RSS

Daily Archives: October 24, 2011

દિવાળીની સાફસફાઇ: ઉત્સવ પહેલાંનો ઉત્સાહ !

‘મમ્મીઇઇઇ….’

લિટલ જોને દફતર પડતું મૂકીને ઘરમાં એન્ટ્રી મારી. એના નાકમાં રસોડામાં બનતી ફ્રેશ કૂકીઝની મસ્ત સોડમ આવતી હતી. બહાર ઢળતા સૂરજના તડકા વચ્ચે રોબિન પંખી એક મીઠું ગીત ટહૂકતું હતું. એકચિત્તે બધા ફૂલો એ સાંભળતા હતાં. ટબૂકડાં જોનને આવા દિવસો ગમતાં. એ જોઇને દાદીના અવસાન પછી જોન પરિવાર સાથે રહેતા દાદાજી, જેને જોન પોપ-પોપ કહેતો, એ કશુંક ગીત ગણગણવા લાગ્યા, પણ પહેલી કડી પછીનું ગીત ઉંમરને લીધે ઘસાતી યાદદાસ્તમાંથી ભૂલાઇ ગયું.

‘સ્પ્રિંગસીઝન (વસંત) નજીક છે, અને ઘરની વરસદહાડે થતી સાફ સફાઇ કરવાની છે, કાલે તારે રજા છે એટલે મને તારે મદદ કરવાની છે’ મમ્મીએ જોનને કહ્યું.

જોનનું ઘ્યાન કૂકીઝની મીઠી સુવાસમાં હતું. ‘ઓકે ઓકે’ કહેતો એ ભાગ્યો. બીજે દિવસે મમ્મીની સાફસૂફીમાં મદદ કરવા એ જોડાઇ ગયો. દરવાજા, બારી, સીડી, પલંગ બઘું જ ઘસી ઘસીને સાફ કર્યું. ચકચકિત કરી નાખ્યું. થાકીને મા-દીકરો હાંફ ઉતારવા બેઠા ત્યાં મમ્મીની નજર પોપ-પોપની જૂની લાકડાની ખુરશી પર ગઇ. ‘અરે, આ તો રહી જ ગઇ! આ ભંગારમાં કાઢીને દાદાજીને નવી લઇ આપીશું’ એવી સાવ જૂની ઓલ્ડ ફેશન્ડ ખુરશી જોઇને જોને પણ ડોકું ઘુણાવ્યું.

પણ એ બંને ખુરશી ઉંચકી બહાર ગાર્ડનની ગાર્બેજ કેન પાસે મુકવા ગયા, ત્યારે દાદાજીએ રકઝક કરી. મમ્મીએ નવીનક્કોર લઇ દેવાની વાત કરી એમને સમજાવ્યા. પણ જોન કરતાં ઘરડા પોપ-પોપ વઘુ બાળક જેવા હઠીલા હતાં. ના માન્યા. કંટાળીને જોનના પપ્પા આવે ત્યારે વાત, કહીને મમ્મી રસોડામાં જતી રહી.

જોનને અચરજ થયું. દાદા પાસે જઇને પૂછયું ‘પોપ-પોપ આવી પણ સરસ નવી નવી ખુરશીઓ મળે છે આ તો કેવી જૂની છે!’

‘બેટા, તને નહીં સમજાય. આ ખુરશી પર તારી દાદી બેઠી હતી, એ એવી જુવાન અને સુંદર હતી, અને મેં એને પૂછેલું કે – મને પરણીશ? આજે ય હું ખુરશી પર બેસીને આંખો મીંચુ છું, ત્યારે મને એની હાજરી વર્તાય છે.’

જોનને નવાઇ લાગી, આજે સ્કૂલમાં શું બન્યું એ પોતાને યાદ નથી, અને આટલી જૂની વાત પોપ-પોપને કેવી રીતે યાદ રહે? દાદાજીએ આગળ ચલાવ્યું ‘અને તારા પપ્પાના જન્મના સમાચાર મને આ જ ખુરશી પર મળેલાં. એ સાવ નાનકડાં બાળકને તેડતાં મને ખુશી ખૂબ થતી પણ બીક લાગતી. એને લઇને હું અહીં જ બેસતો. અને વર્ષો પછી તારી દાદીની માંદગીના સમાચાર ડોકટરે હું આ ખુરશી પર હતો, ત્યારે જ કહેલાં. તારી દાદી વિના મને જીંદગી સૂનકાર લાગતી, પણ અહીં બેસીને મને થોડી રાહત અને હુંફ લાગતી!’

જોન સુનમૂન બની સાંભળી રહ્યો. રાતના બહાર પડેલી ખુરશી પર થોડો બરફ વરસ્યો. સવારમાં કચરો ઉપાડવાવાળી લારી આવી, અને બારીમાંથી જોનનું ઘ્યાન પડયું. ‘નોઓઓઓ’ પોકારતો એ દોડયો. મમ્મીને કહ્યું ‘મમ્મી, આ ખુરશીને આમ ફેંકી ન દેવાય. એ ખુરશી નથી, પોપ-પોપની ફ્રેન્ડ છે!’ મમ્મીએ દાદા સામે જોયું. એમની બાજુમાં ઉભી રહી અને એમના ગાલ પર આવીને નીચે ટપકવાંની તૈયારી કરતું આંસુ લૂછયું. ‘આઇ એમ સોરી!’ કહીને જોનની સાથે બહાર જઇ, ખુરશી અંદર લઇ આવી. એને લૂછીને સાફ કરી. સરસ રીતે ખૂણામાં ગોઠવી. ‘હમમ્‌, હવે ઓરડો જીવતો લાગે છે. નહિ તો ફિક્કો લાગતો હતો’ એ બોલી. જોન અને પોપ-પોપ હસી પડયા.

* * *

ક્રિસ્ટા હોલ્ડર ઓકરની આ મર્મસ્પર્શી કહાણીનો સંક્ષિપ્તમાં છે. એ સ્પ્રિંગટાઇમની સાફસફાઇ જેવી જ આપણી દિવાળીની સાફસફાઇ છે. કલ્ચર જુદા હોય છે, હ્યુમન નેચર નહીં ! બરાબર આવી જ લાગણી બાલમુકુંદ દવેના કાવ્ય ‘જૂનું ઘર ખાલી કરતાં’માં ય ઝીલાઇ છેને! “ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યું’ય ખાસ્સું, જૂનું ઝાડૂ, ટુથબ્રશ, વળી લકસ સાબુની ગોટી / બોખી (ઢાંકણા વિનાની) શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખકાણી, તૂટયા ચશ્મા, કિલપ, બટનને ટાંકણી સોય-દોરો! લીઘું દ્વારે નિત- લટકતું નામનું પાટિયું….” અને પછી દાંપત્યની સ્મૃતિઓ, પહેલો પુત્ર અને લિટલ જોનથી ઉલ્ટું, એ દીકરાની અકાળ વિદાય અને ધરતીમાંથી સંભળાતો એની યાદનો સાદ!

વેલ, મુદ્દો એ છે કે દિવાળીની મેન્ડેટરી સાફસફાઇ એ કેવળ પાડોશીઓની શરમે થતી ફરજ નથી. એ છે ડાઉન મેમરી લેન ઉર્ફે સ્મૃતિઓની કુંજગલીઓમાં ખોવાઇ જવાનો જાદૂ! જાણે નાર્નિયાની માફક એક અલાયદી દુનિયામાં જવાનો દરવાજો કોઇ કાચમાં તડ પડી હોય અને ફોટામાં ભેજ લાગ્યો હોય, એવી જૂની ફ્રેમ સામે નિહાળતાં જ ખુલી જાય! દર પા-અડધી કલાકે ટાઇમ ટ્રાવેલ થતું રહે!

જસ્ટ થિંક. એવું નથી બન્યું કે ઘરને ઉંઘુ-ચત્તું કરીએ દિવાળી નિમિત્તે, અને ખોવાઇ ગયેલી (પણ કયાંય દૂર ન ગયેલી) કોઇ વસ્તુ જડી આવે? ફૂટપટ્ટીથી જૂના બોરિયાં સુધી? સાડીના કાપેલા ફોલથી રૂંછા નીકળી ગયેલા બોલ સુધી? ચંદ હસીનોના ખત તો ગાલિબના જમાનાની ઉર્દુ જેવા ભૂતકાળ થઇ ગયા, અને વાર-તહેવારે ડિલીટ થઇ જતાં એસએમએસ હુસ્નાઓ કરવા લાગી, પણ છતાંય બેવડમાં સાચવેલો કોઇ એવો ચૂંથાયેલો પીળાશ પડતો પત્ર નીકળે- જેના પર જે કરચલીઓ હોય એ બધી જ હૃદયમાં હોય? બંદાબહાદૂર સહિત એવા રીડરબિરાદરો છે, જે સફાઇ પડતી મૂકીને રસ પડે તે પુસ્તક કે ફેંકવા માટે જૂદા રાખેલા છાપાં-મેગેઝીન ખોલીને વાંચવા બેસી જાય! ચીજો જવાની થાય, ત્યારે એનું મૂલ્ય પ્રિમિયમ થઇ જતું હોય છે, નહીં?

દિવાળીની સાફસફાઇ ઉર્ફે ઘૂળઝાળાની પ્રવૃત્તિ એક રીતે ડિટેકટિવ ટ્રેઝર હન્ટની કોઇ લેટેસ્ટ વિડિયો ગેઇમ જેવી છે. પરદેશમાં ખોવાયેલું મનાતું કોઇ ચાર્જર ઘરના કબાટ પાછળના ખૂણેથી જડી આવે! હન્ડ્રેડ પોઇન્ટ્‌સ! ઘઉં ભરવાના પીપડાંની પાછળ ભૂલાઇ ગયેલું અન્ડરવેઅર સફેદમાંથી ભૂખરૂં બનીન ‘હાઉક’ કરતું હોય! બોનસ બેનિફિટ્‌સ! ટેબલ ખસેડતાં જ સરકી ગયેલી કોઇ સીલબંધ ડીવીડી સંતાકૂકડીના થપ્પામાં પકડાઇ જાય! જેકપોટ! માંડ જડયું હોય એ બઘું ઢગલો કરીને રાખો, ત્યાં તો રાત પડયે ફરી નવેસરથી ખોવાઇ પણ જાય! થમ્બસ ડાઉન. પ્લે અગેઇન!

ચંિતનચતુર સર્જકો માને છે કે દિવાળી પર થતી ઝાપડઝુપડ તો કેવળ દિવાળી અંકોમાં જથ્થાબંધ છપાતા હાસ્યલેખને જ લાયક સબ્જેકટ છે. (આ જૂની જૂની ચવાઇને ચૂથ્થો થઇ ગયેલી, ભીંત પરના રંગ ઉડી ગયા હોય એવા મેલાં સ્ટીકર જેવી થીમ લઇને ટપકતાં અંકો તો હવે આવવાની સાથે જ આવતી દિવાળીની કચરા ટોપલીનું આગોતરૂં બૂકિંગ કરાવી લે છે!) પણ હજુ યે ડિજીટલ યુગમાં ય ઘર ઘર કી કહાની જેવી આ એકિટવિટીને આપણે સંસ્કૃતિ ગણવા તૈયાર નથી. આપણને તો મંદિરના દીવડાં કે માથાનો ધૂમટો જ સંસ્કૃતિ લાગે છેને! રહેણીકહેણી નહીં !

‘એ લોટ કેન હેપન ઓવર એ કોફી’ની માફક આ સાફસૂફીમાં કેટકેટલું થઇ શકે છે ? ઘરમાં મદદ કરાવવા આવતી કોઇ ટીની કે મીની સાથે પાડોશમાં લાઇન ક્લીઅર થયા બાદ ભવિષ્યમાં કાયમી ધોરણે એ જ ઘરમાં સાફસૂફી કરતી ગૃહલક્ષ્મી બને, એવા ચાન્સીસ પણ ભૂતકાળમાં રહેતા ! માળિયે ચડેલા ભાભીસાહેબને મદદ કરાવવા નવા નક્કોર દિયરો પણ શ્રમદાન માટે તત્પર હોય છે ! ગમતી યુવતી એનાં સાડીનો કછોટો મારી કે છાતી પરથી કસીને દુપટ્ટો કમ્મરે બાંધીને, માથા પર ગેરિલ્લા વોરની આર્મી ઇન્ફ્રન્ટ્રી જેવો ફટકો મુશ્કેરાટ બાંધીને સાવરણી લઇ કૂદી પડે, એ ય પરમ મનોહર, ચિત્તાકર્ષક, રોમહર્ષક દ્રશ્ય હોય છે ! પહેલાના જમાનામાં આવી એક્ટિવિટીઝ ‘ફિમેલ સ્પેશ્યલ’ માનીને ઘરના મોભીઓ ઢોલિયો ઢાળી હુક્કા ગગડાવતા ઠાકુરની અદાઓનાં એનાથી દૂર દરબાર ભરીને બેસતા.

દિવાળીની સાથે જોડાયેલી બધી બાબતો બદલવા લાગી છે. કાર્ડસના મોબાઈલ મેસેજીસ, દીવડાની રોશની સીરીઝ, રંગોળીને બદલે સ્ટીકર્સ… પણ એમાં હાથનો ‘ટચ’ નથી. જાતે જે કરો, એમાં સમય આપવો પડે. એટલે જ રેડીમેઈડ કરતા હેન્ડમેઈડનું મૂલ્ય વઘુ છે. અને દિવાળીમાં હજુ ય એક હેન્ડમેઈડ બાબત ગાયબ થઈ નથી. એ છે – ઘૂળજાળાં ઉર્ફે સાફસફાઈ. કારણ કે, સાવ કંઈ હોય જ નહિ એવા ગરીબોને સાફસફાઈની જરૂ ન પડે. બાકી કાં જાતે, અને બહુ દોલતમંદ હો તો નોકરો પાસે કાર સાફસૂફ કરીને નવેસરથી ગોઠવવાનું કામ તો કરવું પડે. ચેન્જ ઈઝ કોન્સ્ટન્ટ. જૂનો ચહેરો ન બદલી શકાય, પણ નવી સ્ટાઈલ તો કરી શકાય ને ! ૠતુઓની જેમ ધરતી ગોઠવણ કે રંગો પણ સમયાંતરે બદલાતા રહે તો એ શણગારનો શૃંગાર મનને મોહક લાગે ! જેમ નાહીને નવા કપડાં પહેરીને આપણને તાજગી લાગે, એમ ઘર પણ નહાઈધોઈને નવું નક્કોર ભાસે !

એક્ચ્યુઅલી, કામ કરતી સ્ત્રી પરસેવો પાડવાને લીધે ચપોચપ ચોંટાડેલા વસ્ત્રોમાં શ્રમને લીધે શેપમાં રહેલા ફિગરથી રેમ્પ પર ચાલતી આવી દીધેલા પૂતળા જેવી પ્લાસ્ટિક ડોલ સૂકલકડી મોડલથી વઘુ આકર્ષક લાગે છે ! ફેમિલીની વ્યાખ્યા માત્ર કપલમાં જ સમાઈ જાય છે, એવા પરિવારમાં તો સફાઈ પણ સેક્સી એક્ટિવીટી બને છે. દિવાલો પર રંગ કરતા કરતા દેહને રંગીન બનાવવાના દ્રશ્યો ઘણી ફિલ્મોમાં આવ્યા છે. એકાંત સાથે ઉમળકો ભળે, અને થાક ઉતારવાનો મોકો મળે ! પણ હજુયે ભારતવર્ષમાં દિવાળી એ ગ્રુપ એક્ટિવીટી છે. અને એકલા રહેતા માણસને ય હૂંફાળા હરખથી પાડોશીઓ મદદ કરાવવા આવી, સંબંધનું ઓઈલિંગ કરે છે !

હવેના જમાનામાં ડેનિમ ચડ્ડી, સ્લીવલેસ ટેન્કટોપ પહેરીને બંધ કમરામાં સફાઇ કરતી આઘુનિકા અંદર છાંટવાના જંતુનાશક સ્પ્રે પંપ લઇને ધૂસેલા બુકાનીધારી સજનવા પિયુને જોઇને ‘કોઇ નહીં હૈ કમરે મેં કામ બાકી કરેંગે કલ…’ ગાતી-ગાતી શરારત કરીને નમણો નખરાળો ઉત્સવ પણ મનાવી શકે છે ! ન્યુક્લીઅર ફેમિલીમાં કબાબની હડ્ડીઓ કે દાળના કોકમો રોકવા-ટોકવા-તાકવાવાળા તો હોય નહિ ! રોમે રોમ દીવડા,  બઘું વેરવિખેર રફેદફે પડયું હોય એના એન્જડ એન્વાર્યમેન્ટમાં પણ ચાજર્ડ થઇને પ્રગટાવવાના રસ્ટી એડવેન્ચરની ડસ્ટી કિસની પણ એક લિજ્જત છે ને, યારો !

પણ કુટુંબ જો સંયુક્ત હોય તો સાફસફાઇમાં શતરંજ પણ રમાઇ શકે. અમુક દાંડ નણંદ કે જેઠાણી નવી વહુને માથે કામ નાખી પોતે છટકી જાય, કે ઢોળાય, કોઇનાથી અને વાંક કાઢીને તાડૂકવાનું કોઇના ઉપર ! રસોડાના કદી દોડતા ન હોય એવા ઘોડા પર બરણીઓ ગોઠવવામાં વળી કોઇ પરોપકારી પુરૂષ મદદ કરાવવા જાય, તો ‘તમને ખબર ન પડે’ કહીને પોલિસ કોન્સ્ટેબલ વીઆઇપીની ગાડીના કાફલા વખતે તુચ્છ રાહદારીને હાંકી કાઢે, એમ ખદેડી મૂકે !

આમ પણ આ ગાળો ‘મુજ વીતી, તુજ વીતશે’ના કવિન્યાયનો છે. કામવાળા કે કામવાળીઓના સ્ટારડમનો છે. હજુ રોજીંદા વાસણો જાતે સાફ કરવાની ટેવ ન હોય એવા અઢળક મઘ્યમવર્ગીય પરિવારો ‘સ્વદેશી લાક્ષણિકતા’ છે – ત્યારે શ્રમિકોના સ્ટારપાવરના આ દિવસોમાં રિમોટ કંટ્રોલવાળો હાથ બદલાઇ જાય છે, અને શેઠાણી ઘરનોકરો સામે કરગરવા લાગે છે ! એટલાથી પણ પુરું ન થા, ત્યારે ‘એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના’ની ‘હેલ્પલાઇન’ પર મદદનો પોકાર મિત્રોને થાય છે.

ઇટ્‌સ ટાઇમ ટુ ફેલોશિપ. બોન્ડિંગ વિથ ફ્રેડન્સ. મિત્રો સાથે મળીને સાફસફાઇ કરવામાં એક તો રેડીમેઇડ ગિફ્‌ટ રેવર્સ અને સોરી-થેન્કસની કટેસીમાં ખોવાઇ જતી સાચી મિત્રતાની કસોટી થાય છે અને કામનો થાક નથી લાગતો હલ્લા ગુલ્લા હસીખુશીની મોમેન્ટસ અવનવી કોમેન્ટસથી યાદગાર બની જાય છે. આવું થાય ત્યારે ઘૂળઝાળા એ ઢસરડો નહીં, પણ ઘરની બહાર નીકળ્યા વિનાની પિકનિક બની જાય છે. આમ પણ ખાણીપીણી તો રેડીમેઇડ પાર્સલથી કે બીજા ઘરેથી જ મંગાવવાની હોય ને ! એવી જ રીતે મધરાત સુધી ખુલ્લી રહેતી દુકાનોમાં રાત્રે ગરમ ગાંઠિયાની જયાફતોમાં જે યુનિટી વધે છે, એ એસોસીએશનની મેમ્બરશિપથી વધતી નથી !

અને આવી સાફસફાઇમાં દરેક વખતે કંઇ લિટલ જોનના પેલા પોપ-પોપની એર જેવા સંભારણા જ મળે એવું નથી. અમૃતમંથનની માફક આવી એકાદ એન્ટિક જણસ સાથે સેંકડો સાવ ફાલતુ કચરાપટ્ટી મળે છે. જેને સંઘર્યો સાપ પણ કામનો માનીને જૂની લોનની જેમ વર્ષોવર્ષ વિથ ઇન્ટરેસ્ટ ફોરવર્ડ કરવામાં આવે છે. સેલમાંથી હરખાઇને લીધેલો પણ ક્યારેય ન પહેરાયેલો ડ્રેસ સાચવવાપાત્ર હોય, પણ જૂનું કોઇ રળિયામણું પુસ્તક પસ્તી ગણીને ફેંકવાપાત્ર હોય !

ઘણા લોકોને યાદો નહીં, પણ વળગણ હોય છે જરીપુરાણી ફાલતુ વસ્તુઓનું. જરૂર પડે ત્યારે એમનો સંઘરેલી ટાંકણી પાછી કદી હાથવગી હોય નહિ, એટલે તત્કાળ નવું સ્ટેપલર ખરીદવું પડે, એ વળી અલગ જ વાત થઇ ગઇ! સ્મૃતિઓ એક બાબત છે, અને કોહવાયેલા મૃતદેહને વળગી રહેવું સાવ જુદી અને ખોટી બાબત છે. જીવનમાં સતત નવાને આવકાર દેવો પડે, એટએટલું નવું ઉમેરાય છે ત્યારે જે ખરેખર નકામું કે વધારાનું જૂનું છે- એ છોડવાની નિર્ણયશક્તિ કેળવવી જ પડે ! નહીં તો ઘર કબાડીખાનું બની જાય !

ઘર ! ક્લાસમેટ કેતન શેઠ સાચું જ કહે છે કે દિવાળીની સાફસફાઇટાણે ઘરના ખૂણે ખૂણે ઘરમાં રહેતી વ્યક્તિનો સ્પર્શ થાય છે ! વાઉ ! ગ્રેટ થોટ. આ એક એવો અવસર છે, જ્યારે આપણે આપણા મકાનને ઘર તરીકે અનુભવી શકીએ. એના ખબરઅંતર પૂછી શકીએ ! એના જખ્મો પર વ્હાલથી હાથ ફેરવી શકીએ. એને શણગારી શકીએ ! રહેઠાણ સાથે આપણા મનનું કનેકશન ‘કોન્ફિગ્યુર’ કરવાનું આ ટાણું છે. ઘરને જોઇને, સ્પર્શીને ભીતરમાં ઉતારી શકાય તેવું ! એની સાથે મેનેજમેન્ટની કિતાબોથી ન મળે એવું ટીમ વર્ક કે ઓપરેશન્સનું ‘લેસન’ ઘેરબેઠા જ મળી જાય, એ છોગામાં!

ઓહ! દિવાળીના પર્વના ફોરપ્લે જેવી એ પોઝરથી છલકાતી પળો! નવા કપડાં માટે માપ દેવા જવાનું અને રોજ ધક્કા ખાવાના એ સીવાઇને આવે નહિ ત્યાં સુધી! નાની નાની પણ ઘરને રૂડું બનાવતી ચીજોનું શોપિંગ, એક રૂમમાંથી બીજા રૂમમાં સામાનનું શિફટિંગ કરવાથી બદલાઇ જતા નકશાઓ, અગાસી પર તડકે સૂકવવા નાખેલા ઘુમ્બડ રૂના ભીમપલાસી ગાદલાઓ, દીવાલો પર ઘોળવાના ચૂનાની મદહોશ સુગંધ, લપલપચ ચપચપ અવાજ સાથે લસરક ફરતો ચૂનાનો કૂચડો, અને પેન્સિલના લીટોડિયાથી ચોટાડેલા કેલેન્ડરના કાબરચીતરા ડાઘાઓની ઉપર છવાઇ જતા પૂનમની ચાંદની જેવી સફેદી! શેરીમાં સપ્તકના સ્વરે સંભળાતા ‘ભંગાઆઆઆઆઆઆ ર…’ ખરીદવાવાળાના બુલંદ પોકારો અને વાંસડા સાથે બાંધેલી સાવરણી !

ક્યું જૂનું રમકડું હવે ફેંકી દેવું છે, એની મીઠી તકરાર અને પક્ષ-વિપક્ષમાં થતી ઉગ્ર દલીલો, ફરી મળી આવતી કોઇ વર્ષો જૂની ફાઇલો અને એમાંથી ઉભું થતું જે-તે કાળનું ફોર-ડી હોલોગ્રાફિક ચિત્ર! (ચોથું ડાયેમેન્શન મનનું!) રીડર બિરાદર આરતી માંડલિયા કહે છે તેમ કાંધીએ ચડાવતા પહેલા નવા જ ઉટકાયેલા વાસણોમાં લાંબા ટૂંકા દેખાતા મોઢાં જોવાની પડતી મજા! પોતામાં ભળતી ફિનાઇલની ગંધ! બંધ પડેલો કોઇ સુવેનિયર સમો રેડિયો અને વાપર્યા વિના જ જૂની થઇ ગયેલી કોઇ હોંશભેર મળેલી ગિફ્‌ટ!

આ દિવસો યાદ અપાવી જાય છે દર વર્ષે કે અંધારૂ શાશ્વત છે, અજવાળા માટે મહેનત કરવી પડે છે. કચરો કાયમી છે, સફાઇ માટે શ્રમ કરવો પડે છે, માણસનું શરીર હોય કે મહેલ જેવડું મકાન, એમને એમ રાખો તો ગંદુ, અસ્તવ્યસ્ત જ થવાનું છે. ચોખ્ખું થાય એટલે જ જુનું અને જાણીતું બઘું નવું લાગે છે! એકની એક બાબતો બોરંિગ છે. દર વર્ષે ન બદલાવી શકાય, પણ એની સજાવટ જો સમયાંતરે બદલાવતા રહીએ, એમાં મહેનત કરી ઉમળકાથી નવું નવું ઉમેરી જુનું જુનું સાફ કરી કાઢતા રહીએ તો એ ફરીથી ગમવા લાગે છે. આવું જ માણસોનું, સંબંધોનું, પ્રેમનું છે!

તો, આ દિવાળી ટાણે સાફસફાઇમાં ત્રણ બાબતો કરવા જેવી. એક મકાન-દુકાનની જ નહિ, કોર્પોરેશન-સુધરાઇ પર દબાણ લઇ આવીને શેરી-રસ્તાની પણ સફાઇ કરાવવી. બે, ફક્ત ઘરવખરી જ નહિ પણ કોમ્પ્યુટર કે મોબાઇલમાં પણ બોજ બનતો જૂનો કચરો ફગાવવો. ફાલતું કોન્ટેક્ટસ, મેસેજીઝ, મેઇલ્સ, ડુપ્લીકેટ ફોટોગ્રાફ્‌સ, ફોલ્ડર્સ બઘુ ડિલીટ કરવું. નવાની જગ્યા થાય, અને જૂનામાં જે ખરેખર કામનું છે એ ઢગલામાં દટાવાને બદલે દેખાય! અને પેલી પોપ-પોપની ખુરશી જેવી જે જુની યાદો તાજી કરતી ચીજો મળે, ભલે એ છાપાનું કટિંગ હોય કે તૂટેલી લખોટી, એના સંગાથે જરા સ્મરણોની સહેલગાહ કરી લેવી!

આપણા માટે દિવાળી હોય, એ કરોળિયા-ગરોળી માટે હોળી છે ને ! કમ ઓન, ફિનિશ ધ મિશન.

ઝિંગ થિંગ

કચરો ભેગો કર્યો બુદ્ધિના ડહાપણે રે,

ખાલી કરો તો રહેવાનું મળે આપણે રે!

(ગાંધીજીના જમાનાનું જોડકણું)


#તાજેતરમાં મારો આ એક લેખ બે ભાગમાં છપાયો હોઈ (જેના કારણની કથા લાંબી છે, હવે અપ્રસ્તુત છે) રસભંગની મીઠી અને યોગ્ય ફરિયાદ ઘણા મિત્રોએ કરી. વાંચ્યો હોય તો પણ સળંગ વાંચવાથી એની અસરકારકતામાં દેખીતો ફરક પડશે. થોડીઘણી સાફસફાઈ મેં તો આજે જ પતાવી. 😎  હવે બહુ મોડું થાય તો આ લેખ પર્વના દિવસોમાં વાંચવામાં વાસી લાગશે. માટે મુકું છું. 😛

*આ પહેલાની પોસ્ટ આ રવિવારે અમદાવાદમાં ન છપાયેલા સ્પેકટ્રોમીટરની છે. દિવાળી પર ડીફરન્ટ બટ રિઅલ એન્ગલ  (માર્કેટની માયાજાળ, ચોઈસનો ચક્રવ્યૂહ )

 
18 Comments

Posted by on October 24, 2011 in entertainment, feelings, heritage, india

 
 
%d bloggers like this: