RSS

Daily Archives: October 25, 2011

જય મા…. મોડર્ન કાલી… !

કાળીચૌદસ સાથે લોકપરંપરાની અનેક કથાઓ અને વિધિવિધાન જોડાયેલા છે. કૃષ્ણે નરકાસુરને હરાવ્યો એ માનમાં એણે નરક ચતુર્દશી પણ કહેવાય છે. છતાં તંત્રની મૂળ મહાદેવી ગણાતી મહાકાળીનું એની સાથેનું જોડાણ ભારતીય સમાજમાં જડબેસલાક છે. ગોંડલમાં મધરાતે ગામની બહાર આવેલા કાળભૈરવના મંદિરે રાજવી પરિવાર વર્ષોથી ભવ્ય પૂજા કરે અને સ્વાદિષ્ટ વડાંની પ્રસાદી વહેંચાય. (હજુ ગઈ કાલે જ (૨૪ ઓક્ટોબર) ગોંડલના વિખ્યાત મહારાજા ભગવતસિંહજીનો જન્મદિન ગયો. ) ચાર ચોકમાં ‘કકળાટ’ કાઢવાની વિધિ મને નોર્મલ રૂટીનમાંથી એક વેલકમ બ્રેક આપતું ગમ્મતભર્યું ‘રીચ્યુઅલ’ લાગ્યું છે, અને એવા વિચિત્ર છતાં તહેવારને કશીક અનોખી ઓળખ આપે એવા રીતરીવાજો તો વિશ્વની દરેક સંસ્કૃતિમાં છે. હેલોવિનમાં આખા અમેરિકામાં (સાયન્સ પાર્કમાં ય ) બિહામણા ચહેરા દર્શાવતા કોળાં નથી પથરાઈ જતાં ?

પણ સતત ‘ધાર્મિક’ મહાત્મયના જ ઘેનમાં ડૂબેલો આપણો સમાજ સહજ સાંસ્કૃતિક પરિવર્તન સ્વીકારી નથી શકતો. માટે આપણી અનેક રોમાંચક ફેન્ટેસી કથાઓ સપાટાબંધ વીસરાતી જાય છે. ગ્રીક/રોમન દેવી-દેવતાઓ જેટલા નવી પેઢીમાં જાણીતા છે, એટલો આપણો વારસો નથી.જુના  વ્યાસ-વાલ્મીકી-જયદેવ ‘ભગવાન’ની કહાનીઓ અવનવા પ્રસંગો – વીરરસથી શ્રુંગારરસમાં ઝબોળીને કહી શકે. પણ આજે કોઈ એનું મોડર્ન ફ્યુઝન  કે અર્થઘટન થાય તો આપણી સંકુચિત હોજરીને પચતું નથી. ડીસએડવાન્ટેજ ઇન્ડિયા. કારણ કે ચાઈનીઝ માર્શલ આર્ટસ પર લેટેસ્ટ ફિલ્મો બને છે. ‘પ્રિન્સ ઓફ પર્શિયા’ પર ધમાકેદાર વિડીયો ગેઇમ બને છે! પણ જેના આપણે વખાણ કરતા થાકતા નથી એ આપણું રિચ એન્ડ કલરફુલ કલ્ચર હજુ દુનિયામાં થોડા આધ્યાત્મિક ખોજીઓને બાદ કરતા એટલું પ્રસિદ્ધ નથી. કારણ પેલું ફરજીયાત પવિત્રતાનું મર્યાદામઢ્યું આવરણ. બાકી જગતમાં ક્યાંય જેના મંદિરો નથી એવા પેગન દેવતા ‘થોર’ને સૌરાષ્ટ્રના સિનેમાઘરોમાં ય ‘ભક્તો’ મળી રહે છે!

હું મક્કમપણે એવું માનું છું ને અનેક વખત કહી ચુક્યો છું એમ સમય સાથે ખોરાકથી કપડાં સુધીમાં, કારથી મોબાઈલ સુધીમાં જે ઝડપી બદલાવ આવ્યો એને આપણે ભારતીય સંસ્કૃતિમાં ઝીલવો પડશે. છોટા ભીમ એનિમેશનમાં આવે તો મીકી માઉસ સામે નવો વિકલ્પ દુનિયાને મળશે ને? સમુદ્રમંથનની વિડીયો ગેઇમ કેમ ના હોય? રામ-સીતાના  રોમેન્ટિક કાર્ડસ કેમ ના બને? (કેમ? એ બંને વચ્ચે ફક્ત મર્યાદા જ હતી? ગાંધીજી-કસ્તુરબા જેવી વેવલી પ્રતિજ્ઞાઓ આ દંપતીએ લીધી હોવાનું ક્યાંય નોંધાયું નથી! 😀 ) એક્ચ્યુઅલી, બી.આર.ચોપરા-રાહી માસૂમ રઝાના ‘મહાભારત’ અને શમા ઝૈદી-શ્યામ બેનેગલની ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ને બાદ કરતા તમામ ફિલ્મ-ટીવી મેકર્સે તો આપણા પ્રાચીન પાત્રોને ઘરઘરાઉ કેરીકેચર્સ બનાવી એમનું સાચું અપમાન કર્યું છે. એમની કેલેન્ડર ઈમેજીઝ લોકોના મનમાં ઠસાવીને આડો આંક વાળી દીધો છે. કહેવાતા ભદ્ર સાહિત્યિક મેગેઝીન્સ ઇત્યાદિ તો સુષ્ઠુ સુષ્ઠુ પાંડિત્યને લીધે લોકો સુધી પહોચતા જ નથી. ટીવી-ફિલ્મો -સપ્તાહોમાં પૂંઠાના મુગટો અને ચિબાવલી ફિલસૂફીના ભાષણીયા સંવાદોમા આપણી મહાન માયથોલોજીનો માર, કૂટ અને મસાલો થઇ જાય છે!

એટલે આજે યાદ આવ્યું મારું એક ફેવરિટ ચિત્ર. વર્ષો પહેલા એ મેં મારાં ઓરકુટ ડીપી તરીકે રાખેલું હતું (ફેક પ્રોફાઈલના આ ફેક્બૂક જમાનામાં હવે ફેસ સિવાયના ડીપી હું ભાગ્યે જ રાખું છું ને પસંદ કરું છું ! :-P)  ચિત્ર મા કાલીનું છે , પણ લસલસતી લાલ જીભ , નર મૂંડની માળા, શ્યામ વર્ણ પર વિખરાયેલા વાળ – એવું જેના થકી આપણું માઈન્ડ ‘કન્ડીશન્ડ’ છે, એવું હોરર નથી. (આવા સ્વરૂપો આપણે બચપણથી જોયા છે, પણ પારકા પ્રદેશમાં એ વિચિત્ર લાગે – અને ત્યાંના આપણને ! )

પણ આ ચિત્રમાં કાલી નમણા, ઘાટીલા, રૂપાળાં છે. પુરાતન ભારતની શિલ્પશૈલીને અનુરૂપ આભૂષણો સિવાય અનાવૃત છે. ઉજળા વાન સાથે શરીરસૌષ્ઠવનું એમનું લાલિત્ય સંસ્કૃત ગ્રંથોમાં આવતા દેવીના વર્ણન જેવું જ છે. (યજ્ઞવિધિ કરતા શક્તિસૌન્દર્યના વર્ણનો એમાં વધુ છે) પણ આંખોમાં ચમકતું તેજ અને મુખ પરથી નીતરતા મક્કમ પરાક્રમને લીધે તરત જ ‘યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા’ ની પ્રત્યક્ષ ઝાંખી થાય છે. આ ૨૧મી સદીનો ગ્લોબલ અવતાર સર્જ્યો છે, વિખ્યાત અમેરિકન ચિત્રકાર ટોડ લોકવૂડે ! આ થઇ રૂપ ચતુર્દશી 😉

આજે પત્ની અને ત્રણ સંતાનો સાથે વોશિંગ્ટન સ્ટેટમાં રહેતા લોકવૂડ અમેરિકાના કોલોરાડોના પહાડી સુંદરતાથી છલોછલ વિસ્તારમાં મોટા થયા. જી.આઈ.જો અને સ્ટાર ટ્રેકથી લઇ લોર્ડ ઓફ ધ રિંગ્સ સુધીની ફેન્ટેસીને શ્વાસમાં લીધી અને જ્યોર્જ લુકાસની માફક જ્હોન કેમ્પબેલને વાંચી વિશ્વભરના પ્રાચીન વારસામાં રસ લેતા થયા. એમની બીજી ઓળખ વિડીયો ગેઇમ / કોમિક્સ તરીકે પ્રસિદ્ધ અને બે’ક ફિલ્મો પણ બની ગઈ એ ‘ડન્જન્સ એન્ડ ડ્રેગન્સ’ છે, જેના એ મુખ્ય ઈલસ્ટ્રેટર રહ્યા. આઇઝેક એસિમોવ સાયન્સ ફિક્શન મેગેઝીનમાં અનેક વિજ્ઞાનકથાઓના ચિત્રો અને કવર ડિઝાઈન્સ બનાવી. પશ્ચિમમાં ગ્રાફિક નોવેલ્સનો અને કોમિક્સનો જબરો ક્રેઝ છે. એના ચિત્રો થકી જ હોલીવૂડ ફિલ્મ્સના વર્તમાન પાત્રોનો ઘાટ ઘડાય છે. આ ચિત્રો ગતિશીલ અને કલ્પનાશીલ હોય છે – ઘેરા રંગ-રેખાઓથી લાર્જર ધેન લાઈફ સૃષ્ટિ રચાય છે. સતત જૂનાને વળગી રહેવાતું નથી – પણ એના ‘કોર એલીમેન્ટ’ જાળવી નવી નવી રીતે એને ફરી ફરી રચવામાં આવે છે ! માત્ર વીસ વરસમાં ‘બેટમેન’ને એકડે એકથી નવતર રીતે રીબૂટ કરાયો એ જ ઉદાહરણ પૂરતું છે.

‘પુનરાવર્તન નહિ, પરિવર્તન’ની દ્રષ્ટિએ જગતભરની રોમાંચ કથાઓના અભ્યાસુ વાચક અને પ્રવાસી આર્ટિસ્ટ લોકવૂડનું આ ચિત્ર માણવા જેવું છે. એણે આ મનસ્વી તરંગ મુજબ જ દોરી નાખ્યું નથી. હિન્દુઇઝમના સ્કોલર્સ સાથે ચર્ચા કરી કાલીનું આપણે ગરબડિયા મંત્રપાઠમાં ભૂલી ગયા છીએ એ સ્વરૂપ ઝીલવાની સફળ કોશિશ કરી છે. સમગ્ર બ્રહ્માંડના સર્જન અને સંહારના ‘અલ્ટીમેટ’ શક્તિસ્વરૂપ તરીકે આધુનિક કાલીનું અહીં નિરૂપણ છે. ભાણદાસનો ‘ગગનમંડળ ગુણ ગરબી રે’ ગરબો ચીતરવો હોય તો આમ ચીતરી શકાય ! (જેમાં પૃથ્વીનો ગોળો માટીનું કોડિયું છે અને સૂર્ય એની જ્યોતિ!). ટોડભાઈએ એટલે જ મૂળ ચિત્રને સંસ્કૃત  નામ આપ્યું છે ‘kaali-prakriti’ ! (કાલી-પ્રકૃતિ). અહીં ટિપિકલ કાળકામાતા નથી. કાલી મધર નેચર – પ્રકૃતિના સ્ત્રી સ્વરૂપ તરીકે છે! આટલું સમજ્યા પછી ચિત્ર જુઓ, પણ એ જોતા પહેલા જ ચેતવણી. આ કંઈ તણાતણ લાલચટ્ટક ચોલીમાં મમતા – કાજોલ નાચતા હોય એ ફિલ્મી કાલી નથી (કર્ટસી : કરણ-અર્જુન ), માટે વારસાને જાણ્યા વિના પરંપરાના કડછા હલાવતા ચૌદાશિયાઓ માટે દહીંવડાં ખાઈને સુઈ જવાથી વધારાનો સંતાપ ટળશે. પોતાના અજ્ઞાનનું ગુમાન લેનારા અને એનો ચેપ ફેલાવી પોતાના જેવા બીજા ઉભા કરનારા રક્તબીજ રાક્ષસ સામે જ મહાકાળીએ ખડ્ગ ઉગામ્યું હતું, અને ખપ્પર ભર્યું હતું. કહ્યુંને, ભારતની ચેતના વીરરસથી  શૃંગારરસમાં જ વહેતી આવી છે. 😎

આ રહ્યું જેના વિષે ત્રિલોકની પ્રદક્ષિણા જેટલી ભૂમિકા બાંધી એ ચિત્ર. ( ડબલ ક્લિક કરવાથી એન્લાર્જડ સ્વરૂપમાં વધુ સ્પષ્ટ જોઈ શકાશે. આનો કોઈ પણ પ્રકારનો પબ્લિક યુઝ ના કરવા વિનંતી છે.)

 

 

image copyright to Todd Lockwood. it is presented here for personal appreciation only and not for open distribution. any type of commercial use is strictly NOT allowed.

 

 

ચિત્રમાં ગજબનાક ડીટેઈલિંગ છે. આ ચિત્ર સમજવું હોય તો ભગવદગીતાના વિશ્વરૂપ દર્શનનું દિલધડક  વર્ણન યાદ કરવું પડે, જેમાં પરમ તત્વના ‘મહાકાલ’ સ્વરૂપનો ચિતાર છે. ધ્યાનથી નિહાળો કાલીના અદભૂત તાજને. ફૂલોમાં ‘ફીબોનાકી’ સીરીઝથી રચાતી પ્રાકૃતિક રંગોળી જાણે પાસાદાર રત્નમાં હોય એમ ઝળહળે છે પણ મુકુટ અહીં અગ્નીશીખાઓના તેજપુંજનો બ્યુટી પ્રિન્સેસના  ‘ટીઆરા’ સમો છે. આ યુવા કાલીના હાથમાં ચીલાચાલુ શસ્ત્રો નથી, પણ ફોર્સની ફ્લેશલાઈટ છે જેમાં એક બાજુ માનવસંસાર અને બીજી બાજુ સકળ જીવસૃષ્ટિ છે.

ખેચર પંખી, ભૂચર વાઘ, જળચર માછલી, ઉભયચર સરીસૃપ સાપ, મંકોડાથી પતંગિયા સુધીના કીટકો અને વનસ્પતિઓ. વળી એમાં કેટલીક ઘટના ‘લાઈવ’ છે. વચ્ચે  કાળના પ્રવાહ  સમો સમંદર છે. ફાયર એન્ડ વોટરનું , યિન એન્ડ યાન્ગનું, પરસ્પર વિરોધી તાકાતમાંથી નીપજતી ઉર્જાનું નિરૂપણ છે. નિત્ય ચાલતો શિકાર છે. શિકારીનો પણ ! કારણ કે ખરો શિકારી તો કાળ જ છે ને! એક હાથમાંથી વહેતા જળપ્રવાહમાં બારીકાઈથી નીરખી નીરખીને ટુકડે ટુકડે જુઓ. પઝલની માફક કેટલીયે છુપાયેલી ચીજો દેખાશે! હાવભાવ દેખાશે. જેમ કે સાપની કરોળિયા પર ખુન્નસથી મંડાયેલી આંખ, જેમ કે ચોંકી ઉઠેલો ઉંદર, જેમ કે તાકતું તીડ. ગુલાબ પર ચોંટેલો ભમરો. મધુરસ ચુસતું હમિંગબર્ડ,દંતશૂળમાંથી ડોકાતી હાથીની સૂંઢ…અને આ યાદી અહીં પૂરી નથી થતી! પ્રકૃતિના આ અન્ય સભ્યો ખૂબીથી પૃથ્વી પરના શ્રેષ્ઠ પ્રાણી માણસની સાથે ભળી જાય છે.

તો વામ હસ્તમાં માનવની જિંદગીની માયાજાળ છે. કોઈ એક દેશ કે પ્રજાની નહિ, સમગ્ર મનુષ્યજાતિના ‘પુનરપિ જન્મમ, પુનરપિ મરણમ’ ના લખચોરશીના ફેરાની સિમ્બોલિક વાત હોઇને એમાં કોઈ વસ્ત્રો જેવા સંસ્કૃતિસૂચક, ડેફીનિટીવ આવરણો નથી. ભૂત-ભવિષ્ય-વર્તમાનના નિરંતર ફરતા ચકડોળનું નગ્ન સત્ય છે. જીવનનો આરંભ સૂચવતી ઉન્માદક સમાગમની મધુર ક્ષણો છે. ચુંબન અને આલિંગન છે. ઉલ્લાસ અને હોંશથી, ઈર્ષા અને મુંઝવણથી ઉભરાતા ચહેરાઓ છે. માતૃસ્વરૂપ કાલી / પ્રકૃતિની વાત હોઈ સ્ત્રીઓ સવિશેષ છે. પ્રસવની પીડા છે. ભર્યું-ભાદર્યું લાગતું સુખી કુટુંબ પણ છે. પ્રેમ છે, વિયોગ છે. બાળસહજ વિસ્મય છે. પેરન્ટલ કેર છે. મુક્ત મસ્તી છે. નૃત્ય છે. વૃધ્ધાવસ્થા છે. રોગ છે. મૃત્યુની પિશાચી છાયા પણ છે. આદિથી અંતની પ્રક્રિયા વચ્ચે શક્તિ અનંત અડીખમ ઉભી છે. આ કાળની લીલાનું આખું ચક્ર છે. ભારતીય મંદિરોમાં જેમ મૈથુનશિલ્પોથી ગર્ભગૃહ સુધીની પરિક્રમા હોય છે, તેમ જ! બધામાંથી જાણે પસાર થવાનું છે, શક્તિના સામ્રાજ્યમાં !

જાણી જોઈને જ રંગીનને બદલે લાઈટ એન્ડ શેડમાં તૈયાર થયેલા આ ચિત્રની ચુંબકની જેમ જકડી રાખતી વિશેષતા એમાં નીરુપયેલી ઈલેક્ટ્રોનિક મુવમેન્ટસ છે. જરા કાલીના હવામાં ફંગોળાતા પેન્ડન્ટસ જુઓ. ડાયનેમિક મોમેન્ટમ ક્રિએટ થાય છે, જાણે લયબધ્ધ સંગીત ચિતરાયું છે… અને 2D ચિત્ર 3D બની જાય છે! આ જ તો કલાકારની આવડત છે. પાછળ લસરકાથી ઉભો કરેલો પ્રલય પણ નિહાળવા જેવો છે. જાણે યમ-નચિકેતા સંવાદનું કઠોપનિષદ અહીં કેનવાસ પર ઠલવાયું છે.

મેં ચિત્રકળાનો કોઈ શાસ્ત્રીય અભ્યાસ કર્યો નથી. આથી ઘણું બીજું ય આ ચિત્રમાં રસિકજનો પારખી શકશે. જે અનુભૂતિ મારી છે, એ વહેંચી. શોખ મને શીખવે છે. જો કે,  શીખવાની કોશિશ પણ કર્યા વિના કોઈ સંદર્ભ વિના ઉપર ઉપરથી ચિત્ર જોઈ , એ કોઈ ધાર્મિક દેવ-દેવીનું હોય ને એમાં વસ્ત્રવિહીન/સેક્સ્યુઅલ હોય એટલે અશ્લીલ એવું કહી મોં ફેરવી લેવું, એ કદાચ  આપણને આ બધાથી વિમુખ કરી દેતી યાંત્રિક શિક્ષણપદ્ધતિની ‘ભેટ’ છે. (તો આ બ્લોગ એક મહાન ચિત્રકારની જ પરોક્ષ ભેટ છે!) – જેમાં પ્રકૃતિએ આપેલી સર્જકતાની પાંખો ફફડે એ અગાઉ વીંધાઈ જાય છે. પાવા તે ગઢ સિવાય પણ કેવા મહાકાળી ઉતરે છે, એનો ખ્યાલ પણ રહેતો નથી.

આ અરસિકતાનો અંધકાર દુર થાય તો જ ‘સૃષ્ટિમંડાણ છે સર્વ એણી પેરે, જોગીજોગંદરા કો’ક જાણે’ની નરસિંહવાણીના જાપને બદલે તપ શરુ થાય! દિવાળીની પૂર્વસંધ્યાએ પ્રકાશ મુબારક 🙂

 
 
%d bloggers like this: