RSS

Daily Archives: August 15, 2011

‘ID15’ની ઉજવણીને ‘સ્વતંત્ર’ કરતા આઝાદ આઈડિયાઝ!

આઈ.ડી.૧૫? એ વળી શું?

ના, કોઈ વોરન્ટી કાર્ડનો આઈડેન્ટીફિકેશન નંબર નથી. આપણા પોતાના સ્વાતંત્ર્ય દિનનું આ આઘુનિક હુલામણું નામ છે. આઈ ફોર ઈન્ડિપેન્ડન્સ, ડી ફોર ડે. આઈ ડ્રીમ ફિફટીન ઓગસ્ટ… એન્ડ આઈ.ડી.૧૫! કેચી વર્ડ છે. ઝટ જીભે ચડે, ને પટ હૈયે ઉતરે!

સ્વાતંત્ર્યદિન આવે એટલે ભારત ઉપર, આઝાદી ઉપર, સ્વાતંત્ર્યસંગ્રામ ઉપર, ભાતીગળ ભૂતકાળ અને ભવ્ય ભવિષ્ય પર લખવા-બોલવાનો રોગચાળો ફાટી નીકળે છે. આ ‘પેટ્રિઓટ વાઈરસ’ (દેશભક્ત જીવાણુ) ભલભલાને હડફેટે લઈ લે છે. આ દેશમાં એક પેઢી એવી વસે છે, જેણે આઝાદીની લડત નજરે જોઈ છે, પણ એમની આંખોમાં આજની ગ્લોબલ જુવાની સમાતી નથી.

બીજી પેઢી એવી છે જેણે નાચવાકુદવાની ભરપૂર આઝાદી માણી છે, પણ આઝાદીની લડતનો એમને અહેસાસ નથી. સરવાળે બંને પેઢીઓએ સ્વાતંત્ર્યદિન ઉજવવાનો ઉત્સાહ સચીન તેંડૂલકરના બેટિંગ ફોર્મની માફક ગુમાવી દીધો છે. આ દેશમાં આઝાદ પાંચ જ પ્રકારના ‘માંધાતા’ઓ છેઃ માફિયા, મંત્રી, માલદાર, મઠાધિપતિ(મહંત/મુલ્લા ઈટીસી) અને મિડિયા! બાકી બધા તો હજુ એમના હાથોમાં ‘પરાધીન’ જ છે!

એની વે, વાત એ છે કે છાપાવાળાઓ માંડ મળતી રજાને ઘ્યાનમાં રાખી ઉત્સાહથી ‘સ્વાતંત્ર્યદિનવિશેષ’ પૂર્તિઓ કાઢી નાખે, વડાપ્રધાન લાલ કિલ્લા પર શબ્દોના સાથિયા પૂરીને વાતોના વડા તળે, ટીવી ચેનલ્સ લોગો ઉપર તિરંગા ચટાપટા કરે… એકની એક દેશદાઝવાળી બોર્ડર, ગાંધી ટાઈપની ફિલ્મો ફરીફરીને બતાવે, શિક્ષણ સંસ્થાઓમાં શિસ્તના દંડૂકાના જોરે ઘ્વજવંદન થાય…એની એ ઘટમાળ કાટમાળ બની ગઈ છે.

આમાં પર્વ કયાં છે? શ્રાવણ મહિનામાં શિવમંદિરે જવાનો ઉલ્લાસ હોય છે, એટલો ઉમંગ પણ ૧૫મી ઓગસ્ટના પ્રભાતનો હોય છે? દુનિયાભરના ટોચના દેશોમાં ભારત જેટલી સૂંડલામોઢે રજાઓ નથી. છતાં ય, બધે વરસની પાંચ-છ ચુનંદા રજાઓમાં એક સ્વાતંત્ર્યદિનની હોય છે. આટલું માહાત્મ્ય સ્વાતંત્ર્યદિનનું હોય છે. પણ ‘સત્યમેવ જયતે’ની સાક્ષીએ છાતીના ડાબા ભાગે હાથ રાખીને કહેજો. શરદપૂનમ કે મકરસંક્રાતિથી અડધા ભાગનો સેલિબ્રેશન મૂડ પણ કદી ૧૫ ઓગસ્ટે અનુભવ્યો છે?

જો જવાબ ‘ના’ હોય તો એ જવાબનું એનાલિસિસ કરવાથી એ ફરી જવાનો નથી. એ ‘નેગેટિવ’ને ‘પોઝિટિવ’ કરવા માટે શું થઈ શકે? સરકાર તરફથી ક્યારેક ‘સમરયાત્રા’ કે ‘સ્પેશ્યલ ટ્રેન’ જેવા પ્રોજેક્ટસ થાય છે. કોઈ કલબ વળી મશાલ સરઘસ કાઢીને ‘જોસ્સો’ ચડાવવાના પ્રયત્ન કરે છે. શાળા-કોલેજો વળી નિબંધ-વકતૃત્વ સ્પર્ધાઓ યોજીને જરાતરા ‘વોર્મિંગ અપ’ કરે છે. ઝરમરિયા વરસાદની જેમ બધામાં વાદળ ઝાઝા બંધાય છે, પાણી ઓછું વરસે છે અને રાત પડયે કીચડકાદવ વઘુ જામે છે!

મોટા માથાઓ કે એમને સમાવતી સંસ્થાઓ તો સ્વાતંત્ર્યદિન પર લિબર્ટી મોન્યુમેન્ટ બનાવી શકે. પોસ્ટર્સ, બેનર્સ, એક્ઝિબિશન્સ કરી શકે. શોભાયાત્રા અને રંગારંગ કાર્યક્રમો કરી શકે. સહારાશ્રી સુબ્રતો રોય ધામઘૂમથી ‘ભારત પર્વ’ ઉજવી ચૂક્યા જ છે ને! પણ એ જૂદી ડિઝાઈન થઈ. સવા કરોડનો સવાલ એ છે કે ઘેર બેઠા ભારતીય નાગરિકો એવું શું કરે કે સ્વાતંત્ર્યદિનની જરા જુદી પણ જોરદાર જમાવટ થાય? ‘આઈડી૧૫’ એમની માટે વરસનો યાદગાર દિવસ બની જાય? લેટસ શેર સમ આઈડિયાઝઃ

સ્વાતંત્ર્યદિને પરાણે ફરજના ભાગરૂપે કરાવાતા ઘ્વજવંદન બંધ કરી દો! વાત આઝાદીની કરવી, અને પ્રેક્ષકોને ગુલામોની જેમ હુકમથી ભેગા કરવા? જે વસ્તુ પરાણે, ફરજના ભાગ રૂપે ઠોકી બેસાડવામાં આવે, એ અળખામણી બને. જયાપાર્વતીના જાગરણને જો અભ્યાસક્રમમાં સામેલ કરો તો કન્યાઓ ઉજાગરાને બદલે ઉંઘી જાય. જેને મોજથી ઘ્વજવંદન કરવું છે, એ મરજીથી ભલે કરે, બાકી ‘ઘ્વજવંદન’ શબ્દ જ ભારેખમ છે. જ્યાં ચરણસ્પર્શ કરી ઝૂકવાનું હોય, ત્યાં આપોઆપ એક અદ્રશ્ય લોખંડી પડદો રચાઈ જતો હોય છે. જ્યાં આમન્યા વઘુ, ત્યાં અંતર વઘુ! જ્યાં ભેટવાનું હોય ત્યાં સ્નેહ પણ વધારે જ હોય છે!

તો શું રાષ્ટ્રગૌરવને ભૂલી જવાનું ? રાષ્ટ્રઘ્વજને પ્રેમ નહી કરવાનો? કરવાનો જ વળી! એની પૂજા નથી કરવાની, એની સાથે પ્રીત કરવાની છે. સુપ્રિમ કોર્ટે એક શકવર્તી ચૂકાદામાં હવે તો તિરંગાને ફેશન કોસ્ચ્યુમની જેમ પહેરવા-ઓઢવાની પણ છૂટ આપી છે. આ બ્રિલિયન્ટ બ્રાન્ડિંગ છે, જે દેશપ્રેમમાં પાસ પણ અક્કલમાં નાપાસ એવા જડસુઓને કદી ગળે ઉતરવાનુ નથી.

ટીનએજર પોતાના કાંડાના કડા કે ગળાની ચેઈનને પણ પ્રેમ કરે છે. પોતાના વ્હીકલ પર પણ હાથ ફેરવીને ગૌરવ અનુભવે છે. એમાં એને પોતીકાપણુ લાગે છે. જો રાષ્ટ્રઘ્વજને વઘુ લોકપ્રિય કરવો હોય તો એને ઘ્વજદંડથી ઉતારી શરીર સુધી પહોંચાડો. તિરંગા ટી-શર્ટ, જીન્સ કે ઈવન અંડરગાર્મેન્ટસથી પણ કંઈ દેશનું અપમાન નથી થતું! ઉલટું, દેશ વઘુ ગમતીલો લાગે છે. એ કોઈ ગુ્રપ મેમ્બર જેવો નિકટ લાગે છે. તિરંગા અને રાષ્ટ્રચિહ્નોના તો ડિઝાઈનર ડ્રેસીસ સબસિડી પર બનાવવા જોઈએ.

અમેરિકામાં બેધડક રાષ્ટ્રઘ્વજની બિકીનીઝ પહેરાય છે. એના રમકડાં બને છે. એના રંગો બાઈકથી બેલ્ટ સુધીની પ્રોડક્ટમાં વપરાય છે. અમેરિકન પ્રજાની ચુસ્ત રાષ્ટ્રભાવના અને આઝાદી જગજાહેર છે. રેડ-બ્લ્યુ બ્રા કે શૂઝથી એમનો દેશપ્રેમ ઘટે છે કે વધે છે? અરે, અમેરિકા તો ઠીક એના રાષ્ટ્રઘ્વજની કેપ પહેરીને બીજા દેશોના લોકો પણ ‘સમથિંગ સ્પેશ્યલ’ અનુભવે છે! ઈટસ માર્કેટિંગ મેજીક!

આપણે રાષ્ટ્રીય પ્રતીકોને પવિત્ર માની એની આરતી ઉતારીએ છીએ. એનો જરાક ઉછાંછળો ઉપયોગ થાય તો ‘છી… અરરર… હાય હાય’ની ચીસાચીસ કરીએ છીએ. અને આપણે બધા જ અંદરખાનેથી આપણી રાષ્ટ્રભાવનાનો સેન્સેક્સ કેટલો અને કેવો છે, એ જાણીએ છીએ.

તાજમહાલ માટેના એસએમએસ કરવા કે શેરીઓમાં ‘ભારત માતા કી જય’ના હૂપાહૂપ નારાઓ લગાડવામાં આપણી દેશદાઝની ઈતિશ્રી આવી જાય છે. પસંદગીની કસોટી આવે ત્યારે ભારતીય નાગરિક ઘડીના છઠ્ઠા ભાગમાં દેશને બદલે પોતાના હિતનો સ્વાર્થ પસંદ કરશે. આપણી દેશભક્તિની ઘૂણી સૂકાયા વિનાના લીલા છાણાની છે. જરાક વિપરીત સંજોગોનું ઝાપટું આવે કે અંગાર ઠરીને કોલસો થઈ જાય છે.

ઓકે, નેકસ્ટ. જ્યારે જ્યારે સ્વાતંત્ર્યદિન આવે ત્યારે ‘નવી પેઢી ભૂલી ન જાય’ એના પરમાર્થે ઘણા પુણ્યશ્લોક આત્માઓ મહાન ભારતીય વિભૂતિઓની યશોગાથાઓ વર્ણવવા લાગે છે. પ્રતાપ, શિવાજી, ગાંધીજી, ભગતસિંહ, સુભાષબાબુ, વિવેકાનંદ, સરદાર ઈત્યાદિની એની એ વાતો, વર્ણનો, ઉપદેશો! આ વિભૂતિઓના દેશપ્રેમ અને યોગદાન અંગે બેમત નથી. પણ દાદાના ફોટા સામે બેસાડી રાખવાથી પૌત્ર હોંશિયાર ન થાય! વાતો એ થાય છે કે ‘મહાપુરૂષો ભૂલાઈ ન જાય માટે’… પણ સતત એટલું બઘું જૂના ભૂતકાળનું રટણ ચોતરફ થાય છે કે કોઈ ઈચ્છે તો પણ એમને ભૂલી શકે તેમ નથી.

આ પોપટપાઠમાં અન્યાય નવા ક્રાંતિકારીઓને થાય છે. એમને એમના યોગદાનના પ્રમાણમાં જનસમર્થન મળતું જ નથી. આ મડદાપૂજક દેશ છે. મીરાબાઈઓ અને ઝાંસીની રાણીઓની કથાઓ બહુ થઈ. હવે સુનીધિ ચૌહાણો અને સાનિયા મિર્ઝાઓની પ્રશસ્તિ લખો- બોલો- ગાવ. હવે ઘોડા પરથી તલવાર ચલાવવાળી નહિ, પણ સ્પેસશટલ ઉડાડનારી કે બિઝનેસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ઘડનારી યુવતીઓ સ્વતંત્ર ભારતનું મસ્તક દુનિયામાં ટટ્ટાર રાખવાની છે. સ્વાતંત્ર્ય દિનને ખરેખર રંગીન અને સંગીન બનાવવો હોય તો એમાં જૂની મહાનતાને બદલે ભવિષ્યના પડકારોની સજ્જતાની વાતો કરો.

વેદપુરાણને થોડા સમય પૂરતા બાજુએ રાખી વિજ્ઞાનનું જ્ઞાન વધારવું પડશે. ડોકટર કદી ઓપરેશન ટેબલ પર સ્વસ્થ અંગ સામે તાકીને બેસે છે? ના. એ રોગીષ્ટ ભાગની ચીરફાડ કરે છે. જો સ્વતંત્રતા હંમેશ માટે ટકાવવી હોય, તો ભારતે પહેલાં એની ભૂલો અને નબળાઈઓની ચર્ચા કરવી પડશે.

ખામીઓનો સ્વીકાર એને દૂર કરવાનું પ્રથમ પગથિયું છે. આઈડી૧૫ ઉપર ભારતના જ નહિ, આપણી- આપણા પરિવાર કે સોસાયટી, મહોલ્લા, ગામના માઈનસ પોઈન્ટસનું વિશ્લેષણ કરો. નેકસ્ટ આઈડી૧૫ પહેલા એ દૂર કરવાનો એજેન્ડા બનાવો. ભારત એટલે ભારતવાસીઓ. ભારતવાસી નાગરિક- વ્યક્તિગત રીતે જેટલો સક્ષમ, એટલો દેશ ઉત્તમ!

હા. ભારતના ભવ્ય વારસાને ઉજવવો જ હોય તો એના સાચા રસ્તાઓ પણ છે. ગદ્દારો કે આતંકવાદીઓ વિરુદ્ધની વાર્તા હોય, યુદ્ધ કે આઝાદીની ચળવળની ક્રાંતિની વાત હોય… એટલે ‘ભારતપ્રેમી ફિલ્મ કે કથા’ એવું માની લેવામાં આવ્યું છે. ભારતના ખરેખરા ખજાનાને ઓળખવાની તસદી લો, એને દેશદાઝભર્યું કૃત્ય ગણવામાં આવતું નથી! સ્વાતંત્ર્યદિને એ રત્નોનો ઝળહળાટ માણો. દેશભક્તિના ચવાઈ ઘસાઈ ગયેલા ગીતોને બદલે ભારતીય વાદ્યસંગીત, કાવ્યપાઠ કે કંઠ્ય સંગીતની સી.ડી. સાંભળશો અને એની બારીકીઓ જાણવા પ્રયાસ કરશો, તો ભારત સાથેનો સંબંધ વઘુ ગાઢ બનશે.

રાષ્ટ્રવાદી પ્રલાપોના ચોપાનિયાઓને બદલે ભારતની સાંસ્કૃતિક સુગંધ જ સીધી શ્વાસમાં લેશો, તો દેશની તબિયત વઘુ તંદુરસ્ત બનશે. ‘આઈ.ડી. ૧૫’ પર એકાદી ક્લાસિક સંસ્કૃત કૃતિ (ભલે, અનુવાદિત) વાંચવાનો સંકલ્પ લઈએ. કાલિદાસને ભૂલો, વારંવાર જેની વાતો કરતા ધરાતા નથી એ રામાયણ- મહાભારત- ભાગવતનું એક પાનું પણ મૂળ ગ્રંથનું કદી વાંચ્યુ છે! નહેરૂની ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’નો ભાષાવૈભવ માણીએ અને કાકાસાહેબ કાલેલકરની આંખે ભારતની ભૂગોળને કવિતા બનતી જાણીએ. ‘ઉત્સવ’ કે ‘ઉમરાવજાન’(જુનું) જેવી ફિલ્મોથી ભારતના વિવિધ રંગબેરંગી કાળખંડો સજીવન થતા જોઈએ.

એવી જ રીતે કમસે કમ ૧૫ ઓગસ્ટના એક દિવસ પૂરતી તો આપણે જે પ્રદેશમાં હોઈએ, એની જ મૂળભૂત વાનગીઓ જ ખાવાનું રાખીએ. રજા પડી એટલે પિઝા, સ્પેઘેટી ઝાપટવા જામી નહિ પડવાનું. ચૂરમાના લાડવા અને શક્કરપારા, ખીર અને ખારી પૂરી… ગુજરાતી હો તો ગુજરાતી અને પંજાબી હો તો પંજાબી ભોજન તરબતર થઈને કરવાનું. ચીઝ છોડીને છાશ પર તૂટી પડવાનું! અને હા, સંસ્કૃતિ કપડાંની લંબાઈમાં જ સમાઈ જાય એટલી ટૂંકી ચીજ નથી! સમય હોય તો ચોમેર વેરાન પડેલા કોઈ પ્રાચીન ભારતીય સ્થાપત્ય પાસે જઈને બેસીએ. એની શિલ્પકળા વિશે અભ્યાસ ન કરીએ તો જરા એને સાફ કરી, એની સામે જોઈને એ રાષ્ટ્રીય સ્મારકોની કદર તો કરીએ!

ઘેર ઈઝ નો સેલિબ્રેશન વિધાઉટ ફન! બઘું જ જ્ઞાન મેળવવામાં જશે, તો મનોરંજન ક્યારે મળશે? ‘આઈ.ડી. ૧૫’ની કોઈ વિડિયો ગેઈમ કેમ નથી બની? ‘હેપી ઈન્ડિપેન્ડન્સ ડે’ના કોઈના આવેલા મેસેજ ફોરવર્ડ કરવા કરતાં ખરેખર હરખ થતો હોય તો ગલોટિયા ખાવ, આઈ.ડી. હગ’ આપો, ઝૂમો, ચિચિયારીઓ પાડો! તિરંગા કલરથી ઘૂળેટી રમી નાખો અને દેશભક્તિના લોકપ્રિય ગીતો પર દાંડિયારાસ લો! રખડતા ઢોરોને ભગાવી કે ડબ્બે પૂરીને પણ સેવા સાથે મજા પણ મેળવી શકાય. સ્વતંત્રતાની કે ભારતની થીમ પર જેવું આવડે તેવું કશુંક લખો. તમારે મન ભારત એટલે શું? લખી બોલી ન શકો તો જસ્ટ થિંક.

આવડે એવું ચિત્ર કે રંગોળી દોરો. માત્ર એક જોડી ખાદીના વસ્ત્રો ખરીદો. એથનિક / એન્ટિક કલેક્શન  કરતાં એ વઘુ ‘ભારતીય’ ઘટના છે. એક કલાક સુધી માત્ર રાષ્ટ્રભાષામાં જ વાત કરવા પ્રયત્ન કરો. બસ, થોડુંક જાતને કષ્ટ આપી બતાવો. એક દિવસ પૂરતી વીજળીની અને પેટ્રોલ- ડિઝલની જરૂર હોય તો પણ બચત કરો. ટીવી, ફેન કે સ્કૂટર-કાર એક દિવસ માટે બંધ રાખો. રાષ્ટ્રના રિસોર્સીઝના ડેવલપમેન્ટમાં સંયમ રાખીને કશું આપ્યા વિના પણ ફાળો આપો… અને અહીં લખ્યા એથી વઘુ દમદાર આઈડિયાઝ વિચારો!

આઝાદીના ચોસઠ વર્ષે હજુ રસ્તા-પાણી-વિજળીના પ્રોબ્લેમ પાયાના છે. એ ઉકેલાય નહીં ત્યાં સુધી ઉત્સવનો ઉત્સાહ ક્યાંથી આવે ? ખબર નહિ, સ્વાતંત્ર્ય દિનની ચીલાચાલુ ભાષણિયા ઉજવણીની ગુલામીમાંથી મુક્તિસંગ્રામ લડનાર ૨૧મી સદીના મંગલ પાંડેઓ ક્યારે પ્રગટશે?

ફાસ્ટ ફોરવર્ડ

પક ગઈ હૈ આદતેં, બાતોં સે સર હોગી નહિ

કોઈ હંગામા કરો, ઐસે ગુજર હોગી નહિ!’

(દુષ્યંતકુમાર)

 

૬ વરસ જુના લેખમાં આંકડા સિવાય કશું બદલાવવું પડ્યું નથી, એવું છે આ નેશનનું ઇનોવેશન ! એની વે, તમે શું વિચારો છો? સમ ફ્રેશ આઈડીયાઝ ટુ શેર? તમારા સજેશન્સ પણ મન પડે તો કોમેન્ટસમાં લખો. બેસ્ટ લાગે એને મારી life@kite બુક પાક્કી ! (યાદ આવ્યું, હજુ સાયન્સ ફિક્શનવાળી કોન્ટેસ્ટ ખુલ્લી છે, ભેજું અજમાવવું હોય તો !) અને હા, હેપી ઈન્ડિપેન્ડન્સ ડે.

જો અન્નાની અવદશા અને કેન્દ્રના કપટ પછી હેપી રહેવાતું હોય તો…:P

 
44 Comments

Posted by on August 15, 2011 in india, youth

 
 
%d bloggers like this: