નાખી ને ઘૂંટી ને ચોખ્ખોચણાક તાજો કણીદાર પેંડો બનતો. જાણે શાહી કલાકંદ! ( આ કંદ એટલે મૂળ તો આપણી ખાંડનું જ અરબી અપભ્રંશ ! દિવાલ પર છુટ્ટો ફેંકો તો બુંદ બુંદ બની વેરાઈ જાય એવી કળાથી બનેલો કંદ!) બને એટલે જ કટોરો ભરીને ‘સેમીલિક્વિડ’ ફોર્મમાં ઉનો ઉનો આરોગી જવાનો ! પેંડો આવો શીરાસ્વરૂપમાં જ ગ્રહણ કરવાનો!

શીરો પણ એવી જ રીતે ઘઉં-ગોળ કે ખાંડ-રવાનો. એ કદી રેડીમેઈડ ન જામે. ગરમ લચપચતા અડદિયાની જેમ ચૂલેથી તબકડું ઉતારે કે કાજુ-કીસમીસ નાખી એના હોટ વર્જિન કોળિયા ને કિસ કરી લેવાની! એમાંય કથાનો શીરો અને સંગાથે અડદનો પાપડ એટલે દિવાળીની આતશબાજી શરુ ! રાતનું વાળું ખીચડીનું જ નહિ, રવાના શીરાનું પણ હોય! અલબત્ત, રસોડામાં આ રીતે શીરો-શીખંડ-પેંડા હલાવતા રહેવા એ જીમમાં જઈને બાવડાંના ગોટલા ચડવવા કરતા ય વધુ સ્ટેમિના માંગી લેતી કસરત છે!

આવું જ ચાના લોટ ને ધાબો દઈ ને બનતા દેશી ઘીની સોડમથી લથબથ ઢીલા મોહનથાળનું! એનું પીસ્તામંડિત ચકતું મોમાં મુકો એટલે એટલે જાણે ગિરધારીની બાંસુરીની તાનમાં તન ડોલતું હોય એવું લાગે ! ઘીમાં બનેલી ફ્રેશ ફ્રેશ બુંદી પણ જાણે જીવનરત્નાકરના તળિયે ગયા વિના સાંપડેલા મોતીડા! ઢીલી હોય ત્યારે એક-મેકની સોડ્યમાં લપાતી બુંદી જીભના ટેરવે મમળાવી ને એનો અમૃતરસ બુંદ બુંદ ‘ચાવવા’માં આવતો આનંદ લીધો હોય, તેને ખબર પડે કે સેન્સેક્સના ઉપર ઉઠવા સિવાયની પણ મજાઓ હોય છે એક સ્વીટ સી લાઇફમાં ! બુન્દીની જ ફક્ત નામમાં સ્વીટ સિસ્ટર લાગે એવી બાસુંદી! રબ કરતા રબડી વધુ શાતા આપે છે, એવા દાર્શનિક્ભાવથી શ્રદ્ધાપૂર્વક સ્નિગ્ધ સેમીસોલીડ બાસુંદીરૂપી ‘વિન્ટેજ થીક શેઈક’નું સેવન કરો તો વાઈન કરતા વધુ નશો ચડી શકે છે ! (એક્સ્પિરિઅન્સ્ બોલતા હૈ , ક્યા ?)

વગર કોકો પાઉડરે ચોકલેટી લચકો થાબડીનો ઝગમગાટ જોઇને કેમ કોઈના દિલમાં કુછ કુછ નહિ થતું હોય? પેસ્ટ્રી કે પુડિંગ જો સેક્સી એન્ડ ઇન્વાઈટીંગ લાગે તો આપણી આ મીઠાઈઓની પણ ‘મદનમોહિની’ છે. કેસર-પિસ્તા-બદામ ઘારી (ભલે ઘી નીતારેલી) ના ખાવી હોય તો એ જ ફલેવરનો આઈસ હળવો હાજરાહજૂર છે! એક તો છાપાઓના પાનાઓ પર પથરાઈ વળેલા અર્ધદગ્ધ આરોગ્યાચાર્યોએ આડો આંક વળ્યો છે. સ્વદેશી આયુર્વેદથી લઇ વિદેશી ડાયેટ ચાર્ટના હવાલો આપી ‘મેંગો પીપલ’ (આમ આદમી, યુ સી! સ્વીટ્સ નથી ખાતા એમ ફિલ્મો પણ નથી જોતા?) ને બીવડાવી માર્યા છે. લોકોને ગુટકા ખાતા ડર નથી લાગતો પણ મીઠાઈ ખાતા મુહોબ્બત ને બદલે મોત દેખાય છે!

રોજ ના ખાવ, પણ તહેવારો તો આવે જ છે મિજબાની માટે ! ખાંડના ભાવવધારાથી મોટી હાયબળતરા એ છે કે લોકો મીઠાઈઓ ધાર્મિક કારણો સિવાય ઘેર બનાવતા જ ભૂલી ગયા છે! જસ્ટ થિંક, છેલ્લે શોખથી ઘેર ઘીથી તરબતર ચુરમાનો લાડુ ક્યારે બનાવ્યો હતો? ગોળ-ઘીની પાઈ પીપરમિન્ટની જેમ ચૂસીને ત્રણ અલગ ગુણધર્મો ધરવતા દ્રવ્યોને એક-મેક સાથે અનુસંધાન જોડી નવાજ સ્વાદ વાળો એક ગ્રહ બનતા ક્યારે નિહાળ્યો હતો? એટલે જ આ ક્રીમી લેખના આરંભે સ્ક્રીઈઇમ્ છે : ઉત્સવો તો આવે છે પણ મીઠાઈ પચાવનારા પેટ નથી. ક્યાં છે મીઠાઈને ભસ્મીભૂત કરતો એ બલિષ્ઠ મહેનતકશ જઠારાગ્નિ ?

સાયન્ટિફિક રીતે ગ્લુકોઝ અને ચરબી હોઇને કુદરતે સ્વીટ્સ માટે આકર્ષણના સેન્ટર્સ જીભ અને દિમાગમાં મુક્યા છે. ‘ સ્યુગર છોડીશ નહિ, તો ચરબી ઓગળશે નહિ’ દિલોજાન દોસ્ત અને તજજ્ઞ તબીબ ચિરાગ માત્રIવડીયાએ ચેતવણી આપી હતી. વજન તો ઘટાડવું જ હતું. મિત્રની સાથે મીઠી ગોઠડી કરતા કહ્યું ‘ મેં એટલી મીઠાઈ ધરાઈ ધરાઈને ખાધી છે કે મને એકઝાટકે એ છોડતા અફસોસ નહિ થાય. હું તો મનપસંદ મીઠાઈઓ જમ્યો છું. વગર પ્રસંગે એનાથી જ દિવસ શરુ અને પૂરો કર્યો છે. કવોલીટીમાં બેસ્ટ, ક્વોન્ટીટીમાં બિગ! પરમ તૃપ્તિ મળી છે, એટલે એની અધુરપ સતાવશે નહિ.’ મીઠાઈ છોડી બતાવી, શ્રમ કર્યો અને આજે સાકરનો પરસેવો બનાવતા આવડી ગયું છે એટલે જલસાથી વ્હાલી મીઠાઈઓને પ્રિયજનની જેમ હોંશે હોંશે હોઠે વળગાડું છું! એને ભોગવી છે, એટલે એની તડપ નથી!કોણ એવું હશે જેને મીઠાઈ ભાવે નહિ? હા, એવા ઘણા હશે જેને મીઠાઈ ફાવે નહિ!

રીડરબિરાદર, ટોપરાપાક જેવી પરમ્પરાગત કોઈ મીઠાઈ દાબી દાબી ને ખાઈ ને દિવાળીની રજાઓમાં ભરબપ્પોરે પણ ક્ષીરસાગરમાં પોઢેલા લક્ષ્મીપતિ વિષ્ણુ જેવી નિદ્રા માણો એવી તનદુરસ્તી, મનદુરસ્તી અને ધનદુરસ્તીની સ્વીટ વિશિઝ ..બટ, ડુ યુ નો? આ ક્ષીર એટલે દૂધ, મૂળ સંસ્કૃતમાં ક્ષર્ એટલે (વક્ષમાંથી) ઝમતું, ટપકતું પ્રવાહી. ક્ષીરમાંથી જ બન્યો શબ્દ આપણી સદાબહાર ખીર !. એ જ શબ્દ ફારસીમાં જતા ‘શીર’ થયો , એમાંથી જ શીરો, શીર-ખુરમાં જેવી વાનગીઓના નામ પડ્યા (‘ખાંડ’નું ફારસીમાં ‘કંદ’ થઇ યુરોપ માં ‘કેન્ડી’ થયું એમ સ્તો!)

..અને એમ જ હુસ્નપરી માટે શબ્દ આવ્યો ‘શીરીન’ (પેલી ફરહાદ ની પ્રેયસી!)..શીરીન એટલે મીઠાશ ! રતુમડાં ગાલવાળી કોઈ બરફી જેવી મસ્તાની મીઠડી સ્વીટીનું ચુંબન…બ્રહ્માંડની સર્વોત્તમ માધુર્યભરીમીઠાઈ મુબારક 😉

ઝિંગ થિંગ

દુનિયામાં શેરડીમાંથી ખાંડનું પ્રથમ ઉત્પાદન ભારતમાં થયું હતું! શર્કરા’ સંસ્કૃત શબ્દમાંથી જ અરેબિક ‘સખ્ખર’ અને એમાંથી અંગ્રેજી ‘સ્યુગર’ આવેલો છે! સિકંદર અહી આવ્યો ત્યારે એણે અચંબિત થઇ ભારતને મધમાખી વગર મધબનવતો દેશ કહ્યો હતો!

#નવા વિક્રમ સંવતનું સ્વીટ સ્વાગત કરવા, આપ બધાનું મોં મીઠું કરાવવા – બે વર્ષ અગાઉનો લેખ જે ત્યારે ટેકનીકલ ગફલતથી અધુરો છપાયો હતો…એ વાસી ના થાય એવો એવેરફ્રેશ મીઠાઈલેખ ‘ચોખ્ખા’ ‘શુદ્ધ’ સ્વરૂપમાં, બ્લોગના સુધારેલા રૂપેરી વરખમાં 🙂 અન્ન અને મન  આજીવન મિષ્ટ રહે અને મીઠાઈ ખરીદવા/બનાવવા જેટલું ધન અને પચાવવા જેવું તન રહે  એવી શુભેચ્છા 😉 ઈટ્સ સિઝન ઓફ સ્વીટ્સ. હાઉ એબાઉટ  ક્રીમી ફ્રુટ સલાડ ફોર એ ચેન્જ ?  કુછ મીઠા હો જાયે?

 
 
%d bloggers like this: