૯/૧૧ (આપણા માટે તો ૧૧/૯ પણ બ્રાન્ડ બિલ્ડીંગમાં તો અમેરિકા દુનિયાનું બાપુજી જ છે ને !)ની દુર્ઘટના પછી તરત લખેલા કેટલાક લેખોમાંનો એક આ લેખ ૧૦ વર્ષ જુનો છે, ઈન્ટરનેટ/વિકિપીડિયા ‘યુગ’ અગાઉનો છે, અને મારાં એટલા જ જુના પુસ્તક ‘માહિતી અને મનોરંજન’માં ય આવી ગયો છે. આ લખાયો ત્યારે અને અત્યારે પણ હજુ આવી અંગ્રેજીમાં લખાતી ઉમદા થ્રીલર કથાઓ વાંચવાની આપણે ત્યાં આદત નથી. ૯/૧૧ના જખ્મો તો રૂઝાતા જાય છે, અને સનસનાટીભરી સત્યકથાઓ ઘણી એક દસકામાં બની છે. પણ ૭૫ વર્ષના થયેલા (હાલ અમેરિકા જ રહેતા) અશ્વિની ભટ્ટના અપવાદને બાદ કરતા અને કેટલાક યુવાન પત્રકારમિત્રોના આવી ભારતીય નવલકથાઓ લખવાના પ્રયાસો છતાં, હજુ જેના પરથી ગ્લોબલ હિટ ફિલ્મો બને છે એવી આ કથાઓ અમુક યુંવાવાચકો સિવાય લોકપ્રિય નથી બની એ ય એક દુર્ઘટના જ ગુજરાતમાં છે ને ! 😉 જોવાનું છે , અહીં પાવર ઓફ ઇમેજીનેશન…આપણે વાર્તાના નામે નર્યા ટાયલાંવેડામાં હોઈએ ત્યારે કયા સ્તરે જગતમાં સર્જકતા પહોંચી છે, એની ૧૦ વર્ષ જૂની ઝલક.
આ લેખ સાથેની મુખ્ય તસવીર ‘ડેથ ઓફ અ સુપરમેન’ કોમિક્સ(૧૯૯૨)માંથી છે. છેલ્લે મુકેલી તસવીરકથાની અન્ય તસવીરો ૨૦૦૪માં મારી અમેરિકન સરકારના આમંત્રણથી લેવાયેલી અમેરિકા મુલાકાત વખતે ‘ગ્રાઉન્ડ ઝીરો’ની લીધેલી ટૂંકી મુલાકાત વખતે ઝડપેલી છે. સરકારને તો પોતાની આબરુને લાગેલા આ કલંકના સ્થળની મુલાકાત વિદેશી પત્રકારોને સામેથી કરાવવાનો ને એના ઢંઢેરા પીટવાનો શોખ નહોતો. (કારણ કે, ભારતથી ઉલટું આ અપવાદ છે, રૂટીન નથી – એવો એમને ભરોસો હતો :P) બાય ધ વે, અહીં ૯/૧૧ પછીના નવનિર્માણની…સર્વનાશ પછીના સર્જનની રસપ્રદ તસવીર કથા છે.
હોલિવૂડની ફિલ્મો જ નહીં, અઢળક અમેરિકન નવલકથાઓ કે કોમિકસમાં આતંકવાદી ઓથારના આગોતરા ભણકારા છે!
‘ડે ઓફ ધ જકાલ’.
૧૯૭૩માં ફ્રેડરિક ફોર્સરીથે લખેલું આ પુસ્તક વર્ષો સુધી સુપારી લઈને ખૂન કરતા કોન્ટ્રાકટ કિલર્સ માટે ટેકસ્ટબુક સમાન હતું. આ વાર્તામાં જકાલ નામનો ભાડૂતી હત્યારો ફ્રાન્સની પ્રમુખ ચાર્લ્સ દ ગોલની હત્યાની સુપારી લે છે. આંતરરાષ્ટ્રીય સ્તરનો એ ખૂની દિમાગનો ખૂબ ઠંડો અને પાક્કો પ્રોફેશનલ છે. પણ વિચારોમાં ખૂબ તેજ છે.
સામાન્ય રીતે એવી છાપ હોય છે કે આવા હત્યારાઓ રાડિયા ચીડિયા ધમાલિયા હોય છે. પણ જકાલ આસપાસની વ્યક્તિઓ માટે એકદમ નોર્મલ ઈન્સાન છે. એ હત્યા માટે ટેલિસ્કોપિક ગનનું ફોકસિંગ કરતો હોય છે, ત્યારે એ જે બિલ્ડીંગમાં છે તેના આંગણામાં એક બોલ આવે છે. એ લેવા માટે એક બાળક દરવાજો ખખડાવે છે. ટ્રિગર પર આંગળી મૂકાઈ ગઈ હોવા છતાં મગજ પર કાબૂ ગુમાવ્યા વિના જકાલ દરવાજો ખોલી, બોલ આપી નવેસરથી નિશાન લે છે!
જકાલ આખું હથિયાર લઈ જવાને બદલે તેને ટુકડામાં વહેંચીને છેલ્લે ‘એસેમ્બલ’ કરે છે, એ આઈડિયા વાસ્તવમાં સુપરહિટ થયેલો! જકાલ બુલેટ કરતા પ્લાનિંગમાં વઘુ વિશ્વાસ રાખે છે. ભેજાબાજ આઘુનિક ઉગ્રવાદીઓ એમ જ કરે છે!
આ જ કથાના લેખક ફ્રેડરિક ફોર્સરિથે ‘નિગોશિએટર’ નામની થ્રીલર લખેલી. જેમાં હારતોરા કરવાના બહાને એક લેડી ‘હ્યુમન બોમ્બ’ હત્યા કરે છે, તેવી સીકવન્સ હતી. એમાંથી પ્રેરણા લઈને એ જ સીકવન્સમાં એલ.ટી.ટી.ઈ.એ રાજીવ ગાંધીની હત્યા કરેલી!
ભારતમાં સામાન્ય રીતે ફુટપાથો પર વેંચાતી પણ વાસ્તવમાં થ્રીલર રસિયાઓ માટે ઘણી ઉચ્ચસ્તરીય, એવી આ વિદેશી પેપરબેક નોવેલ્સ ખરેખર અવનવા વિચારો અને તરકીબોના અક્ષયપાત્ર જેવી હોય છે. આ ફિકશન (કાલ્પનિક કથા) કે કોમિક્સ કે તેમના આધારે બનતી ફિલ્મોનું ૯૦ ટકા માર્કેટ અમેરિકામાં છે. માટે તેનું પ્રોડકશન સેન્ટર પણ અમેરિકા જ હોય છે!
ઈ(અ)રવિંગ વોલેસ, ઈયાન ફ્લેમિંગ, એલીસ્ટર મેકલીન, કોલિન ફોર્બસ, રોબર્ટ લુડલુમ, સિડની શેલ્ડન, જેક હિગીન્સ ઈત્યાદિ સ્ટાર લેખકોની વાર્તાઓ કોઈ ફિલ્મને પણ ટક્કર મારે તેવી હોય છે. વર્ષોથી અમેરિકન લેખકોને અમેરિકાની શાન ગણાતી ઈમારતો કે પ્રેસિડેન્ટના નિવાસ વ્હાઈટ હાઉસમાં તબાહીનું તાંડવ થાય, એવા ભાંગફોડિયા પ્લોટનું ઓબ્સેશન રહ્યું છે. અંતે ૧૧મી સપ્ટેમ્બરે ત્રાસવાદીઓએ તેમનો ‘વાસના મોક્ષ’ કર્યો!
ઈનફેકટ, ‘બ્લેક ટયુસ્ડે’ વાળી હવે જૂની અને જાણીતી થયેલી ઘટનાની પણ પોઈન્ટ ટુ પોઈન્ટ આગાહી અમેરિકન ફિકશનમાં જ છે! કદાચ ત્રાસવાદીઓએ તેમાંથી પ્રેરણા લીધી હોય! ૧૯૯૪ની સાલમાં માત્ર ૧ મહીનાના અંતરે રિલિઝ થયેલા બે બેસ્ટ સેલર પુસ્તકોના પ્લોટ સામે નોસ્ટ્રાડેમસ જેવાની ભવિષ્યવાણી ફિક્કી લાગે! કારણ કે, ભવિષ્યવેત્તાઓની આગાહી તો ગૂઢ ભાષામાં એકાદ-બે લીટીની હોય છે. પણ આ કહાનીઓમાં તો દરેક ઘટનાનું તબક્કાવાર અને સચોટ આયોજન છે!
પોતાની ટેકનો-થ્રીલર નોવેલ્સ માટે બેસ્ટસેલર નામ બનેલા ટોમ કલાન્સીની (૧)૭ વર્ષ અગાઉ માર્કેટમાં આવેલી વાર્તા ‘ડેટ ઓફ ઓનર’માં અમેરિકાએ ઝીંકેલા અણુબોંબને લીધે જેનું આખુ કુટુંબ તબાહ થઈ ગયેલું, એવો એક જાપાનીઝ ઉદ્યોગપતિ આ દુર્ઘટના માટે અમેરિકન લશ્કર અને રાજકારણીઓને જવાબદાર ગણે છે.
પછી એ વેર વાળવા ચાલાક માણસો ભાડે રાખી ષડયંત્રોનો સિલસિલો શરૂ કરે છે. ક્લાઈમેકસમાં અમેરિકાનું ‘કેપિટલ હિલ’ નામે ઓળખાતું સંસદગૃહ એ તેની સાથે બોઈંગ ૭૪૭ વિમાન ૩૦૦ નોટની ઝડપે અથડાવીને ભોંયભેગુ કરે છે! એના કાટમાળમાંથી અમેરિકાના પ્રમુખ, સેનાઘ્યક્ષ અને મોટા ભાગના સાંસદોની લાશો મળે છે.
આવી જ બીજી કથા એ વખતે જ પ્રગટ થયેલ લેખક ડેલ બ્રાઉનની વાર્તા ‘સ્ટોર્મિંગ હેવન’માં છે. એમાં પરદેશી ત્રાસવાદીઓ મોટા પાયે કોમર્શિયલ પ્લેન્સની મદદથી અમેરિકન એરપોર્ટસ અને જાહેર સ્થળોએ વિનાશ વેરી દે છે. એમનું અંતિમ ટાર્ગેટ અમેરિકન રાજધાની વોશિંગ્ટન ડીસી હોય છે. જે હુમલો નિષ્ફળ જાય છે.
ભારતપ્રેમી એવા સત્યઘટનાઓના વિશ્વવિખ્યાત લેખક ડો.મિનિક લેપિયરના દરેક પુસ્તકની માફક, મિત્ર લેરી કોલિન્સ સાથે મળીને લખેલી નવલકથા ‘ધ ફિકથ હોર્સમેન’ ૧૯૮૦માં ભારે ચકચારી બની હતી! એ વખતે લિબિયાના સરમુખત્યાર, મુઅમ્મર ગ(ક)દ્દાફી (આજના હવે મૃત સદ્દામ કે લાદેનની જેમ) અમેરિકાની દુશ્મન નંબર વન હતા. ન્યૂયોર્કના બારામાં ગમે તે સમયે રોજની ૫ થી ૭ હજાર બોટસ હોય છે. એ બધીના માલસામાનનું ચેકિંગ કરવું પ્રેકટિક અસંભવ છે. આ સંજોગોમાં એક સ્ટીમરમાં હાઈડ્રોજન બોમ્બ ગોઠવીને ગદ્દાફી આખા ન્યૂયોર્કને ઉડાડી મૂકવાની ધમકી આપે છે. અમેરિકા ઈઝરાયેલનો સાથ છોડી ઈસ્લામિક સાર્વભોમત્વ સ્વીકારે એવી માંગણી મૂકે છે.
આ કથા પરથી થ્રીલર ફિલ્મ બનાવવાના પ્રયાસો પણ થયેલા. એ લખવા માટે લેખકો એક આરબ અને જાપાનીઝ ઉગ્રવાદીને જેલમાં મળેલા, ઈઝરાયેલ ગયેલા અને લીબિયા જવાના પ્રયાસો પણ કરેલા! આ બધી વાતો ડોમિનિક લેપિયરે એમના સંસ્મરણોના પુસ્તક ‘વન થાઉઝન્ડ સન્સ’માં લખી છે. આ જ લેખક બેલડીએ ઈઝરાયેલ- પેલેસ્ટાઈન વિવાદ પર બહાર પાડેલ પુસ્તક ‘ઓ યેરૂશાલેમ’ પણ બેહદ રોમાંચક છે.
છેલ્લા ૨૦(૩૦) વર્ષથી ‘ફિફથ હોર્સમેન’ પર ફિલ્મ બનવાની વાતો ચાલે છે. પણ ફિલ્મ બની નથી. પરંતુ હાલ ઈંગ્લેન્ડમાં રહેતા એન્ડી મેકનેબનું નસીબ જોર કરે છે. ભુતપુર્વ સૈનિક એવા મેકનેબે પહેલું પુસ્તક ‘બ્રેવો ટુ ઝીરો’ નામે લખેલું. જેમાં ગલ્ફ વોરની સત્યઘટનાત્મક વાતો હતી. ૧૯૯૯માં મેકનેબે ‘ક્રાઈસિસ ફોર’ નામની કિતાબ લખી, આ કહાનીમાં સાઉદી અરેબિયાનો હૂબહૂ ઓસામા (ઉસ્માન/ઉસામા) બિન- લાદેન જેવો ખેપાની વ્હાઈ હાઉસને ઉડાડી તેમાં રહેતા અમેરિકન પ્રમુખને ખત્મ કરવાનું ષડયંત્ર ઘડે છે, તેવો પ્લોટ છે!
આ માટે એ ત્રાસવાદી (લાદેન) સારાહ ગ્રીનવૂડ નામની એક રૂપાળી અને લુચ્ચી યુવતીને વ્હાઈટ હાઉસમાં ધૂસાડીને કામે લગાડે છે. વાર્તાનો હીરો બ્રિટિશ સૈનિક નિક સ્ટોન છે, જેને આ કાવતરાંની ગંધ આવતા એ તેને ખુલ્લું પાડીને નિષ્ફળ બનાવવાના પેંતરા આરંભે છે. ગલ્ફ વોરમાં ગેરિલા યુઘ્ધની નિષ્ણાત સાબિત થયેલ બ્રિટીશ ‘એસ. એ. એસ’ (સ્પેશ્યલ એર સર્વિસ)ના દાવપેંચ પણ તેમાં પેશ કરાયા છે. ૧૧ સપ્ટેમ્બરની ઘટના પછી હોલિવૂડની વિખ્યાત મીરામેકસ ફિલ્મ્સે ‘ક્રાઈસિસ ફોર’ ના રાઈટસ ખરીદીને તેના પરથી ફિલ્મ શરૂ કરી છે!
તો’ ડેટ ઓફ ઓનર’ના લેખક ટોમ કલાન્સીની નવી નવલકથા ‘નેટ ફોર્સ : નાઈટ મૂવ્ઝ’ થોડા મહીના પહેલા જ (૨૦૦૧માં) બજારમાં આવીને ભારતમાં પણ ૨૦૦૧ની બેસ્ટ સેલર બની છે. આ કથામાં વાત ઈ.સ. ૨૦૧૧ (આજથી ૧૦ વર્ષ પછીની/ અત્યારની) છે. એ સમયે જગતનો મોટા ભાગનો વ્યવહાર ઈન્ટરનેટ પર ચાલતો હોય છે. બેન્ક, શિક્ષણ, શેરબજાર, સરકારી વહીવટ, ટ્રાન્સપોર્ટેશન, સંદેશાવ્યવહાર, ખરીદ-વેંચાણ, મનોરંજન, બઘું જ!
માટે કોઈ આતંકવાદીએ દુનિયાને હચમચાવી નાખવી હોય, તો જગતના ચેતાતંત્ર (સેન્ટ્રલ નર્વ્ઝ સીસ્ટમ) બની ગયેલા ઈન્ટરનેટ ઉપર આક્રમણ કે હેકિંગ કરી તેને ખોરવી નાખવું પડે. એનાથી તો કોઈ ઈમારત ઉડાડવા કરતા પણ ઘણી વઘુ તારાજી અને અંધાઘૂંધી ફેલાય. આવા ખતરાઓ સામે ઝઝૂમતી ‘નેટફોર્સ’ નામની એક સિક્રેટ એજન્ટ ટીમની કલ્પના લેખકે કરી છે. જેના ગુપ્ત ચુનંદા સભ્યો વર્ચ્યુઅલ રિઆલીટીના એકસપર્ટ છે.
આ ફોર્સને કેન્દ્રમાં રાખીને અગાઉ પણ બે નવલકથાઓ ટોમ કલાન્સી લખી ચૂકયા છે. પણ છેલ્લી વાર્તા(૨૦૦૧માં)માં પાકિસ્તાનના અણુકાર્યક્રમ (ન્યુકલીઅર વેપન પ્રોગ્રામ) માટે ટોપ સિક્રેટ સામગ્રી લઈ જતી ટ્રેનનો નાશ કરી એ સામગ્રી ગુમ કરી દેવામાં આવે છે. કોઈ જગતના (લેખકની કલ્પના મુજબ) એ વખતે સર્વાધિક શકિતશાળી ‘કવોન્ટમ કોમ્પ્યુટર’ને જ કબજે કરી લે છે. સ્વયંબુઘ્ધિ ધરાવવાની શકયતા ધરાવતા આ સુપર કોમ્પ્યુટરની મદદથી વિશ્વમાં અરાજકતાનું સામ્રાજય ફેલાય તેમ છે. જેની સામે ‘નેટ ફોર્સ’ ઝઝૂમે છે.
આ સેમ્પલ્સ તો થોડી પસંદીદા કહાનીઓના હતા. પણ અમેરિકામાં લેખકો કેવળ કિતાબો કે ફિલ્મો માટે જ લખે છે, તેવું નથી. દુનિયામાં કોમિકસ અને કાર્ટૂન સિરિયલ્સના સૌથી વઘુ ચાહકો પણ અમેરિકામાં છે. એને માટે પણ કહાની લખવી પડે છે. ભારત જેવા દેશ પાસે પુરાણકથાના જેટલા દેવતાઓ હોય, એટલા કાલ્પનિક સુપરહીરોઝ અમેરિકાના કોમિકસ ઉદ્યોગે પેદા કર્યા છે. એમાં અવકાશમાં વસતા ‘હી-મેન’થી લઈ અતીન્દ્રિય તાકાત ધરાવતા ‘ગાર્થ’ સુધીના એટલા બધા પાત્રો છે કે દરેકના નામ લખીએ તો પણ પાનું ભરાઈ જાય!
‘સુપરમેન’, ‘સ્પાઈડરમેન’, ‘બેટમેન’, ‘સુપરસોનિકમેન’, ‘ફલેશ’, ‘ડાર્કવિંગ ડક’, ‘રોબિન’, ‘વન્ડર ગર્લ’, ‘સ્ટોર્મ,’ ‘એલકસાન્ડ્રા’ ‘એકસમેન’ ‘બેટગર્લ’, ‘સુપરવુમન’, ‘બફી’, ‘રોકેટિયર’ ‘રોબોકોપ’, ‘માસ્કમેન’, ‘સ્પ્વાન’, ‘સ્ટીલો,’ ‘શેડો’, ‘ગ્રીન હોર્નેટ’, ‘હલ્ક’, ’કેપ્ટન અમેરિકા’, ‘એક્સ મેન’, ‘આયર્ન મેન’ એટસસેટરા! અધધધ સુપરહીરોઝ અને સુપરહીરોઈન્સને અમેરિકનો લાડમાં ‘જે.એલ.એ.’ ઉર્ફે ‘જસ્ટીસ લીગ ઓફ અમેરિકા’ (અમેરિકાના ન્યાયદાતા!) કહે છે!
આવા કોમિકસ- સિરિયલ્સની મોટાભાગની વાર્તાઓમાં કોઇ ચિત્ર-વિચિત્ર આકારનો પૃથ્વી પરનો કે પૃથ્વી બહારનો ખલનાયક અમેરિકન શહેરો કે દુનિયાને તહસનહસ કરવાના ઇરાદાથી ત્રાટકે છે. સુપરનેચરલ પાવર્સ ધરાવતાં આવા ખલનાયકો વારંવાર અમેરિકન શહેરો, ગગનચુંબી ઇમારતો, પુલો, સબ-વે, રેલવે ટનલ, સ્મારકો ઇત્યાદિને નવી નવી રીતે ફનાફાતિયા કરવા મેદાને પડતાં રહે છે. ભારતીય ટેલિવિઝન પર આવતી ડિઝનીની ‘અલાદ્દીન’ કે ‘હરકયુલીસ’ જેવા પ્રાચીન પાત્રોની શ્રેણીઓની વાર્તાઓ પણ બહુધા આવા જ ભાંગફોડના પ્લોટ ખૂબ વિરાટ સ્કેલ પર અમેરિકન સ્ટાઇલમાં રજૂ કરે છે.
‘બેટમેન’ને તો એ જયાં રહે છે, એ કાલ્પનિક ‘ગોથામ સિટી’ના મેયર જ શહેરની મુસીબતો વખતે હંમેશા બોલાવે છે. જોકર, ટુ ફેસ, રિડલર, પેંગ્વીન, ડો.ફ્રીઝ, પોઇઝન આઇવી, કેટવુમન જેવા શહેરના દુશ્મનોથી બેટમેન શહેરનું રક્ષણ કરે છે. ‘બેટમેન’નો સંસારમાં સૌથી મોટો દુશ્મન લીલી આંખો અને સાડા છ ફૂટ ઉંચાઇવાળો આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ‘રા અલ ગુલ’ છે! જેના નામનો અર્થ ‘શેતાનનું મસ્તક’ થતો હોય છે. આ અરબી મુસ્લીમ ત્રાસવાદીની મહત્વાકાંક્ષા પૃથ્વી પર ફેલાયેલા તેના ઝેરી રાસાયણીક જૈવિક અને અને આણ્વિક શસ્ત્રોથી કત્લેઆમ મચાવવાની છે. જેનાથી એ વર્તમાન માનવવસતિનું નિકંદન કાઢીને, અલ્લાહના સ્વર્ગ જેવી નવી દુનિયા વસાવી શકે! એની પાસે અપ્રતીમ દોલત અને અનોખી શકિતઓ છે પણ એની યોજનાઓને ‘બેટમેન’ ચોપટ કરી નાંખે છે. એની ગુપ્ત ઇચ્છા પોતાની એકની એક દીકરી ‘તાલીયા’ બેટમેનને પરણાવીને બેટમેન દ્વારા ‘પવિત્ર’ (શેતાની?) સામ્રાજયનો નવો વંશ ચાલુ કરવાની છે!
તો સુપર મેનના પ્રકાશક ડીસી કોમિકસે તાજેતરમાં જ પ્રકાશિત(૨૦૦૧માં. ૧૦ વર્ષ પહેલા) સુપરમેનનું કોમિકસ પાછું ખેંચી લીઘું છે. કારણ કે એના અમેરિકન શહેરોમાં વિઘ્વંસનો જ પ્લોટ હતો! અલબત્ત, અમેરિકાની ‘બિગ મેન્ટાલિટી’ની આઇડેન્ટીટી જેવા સર્વાધિક લોકપ્રિય સુપરમેનની વાર્તાઓ નિયમિત વાંચવાવાળાઓની લાગણીઓ આવા પ્લોટથી દુભાય તેમ નથી. આવું તો આવી કોમિકસમાં વાર તહેવારે બનતું હોય છે!
એકવાર સુપરમેનના કોમિકસમાં જ એવી વાર્તા આવેલી કે એક જેટ વિમાન કાબુ બહાર જઇને શહેરના ડોકયાર્ડમાં નાંગરેલા વિશાળ ઓઇલ ટેન્કર સાથે અથડાઇને સર્વનાશ કરે છે! પછી સુપરમેન ‘ટાઇમ ટ્રાવેલ’ કરી ભૂતકાળમાં જઇને એ ઘટના બનતી રોકે છે. એક ઓર કહાણીમાં સુપરમેનનું નગર ‘મેટ્રોપોલીસ’ (જેની કલ્પના ન્યુયોર્કના આધારે કરવામાં આવી છે) ખેદાન- મેદાન થઇ જાય છે. સુપરમેનનો જાની દુશ્મન એવો ઇર્ષાળુ અબજપતિ લેકસ લ્યુથર તેના માટે જવાબદાર હોય છે. પછી સુપરમેન પોતાની આગવી શકિતઓથી તૂટેલી ઇમારતો ફરી બનાવે છે અને શહેરનું નવસર્જન કરી દે છે!
‘એકસ-મેન’ની એક વાર્તામાં કલાઇમેકસમાં અંતરિક્ષના અન્ય સજીવોના ‘જીન્સ’ ધરાવતો હિંસક ખલનાયક ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ના જ ભુક્કા બોલાવી દે છે, એવી વાર્તા હતી. ‘એન.વાય.પી.ડી. બ્લુ’, ‘રેવન’ કે ‘બેવોચ’ જેવી ટી.વી. સિરિયલ્સમાં પણ ત્રાસવાદી હુમલાની થીમવાળી વાર્તાઓ આવી ગઇ છે. ફેન્ટમ કે મેન્ડ્રેક જેવા કોમિકસમાં પણ એ દેખા દે છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ પછી તો આ ટ્રેન્ડ બમણાં જોરથી ત્રાટકશે એમાં બેમત નથી!
એમ તો ફ્રેન્ચ લેખક જુ(યુ)લે વર્નની અનેક નવલકથાઓમાં વિભિન્ન આવિષ્કારોની સાથે શહેરોને તારાજ કરતાં ત્રાસવાદ અને ઘાતક રાસાયણિક હથિયારોની પરફેકટ આગાહી હતી. એચ.જી. વેલ્સની ‘વોર ઓફ ધ વર્લ્ડસ’ કે ગુજરાતના રમણલાલ વ. દેસાઇની ‘પ્રલય’ જેવી ઘણી કૃતિઓમાં વિશ્વયુદ્ધ કે ધાર્મિક ઝનૂની ત્રાસવાદ દ્વારા વિશ્વવિનાશની વાર્તાઓ છે. (પ્રલયમાં પણ ખતરો ઇસ્લામિક ત્રાસવાદ તરફ એ જમાનામાં ચીધવામાં આવેલો! ગુજરાતીમાં !)
ફરક એટલો જ છે કે વાર્તામાં હંમેશા વિલનની બાજી ઉંધી વાળવા હીરો મોજુદ હોય છે પણ વર્તમાન વાસ્તવિકતામાં વિલનો તો દેખાય છે, પણ હીરોગીરી નક્કી થતી નથી!
ફાસ્ટ ફોરવર્ડ
‘આઘુનિક યુદ્ધનું શસ્ત્ર બોમ્બ કે બંદૂક નથી. એ બધા તો માત્ર સહાયકારક સાધનો છે. સાચું હથિયાર તો ‘માહિતી’ છે એ જેની પાસે સંપૂર્ણ અને સાચી હશે, એ યુદ્ધ યોજી પણ શકશે અને દિમાગ લડાવી જીતી પણ લેશે!’ (લેખક એન્ડી મેકનેબ)

ગુજ્જુ ટુરિસ્ટ પડાવે એવી જ કેમેરા સામે ફરજીયાત હસતા મોઢે પડાવેલી 'ગ્રાઉન્ડ ઝીરો' (વર્લ્ડ ટ્રેડ સેન્ટર' ની સાઈટ) પર હીરોગીરીની અદામાં પડાવેલી તસવીર. જસ્ટ ફોર ફન. ત્યારે તો ઉધાર માંગેલા ડીજીટલ કેમેરા ય પારકા હતા ને સાથેના દોસ્તોની મહેરબાની હતી!

અમેરિકાને પૈસાથી પણ વઘુ વ્હાલી ‘પ્રાઇવસી’ છે. આ વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર સિક્યુરિટીએ તરાપ મારી છે. દરેક જગ્યાએ સિક્યુરિટી ચેક. મ્યુઝિયમમાં જાવું છે ? બેગ ખોલો. મેટલ ડિકટેટરમાંથી પસાર થાવ. પાર્કમાં ફરવું છે ? સિક્યુરિટી ચેક કરાવો. ફલાઇટ પકડવી છે ? સિક્યુરિટી. કોઇ અધિકારી, પત્રકાર કે સેલિબ્રિટીને મળવું છે ? મેટલ ડિકટેટર. એક વાર મોટી ઓફિસમાં અંદર જવા માટે સ્પેશ્યલ બાર કોડ વાળો ગેટ પાસ લો, પછી ભૂલાઇ ગયેલી બોલપેન લેવા જવું હોય, તો પણ નવું ચેકિંગ, નવો પાસ ! સિક્યુરિટી ઓફિસર્સ વિવેકથી વર્તે. પ્રેમથી હસે. મોટે ભાગે ચહેરો જોઇને ઝાઝી ઉલટતપાસ કે હેરાનગતિ વિના ઉપરછલ્લી નજર નાખી જવા દે. આમ પણ અમેરિકનો માણસ કરતા (યોગ્ય રીતે જ) મશીન પર વઘુ ભરોસો રાખે છે. વિસ્ફોટક પદાર્થો ‘સ્કેન’ કરવા માટેના છૂપા સેન્સર્સ તો દરેક મહત્વની જગ્યાએ લગાવેલા જ હોય પછી બહુ મોટા જોખમની બીક ન રહે.

જેમ ભારતમાં કોઇ પણ વાતમાં ‘આઝાદી પછી અને આઝાદી પહેલાં એમ બોલવું ફરજીયાત છે, એમ અમેરિકાની જીંદગી ‘પ્રિ-નાઇન ઇલેવન’ અને ‘પોસ્ટ નાઇન ઇલેવન’ એમ બે ટૂકડામાં વહેંચાઇ જાય ! પિઝા ખાવાથી લઇને કાર પાર્ક કરવા સુધીની દરેક બાબતોમાં ‘૯/૧૧’ નામનું પ્રેત વળગી રહ્યું છે. ! ફિલ્મો કે કોમિકસમાં ભાગ્યે જ આ ઘટના કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ઉલ્લેખ થાય છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સમાધિસ્થાન જેવા ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર થોડી વાર માટે પણ વાહન પાર્ક રાખો તો દસે દિશાએથી સલામતીરક્ષકોનું ઘાડિયું પ્રગટ થઇ જાય !

૨૦૦૪મા મૂળ સ્થળની આસપાસના ઘણા બિલ્ડીગ્સ પણ 'ઘાયલ' અવસ્થામાં હતા. અહીં પણ આ બહુમાળી ઈમારત બુરખો પહેરી મોં સંતાડતી હોય એવું નથી લાગતું?મૂળ ઘટનાનું કવરેજ 'ટોન ડાઉન' કરવામાં આવ્યું હોવા છતાં એ કેટલી ભીષણ હશે એ આ જોઈને સમજી શકાય !કોલેજના કલાસરૂમથી રેલ્વે સ્ટેશન સુધી ‘‘નાઇન ઇલેવન’’ પછી બઘું બદલાઇ ગયું,” એવી જનરલ ફીલિંગ છે. જોબ, ઇકોનોમી, બિઝનેસ તમામ આર્થિક બાબતો પર ૯/૧૧ નો અદ્રશ્ય સિક્કો છે. એન્ટરટેઇનમેન્ટ, પોલિટિકસ, સાયન્સ, ટ્રાફિક...બધા પર ૯/૧૧નો ઓછાયો છે. લોકોનું ઘ્યાન ખેંચે એવા એના તમામ પ્રતીકો, ઇમારતો, પૂતળાઓ વગેરે સિમ્બોલ્સથી લોકો કેવી રીતે વઘુ દૂર રહે, એની યોજનાઓ બનાવાય છે, બધા જ સ્કાય સ્ક્રેપર્સ જાણે આકાશમાં ઉડતા અજાણ્યા વિમાનના ડરથી થથરતા હોય એવું લાગે છે! આખિર કબ તક ? ક્યારેક તો સુરક્ષાવ્યવસ્થા હળવી કરવી પડશે ત્યારે ? જવાબ કદાચ અમેરિકા કરતાં અલ કાયદાને વઘુ ખબર છે !
Chintan Oza
September 12, 2011 at 9:52 PM
Nice 1JV..tx.
LikeLike
Prakash Khanchandani
September 12, 2011 at 10:01 PM
On the topic of comics, DC comics has relaunched their 52 comic book titles from #1 this month which includes Superman, Batman, Justice League, Green Lantern… and they are written by superb writers such as Grant Morrison & Scott Snyder…JV, you should check them out if you like comic books!!
LikeLike
Rakesh Patel
September 12, 2011 at 10:13 PM
Shuny Bhotaliyu….batavava badal AbhaaR!!!!
LikeLike
Rakesh Patel
September 12, 2011 at 10:14 PM
Shuny Bhotaliya na Darshan Karavava Badal Abhar!
LikeLike
Nirav Panchal
September 12, 2011 at 10:17 PM
🙂 Spell Binding, not just because of the superheroes, but the people of United States of America actually know that they don’t exist, but yet they do believe that the military and the Homeland Security personnel are no less than the Ironman, Hulk or for that matter “The Dark Knight”.
People bash generally about India’s lethargic movement(?)in the areas of espionage, counter intelligence and counter terrorism, I agree with them, but the basic funda.of fighting is first to identify against who they are fighting, not just support an individual, the process might be different, but the result would always be the desired one!
LikeLike
vicky
September 12, 2011 at 10:40 PM
Never in India, such stories have been told in cinema with such Big Picture ! There are certainly some exceptions like ” A Wednesday ” , but the rest can’t leave the obsession of Love Angle and Songs which spoils the fun of movies in this genre !
LikeLike
ubshabdu
September 13, 2011 at 7:17 PM
majedar, maja aavi. photos pan
LikeLike
Gaurang
September 14, 2011 at 3:16 AM
Hi JV,
What a coincedence ! Its absolutely miraculous.
Today I read your blog and I switched on my TV @ home in UK and on a national channel ITV 4 today they broadcasted “THE DAY OF THE JACKLE” movie. I cant believe this. It is just merely a coincedence ? I dont know.
Apart from this your blog again took me back of my school days when I used to read lot of crime and suspence thriller books.
Great article and great miraculous coincedence.
YOUR BIG FAN
Gaurang
LikeLike
jay vasavada JV
September 14, 2011 at 5:05 AM
wow ! lovely co-incidence ! d book n film both r fantastic.
LikeLike
Sohil Shiny Savior
September 14, 2011 at 5:18 AM
first time i read article on this topic. real fresh thing with knowledge. nice one.
LikeLike
R.Bhavesh
September 14, 2011 at 12:09 PM
Many many times this thought comes to my mind that there must be following two sections (or sidebar widgets on your site)
1) Books I read
2) Movies I watch
You don’t have to write articles on each of the movies or books you read but a short description of one or two lines on each of them would make an awesome list in the long run. – For you, it would keep track of the books and movies and your views on them.
– For readers, it would prove to be a goldmine of recommended stuff. What to read/see and what to avoid?
For example, I never before heard of Day of the Jackal. Now that you mentioned it here, I will go grab it anyhow. I just wish you had this super big list of such books that would save time for so many readers to keep junk at the bay.
LikeLike
hirals
September 14, 2011 at 1:54 PM
Yes, I do agree,
JV sir,
pls make these two pages if possible as suggested.
1) Books I read
2) Movies I watch
—
I haven’t read the article yet. Just saw pics and description of pics. 🙂
LikeLike
H V OZA
September 14, 2011 at 2:56 PM
DEAR SIR,
http://WWW.FACEBOOK.COM/HARSHAD.V.OZA FOR JOINT WITH ME
LikeLike
Harsh Patel
September 15, 2011 at 11:15 AM
Hello…I want to add an another book named ‘WRECK OF TITAN’ by Robert Morgan(most prbably…!!!)…its a stoy related with he TITANIC accident….if possile I will add the link…
LikeLike
Harsh Patel
September 15, 2011 at 11:19 AM
http://en.wikipedia.org/wiki/Futility,_or_the_Wreck_of_the_Titan
LikeLike
Tamanna shah
September 21, 2011 at 10:38 AM
Thrillers are also good in gujarati written by Mahesh yagnik and Harkishan Maheta. esp. – lay -pralay.. my all time favourite..nice article..thnx
LikeLike
ALKA BHATT
October 12, 2011 at 10:04 PM
BE LATED , MANY MANY HAPPY RETURNS OF THE DAY & HAPPY BIRTH DAY,
FROM,
ALKA BHATT
SURAT, GUJARAT
LikeLike