RSS

Daily Archives: August 23, 2011

કાશ કૃષ્ણ કળિયુગમાં……

સારું થયું,  કૃષ્ણ વહેલા પેદા થયા ને આપણે જન્માષ્ટમી ઉજવી શક્યા. બદમાશ – બેવકૂફ બૌદ્ધિકોના યુગમાં પેદા થયા હોત તો? દુર્યોધન સમાધાન ના કરવા જીદ પકડે, તો ય મંત્રણા નિષ્ફળ જવા માટે કૃષ્ણ જવાબદાર ઠેરવાઈ જાત ! ભગવદગીતા આખી વાંચ્યા વિના જ યુદ્ધ કરવાની ઉશ્કેરણી ફેલાવવા બદલ એમને જ્યુડીશીયલ કસ્ટડીમાં રખાત ! શિશુપાલે આપેલી ગાળો / રુક્મિણી મેળવવાની તેની લાલસા ભૂલીને એની સામે સુદર્શન ચક્ર ચલાવનાર કૃષ્ણ કેટલા જોખમી આપખુદ કહેવાય એના પર બ્લોગ્સ લખત ને ઓનલાઈન ડીસ્કશન થાત!

શાસક ઇન્દ્રની જોહુકમી સામે ગોવર્ધન પર્વત ઊંચકી સાત દિવસ સુધી ગોવાળિયાઓ ભેગા કરવા માટે એમના પર ૧૪૪મી કલમ લગાડી ‘મિડલ ક્લાસ’ને મુરખ બનવવાના એમના કાવતરાનો પર્દાફાશ થાત ! કંસ, દુર્યોધન, જરાસંધ, નરકાસુર ની ભ્રષ્ટ નાલાયકી સામે ફક્ત ચર્ચાઓ કરવાને બદલે યુક્તિપૂર્વક એમનો વધ કરવવા બદલ કૃષ્ણે રાજકીય ગરિમા અને ઉચ્ચ શકીય વહીવટી પરમ્પરાને બાનમાં લઈને કેવું નુકસાન પહોચાડ્યું છે, એની તપાસ સમિતિઓ નીમવાની ભલામણ થાત અને ત્યાં સુધી એમને શાહી શાસનપધ્ધતિની પ્રતિષ્ઠાના આત્યંતિક અપમાન બદલ અને મહાન રાજાઓ સામે વાપરેલી ધારદાર આકરી ભાષા બદલ ઝનૂની પાગલ ઠેરવી દેવાત !

દ્રૌપદીને પુરાયેલા ચીર વગર સરકારી મંજુરીએ ઉત્પાદિત કરવા બદલ એમને ભ્રષ્ટાચારી ઠેરવી દેવા પાળીતા પત્રકારોની પ્રેસકોન્ફરન્સ થાત, અને વસ્ત્રાહરણનો મહાભ્રષ્ટ આચાર ભૂલાવી દેવામાં આવત! ગોપીઓ મધરાતે સ્વેચ્છાએ રમવા જાય, એનાથી જાહેર શાંતિ જોખમાય તેમ હોઈ ને ગોપીઓ પર લાઠીચાર્જ કરી કૃષ્ણે મંજૂરી વિના વૃંદાવનમાં તમાશો કરવા બદલ તડીપાર કરી દેવાત ! બાળપણમાં અનેક અસુરોને સંહારવા બદલ નિર્દોષ અસુરોને કાયદો હાથમાં લઈને કેમ માર્યા , એ મામલે એમને એમના જન્મસ્થળ યાને જેલમાં એટલો લાંબો સમય રખાયા હોત, કે એજ એમના દેહોત્સર્ગનું પણ સ્થળ બન્યું હોત !

કાલયવનો અને શકુનિઓ એવો પ્રચાર કરત કે ગોવાળિયાઓ ભેગા ફરતા, સુદામા માટે ઉમળકાથી દોડતા, રાધા માટે પળ પળ તડપતા, બાંસુરી વગાડી નાચવા-ગાવા લાગતા, મટકીફોડ અને કાંકરીચાળો કરતા  કૃષ્ણમાં સ્થિરતા, સંતુલન, તટસ્થતા, સૌજન્યનો અભાવ છે! ‘હું જ કાળ છું, હું જ કામદેવ છું, હું જ જ્ઞાની છું, મેં અગાઉ આવું કર્યું છે’ આવા વિવેકહીન આત્યાંતિક વિધાનો કરી પોતાનું એરોગન્ટ અભિમાન બતાવે છે. અશ્વત્થામા કે કાલીય નાગ જેવા કાતિલ-કપટી-કુટિલોને કડક તોછડી ભાષામાં ઝૂડી કૃષ્ણની જબાન તો અસહ્ય જાલિમ છે, માટે એ સુધર્મ સભા સ્થાપતા અને ધર્મરાજની પડખે ઉભવા છતાં લોકહિતના વિરોધી છે.

યાદવાસ્થળી રોકવાના પ્રયત્નો છતાં, ‘લોકોએ આમ કરવું જોઈએ ને તેમ વર્તવું જોઈએ’ એવી શિખામણો આપતા હોઈને, કૃષ્ણ બાણાસુરની દીકરી પુત્રવધુ બનાવીને લઇ આવે છતાં, કાળા અધર્મી અસુરો માટે શ્યામસુંદરને પૂર્વગ્રહ જ કહેવાય. કુબ્જાને ભેટવા છતાં પાછળ રહી ગયેલા દાસ માટે એમને તિરસ્કાર છે, એવું જ મનાય! સગી બહેનને પ્રેમલગ્ન કરવા માટે ભાગવા દેનાર કૃષ્ણ તો પ્રેમના નામે પોતાની ભક્તિ કરવવા માંગે છે! મહાભારતમાં સારથી બનવું એ તો કૃષ્ણનું પબ્લિસિટી ગિમિક કહેવાય! સોનાની દ્વારકા ધરાવતા-સર્જતા હોઇને  કૃષ્ણની શોષિતો,પીડિતો, વંચિતોની ઠેકડી ઉડાવતી ઘાતક મૂડીવાદી માનસિકતા ઉઘાડેછોગ પ્રગટ થાય છે, નહિ? 😉

રાજસૂય યજ્ઞમાં એમની પૂજા થાય અને ભીષ્મ એમના વખાણ કરે, એ તો એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. મોરપીંછ ખોસીને પોતાના યુવાનોને આકર્ષવા ફેશન કરે છે. આઠ પટરાણીઓ અને સેંકડો ગોપીઓ સાથેપબ્લિક  ડેટિંગ કરી જાહેર ચારિત્ર્યને લાંછન લગાવે છે. કેવા કેવા શૃંગારિક શબ્દો અને ચેષ્ટાઓ કરી નવી પેઢીને આકર્ષવા સસ્તા નખરાં કરે છે, સામેથી દોડી આવતી માસુમ ગોપીઓ સાથે રાસલીલા કરે છે. એના માદક વર્ણનો લખવાવાળા નરસિંહો  અને જયદેવોને ને સજા કરવાને બદલે, ગળે વળગાડે છે ! આ ગોપાલ તો ગાંડો છે, ગંદો છે. એનાથી દુર રહો. એના પર તો માખણથી મણી ચોરવાનું આળ હતું, જૂની ફાઈલો તપાસો.  એ નટખટ નાદાન તો ભૂલો કરે છે, પૂછો ગાંધારીને, પૂછો ધ્રુતરાષ્ટ્રને, પૂછો શિશુપાલ-જયદ્રથ-કંસ-જરાસંધ-શામ્બ-શમ્બરના સંબંધીઓને ! યશોદાની વાત ના સાંભળતા, પૂતનાની સાક્ષી લેજો !

એ માધવની મુરલીથી ના ભરમાઈ જાવ..ઊંડો બૌદ્ધિક વિચાર કરો. ભલે એ વિશ્વરૂપ બતાવે, એને ક્યાં કશું આવડે છે? ભલે એ જ્ઞાન-કર્મયોગને આગળ મૂકી ધાર્મિક છેતરપીંડીવાળાઓની બોલતી બંધ કરી દે, આ મોહન તો ભક્તિની વાત કરનારો  છે, થોડો રેશનલ કહેવાય? એ ક્યાં ભૂતકાળની રઘુવંશ-કુરુવંશની વંશાવળીના જુના જુના નકામા દસ્તાવેજો ગોખ્યા કરે છે? એ તો સતત પોતે નવા નવા મૌલિક વિચારો સર્જ્યા કરે છે! નવી શોધખોળ અને માધ્યમોને આલિંગન આપે છે. સાત્વિક અભ્યાસ કરીને તામસીઓ સામે ચુપ બેસવાને બદલે રાજસી અવાજ ઉઠાવે છે. એ તો કામણગારો કળારસિક છે, થોડો આપણા જેવો બોરિંગ બૌદ્ધિક છે? એ તો ગલી-ખેતરમાં ઠેકડા મારે છે, થોડો કઈ ઓફીસના ખર્ચે સુષ્ઠુ સુષ્ઠુ નિવેદનો કરે છે?  સંસ્થાઓના ખોળે બેસી આદર્શના નામે બીજાને દંશ દેવાનો આદેશ આપે છે? એ તો સિંહાસન છોડીને રમવા-ભણવા જાય છે, થોડો આપણી જેમ નવી તક, નવા એવાર્ડ માટે ફટાફટ નોકરીઓ બદલાવે છે?

હાય રે હાય..આટલી તેજસ્વીતા કેમ સહન થાય ? કૃષ્ણનો વધ ના થાય તો તેજોવધ કરો. કર્ણને કેમ ચોરીછુપીથી મળ્યા એનું સ્ટીંગ ઓપરેશન કરો. શોધો કોઈ પારધી, જેની પાસેથી તીર ચલાવી શકાય અને આવતીકાલના ઉત્તમ ભારતવર્ષના સપના જોવા અને એ માટે બોલવા-દોડવાના અપરાધ બદલ; આ હસતા-મસ્ત રહેતા-પ્રેમરસના પિચ્છધરનો પ્રભાવ, એમના માટે ઘેલી જનતાનો ભાવ ઝટ આડાઅવળા પ્રપંચ અને જૂઠી ભ્રામક ચર્ચાથી ઘટાડી શકાય..શોધો એના પગની ખુલ્લી રહી ગયેલી પાનિ, લગાવો છુપાઈને તીર…

સારું થયું ને , મનલુભાવન મોહન, નાગર નંદજીના લાલ વહેલા જન્મી ગયા ને આપણે જન્માષ્ટમી ઉજવી શક્યા…:P હરે કૃષ્ણ..હરે કૃષ્ણ..

 
25 Comments

Posted by on August 23, 2011 in fun, india, personal

 
 
%d bloggers like this: