ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.
વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.
પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.
એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.
ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.
પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.
શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.
કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.
~ ઉશનસ્