RSS

Daily Archives: September 20, 2011

લઘુમતીમાં પણ ‘લઘુમતી’ એવા ભારતીય ‘મોડર્ન મુસ્લીમ’ની વ્યથાકથા!

peace on earth by jim warren


સદભાવના ઉપવાસના આરંભે થયેલા મોદીના વ્યાખ્યાનથી આ પહેલાની બ્લોગપોસ્ટ બનેલો ગુજરાત પરનો લેખ યાદ આવી ગયો. એમ સમાપન પ્રવચનમાં ‘મેજોરીટી અને માઈનોરીટીની ભાષામાં નહિ, નાગરિકોની ભાષામાં વાત થવી જોઈએ’ એવું સાંભળીને ૨૦૦૪ની લોકસભા ચૂંટણીના પડઘમ ટાણે લખેલો આ લેખ યાદ આવી ગયો. સત્ય ‘હિંદુ’ કે ‘મુસ્લિમ’ હોતું નથી. સત્ય એ સત્ય જ છે, ને મોટે ભાગે આ એક વાનગી ખાવામાં કડવી અને પચાવવામાં ભારે હોઇને કોઈ એને આરોગીને આરોગ્ય સુધરતું નથી.

કેટલાક મિત્રોને ગુજરાતવાળો લેખ ખૂંચ્યો છે, તો કેટલાક મિત્રોને આ પણ ખૂંચી શકે છે. પણ મારો અભિગમ તો ‘લાગ્યું તેવું લખ્યું’નો જ રહ્યો છે. ટોપી ના પહેરવાથી સદભાવના હાય હાય અને ટોપી પહેરો તો સદભાવના વાહ વાહ એવું હું માનતો નથી. કોઈ મૌલાનાને સદભાવના બતાવવા ખાતર યજ્ઞોપવિત પહેરવાનું કહો તો શું પ્રતિભાવ મળે? એક બંધુએ વાજબી રીતે આવા તુષ્ટિકરણના દાયકાઓથી ચાલતા ‘કોસ્મેટિક’ જેશ્ચ્રર્સ પર રમૂજ કરી છે કે કોઈ સ્ટેજ પર જઈ કહે કે સદભાવના બતવવા માટે સુન્નત કરવો તો ખુદ મુસ્લીમો જ એને હસી કાઢે. 🙂 સલીમ ખાન સાહેબ તો કહે જ છે તેમ દાઢી-ટોપીને વળગીને ‘મેઈનસ્ટ્રીમ’થી વિઝીબલી અલગ રહેવાના જડ પ્રયત્નો પછી મુખ્યધારામાં અલગ કેમ ગણવામાં આવે છે – એવી હાયવોયનો શો અર્થ? પાકિસ્તાની ફિલ્મ ‘ખુદા કે લિયે’માં નસીરુદ્દીન શાહનો સંવાદ યાદ આવે છે. દાઢી સાથે ટોપી મુકીને વાંચી શકાય. ” દીન મેં દાઢી હૈ, દાઢીમેં દીન નહિ હૈ!”

ચૂંટણીના સ્ટંટને લીધે પબ્લીકને સારું મનોરંજન બધા પક્ષો તરફથી ઘેર બેઠા મળી રહ્યું છે. પણ રાજકારણી તો રાજકારણીની રીતે જ વર્તે ને , એમાં કોણે કેટલો પોલિટિકલ સ્કોર કર્યો એ જોવાનું હોય. લગ્ન અને શોકસભા બંનેમાં માણસો ખાસ વસ્ત્રો પહેરીને જતા હોય – પણ બેઉ ઘટના સરખી નથી. એકબીજાથી સ્વતંત્ર મુલવવાની હોય. મનોરંજક ફિલ્મમાં લોજીક શોધનારો અને પોએટિક ફિલ્મમાં કોમેડી શોધનારો મારી દ્રષ્ટિએ સમાન મૂર્ખ છે.

એનીવે, આપણે ત્યાં સેક્યુલારિઝમ એવું દંભી અને બનાવટી થઇ ગયું છે કે માત્ર એક ધર્મ કે વ્યક્તિની નિંદામાં સમાઈ જાય. એનું સત્ય સગવડિયું છે. એવું નથી કે કોઈનો જુદો મત ના હોય કે એ વ્યક્ત કરવાનો અધિકાર ના હોય. ફરાહ ખાન અલી (સંજય ખાનની પુત્રી, હ્રીતિકની સાળી) એવો મત પ્રગટ કરે કે “ગુજરાતના મુખ્યમંત્રી  હિટલર છે, ને એણે એના કર્મોની સજા મળવી જોઈએ” ત્યારે હું એની સાથે સંમત હોઉં કે ના હોઉં, એનો (મને પૂરી જાણકારી  વિનાનો આત્યંતિક લાગતો ) અભિપ્રાય પ્રામાણિકપણે અપાયેલો છે, બનાવટ નથી. એવું વટથી કહું છું. કારણ કે, એ એટેન્શન સીકર એક્ટીવીસ્ટ નથી. અને આથી અનેકગણા આકરા શબ્દોમાં જેહાદી ત્રાસવાદીઓની સતત નિંદા કરતી રહી છે. લાદેનના મોત પર માતમ મનાવતા કટ્ટરવાદી મુસ્લિમોનો એણે રીતસર તત્કાળ ઉધડો લઇ નાખ્યો હતો ને કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચારનો પણ. પાકિસ્તાનની ઠેકડી પણ એ ઉડાવે છે. આપણા બનાવટી બિનસાંપ્રદાયિકો આવું કશું કરતા નથી. ઉલટું જે કરતા હોય એને ય કરડવા દોડે છે અને પછી ઠૂઠવો મુકે છે ‘હાય રે અમને દેશદ્રોહી કહ્યા!’ ફરાહના સ્ટેન્ડમાં સાતત્ય છે, એવું અસંમત થઈને વગર ઓળખાણે કહી શકાય. બદમાશ બૌદ્ધિકો માટે એવું ના કહી શકાય. (ઓળખાણ પછી તો સાવ ના કહી શકાય lolzzz).

કારણ કે, એમાં લુચ્ચાઈ છે. ફક્ત હિન્દુઓને જ ઠમઠોર્યા કરવાનો પક્ષપાત છે. આ એક એવી માનસિકતા છે , જે ધર્મનિરપેક્ષતાના નામે ધર્મની વાડાબંધી જ અનામતની માફક મજબૂત કરે છે. એ વાચકોને પણ હિંદુ વાચકો અને મુસ્લિમ વાચકો એવા વોટબેન્ક ટાઈપ ચોકઠાંથી નિહાળે છે! – એક મિત્રે દલીલમાં “તમારા મુસ્લિમ વાચકોને આમ લાગશે – “આવું મને કહ્યું ત્યારે મને તો સજ્જડ આઘાત લાગ્યો! સેક્યુલર મુખવટા નીચે આટલી હદનું માનસિક વિભાજન? ભારતની સમસ્યાઓનું આ મહત્વનું મુળીયું છે! હઝરતબાલથી હરદ્વાર, જર્મનીના ચર્ચથી દેલવાડાના દહેરાં સુધી મને એક જ ચૈતન્યની અનુભૂતિ થાય છે, જે દાંડિયાથી ડિસ્કોથેક સુધી થીરકતા યૌવનમાં કે વરસાદી હરિયાળીથી રણની રેતી સુધીની પ્રકૃતિમાં થાય છે.  

જેમને ના થતી હોય , એ એમનો પ્રોબ્લેમ છે. મારો નહિ.  મારે માટે રીડરબિરાદર એ ઇન્સાન છે. એના લેબલથી નહિ, વિચાર-વર્તનથી  સારો કે ખરાબ છે. પ્યોર મેરીટોક્રસી ! પૂરી ફેક્ટસ અને રીઝન સાથે કોઈ ધર્મ / સમુદાયના જે -તે ઘટના સંદર્ભે વખાણ કે ટીકા થાય , એ સ્વાભાવિક ક્રમમાં પણ હું શક્ય તેટલી વખત આ તથ્ય ગેરસમજ નિવારવા વારંવાર મુકતો હોઉં છું. એની ઓળખ જે હોય તે. એને લીધે એના પ્રત્યેના પ્યારમાં હું કોઈ ભેદભાવ કદી કરતો નથી અને ૯૯% (તમામ ધર્મ-જ્ઞાતિ-દેશના ) વાચકોએ પણ કદી આવા વિકૃત ચશ્માંમાંથી મને નિહાળ્યો નથી. સત્ય અને પ્રેમથી વધુ સેક્યુલર પૃથ્વી પર શું હોઈ શકે? લુચ્ચાઈ? ગુનાખોરી? લાલચ? મોહ?

હા, એક શિક્ષક જેમ વિદ્યાર્થીને એના ભલા માટે ટપારે , એમ સતત હું જ્યાં મને જે વાત ખોટી લાગે, ત્યાં લોકો શું કહેશે, તેની પરવા વિના વિરોધમત ઉઠાવતો હોઉં છું. કહેવા જેવું દરેકને કહ્યું જ છે. જેમ દરેક ગુજરાતી હિંદુ લોહીતરસ્યો હુલ્લડખોર નથી એવું જરૂરી લાગ્યું ત્યારે એ પણ કહ્યું. અને એવા જ સ્ટીરીયોટાઇપમાં દરેક મુસલમાનને સાક્ષાત શેતાન ચીતરવાનું વધતું હોય એવું લાગ્યું ત્યારે એ પણ કહ્યું જ છે. ખાનગીમાં નહિ. ઓનલાઈન ગપ્પાબાજીમાં નહિ. પણ લાખો વાચકો ધરવતા નંબર વન અખબારની કોલમમાં. નામજોગ. ઉઘાડેછોગ. ૭ વર્ષ પહેલાનો આ લેખ એનું જ એક (એકમાત્ર નહિ!) સેમ્પલ છે. ડાહી ડાહી ગોળ ગોળ જૂઠી જૂઠી વાતો બહુ થઇ. ભારતમાં સદભાવના સાચે જ લઇ આવવી હોય તો અણગમતું અને આકરું બોલી પહેલા જે મનમાં અંદર છે, એ વ્યક્ત કરવા દેવું પડશે. માનવતાની મોટી મોટી અને સાવ ખોટી ખોટી વાતો કરનારા ક્યારેય આટલું રોકડું સત્ય હિંમતથી બોલતા જોયા છે? સંતુલન ને વિવેકનો અંચળો ઓઢીને એ લોકો ભાગી છૂટે છે!

લેખમાં ત્રણ-ચાર ભૂલો સુધારવા સિવાય કોઈ ફેરફાર કર્યો નથી. ભારત-પાકિસ્તાનની તત્કાલીન વન ડે સીરીઝ એમાં મેટાફોર તરીકે છે. જે વાંચતી વખતે આસાનીથી ઈરફાનને બદલે યુસુફ અને કૈફને બદલે મુનાફ (ઝાહિરનો વિકલ્પ હજુ ક્યા મળ્યો છે?) વિચારી તાજેતરના વર્લ્ડ કપ (એમાં પણ મેં આ જ સ્ટેન્ડ લીધું હતું ) ને યાદ કરી વાંચશો… તો સમજાશે કે સત્યના તખ્તા પર પાત્રો બદલાય છે. વિચાર નહિ. 😛

==================

ભારત-પાકિસ્તાનની વન-ડે સીરિઝ તો ખતમ થઈ ગઈ, પણ એમાંથી હિન્દુસ્તાનના ઉગ્ર હિન્દુત્વના ઠેકેદારોને લમણામાં ઝીંકી શકાય એવી વાતો બહાર આવી… જે ‘માત્ર ક્રિકેટ’ સિવાયનું જોનારાઓના ઘ્યાનમાં તરત આવે તેમ છે.

આશિષ નેહરાએ છેલ્લી ઓવર નાખી એ પહેલા જ પાકિસ્તાન જીતી જાય તેમ હતું. આ વખતે દાંત કચકચાવીને ત્રણ ઓવરો ઝાહિરખાને નાખી હતી. એ વન-ડેમાં કુલ ત્રણ વિકેટ લેનાર ઝાહિરે આગલી ઓવરમાં ૧૬ દડામાં ૨૭ રન કરનારા ડેન્જરસ અબ્દુલ રઝાકને બોલ્ડ કરેલો. પછી તો શોએબ મલિકે ઝાહિરખાનના હવામાં ફંગોળેલા દડાને સ્પાઈડરમેનની સ્ફૂર્તિથી હવામાં ઉડીને મોહમ્મદ કૈફે અસાધારણ કેચ કર્યો હતો!

એ પછીની પેશાવર વન-ડેમાં પૂરા ઝનૂનથી ત્રાટકેલા ઈરફાન પઠાણે પહેલી વિકેટ લીધી ત્યારે એના ચહેરા પર જાણે બારમાની પરીક્ષામાં બોર્ડ ફર્સ્ટ આવ્યો હોય એવો હરખ છલકાતો હતો. એ વન-ડેમાં ઈરફાને ૩ વિકેટ લઈને (અને પછીની મેચોમાં સપાટો ચાલુ રાખીને) ‘‘આવા પઠાણો તો અમારી ગલીઓમાં ઉભરાય છે’’ એવું થૂક ઉડાડનારા થનગનભૂષણ કોચ જાવેદ મિયાંદાદની જબાન પર લગામ તાણી હતી. લાહોરમાં દ્રવિડ સાથે કૈફે તો મેચ જીતાડી આપ્યો હતો.

ઝાહિર ખાન, મોહમ્મદ કૈફ અને ઈરફાન પઠાણ… પાકિસ્તાનની ધરતી પર પૂરા જોશથી હિન્દુસ્તાની તિરંગાની શાન માટે જાન આપી દેનારા આ ત્રણમાંથી એ જવાનો તો ગુજરાતી છે. જી હા, મુસ્લીમ દ્વેષ માટે મિડિયામાં બદનામ ગુજરાતના! એ પણ કોમવાદી તોફાનો માટે હમણા સુધી હેડલાઈનમાં હીંચકા ખાનારા વડોદરાના છે! અને તેઓ મુસલમાન છે!

જી હા, ભારતીય મુસ્લીમ પાકિસ્તાન સામે સીનો કાઢી ટટ્ટાર ગરદને, સળગતી આંખે, ફૂલાવેલી છાતીએ ઉભો રહી શકે છે. ઝાહિર ખાન, મોહમ્મદ કૈફ અને ઈરફાન પઠાણ ક્રિકેટર્સ છે, એકટર્સ નથી. પાકિસ્તાનની મિટ્ટી પર ઉભા રહેતી વખતે એમના ચહેરા પર જે ભારત માટેની વ્યથા ઉભરતી હતી, એ વતનપરસ્તીની મુહોબ્બત હતી. કોઈ ડ્રામા બાજીનો તાળીઓ મેળવવા માટે કરેલો અભિનય નહિ! મેચ ફિક્સ થઈ શકે છે, પણ આંખોની લાગણીઓ ફિક્સ નથી થઈ શકતી!

કોઈ કાળે પાકિસ્તાન જીતે તો ભારતના મુસ્લીમ વિસ્તારોમાં ફટાકડા ફૂટે, એ વરવી વાસ્તવિકતાને આગળ કરી હિન્દુત્વના ઘણા વર્તમાન સેનાઘ્યક્ષોએ પોતાની રાજકીય કારકિર્દી બનાવી હતી. આજે પાકિસ્તાનનો મુકાબલો પાકિસ્તાનની ધરતી પર ભારતીય મુસ્લીમો કરે છે, એને શું કહીશું? બધા ક્રિકેટરો કંઈ અઝહરુદ્દીન નથી હોતા, અને તમામ મુસલમાન કંઈ ‘ગદ્દાર’ નથી હોતા! ઈન ફેક્ટ, એવું મનાય છે કે મોહમ્મદઅલી જીન્નાહને કોંગ્રેસમાં એક એક વખત આવકારતી વખતે ગાંધીજીએ નિર્દોષતાથી એમ કહેલું કે ‘જીન્નાહ મુસલમાન હોવા છતાંય રાષ્ટ્રભક્ત છે, પ્રગતિશીલ છે’… વગેરે વગેરે. જીન્નાહને આ ‘છતાંય’  ખૂંચી ગયેલું અને એ શૂળમાંથી પાકિસ્તાનનો બાવળ ઉગ્યો.

ચૂંટણીની મોસમ છે. મીઠી મીઠી વાતો હવામાં મહેક ફેલાવતી જાય છે. ભારત રાષ્ટ્રની કરૂણતા એ છે કે અહીં હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી બધા જ દંભી છે. સચ્ચાઈ હંમેશા કડવી હોય છે અને ધર્મનું ઝનૂન હંમેશા ગળચટ્ટુ હોય છે. ધાર્મિકતાના ઘેનમાં સત્યના દર્શનને બદલે સ્વધર્મના વિજયના સ્વપ્ન દેખાય છે. શિક્ષક ઠપકો આપે તો વિદ્યાર્થીના હિત માટે હોય, પણ હિન્દુ કે મુસ્લીમ બંનેને ચોખ્ખીચટ્ટ સાચી વાતો સંભળાવી શકાતી નથી. બંને પેલા સુગરીનું ગળું ઘોંટી દેનાર વાંદરાઓની જેમ વર્તે છે. સાચી શિખામણ આપનાર ‘સામાવાળાનો એજન્ટ’ છે, એવું ઠેરવીને એની વાત સાંભળતા જ નથી, પણ ગળે ક્યાંથી ઉતારે?

મુસલમાનો એક ઈસ્લામ નામનો મઝહબ પાળતા બંદા છે. ફાઈન. કોઈ દૂધીનો હલવો ખાય, કોઈ ગાજરનો… મતલબ તો મિષ્ટાન્નથી છે ને. આવું કંઈ સહિષ્ણુ હિંદુઓ જ વિચારે છે એવું નથી. સૂફી મિજાજના મુસલમાનો ય આવું વિચારતા. ઓલિયા ફકીરો કે સાઘુબાવાઓ ધર્મપુસ્તકોના અભ્યાસને બદલે માત્ર સર્જનહાર ‘ઉપરવાળા’ની ભક્તિ-બંદગી કરતા, ત્યારે હિન્દુ- મુસ્લીમના ભેદભાવ ન બનતા. જૂનાગઢના નવાબ અંબાજીના મંદિરના પગથિયા ગિરનાર પર બનાવે કે હિન્દુ છોકરીની જાનનું રખોપુ ‘વળાવિયા’ તરીકે આરબ ચાઉસ કરે… આ ઘટનાઓ પરદેશી નહિ, ગુજરાતી છે! પણ આ બધા મુલ્લા-મહંતોની દ્રષ્ટિએ નાસમજ હતા. માણસ જેમ જેમ ધર્મનો પ્રકાંડ વિદ્વાન થાય, એમ એમ એ સજ્જનને બદલે શેતાન થતો જાય છે… આ વાત ધર્મમાત્રને લાગુ પડે છે.

મદ્રેસાઓ અને મસ્જીદોમાં તાલીમ પામેલા મુસલમાનો કટ્ટરવાદને ખૂનમાં લસોટી ચૂક્યા હોય છે! કેમ? કારણ કે, એમને સિક્કાની એક જ બાજુ બતાવાઈ હોય છે… જેમાં ચણીબોરને તડબૂચ બનાવી-બનાવીને પેશ કરાતું હોય છે! આવું વત્તે-ઓછે અંશે દરેક ધર્મ કે સંપ્રદાયના પરંપરાગત તાલીમ કેન્દ્રોમાં બને છે, પણ ઈસ્લામ પ્રકૃતિએ બંધિયાર ધર્મ છે. સમય પ્રમાણે નવા અર્થઘટનો સ્વીકારવાની સહજતા એમાં લગભગ છે જ નહિ. કોઈ ધર્મગુરુ કે ધર્મપુસ્તક આખરી નથી. સમય આ બધાથી મહાન છે. સમય પરિવર્તન લઈ આવે છે. પરિવર્તન પણ જો કોઈ સર્જનહારનું અસ્તિત્વ હોય, તો એની મરજીથી જ આવ્યું ગણાય!

આ વાત અત્યાર સુધી સમજવામાં અને સ્વીકારવામાં હિન્દુ ધર્મ, અન્ય ધર્મોથી આગળ હતો. અહીં ‘ઓપરેટિવ વર્ડ’ છેઃ અત્યાર સુધી. બન્યું છે એવું કે ઈસ્લામ, ખ્રિસ્તી ઈત્યાદિ ધર્મોથી હિન્દુત્વને શ્રેષ્ઠ અને સર્વોત્તમ સાબિત કરવામાં ધીરે ધીરે હિન્દુત્વને આ ધર્મોની નબળાઈઓના પ્રતિબિંબ જેવું બનાવી દેવાયું છે. બુરખાની ટીકા પણ કરવાની હોય અને લાજના ધુમટાની પણ. બંને સ્ત્રીઓની ઓળખ પર પુરુષે લાદેલુ બંધન છે.

પણ ધીરે ધીરે ઇસ્લામની જે ટીકાત્મક બાબતો છે એની જ નકલ કરીને હિન્દુત્વને મુઠ્ઠી ઉંચેરૂં સાબિત કરવાની અજીબ હાસ્યાસ્પદ રમત શરૂ થઇ. જેમ કે, ધાર્મિક લાગણી દુભાવાના નામે નાની-નાની બાબતો પર કાગારોળ કરવી, અને ધર્મના નામે આઘુનિકતાનો સજ્જડ વિરોધ કરીને હિંસક ભાંગફોડ કરવી- આ મુસલમાનોના વૈશ્વિક ઉધાર પાસા ગણાય છે. આજે એ ટ્રાન્સફોર્મેશન હિન્દુઓમાં થઇ ગયું છે. જે માનસિક સંકુચિતતા માટે ઇસ્લામની ટીકા થાય છે એવી જ ‘અસહિષ્ણુતા’ સંસ્કૃતિના નામે હિન્દુઓમાં આવે એ માટે હિન્દુ હિતરક્ષકો પ્રયત્નશીલ છે! સરવાળે, હિન્દુત્વ શિખરની ટોચે પહોંચવાને બદલે નીચે ઉતરે છે!

કોમવાદ, હિન્દુત્વ, બિનસાંપ્રદાયિકતા, ઇસ્લામ, રાજકારણ… આ બધા જ અલાયદા સબ્જેકટસ છે. મિડિયા અને પોલિટિકસે એક એવી સર્વમાન્ય છાપ ઉભી કરી છે કે એવરેજ હિન્દુ આપોઆપ રાષ્ટ્રવાદી હોય છે, અને એવરેજ મુસ્લીમ આપમેળે જ રાષ્ટ્રવિરોધી! કદાચ એક-બે પેઢી પહેલાંના ભાગલાવાદી વાતાવરણમાં આ વાત થોડીકે’ય સાચી હોઇ શકે, પણ એનો વારસો પરાણે આજની પેઢી પર કેમ થોપી દેવામાં આવે છે? પાકિસ્તાન સર્જાયું ત્યારે ઝાહિર, કૈફ કે ઇરફાનનો જન્મ પણ નહોતો. ન કરે અલ્લાહ, ને જો પાકિસ્તાનમાં એ લોકોનો દેખાવ કુદરતી રીતે જ નબળો હોત, મહત્વના કેચ ગુમાવ્યા હોત… તો ગલી- નુક્કડના ચર્ચાચતુરો તરત જ એ બધાના પાકિસ્તાન પ્રત્યેના ‘સોફટ કોર્નર’ને મુદ્દો બનાવીને બેઠા હોત! વાત નફરતની નથી, વાત છે શંકાની! વહેમનું ઓસડ હોય?

ભારતની જનરેશન નેકસ્ટને તો ટીવી પર પાકિસ્તાની ઓડિયન્સને જોઇને પણ નવાઇ લાગી. પાકિસ્તાન એટલે જાણે લાંબી દાઢીવાળા, માથે ટોપીવાળા, પઠાણી પહેરવેશવાળા ખુંખાર ત્રાસવાદીઓ અને પર્દાનશીન ઔરતોનો મુલ્ક એવી છાપ છે. પણ સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો જોઇને… ‘આ તો બધા આપણા જેવા જ (નોર્મલ?) દેખાય છે, આલ્લે લે!’ પાકિસ્તાની છોકરીઓ પણ જીન્સ પહેરીને, મેક-અપ કરીને ગોગલ્સ ચડાવી બેસે છે. પાકિસ્તાની મર્દો પણ સોફિસ્ટિકેટેડ એકિઝકયુટિવ જેવા છે અને ભારતીય ટીમને પણ બિરદાવી શકે છે. આખા ટોળાને કંઇ તાલીમ નથી આપી શકાતી. માટે આ દ્રશ્યો, આ રિસ્પોન્સ નેચરલ છે. હાર્ટ ટુ હાર્ટ! નફરતની જેમ પ્રેમનો પણ ચેપ ફેલાય છે. હવે પાક ટીમ ભારત આવે ત્યારે આપણી પણ સ્પોટ્‌ર્સમેન સ્પિરીટ બતાવવાની ફરજ છે.

મુદ્દો એ છે કે કંઇ પોશાક, રંગ, ભાષા કે ખોરાક જુદો હોય એટલાથી સામેનો હિન્દુ કે મુસ્લીમ કંઇ માણસ મટીને રાક્ષસ નથી બની જતો. લાઇફ સ્ટાઇલ અને ઇન્ટરેસ્ટ બે વ્યક્તિ કે બે કોમના ‘ડિફરન્ટ’ હોઇ શકે છે. જુદા હોવું એટલે જ વિરોધી હોવું એવું કોણે કહ્યું? માણસના સ્વભાવને પારખો, વર્તનને ઓળખો, વિચારોને સાંભળો… પછી ચૂકાદો આપો. માત્ર લેબલ જોઇને કંઇ ઘીની ગુણવત્તા નક્કી ન થઇ શકે.

ટ્રેજેડી એ છે કે નાના શહેરોને બાદ કરતાં ભારતમાં હિન્દુ- મુસ્લીમ કોમ સાહજીકપણે એકબીજાની નજીક આવતી નથી. બંને કોમના જુદા ‘ઇલાકા’ હોય છે, એટલે એક ચોક્કસ કોમવાદી માહૌલમાં જ નવી પેઢી ઉછરતી જાય છે! બંનેને એકબીજાના પાડોશમાં મકાન લેવામાં ય મુંઝવણ થાય છે, પછી કરીબી દોસ્તીની વાત જ કયાં કરવી? છાપાઓમાં હિન્દુ- મુસ્લીમ લવસ્ટોરીને, એની પાછળના ‘કહેવાતા’ કાવતરાંને ખૂબ ચગાવી દેવાય છે… પણ જે યુગલો આંતરધર્મીય લગ્ન કરીને સફળ દાંપત્ય વીતાવે છે, એની મુલાકાતો કદી વાંચી? તો એમના એકબીજાની આદતો અને વિચિત્રતાઓથી પરિચિત થવાના… બદલાવાના… અને સ્વીકારવાના અનુભવો પ્રેરણાદાયક બને !

સુખી- સંપન્ન- શિક્ષિત મુસ્લીમો અને વહોરા – ખોજા જેવા સુધારાવાદી સમાજને બાદ કરતાં મુસ્લીમ છોકરા- છોકરીઓ કોલેજોમાં પણ ઓછા દેખાય છે. કોલેજનું સહજીવન પણ ‘મેઇનસ્ટ્રીમ’માં આવવાનું પ્લેટફોર્મ બની શકે, પણ ધંધાદારી સંબંધો કે પુરૂષ વર્ગની જ દોસ્તી સુધી બંને કોમનો એકબીજાને પરિચય રહે છે. તહેવારોમાં ગળામાં હાથ નાખીને છાપામાં ફોટા છપાવી દેવાથી આંતરિક ઘર્ષણ દૂર થતું નથી. એ માટે જોઇએ પરસ્પરનો વિશ્વાસ!

મુખ્ય સમસ્યા એ છે કે બંને કોમ એકબીજાના ધર્મગુરૂઓ અને આગેવાનોને સામાન્યજન (કોમનમેન)ની આવૃત્તિરૂપ માની લે છે. જેમ દરેક હિન્દુ કંઇ ચંદ્રશેખર મહારાજસાહેબ કે પ્રવીણ તોગડિયાની જેમ બોલતો કે વિચારતો નથી, એમ દરેક મુસ્લીમ કંઇ શાહી ઇમામ કે બનાતવાલાની પોકેટ એડિશન નથી. હિન્દુ શાસ્ત્રોમાં બ્રહ્મચર્યનો અનેરો મહિમા ગણાવાય છે, એથી કંઇ માળા- તિલકવાળો પ્રત્યેક હિન્દુ બ્રહ્મચારી હોય છે? જી ના. એ જ રીતે ટોપી- દાઢી મહેંદીવાળા દરેક મુસ્લીમ કુરાનમાં લખેલું હોય તો પણ કાફિર માત્રને મારીને ‘દારૂલ ઇસ્લામ’ સ્થાપવાના મૂડમાં નથી હોતો.

નેતાઓ અને ધાર્મિક વડાઓ જે બોલે છે એ બઘું જ સાંભળીને હર્ષોલ્લાસ કરતી ભીડ કંઇ અંગત જીવનમાં બઘું અપનાવતી નથી. છાપામાં છપાતા કિસ્સાઓ ભૂલી જાવ. અંગત જીવનમાં તમે મુસ્લીમ હો તો કેટલા હિન્દુઓનો અને હિન્દુ હો તો કેટલા મુસ્લીમોનો ઘૃણાસ્પદ અનુભવ થયો? બલ્કે, હિન્દુ ડોકટરો દોડીને મુસ્લીમોની સારવાર કરે છે કે મુસ્લીમ ડ્રાઇવરો દોડીને હિન્દુ મુસાફરોને મંઝિલે પહોંચાડે છે! ધર્મના શબ્દેશબ્દને નેતાઓ જેટલી જડતાથી એ વળગતાં નથી.

આપણે માત્ર મોટા મોટા ઉલેમાઓ – સાંસદોના જ નિવેદનો સાંભળીએ છીએ, પણ રિયલ લાઇફમાં હૃદયથી સારા માણસો ભારતમાં અને ઇવન- પાકિસ્તાનમાં પણ છે જ. મુશર્રફ કે બેનઝીરથી દરેક પાકિસ્તાનીને ન મપાય, માયાવતી કે લાલુથી દરેક હિન્દુસ્તાનીને ન મપાય. આ લખનારે પ્રેમથી પત્રો લખતાં- ફોન કરતાં મુસ્લીમ વાચક- વાચિકાઓ સાથે સુગંધિત સ્નેહસંબંધ છે. સાથે ભણનારા કે વાતો કરનારા બીજા અસંખ્ય પાત્રો કે આત્મીય મિત્રો અલગ! અને આ માટે કયાંય ચાપલૂસી કરવી નથી પડી. ઉલ્ટું ભારતીય ઇતિહાસના ગૌરવ અને ગુજરાતના સંસ્કારવારસાની મક્કમ વાતો કરી છે. મુસ્લીમ સમુદાયની ભૂલોની પારદર્શક ચર્ચા કરી છે. આવનારા સમયની નવી દુનિયાનું વિજ્ઞાન માણ્યું છે.

યાને કે સાયન્ટિફિક, સરળ, સમજદાર ‘મોડર્ન મુસ્લીમ’ ધારીએ છીએ તેનાથી વઘુ છે. આમાંના ઘણાં જોઇ શકાય પણ અડી ન શકાય એવા સ્ટારલોકો છે. પણ આપણે તો આપણી જ આસપાસ પથરાયેલા પ્રેમાળ, પ્રગતિશીલ, પ્રજ્ઞાવાન એવા આઘુનિક મુસલમાનોની વાત કરવી છે. કેટલાક દોસ્તોને એવી છાપ છે કે આ પ્રકારના મુસ્લીમોનું અસ્તિત્વ હોઇ જ ન શકે. (અથવા જયાં એમની વસતિ ઓછી છે ત્યાં જ હોઇ શકે!)

હળાહળ જૂઠ! આપણને અનુભવ ન હોય એટલે કંઇ પ્લેન આકાશમાં ઉડતું જ નથી, એમ ન કહી શકાય. મોટેભાગે આવા હિન્દુઓ મનમાં એક કેળવાયેલો મુસ્લીમદ્વેષી પૂર્વગ્રહ જ લઇને મુસ્લીમો સાથે વ્યવહાર રાખતાં હોય છે પછી ‘મીઠાં’ કરતાં ‘માઠા’ અનુભવો એમને વઘુ થાય, એમાં કશી નવાઇ નથી. અને તમામ વ્યકિતગત અનુભવોને ‘જનરલાઇઝ’ કરીને આખી કોમને સારા કે ખરાબનું સર્ટિફિકેટ ન આપી શકાય.

માટે જ અહીં કોઇ ધર્મની વાત નથી. વાત એટલી જ છે કે મુઠ્ઠીભર મુસલમાનો નવા જમાનાને જાણનારા, માણનારા અને અપનાવનારા છે. ભારતની સંસ્કૃતિ એમનો પણ હિન્દુઓ જેટલો જ વારસો બની છે. હિન્દુઓ (કે ખ્રિસ્તીઓ) કરતા ભારતમાં એની સંખ્યા ઓછી હશે, પણ એમની હાલત ખરેખર કરૂણ છે. બહુમતી રૂઢિચુસ્ત મુસ્લીમ સમાજમાં એ અંદરખાનેથી ‘ફિટ’ થતા નથી. અને બહુમતી હિન્દુ સમાજ તો ભેદરેખા દોર્યા વિના બધાને ‘જેહાદી ત્રાસવાદી’ના એક જ લાકડે હંકાર્યા કરે છે! એમના સંતાનો મદ્રેસા ને બદલે આઘુનિક સ્કૂલોમાં ભણે છે. એમની નજર અરબસ્તાનને બદલે અમેરિકાના વિજ્ઞાન તરફ છે. છતાંય… જાય તો જાયે કહાં?

ઝાહિરખાને સ્પષ્ટપણે કહ્યું છેઃ ‘‘મને બાળ ઠાકરે સામે કોઇ વાંધો નથી, એમનો વિરોધ દેશદ્રોહી મુસ્લીમો સામે છે. જે હું નથી, પછી એમની ટીકા મને કેવી રીતે લાગુ પડે? ભારત – ગુજરાત-મહારાષ્ટ્રમાં મુસ્લીમ કંઇ અસલામતી કે અન્યાયથી જ પીડાતો રહે છે એવું નથી. હું જ બહુ મોજમાં છું.’’ વેરી ગુડ! ઇરફાન તો ચુસ્ત નમાઝી છે. પિતાજી મસ્જીદમાં જ નોકરી કરતા પાક મુસલમાન છે. નમાઝી માણસ હિન્દુસ્તાન પરસ્ત ન હોઇ શકે ? બેશક, હોઇ શકે. ઇરફાન પઠાણ મોજૂદ છે. જડબુઘ્ધિ બહુમતી મુસ્લિમો પણ સમજે કે દેશભક્ત મુસ્લિમને હિન્દુઓ હૃદયથી હીરો ગણીને ચાહે જ છે!

વિહિપ, બજરંગદળ, શિવસેના, એન્ડ કંપની ત્રાસવાદી, ગુન્હેગાર, ભાગલાવાદી, પછાત અને ધર્માંધ માનસ ધરાવતા મુસ્લીમોનો ઉછળી ઉછળીને ભલે વિરોધ કરે. એમાં કોઇ ને ય વાંધો ન જ હોવો જોઇએ પણ પછી કોઇ કૈફ, ખાન કે પઠાણને એની વતનપરસ્તી માટે તત્કાળ જાહેરમાં બિરદાવવાની ખેલદિલી પણ જોઇએ. માત્ર ઝેરની ઉલટી કરવાથી શું વળે? જયાં અમૃત દેખાય ત્યાં એનો આસ્વાદ કરતાં ય આવડવું જોઇએ. નહીં તો લઘુમતીમાં પણ ‘લઘુમતી’ એવો મોર્ડન મુસ્લીમ યુવાવર્ગ વાજબી રીતે પૂછી શકે કે ‘‘અમે આટલા ઉમદા રીતે વર્તીએ, એના બદલામાં ય ટીકા સાંભળવાની હોય તો પછી શા માટે અમને તમારા જેવા બની બેઠેલા હૃદય સમ્રાટો પર ગુસ્સો ન ચડે? શા માટે અમારા વર્તમાન પર ભૂતકાળનો બોજ દાબો છો?’’

આ ન પૂછાયેલો સવાલ કાન દઇને સાંભળજો. એના પ્રમાણિક જવાબમાં મુલ્કનું ભવિષ્ય છુપાયેલું છે.

ફાસ્ટ ફોરવર્ડ

જરા તું મારા ઉપર પણ ભરોસો રાખી તો જો

શું કામ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ

સમંદરપારના પંખીને તું દે છે કયાં નકશો?

છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ

(ઉદયન ઠક્કર)

 
36 Comments

Posted by on September 20, 2011 in gujarat, india, religion

 
 
%d bloggers like this: