RSS

Daily Archives: September 25, 2011

‘સાથીયા’નો સંદેશોઃ લવસ્ટોરીમાં લગ્નનું પ્રકરણ છેલ્લું કે પહેલું?

લાડવાવાળા લેખમાં પ્રોમીસ કરેલું કે નેક્સ્ટ થોડુંક ડીપમાં જશું આ ટોપિક પર. મીન્સ, લાડવાની નહિ,  મેરેજની રેસિપી પર. મને જ નહિ, મારાં કેટલાક જુના અને સજ્જ વાચક-વાચિકાઓને ખૂબ ગમેલો આ લેખ (lol મારી એક ફાસ્ટ ફ્રેન્ડ તો આ લેખને લીધે જ મને કેઝ્યુઅલીને બદલે રેગ્યુલરલી વાંચતી થઇ હતી! વર્ષો બાદ મળી ત્યારે હાથને બદલે સાથીયાવાળો આ લેખ જ માંગેલો 😀 ) હવે તો પુસ્તક “પ્રીત કિયે સુખ હોય”માં છે જ. પણ આજકાલ ખૂબ ચર્ચાતા લવ મેરેજની નિષ્ફળતાઓ કે ઓવરઓલ દામ્પત્યમાં ઘટતી જતી મેચ્યોરીટીના મુદ્દાની એમાં સહજ છણાવટ છે.

ઘણી વાર હું ફિલ્મ જોઉં ને એ મને અનહદ ગમે તો મારી સિસ્ટમમાંથી એ ઝટ બહાર ના નીકળે. લોહીમાં ભળેલા આલ્કોહોલની જેમ એને થોડો સમય આપવો પડે – ને હેંગઓવરથી ફાટ ફાટ થતા દિમાગના લબકારા એના પર કશુંક લખીને શાંત કરવા પડે. ૨૦ ડિસેમ્બર, ૨૦૦૨માં મમ્મીના નિધન પછી માંડ લાઈફ ટ્રેક પર આવી હતી, ત્યારે સાથીયા એકલા જ રાજકોટ બપોરના શોમાં (કોઈ સાથ વગર :P) જોયું. ધારણા કરતા અનેકગણું સુંદર પિક્ચર. ઘેર આવીને આ લેખ સપાટાબંધ લખ્યો ત્યારે જ કળ વળી.

હું ઘણું બધું ફિલ્મોમાંથી સાહજીક રીતે શીખ્યો છું. જેમ કે, દામ્પત્યની સમજ પણ. આજે ય ઓલમોસ્ટ દસકા પછી, મારાં મેરેજલાઈફ વિશેના બેઝિક વિચારો તો આ જ રહ્યા છે. આસપાસનો માહોલ જોઈને લાગે છે કે ક્યાંક વગર પરણ્યે આનું કાઉન્સેલિંગ (ને એનું સેલિંગ lolzzz) શરુ કરી દઉં 😉 દિવસે દિવસે લોકો પ્રેમલગ્ન અને લગ્નપ્રેમ બાબતે વધુને વધુ ક્લુલેસ થતા જાય છે. આના પર મેં આમ પણ બહુ લખ્યું છે, ને માત્ર લખતો જ નથી..ક્યાંક મારામાં ઊંડે ઊંડે ધરબાયેલા અંગત વિચારોનું જ એ પ્રતિબિંબ છે. પરિવાર ખાતર મન મનાવીને લગ્ન તો થાય છે, લવ થયા પછી મેરેજ એ બહુ વિચારવા જેવી બાબત નથી, પણ કોઈની જીન્દગી સાથે કાયમી જોડાવાના નિર્ણય પહેલા થોડુંક વિચારવા જેવી તો છે જ. ને એ થોડુંક અહીં છે.

તો વાંચો. ઉપ્સ, સમજો. એ વખતે લેખની ઉપર મેં કેપ્શન આવું મુકેલું : ‘બોક્સ ઓફિસ’ નહિ પણ ‘બ્રેઈન ઓફિસ’ની દ્રષ્ટિએ વિતેલા વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો સાર એટલે ‘ફિરદૌસ’ (સ્વર્ગ) શોધતા ‘બંજર’ (વેરાન) મળવાની વેદના!

***

પ્રેમકથાઓ લખાય છે. ખૂબ વંચાય છે. રોમેન્ટિક ફિલ્મો બને છે. એ પણ ખૂબ જોવાય છે. પ્રેમની કહાણીઓ પરીકથા જેવી હોય છે. લવસ્ટોરી કિતાબમાં હોય કે કેમેરામાં- એ જો સુખાંત હોય તો એનો અંત બે પ્રેમી પંખીડાઓના લગ્ન સાથે આવે છે. શરણાઈઓ ટહૂકે છે, ઢોલ ઢબૂકે છે. મિયાં-બીબી જગતકાજીઓને રાજી કરી હાથમાં હાથ નાખીને ફેમિલી ફોટોમાં મહેકે છે. જો એન્ડ સેડ હોય તો વિરહની વેદનામાં કે મિલનના મૃગજળ પાછળ બે પ્રેમીજનો જીવવા-મરવાના ઝાઝેરા જુહાર કરી, લગ્નને ભૂલી મોતમાં મગ્ન થઈ જાય છે.

ઈન એની કેસ, મોટા ભાગના પ્રેમસંબંધનું અંતિમ લક્ષ્ય છેઃ લગ્ન! જો પ્રેમમાં પડયા પછી લગ્ન થઈ ગયા તો સારુ. ન થયા તો ખરાબ. જો લગ્ન થઈ જાય તો મિલ્સ એન્ડ બૂનની પ્રેમકથાઓની સ્ટાઈલમાં ‘એન્ડ ધે લિવ હેપીલી એવર આફટર…’ લખાઈ જાય છે. પછી સમાજને એ પ્રેમી યુગલમાંથી રસ ઓછો થઈ જાય છે. લગ્ન ન થાય તો ‘અફસાના’ને મંઝિલ ન મળી એવું માની કોઈ નિરાશ પ્રેમી હાર્ટના થાઉઝન્ડ થાઉઝન્ડ પીસીઝ કલેકટ કરતો કરૂણ ગીતો ગાય છે. કોઈ વળી દિલ તૂટયાના બદલામાં રૌદ્રરસમાં આવી, હાથમાં છરી લઈ બેવફા કે મજબૂર પ્રિયજનનું સાચ્ચેસાચું દિલ જ કસાઈની ક્રૂરતાથી ચીરી કાઢે છે.

પ્રેમમાં સાથે મરી જવું કે મારી નાખવું બહુ સહેલું છે. અઘરું છે સાથે જીવવાનું.

કદી વિચાર્યું છે કે ‘ખાઘું, પીઘું અને રાજ કર્યું’ વાળા વાસ્તવિક કે કાલ્પનિક કિસ્સાઓમાં ખાધા, પીધા અને રાજ (કે તારાજ!) કર્યા પછી શું થતું હશે? હીર-રાંઝાએ જીવતા રહીને લગ્ન કર્યા હોત, તો હીર દળણું લઈને ચક્કીએ જતી હોત? રાંઝા ત્રણ દિવસે આવતા નળમાંથી પાણીની ડોલ ભરતો હોત? રોમિયો- જુલિયેટની આડે વડિલો ન આવ્યા હોત, તો જુલિયેટ ટયુશન કરતી હશે? રોમિયો કાળા ચામડાની બેગ લઈને સેલ્સમેનશિપ કરવા નગરી નગરી દ્વારે દ્વારે બસયાત્રા કરતો હશે? શીરીં- ફરહાદનો સંસાર વસ્યો હોત, તો શીરીં ઈડલીનો આથો નાખતી હશે? ફરહાદ ટેલિફોનનું બિલ ભરવા લાઈનમાં ઉભો હશે? લૈલા-મજનૂ જન્નતને બદલે આ જહાનમાં જ સાથે જીવ્યા હોત તો લૈલાએ કછાટો વાળીને સાવરણીથી કરોળિયાના જાળા પાડયા હોત? મજનૂ શિક્ષકની નોકરી કરવા માટે ટ્રસ્ટીઓને લાંચ આપવા લાગવગની ચિઠ્ઠી લઈને ફરતો હોત?

આવા વિચારો કદાચ ભારતભરના સર્વશ્રેષ્ઠ ફિલ્મસર્જક મણિરત્નમને આવ્યા, અને એમણે ટેલેન્ટડ એકટર માધવનને લઈને એક તામિલ ફિલ્મ બનાવી કાઢી. નામઃ ‘અલાઈ પાયુથે.’ આ સુપરહિટ ફિલ્મને હિન્દીમાં ઉતારવા માટે મણિભાઈએ પોતાના પટ્ટશિષ્ય એવા નવજુવાન શાદ અલીને છૂટ્ટો દોર આપ્યો. આ લખનાર કરતાંય નાના એવા ૨૬ વર્ષના દૂધમલિયા જવાન શાદ અલીએ પ્રેમકથાઓના પિતામહ યશ ચોપરા પાસે ફાઈનાન્સ માંગ્યું. અને સ્કૂલટાઈમ ફ્રેન્ડસ વિવેક ઓબેરોય તથા રાણી મુખરજીને લઈને શરૂ કરી ફિલ્મ સાથિયા.

ખુદ મણિરત્નમની જ ઓરિજીનલ કથા અને નવોદિત લેખક માટે ટેકસ્ટબૂક ગણાય એવી અફલાતૂન પટકથા તૈયાર હતી. એને નવા રંગરોગાન પણ વળી ગુલઝાર જેવા જીનિયસે કર્યા છે! એમાં રહેમાનનું સંગીત ભળ્યું છે. સડકછાપ ‘કાંટે’ કરતા એ એટલે જ સારી છે. ‘દિલસે’માં મણિભાઈના ચીફ આસિસ્ટન્ટ રહી ચૂકેલા શાદકુમારે ગુરૂજીની ક્રાફ્‌ટ ફ્રેમ ટુ ફ્રેમ અપનાવી જાણી છે.

કમ બેક ટુ સાથીયા ટ્રેક. તો વાત એ , ચાલતી હતી કે લગ્ન યુવક-યુવતીની પ્રેમકહાણીનું અંતિમ પગથિયું છે? ટોચનું શિખર છે? કે પછી લગ્નથી આખી વાતના અંતને બદલે નવી કથાની શરૂઆત થાય છે? એક નવી પર્વતમાળાનું આરોહણ થાય છે? અગાઉ બાસુ ચેટરજી કે જે ઓમપ્રકાશ જેવા નિર્દેશકોએ આ સવાલો ઉઠાવતી ફિલ્મો બનાવી છે. આ સાથીયાની વાત જ ઓર છે.

કારણ કે, સાથીયાની રજૂઆત ઘરેડ બહારની છે. તરોતાજા છે. એમાં આજના મઘ્યમવર્ગીય કપલની જીંદગી પર ફોકસ છે. બોલકા સંવાદોને બદલે એમાં દરેક દ્રશ્ય બોલે છે! કશી ભાષણબાજી વિના હળવેથી કશું કહ્યા વગર જ બઘું કહી દેવાયું છે. માટે જ સીધા ઉપદેશથી ટેવાયેલા ઓડિયન્સને આ ધીમી ગતિનું ઝીણવટભર્યુ નકશીકામ હજમ થતું નથી!

એવી શું વાત છે ફિલ્મમાં? કશું નવું નથી. એ જ કે જે રોજ આજુબાજુ બને છે. અપર મિડલ ક્લાસનો યુવક લોઅર મિડલ ક્લાસની કોલેજીયન યુવતીને મળે છે. સાહજીક આકર્ષણ પ્રેમમાં પલટાય છે. જાતભાતના આકાશી વાયદાઓ અને કસમોનો દૌર ચાલે છે. અંતે યુવતીને પણ પોતાનું ખેંચાણ સમજાતા પ્રેમની કબૂલાત થાય છે. વઘુ પડતા તર્કથી એ પ્રેમને મૂલવવા બેસે ત્યારે મોટી બહેન સિમ્પલ સોલ્યુશન આપે છેઃ ‘પસંદ છે? જો હા, તો ઝાઝું વિચાર નહિ. પરણી જા. પ્રેમ હશે તો પ્રોબ્લેમ્સ આવશે, ત્યારે ઉકલશે. પ્રેમ નહિ હોય તો નહિ હોય ત્યાંથી પ્રોબ્લેમ્સ ઉભા થશે!’

મા-બાપનો વિરોધ છે. ભાગીને- છૂપાઈને લગ્ન થાય છે. હવે જવાબદારીમાંથી છટકવાનું શક્ય નથી. આ કંઈ એકતા કપૂરની ટી.વી. સિરિયલ્સ નથી કે લગ્ન થાય એટલે બાવીસ વારની રેશમી સાડી અને બે કિલોના ઘરેણા ઠઠારી મહેલોમાં મહાલવાનું હોય! આ તો જીંદગી છે. એમાં નાનકડું ભાડાનું મકાન અને તાણીતૂસીને વસાવેલી ઘરવખરી છે. જીવવા માટે રૂપિયા કમાવા પડે છે. રૂપિયા કમાવા માટે કામ કરવું પડે છે. એકબીજાની દરકાર લેતા લેતા પોતાનો સંઘર્ષ કરવો પડે છે.

લાઈફ ઈઝ નોટ ઈઝી. જીવન જરાય સરળ નથી. જીવનમાં કશું કાયમી નથી. પ્રેમ પણ નહિ. જે અનુભવો મળે, એ કુદરતી લાગણીઓનું ઘડતર કરે છે. આ લાગણીઓની આધારે દોરવાઇને એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે કે, જેનાથી જીંદગીની દિશા બદલાઇ જતી હોય!

આજકાલ સેલિબ્રિટી કપલ્સના છૂટાછેડાની વાતો વાંચીને જાત જાતના તારણો નીકળવા લાગ્યા છે. કોણ જાણે કેમ – ઉપરથી પવિત્ર દેખાવાનો દાવો કરનાર ભારતીય સમાજ અંદરથી એટલો વાસનામય છે કે કોઇ કહે કે ન કહે એ પહેલા જ દરેક છૂટાછેડા પાછળ જવાબદાર સ્ત્રી કે પુરૂષના ‘આડા સંબંધો’ને અપરાધીના પાંજરામાં ઉભી કરી દેવાય છે. ડાઇવોર્સ લેવાય ત્યારે (ગેર) જવાબદાર એવી સ્ત્રી કે પુરૂષનું લફરૂં હોય જ, અને એ જ કારણભૂત હોય – એમ સ્વીકારીને જ ડાઈવોર્સ પર ટીકા ટિપ્પણ થાય છે! કોઇ આ સિવાયના પાસા પર વિચારવા કે એ સ્વીકારવા તૈયાર નથી થતું. રમૂજમાં કહેવાય છેઃ ‘છૂટાછેડા પાછળનું સૌથી મહત્વનું કારણ છે લગ્ન!’ અહીં સચ્ચાઇ પણ છે. આડા ઉભા સીધાત્રાંસા સંબંધો સિવાય પણ સહજીવન ખુદ જયારે કાયમી બને ત્યારે અવનવી સમસ્યા ઉભી કરે છે.

આવું એરેન્જડ મેરેજમાં પણ થાય છે. પણ લવ મેરેજમાં એની તીવ્રતા વઘુ હોય છે. મા – બાપે ગોઠવેલા લગ્નોમાં સમાજની સાક્ષી અને મંજૂરીનો છૂપો ભાર દંપતીને પરાણે પણ સમાધાન તરફ ખેંચે છે. પ્રેમલગ્નો તો સમાજ – કુટુંબ સામે ક્રાંતિ કરીને થયા હોઇ, બન્ને પાત્રો રંગમંચ પર મોટેભાગે એકલા રહી જાય છે. પ્રેમમાં હોઇએ ત્યારે પોતપોતાને ઘેરથી સજીધજીને પાર્કમાં કે થિયેટરમાં મળવાનું હોય છે. ખોળામાં માથું અને વાળમાં આંગળીઓ પરોવી સપના જોવાના હોય છે.

લગ્ન પછી ‘પેકેજીંગ’ નીકળી જાય ! હવે ન્હાયા, તૈયાર થયા વિનાનું પ્રિયજનનું બદન પણ સામે આવે છે. પહેલા પણ ગુસ્સો આવતો, પીડા થતી. એ ખાનગીમાં થતી. એકલા થતી. ઘરની વાતો ઘેર દાટીને પલાયન કરવા પ્રિયજનો સાથે પ્રેમાલાપ કે ‘ફોનાલાપ’ કે ‘ચેટાલાપ’ હતો. જાણે બધા દુઃખોનું સોલ્યુશન પ્રેમી સાથે જીવવામાં હોય એમ ‘ચલો ઇસ દુનિયા સે દૂર આપના ઘર બસાયે’નું ખ્વાબ આવતું.

મૃત્યુ સિવાય આ દુનિયાથી દૂર કોઇ સ્વર્ગીય ટાપુ નથી. જે છે એ આ જીંદગી છે. લગ્ન પછી તમારી અંગત નબળાઇઓ પણ તમારા લાઇફ પાર્ટનર સાથે શેર કરવી પડે છે. એન્ડ વાઇસે વર્સા. અત્યાર સુધી કેવળ પ્લસ પેઇન્ટસ જ હાઇલાઇટ થયા હતા. હવે માઇનસ પોઇન્ટસ ઉજાગર થવા લાગે છે. એ અણધાર્યુ છે. અપેક્ષાભંગ કરનારૂં છે. ઐશ્વર્યા રાયની બ્યુટી પત્ની તરીકે મળી હોય, તો ઐશ્ચર્યા પણ ઉલિયું કરવાની છે. સવારે એના મોઢામાં પણ થૂંક ઉભરાઇ શકે છે. હ્રીતિક રોશનની પર્સનાલિટી પતિ તરીકે મળી હોય, તો હ્રીતિકને પણ ગંધાતી ઉલટી થઇ જાય છે. એને પણ પેટમાં ગેસ થતાં વાછૂટ થાય છે. ધેટસ રિયાલિટી!

બ્યુટી અને પર્સનાલિટી ખૂબ ખૂબ ગમતી વાત છે. અને એને ઘણું ઘણું મહત્વ અપાવું જ જોઇએ. પણ ૨૪ કલાકો અને ૩૬૫ દિવસો કાઢવા માટે આટલું જ પૂરતું નથી. સતત સહવાસ અને સારા – નરસા પાસાના પરિચય પછી પતિ – પત્ની હંમેશા મિત્રો – સંબંધીઓ – ઓફિસથી ભાગી શકે છે, પણ એકબીજાથી નહિ! સેકસલાઇફ પણ રૂટિન બને છે. બન્નેને એકબીજાની આદત પડતી જાય છે બંને એકબીજાને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેતા જાય છે.

ભારે નજાકતથી સાથીયામાં આ પાસું ઉઘાડાયું છે. અગાઉ પ્રેયસીનો ચહેરો જોઈને એનો મૂડ પારખનાર પતિ હવે ઘેર આવીને પત્નીનો દિવસ કેવો ગયો હશે, એનો અંદાજ પણ લગાવી શકતો નથી! કલાકો સુધી પ્રેમીની રાહ જોનારી અભિસારિકા પત્ની થયા બાદ દસ મિનિટ મોડું થતા અકળાઈ ઉઠે છે.

આકાશના તારાઓ તોડવાની વાયદાઓથી રસ્તામાં કાંટાઓ પણ વીણાતા નથી! ખબર પણ ન પડે એમ અંતર વધતું જાય છે. એમાંય આર્થિક – કૌટુંબિક ટેન્શન હોય તો પછી નિદાફાઝલી કહે છે તેમ :

 

કચ્ચે બખિયે કી તરહ રિશ્તે ઉઘડ જાતે હૈ

લોગ મિલતે હૈ મગર મિલ કે બિછડ જાતે હૈ

યૂં હુઆ, દૂરિયાં કમ કરને ગે થે દોનોં

મગર રોજ ચલને સે ભી તો રસ્તે ઉખડ જાતે હૈ

છાંવ મેં રખ કે હી પૂજા કરો યહ મોમ કે બૂત

ઘૂપમેં અચ્છે ભલે નકશે બિગડ જાતે હૈ!

 

સંજોગોની ગરમીમાં રૂપાળી રંગીન મીણબત્તીઓ ઓગળવા લાગે છે. પછી હળવી મજાકમાંથી હળવી નફરત આવે છે. ઈર્ષા અને સંદેહનો દૌર ચાલુ થાય છે. એકબીજાને સમજવાને બદલે પોતાનો કક્કો ખરો કરવાની જીદ આવે છે. અને પોતાના જીવનની દરેક બાબત માટે અંતે જીવનસાથી એકબીજાને દોષ દેવા લાગે છે. વાંક કાઢે છે.

સાથીયાના યુવાસાથીઓ સાથે આમ જ બને છે. પણ હજુ સાવ ભંગાણના મુદો આવે એ પહેલા એક ઘટના બને છે. એક સાથી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાય, ત્યારે બીજા તડપે એ કલાઈમેકસ ઘણાને ચવાયેલો લાગશે. કેટલાક પિત્તળભેજાઓને એમાં શાહરૂખ – તબૂની હાજરીનું રહસ્ય પણ નહિ સમજાય! પણ લેખક – દિગ્દર્શક ભારે અસરકારકતાથી સામાન્ય દ્રશ્યોમાં અસામાન્ય સલાહ આપી દે છે.

નાયિકા રાણીને તબૂથી એકિસડન્ટ થાય છે, ત્યારે તબૂનો પતિ શાહરૂખ ગભરાયેલ પત્નીને આશ્વાસન આપે છે. એની પડખે ઉભો રહે છે. એણે કરેલા એકિસડેન્ટનું આળ પોતાના માથે લઈને રાણીની સારવારની તજવીજ કરે છે. ત્રસ્ત પતિ વિવેકને રાણી ગુમાવ્યા બાદ મૂઈ ભેંસના મોટા ડોળાની જેમ એનો ખાલીપો વર્તાય છે. બંનેને પોતાનો હરખ વહેંચવા માટે એક સાથીની અઘૂરપ હતી, માટે તો રાણી – વિવેક એકબીજાને મળવા ખુશ થઈ ભાન ભૂલી દોડયા હતાં.

આપણું સ્વજન મરણપથારીએ પડે પછી જ અચાનક આપણને આંચકો લાગે કે, ‘આહાહા, આ વ્યકિતને તો હું કદી ગણકારતો જ નહિ, પણ આ વ્યકિતએ તો મારા માટે કેવું અણમોલ કામ કરેલું!’ અને ઉપેક્ષાની રાખ નીચે, કારકિર્દીની ભૂખ નીચે, આકાંક્ષાઓની પાંખ નીચે ઢબૂરાયેલો પ્રેમનો તણખો પ્રજ્જવલિત થઈ તમને ખુદને ઓળખવા માટેની રોશની આપે છે.

‘સાથીયા’માં કોઈ સંવાદો માત્ર શાહરૂખને ઉકળાટ વિના પત્નીની કાળજીભરી સંભાળ લેતો જોઈને વિવેકને ‘લગ્નપ્રેમ’નું ઝળહળતું સત્ય સાંપડે છે : ‘‘એકબીજાને દોષ દેવા નહિ, પણ એકબીજાની ભૂલો કે દોષ પણ પોતાના માથે ઓઢી લેવા એનું નામ સહજીવન છે! – સામાનો દોષ દલીલોથી સાચો સાબિત કરવાને બદલે, સહજતાથી એને સ્વીકારવા – માફ કરવા અને જરૂર પડે વિના પ્રયત્ને એ પોતાના પર લઈ લેવાની જે તીવ્ર સંવેદના છે – એનું નામ પ્રેમ છે.’’

માટે જ પ્રિય વાચકો, ‘સાથીયા’ એક યાત્રા છે. આકર્ષણથી પરિપકવતા સુધીની કુદરતી વિકાસની માનવયાત્રા ! જેમા યુગલ વિચારે છે કે આપણે પ્રેમમાં છીએ’ વાળા પ્રારંભિક તબક્કાથી શરૂ કરી, ‘યુગલ શોધી કાઢે છે કે પ્રેમનો સાચો મતલબ શું છે’ વાળુ ગિરિશિખર આવે છે. જીવન ‘અનપ્રેડિકટેબલ’ છે, અને લગ્ન પણ એમાં છાપરે ચડીને કશાની ઘોષણા ન થાય છાતી ઠોકીને કશી આગાહી ન થાય.

આવો લેખ લખ્યા કે ફિલ્મ બનાવ્યા પછી પણ લગ્ન અને જીવનના એકસપર્ટ થઈ ગયા છીએ, એવા ભ્રમમાં ન રહેવાય….! પણ એટલુ જરૂર યાદ રખાય કે નર – નારીના યુગ્મને કોણ એકબીજા સાથે જોડી રાખે છે? ઘેરથી ભાગવાનો રોમાંચ ? કાયદો ? ધાર્મિક રીતરિવાજ ? સંસ્કાર ? લગ્નનો દસ્તાવેજ ? કાર્ડસ ? ગિફટસ ? ફૂલોના બૂકે?

જવાબ છે : પ્રેમ!

ફાસ્ટ ફોરવર્ડ

લગ્ન કરવાના ઉદેશ માટે સુંદર શરીર જોઈએ, અને ટકાવવાના આદેશ માટે સુંદર મન!


***


ઓકે…નાઉ ઈટ્સ ટાઈમ તો હેવ સમ ફન . રહેમાન જેવા ઓલમોસ્ટ સર્ટિફાઈડ જીનીયસ કોપી કરે? હા,. ક્યારેક તો ભલભલા લલચાઈ જાય. નોન ક્રિએટીવ માણસોને એ નહિ સમજાય. એ એક પ્રકારનું ખેંચાણ હોય છે (આપણે પ્રોફેશનલ નક્લચીની વાત નથી કરતા). સાથીયાનું આ હજુ ય ફેમસ સોંગ સાંભળો.


અને હવે બેકસ્ટ્રીટ બોયઝનું આ ચકાચક ધનાધન , એક જમાનાનું મેગા ચાર્ટબસ્ટર સોંગ સાંભળો. હોરર ફિલ્મ જેવા સેટ અપમાં એની કોરિઓગ્રાફી પણ બેનમૂન છે. આ ગીત મને અતિશય ગમતા લાઈફટાઈમ ફેવરિટ સોંગ્સમાં નું એક છે. રહેમાને આ ઉપર્નસ ગીતત માટે ‘પ્રેરણા’થી થોડું વધુ લીધું હોય એવું નથી લાગતું? 😛 અહીં મુકવા માટે એની લિંક શોધીને આખું સોંગ ફરી એકવાર બસ જોવાઈ જ ગયું. આ સોંગ માનવા જેવું છે. કોઈ સાથીયા હશે તો જોડે નાચવાનું મન થઇ જશે, ઓલરાઈટ? 🙂


 
25 Comments

Posted by on September 25, 2011 in cinema, feelings, romance

 
 
%d bloggers like this: