થેન્ક્સ. થેન્ક્સ. થેન્ક્સ.
વિશિઝના વરસાદ માટે વ્હાલા વાચક / વાચિકાઓ…
કુટુંબમાં તો હું ને પપ્પા બે જ. અને દોસ્તો-સંબંધીઓ તો પોતપોતાના કુટુંબમાં હવે ગુંથાયેલા હોય. માટે વર્ષોથી મારાં માટે રીડરબિરાદર એ જ પ્યારો (અને પહોળો!) પરિવાર. હું તો માનું જ છું કે જયની કોઈ હસ્તી નથી.
જાવેદ અખ્તરના એક શે’રને સહેજ ફેરફાર સાથે કહું તો:
“આપકા કરમ હૈ, આપકી મહોબ્બત;
ક્યા મેરે લબ્ઝ, ક્યા મેરી હસ્તી!”
પણ જય વસાવડામાં અગણિત રીડરબિરાદરોનો પ્રેમ ભળેલો છે, માટે એની કશીક, ક્યાંક નોંધ લેવાતી રહે છે. મને હમેશા એ ઋણનું ભારણ રહ્યું છે, એટલે વારંવાર હું એ વાત ઘૂંટતો રહું છું. એકલો માણસ એકલે હાથે બધાના પ્રેમના રોજેરોજ ઠાલવતા ધોધનો પ્રતિસાદ કઈ રીતે વાળી શકે? જેમણે આ બાબત અનુભવી જ નથી, એમને નહિ સમજાય.
કહેવાય છે કે, સૌરાષ્ટ્રના રજવાડાના સાલીયાણાની રકમ નક્કી કરવા માટે બેઠકો ચાલતી હતી, ત્યારે એક મહારાજાએ અમુક રકમની માંગણી મૂકી. સરકારી પ્રતિનિધિને નવાઈ લાગી. “આટલો અધધધ ખર્ચ? એ કેવી રીતે બને?’ મહારાજાએ હળવેકથી એમની પાસે આવીને કહ્યું. ‘તમે કદી રોયલ જીંદગી જીવ્યા છો? રજવાડું જોયું છે?’ પ્રતિનિધિ અધિકારીએ ના પાડી. મહારાજા ચર્ચા વિના ઉભા થઇ ગયા. ‘તો જવા દો, તમને એ ક્યારેય નહિ સમજાય!’ 😛
આવું જ આ છે. વરસોથી ભીંજવી દેતો લોકોનો પ્રેમ કેવો મીઠડો હોય છે, એ સેન્ટર સ્ટેજને બદલે સાઈડની બેરીકેડની પાછળ ઊભીને બીડી ફૂંકનારા પસાયતાઓને સમજાતો નથી. એ તો હૃદયસિંહાસને બેઠેલાને જ ચાખવા મળે છે. વાચકોને હું યાર-દિલદાર ગણું છું એટલે તો એમની સાથે વાતો કરવા નેટ આવું છું. બાકી મારે મારાં છપાતા લેખોનો વાચકો ઉઘરાવવા ઓનલાઈન ઢંઢેરો પીટવો નથી પડતો. પણ જે રીતે સતત નવા નવા વાચકો ઈશ્ક ફરમાવે છે – એ કર્ઝ કેમ ઉતારવું? એટલે ભલે પાંચ-પંદર હૈયાફૂટ્યા પેટબળ્યાઓ ઈમોશનલ ફિલ્મી સીનમાં ખીખીયાટા કરતા ‘લોઅર’ના પ્રેક્ષકો જેવી થર્ડ રેટ હરકતો કરે…હું તો જાણે જુના દોસ્તની જેમ જ દરેક વાચક સાથે મજાક કરવાનો, દલીલ કરવાનો કે બથોડા લેવાનો પ્રયત્ન કરું છું.
પણ હમેશા યાદ રાખું છું કે આ નાનુંમોટું જે કંઈ છે, એ મારું નથી. કેટલાય વાચકોના લાડ-દુલાર એમાં ભળેલા છે. એટલે તો એ ગલતીને પણ માફ કરે છે, રિશ્તા ચાહત કા હૈ. મારી જીંદગી કોઈ ચોકઠાની વ્યખ્યાઓથી હું જીવ્યો નથી, ને મારું લખાણ એ એનું જ પ્રતિબિંબ છે. માટે વખતોવખત સુખ-દુખની વાતો, મારાં અવનવા અનુભવો હું રીડરબિરાદરો સાથે વહેંચતો રહું છું. એમાંથી કંઈ શીખવા મળે ને નહિ તો બે ઘડીની ગમ્મત મળે. વર્ષોથી આ સીલસીલો આમ ચાલ્યો છે. જે લેખ પછી સૌથી વધુ વાચકો મને મળ્યા, જે લેખ મારી કારકિર્દીનું ‘શોલે’ ગણી શકાય એવો હતો…જે હજુ ય કેટલાય વાચકોને યાદ છે – એ લેખ ખરેખર તો મારી મમ્મી માટેની મારી અંગત આત્મકથાત્મક કેફિયત જ હતી! પછી, દર્ મધર્સ ડેએ મારી જ માની વાત નથી કરી, અને ક્યારેક કરી પણ છે. મૂડ મુજબ ક્યારેક મારી વાત લખું તો ક્યારેક કશુંક જુદું જ. મારીતો આંખ હોય છે, મૂળ દ્રશ્ય માનવાની પ્રક્રિયા સહિયારી હોય છે 😛
એ માટે વાચકોથી યે વધુ આભાર હું ‘ગુજરાત સમાચાર’ અને એના સંચાલક ‘શાહ પરિવાર’નો માનું. અમદાવાદમાં મેં જાહેરમાં કહેલું કે ‘ગુજરાત સમાચાર’ મને મારી માના ખોળા જેવું લાગે છે. એમાં મને ખેલવા – કુદવા મળ્યું. એણે મને લેખક બનાવ્યો. એમાં મેં ધીંગામસ્તી કરી, એમાં માથું નાખીને રોયો, ને એણે જ મારી પ્રેમથી પીઠ થપથપાવી. જેમ વાચકો સાથે મારો સંબધ પર્સનલ છે, એમ અખબાર સાથે પણ પ્રોફેશનલ નથી. એ ય મારાં અસ્તિત્વનું અંગ છે. ટચવૂડ. એના પાનાઓ પર હું રમ્યો છું, વિકસ્યો છું. ફર્યો છું. એમાંથી મને દિલોજાન કહી શકાય એવા સેંકડો સંબંધો પ્રાપ્ત થયા છે, જેણે મારી જિંદગીમાં કદી ના ભૂંસાય એવા રંગો પૂર્યા હોય!
તહેવારો આમ પણ મને અંદરથી બહુ ગમે. ભારત ગાંધીજીના આદર્શો કે ગામ્યજીવનપ્રેમી સામાજિક સંસ્થાઓના ફરફરિયાઓમાં નહિ, એના તહેવારોમાં ખુલીને પ્રગટ થતું હોય છે. વર્ષોથી એ જ રીતે હું દશેરા / ૬ ઓક્ટોબરનો મારો જન્મદિન જો બુધ/રવિવાર આસપાસ આવે, તો ચિત્રકારની જેમ મારી અવનવી ઈમ્પ્રેશન્સ અલગ –અલગ એન્ગલેથી શેર કરું છું. ક્યારેક એવું ના યે થાય. દશેરા પર ‘૯૦ના દાયકામાં લખેલો એક લેખ તો ૨૦૦૧માં પ્રકાશિત પુસ્તકમાં ય છે. પછી પણ જન્મદિને તો કોઈ પડદો રાખ્યા વિના આપણા રીડરપરિવાર સાથે પેટછૂટી વાતો થાય એવા લેખો લખતો રહ્યો છું.
આ વખતે વાત ૧૫ વર્ષના નોનસ્ટોપ કટારલેખનની હતી , એટલે લેખનને લાગતા વાચકોના સવાલોમાંથી કેટલાકના જવાબ આપ્યા – કારણ કે બધા જ વાચકો નેટ પર નથી, અને એક ની એક જૂની વાત ઘણી વાર નવા-નવા વાચકો પૂછે ત્યારે પુનરાવર્તનનો કંટાળો આવે. એમાં ફિલિંગ્સ ફોરફ્રન્ટમાં હોય છે, હું તો મારું શિશુસહજ વિસ્મય વ્યક્ત કરતો બેકડ્રોપમાં એ જ વાત નિહાળતો રહું છું! લેખકનો કોઈ સીનસપાટા કરી રોફ મારવાનો કોઈ ઈરાદો હોતો નથી, એટલે તો હું મને જ રમુજમાં ‘લેખકડો’ કહું છું! lolzzz.
છતાં ય, કેટલાક એવી તો જડ વ્યાખ્યાઓ સાથે લુખ્ખું જીવ્યા(?) હોય છે, કે કોઈ ખરેખર દિલથી આવું પણ જીવતું હોય એ સ્વીકારી જ નથી શકતા અને એમને બધી બનાવટ જ લાગે છે! ધૂળ એમના ચશ્માંના કાચ પર હોય ને ગંદા બીજાઓને ગણ્યા કરે! એમના જાતે જ અદાલત બેસાડીને સંકુચિત ચુકાદાઓ આપ્યા કરવાના ભાંભરડા નાખવાથી એમણે ખુશી જ મળતી હોય; તો ખુલાસા નહિ, એમને ય આ જન્મદિને ખુશી જ મુબારક. કોઈને દુખી કરવા કરતા રાજી કરવા સારા. જો આપણા બહાને એમની નિષ્ફળ-નકામી જિંદગીમાં બે ઘડી પ્રવૃત્તિ રહેતી હોય તો, થોડોક ધુમાડો આંખો ચોળીને આપણે ખામી ખાવો. ઈર્ષાળુને આશીર્વાદ. બિચારા આમ પણ કેટલા શેકાતા હોય છે. રાખ માટે લાખના બાર હાજર થોડા કરાય? 😀
પણ એ તો થઇ ગાડી ચુકી ગયા પછી પાવો વગાડી પુરપાટ દોડતા એન્જીનને હતાશામાં ગાળો ભાંડનારા જનમઘરડાંઓની વાત. હું કેમ વારંવાર વાચકોને વધાવતો રહું છું? એ તો ઓલરેડી રીઝેલા જ છે. અને થાબડભાણાં કરીને પંપાળ્યા કરવા હોત તો તો તેજ ધાર ભાષામાં કોઈ વાચકની સાથે લમણા જ ના લેતો હોત. એક ફેન પેજ બનાવી સેલીબ્રીટીની જેમ ગોખલામાં ગોઠવાઈ ગયો હોત. ફોન પર કે સાઈબરસ્પેસમાં જરૂર પડે ત્યાં તરત જ રોકડો કડક જવાબ આપવા ને બદલે ફિલ્મી સ્માઈલ આપી દેતો હોત. એમાં તો હું સખ્તાઈભરેલી શિક્ષકની જ ભૂમિકામાં આજીવન છું. 😛
તો પછી? ફરીવાર, હું સતત એવું માનું છું કે આટલા સાહજીક પ્રેમનું વળતર બીજું હું શું ઘેર ઘેર ફરીને આપી શકું? ઈચ્છા હોવા છતાં બધાની બર્થ ડે વિશ વાંચ્યા પછી જવાબ પણ આપી શકતો નથી! એટલે વાર –તહેવારે એ અપરાધબોધનું સાટું વળી દઉં. અને બીજું એ પણ, કે આવું કરવાથી મને સતત યાદ રહે છે કે આ જે કંઈ છે, એમાં આ રીડરબિરાદરો પણ પાર્ટનર છે. એટલે મારું મૂળિયાં સાથેનું અનુસંધાન જોડાયેલું રહે છે. એમની દુઆઓનો સિંહફાળો છે આ નાચીઝ્ની નાની-મોટી સફળતામાં…એ યાદ કરું, એટલે છકી નથી જવાતું. થેંક ગોડ. eyes ખુલ્લી રહે તો I કેપિટલ ના થાય 🙂
lolzzzz પ્યાર કે લિયે જૈસે મિસ હોતી હૈ…..પેટ કે લિયે જૈસે ડીશ હોતી હૈ…..હોંઠ કે લિયે જૈસે કિસ હોતી હૈ…….વૈસે હર એક વિશ જરૂરી હોતી હૈ….;) 😛 ……..thnxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx friends for shower of wishes..though its impossible to attend everyone..i value each one….m so haPpy 🙂 \:D/
માટે, આજે એવો જ એક જુનો સાત વર્ષ અગાઉનો ૨૦૦૪નો લેખ. એમાં ય મારી કેટલીક અંગત ક્ષણોનું કોલાજ છે , જે હું આજે ય મિસ કરું છું. અને એક વિસ્મયમાંથી મને મળેલી માહિતીની મિજબાની છે. એ વખતે લેખ સાથે છપાયેલું ચિત્ર જ શોધી ને મુક્યું છે. પહેલા જુઓ એ પરીલોક , નેક્સ્ટ ખાસ નિહાળો આ સુપરસ્પેશ્યલ વિડીયો અને પછી ચાલો ડાઉન મેમરી લેનમાં…
હેપી બર્થ ડે ટુ યુ…. એક અમર ગીતની પ્રીત !
જન્મદિન એક એવો દિવસ છે કે આવે ત્યારે બીજાઓ રાજી થાય છે, પણ આપણો રાજીપો બાળક હોઈએ ત્યાં સુધી જ ટકે છે. બાળક તરીકે હજુ આખો આઈસ્ક્રીમ બાકી છે, એવી લાગણી રહે છે. મોટા થતા જઈએ એમ આઈસ્ક્રીમ ઓગળતો ચાલે છે. ત્રીસી ક્રોસ કર્યા પછી હવે આઈસ્ક્રીમ કેટલો ઓછો રહ્યો છે, એની ચિંતા સતાવવા લાગે છે ! 😉 આમ પણ, બર્થ ડેઝ શરૂઆતમાં આવતા હોય ત્યારે જીંદગીના મેઘધનુષ પર ગલોટિયાં ખાવાનો રોમાંચ રહે છે. સપનાઓના પતંગિયા પાછળ દોડવાનું જોમ ઉભરાય છે.
ધીરે ધીરે રોશની વિખરાય છે. રાતના અંધકારમાં ટમટમતાં સિતારાઓ ખરતા જાય છે. ધ પાર્ટી ઇઝ ઓવર. ઘણાને જન્મદિનની ઢળતી સંઘ્યાએ જેમ જુવાન હોઈએ, તેમ ‘વઘુ એક વર્ષનું જીવન ઓછું થયું’ વાળો વિષાદ સતાવે છે. પેલો સેલિબ્રેશનનો ઉત્સાહ તો શું, સમય પણ રહેતો નથી. બચપણના દોસ્તો દૂર દૂર ખોવાઈ ગયા હોય છે. આપણો ય સમય વહેચાઈ ગયેલો હોય છે. હવે બીજાઓના જન્મદિન પરાણે યાદ રાખવાની ફોર્માલિટી નિભાવવી પડે છે. સામા માણસને જરા સારું લાગે ને ! ભલે ને, બર્થ ડે રિમાઈન્ડર માટે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં તારીખો સેટ કરવી પડે ! (આજે ફેસબુકમાં અપડેટ જોવી પડે!)
બર્થ ડે કાર્ડસ મોકલવાનો હરખ હોવા છતાં બર્થ ડેઝ ભૂલી જવા એ પુરૂષોની નબળાઈ હોય છે અને આ નબળાઈ પકડી પાડવાની સ્ત્રીઓમાં ‘સબળાઈ’ હોય છે ! માટે એમ ઝટ દઈને જન્મદિનો ભૂલી શકાતા નથી. પણ જન્મદિન કતાર લગાવીને ક્વીકમાર્ચ કરતા ૩૬૫ દિવસના બેન્ડવેગનમાં ખોવાતો જાય છે !
સિક્સ્થ ઓક્ટોબર. આમ તો અમિતાભ બચ્ચનથી ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીથી રેખા સુધીની હસ્તીઓ ઓક્ટોબર બોર્ન છે, પણ એ દાસ્તાન લાંબી છે. વિનોદ ખન્ના છઠ્ઠી ઓક્ટોબરે જન્મ્યો છે. આ એટલે યાદ છે કે બંદા પણ આ જ દિવસે પૃથ્વી નામના પ્લેનેટની પેકેજ ટૂર પર પધાર્યા છે ! અલબત્ત, આગમનના દિવસે તિથિ વિજયાદશમી હતી. દશેરાનો દબદબો, મીઠાઈઓ – આતશબાજી અને જાહેર રજા !… એ મૂકો તો ૬ ઓક્ટોબરે મોટે ભાગે પરીક્ષા જ હોય ! માટે જન્મદિનની ‘‘ઝિંદાબાદ’’ ફીલિંગવાળી ઉજવણી તો રાવણવધની સાથે જ !
પણ ૬ઠ્ઠી ઓક્ટોબરે સમથિંગ સ્પેશ્યલ હતું. દૂધ ગોળ ચણાના લોટથી સ્નાન. મમ્મીની આંગળીએથી કપાળમાં ધૂંટાતું ઘીવાળું કંકુ. એક દીવો, એક અગરબત્તી, એક ભગવાનનો ગોખલો. એક થાળીમાં તાજું ગુલાબનું ફૂલ, મીઠાઈનું ચકતું, ગિફ્ટસ નહીં, પણ શુકનના સિક્કા. આંખોમાંથી આરપાર ઉતરતા પાર્ટીમાં ભાગીદાર એવા બે મહેમાનો યાને મમ્મી પપ્પાના આશીર્વાદભર્યા સ્નેહાળ આલિંગન. ફેવરિટ મેનુનું ભોજન અને ફિલ્મદર્શન. એકાદા દોસ્તની સાથે વાતો. મજ્જાની વાત !
અને એક ખૂણા તૂટેલી કેસેટને હંમેશા ‘પ્લે’ કરવામાં આવતી. પડદા પર જોની વોકરે ગાયેલું ગીત ‘હેપી બર્થ ડે ટુ યુ’ એમાંથી ગુંજતું. બીમાર હોઈએ કે રાત પડે તો ય આ ગીત તો જન્મદિને સાંભળવાનું જ. બસ, રિચ્યુઅલનો – સીસ્ટમનો હિસ્સો હતું એ !
અને જન્મદિનનું આ અમર ગીત કોને મોઢે નહિ હોય ? એમાં બીજા શબ્દો જ નથી. એ જ ત્રણ કડીઓ. રિધમ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. પણ જગતના વિવિધ દેશોના કરોડો ઇન્સાનોએ પોતાના જન્મદિને આ ગીત અલગ અલગ કંઠમાંથી સાંભળ્યા કર્યું છે ! બાળકથી બૂઢ્ઢા સુધી એનો જાદૂ છે !
કેવી રીતે થયો હશે આ ‘હેપી બર્થ ડે’ સોંગનો બર્થ ? લેટ્સ ફાઈન્ડ.
અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં બે બહેનો. મિલ્ડ્રેડ હિલ અને પેટ્ટી સ્મિથ હિલ. ૧૮૬૮માં જન્મેલી પેટ્ટી તો દાયકાઓ શિક્ષણ ક્ષેત્રમાં કાઢીને કોલંબિયામાં બહુ વિખ્યાત બનેલી. લુઈસવિલેની કિન્ડરગાર્ડન સ્કૂલમાં એ પ્રિન્સિપાલ હતી ત્યારે ૧૮૫૯માં જન્મેલી મોટી બહેન મિલ્ડ્રેડ ત્યાં ટીચર હતી. પાછળથી મિલ્ડ્રેડની કારકિર્દીએ મ્યુઝિકલ ટર્ન લીધો અને પિયાનોવાદક તરીકે પ્રસિદ્ધ બનેલી.
મિલ્ડ્રેડને શિક્ષકો ક્લાસમાં જઈને બાળકોનું સ્વાગત કરતું બોરિંગ ‘ગુડ મોર્નિંગ’ બોલે, એ વિચિત્ર લાગતું. એણે એક સીધી સરળ ટ્યુન તૈયાર કરી. બહેન પેટ્ટીએ એમાં શબ્દો ‘ફિટ’ કર્યા અને ગીત બન્યું : ‘ગુડ મોર્નિંગ ટુ યુ….. ગુડ મોર્નિંગ ટુ યુ…. ગુડ મોર્નિંગ, ડિઅર ચિલ્ડ્રન…. ગુડ મોર્નિંગ ટુ ઓલ !’
કેચી ટ્યુન વિખ્યાત બનતી ગઈ. બાળકો માટેના ગીતોની એક સોંગબૂકમાં એને સ્થાન મળ્યું. ધીરે ધીરે ઘણી શાખાઓમાં બાળકો ટીચર માટે એ ઊભા થઈને ગાય, એવો રિવાજ શરૂ થયો. અહીં ‘ચિલ્ડ્રન’ના સ્થાને ‘ટીચર’ આવી ગયું. છેલ્લે ‘ઓલ’ને બદલે ‘યુ’ (એક વચન) બોલાવા લાગ્યું.
દુનિયાની ઘણી મહાન શોધોની માફક આ ગુડ મોર્નિંગ સોંગ હેપી બર્થ ડે સોંગ કેવી રીતે થઈ ગયું, એની કોઈ વિગતો ઇતિહાસના ચોપડે નોંધાઈ નથી. કોણે આ અમર ‘સર્જનકાર્ય’ કર્યું… એ પણ અદ્રશ્ય જ છે, પણ ૧૯૨૪માં સંપાદિત થયેલી એક સોંગબૂકમાં ‘ગુડમોર્નિંગ સોંગ’ સાથે ‘હેપી બર્થ ડે’ વાળી કડીઓ પણ છપાઈ. રેડિયોની ધબધબાટીનો એ યુગ હતો. બ્રોડવે મ્યુઝિકલ ‘ધ બેન્ડ વેગન’માં આ ગીત ૧૯૩૧માં ગુંજ્યું.
૧૯૩૩માં ‘સિંગિંગ ટેલિગ્રામ’ અને પછી ‘થાઉઝન્ડસ ચીઅર’ જેવા નાટકો-ફિલ્મોમાં એ વપરાવા લાગ્યું. એની લોકપ્રિયતા વધતા જ પેલી બંને હિલ સિસ્ટર્સની નાની બહેન જેસિકા હિલનો અમેરિકન આત્મા આળસ મરડીને બેઠો થયો. એણે કોર્ટમાં બહેનો વતી પોતાનો કોપીરાઈટ આપવાની અપીલ કરી. અલબત્ત ગીતની મૂળ કમ્પોઝર મિલ્ડ્રેડ તો ૧૯૧૬માં જ ગુજરી ગઈ હતી.
હિલ વતી કોપીરાઈટ શિકાગો બેઝ્ડ મ્યુઝિક કંપનીને મળ્યો. ૨૮-૨૮ વર્ષના બે અંતરાલ પછી ૧૯૯૧માં એ પૂરો થવાનો હતો, પણ ૧૯૭૬માં અમેરિકન કોપીરાઈટ એક્ટમાં સુધારો થયો અને ૭૫ વર્ષની સળંગ મુદત ગણવાનો ઠરાવ મળ્યો. ૧૯૯૮માં વળી ૨૦ વર્ષનું એક્સટેન્શન – મળતા હાલ એ કોપીરાઈટ ધરાવતી વોર્નર મ્યુઝિકની આ ગીત ૨૦૩૦ની સાલ સુધી ‘પ્રોપર્ટી’ છે !
આનો અર્થ એ કે પશ્ચિમમાં ‘હેપી બર્થ ડે’ ગાવા વગાડવા માટે પૈસા દેવા પડે અને મંજૂરી લેવી પડે ? (ભારતમાં કોપીરાઈટ એક્ટનો કેવો ભાજીપાલો થાય છે એ તો અલાયદા લેખનો વિષય છે !) હા. કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવો હોય તો એ ફરજીયાત છે. કોઈ જાહેર કાર્યક્રમમાં, નાટકમાં, ફિલ્મમાં, મ્યુઝિકલ કાર્ડસમાં, સી.ડી. કે કેસેટના આલ્બમમાં એનો પૂર્વ મંજૂરી વિના ઉપયોગ ન થઈ શકે ! પણ પ્રાઈવેટ બર્થ ડે પાર્ટી હોય કે સ્કૂલી બચ્ચાંઓ મોજથી ગાતા હોય એમાં કોઈ રોકી કે ટોકી ન શકે ! બાકી લખાણમાં એ શબ્દોનો ઉપયોગ ન થઈ શકે. કારણકે, કાનૂન મુજબ ‘હેપી’ ‘બર્થ ડે’ અને ‘યુ’ આ શબ્દોનું કોમ્બિનેશન વ્યક્તિગત શોધ નથી પણ પરંપરાગત વારસો છે ! આમે ય આ ‘ગીત’નો રચયિતા ગુમનામ જ છે ને !
પણ સરેરાશ વીસ લાખ ડોલરની રોયલ્ટી ઇન્કમ આજે આ ગીતમાંથી પ્રતિવર્ષ મળે છે. જેનો અડધો અડધ હિસ્સો હિલ સિસ્ટર્સની યાદમાં રચાયેલા હિલ ફાઉન્ડેશનને મળે છે. નિયતિનું અજાયબ નાટક જુઓ. અબજો બાળકો જે ગીત સાથે પ્રીત બાંધીને બેઠા છે – એ ગીતની જનક ગણાયેલી મિલ્ડ્રેડ અને પેટ્ટી એ બેઉ બહેનો તો બાળક વિના- નિઃસંતાન જ ગુજરી ગઈ ! એમણે લગ્ન જ કર્યા નહોતા. આજે હિલ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ એમનો ભાણેજ સંભાળે છે, જેમાંથી આ આવકનો ઘણો હિસ્સો દાનમાં જાય છે !
ખણખોદિયાઓનો જન્મ ધરતી પર થતો જ રહે છે. કેટલાક સંગીતરસિયાઓએ વળી એવું શોધી કાઢ્યું છે કે ઇ.સ. ૧૮૫૮માં ‘હેપી ગ્રીટિંગ્સ ટુ ઓલ’ નામનું એક ગીત રચાયેલું. એ જ ઘૂન પરથી ત્યારે ‘ગુડ નાઈટ ટુ ઓલ’ નામનું બીજું ગીત પણ વિખ્યાત બનેલું. કદાચ હિલ સિસ્ટર્સે એમાંથી ‘પ્રેરણા’ લીધી હોય. જો એ સાચું હોય તો આ બંને ગીતોની ઘુનનો આધાર વળી લોકગીતો પર હતો ! માટે ‘હેપી બર્થ ડે સોંગ’નો જન્મ સંસ્કૃતિનો ભાગ ગણાય…… વ્યક્તિનો નહિ !
અને તો પછી આપણા સંગીતકાર રવિ, ગીતકાર શકીલને કેમ ન બિરદાવવા ? જેમણે ૩ લીટીના બર્થડે સોંગનું આખું એક ગીત કમ્પોઝ કર્યું ! જોની વોકરે ફિલ્મ ‘દૂર કી આવાઝ’ માટે પડદા પર એક બર્થ ડે પાર્ટીમાં ગાયું !
અને એ જ ગીતને કેસેટમાં સાંભળીને એક પછી એક જન્મદિનો પસાર કર્યા ! ધીરે ધીરે એ ગીત પ્લે કરતી આંગળીઓ હંમેશ માટે નિશ્ચેતન થઈ ગઈ. જીંદગીનો આ પહેલો જન્મદિન છે જે ઘરથી દૂર સાત સમંદર પાર ઉજવાઈ રહ્યો છે. (આ લેખ છપાયો ત્યારે હું અમેરિકા હતો , ૨૦૦૪માં) ધીરે ધીરે સમજાયું કે બર્થ ડેની મોજ ‘હેપી બર્થ ડે ટુ યુ’ કહેનારાના સ્નેહમાં હોય છે ! ‘હેપી બર્થ ડે ટુ મી’ છાપરે ચડીને ગાવ તો ય એમાં ટેસડા નથી !
ઝિંગ થિંગ !
ઇન્ફોર્મેશન ઓફ ધ વીક : ઘણી વાર આજે શિખર પર બેઠેલી હસ્તીઓ ભૂતકાળમાં પગથિયા પર લપસી હોય છે. એક પ્રાઈવેટ પાર્ટીમાં ગઝલસમ્રાટ જગજીતસિંહે (પ્રભુ એમણે ઝટ સાજા કરે) શાસ્ત્રીય રાગની બંદિશમાં લહેકાવીને યજમાનને ખુશ કરવા ‘હેપી બર્થ ડે’ સોંગ લલકારેલું ! જે સંગીત સંગ્રાહક – અરવિંદ શાહના કલેક્શનમાં મોજૂદ છે !
આટલું વાંચ્યા પછી મન થઇ જ ગયું હોય તો જેના સથવારે મારાં કેટલાય જન્મદિનો ઉજવાયા એ ફિલ્મ ગીતનું ઓરીજીનલ જરા આગવા અંદાજમાં ….
અને કામણગારી મરાયાહ કેરીના ખરજના અવાજમાં મોહમ્મદ અલી માટે ગવાયેલા એના માદક વર્ઝનનો નશો.
વેલ ફ્રેન્ડઝ, બીલીવ મી. તમે આ લખવૈયાને ‘હેપી બર્થ ડે’ વિશ કરો છો, ત્યારે એ વાંચી લઉં છું બહુ ધ્યાનથી. જવાબ નથી આપી શકતો બધાને. ક્ષમસ્વ. વિજયાદશમીએ જન્મેલો હોઇને ‘યુદ્ધસ્વ’ તો મારાં રક્તમાં ના હોય તો નવાઈ ! 😉 અને જય તરફથી તમને પણ હમેશા વિજય જ મળતો રહે એવી આ ૧૯ વર્ષે આવતા તિથિ –તારીખના કમ્બાઈન્ડ બર્થડેએ શુભેચ્છા. હેપ્પી હગ્સ! ..મને સમજીને સહી શકે છે- એવા દોસ્તો મળ્યા છે, એમને સલામ. અને મારાં સ્વ. મમ્મી અને મારાં આજે ૭૫ વર્ષના પપ્પાને સાષ્ટાંગ પ્રણામ. મારાં માટે તો એ બંને જ ઈશ્વરનું રૂપ છે. મારી જાઝ માં ગણેશનો નહિ, મમ્મીનો જ ફોટો છે. પપ્પા હજુ ય મારી સાથે છે. અને આપ બધા પણ….બહુ દઈ દીધું નાથ… 🙂