
એક વર્ષ પહેલા ૨ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા)માં મેં ગાંધીવંદના કરેલી એ યાદગાર ક્ષણની એક ઝલક (તસવીર : જાગૃતિ શાહ)
આ વર્ષ એક બાબતમાં બહુ વિશિષ્ટ રહ્યું.
૩૦ જાન્યુઆરી અને ૨ ઓક્ટોબર બંને દિવસે પોરબંદરમાં ગાંધીજી પર બોલવાનો મોકો સામે ચાલીને મળ્યો.
આમ તો કંઇક જુદી જ બ્લોગપોસ્ટ વિચારી હતી, પણ મિત્ર કિન્નર આચાર્યે રિડિફ.કોમ પર જે એક્સક્લુઝિવ સ્ટોરી એમની ટ્રેડમાર્ક નિર્ભીકતાથી મૂકી, એટલે ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મની રજૂઆત સમયનો આ લેખ યાદ આવ્યો. ‘લગે રહો અન્નાભાઈ’નો આ જમાનો છે એટલે આ ગાંધીજી પ્રસ્તુત હોય કે ના હોય, ગાંધીવાદીઓના ગરબડગોટાળા જરૂર પ્રસ્તુત છે.
પહેલા તો રાજકોટની રાષ્ટ્રીય શાળામાં કેવી રીતે ગાંધીજીની જાહેર હરરાજી થઇ ચુકી છે એ અહેવાલ આ લિંક પર વાંચો.
પછી વાંચો ૫ વર્ષ અગાઉનો આ લેખ. અને છેલ્લે સાંભળો ખુદ અસલી મહાત્માને.
તમને ખબર છે, અહીં રાજકોટમાં વિવિધ મેગેઝીન્સનું પ્રદર્શન ભરાયું છે એમાં મોટા ભાગના સાહિત્યિક મેગેઝીન્સના લવાજમ ભરવા હોય તો એનું લિસ્ટ પણ મળે છે…’
રાજકોટથી અઠંગ પુસ્તકપ્રેમી મિત્ર પરેશ રાજગોરનો ફોન આવ્યો, ત્યારે હું ભુજ હતો. પ્રદર્શનનો છેલ્લો દિવસ હતો. સાંજે સાડા પાંચે તો બંધ થઇ જાય… મારતી ટેકસીએ ઉપડયો. બપોરનું ભોજન પણ ટાળ્યું. પ્રદર્શન ઉપરાંત પણ એક બીજો ઉમળકો હતો. ગુણિયલ ગાંધીજન અને વ્હાલા લેખક ઝવેરચંદ મેઘાણીના તજજ્ઞ પુત્ર વિનોદ મેઘાણી એના ભેખધારી હતા, એમને મળવાનો.
પણ પહોંચ્યા ત્યારે ૧૦ મિનિટ મોડા પડયા. આમ પણ હોલમાં કોઇ હતું તો નહિ જ. બે-ત્રણ છોકરડાઓ, અને એક ખાદીની બંડીમાં સજજ ગંભીર મુખમુદ્રાવાળા હિસાબ કરતાં સજજન. ઘેર તો આમ પણ મહિને પચાસેક મેગેઝીન્સ દેશ-વિદેશના આવે, એટલે મેગેઝીનોના દર્શન ન થયા, એ તો સમજયા… પણ પેલું નામ- સરનામુંવાળું લિસ્ટ મળે, તો ઘણી પરિચિત શિક્ષણ સંસ્થાઓમાં કોપી કરાવી આપી શકાય… વ્યાખ્યાનોમાં પ્રસાર કરી શકાય… લખી શકાય… આવા હેતુથી પેલા ગાંધીજનને એ યાદીની એક નકલ આપવા વિનંતી કરી. પૂરી શાલીનતાથી, વિવેકથી.
પહેલાં તો કશું ઘ્યાન જ ન આપનાર સજજને બે-ત્રણ વખત પોકાર્યા પછી માથું ઉંચુ કર્યું. સામે ઉભેલો જુવાનિયો લાલ ટીશર્ટ, નેવી બ્લ્યુ જીન્સમાં સજજ હતો. એટલે એમને કદાચ ભુલો પડીને ભટકી ગયેલો છેલબટાઉ લાગ્યો હશે- પણ એમણે રીતસર વડચકું ભર્યું : ‘જોતાં નથી હું અહીં હિસાબ કરૂં છું? તમે મોડા છો- કશું નથી’
થોડી મિનિટો મોડા પડવાની વિનયપૂર્વક માફી માંગીને લિસ્ટની કોપી આપવા ફરી વિનંતી કરી, તો તો એ વડીલ તાડૂકી ઉઠયા. ઉભા થઇને ગુસ્સામાં બે હાથ જોડીને બહાર નીકળવાની બુમાબુમ કરી. એમનો નાહકનો તપારો જોઇને વિદાય લેતાં હતાં, ત્યાં કારમાંથી ઉતરી એક બીજા ઝભ્ભાધારી ખાદીધારી સત્પુરૂષ પધાર્યા. (જે રાષ્ટ્રીયશાળાના એક ટ્રસ્ટીશ્રી હતા) તરત પેલા હિસાબી જેન્ટલમેનના ચહેરા પર ખુશીની લહર છવાઇ ગઇ… એમણે એમને ભાવથી આવકાર્યા. (મતલબ, એમની અરુચિ પણ પ્રામાણિક નહોતી જ !)
ના, કોઇ ડંખથી આ શબ્દશઃ સાચો અનુભવ લખવો હોત, તો એ બન્યો ત્યારે જ કોલાહલ કર્યો હોત. આ તો વિષાદથી લખ્યું છે. પાછા આ બધા જ ગાંધીજનો એવું અરણ્યરૂદન કરતાં હોય છે કે નવી પેઢીને એમની વાતોમાં રસ નથી પડતો… આમાં કયાંથી પડે? પ્રેઝન્ટેશન સુધારવું નથી, યુવાવર્ગને ઉમળકાથી આવકારવો નથી… માર્કેટિંગકરવું હોય તો અડધી રાત્રે પણ ‘કસ્ટમર સર્વિસ’ માટે રોમે રોમ ગળપણ રાખવું પડે. જો આવી નિયમબદ્ધ અકોણાઇ રાખવી હોય, તો પ્રજાની ઉપેક્ષા અંગે ફરિયાદો ન કરાય! જમાના બદલ ગયા હૈ, મામૂ!
(FYI : સ્વ. વિનોદ મેઘાણી આજે આ દુનિયામાં નથી. એમણે મળવાની એ એકમાત્ર તક એમના જ તામસી વ્યવહારથી એમણે રોળી નાખી, એનો વસવસો છે. આ લેખ ૨૦૦૬મા પ્રગટ થયો ત્યારે એ હયાત હતા, પણ પછી ય કોઈ પ્રતિસાદ નહોતો. સમગ્ર ઘટનાના પરેશભાઈ સાક્ષી છે)
***
થેન્કસ ટુ ‘લગે રહો મુન્નાભાઇ’ ગાંધીગીરી આજકાલ જોરમાં છે. પહેલી વખત બીજી ઓકટોબરે યંગથીંગ્ઝે ‘બોલે તો, બાપુ કા બર્થ ડે’ કહીને એસએમએસનો ધોધ વહેડાવ્યો હતો! બાકી ‘ડ્રાય ડે’ને રજા સિવાય બીજું મહત્વ શું મળે? શાળા- કોલેજોમાં જે કંઇ ગાંધીમય બની જવાના કાર્યક્રમો- સ્પર્ધાઓ થાય છે, એ ફકત રૂટિન છે. જો ફરજીયાતપણાનો અને જન્મજાત ઠુંસી દેવાયેલા ‘રાષ્ટ્રપિતાને આદર’નો ભાવ ન હોય તો એમાં કાળો કાગડોય સ્વેચ્છાએ ફરકે નહીં! સરેરાશ માણસ ગાંધીજીને ધિક્કારતો નથી, તો બિરદાવતો પણ નથી. પણ કહેવાતા ગાંધીજનોને જોઇને એને એક છૂપી ચીડ જરૂર થાય છે! આઝાદી મળી ત્યારથી ગાંધી વિચારના બીબાંઢાળ પ્રચાર પ્રસારના નામે દેશભરમાં એટલો અતિરેક ફેલાયો છે કે ‘ગાંધી એટલે કંટાળો’ એવું સમીકરણ બચપણથી જ ચપોચપ ફિટ બેસી જાય છે!
ગાંધીવાદીઓ શ્રોતાઓ દેખી ભૂરાંટા થાય છે. ખાસ કરીને નવી પેઢીમાં ગાંધીજીને પહોંચાડી દેવાની એમને જબરી તાલાવેલી હોય છે. કેટલાક ગાંધીમય ગુજરાતી (તકસાધુ) ચિંતકો ગાંધીના અંતેવાસીઓને ગળફો પડે તોય ધન્ય થઈને એના વર્ણનો ચિતરતા હોય છે. એમના બોરિંગ ઉપદેશાત્મક ભાષણો / લેખોમાં ભાગ્યે જ કોઇ જવાન શરીર ઉમળકાથી બેસે છે. લાંબીલચ આઉડેટેડ ફિલસુફી સાંભળતા / વાંચતા કાઠિયાવાડીમાં કહીએ તો ‘ઢીંઢુ પાકી જાય’… એટલે ગાંધી પ્રત્યે અણગમો ઘર કરી જાય છે!
એક વાત સફેદ દીવાલ પર કાળા કોલસાથી લખી રાખવા જેવી છેઃ ગાંધીજીની વાતો કે વિચારો રસિક નથી, મૂળભૂત રીતે જ શુષ્ક છે. અમુક અતિ ઉત્તમ તો અમુક બેહદ ફાલતુ છે. એને ‘રિ-પ્રેઝન્ટ’ કરવા માટે ‘રિ-ઈન્ટરપ્રિટ’ કરવા પડે. એમાંની કેટલીક વાતોનું સત્વ ચોક્કસ અજરઅમર છે, એની અપીલ યુનિવર્સલ છે. વિશેષ તો ઈતિહાસના નકશાના અનેક વળાંકો બદલાવી નાખનાર આ મહાત્માની જીંદગી પણ અહોભાવ કે દ્વેષભાવથી દૂર રહીને જાણવી-માણવી- સમજવી એ ભારતીય તરીકે આપણું કર્તવ્ય છે.
પણ આ બધાનું પેકેજીંગ મોડર્ન, સ્ટાઈલિશ, સ્માર્ટ એન્ડ ઈન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. ગાંધીજી આવું ન કરતા કારણ કે એમના ઓડિયન્સને સાદગી અને સરળતા પસંદ હતી. સમય એના નિત્યક્રમ મુજબ બદલાઈ ગયો છે. ઓડિયન્સ ‘લાઈવ’ છે, ફરી ગયું છે. ગાંધીવાદીઓ ‘ડેડ’ છે, ઠેરના ઠેર જ ઉભા છે. એમની કહેવાતી કર્તવ્યનિષ્ઠા માત્ર ‘આત્મરતિ’ (સેલ્ફ પ્લેઝર)ની મજૂરી માત્ર જ છે.
ભોપાલમાં એનએસયુઆઈના કેટલાક કાર્યકરોએ ‘લગે રહો મુન્નાભાઈ’ સામે તોડફોડ કરી… ગાંધીવંશના કેટલાક ડોશીમાઓએ ‘ક્યા ગાંધી ઈતને સસ્તે હો ગયે હૈ કિ ફિલ્મ જૈસે ઘટિયા માઘ્યમ કા સહારા લેના પડ રહા હૈ?’ મતલબની કંઈક કોમેન્ટ કરી ગાંધીગીરી શબ્દ સામે વાંધો ઉઠાવ્યો!
સારું છે, રાઈટર રાજકુમાર હિરાણી- અભિજાત જોશીએ તો ‘ગાંધીગીરી’ શબ્દને રાઈટ સ્પિરિટમાં, પોઝિટિવલી અને લાડપ્યારમાં ચમકાવ્યો છે. બાકી આ તમામ સત્યનિષ્ઠ બાપુભક્તોને ખબર નથી કે અઢળક ગાંધીવાદીઓની સંસ્થાઓમાં ચાલતી ‘પવિત્ર’ (?) ગુંડાગીરી જો જાહેરમાં આવે, તો ગાંધીગીરી શબ્દને પબ્લિક કટાક્ષમાં ‘બોફર્સ’ એટલે ‘કટકી’ની જેમ વાપરી લેત!
ખાદી સંસ્થાઓના ઓઠાં તળે કેટલાક ગાંધીવાદીઓ બારોબાર જમીનો અને મશીનોનું ‘કરી’ નાખે છે… શ્રમિકોનું શોષણ કરે છે… વહેચવા માટેના ટ્રસ્ટોના વહિવટ વેપારીઓને નફો ખાઈને ‘વેંચી’ નાખે છે… શિક્ષણ સંસ્થાઓમાં કેટલાક ગાંધીજનો ચોપડા અવળા ચીતરી ઓછો પગાર આપે છે… મબલખ સરકારી ગ્રાન્ટસ અને એવોર્ડસ આરોગીને આ બધા પાછા મુફલિસીના રોદણા રૂવે છે! એક મૂલ્યનિષ્ઠ ગાંધીવાદીની કેળવણી માટેની જાણીતી સંસ્થામાં એમની ચુસ્ત કડકાઈથી વિદ્યાર્થીઓ અકળાઈ જતા… આખી જીંદગી જગતને મૂલ્યોનો બોધ આપનાર એ વડીલ એમની સંસ્થાના એક કર્મચારીને રોજીંદા સંપર્ક છતાં કશું શિખવાડી ના શક્યા, અને એ સંસ્થાના જ લાખ્ખો રૂપિયાનું કૌભાંડ કરીને લ્હેર કરે છે!
બીજી એક સંસ્થામાં શ્વેતકેશી ગાંધીવાદી સંચાલક ‘બગડેલી નવી પેઢીના વ્યભિચાર’ની ટીકા કરતા કરતા બબ્બે શ્યામકેશી સેવિકાઓ સાથે રાતદિવસનો મીઠો સંબંધ રાખે છે! ખાદીના વસ્ત્રો પારદર્શક હોઈ માદક પણ લાગે છે! મોટા ભાગના સિનિયર ગાંધીજનના પુત્રો- પૌત્રો- પૌત્રીઓ ઈત્યાદિ દેશમાં રહેતા જ નથી. વિદેશમાં સેટલ થયા હોય છે અથવા કોઈ ભળતા જ આઘુનિક પ્રોફેશનમાં શહેરી જીંદગી જીવે છે. આ બધા સમાજના સંતાનોને સંયમી અને સાદા બનવાનું કે રેંટિયો કાંતવાનું કહે, એ કોને ગળે ઉતરે? અચરજ તો એ વાતનું છે કે ‘અકિંચનવ્રત’ધારી ઘણા ગાંધીવાદીઓ વિશાળ જમીનમાં મોટા મકાનોમાં રહે છે. વિવિધ સુવિધાઓ સંસ્થાના નામે ભોગવે છે. તમે (અપવાદો બાદ કરતા) કોઈ પ્રસિદ્ધ ગાંધીવાદી સંસ્થાસંચાલક (કાર્યકરોની વાત નથી) ને ઝૂંપડામાં રહેતો જોયો છે?
ગાંધીવાદીઓની એક વાત માટે દાદ દેવી પડે. એ લોકો ટીકાથી ઉશ્કેરાઈ જતા નથી. શાંતિથી, વિદ્વત્તાપૂર્ણ દલીલો કરે છે. સૌમ્ય સ્મિતથી મીઠો આવકાર આપે છે. અનુકરણીય સૌજન્ય! પણ સામે બીજી વાત એ પણ છે કે આ કોઈનામાં ગાંધીનો ‘અભય’ ઉતર્યો નથી. ગ્લોબલાઈઝેશનથી કન્ઝયુમરિઝમ અને સેક્સથી લવ સુધીની વાતોને જડમૂળથી વખોડનારાઓ એમના જ પરિચિતોના, સંસ્થાઓના વિવાદો, કૌભાંડો, ટાંટિયાખેંચ, દાવપેંચ, ભૂલો, ભ્રષ્ટાચાર બધા અંગે સૌજન્યના વરખ તળે ભેદી મૌન સેવે છે. ત્યાં પડકાર ફેંકવાની એમની હામ નથી!
કાંકરામાંથી હીરા તરીકે ગોઠવાઈ ગયેલી આવી વિભૂતિઓના પ્રતાપે (ખરેખર તો પાપે) ગાંધી સાથે દંભ જોડાઈ ગયો છે. મૂળ તો ન બદલાવાની જીદ આ પાછળ જવાબદાર છે. એસેપ્ટ રિયાલિટી. ગાંધીગીરીના મૂળ તત્વો બરકરાર રાખી, બાકીનું જરીપુરાણ સડિયલ ખોખું ફગાવી દો… ભાવનાઓં કો સમજો!
‘લગે રહો’ ફિલ્મમાં એક ઘૂળ ખાતા પુસ્તકાલયમાં જતા મુન્નાભાઈને એક ભાવુક વૃઘ્ધ કર્મચારી હોંશે હોંશે ગાંધીસાહિત્ય પીરસે છે, એટલે મુન્નાભાઈના મગજમાં ગાંધીજીની એન્ટ્રી થઈ જાય છે. હકીકત શું છે? એકથી વઘુ વખત થયેલો જાતઅનુભવ કહે છે કે અમદાવાદમાં ગાંધીસાહિત્યનો ગઢ ગણાતી સંસ્થામાં કોઈ આવા ફિલ્મી હરિરામ નથી! ત્યાં પણ થોથાઓ ઘૂળ જ ખાય છે… પણ રડયોખડયો કોઈ પગ મૂકે તો એને પોંખવામાં નથી આવતો… ઉદાસીન અને સુગાળવા ચહેરે પરાણે જવાબ અપાતો હોય એમ કબાટોની દિશા ચીંધાડી દેવાય છે. ઉપર પડેલા કરોળિયાના જાળા બાઝેલા પુસ્તકો ગ્રાહકને આપવા માટે કોઈ આવતું નથી. જાતે ટેબલ લઈને હાથ કાળા કરો! કશું માર્ગદર્શન નહિ!
માત્ર કોઈ બૂક સ્ટોરનું વિઝિટિંગ કાર્ડ કે સંસ્થાનું લેટરપેડ બતાવો તો ૨૫ ટકા ડિસ્કાઉન્ટ, અને કોઈ કોલેજીયન હજારોના પુસ્તકો પર્સનલ કલેકશન માટે લે, તો ફકત ૧૦ ટકા ડિસ્કાઉન્ટ! ઉસ્તાદો ગાંધીસાહિત્ય લેવા માટે બનાવટી સંસ્થાનો સહારો લઈ ‘ઘાલમેલ’ કરે છે! જો ઘેર ઘેર ગાંધી પહોચાડવા હોય તો ખરેખર સામાન્ય ગ્રાહકને સંસ્થાથી વિશેષ વળતર જ નહિ, આહલાદક અભિગમ પણ આપવો પડે.
એની વે, કેવા સુધારા જોઈએ એ અલગ વિષય છે. પણ ચિંતાનો વિષય એ છે કે પ્રોફેશનલ સેટઅપમાં જેટલો પ્રેમ કે ભાવ છલકાય, એટલો ય ટ્રસ્ટીશિપ અને સદ્ભાવના ગાંધીવાદીઓના સેટ અપમાં દેખાવ પૂરતો ય ડોકાતો નથી! સેવાભાવના પણ નહિ! ઈટ્સ બિગ ફેઈલ્યોર!
એટલે સ્તો, પેઢી દર પેઢી લોકો ગાંધીથી દૂર થતા ગયા… ‘આજે ગાંધીજી કેટલા પ્રસ્તુત?’ની ડિબેટ જ વાહિયાત છે. ‘આજે લિંકન કેટલા પ્રસ્તુત?’ ની રાષ્ટ્રવ્યાપી ચિંતા કરી મહાસત્તા અમેરિકામાં વારતહેવારે થયા કરે છે? ‘આજે શેકસપિયરની કેટલી જરૂર?’ એવું બ્રિટનમાં આંદોલન ચાલે છે?
દરેક કાળખંડને પોતાની ક્ષમતા અને જરિયાતો મુજબના મહાનાયકો હોય છે. ‘ઓથેલો’ પરથી ‘ઓમકારા’ બને, કે આપોઆપ જ શેકસપિયરનું ચિરંજીવીપણું સિઘ્ધ થઈ જાય. પણ એનો અર્થ એવો કે આજનું દરેક નાટક શેકસપિયરિયન સ્ટાઈલમાં જ લખાવું જોઈએ? કે શેકસપિયરના જ નાટકો સિવાય બઘુ વાહિયાત ગણાવું જોઈએ? કે બદલાતા સમય મુજબ શેકસપિયરની ભાષામાં કશા ફેરફાર જ ન થાય? નવી પેઢી સુધી પહોંચવું હોય, તો પહેલા એમને ગમતા આનંદો સુધી પહોંચો. એમની લેંગ્વેજને પકડો.
બાળકબુઘ્ધિ વાંકદેખાઓ કહે છે કે ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મમાં તો ગાંધીગીરીના નામે ટપોરીગીરી છે, ગાંધીજીનો અસલી આત્મા દુભાય એવી રજુઆતો છે…. ભલાદમી, તો સીધેસીધા અસલી ગાંધી જ બધાને ખપતા હોત, તો એ ભૂલાયા જ ન હોત!
ફિલ્મથી બે વાત સિઘ્ધ થાય છે. એક ગાંધીજીની જે ભૂલવા જેવી ફાલતુ વાતો હતી, એને પરાણે વળગવાને બદલે તત્કાળ પડતી મૂકો. દાટી જ દો. ખોટે ખોટા તર્કથી એના લલ્લુ જેવા બચાવ ન કરો. (જેમકે, અર્થનીતિ, વિદેશનીતિ, બ્રહ્મચર્ય, દારૂબંધી, ચિકિત્સાવિરોધ,શુદ્ધ અહિંસા વગેરે) જેટલું આજે ચાલે તેમ છે, તેટલું જ લો અને એમાં ય ‘મોડિફિકેશન’ કરો! ઉત્ક્રાંતિનો એને લાભ આપી, અપડેટેડ વર્ઝન બનાવો. બીજું, ગાંધી નામના ઐતિહાસિક મહામાનવને શરમ કે શંકાને બદલે ગર્વ અને ગરિમાથી યાદ કરી એમને નવીન રીતે રજુ કરતા- સ્વીકારતા શીખો. આજના જીવન મુજબ એનું આઘુનિક અર્થઘટન કરો.
ફિલ્મથી કોઈ કયારેય રાતોરાત બદલાતું નથી. ગાંધી સાહિત્યના પુસ્તકો, પ્રવચનો કે એટનબરોની ગાંધી ફિલ્મથી કેટલા બદલાયા? સુધર્યા? શીખ્યા? પણ આ ફિલ્મને લીધે આખી એક પેઢીમાં ગાંધી માટે આકર્ષણ પેદા થયું, જે અત્યાર સુધીના પુસ્તકો, પ્રવચનો, ડોક્યુમેન્ટરીઝ, સિરિયલ્સ, નાટકો, પ્રોજેકટસ, સ્પર્ધા, પ્રાર્થના અરે ગાંધીવાદી સંસ્થાનાં સંપર્ક – કેળવણીથી પણ નહોતું થયું! ધેટસ ધ પોઈન્ટ.
ગાંધીજીને ન ગમે એવી ભાષામાં કહીએ તો હવે ગાંધીપ્રેમનો ‘લવારો’ બંધ કરીને પ્રિય ગાંધીજનોએ પાણી ભરવા માટે એક ઢાંકણી શોધી લેવી જોઈએ… એ તમામ નાપાસ થયેલા જ હતા, આ તો રિઝલ્ટશીટ હવે આવી છે!
ફાસ્ટ ફોરવર્ડ
‘આખી જીંદગી જે માણસે નાણાંનો વિરોધ કર્યો, એને અંતે આપણે ત્યાં જ ચીપકાવી દીધો!’ (‘મુસાફિર’ ફિલ્મમાં સંજય દત્તનો સંવાદ)
=======
* આ અદભૂત વક્તવ્યમાં ગાંધીજી ઈશ્વર અને સત્ય વિષે વાત કરે છે. અચૂક આખું સાંભળવા જેવું. શક્ય હોય તો આંખ મીંચીને , નીરવ શાંતિમાં. ખલેલ વિના.
* આ ટચૂકડી સ્પીચ જર્મનીમાં અપાયેલી છે.
*આ છે ગાંધીજી એક મુલાકાત {ખાસ નોંધવા જેવું છે કે પ્રશ્નોની ગુણવત્તા આપણી ‘બ્રેકિંગ ન્યુઝ’બ્રાન્ડ ચેનલો જેવી જ છે 😛 છેલ્લે ગાંધીજી શું કહે છે એ સાંભળો 😉 }
* આ છે ઓરિજિનલ રંગબેરંગી , ઉપ્સ, શ્વેત-શ્યામ ગાંધી…રંગબેરંગી તો બેકગ્રાઉન્ડ છે. બાપુનો રંગ બદલાયો નથી ! 😀
* અને આ છે હત્યાના ૪૮ કલાક અગાઉ એમના લાક્ષણિક ગુજરાતી લઢણમાં બોલાયેલા હિન્દીમાં ભારત- પાકિસ્તાન અંગેના થોડા વિચારો. ગાંધીજીના અવાજમાં પડઘાતી શાંત સ્વસ્થતા નોંધવા જેવી છે…અને છેલ્લે બાપુ લાંચ પર બોલ્યા છે !
*અને છેલ્લે ‘લગે રહો મુન્નાભાઈ’માંથી ગાંધીવાદીઓ માટે એક સંદેશ :