RSS

Daily Archives: August 26, 2011

કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે !

આઈઝને વાઈડ ઓપન કરી દેતા આઈફોન પર વાતો  કરવાની બ્રેક મારીએ… કારણ કે વાત કરવાની છે આઈફોન જ નહિ, જગતભરમાં છવાઈ ગયેલા આઈપોડની… ના, ડિજીટલ મ્યુઝિક પ્લેયર આઈપોડની નહિ… પણ પોતાના આગવો અનુયાયીગણ ઊભા કરનારા ‘મેક’ કોમ્પ્યુટર્સની… ના, અમિતાભ બચ્ચન જેવા સુપર સેલિબ્રિટિઝના પણ ફેવરિટ મેક કોમ્પ્યુટર્સની પણ નહિ, પણ આ બઘું જ બનાવનાર એપલ ઈન્કોર્પોરેશનની, ના દુનિયાની ૧૦૦ ટોચની મહાન કંપનીઓમાંની એક એપલની નહિ, પણ એની પાછળના વાઈઝ વિઝનની!

યાને કે સ્ટીવ જોબ્સની! શિખરથી તળેટી અને તળેટીથી વઘુ ઉંચા શિખરે પહોંચવાની રોલરકોસ્ટર સફરની! ‘નેવર સે ડાઈ’ના ફાઈટિંગ સ્પિરિટ અને દુનિયાદારીની થપાટોથી ઈન્ટેલીજન્ટ જીનિયસમાંથી પ્રેકટિકલ પૈસાદારમાં થયેલા ટેલન્ટ ટ્રાન્સફોર્મેશનની ઈન શોર્ટ, સ્ટીવના સફરજનની!

* * *

૧૯૮૪.

જ્યોર્જ ઓરવેલની વિખ્યાત સાયન્સ ફિકશન મીટસ ફિલોસોફી જેવી કથાનું આ શીર્ષક છે. જેમાં જાયન્ટ કંપનીઓની ટેકનોલોજીકલ મુઠ્ઠીમાં કેદ સમાજની આગાહી છે.

૧૯૮૪ની સાલમાં અમેરિકન ટેલિવિઝન પર એક મશહૂર જાહેરાત શરૂ થઈ હતી. એક ‘બિગ બ્રધર’ એના વિરાટ કદથી એના કબજામાં ચૂપચાપ ફસાયેલા વિરાટ જનસમુદાયને ડરાવતો હતો. અચાનક એક રંગીન કપડાંમાં સજ્જ, યુવા તાજગીથી આઘુનિક એવી બળવાખોર સ્ટાઈલથી આવે છે. સિતમગર બોસ જેવા બિગ બ્રધરને રીતસર ધોઈ નાખે છે… જે લોકોએ હિંમતથી ક્રાંતિકારીનો સાથ આપ્યો છે,  એને મુક્તિ મળે છે. જાહેરખબર પૂરું થતા સ્લોગન આવે છે : ” થિંક ડિફરન્ટ!  

On January 24th, Apple Computer will introduce Macintosh. And you’ll see why 1984 won’t be like “1984.

જાહેરાત હતી એપલ મેકિનટોશ કોમ્પ્યુટરની. જેમાં સિમ્બોલિક રીતે ‘બિગ બ્રધર’ એ વખતની કોમ્પ્યુટરના જગતની સર્વસત્તાધીશ ગણાતી કંપની આઈબીએમ હતી. ડેસ્કટોપ પી.સી.નો કોન્સેપ્ટ ઘરઘરાઉ બન્યો નહોતો. લેપટોપના તો સપના પણ કોઈને આવતા નહોતા. મોબાઈલ ફેન્ટેસી ફિલ્મ જેવા લાગતા! ઈન્ટરનેટ, ઈમેઈલ અને અલ્ટીમેટલી ‘ઈન્ફોર્મેશન ટેકનોલોજી’ રૂપિયા રળવાને બદલે ગુમાવવાની કલ્પના લાગતી.

ત્યારે ગણત્રી માટે વપરાતા મસમોટા, પરંપરાગત, અટપટાં અને ડબ્બાછાપ કોમ્પ્યુટર્સ આઈ.બી.એમ. બનાવતું, જેની ખપત સાયન્ટિફિક રિસર્ચ, એકાઉન્ટિંગ, ડેટા સ્ટોરેજ, ડિફેન્સ જેવા આમ આદમીની સમજ બહારના ક્ષેત્રો માટે થતી હતી. ઈન્ટેલ કોર કે એએમડી પ્રોસેસર્સનું તો ગર્ભાધાન થવાને પણ બે દસકાની વાર હતી!

૧૯૮૪માં એપલ કોમ્પ્યુટરે પહેલી વખત મેકિનટોશ સીરિઝથી ‘હોમ પીસી’ના કોનસેપ્ટને માર્કેટ ફ્રેન્ડલી બનાવવાની શરૂઆત કરી. આમાં બજારનો પ્રભાવ ઓછો, અને બુદ્ધિનો પ્રભાવ વઘુ હતો. સ્ટીવ જોબ્સ નામનો ૨૯ વર્ષનો મેધાવી વિજ્ઞાની એપલ કોમ્પ્યુટરનો સ્થાપક હતો. આ તરવરિયા જવાનના મનમાં અનાજ ભરવાની કોઠી જેવા કબાડી કોમ્પ્યુટર્સને બદલે બ્યુટી કોન્ટેસ્ટના સ્વીમસ્યૂટ રાઉન્ડના ચેમ્પીયન જેવા આકર્ષક, નાજુકનમણા અને ઘાટીલા વળાંકોવાળા કોમ્પ્યુટર્સની ઝંખના હતી. માત્ર વિચાર નહિ, એ સાકાર કરવાની ટેકિનકલ ડિઝાઈન અને એન્જીનીયરીંગ નોલેજ પણ હતું.

૧૯૭૭ની સાલથી યાને ૨૨ વર્ષની ઉંમરથી એનું જીનિયસ બ્રેઈન આ ખ્વાબને હકીકતમાં પલટાવવા બેતાબ હતું. પોતાના કોમ્પ્યુટર માટે એ આગવી અને ‘યુઝર ફ્રેન્ડલી’ ઓપરેટિંગ સીસ્ટમ બનાવવા માંગતો હતો. એ વખતે એના સોફટવેર લખવાનું કારકૂની કામ એણે ભણતરમાંથી ‘ડ્રોપ આઉટ’ થયેલા પોતાના જેવા જ એક બીજા જુવાનના – ધંધાકીય સાહસરૂપી નાનકડી કંપનીને સોંપ્યું હતું. એ પ્રતિભાશાળી જુવાનને આર્થિક જ નહિ, ટેકિનકલ નોલેજની રીતે પણ મોટો ‘બ્રેક’ મળ્યો હતો. એપલના હાથ નીચે કામ કરતી એ કંપનીનું નામ માઈક્રોસોફટ… અને સ્ટીવ જોબ્સે જેનામાં ભરોસો રાખી પોતાનું સપનું અને જ્ઞાન વહેંચ્યું, એ જુવાન સતત ૧૧ વર્ષ સુધી કુબેર નંબર વન રહીને દાન કરીને સંપત્તિ ઘટાડનાર બિલ ગેટ્‌સ!

તો, જવાન સ્ટીવ જોબ્સને ધમાકેદાર સફળતા મળી. પબ્લિકે ‘મેકિનટોશ’ને વધાવી લીઘું. અમરનાથનું પહોંચ બહાર લાગતું શિવલિંગ ઘરના ફળિયામાં આકાર લેવા લાગે એવી આ બેજોડ ક્રાંતિ હતી. નખશિખ આદર્શવાદી સ્ટીવને વિજ્ઞાન અને ભેજાંના જોરે ઘણું કરી બતાવવું હતું. એની કંપની વિસ્તરતી જતી હતી. હવે એ ચલાવવા પ્રોફેશનલ હેલ્પની જરૂર હતી.

૧૯૮૫માં ૩૦ વર્ષના જોબ્સે ‘પેપ્સી’ના ૪૬ વર્ષના એકિઝક્યુટિવ જ્હોન સ્કૂલીને ઉંચા વળતરે ‘એપલ’માં બોલાવ્યા. હવે નવા નવા સિદ્ધિશિખરો સર કરવાના હતા. પૂરપાટ વેગે ગાડી ભગાવવાની હતી… લેકિન, કિન્તુ, પરંતુ… ગાડી તો દોડી, ડ્રાઈવર ફેંકાઈ ગયો!

મિસ્ટર સ્કૂલી પોતાના નવલોહિયા બોસની કામ કરવાની અનકન્વેન્શનલ પદ્ધતિથી નારાજ થયા. એમણે ચક્કર ચલાવવાની શરૂઆત કરી. એકતા કપૂરની સિરિયલ જેવો ડ્રામા થયો. કંપનીની બોર્ડરૂમ મીટિંગમાં તમામ ડાયરેકટર્સે કંપનીના મૂળ સ્થાપક અને એપલ મેકિનટોશની પ્રોડક્ટના જનક એવા સ્ટીવની વિરૂદ્ધમાં મતદાન કર્યું ! અને પોતે જ બનાવેલી, ઉંચે પહોંચાડેલી કંપનીમાંથી સ્ટીવ જોબ્સને દરવાજો બતાવી દેવામાં આવ્યો!

કંપનીના કન્ઝર્વેટિવ ડાયરેકટર્સના મતે સ્ટીવ જોબ્સ પ્યુરિસ્ટ એન્ડ આઈડિઅલિસ્ટ હતો. એ લેબોરેટરીમાં ચાલે, બિઝનેસમાં નહિ! એને બિઝનેસની ચાલાકીભરી રમતો આવડતી નહોતી. એ પ્રોફિટને બદલે અવનવા પ્રયોગો, વૈજ્ઞાનિક સંશોધનો અને ગુણવત્તાની નીતિમત્તાનું ગાણુ ગાતો હોઈને કંપનીના ભવિષ્ય માટે ‘જોખમી’ હતો. એ નવીનતાના ઉમંગમાં ધંધાકીય સમાધાનો નહોતો કરતો! અણધાર્યા સન્નાટામાં સૂનમૂન થઈ ગયેલા સ્ટીવ જોબ્સે હતાશામાં એટલું જ કહ્યું : ‘મારી યુવાની ચૂસાઈ ગઈ! ઈટ સક્‌ડ માય હોલ યૂથ!’

જરા વિચારો. સંઘર્ષમાં નિષ્ફળતા મળે એ તો સમજ્યા પણ મંઝિલ પર પહોંચીને માંડ હાશકારો થાય ત્યાં જ કોઈક ધક્કો મારીને સાપસીડીની જેમ ફરી ગ્રાઉન્ડ ઝીરો પર ગબડાવી દે તો કેવું લાગે? અડધી જીંદગીની મહેનત ડૂબી જાય, પછી કરતા જાળ કરોળિયાની કવિતાઓ ગાવાનું પણ જોમ ન રહે. એ જ બઘું ફરીથી કરવાનો એકડો ધૂંટવાના વિચારો જ એટલા ત્રાસદાયક હોય કે અમલ કરવા કરતા આત્મવિલોપન કરવામાં સુખ લાગે!

સુપર સ્માર્ટ, સક્સેસફૂલ, યંગ રિચમાંથી મિસ્ટર નોબડી બનેલા સ્ટીવ જોબ્સે ફરી બિગિનર તરીકે આરંભ કર્યો. ૩ વર્ષે એણે નવી એક કંપની બનાવીઃ નેકસ્ટ. ૧૯૮૮માં એણે નેકસ્ટ ક્યૂબ નામનું બોક્સ બજારમાં મૂક્યું. એ સમયે એ બેહદ શક્તિશાળી ડિવાઈસ હતું, પણ એટલે જ બેહદ મોંધુ હતું. સુપરફલોપ થયું. પછી જોબ્સ અને નેકસ્ટ કંપની સોફટવેર્સ અને ઓપરેટિંગ સીસ્ટમ બનાવવા તરફ વળી ગયા. જોબ્સની કંપની અને દોલત છીનવાઈ ગઈ હતી, પણ કોમ્પ્યુટરમાં કરામાતી રીતે ચાલતું દિમાગ એની પોતાની પાસે હતું.

એ બ્રેઈનના જોરે જ એને રસ પડ્યો ‘સ્ટાર વોર્સ’ના સર્જક અને હોલીવૂડની ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટસના ભીષ્મ પિતામહ એવા જ્યોર્જ લુકાસની કંપની ‘પિકસાર’માં. એનિમેશન ગ્રાફિક્સ બનાવતી સ્ટુડિયો કંપની પિકસારમાં લુકાસને રસ નહોતો, એટલે ૧૯૮૬માં સ્ટીવ જોબ્સે એનો કારોબાર સંભાળ્યો. ૧૯૯૦માં વોલ્ટ ડિઝની કંપની સાથે એણે સોદો કર્યો. પિકસાર ક્રિએટિવ સાઈડ સંભાળે અને ડિઝની માર્કેટિંગ તથા ડિસ્ટ્રીબ્યુશન કરે… જોબ્સે ૫ વર્ષ આગળનું ભવિષ્ય વાંચી લીઘું હતું. ૧૯૯૫માં ‘ટોય સ્ટોરી’ ફિલ્મથી હોલીવૂડમાં કોમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મોનો વિજયવાવટો ફરકવા લાગ્યો, અને પિકસાર કી નિકલ પડી!

હિપ્પી મિજાજનો, ગુસ્સા પર કાબૂ ન રાખી શકનારો, પોતાની બેફિકરાઈ અને મસ્તીમાં જીવનારો, તરંગી અને ઘેલો ગણાય એટલી હદે આદર્શવાદી સ્ટીવ જોબ્સ ‘ઝેન બુદ્ધિસ્ટ’ બનતો ચાલ્યો. એ દરમિયાનમાં એણે આદર્શવાદને બદલે બિઝનેસ ટેકનિકસમાં ઉસ્તાદ એવા બિલ ગેટ્‌સને સફળતાની એક પછી એક સીડી ધમાધમ ચડતો જોયો.

બિલ ગેટ્‌સની વિજયગાથાના ગાંડિવ ધનુષ જેવી વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમ ખરેખર તો સ્ટીવ જોબ્સની એપલ મેકિનટોશ માટેના આઈડિયાઝનું જ સુધારેલું રિમિક્સ વર્ઝન હતું. ફાડીતોડીને કહો તો ‘સ્માર્ટ’ રીતે બિલે સ્ટીવની સાથે સાથે કામ કરતા કરતા એની ટેકનોલોજીમાંથી પ્રેરણા લીધી હતી. પણ ગેટ્‌સની ધંધાકીય સૂઝ કાબિલેદાદ હતી. એને સ્પર્શી ન શકાય એવી ઉંચાઈએ એ પ્રેકટિકલ બિઝનેસમેન તરીકે પહોંચ્યો હતો.

અને એપલ? પોતાનો ભેજાંબાજ આત્મા ગુમાવી દીધા પછી કંપની રીતસર લથડિયાં ખાતી હતી. સ્ટીવ જોબ્સ વિનાના એક દશકામાં કોમ્પ્યુટરની દુનિયા સપાટાબંધ બદલાઈ ગઈ, અને કોઈ એની સાથે તાલ મિલાવી શક્યું નહિ. દેવાળિયા હાલતમાં મુકાયેલી એપલ વેચાઈ જવાની તૈયારીમાં હતી ત્યારે એના તત્કાલીન બોસ જીલ એમિલિયોએ એક નિર્ણય લીધો. નવી ઓપરેટિંગ સીસ્ટમ ખરીદવાનો. એ વખતે ધ બેસ્ટ એન્ડ એન્ડવાન્સ્ડ એવી ઓપરેટિંગ સીસ્ટમ બનાવતી કંપની હતી સ્ટીવ જોબ્સની નેકસ્ટ! સોદાના બદલામાં સ્ટીવ જોબ્સે ફરી એક ડાયરેક્ટર તરીકે એપલમાં પુનરાગમન કર્યું ! માત્ર ૧ ડોલર વર્ષે લેવાની લોભામણી ઓફરથી!

પણ વેરની રોમાંચક કહાણીઓના નાયકની માફક ૧૨ વર્ષમાં સ્ટીવ ઘણું બઘું શીખીને આવ્યો હતો. હવે બોર્ડરૂમ ડ્રામા માટેનું સ્ટેજ સજાવવાનો વારો એનો હતો. ૧૯૯૭માં જ એણે ડાયરેક્ટર્સ મીટિંગમાં એકઝાટકે ફરી કંપની પર આધિપત્ય જમાવી દીઘું અને કટોકટીમાં ‘વચગાળા’નો સીઈઓ બની ગયો! (૨૦૦૦ની સાલથી ‘ઈન્ટિરિયમ’ શબ્દ પણ નીકળી ગયો છે).

કેપ્ટન જેક સ્પેરોના હાથમાં ફરી ‘બ્લેક પર્લ’ જહાજ આવી જાય એવી આ નાટ્યાત્મક ઘટના હતી! (કર્ટસીઃ પાઈરેટ્‌સ ઓફ ધ કેરેબિયન). સ્ટીવે કંપની પર સંપૂર્ણ કબજો મેળવી લીધો… અને પહેલું કામ એણે ‘સિલિકોન વેલી’માં લોકશાહી માટે સુખ્યાત ‘એપલ’માં પોતાની સરમુખત્યારી લાદવાનું કર્યું. તમામ સત્તાના સૂત્રો પોતે રાખનાર સ્ટીવે કર્મચારીઓ માટે ‘ઓમેટ્રા’ નામનું સોગંદનામું બનાવ્યું, જેમાં ‘ધ બોસ’ની સામે મૌન રહી હૂકમો માનવાની પ્રતિજ્ઞા હતી!

સિદ્ધાંતવાદી બનવાનો ‘સ્વાદ’ સુપેરે ચાખી ચૂકેલા સ્ટીવે વાસ્તવવાદી બનીને બીજા એક માસ્ટર સ્ટ્રોકથી હરીફોને ચકિત કરી દીધા. સ્ટીવની ગેરહાજરીમાં તળિયાઝાટક થયેલી ‘એપલ’ની તિજોરી ભરવા માટે ‘વાણિયાની મૂછ સાત વાર નીચી’ વાળી સમયને અનુકૂળ થવાની નીતિ અપનાવી સ્ટીવે બિલ ગેટ્‌સને જ એપલમાં પૈસા રોકવા આમંત્રણ આપ્યું ! સ્ટીવે પ્રતિષ્ઠાનો મુદ્દો વચ્ચે લઈ આવ્યા વિના પ્રોફિટને મહત્વ આપ્યું, અને સ્ટીવના ‘પરોક્ષ’ ઉપયોગથી જ ધનિક બનેલા બિલથી વઘુ તો કોને સ્ટીવની શક્તિઓમાં વિશ્વાસ હોય?

એપલની ડચકાં ખાતી ગાડી માઈક્રોસોફટના રોકાણથી પાટે ચડવા લાગી.

પૈસા કમાવા અને ધંધો જમાવવામાં રિયાલિસ્ટ બનેલો સ્ટીવ ટેકનિકલ ઈનોવેશન અને એસ્થેટિક લૂકની બાબતમાં હજુ આઈડિયલિસ્ટ એન્ડ પ્યુરિસ્ટ હતો. એણે ‘ઓએસ ટેન (x)’ નામની નવી સુપરહિટ ઓપરેટિંગ સીસ્ટમ બનાવી. (જેમા ચીતા, પ્યુમા, જેગુઆર, પેન્થર, ટાઈગર અને લેપર્ડ વર્ઝન્સ બિલાડ કુળના પ્રાણીઓ પરથી છે ! લેટેસ્ટ છે લાયન.) બ્રિટનના ડિઝાઈનર જોનાથન ઈવ સાથે મળીને કોમ્પ્યુટરની દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું સાહસ કર્યું. ‘આઈ-મેક’ નામથી પિપરમિન્ટ કલરના ટ્રાન્સપેરન્ટ કોમ્પ્યુટર્સ બજારમાં મૂક્યા! પછી ‘આઈ-બૂક’ લેપટોપ!

ફરી સમય વર્તીને એણે ઈન્ટેલની ચિપ પણ વાપરવાની શરૂ કરી. વટ નહિ, વેપાર જાળવો. જોબ્સના ક્રિએટિવ દિમાગે તરત જ પારખી લીઘું કે કોમ્પ્યુટર માત્ર ઓફિસ જોબની પ્રોડકિટવિટી વધારવા માટે નથી. આવનારી ૨૧મી સદીની ‘ડિજીટલ લાઇફ’માં હાર્ડવેર-સોફટવેરનું વપરાશકર્તા માટે સરળ કોમ્બિનેશન ઘેર ઘેર પહોંચાડવું પડશે. અને ૨૦૦૧માં એણે પોર્ટેબલ ડિજીટલ મ્યુઝિક પ્લેયર ‘આઇ-પોડ’ બનાવ્યું.

‘વિન્ડોઝ’ને કાયમ મજાકમાં ‘વર્કિંગ ઇન હેલ’ જેવી ઉતરતી કક્ષાની ઓપરેટિંગ સીસ્ટમ ગણતા સ્ટીવે જગતભરમાં ફેલાયેલી એની પહોંચ સાથે સમાધાન કરીને મ્યુઝિક માટેનો ‘આઇ ટયુન્સ’ સોફટવેર અને પછી વિન્ડોઝ ફ્રેન્ડલી મેક કોમ્પ્યુટર મોડલ બનાવ્યા ! આઇપોડે બેસુમાર સફળતા મેળવતા સ્ટીવે વિશ્વની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના પાયા હચમચાવી નાખ્યા ! ૨૦૦૬માં એણે એનિમેશન સ્ટુડિયો પિકસાર ડિઝનીને વેંચી, બદલામાં ડિઝની એન્ટરટેઇનમેન્ટમાં કાયમી ડાયરેકટર તરીકેનું સ્થાન મેળવી હોલીવૂડમાં એન્ટ્રી કરી લીધી.

એક જમાનામાં પ્રામાણિક અને સ્વપ્નીલની છાપ કેળવનારા સ્ટીવ પર શેરબજારમાં પડદા પાછળની ખંધી રમતથી એપલના ભાવ ઉંચકાવવાના આક્ષેપો પણ થયા. ત્યાં સુધીમાં તો દુનિયામાં એપલના ૧૭૦ રિટેઇલ સ્ટોર ખુલી ગયા હતા. કમબેક ટુ એપલ માટે એણે માત્ર વર્ષે ૧ ડોલર પગારનો જુગારી દાવ ખેલ્યો હતો. પણ અંદર પ્રવેશીને ફરી કંપનીના સુપરબોસ બની જવાને લીધે ગયા વર્ષે અમેરિકાનો સૌથી વઘુ કમાતો સીઇઓ સ્ટીવ જોબ્સ હતો. ૨૦૦૪માં પેન્ક્રિઆસ કેન્સરનો મુકાબલો કરીને બેઠા થયેલા સ્ટીવે જોયું કે મ્યુઝિક પ્લેયરવાળા મોબાઇલ આઇપોડને ટક્કર આપે છે, એટલે એણે નવી જ માર્કેટ ખોલવાની નીતિ પડતી મૂકી, મોબાઇલની જામેલી માર્કેટમાં ઝૂકાવવાનું વિચાર્યું !

અને ‘સ્માર્ટફોન’ એવા અઘરા હોય છે કે સ્માર્ટ લોકો જ વાપરી શકે’ એવું કહી એકદમ અનોખો ઇઝી આઇફોન લઇ મોબાઇલ વર્લ્ડમાં ‘શોકવેવ’ ફેલાવવા સ્ટીવ હાજર થયો ! એપલની આગવી ક્રિએટિવિટીને હવે હાર્ડ કોર પ્રેક્ટિકલ બિઝનેસમેન સ્ટીવનો સથવારો મળ્યો, અને કંપની ૧૦૦ અબજ ડોલરને વળોટી ગઈ ! બિલ ગેટ્‌સ વિન્ડોઝથી વઘુ કશું નવું કરી શકવામાં નિષ્ફળ છે. ત્યારે સ્ટીવનો આઇફોન પણ પેલા ફલોપ ગયેલા ‘નેકસ્ટ કયુબ’નો જ હાઇ ફાઇ મેકઓવર છે ! સ્ટેપ બાય સ્ટેપ પોતાની દરેક નિષ્ફળતાને સફળતામાં ફેરવતા જતા સ્ટીવે હમણા એક પ્રવચનમાં બિલ ગેટસને કહ્યું કે, ‘આપણી વચ્ચે આગળના રસ્તા કરતા પાછળની યાદો લાંબી છે…’ ત્યારે બિલની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયેલા!

આજે આઈ-ફોને મોબાઈલ ફોનનું વિશ્વ બદલાવી નાખ્યું છે. ટચ સ્ક્રીન તો ઘરઘરાઉ થઇ ગયા, નોકિયા જેવી જામેલી જૂની કંપની આ પરિવર્તન સામે ધૂળ ચાટતી થઇ ગઈ! સ્ટીવે તો વળી આઈ-પેડ પણ મૂકી ટેબ કોમ્પ્યુટર્સનો એવો સેક્સી અવતાર રજુ કર્યો કે સેલીબ્રીટીઓ પણ એણે સ્પર્શવા ઘેલી ઘેલી થઇ ગઈ! વળી પાછું આ ભેજાબાજ માર્કેટ લીડરની પાછળ હુડુડુડુ કરતુ મસમોટી કંપનીઓનું ધાડું પોતપોતાના ટેબ લઈને દોડ્યું! માક્રોસોફટનું વિન્ડોઝ સેવન હવે મેકની સમકક્ષ ઓ.એસ. સુધી પહોચ્યું છે ને એપલ પ્રોડક્ટ્સ સામે મોનોપોલી સોફ્ટવેર્સની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ગણગણાટ ચાલુ છે. અમેરિકામાં તો એપલનો રજનીકાંત કક્ષાનો ક્રેઝ છે, પણ ભારતમાં હજુ હમણાં એણે ઓફિશ્યલ એન્ટ્રી લીધી છે! (અંધ સ્વદેશીભક્તો માટે, ભારતની બજાર વિના ય પ્રચંડ મલ્ટીનેશનલ બની શકાય છે, એનો વધુ એક પુરાવો! આપણા કેટલા અબજપતિઓ જોબ્સ જેવા ક્રિએટીવ વિઝન કે પ્રોફેશનલ મિશન સ્ટેટમેન્ટ લઈને ચાલતા હશે? ગોખલાના મંદિરો અને ફેમીલી ગુરુજીઓને બદલે?)

પણ ઉપરવાળાને કદાચ થાય છે, આમ આ એક આદમી જ નીચે દુનિયામાં લોકોની જીન્દગી એકલા હાથે વારંવાર બદલાવતો જશે – તો એણે પ્રોગ્રામ કરેલાં પરિવર્તનોને કેવી હરીફાઈ નડશે? એટલે એના કેન્સરને જીવલેણ ઉથલો આવે છે. સ્ટીવ એક મહિનાનો મહેમાન છે, એવું વિશ્વની તમામ ઉપલબ્ધ સારવાર પછી તબીબોએ ભાખ્યું અને કેટલાક ગુજરાતી પત્રકારમિત્રોએ એની શોકસભા પણ ભરી દીધી (મારો આ મૂળ લેખ છપાયો ત્યાં સુધી સ્ટીવ જોબ્સનું નામ પણ ના જાણતા એક મિત્રે પછી અંગ્રેજીમાથી ‘આઈ-કોન’ પુસ્તકના આધારે ગુજરાતીમાં એક પુસ્તિકા પણ ઘડી કાઢી! હવે જો કે જોબ્સની ઓફિશ્યલ બાયોગ્રાફી આવી રહી છે) , ત્યારે સ્ટીવ આ વર્ષના આરંભકાળમાં રજા પર ઉતરી ગયો. હવે એણે સત્તાવાર રીતે એપલનું સીઈઓ પદ છોડ્યું છે. દરેક દિવસ શબ્દશઃ એના માટે આજે એક ગોડ ગિફ્ટ છે. હજુ ય એ લડી રહ્યો છે. ચમત્કારની એણે આદત છે. કનેક્ટિંગ ધ ડોટ્સની જીવનકહાણી અદભુત જાદુઈ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને કહેનાર મહારથીએ જોડેલું આ અંતિમ બિંદુ હશે?  આવો જીનિયસ માણસ રોજેરોજ પોતાની કાયાને ‘ડિસમેન્ટલ’ થતી અનુભવતો હશે ત્યારે શું વિચારતો હશે? સફરજન હવે પહેલા જેવું ફ્રેશ અને ટેસ્ટી રહેશે?

પણ ભલે જોબ ઘટે, અમેરિકા જ્યાં સુધી જોબ્સ પેદા કર્યા કરશે, ત્યાં સુધી મંદીનો મુકાબલો કરતુ રહેશે ને આપણે? જસ્ટ સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ !

* * *

તો, આ ફિલ્મથી પણ વઘુ રોમાંચક સત્યઘટના છે, દિમાગી દાવપેચના જોરે ગુમાવેલી સલ્તનતના ફરી સમ્રાટ થનાર પરિપકવ બિઝનેસમેનની જીતની………. અને વાસ્તવિકતાના ઝેરી પ્રહારોથી બદલાઇ જનાર એક બુદ્ધિશાળી યુવાનની હારની ! (શીર્ષક : મરીઝ )

# ૨૦૦૭માં પ્રકાશિત લેખનું અપડેટેડ વર્ઝન ૨.૦ (મૂળ લેખ : http://www.gujaratsamachar.com/beta/content/view/8143/292/)

+ સ્ટીવ જોબ્સ સાથે વધુ એક પર્સનલ કનેક્શન હમેશ માટે જોડાઈ ગયું. તારીખ મુજબ મારા જન્મદિને યાને ૬ ઓક્ટોબરે લાંબી લડત પછી એનો જીવ આ સફરજન જેવો પૃથ્વીનો ગોળો મૂકી વિદાય લઇ ગયો, એના સમાચાર મળ્યાં (ટેકનીકલી અમરીકન સમય મુજબ, ૫ ઓક્ટોબરે ) કેટલાક માણસો એચીવર કે મિલિયોનર હોય છે, જોબ્સ આ બંને ઉપરાંત ‘લાઈફ ચેન્જર’ હતો. કદાચ બ્રહ્મા કરતા વધુ ક્રિએટિવલી નવી ડીજીટલ દુનિયાનું ઘડતર કરનાર આ માણસની દેવતાઓને ઈર્ષા આવી હશે.અને એમણે એની લાઈફ સાથે અંચઈ કરી. પણ સ્ટીવ હજુ ય રહેશે , એપલની અવનવી પ્રોડક્ટ્સ જયારે જયારે કોઈ વાપરશે..અરે, કોમ્પ્યુટર સામે પણ જયારે કોઈ બેસશે ત્યારે…….RIP.

બધા ઇન્વેન્ટર બિઝનેસમેનમાં સ્ટીવ જોબ્સની યશગાથા જ કેમ આટલી ચર્ચાય છે? કુબેરપતિ છે એટલે? તો નંબર વન અબજપતિ કાર્લોસ સ્લિમ હેમુની ચર્ચા થવી જોઈએ. કારણ કે, સ્ટીવની જિંદગીમાં ભરપૂર ડ્રામા છે! અનૌરસ સંતાન તરીકે જન્મ, હિપ્પી જવાની, સાધુ બનવાનો છંદ, લફરા, નાની ઉંમરે મોટી સફળતા, પોતાની જ ઘડેલી કંપનીમાંથી રૂખસત, ફરી નિષ્ફળતા, ફરી સફળતા, ફરી એ જ કંપનીમાં ફિલ્મી પુનરાગમન, તુંડમિજાજી સ્વભાવ છતાં તત્કાળ ક્વોટેબલ ક્વોટ આપવાની તેજસ્વીતા, અવનવા આઈડીયાઝ અને જોખમી નિર્ણયો, લોકોની જિંદગી બદલાવી નાખતી એકથી વધુ પ્રોડક્ટ્સ, દોલત…અને અકાળે થયેલું કેન્સર…એની સામે પણ ઉતારચઢાવ ભરેલો જિંદગીનો જંગ ! અને એ સાથે જ છવાતું જતું એપલનું બ્રાન્ડનેમ ! આ “સત્યકથા” હોવા છતાં એમાં ગ્રીક એપિક નાયકના ચરિત્રચિત્રણના તમામ પાસા છે. વેરની વસુલાત છે. ઝીરોથી હીરોની દાસ્તાન છે. હતાશા ખંખેરી ફરી પડકાર જીતવાની પ્રેરણા છે. રોમાન્સ છે. અધ્યાત્મ છે. બુદ્ધિમતા છે. ચાલુ ચીલાથી ઉફરા ચાલવાની નફકરાઈ છે. મહાન સંશોધન છે. બેસુમાર કીર્તિ અને અધધધ ખજાનો છે. કાળજું કંપાવે એવો રોગ અને યુવાન મૃત્યુ છે. લોકોના દિલને અપીલ કરતી આટઆટલી નાટ્યાત્મકતા વિશ્વસ્તરે વાસ્તવિકતામાં હોય પછી તો સિદ્ધિને પ્રસિદ્ધિ ના મળે તો નવાઈ લાગવી જોઈએ! 😛

સ્ટીવને હૃદયાંજલિ + દિમાગાંજલિ  – http://gujaratsamachar.com/20111012/purti/shatdal/anavrut.html

ડીઅર રીડર બિરાદર.

સ્ટીવ જોબ્સની સિધ્ધિઓથી કેટલા લોકોને પેટમાં બળ્યું હશે , એનું મીનીએચર મોડેલ આ બ્લોગની લોકપ્રિયતાથી કેટલાક અદેખાઓ દિવાળી પછી ય જે રીતે બળી રહ્યા છે – એ જોઈને સમજી શકાય છે . 😛

મારાં ઓફલાઈન જ નહિ ઓનલાઈન અનુભવથી જે કોઈ વ્યક્તિ પરિચિત હશે એમને મારી એક આદતનો ખ્યાલ હશે. ક્યારે ય મારી કોઈ વાત / લેખમાં કોઈ ફેક્ચ્યુઅલ એરર – માહિતી કે હકીકતદોષ બતાવે એટલે મારી તૈયારી તત્કાળ સુધારાની હોય છે અને નમ્રતાથી હું એમનો આભાર માની જરૂરી ખુલાસો તરત કરું છું. કારણ કે ૧- હું ભૂલપ્રૂફ નથી, એવું જાહેરમાં અનેક વાર કહી ચુક્યો છું. માણસમાત્ર મર્ફીઝ લોને પાત્ર. એવું કોઈ પૃથ્વી પર છે નહિ, હશે નહિ, હતું નહિ. માટે આ કોઈ ઇગોની બાબત નથી. જીવન નવું નવું શીખવાની જ પ્રક્રિયા છે. ભૂલ થાય એ કબુલવામાં મને કદી નાનમ નડતી નથી. હા, ના હોય તો સામે જવાબ દેવામાં કોઈ શરમ પણ નડતી નથી. ૨- ભૂલ માટેનો મારો ખેદ જેન્યુઈન હોય છે. માટે અન્ય કોઈ વ્યક્તિ ધ્યાન ખેંચે એ પહેલા ઘણી વાર હું જાતે જ એ સુધારી લઉં છું ને જરૂરી હોય ત્યાં જાહેરમાં ધ્યાન પણ ખેંચું છું. આ જ લેખની નીચે બે કોમેન્ટ્સમાં અગાઉ વાચકમિત્રોએ મને કરેક્ટ કર્યો ત્યાં તરત જ એ સુધારી , દિલગીરી-ધન્યવાદ દર્શાવ્યા જ છે. ૩-બીજા ઘણા ભાગ્યે જ ભૂલો કબુલવા જેવા અપારદર્શક હોય, એમણે માટે આ મોટી ઘટના હશે. મારાં માટે આ સાહજીક પારદર્શકતા છે. વાચકો અને મારાં લખાણ માટે હું કમિટેડ છું. પૂરી ચોકસાઈ છતાં, મારાં પુસ્તકો પણ રીવાઈઝ કરતો હોવા છતાં  – ક્યાંક ક્ષતિઓ રહી જાય એ સ્વાભાવિક છે. એવું પરફેક્શન શક્ય નથી- એટલે જ આ બાબતે મેં હમેશા સ્પષ્ટ કબુલાત અને ક્ષમાપનાનું જ ધારાધોરણ રાખ્યું છે. ફેસબુક પર ટ્રેક રહેતો નથી. પણ ઓરકુટ કે ટ્વીટર પર કોઈ ફુરસદે અભ્યાસ કરશે તો એણે એ તરત અનુભવશે.

આ લેખ ૧૦, જુલાઈ ૨૦૦૭ના ‘અનાવૃત’માં લખ્યો , ત્યારથી આજ સુધી એમાં એક હકીકતદોષ ખેંચાતો આવ્યો છે. જે મૂળ લેખને અસરકર્તા હોય કે ના હોય – ભૂલ જ છે. એના તરફ મારું ધ્યાન મને પર્સનલી મેઈલ/મેસેજ/બ્લોગ કોમેન્ટ/ફોન/ફેસબુક કોમેન્ટ/ટ્વિટ કરીને ખેંચવામાં આવ્યું નથી ! છતાં ય એઝ ઓલ્વેઝ મારી જવાબદારી સ્વીકારીને હું એ સુધારું છું. શરૂઆતમાં એપલની જે જાહેરાતનો ઉલ્લેખ છે. એના વર્ણનમાં છેલ્લે એપલનું ફેમસ સ્લોગન લખાઈ ગયું હતું. જયારે મૂળ એડ.માં સ્લોગન જુદું (અને વધુ અસરકારક) છે.

૧૯૮૪મા હું અમેરિકામાં નહિ, પણ ગુજરાતના નાના શહેર ગોંડલમાં હતો એટલે એ એડ પ્રત્યક્ષદર્શી તરીકે જોવા નહોતી મળી. માટે આ લોચો લાગ્યો. એના (અંગ્રેજીમાં) વર્ણનની ચર્ચા મીડિયામાં ર્રસથી વાંચેલી. અંગ્રેજી uncle ગુજરાતીમાં કાકા કે મામા કરવામાં ગફલત થાય એમ a rebel બળવાખોર સ્ત્રી કે પુરુષ એ નક્કી ના થાય . બાકીનું વર્ણન જે વાંચ્યું એ યાદશક્તિના આધારે લખ્યું. હવે જયારે મૂળ એડ જોવા મળી , ત્યારે એમાં ખાસ કશો ફરક નથી. મોટી સંખ્યામાં ‘ગુલામ’,  વિરાટ ‘બિગ બ્રધર’ અને એણી smashing  ધોલાઈ બધું ધાર્યા-વર્ણવ્યા મુજબ જ છે. કદાચ છેલ્લા સીનમાં મુક્તિ એટલી આનંદદાયક નથી. પણ એ perception oriented છે. પણ સ્લોગન મિસમેચ થયેલું. માટે જરૂરી સુધારા સામે ચાલીને કરી નાખ્યા છે. જાહેરાતની લિંક પણ મૂકી છે. એમ તો વાંકદેખાઓને ‘મશહૂર’ શબ્દ સામે ય વાંધો છે- જે ખોટો છે. એવોર્ડવિનર જાહેરાત જગમશહૂર તો હતી અને છે જ.

આ ખુલાસો બચાવ માટે નથી સમજુતી પુરતો જ છે. બાકી જે ભૂલ થઇ એ સંપૂર્ણપણે મારી જવાબદારી and heartily sorry for that. ભવિષ્યમાં આવી કોઈ પણ ગલતી અંગે ધ્યાન ખેંચજો જ. કાન પકડી એ સુધારવાની ખેલદિલી બાબતે લાઈફટાઈમ ગેરેન્ટી.

પણ આટલી ખેલદિલી દરેક ભૂલ દર્શાવનારમાં હોતી નથી. એમની ખુદની ભૂલો એ કબૂલ કરતા નથી ને કેટલાક તો એટલું બધું કામ પણ નથી કરતા જ્યાં ભૂલો થાય! 😛 ઈનફેક્ટ એમના એજન્ડા જ અલગ હોય છે. ઓનલાઈન દુનિયામાં જેમ લાગણીશીલ વાચકો સાથે હુંફાળો સંવાદ કરવા મળે છે એમ કેટલાક પ.પૂ.ડા. (પબ્લિસિટી પુરુષોત્તમ ડામચિયા ) પણ મળે છે. જેમનામાં હાડોહાડ પ્રસિદ્ધિભૂખ હોય છે ને એને પટ્રોલ આપવાને બદલે પાણી છાંટો તો એ તમારા વિરોધી બનીને રીતસર રાજકારણમાં જોવા મળે એમ ટણક ટોળી જમાવી લુચ્ચાઈભરેલી ઝુંબેશો કરતા હોય છે. એમનામાં ના તો નામ લઇ વાત કરવાની મોરલ કરેજ છે ના તો લગતી વળગતી વ્યક્તિને સીધી જ ઓપન ફેસબુક વોલ કે બ્લોગ પર જઈ પોતાનો મત / આક્ષેપ / કરેક્શન / દલીલ મુકવાની મોરલ સેન્સ છે.

આવા એક પપુડાભાઈએ અગાઉ રીતસર ખોટી બદનક્ષી માટે એવું ચગાવ્યું (નામ આપ્યા વિના, અને એમણે જેમની તીવ્ર ભૂખ છે એ પ્રસિદ્ધિ એમને આપવાનો મારો ય કોઈ ઈરાદો નથી) કે આ સ્ટીવ જોબ્સ પરનો આર્ટીકલ એમણે મને ઈમેઈલ કરેલી એક બુક ‘એપલ કોન્ફીડેન્શીયલ’નું શબ્દશઃ ભાષાંતર છે ! વાહ ! એ ભૂલી ગયા કે એ બુક સામે ચાલીને મને ઈમેઈલથી વાંચવા મોકલી ૮ મે, ૨૦૧૧ના રોજ. જેનો મારી પાસે સમય નથી એટલે હું હમણાં વાંચી શકું એમ નથી એવો મેં જવાબ પણ પાઠવેલો. એમનો મેઈલ હજુ મારાં મેઈલબોક્સમા છે. મારા બ્લોગ પર એકમાત્ર લેખ મારો સ્ટીવ જોબ્સનો છે – એ તો ૧૦ જુલાઈ , ૨૦૦૭મા મેં ‘અનાવૃત’માં લખ્યો છે! એ સ્પષ્ટતા પણ બ્લોગ પર છે જ કે આ જુનો લેખ છે. અને સમયે તો હું ફેસબુક પર હતો નહિ ને ફેસ્બૂકનું હજુ પારણું બંધાતું હતું ભારતમાં- એટલે આવી સ્વકેન્દ્રી કળતરોના સંપર્કમાં આવવાનો સવાલ જ નહોતો. આવું ટાઈમ ટ્રાવેલ તો એપલ હજુ શોધી શક્યું નથી! 😉  ટૂંકમાં, કેવળ પબ્લિસિટી ખાતર ચગાવાયેલી દેખીતી રીતે જ હળાહળ જૂઠી વાર્તા.

રહી વાત બુકની તો આપણો તો ઉઘાડો પડકાર જ છે કે કોઈ પણ માણસ એ બુક વાંચે ને
મારો લેખ વાંચે – એમાં શુ શું સીધું શબ્દશઃ – વર્ડ ટુ વર્ડ ભાષાંતર છે એ મને બતાવે. આવું હું સ્પષ્ટ એટલે કહું છું કે મેં તો હજુ સુધી એ બુક વાંચવાની ફુરસદ કેળવી જ નથી! અલબત્ત, જોબ્સ કઈ મારો સાળો નથી થતો એટલે સતત પાછલા બે દસકામાં એના પર કેટલું ય વાંચ્યું જોયું હોય એમાંથી જ નવી નવી વાતો મને જ નહિ, ખુદ કેલીફોર્નીયામાં રહેતા લેખકને ય મળી હોય. આ તો સહજ પ્રોસેસ છે. જોબ્સની જીંદગી કે એના ઉતારચઢાવવર્ષોથી દુનિયામાં ડઝનબંધ સોર્સમાં જગજાહેર જ છે. ગયા વર્ષે એની લાઈફસ્ટોરી આખેઆખી ગુજરાતીમાં ય પ્રસિદ્ધ થઇ છે રાજકોટમાંથી.

પણ જે બુક મને કોઈ આ વર્ષે વગર માંગ્યે પોતાનું જ્ઞાન દર્શાવવા થનગનભૂષણ થઈને ઈમેઈલ કરે એના આધારે ૪ વર્ષ પહેલા હું ભાષાંતર કરું? એ મજકુર કિતાબ વિષે ગૂગલિંગ કરતા જાણવા મળ્યું છે કે એ તો ૧૯૯૯માં પ્રગટ થઇ છે! (એનું વર્ઝન ૨.૦ ૨૦૦૪મા આવેલું જયારે આઈફોન નહોતો. જયારે મારો આ મૂળ લેખ પ્રગટ થયો ત્યારે એનો પ્રથમ ફકરો જ આઈફોન પર હતો. જે ગુજરાત સમાચારની સાઈટ પર હજુ છે. અહીં અપ્રસ્તુત બની ગયો હોઈ કાઢી નાખેલો) છે.  તો પછી ૨૦૦૭ના મારાં લેખમાં તો કેન્સર, આઈપોડ, નવા મેક, આઈફોન , બધું જ છે. એ કોણ કહી ગયું? હમણાં જોબ્સના ગુજરી ગયા પછી મેં આખો લાંબો લેખ ગણતરીના દિવસોમાં જ લખી મોકલાવ્યો- એમાં છેક છેલ્લી ઘડી સુધીની વિગતો હતી. વોલ સ્ટ્રીટમાં ૨૦૧૦મા કઈ તારીખે એપલનો શેર માઈક્રોસોફ્ટથી કેટલો આગળ નીકળ્યો એની ય વિગત હતી. એ બધું ૧૯૯૯ની બુકમાં હતું?  lolzz મને ગમતા વ્યક્તિત્વો વિષે મારું સંશોધન અને વિચારવલોણું સતત ચાલુ જ હોય છે. લેખ તો જસ્ટ એક બાયપ્રોડક્ટ છે

પોતે ચત્તાપાટ ચાટ પડ્યા પછી જાહેર પડકાર ઉપાડવાની કે કબુલાતની વાત દુર, પણ પપુભાઈ ગાજ્યા અને આ એડ સહિત લેખમાં ભૂલોનો ભંડાર શોધવા નીકળ્યા. જેમાં એમણે પોતે જ કેટલીક ભૂલભરેલી માહિતી પીરસી , એ તો ઠીક પણ જ્યાં કોઈ એવી ભૂલ નથી ત્યાં મારી મચડીને એમણે કેવળ દ્વેષભાવથી ભૂલો બતવવા પ્રયત્ન કર્યો.

ચાલો આ લેખના વાચકો અને સ્ટીવ જોબ્સના ચાહકો માટે એની ય નીર ક્ષીર સ્પષ્ટતા કરી દઈએ.

૧. સ્ટીવ જોબ્સ નામનો ૨૯ વર્ષનો મેધાવી વિજ્ઞાની એપલ કોમ્પ્યુટરનો સ્થાપક હતો. માત્ર વિચાર નહિ, એ સાકાર કરવાની ટેકિનકલ ડિઝાઈન અને એન્જીનીયરીંગ નોલેજ પણ હતું.

મારાં લેખના આ વાક્ય સામે પપુડાભાઈ એવું ફરમાવે છે કે આ ય ખોટું છે! એપલ તો એકલા વોઝનીઆકનું જ બ્રેઈનચાઈલ્ડ હતું. દુનિયામાં કોઈ પણ ઓનલાઈન ઓફલાઈન રેફરન્સ ઉઠાવો. એપલના સ્થાપક તરીકે ત્રણ નામ જોવા મળશે. સ્ટીવ જોબ્સ , સ્ટીવ વોઝનીઆક અને રોનાલ્ડ વેઇન (ઉચ્ચારની ભૂલ લેવીદેવી). અહીં મેં કંઈ એવું લખ્યું છે કે સ્ટીવ જોબ્સ ‘એકમાત્ર’ સ્થાપક હતો? એપલની દાસ્તાનનો એક સ્લાઈડ શો (http://www.nytimes.com/interactive/2009/01/22/technology/20090122_JOBS.html?ref=technology) જોબ્સના નિધન વખતે દિવસો સુધી આ બ્લોગના સાઈડબારમાં જ રાખેલો. જેમાં ઝીણી ઝીણી ઐતિહાસિક વિગતો સચિત્ર હતી. પણ આ બધી ફૂટનોટ મુકવા જાઉં તો લેખની સાઈઝ આઇબીએમના જુના કોમ્પ્યુટર જેવી અને જેવડી થાય. ઘણી સયુંકતપણે સ્થપાયેલી કંપની એના ફ્લેગશીપ સ્થાપકથી જ ઓળખાતી હોય છે. બાકી તાતા-રિલાયન્સમાં ય આખું બોર્ડ હોય છે. અને એપલની તો પાછળથી ઓળખ જ જોબ્સ હતો. આ પ્રકારના કોર્પોરેશનના ઇતિહાસ મીડિયામાં લખાય ત્યારે વોઝનીઆકના એન્ગલથી પુસ્તક લખવાવાળા કદાચ ઝાઝું મોણ નાખે , એટલે એ કંઈ સર્વસ્વીકૃત ના થઇ જાય. ઇન્ફેકટ , વિકિપીડિયા પર ખુદ વોઝ્નીઆકને ટાંકીને ઓરીજીં ઓફ એપલ આવા શબ્દોમાં વર્ણવ્યું છે :  In 1970, Wozniak became friends with Steve Jobs, when Jobs worked for the summer at a company where Wozniak was working on a mainframe computer.[2] According to Wozniak’s autobiography, iWoz, Jobs had the idea to sell the computer as a fully assembled printed circuit board. Wozniak, at first skeptical, was later convinced by Jobs that even if they were not successful they could at least say to their grandkids they had had their own company. Together they sold some of their possessions (such as Wozniak’s HP scientific calculator and Jobs’s Volkswagen van), raised USD $1,300, and assembled the first prototypes in Jobs’s bedroom and later (when there was no space left) in Jobs’ garage.

ટૂંકમાં, મેં કંઈ જોબ્સને એકમાત્ર સ્થાપક ગણાવ્યો નથી. અને કોઈ એવા ભ્રમમાં હોય કે સ્ટીવ વોઝનીઆકની એકલાએ સ્થાપેલી એપલ નામની કંપનીમાં પાછળથી જોબ્સ ઘૂસીને બધું લૂંટી ગયો તો એ સદંતર એકાંગી ખંડદર્શન છે. જોબ્સના ફેન બનવું ફરજીયાત નથી, પણ એની સિદ્ધિને ઝાંખપ લગાડવા મોટા ઉપાડે ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ને ટાંકીને પપુડાઓ એવું ય ભરડી મારતા હોય છે કે જોબ્સ તો ૩૧૭ પેટન્ટ્સમાં માત્ર કો-ઇન્વેન્ટર હતો, ઇન્વેન્ટર નહિ.
હવે નવરાશમાં વાંચો આ ન્યુયોર્ક ટાઈમ્સનો મૂળ લેખ  http://www.nytimes.com/2011/08/26/technology/apple-patents-show-steve-jobss-attention-to-design.html?_r=1

આમાં ક્યાંય જોબ્સ પર આવો આક્ષેપ છે જ નહિ. ઉલટું, માત્ર મોટાભા બનવાથી એમ કંઈ પેટેંટ મળતી નથી , એવું દર્શાવવા માઈક્રોસોફ્ટના વધુ મોટા અબજપતિ સેલિબ્રિટી બિલ ગેટ્સ પાસે પણ ફક્ત એના નામે ૯ જ પેટન્ટ છે, જયારે જોબ્સના પ્રિન્સિપલ ઇન્વેન્ટર તરીકે ૩૩ પેટન્ટસ છે, અને અમરીકન સિસ્ટમમાં એક્ટિવ પ્રદાનની સાબિતી વિના કો –ઇન્વેન્ટર તરીકે માત્ર સીઇઓ હોવાથી  નામ નથી નોંધાવાતું , એવી સ્પષ્ટતા પણ છે. લેખ ના ટાઈટલમાં ૩૧૩ પેટન્ટની વાત છે પણ બાજુ ની ઇન્ટરએક્ટિવ લીંકમાં ૩૧૭ પેટન્ટ્સની ગ્રાફિકલ સમજુતી છે.

૨. કંપનીના કન્ઝર્વેટિવ ડાયરેકટર્સના મતે સ્ટીવ જોબ્સ પ્યુરિસ્ટ એન્ડ આઈડિઅલિસ્ટ હતો.

મારાં લેખના આ વાક્ય સામે વાંક-અદેખાઓ ફરી એપલ પર જાણે એક જ બુક લખી હોઈ, અને એજ ઓફિશ્યલ હોય એમ એપલ કોન્ફીડેન્શીયલ’ના રેન્ડમ ફકરા ટાંકે છે. જો કે આ મામલે અનેક ચર્ચા આજે ય થાય છે. પણ ખુદ એમાં નિમિત્ત બનેલા જોહન સ્કૂલી આડકતરી રીતે અને એ ઘટનાક્રમના નિકટ સાક્ષી એવા સુખ્યાત કન્સલ્ટન્ટ ટીમ બાજરીન અનુક્રમે પરોક્ષ્ /પ્રત્યક્ષપણે એવું કહે છે કે જોબ્સનો બિઝનેસ માઇન્ડેડ નહિ, એવો ધૂની વિજ્ઞાનીનો તરંગી સ્વભાવ અને કોર્પોરેટ સ્ટ્રક્ચર સાથેનું ઘર્ષણ મુખ્ય કારણ હતું. (બાજરીન કોઈ ફેસ્બુકિયા પાર્ટટાઈમ એક્સપર્ટ નથી. સ્ટીવ જોબ્સને એમણે આપેલી સરસ અંજલિ સાથે નીચે એમનો પરિચય પણ અહીં વાંચવા જેવો છે. http://techpinions.com/some-thoughts-on-steve-jobs-passing/3231 ) પાક્કા બિઝનેસમેન બન્યા પછી ય જોબ્સ પ્યુરીસ્ટ તરીકે એવો ચોખ્લીયો હતો કે આઈફોનના એક મોડેલમાં બે હાર્ડવેર કોમ્પોનન્ટમાં માત્ર વ્હાઈટ કલર શેડના ડીફરન્સને લીધે એણે આખું શિપમેન્ટ અટકાવી દીધું હતું . (આ કયા પ્રકારની ટસલ સયુંકત કામગીરીમાં  ક્રિએટીવ વર્સીસ બિઝનેસ માઈન્ડની હોય છે- એનો મને જાત અનુભવ છે- એ વાત ફિર કભી ). ધારો કે આ વાત સાથે કોઈ અસંમત હોય તો ય આમાં ક્યાંય ફેક્ચ્યુઅલ એરરનો પ્રશ્ન જ નથી. (લોકો રાવણ કેવો માનવીય હતો એ એન્ગલથી પણ ફિલ્મ બનાવી શકે છે. )

btw, રસ ધરવતા હો તો અમસ્તા આ ૧૯૮૫મા લખાયેલ લેખનું વર્ણન વાંચવા જેવું છે. એમાં ટોટલ ટ્રુથ નહિ પણ એક ડાયમેન્શન મળે..હું કોઈ વિશ્વવિભૂતિ પર લખતો હોઉં ત્યારે આવા ઘણા વિરોધાભાસી ડાયમેન્શન્સના લેખ -જોખા કાઢી મારું તારણ વાચકો સમક્ષ મુકતો હોઉં છું.:  http://www.folklore.org/StoryView.py?project=Macintosh&story=The_End_Of_An_Era.txt&sortOrder=Sort%20by%20Date&detail=high

.” સ્ટાર વોર્સ’ના સર્જક અને હોલીવૂડની ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટસના ભીષ્મ પિતામહ એવા જ્યોર્જ લુકાસની કંપની ‘પિકસાર’માં. એનિમેશન ગ્રાફિક્સના સ્ટુડિયો બનાવતી કંપની પિકસારમાં લુકાસને રસ નહોતો, એટલે ૧૯૮૬માં સ્ટીવ જોબ્સે એનો કારોબાર સંભાળ્યો.

હવે અહીં તો એવો પરાણે પોઈન્ટ ઓફ ઓર્ડર રજુ થયો કે પિક્સાર નામ સ્ટીવ જોબ્સે લુકાસફિલ્મ્સના ગ્રાફિક્સ ગ્રુપને ખરીદ્યા પછી આપ્યું હોઈ જોબ્સ એ પહેલા લુકાસ પાસેથી પિક્સાર નામની કંપની વેન્ચાતી લઇ શકે એવું કેમ લખાય? સિલી, રીયલી ! જેમણે કદી મીડિયામાં લખ્યું નથી એવા લોકો જ આવી હાસ્યાસ્પદ ફરિયાદ કરી શકે. અગાઉ અજાણ હોય એવી બ્રાન્ડેડ કંપનીનું નામ પાછળથી જાણીતું થાય એ વાંચનારની સરળતા ખાતર (અગેઇન, કોલમ લેખ કંઈ ફૂટનોટ વાળા થીસીસ હોતા નથી, ને અહીં તો લુકાસનો ઉલ્લેખ છે જ લચ્છો નથી.) દર્શાવવું – એ તો કોમન પ્રેક્ટીસ છે. 😀  ખાતરી નથી થતી? તો લો આ અંગ્રેજી પીસની હેડલાઈન વાંચો :

http://www.macstories.net/links/25-years-ago-today-steve-jobs-bought-pixar/

અને આ અન્ય લિંક http://news.cnet.com/8301-13579_3-20116912-37/with-pixar-steve-jobs-changed-the-film-industry-forever/ પરની સ્ટોરીમાં પણ વર્ણન કેવી રીતે છે , એની ઝલક હવે આ લાંબુ લખાણ વાંચી થાક્યા હશો એટલે મૂકી જ દઉં છું.

“And along came Jobs to save the day. Brandishing a $5 million check, the Apple founder–by then kicked out of his own company–bought Pixar on January 30, 1986, setting in motion a string of events that would generate some of the best-loved films of the late 20th century and result in Disney’s 2006 acquisition of Pixar for $7.4 billion.” (આ અંગ્રેજી લખાણ ‘પિક્સાર ટચ’ પુસ્તકના લેખક ડેવિડ પ્રાઈસનું છે. 😛 )

તો એક સ્વતંત્ર લેખ જેટલું આ ઉમેરણ વાંચવા માટે આપ નો આભાર. આ ખુલાસો મારાં આત્મસંતોષ માટે જ મુકું છું. મારાં વિઘ્નસંતોષીઓને તો મારાં પ્રત્યેના પૂર્વગ્રહથી જ બધું જોયા કરવાની આદત છે એટલે એમને સત્યમાં કોઈ રસ હોતો નથી. એમને ખુદને પડકારો તો ઉભી પૂંછડીએ ભાગે છે. અહીં જોયું તેમ પોતે જ ટેકનોલોજીનું ઉધાર અને એમેચ્યોરઅર્ધ જ્ઞાન ધરાવે છે.  એમણે તો બસ જાણી જોઈને ઉતારી પાડવામાં રસ હોય છે. સેમસંગ જેવી કોરિયન કંપનીના વર્લ્ડ ફેમસ સ્માર્ટફોનને ચાઈનીઝ કહી દે એવા ટેકનોલોજીનો ટચ પણ ના ધરવતા અમુક લોકો પોતે વિદેશ કે મોટા શહેરમાં હોય, તવંગર કમાણી ભોગવતા હોય એટલે મારાં જેવા નાના ગામના ફક્ત લખી-બોલીને જ લહેર કરતા ઇન્સાનોને સામંતશાહી અદામાં તુચ્છ માનીને પરફોર્મન્સ (લેખ)ને બદલે પર્સન (લેખકની અંગત મર્યાદાઓ)ની જાહેર મજાક ઉડાડવા જેટલી હલકટ અને અધમ કક્ષાએ પહોંચી જાય , એ અપમાન પણ હું તો એમ માનીને ગળી જાઉં છું કે કોઈ પોતાની ઓછપ ઉઘાડી પડે, એમાં આપણને શા માટે ઓછું આવવું જોઈએ?(આ તો ચશ્મા પહેરનાર બાળકને કોઈ દાદો ‘બાડો’ કહે એવું બુલીઇઝમ થયું.  વિકલાંગ લોકોની ઠેકડી ઉડાડીને ફિલ્મી હાસ્ય નીપજાવનારા સમાજમાં ટીકા ય ક્રિએટીવ ક્યાંથી હોય? માટે મુઠ્ઠીભર ચોરટાઓને કડક કોટવાળ જ એટલો ખૂંચે કે એ પોતાની એબ ઢાંકવા કોટવાલને જ ચોર ઠેરવી દેવા ઝાંવા નાખતા હોય- એ તો દુનિયાનો વરવો ચહેરો છે. આ જલનના જ્વાળામુખી સામે મારી પાસે એક જ હિમકવચ છે : વાચકો-દોસ્તોનો પ્યાર અને જેવી નાની શી અધકચરી તો યે  ગમતી જીંદગી જીવવાનો ખુમાર.

ચાલો, આ બહાને સદગત  સ્ટીવ જોબ્સ સાથે થોડા વધુ કલાકો વિતાવવા મળ્યાં! મારી ભૂલ જ્યાં દેખાય ત્યાં નિસંકોચ કહેતા રહેજો. હું ય બીજાને દેખાડું છું. અને એમનેએનો જ અપચો છે.  મેં કહ્યું એમ ભૂલ દેખાડવામાં કેટલાક લોકોને રસ સત્યના સંશોધનમાં નથી. એ ભાગ્યે જ પોતાની ભૂલો જાહેરમાં કબુલતા હોય છે. પોતાનાથી જુદો મત ધરવનાર કે ભૂલ બતાવનારને અન્ફ્રેન્ડ કરી નાખતા / કોમેન્ટ ડીલીટ કરી નાખતા/ખામોશ થઇ જતા ચંદ વહેતીયાઓને પેટબળતરા કઈ બાબતની છે એ ય જાણું છું. એક મિત્ર કહે છે તેમ ઘણા એવા મનોરોગથી પીડાય છે કે રોજ પોતે શું કર્યું એ પડતું મુકીને જય વસાવડાએ શું કર્યું એની જ ખણખોદ ઓટે વાળીને બજર સૂંઘતી ડોશીઓની જેમ કર્યા કરે. હોય એ તો. ટોચ પર બેઠેલા પર સહુની નજર રહે -વૈજ્ઞાનિક સત્ય છે. પણ મારી વધુ ધાર નીકળશે. આ ય મહેનત કરી આટલું લખ્યું ના હોત તો કોઈ મને પૂછવા નથી આવ્યું. જંગલમેં મોર નાચા કિસને દેખા જેવી ઉપેક્ષા કરી શક્યો હોત. ( હજુ બ્લોગ પર મુક્યો નથી પણ પ્રિય મિત્ર અને સાઈબરતજજ્ઞ અલ્પેશ ભાલાળાએ મારાં હમણાંના સ્ટીવ જોબ્સ પરના બીજા  લેખમાં ધ્યાન ખેંચેલું તેમ અમેરિકામાં એપલ સ્ટોરમાં એપલ સિવાયની પ્રોડક્ટ પણ મળે છે. આ ઉમેરણ એ લેખ જયારે મુકીશ ત્યારે કરી દઈશ.) મેં કદી આઈ.ટી. ના એક્સપર્ટ હોવાનો દાવો નથી કર્યો. પણ સાયન્સ, માર્કેટિંગ અને ખાસ તો માણસ મારાં રસ નો વિષય છે એટલે આ બધા સબ્જેક્ટસમાં મને રસ પડે છે. મારું તો અગાઉ કહ્યું એમ સતત પરિમાર્જન આજીવન ચાલુ જ રહેશે. અને એમાં જેન્યુઈન જ્ઞાનીઓનો સત-સંગ પણ મળતો રહે અને પ.પુ.ડા.ઓની કાગારોળ ટળતી રહે. બાકી સ્ટીવ જોબ્સે આપણને એજ શીખવાડ્યું છે ને..પોતાના તરફ ઝેરથી  ફેંકાયેલા પથ્થરોની સીડી બનાવી બુદ્ધિના જોરે  બુલંદી પર પહોંચવાનું !  😉

last updated on october 30 . 8.57pm

 
61 Comments

Posted by on August 26, 2011 in education, inspiration, life story, science

 
 
%d bloggers like this: