તું જો આજે મારી સાથે જાગશે… ચાંદ થોડો ચાંદ જેવો લાગશે! (અદી મિરઝા)
ચાંદની અને દૂધપૌંઆવાળી શરદપૂનમ ! થોડાઘણા ધાર્મિક ઉત્સવો, મિત્રો સાથેની પિકનિક અને બચીખૂચી નવરાત્રિ નીચોવી લેવા માટેની ખેલૈયાઓની અંતિમ તક સિવાય લોકોને હવે પૂનમ કે અમાસનો ઝાઝો ફરક પડતો નથી. કાં તો શહેરોમાં ચાંદનીની ખબર જ ન પડે એટલું ઝગઝગાટ અજવાળું રહેતું હોય છે, કાં તો ચાંદની પણ પ્રવેશી ન શકે એવું ગાઢ અંધારૂં છવાયેલું રહેતું હોય છે.
ઈસરો ભલે ચંદ્રયાન મોકલવાની તૈયારી કરે, બાળકો ભલે ચાંદામામાના જોડકણા સ્કૂલોમાં ગણગણે… બેઝિકલી, આપણે ચંદુલાલો અને ચંદ્રેશકુમારોની સરભરામાં ચાંદાને ભૂલતા જઈએ છીએ. ‘પોષી પોષી પૂનમડી, અગાસીએ દેખાયા ચાંદ… ભાઈની બહેન રમે કે જમે?’ તો લગભગ ગાયબ થઈ ગઈ છે. ‘ચાંદ છૂપા બાદલમેં’ વાળી કરવા ચૌથ જીંદગીમાંથી નીકળીને ટીવી એડ્સ કે ફિલ્મોમાં સમાઈ ગઈ છે. ‘યૂં શબનમી પહેલે નહી થી ચાંદની’ જેવા ગીતોમાં ગુંજતો ઈદનો ચાંદ રમજાન પૂરો થાય પછી કેટલા ઊંચી ડોકે આસમાનમાં નીરખીને નિહાળે છે? ‘કહો પૂનમના ચાંદને…’ ના રાસોત્સવમાં ઝુમતા ખેલૈયાઓ કે ‘ચાંદો ઉગ્યો ચોકમાં’ની ગરબી જોઈ વિખેરાતા દર્શકોમાંના કેટલા ઘેર જતી સમયે થોડી વાર વાહન પાર્ક કરીને ચંદ્રમાં સામે તાકતા રહેવાનો વૈભવ માણે છે? કેન્ડલલાઈટ ડિનરને રોમેન્ટિક કહીએ, તો મૂનલાઈટ ડિનરને શું કહીશું? સિમ્પલી ઈરોટિક!
વેલ, લોકો કદાચ એવું માને છે કે, સનસેટ તો હિલ સ્ટેશને જ જઈને જોવાનો હોય, આપણા ગામની સીમમાં તો ડુપ્લિકેટ ચાઈનીઝ સૂરજ ઢળતો હશે. ચાંદની રાતમાં તો થ્રી નાઈટસ, ટુ ડેઝના પેકેજમાં બીચ પર જઈએ, ત્યારે જ બેસવાનું હોય.
કદાચ ૧૯૬૯માં માણસ ચંદ્ર પર પહોચ્યો અને ચંદ્રનું વૈજ્ઞાનિક નિરીક્ષણ – પરીક્ષણ થઈ ગયું, પછી માનવજાતનું, કળાકારોનું ચાંદ પ્રત્યેનું ફેસિનેશન જરા ઓછું થઈ ગયું! ‘‘ચૌદહવી કા ચાંદ હો, યા આફતાબ હો’થી ‘ખોયા ખોયા ચાંદ’ પ્રકારના મૂનસ્પેશ્યલ ગીતો પણ ધીરે ધીરે ઘટતા ગયા. સાયન્ટિસ્ટસે મૂન સાથે હનીમૂન શરૂ કર્યું, એમાં ચંદ્ર ફરતે જે રહસ્ય – રોમાંચનું તેજોવલય હતું, એનો જે મિસ્ટિક ચાર્મ હતો એ ચૂંથાઈ ગયો. એ દોડતા સસલાં કે રૂની પૂણી કાંતની ડોશીમાને સાચવનાર ફેન્ટેસી બોલ મટીને એક ખાડાટેકરાવાળો ભૂખરો ઉપગ્રહ મટીને જ રહી ગયો! ચાંદાની સફરે જવાની બાળવાર્તાઓ આઉટડેટેડ થઈ ગઈ, ચાંદાપોળી ઘીમાં ઝબોળીને ખાવાની મજા લલકારતા બચ્ચાંઓ બા – બાપુજી બન્યા પછી ચોકલેટ પેસ્ટ્રી સંતાનોને ખવડાવતા થઈ ગયા! (પ્રસાદ સિવાય છેલ્લે પતાસાં કયારે ખાધા હતા, યાદ કરો!)
ચંદ્રમુખી કોઈ ચંચલ નયન, ચપળ ચાલવાળી ચતુર નાર હોય કે ચંદ્ર હસ્તે પોતે, જયાં સુધી કોઈ થોડુંક અજાણ્યું હોય એની ફરતે થોડું ભેદભરમનું જાળું વીંટળાયેલું હોય, એની ફરતે જરા – તરા આવરણો હોય ત્યાં સુધી એ વઘુ આકર્ષક લાગે છે. એક વાર એ ચાંદ કા ટુકડાને ‘એકસ્પ્લોર’ કરી લો, એને પૂરેપૂરો જાણી લો- પછી ઘણી વખત એના માટેનું ખેંચાણ ઓસરી જતું હોય છે. ચિરંજીવી સોમચંદ સાથે પણ કશુંક આવું જ થયું છે. ઈલેકટ્રિસિટીની ભભૂકતી રોશની સામે ચાંદની (બેટમેનના વિલન) જોકરતણા સોંગ ‘ડાન્સ વિથ ડેવિલ ઈન પેલ મૂનલાઈટ’ની માફક ફિક્કી પડી રહી છે. નવવઘૂના ધૂંઘટમાંથી બહાર ડોકાતાં મુખકમળથી યે મોટો થાળી જેવડો શરદપૂનમનો ચાંદ ટીકી ટીકીને જોતી વખતે શું વિચારો આવી શકે?
છટ્, વિચારો નહી, ધસમસતા મોજાં જેવું સંગીત આવે અંદરથી, થેન્કસ ટુ બોલીવૂડ, આપણી પાસે વિશ્વશ્રેષ્ઠ ચંદ્રગીતોનો કોમળ, શીતળ, રેશમી, ગુલાબી બગીચો મઘમઘે છે!
* * *
હિન્દી સિનેમાના ફેન્ટાસ્ટિક, મેમોરેબલ મૂન મ્યુઝિકમાં દમ ભર કે ઉઘર મૂંહ ફેરે જો ચંદા, મૈં તુમ સે પ્યાર કર લૂંગી, બાતેં હજાર કર લૂંગીના નટખટપણાની સાથે યું શબનમી પહેલે નહિ થી ચાંદની પણ આવે. પણ ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશા તુમ્હારે રહેંગેના શાશ્વત પ્રણયવિષાદના કમિટમેન્ટથી યે ચાંદ સા રોશન ચહેરાની મસ્તીની વચ્ચે, પડોસની ખિડકીમાં ઉખડા ઉખડા દેખાતા ચાંદ કા ટુકડાઓના નિસાસા વચ્ચે, મૈં તેરા ચાંદ, તૂ મેરી ચાંદનીની પરસ્પરની મસ્કાબાજી અને આજા સનમ મઘુર ચાંદની મેં હમ…ના સ્વીટ ચોકલેટી રોમાન્સની વચ્ચે શિરમોર એવું એક પર્સનલ ફેવરિટ કલાસિક સોંગ છે ૧૯૫૨ની ‘જાલ’ ફિલ્મ (દેવઆનંદ) માટે સાહિર લુધિયાનવીએ લખેલું… યે રાત, યે ચાંદની ફિર કહાં…! અહા!
આખ્ખા યે મઘુરજની સોંગમાં ચાંદનીના સ્પર્શે ચેતનવંતી બનતી સકળ સૃષ્ટિનું કેવું મીઠું અને માદક વર્ણન થયું છે! એમાં ય હેમંતકુમારનો મખમલી અવાજ! સુન જા દિલ કી દાસ્તાં કહીને પ્રતીક્ષારત પ્રેમી શું કહે છે આગળ? પેડોં કી શાખોં પે સોઇ સોઇ ચાંદની, તેરે ખયાલોમેં ખોઇ ખોઇ ચાંદની… ઔર થોડી દર મેં થક કે લૌટ જાયેગી, રાત યે બહાર કી ફિર કભી ન આયેગી… દો એક પલ ઔર હૈ યે સમાં… સુન જા દિલ કી દાસ્તાં!
અને? જરાક વિઝયુલાઇઝેશન તો જુઓ એટલે પ્રાસાનુપ્રાસની તુકબંદી અને કવિતા વચ્ચેનો ફર્ક સમજાશેઃ લહેરોં કે હોઠોં પે ધીમા ધીમા રાગ હૈ, ભીગી હવાઓંમેં ઠંડી ઠંડી આગ હૈ… ઇસ હસીન આગમેં તુ ભી જલ કે દેખ લે, ઝિંદગી કે ગીત ક ઘુન બદલ કે દેખ લે… ખુલને દે અબ ધડકનો કી ઝુબાં… યે રાત, યે ચાંદની ફિર કહાં…
શરદપુનમ જેવી કોઇ રાતલડીએ ચંદ્ર સાથે તારામૈત્રક કરવાની તક ગુમાવીને અફસોસ કરતા હો, ત્યારે જાણે જીંદગી, ખુશી, આશા, આનંદ બધા જ આપણને પોકારે છે- હે જાતી બહારેં હૈ, ઉઠતી જવાનીયાં, તારોં કી છાઓમેં, પહેલે કહાનીયાં (એન્ડ વોટ એ કલાઇમેકસ!) એક બાર ચલ દિયે અગર તુજે પુકાર કે, લૌટકર ના આયેંગે કાફિલે બહાર કે… આજા અભી જીંદગી હૈ જવાં… સુન જા દિલ કી દાસ્તાં!
કુરબાન! આ ગીતને વારંવાર સાંભળતા રહેતાં જાવેદ અખ્તરે એટલું જ ટચી ગીત ‘સપને’ ફિલ્મ માટે લખ્યું અને એની લાજવાબ કેચી ટયુન રહેમાને બનાવી! કોણ કહે છે- આજકાલના ગીતોમાં રિપિટ વેલ્યુ નથી? આ સોંગ સાંભળી સાંભળીને પણ અતૃપ્ત રહેવાવાળી આખી એક જનરેશન છે, જેને પચાસ-સો વાર એ સાંભળ્યા પછી પણ ધરવ નથી થતો- અને હજુયે એ એટલું ફ્રેશ ફ્રેશ લાગે છે. ચંદા રે, ચંદા રે કભી તો જમીં પર આ, બૈઠેંગે બાતે કરેંગે….
કેવી માસુમ, શર્મિલી, નાજુક સંવેદનાઓનો રૂપેરી તાંતણો અહીં રચાયો છે! તુજ કો આને ઇધર લાજ આયે અગર, ઓઢ કે આજા તુ બાદલ ઘને..! (વાહ!) ગુલશન ગુલશન, વાદી વાદી બહેતી હૈ રેશમ જૈસી હવા, જંગલ જંગલ પરબત પરબત હૈ નીંદ મેં સબ એક મેરે સિવા…! અને એ રાતના જાગતી આંખો પોતાની કંપની માટે ચાંદને ઇજન આપીને શું ઝંખે છે? આજા સપનોં કી નીલીં નદીયાઁ મેં ન્હાયે, આજા યે તારે ચુન કે હમ હાર બનાયે, ઇન ઘુંધલી ઘૂંધલી રાહોં મેં હમ દોનો ખો જાયે….
હરિહરન અને સાધના સરગમે કેસરકઢેલા દૂધની જેમ ગીતને બહેલાવ્યું છે- પરીઓના પ્રદેશ જેવા ચાંદાને પાસે બોલાવીને બાળસહજ વિસ્મયથી અહીં સવાલો પૂછવામાં આવે છેઃ તિતલી કે પર કયૂં ઇતને રંગીન હોતે હે? (ચાંદને મધરાતે બોલાવીને થોડું કંઇ કોલ ઇન્ડિયાનો ઇસ્યુ ભરવા માટે ડિમેટ એકાઉન્ટ વિશે પૂછવાનું હોય?) એકલવાયા કોઇ રોમેન્ટિક જીવડાને રાતના જંતરડા પર ચંદ્રમાં પોતાની કંપની દેખાય છે. દિવસભરના સળગતા સૂરજના તાપથી દાઝેલા કોઇ આત્માને ઊંઘવા માટે ચાંદનો ઠંડકભર્યો રૂપાળો ખોળો જોઇએ છે. હૈયું ઠાલવવા માટે એ સિલ્વર મૂન સાથે ગોલ્ડન મોમેન્ટસ માંગે છે!
કિશોરકુમારના ગુફાઓમાં ગુંજતા અવાજમાં ચાંદની રાત મેં ઇક બાર તુમ્હેં દેખા હૈથી લઇને મોહમ્મદ રફીના પીંછા પર સરકતાં અવાજમાં મૈંને પૂછા ચાંદ સે, દેખા હૈ કહીં, મેરે યાર સા હસીં સુધીના ગીતો ચાંદની રાતે લોંગ ડ્રાઇવમાં સરસ મ્યુઝિક સીસ્ટમ પર સાંભળતા રહીએ, પછી કોણ કમબ્ખ્તને મોક્ષ લઇને સંસારનો ફેરો ફરી ન ફરવાના કુવિચારો આવે!’ બેસ્ટ રોમેન્ટિક ડેટ આગ્રાના તાજમહાલમાં પણ નથી, અને મુંબઈની તાજ હોટલના સ્વીટમાં પણ નથી.
એક નર, એક નારી જ્યારે એકાંતમાં, સાપની કાંચળીની જેમ ચમકતી કાળી સડક પર હાથમાં હાથ પરોવીને, આંગળીઓમાં આંગળીઓ ગૂંથીને ખામોશીને ચીરતા ધીમા પગલે, એકબીજાના શ્વાસને સાંભળતા સાંભળતા, ચાંદનીમાં નીતરીને ન્હાતા ચાલતા હોય- એ છે પરફેક્ટ ડેટ! હા મોબાઈલમાં ‘ચાંદ સિફારિશ જો કરતા હમારી’ કે ‘યે ઉજલી ચાંદની જબ હસરતોં કો ગુદગુદાયેગી’ જેવા ગીતો ગુંજતા હોય તો ચાર ચાંદ લાગી જાય! વો ચાંદ જૈસી લડકી કોઈ દેખાય અને મેરા ચાંદ મુજે આયા હૈ નજરનો થનગનાટ થઈ જાય! ને એ મળે ત્યારે… ચાંદની રાત હૈ, તુ મેરે સાથ હૈ, કુછ હવા સર્દ હૈ, દિલ મેં ભી દર્દ હૈ… લબ પેં કોઈ બાત હૈ! મૂન વિના લવર્સનું શું થાત? પૂનમનું પ્યાર જેવું હોય છે. પ્રેમ પૂર્ણ થયા બાદ, વધી ન શકે, પણ ધીરે ધીરે ઘટી શકે!
કવિ રમેશ પારેખ તો મધરાતના જુલેયેટને જગાડવા રોમિયોને એના ફળિયે પથ્થરને બદલે ચાંદો ગોફણમાં ઘાલીને નાખવાની વાત કરે છે. તો ચાંદની રીતસર પીરસીને એનો સ્વાદ લેતા ગુલઝારને તો કેમ ભૂલાય? જાનેમન ફિલ્મમાં એ લખે છે ‘પિયા કી જુદાઈમેં ચાંદ તો ગુબ્બારા હૈ, રાત કો ચડાયા થા, દિનકો ઉતારા હૈ!’ જ્યારે સાંભળો ત્યારે નવું નક્કોર લાગે તેવું ‘ઝૂમ બરાબર ઝૂમ’ના આ નશીલા ગીતના પણ પેગ ભરો…
ધાગે તોડ લાઓ ચાંદની સે નૂર કે (ક્યા બાત હૈ!), ધૂંઘટ હી બના લો રોશની સે નૂર કે…થી શરૂ થતું ગીત અજંપાભરેલા કોઈ આત્માને કહે છેઃ આ નીંદ કા સૌદા કરે, ઈક ખ્વાબ દે, ઈક ખ્વાલ લે… ઈક ખ્વાબ તો આંખો મેં હૈ… ઈક ચાંદ કે તકિયે તલે (જેબ્બાત!) કિતને દિનોં સે યે આસમાં ભી, સોયા નહિ આજ ઈસ કો સુલા દે… બોલ ન હલ્કે હલ્કે…
* * *
બ્રાઝિલિયન રાઈટર ફિલોસોફર પાઉલો કોએલ્હો એમની કથાઓમાં વારંવાર અજ્ઞાતને પામવાના ગૂઢ માર્ગોમાં ટ્રેડિશન ઓફ સન અને ટ્રેડિશન ઓફ મૂનની વાત કરે છે. સૂર્યનો પથ જ્ઞાનમાર્ગી છે. પરમ ચૈતન્ય સુધી લોજીક, નોલેજની તાર્કિક સફરથી પહોંચાય છે. ચંદ્રપથ ફેમિનાઈન છે. યિન-યાંગ જેવી, પુરૂષ- પ્રકૃતિ જેવી આ વાત છે. એ ઈન્ટ્યુઈશન – ફીલિંગનો રસ્તો છે.
‘આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે’ની પોપ્યુલર ગઝલોથી આગળ ગુજરાતી સાહિત્ય ફંફોસો તો ઉદયન ઠક્કરની ચંદ્ર પરની એક અદ્ભુત કવિતા વાંચવા મળે. જેનો ઉપાડ જ કવિ કરે છેઃ ધૂઘવાટોથી ન આવ્યો હાથમાં, કેવો ઝીલાઈ ગયો નિરાંતમાં… પૂરપાટ વહેતા, ઉછળતા, વેગીલા પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ પડતું નથી. રેલાઈ જાય છે. પણ શાંત, નિર્મળ, સ્થિર જળમાં ચાંદો આખો પકડાઈ જાય છે! સંબંધોનું પણ આવું જ છે ને! આગે? ઉજળો ધંધો તો સોમાલાલનો, વેચે રોકડમાં ને લે ઉધારમાં! અગેઈન, કવિએ ચમકતા ચાંદને તૂટા હુઆ તારા બનાવતો સાટકો વીંઝ્યો છેઃ ચાંદની એ તો સૂરજના ઉછીના કિરણો છે, છતાં સૂરજને બદલે વ્હાલ વઘુ ચાંદાને મળે છે!
સંસ્કૃત સાહિત્યના મુક્તકોથી ઉર્દૂની શાયરીઓ સુધી ચાંદ એવરગ્રીન છે. શિવજીની જટાથી માઈકલ જેકસનના મૂનવોક સુધી છવાયેલો છે. ‘ડિસ્પેકેબલ મી’ નામની હોલીવૂડ એનિમેશન ફિલ્મમાં ચાંદાની ચોરીનો જ પ્લોટ છે! (‘ચાંદ ચુરા કે લાયા હૂં’વાળું ગીત યાદ આવ્યું કે?) ગુજરાતણોના મુખારવિંદ કરતા રૂડા પુષ્ટ ગૌર ‘ફાંદા’ પૂનમના ચાંદા જેવા વઘુ લાગતા હોય છે, છતાં ય ચાંદ-તારા તોડી લાવવાના ખ્વાબ દરેક ચંદ્રિકાને આવતા રહે છે. એકચ્યુઅલી, હુસ્નપરીઓનો ચહેરો જ ફકત ચંદ્ર જેવો હોય, એવું નથી. શરદપૂનમના ચાંદાના વિશાળ વર્તુળો એમની છાતી પર પણ ઉગે છે! અને ક્રિસ્ટલ આંખોમાં પણ બે પૂનમ જ ખીલે છે ને!
ટેઈક અ બ્રેક. ગો આઉટ. વોચ અ મૂન. ચંદ્ર સાથે પણ લાઈન મારી જુઓને ક્યારેક! પછી ગણગણો- ચાંદની રાતે… હાયે, ચાંદની રાતે… સબ જગ સોયે, હમ જાગે… તારોં સે કરે બાતેં… ચાંદની રાતેં!
ફાસ્ટ ફોરવર્ડ
‘ચંદ્ર સ્ત્રી જેવો છે. એ પૃથ્વીથી આવવું જોઈએ, તેથી વઘુ નજીક આવે છે- અને માણસને દીવાનો બનાવીને દૂર સરકી જાય છે!’ (વિલિયમ શેક્સપીયર)
# ગઈ શરદપૂનમનો ગમતીલો લેખ, ચાંદનીમાં નવડાવીને આપ બધા માટે દૂધના વાટકામાં….ચાલો, કોમેન્ટસમાં બધા પોતપોતાને ગમતા મૂનસોન્ગ્સનું લિસ્ટ શેર કરીએ અને ચાંદનીની પોતાની મૂન મોમેન્ટ્સ તમે લોકો જણાવો તો? પ્લીઝ, ચંદ્રને ય ગમશે 🙂