RSS

Daily Archives: August 25, 2011

નેતાઓં કી ડગર પે, ચમચોં દિખાઓ ચલ કે… યહ દેશ હૈ તુમ્હારા, ખા જાઓ ઈસકો તલ કે!

હિન્દીના પ્રસિદ્ધ વ્યંગલેખક શરદ જોશીની મસ્ત ‘અણુ’ કથા છેઃ સુદામાની બગલમાં ચોખાની પોટલી જોઈને કૃષ્ણે એ ઝૂંટવી લીધી. ખોલીને જોયા પછી દાંત કચકચાવીને કહ્યું ‘‘ચોખાની હેરાફેરીના કેસમાં ફિટ કરાવી દઈશ, બેટમજી!’’

સુદામાએ હાથ જોડયા.

કૃષ્ણ પોટલીનો પાછો ઘા કરતા કહ્યું ‘‘જવા દે યાર! પાર્ટીનો જૂનો કાર્યકર છો, એટલે તારો ગુનો માફ!’’

* * *

આઘુનિક રાજકારણનો આ કાલ્પનિક કટાક્ષ હસી કાઢવા જેવો લાગતો હોય, તો વર્ષો પહેલા (ગુજરાતના કમનસીબે) બંધ થઈ ગયેલા મેગેઝીન ‘ફ્‌લેશ’માં રજુ થયેલી એક સત્યકથા વાંચો. અડધી સદી અગાઉની વાત કરતી કથા આજના તહલકાબ્રાન્ડ રાજકારણમાં એકદમ ‘કરન્ટ એન્ડ હોટ’ છે. આઝાદી પછીના ભારતીય રાજકારણમાં લાંચ લેવા માટે ભાગ્યે જ કોઈ ટોચના નેતાને રીતસર દાખલો બેસાડતી સજા થઈ છે. મોટે ભાગે કાં તો પ્રતીકાત્મક સજા અપાય છે, અથવા કાયદાની છટકબારીથી સજા જાહેર થઈ ગયા પછી પણ ‘ઓટોગોટો’ વાળી દેવાય છે.

જ્યાં કોઈપણ નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવો, ત્યારે સજા તો દૂરની વાત છે- એ ભ્રષ્ટાચાર શોધનારને જ જૂઠ્ઠો ઠેરવવાનો ગ્રુપ ડાન્સ ચાલુ થઈ જાય… ત્યાં એક હેવીવેઈટ નેતાને રિશ્વતખોરીના જડબેસલાક છટકામાં સપડાવી દેનાર એક ગુજરાતી ભાયડાની સત્યકથા પણ પરીકથા જેવી ન લાગે? અને કથા પણ સનસનાટીભર્યા થ્રીલરથી કમ નથી!

આજે મઘ્યપ્રદેશ તરીકે ઓળખાતુ રાજ્ય આઝાદી વખતે ‘વિંધ્ય’ના નામથી ઓળખાતું. રેવા, પન્ના વગેરે સ્થાનિક પ્રદેશોનો એમાં સમાવેશ થયો. કેપ્ટન અવધેશપ્રતાપસિંહના મુખ્યપ્રધાનપણા નીચે રખાયેલા મંત્રીમંડળમાં ઉદ્યોગમંત્રી બન્યા શિવબહાદુરસિંહ.

‘રાવસાહેબ ઓફ ચુરહટ’ના નામથી ઓળખાતા ચુરહટ રિયાસતના જમીનદાર શિવબહાદુરસિંહ દોલતમંદ હતા. પણ દાનત ખોરા ટોપરા જેવી હતી. ખટપટિયા અને તકવાદી શિવબહાદુરસિંહનો પુત્ર પણ મોટો થઈને બાપને ભૂલાવે એવો નીકળવાનો હતો. એટલું જ નહિ, પાછળથી એ જ રાજ્ય (મઘ્યપ્રદેશ)નો મુખ્યમંત્રી પણ બનવાનો હતો. એનું નામ અર્જુનસિંહ!

અમદાવાદની આજની પેઢી જેમની પ્રતિમા અને પ્રતિષ્ઠા બંને ભૂલી ગઈ હોય એવું એક પોતાના દેખાવ જેવું વજનદાર નામ હતું:  ‘સર ચિનુભાઈ માધવલાલ બેરોનેટ.’ મક્કમ મન અને મજબૂત બાંધાના આ ઉદ્યોગરત્ને ગુજરાતને આજેય ગૌરવ લેવાનું મન થાય એવી સફળતા મેળવી હતી. એમાં વઘુ એક યશકલગીનો ઉમેરો થવાનો હતો.

વાત એમ હતી કે ચીનુભાઈએ ૧૯૩૬માં વિન્ઘ્યમાં (એટલે કે આજના મઘ્યપ્રદેશમાં) આવેલા પન્ના રાજ્યના રાજપરિવાર પાસેથી હીરાની ખાણોનો ઠેકો લીધો હતો. મુંબઈની એક કંપનીના મેનેજીંગ એજન્ટ તરીકે ચીનુભાઈ બેરોનેટ લીઝ દ્વારા એ માટેની રોયલ્ટી પણ ચૂકવતા. ૧૯૪૪માં એક લીઝ વઘુ ૮ વર્ષ માટે લંબાવાયું. પણ એ રજવાડું વિન્ઘ્યમાં ભળી જતા હવે હીરાની ખાણો પર રાજકુટુંબને બદલે રાજ્ય સરકારની માલિકી થઈ. ઉદ્યોગમંત્રી બનેલા શિવબહાદુરસિંહે પોતાના વિશ્વાસુ ‘પી.એ.’ મોહનલાલને ઉદ્યોગ સચિવ તરીકે નીમ્યા. આ બધી ધમાલમાં ખાણનું કામ ઠપ્પ થયું.

ચીનુભાઈએ પોતાના પન્નાલાલ નામના સ્થાનિક કર્મચારીને ખાણનું કામ સરકારની મંજૂરીથી ફરી શરૂ કરાવવા માટેની જવાબદારી સોંપી. પત્રવ્યવહાર થયો. પણ સરકારો પત્રથી નહિ, પત્ર પર મુકાયેલા ‘વજન’થી જાગતી હોય છે. છતાં ગાંધીજીની અસર સાવ નાબુદ નહોતી થઈ એવો એ જમાનો હતો. ૯ ફેબુ્રઆરી, ૧૯૪૯માં ઉદ્યોગપ્રધાન શિવબહાદુરસિંહનો ચીનુભાઈ પર જવાબ આવ્યો. જેમાં પૂછાયું કે કામ બંધ કરી દેવા માટે રાજપરિવારને ચૂકવવો પડે તે દંડ શા માટે ન વસૂલવો?

હવે ખુદ રાજકુટુંબે જ આઝાદી અને સત્તાપલટા માટે કામ બંધ કરાવ્યું હોય, ત્યાં દંડની વાત કેવી? પણ મુદ્દો ‘જુર્માના’ કરતા ‘કટકી’ કરવાના જુર્મનો હતો. બેરોનેટે રેવા ખાતે માર્ચ, ૧૯૪૯માં રૂબરૂ મળીને સ્પષ્ટતા કરવાનું નક્કી કર્યું. પણ પછી માંદગીને લીધે એમના કાબેલ પર્સનલ સેક્રેટરી નગીનદાસ મહેતાને મોકલ્યા. નગીનદાસની મુલાકાત મંત્રી શિવબહાદુરસિંહ અને સચિવ મોહનલાલ સાથે થઈ, ત્યારે બંધ પડેલી ખાણમાં કામ ફરી શરૂ કરાવવાની મંજૂરી સાટે શિવબહાદૂરસિંહે નફ્‌ફટાઈથી ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ માગી! એ જમાના પ્રમાણે આ રકમ તોતિંગ ગણાય! નગીનદાસ ના પાડીને ઉભા થયા, એટલે લાલચુ ઉદ્યોગપ્રધાને ભાવતાલ શરૂ કર્યા અને છેલ્લો ‘તોડ’ ૨૫,૦૦૦નો કહ્યો!

નગીનદાસે પરત આવી ચીનુભાઈને વાત કરતાં એ સિદ્ધાંતવાદી ખાનદાન નબીરા હચમચી ઉઠયા. એક તો સરકાર ખાણનું કામ બંધ કરાવે એ જ ગેરકાનૂની, ઉપરથી વળી એ શરૂ કરવા માટે રિશ્વત?! સખત માટીમાંથી બનેલા બેરોનેટે મંત્રીશ્વરને પાઠ ભણાવવાની ગાંઠ મારી. એમની સૂચનાથી નગીનદાસે ઉદ્યોગસચિવને સંમતિસૂચક ટેલિગ્રામ કર્યો. જવાબમાં ફરી મુલાકાતનું કહેણ આવ્યું, પણ એ દરમ્યાન રાજકીય ઉથલપાથલને લીધે ગૃહમંત્રી સરદાર પટેલે રાતોરાત આખી વિન્ઘ્ય પ્રદેશની કેબિનેટને દિલ્હી તેડાવી. શિવબહાદુરના પાપી પેટમાં તેલ રેડાયું. પેલા સ્થાનિક પ્રતિનિધિ પન્નાલાલને એમણે જાતે ભાડું આપી, બેરોનેટ પાસે રવાના કર્યા. દિલ્હીનું કન્સ્ટિયુશન હાઉસ (જે આજે કસ્તૂરબા માર્ગ પર છે)માં ૯, એપ્રિલ ૧૯૪૯ના રોજ રૂબરૂ ૨૫,૦૦૦ લઈને મળવાનો સંદેશો આપ્યો. આટલાથી એમના ઉચાપતિયા જીવનો ઉત્પાત ન શમતા એમણે પાછો ટેલિગ્રામ પણ કરીને પોતાની જ વિરૂદ્ધ એક પુરાવો પણ ઉભો કર્યો!

બેરોનેટે પુરી વ્યૂહરચના સાથે નગીનદાસ અને પન્નાલાલને દિલ્હી રવાના કર્યા. ત્યાં આડીઅવળી વાતમાં બે’ક દિવસ ખેંચી કાઢવામાં આવ્યા. દરમ્યાન આજે ‘સી.બી.આઇ.’ના નામે ઓળખાતા, અને અંગ્રેજોએ સ્થાપના વખતે જેને ‘સ્પેશ્યલ પુલિસ એસ્ટાબ્લિશમેન્ટ’ કહેલું- એ ‘એસ.પી.ઇ.’નો સંપર્ક થયો. ૧૦મી એપ્રિલે તેના સુપ્રિન્ટેન્ડન્ટ ધનરાજે ‘ટ્રેપ’ (છટકું)ની જાળ બિછાવી. નગીનદાસે રવિવારે શિવ બહાદુરસંિહ સાથે વાત કરી બીજા દિવસે સોમવારે બપોરે મળવાનું નક્કી કર્યું. એ જ વખતે ખાણકામનો મંજૂરીપત્ર મેળવવાની બાંહેધરી મેળવી. બેરોનેટે તો પ્રધાનને સપડાવવા માટે પણ લક્ષ્મી આપવાની ના પાડી હતી. માટે એસ.પી.ઇ. ધનરાજે ૫૦નું એક અને ૧૦૦ના બે બંડલ સરકારી પૈસા લીધા. નોટોના નંબર જીલ્લા મેજીસ્ટ્રેટ શાંતિલાલ આહુજાને લખાવી, સહીસિક્કા કરાવ્યા.

શિવબહાદૂરસિંહને ૧૧ એપ્રિલે પૈસા મળતાં જ હરખાઇને ત્યાંને ત્યાં મંજુરીપત્ર લખ્યો. નાણાં મળ્યાથી ‘ઉદારતાના’ (?) ભારમાં લચી પડીને ૧ એપ્રિલની તેમાં તારીખ નાખી. એમની વિરૂદ્ધ વઘુ એક પુરાવો. તપાસ થાય તો સરકારી ફાઇલોમાં તેની નકલ કે જવાબદારોની સહી જ ન મળે!

નગીનદાસે બહાર નીકળી પન્નાલાલને બોલાવવા બૂમ પાડી. એ ખરેખર સિગ્નલ હતો. છૂપા વેશમાં ત્યાં જ ટહેલતા એસ.પી.ઇ. દ્વારા દરોડો પાડયો. ટેબલના ખાનામાંથી નોટોનું બંડલ મળ્યું ત્યારે અગાઉ રોફ ઝાડતા શિવબહાદુરસંિહે રડમસ ચહેરે મોટરની ખરીદી અને દીકરીના દાગીના માટે એ રકમ હોવાનો લૂલો બચાવ કર્યો. પંચનામું થયું. ધરપકડ થઇ. અન્ય સાથી મંત્રીઓએ જામીન પર છોડાવ્યા.

પછી તો રાજકીય કારણોસર વિન્ઘ્યપ્રદેશ કેબિનેટ બરતરફ થઇ. એ વખતે ‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ’ ન હોઇને કલમ ૧૬૧ હેઠળ રેવાની અદાલતમાં કેસ ચાલ્યો. જેમાં ગુનો સાબિત થયે પણ માત્ર ૩ વર્ષની કેદની થતી. સવા વર્ષની સુનાવણી પછી ‘રાવસાહેબ ઓફ ચુરહટ’ એમના ‘કોન્ટેકટસ’ના પ્રતાપે બેકસૂર ઠર્યા પણ સરકારી વહીવટદારે ઉપલી અદાલતમાં અપીલ કરી. ૧૯૫૧ની ૧૦મી માર્ચે જજમેન્ટ આવ્યું : કન્વિટકેટડ. કસૂરવાર! અને ૩ વર્ષની સજા!

શિવબહાદુરસિંહે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી જામીન મેળવ્યા. ૧૯૫૨માં વિધાનસભાની ચૂંટણી હતી. રાવસાહેબે કોંગ્રેસની ટિકિટ પણ પ્રાપ્ત કરી લીધી. પણ પછી એક એવો કિસ્સો બન્યો, જેનું પુનરાવર્તન આજદિન સુધી અસંભવ રહ્યું છે!

તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહરૂએ ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે પ્રવાસો કર્યા. રેવાની મુલાકાતે ભાષણ આપવા ગયા. મંચ પર જ એમને જાણકારી મળી કે પોતાના પક્ષના ઉમેદવાર શિવબહાદુરસિંહને તો લાંચ માટે સજા જાહેર થઇ છે. નહેરૂ ફરી ઉભા થયા. અને માઇક લઇ કહ્યું,‘શિવબહાદુર કો વોટ મત દેના, ઉનકો ધોખે સે ટિકટ મિલા હૈ!’

ઉમેદવારી પાછી ખેંચવાનો સમય વીતી ગયો હોઇને નહેરૂએ સીધી મતદારોને જ વિનંતી કરીને શિવબહાદુરસિંહને હરાવ્યા. સુપ્રિમ કોર્ટે એમને જેલ ભેગા કર્યા. ગુનો આચર્યાના ૫ વર્ષે સર્વોચ્ચ અદાલતે પણ એમને મુઝરિમ ઠેરવીને સજા ચાલુ રાખી. આઘાતમાં શિવબહાદુરસિંહનું જેલમાં જ મોત થયું. પુત્ર અર્જુનસિંહે બાદમાં તગડી દોલત ઉસેડી, પણ કદી પિતાની જેમ પકડાયા નહીં !

***

વાર્તાને અંતે સાર ગ્રહણ કરવો એવું આપણી આઉટડેટેડ એજયુકેશન સીસ્ટમ આપણને ઠસાવે છે. એ માટે ઘણીવાર પાઠય પુસ્તકોમાં કહાની પુરી થયા પછી મહત્વના મુદ્દાઓનું ‘હોમવર્ક’ અપાય છે. ઝાઝી પિષ્ટપિંજણ વિના આ રહ્યું ભ્રષ્ટાચાર પ્રત્યે ઉદાસીન વાચક બિરાદરો માટેનું ‘લેસન!’

(૧) ગરદન ટટ્ટાર રાખીને વેપાર કરનારા ચીનુભાઇ બેરોનેટને બદલે પત્રકારો, નેતાઓ અને અધિકારીઓની મુઠ્ઠીમાં ગરમાગરમ નોટોના થોકડાં ભરી, ‘સેટિંગ’ના શસ્ત્રથી દુનિયા જીતવાવાળા ઉદ્યોગપતિઓ કેમ ગુજરાત- ભારતમાં છવાઇ ગયા?

(૨) પોતાના પ્રધાન મંડળના એક મંત્રી દિલિપસિંહ જૂદેવ પર સરેઆમ નોટો લેવાના વિઝયુઅલ્સ બતાવાય, ત્યારે વડાપ્રધાનની પહેલી ફરજ પક્ષ પ્રત્યે હોય કે નીતિ પ્રત્યે? સત્તા માટે સત્ય પર ચપ્પટ બેસી જનાર ‘વિક’ (ના, નબળા માટેનો અંગ્રેજી શબ્દ નહીં, આ તો ‘કવિ’નું ઉલ્ટું છે!) વાજપેયીજી ઘટનાની જાણ થાય તો તપાસનો આદેશ આપે, હોટલ રૂમમાં છાપો પડાવી પુરાવા એકઠા કરાવે, આરોપ મુકનાર પત્રકારોને મળી કડકડતી નોટોની લેવડદેવડની માહિતી મેળવે, જુદેવનો ખુલાસો પુછી કયા સોદાની વાત ચાલે છે તેની જાતતપાસ કરે…. એને બદલે ૧૨ કલાકમાં જુદેવની નિર્દોષતાના ગાણા ગાનારા વડાપ્રધાન જાતે જ ન્યાયમૂર્તિ થઇ ગયા? (ત્યારે ભાજપી વાજપેયી તો આજે કોંગ્રેસી મનમોહન…પ્રજા તો ઉલમાંથી ચૂલમાં જ ને ?!)

(૩) ઢીલીપોચી વિદેશનીતિ અને બેવકૂફીભરી અર્થનીતિને લીધે નહેરૂએ વાજબી રીતે પછીની પેઢીના ખૂબ ડફણા ખાધા છે. પણ નહેરૂ વિરોધની આંધળી ફેશનમાં એક વિદ્વાન (સ્કોલર), પ્રભાવશાળી અને મૂલ્યનિષ્ઠ એવા એ રાજપુરૂષના કેટલાક ઉજળા પાસાને અન્યાય નથી થતો? ભિન્ન મતને આદર આપવાની ખેલદિલી વિના આઝાદ ભારતના અભિવ્યક્તિસ્વાતંત્ર્યના મૂળિયા ઉઝર્યા હોય ખરા? ( જરાક વિચારજો, નેહરુએ શિવબહાદુરસિંહ કોંગ્રેસી ઉમેદવાર છતાં એમનો જાહેર બહિષ્કાર તો કર્યો હતો…એમના કૌટુંબિક દોહિત્રવધૂ અને વંશજ એવા સોનિયા-રાહુલનો વર્તમાન અભિગમ જોઈ એમને કેવો આઘાત લાગ્યો હોત? એમનો શું પ્રત્યાઘાત હોત?)

(૪) જે કામ સી.બી.આઇ.એ કરવું જોઇએ, એ કામ આ દેશમાં આજે મિડિયા કરી રહ્યું છે! કોંગ્રેસ હોય કે ભાજપ, હરહંમેશ કેન્દ્ર સરકારના રિમોટ કન્ટ્રોલથી ચાલતી આવી તપાસનીશ એજન્સીઓ કયારેય સ્વતંત્ર નહીં થાય? કે પછી ‘ચોરને કહે ખાતર પાડજે, ને ઘરધણીને કહે જાગતો રહેજે’ના પોલિટિકસની ટ્રિકબાજીનું એ વાહન બની રહેશે?

(૫) તહેલકા હોય કે જુદેવકાંડ, દરેક વખતે ‘ટેકનોલોજીના ઉપયોગથી મને ફસાવવા’ની જયોર્જ ફર્નાન્ડીસછાપ કેસેટ જ રિવાઇન્ડ થયા કરશે? ભલા ફસાવવી જ હોય તો કોઇ મદહોશ હસીનાને ફસાવે, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ હોય તો તેલગી જેવું કોઇ તરકટ કરે… હિન્દી ફિલ્મના વિલન રણજીતના જોડિયા ભાઇ જેવા જુદેવ એન્ડ નેતા કંપનીને ફસાવવામાં સમય, પૈસા અને ટેકનોલોજી બરબાદ કરનાર બદમાશ હોય, તેથી ગુન્હાની ગંભીરતા ઓછી ગણાય? (આ જ વાત અમરસિંહ, કનીમોળી, હસન અલી, કલમાડી, નીરા રાડીયા ઇત્યાદિ ઓ પક્ડાયા પછી પોકળ બહાના બતાવનારાઓને પણ લાગુ પડે છે)

(૬) પોતે ભ્રષ્ટાચાર કરે, અને પછી પકડાય તો એની જાહેર કબુલાત પણ ન થાય? આવી નિખાલસ કબૂલાત કરનાર કિલન્ટનને ‘ચારિત્ર્યહીન’ કહેવા કે ચારિત્ર્યવાન? અને આવું કબૂલ ન કરનારા બ્રહ્મચારી (કે સાત્વિક, શાંત, શિક્ષિત) વડાપ્રધાનો સાથે ‘ચારિત્ર્ય’ શબ્દ જોડી શકાય?

(૭) આજનો યુગ જ પાપી પશ્ચિમી સંસ્કૃતિ અને ટી.વી.ને લીધે કળિયુગ છે, એ મિથ્યા માન્યતામાંથી છૂટકારો કયારે મળશે? ગાંધીજીની હયાતીમાં પણ ભ્રષ્ટાચાર થઇ શકતો હતો, થતો હતો. કોઇપણ ધાર્મિક આદમી ભ્રષ્ટાચારી હોઇ શકે! વાંક મૂળ ભારતીય માનસનો છે, એ સમજયા વિના ફોરેન ટેકનોલોજીને વખોડવાનો શુદ્ધ સ્વદેશી દંભ કયારે બંધ થશે? ભ્રષ્ટ હોય, છતાં આપણી જ્ઞાતિનો નેતા હોય એટલે પવિત્ર?

(૮) ભ્રષ્ટાચાર જગતભરમાં છે. પણ એમ તો મૃત્યુ પણ અનિવાર્ય છે. એટલે શું જન્મતાવેંત મરી જવાનું? જીવવા માટે સંઘર્ષ કરવો પડે એમ ભ્રષ્ટાચાર સામે પણ લડવું પડે. એકલો માણસ ફિલ્મ સિવાય બીજે કયાંય લડી શકે નહીં (જસ્ટ વોચ રિયાલિસ્ટિક મુવી ‘ધૂપ!’) સમૂહમાં ભકિત સિવાય બીજું કશું ય કરવાની હિન્દુસ્તાનને આદત નથી! જગતભરમાં ભ્રષ્ટાચાર માટે તરત સજા થાય છે. આપણે ત્યાં તાજમહાલથી તેલગી અને કેતન પારેખથી કેટની પરીક્ષા લગીના કૌભાંડોની કેવળ કાગારોળ થાય છે. દેખાવ પૂરતી ધરપકડો થાય છે. ખરેખર સજા કેટલાને થઇ? મેચ ફિક્સીંગ કૌભાંડના કેટલા બુકીને જન્મટીપ થઈ? એમાંય કઇ સેલિબ્રિટીને આકરી સજા થઇ? માઇકલ જેક્સન જેટલા જ લોકપ્રિય સ્થાનિક ચમરબંધીના ચમચાને પણ અહીં  ‘ઉપર’ની રહેમનજર વિના, માઇકલને પકડયો તેમ પકડી શકાય? અને ‘આપણે જે કંઇ કરીએ એ વ્યવહાર, બાકી બધે ચાલે એ ભ્રષ્ટાચાર’વાળી મનોવૃત્તિ જ ભ્રષ્ટ બનવાનો દરવાજો ખોલે છેને? ભ્રષ્ટાચાર કરી લેવો, પણ થવા ન દેવો- એવા અભિગમને લીધે જ ભારતની ભ્રષ્ટ પ્રજા માથે ભ્રષ્ટશિરોમણિ નેતાઓ ઝીંકાયા નથી?

વિચારજો. આ સવાલોના જવાબો મેળવવામાં કોપી થઇ શકશે નહીં!

ફાસ્ટ ફોરવર્ડ

ભારતમાં જયારે કોઇ સરકારી અધિકારી કે નેતા, તમારી રજૂઆતના જવાબમાં એમ કહે કે ‘હું વિચારીને જવાબ આપીશ’ ત્યારે સમજી લેવું કે, એણે વિચાર પણ કરી લીધો… અને જવાબ પણ આપી દીધો! અને એ જવાબ ‘ના’ છે!! (પરેશ રાજગોર)

=====

રીડરબિરાદર, આ ફિક્શન લાગે તેવી ફેક્ટ સ્ટોરી  ટાંકેલો  આ લેખ ૨૦૦૩માં (૩૦ નવેમ્બર) મેં મારી ‘ગુજરાત સમાચાર’ની  રવિવારીય  કટાર સ્પેકટ્રોમીટરમાં લખ્યો હતો. આજથી પુરા ૮ વર્ષ પહેલા! ત્યારે તેહલકાએ કરેલાં  ઇન્વેસ્ટીગેશનમાં જ્યોર્જ અને પછીના જુદેવ-તેલગી જેવા કૌભાંડો બહાર આવેલા. અહીં છેલ્લે મારી કોમેન્ટ્સરૂપે આપેલા સવાલો પાછળ ઇટાલિક ફોન્ટ્સમાં ઉમેરેલા કૌંસ સિવાય એમાં કશું એડિટિંગ કર્યું નથી. જેમનો તેમ છે. ( રાજકારણ અને ભ્રષ્ટાચાર પર મારો પ્રથમ લેખ છેક ૨ નવેમ્બર, ૧૯૯૬ના રોજ લખેલો! સત્તાતુરાણામ્ ન ભયં, ન લજ્જા શીર્ષક તળે જે મારા પુસ્તક ‘ઓહ હિન્દુસ્તાન, આહ હિન્દુસ્તાન’માં છે.) આ લેખ તો અન્નાના અનશન સામે બતાવેલી નેતાઓની નકટાઈ સામે આજે ય પ્રસ્તુત છે જ, ને આવું ચાલ્યું હજુ ય રહેશે! (જે લેખક તરીકે ભલે ગૌરવની વાત હોય, નાગરિક તરીકે તો દુખની જ છે! અર્જુનસિંહ હયાત નથી અને શિવબહાદુરનો પ્રપૌત્ર અરુણોદયસિંહ તો નેતાઓનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડતી ‘યે સાલી જીન્દગી’ જેવી ફિલ્મમાં અભિનેતા થઇ ગયો! પણ બીજા કોઈને હજુ યે સજા થાય છે ખરી?) પણ લેખમાં ઉઠાવાયેલા મુદ્દા અને બયાન થયેલી જુના સંદર્ભો આધારિત સ્ટોરી ઉપરાંત કેટલીક વાતો પણ દેખીતી છે. આ લેખ ત્યારે લખાયેલો જયારે ફેસબુક, ટ્વીટર, ઓરકુટનું અસ્તિત્વ જ નહોતું. એમના સર્જકોના દિમાગમાં પણ નહિ! એટલે વ્યક્તિગત કિન્નાખોરીથી કેટલાક દ્વેષીલાઓ કોઈ સોશ્યલ નેટવર્કિંગ પર પોતાની લાગણી ઠાલવે એને નમાલો આક્રોશ કહીને ઉતારી પડે ત્યારે રમૂજ થાય છે.

એમના માટે આ બધું નવું હશે, મારા માટે નહિ. જનલોકપાલની ચાલતી ગાડીએ ટીકા પૂરતા પણ કોઈ અભ્યાસ વિના એ ચડી બેઠા હશે, બાકી આ લેખમાં જ સ્વતંત્ર અને સક્ષમ તપાસ એજન્સી હોય એવું સપનું (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સંસ્થાની સ્થાપના પહેલા જ જોવાયું છે) કારણ કે કોઈ નેતા-અધિકારીને ત્વરિત સજા ના થાય ત્યાં સુધી એની ધાક બેસે નહિ. પ્રજાના ‘ચાલતા હૈ’ એટીટ્યુડને આ લેખમાં પણ બક્ષવામાં નથી આવેલો અને એના પર તો મેં અઢળક લખ્યું છે. બોલ્યો છું. પણ આ વખતે કોઈ ધર્મ કે સ્વાર્થ વિના દેશના ભવિષ્ય માટે ખાસ્સા બહોળા ને ખાસ તો યુવાવર્ગમાં જે જનજાગૃતિ જોવા મળી, એ નવી ચેતનાનો ઝબકાર છે- અને એને પોંખું છું. લોકો એક બની સાચો, પ્રગતિશીલ, આધુનિક અવાજ ઉઠાવતા થાય એ લોકશાહીની સાચી ગરિમા છે. જનતાને બદલે નેતાને જવાબદાર સંસદીય નિયમાવલીઓ અને બંધારણની કાનૂની ચર્ચાઓ નહિ. (એમાં જ તો આ દેશમાં અનિવાર્ય ના હોય ત્યાં સુધી કોઈ નિર્ણયો લેવાતા નથી!)

છેલ્લી વાત, આજે એમના પાપે હું આઝાદ ભારતના ઈતિહાસની સૌથી વધૂ ભ્રષ્ટ અને નફ્ફટ કોંગ્રેસ સરકારને અરીસો બતાવું છું, ત્યારે કેટલાક વાંક-અદેખાઓના પેટમાં ચૂંક ઉપડે છે. ભગવાપ્રેમીનું હાથવગું સ્ટીકર કેવળ પૂર્વગ્રહથી લગાડી દેવા એ થનગનતા રહે છે. પણ આજથી ઓછા ગંભીર ભ્રષ્ટાચારના સમયે આ લેખમાં નામજોગ ભાજપના વડાપ્રધાન અને સરકારને ખંખેરવામાં ય મેં કોઈની સાડીબારી રાખી નહોતી. એનો આ રોકડો પુરાવો છે. મતલબ, પવન પ્રમાણે વિચારો ફેરવ્યા કરવાની મારી કોઈ ફેશન નથી. લોકોને ગમે કે ના ગમે- મારા સ્પષ્ટ સ્ટેન્ડમાં એક કન્ઝીસસ્ટન્સી હોય છે.આ કોઈ ઇન્સ્ટન્ટ પોપ્યુલર ગિમિકનો ઉભરો  નથી, પણ કેટલાક અંદરથી લોકપ્રિયતા માટે તડપતા લોકો ને એનું જ ઝેર ડોકાયા કરતુ હોય છે.

બાકી, મને જેનું પરફોર્મન્સ સારું લાગે તો વખાણું (જેમ કે વાજપેયીની સુવર્ણ ચતુર્ભુજ યોજના, કોંગ્રેસના સવાસો વર્ષ) ને નબળું લાગે તો વખોડું (જેમ કે આ લેખ, વર્તમાન કૌભાંડો અને એના પ્રત્યે કોંગ્રેસનો નિર્લજ્જ અભિગમ)! મારી પ્રતિબદ્ધતા મારા અભ્યાસ, આનંદ, વિચારો અને વાચકો પ્રત્યે છે. રાજકીય પક્ષો પ્રત્યે નહિ! અન્નાના મામલે ફરી વાર સાબિત થયું છે કે ભ્રષ્ટાચારના મામલે બધા સરખા જ નિર્વસ્ત્ર છે. એમને તો શરમ નથી આવતી, આપણને આવે છે- આવા લાજ વગરના લુંટારાઓને શાસક કહેતા !

આ લેખ વાંચ્યા પછી, જનલોક્પાલ જેવી સ્વાયત્ત અને સક્ષમ સંસ્થાની આશા અંગે કેમ હું વર્ષોથી મક્કમ છું, એની અનિવાર્યતા સમજાવી જોઈએ. લોકશાહી અને બંધારણને જે બાનમાં લઈને બેઠા છે, એ નેતાઓને બદલે એને છોડાવવા નીકળનારા  અહિંસક સરફરોશને આ બધા ઉલટા ચોર કોતવાલ કો  ડાટે ની જેમ કહે છે કે તમે આપખુદી કરો છો! બોલો લ્યો! આ મામલે જે લોકો માંડ એક બનવાનું શીખે છે, ત્યાં આ સ્વદેશી ગુલામી સામે અવાજ ઉઠાવતી પ્રજાનું ખમીર તોડતી ઠેક્ડીઓ ઉડાડે છે, એ જાણ્યા-સમજ્યા વિના જ દેશને લાંબા ગાળાનું નુકસાન પહોચાડી રહ્યા છે , અને રાજકારણીઓને પરોક્ષ ફાયદો એવું મારું મંતવ્ય તો છે જ, પણ આધારભૂત સત્ય પણ છે. કોઈને એ સ્વીકારવું જ ના હોય તો ભોગ એમના નહિ, આપણા ભારતના..બીજું શું?

 
24 Comments

Posted by on August 25, 2011 in gujarat, history, india

 
 
%d bloggers like this: