RSS

Daily Archives: August 14, 2011

આઝાદી યંગીસ્તાન કી ! આવાઝ દો અપને દિલ કો…

સામાન્ય રીતે હું મારી કોલમમાં છપાતા તાજા લેખો તરત જ બ્લોગ પર મુકવાનો મોહ સભાનપણે ટાળતો હોઉં છું. ઘણા એવા ગાંધીવાદી લેખકો છે, જે સતત માર્કેટિંગનો વિરોધ કરતા હોય છે, પણ પોતે પ્રિન્ટ મીડિયામાં પોતાનો લેખ છપાય , એટલે ગણતરીના કલાકોમાં જ પોતાનો લેખ પોતાના બ્લોગ પર ચડાવી દે છે, અને વધારાનું પ્રમોશન સોશ્યલ નેટવર્કિંગ પર તત્કાળ કરી નાખે છે ! મને એવું લાગે કે, આમ કરવું એ પ્રોફેશનલ એથિક્સની રીતે યોગ્ય નથી. જરૂરથી છપાયેલા લેખો બ્લોગમાં  મૂકી શકાય , પણ જે પ્રિન્ટ મીડિયા થકી આપણું અસ્તિત્વ હોય, જે એનો પુરસ્કાર પણ ચૂકવતું હોય, એ અખબાર છપાય કે મેગેઝીન સ્ટેન્ડ પર આવે કે તરત જ લેખ બ્લોગ પર ચડવવો, એ પ્રસિદ્ધિમોહમાં ઝડપી વાહવાહી ઉઘરાવવા માટે છુપી ભૂખ જ બતાવે છે. એક પ્રકારનું સેલ્ફમાર્કેટિંગ જ છે., જેના માટે મારા જેવા યુવા ચિત્તની વાતો કરનારા સર્જકને હમેશા જાણીબુઝીને અપપ્રચારનો ભોગ બનાવાય છે. (હું તો ચાલો, માર્કેટિંગનો જ ભૂતપૂર્વ લેક્ચરર છું. મારી પી.જી. ડીગ્રી જ માર્કેટિંગની છે, એટલે સારી બાબતના  શ્રેષ્ઠ માર્કેટિંગનો હિમાયતી છું. પણ જે લોકો પોતાને ભૌતિક પ્રચારસંસ્કૃતિથી પર ગણાવે છે, અને નીસ્બતના ઓઠાં તળે સતત માર્કેટિંગ કોઈ ગંદી બાબત હોય ને પોતે એકલા જ પવિત્ર હોય એવું ઈમેજ બિલ્ડીંગ કરે છે, એ અચૂકપણે પોતાના તમામેતમામ છપાતા લેખોનું કલાકોમાં માર્કેટિંગ કરવાનો એક મોકો ચુકતા નથી! ) અન્યથા એ લેખ થોડી ધીરજ ધરી પાછળથી મૂકી જ શકાય છે. જેથી પ્રિન્ટ મીડિયાને નુકસાન ન પહોંચે, એના વાચકો તૂટે નહિ, અને એણે ચૂકવેલા નાણાનો નૈતિક આદર  જાળવી શકાય.અલબત્ત, આ કોઈ નિયમ નથી. અંગત પસંદગીની બાબત છે. અને આવી સુક્ષ્મદ્રષ્ટિએ આજકાલ કોઈ જોતું નથી. માટે મુલ્યોની ફક્ત જોરશોરથી વાતો કરનારા દંભી સામ્યવાદીઓ મૂલ્યવાન ગણાઇ જાય, ને એનું આજીવન નિષ્ઠાપૂર્વક આચરણ કરનારા મસ્તમૌલા મૂડીવાદી રાક્ષસ ઠેરવાઈ જાય એવો ઘાટ છે. હા, કોઈ ખાસ પ્રસંગ / દિવસ  આધારિત લેખ હોય, છપાયેલા લેખમાં કશી ગંભીર ઉલટસુલટ થઇ હોય.. કે કોઈ એવા સંજોગો હોય તો વાત જુદી છે. આજે એવા સંજોગો ઉભા થયા છે કે છેલ્લા પાને જાહેરાત આવી જતાં ગુજરાત સમાચારની  અખબારી પૂર્તિમાં ‘સ્પેકટ્રોમીટર’ અમદાવાદ સહીત અમુક શહેરોમાં છપાયું નથી. બીજે બધે છે. લેખ વળી સ્વતંત્રતા દિવસ નિમિત્તનો છે. વાચકો એ મને ફોન પર સવાલોની ઝડી વરસાવી છે.  આ  બ્લોગ આમ પણ છપાઈ જતા દરેક લેખોનું સંગ્રહસ્થાન ન બનવું જોઈએ , એ વાત તો હું પહેલેથી જ સ્પષ્ટ કરી ચુક્યો છું. પણ, અત્રે એ લેખ મૂકી દઉં છું. આવું બે સપ્તાહ અગાઉ પણ થયેલું, એ લેખ પણ કાલની રજા ધ્યાનમાં લઇ રાત્રે મૂકી દઈશ. મૂળભૂત રીતે અંગ્રેજી ફિલ્મની નબળી નકલ જેવી ફાલતું ફિલ્મ”ફાલતુ”માં ઉત્તમ એવું શબ્દો-સંગીત-પીક્ચરાઈઝેશનની રીતે ક્લાઈમેક્સ સોંગ આ લખતી વખતે મારા મનમાં સતત પડઘાતું હતું.  (એની કોરિયોગ્રાફી લાજવાબ છે, ભલે એ ય પ્રેરિત છે વિદેશમાંથી) તો બહુ ભૂમિકા વાંચી, હવે સીધો લેખ વાંચો યારો..

કબ તક યે દુનિયા આંખો કો મીંચે, સોતી રહેગી તકિયે કે નીચેજુબાં પે તાલે રહેંગે કબ તક, ખૂંટી સે ખ્વાબ બંધે રહેંગે કબ તકઆઝાદીયાં હાંસિલ હો !

૧૯૫૨-૫૩ની સાલમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય- સામાજીક જાગૃતિના નાટકો લઈ રાજ કપૂરના પિતા (રણવીર- કરીનાના ગ્રેટ ગ્રાન્ડપ્પા!) ‘મુગલ એ આઝમ’ બનેલા પૃથ્વીરાજ કપૂર આવ્યા હતા. પત્રકારોએ એમને સવાલ પૂછયો. ‘તમારો દીકરો રાજ કપૂર બરસાત જેવી ફિલ્મ બનાવી જુવાન પેઢીના મનને પ્રદૂષિત નથી કરતો? (આજે બરસાત ક્લાસિક અને મર્યાદામઢી ગણાય છે, એ આડવાત થઈ!) પ્રેમની ઉત્તેજનાના દ્રશ્યો, પ્રેમનાથનું દિલફેંક જુવાનનું પાત્ર અને અદા નવી પેઢી પર કેવી અસર કરશે?’

પૃથ્વીરાજે જવાબ આપ્યો, એનો સાર આવો હતો ‘‘હું તમને સામો સવાલ કરું? આપણે આપણા યુવકયુવતીઓ વિશે શું માનીએ છીએ? આપણે આ ખરાબ છે, ખરાબ છે કહીને તેમની આંખોથી કેટલું ઢાંક્યા કરીશું? બાળકોને, જુવાનોને આપણે શું ‘ફ્રેજાઈલઃ હેન્ડલ વિથ કેર’ એમ સાચવી- સંભાળીને રાખવા જેવી કાચની વસ્તુઓ જ બનાવી દેવા છે? તમે શું એવું માનો છો કે તમે બાળકથી, જુવાનથી જીંદગીની બરછટ બાજુઓ ઢાંકેલી રાખશો, એટલે તે સદગુણી જ બની રહેશે? શું સદગુણો પાપના સંપૂર્ણ અજ્ઞાનમાંથી જ પાંગરે છે? આને શું તમે નિર્દોષતા કહેશો? નવી પેઢીથી તમે ઘણું બઘું છુપાવ્યા કરશો, તેથી તે નિરોગી બની જશે- તેવું માનવાની ભૂલ કરશો નહિ! આવું કરીને તમે તેમને સદગુણ શીખવી નહિ શકો, તેઓ માત્ર દંભ શીખશે. રૂપજીવિનીઓની તસવીરો સંતાડયા કરશો, તો તેઓ માત્ર સતીઓની છબીઓ જ પિછાનશે તેમ માનવું ભૂલભરેલું છે.

છુપાવેલી વસ્તુઓને તેનું પોતાનું આકર્ષણ હોય છે. હું કહું છું તેને જીંદગીની બધી બાજુઓ જોવા દો. તેમાંથી સારી બાજુ ગ્રહણ કરવાની તેની શક્તિ નહીં વિકસાવો, તો મહાત્મા ગાંધીના જીવનચરિત્રમાંથી પણ માત્ર ચોરીનો પ્રસંગ જ પકડી લેશે. તમે તેને વિવેક શીખવી શકો, પણ મારું માનો તો સદગુણોનો ચારો ચરાવવા માટે પણ બાળકોને તેના વાડામાં પૂરવાનું રહેવા દો. શુભ હેતુથી પણ આવા બંધનો ઉભા કરવાનું માંડી વાળો. તેમને છૂટા મૂકો. તેમને ભૂલ કરવા દો.’’

ક્યા બાત હૈ! સ્વાતંત્ર્ય દિને સલામ કરવાનું મન થાય, એવી ‘સ્વ’તંત્ર થવાની વાત કરી હતી સીનીઅર કપૂરસાહેબે! આ વિગતો ૧૯૭૭ના ‘ગુજરાત સમાચાર’માં છપાયેલા એક સ્મરણલેખમાં હતી (સંદર્ભ: અડધી સદીની વાચનયાત્રા, મહેન્દ્ર મેઘાણી!) અને આઝાદીના પ્રભાતે કરેલી આ વાત આજે મઘ્યાહને પણ કેટલી સાચી પડી છે! પૃથ્વીરાજ કપૂરના ઉત્તરોત્તર બંધનમુક્ત બનતા જતા સંતાનો રાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર પછી સફળ થયા. એમના પછી રિશિ કપૂર, રણધીર કે સંજના કપૂરે પોતપોતાની રીતે નામ કાઢયું. પછી કરિશ્મા, કરીના અને રણબીર કપૂર પણ કરોડપતિ સેલિબ્રિટી જ બન્યા, દારૂડિયા ક્રિમિનલ નહીં!

અને એ વખતે પૃથ્વીરાજસાહેબની ભાષામાં સદગુણોના નામે દંભ શીખેલી ‘નવી પેઢી’ આજે ‘જૂની’ બનીને આપણા દેશ- સમાજ- ધર્મક્ષેત્ર પર દાયકાઓથી રાજ કરે છે. અને કેવા ભ્રષ્ટ અવગુણોનો અખાડો એણે કંડાર્યો છે, એ દેખીતું છે! એ ‘મર્યાદામઢી’ પેઢીએ ખાનગી દુરાચારોથી ‘વાટ લગાડી’ દીધી!

* * *

વઘુ એક સ્વાતંત્ર્ય દિન નજીક આવીને ઉભો છે. કોસ્મેટિક દેશદાઝની એકદિવસીય ભરતી ચડાવવા માટે. હા, ટેકનિકલી, બંધારણીય રીતે આપણે સ્વતંત્ર, આઝાદ રાષ્ટ્ર છીએ. સિર્ફ કહેને કો. હજુ લોકશાહીનો સ્પિરિટ આપણને પચ્યો નથી. એટલે એનું લોહી બનીને શરીરમાં એકરસ ફરતું નથી. કારણ કે, દેશને તો સ્વાતંત્ર્ય મળ્યું. પણ પેઢી દર પેઢી હજુ આપણી જુવાનીને, યંગથીંગ્સને, અઢાર વર્ષે મતદાર બની જતા આવતીકાલના ભારતના નાગરિકોને સ્વાધીનતા મળતી નથી. જ્યાં સુધી મોડર્ન જનરેશનનું સ્વરાજ નહિ આવે, ત્યાં સુધી ભારતની સ્વતંત્રતા કેવળ તિરંગી નારાબાજીનો કોલાહલ જ બની રહેવાની છે.

ભારત વસતિગણત્રીની દ્રષ્ટિએ વિશ્વભરમાં જુવાન દેશ છે. એકલા યુપી-બિહારમાં યુરોપથી વઘુ ૧૮થી ૨૫ના નવજવાનો છે. પણ હજુ આ યૌવનનું રિમોટ કંટ્રોલ બીજા હાથોમાં છે. પાંજરે પૂરાયેલો વાઘ શિકાર કરી શકતો નથી. પાંજરે પૂરાયેલું બાજ આસમાનની બુલંદીઓ સ્પર્શી શકતું નથી. કુદરતનો ઈન્કાર કરીને આપણે આઘ્યાત્મિકતાની રાખ ચોળ્યા કરવી છે. દુનિયાનો ઈતિહાસ તપાસો, રાજ કરનાર શોષણખોર શાસક હંમેશા એમ માને છે કે એમના ગુલામો સંપૂર્ણ આઝાદીને લાયક હોતા નથી! અને એમને જંઝીરોમાં કેદ રાખીને, એમને સ્વતંત્ર ન કરીને અંતે તો એ એમનું જ ભલું ઈચ્છે છે! આફ્રિકા, અમેરિકા, દક્ષિણ અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ, પ્રાચીન રોમ, ઈજીપ્ત, અરબસ્તાન, રાવણની લંકા, ઘૃતરાષ્ટ્રનું હસ્તિનાપુર સઘળે આ જ માન્યતાથી, જેમને બંધનમાં રાખ્યા છે, એમનું ભલું કરવાના ભ્રમમાં એમની આઝાદી છીનવી લેવાઈ હતી. અંતે જે તે સમયે પરિવર્તનો આવ્યા તો અહેસાસ થયો કે બઘું જ બગડી જતું નથી!

ભારતની નવી પેઢી હજુ ગુંગળામણ અનુભવે છે. નિયમોની ગેસ ચેમ્બરમાં એમને ધૂટન થાય છે. સ્વતંત્રતાની વાત તો જવા દો, થોડાંક મોટા થાય ત્યાં એમને પરંપરાગત જૂઠ, લુચ્ચાઈ, ફરેબ, દંભ, કામચોરી, આળસ, સલામતીના બીબાંમાં ઢાળી દેવાય છે. પછી ધંધાદારી કે કર્મચારી તરીકે એ તાજગીના તરવરાટને બદલે સવાયા શેતાન બનીને બહાર આવે છે!

ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. રોડ પર જેમ-તેમ ધુરકાટ કરતા બાઈક ચલાવવાની કે કચરપટ્ટી ફેમિલી ડ્રામા સિરિયલો કલબલાટ કરતા જોયા કરવાની કે જ્યાં ત્યાં થૂંકવાની ‘સ્વચ્છંદતા’ની વાત નથી. સંપૂર્ણ લોકશાહીની આઝાદી ભોગવતા વિકસિત દેશોમાં પણ બીજાને ઈજાગ્રસ્ત કે બીમાર કરતી અને બુદ્ધિનું દેવાળું ફુંકી જાહેર શિસ્તનો અનાદર કરવાની આઝાદી કોઈ નાગરિકને મળતી નથી. પણ સ્વતંત્ર આત્મનિર્ણયની, કોઈનો ભોગ લીધા વિના- બીજાને નુકસાન પહોંચાડયા વિના મનગમતી રીતે જીવવા- વિકસવાની સ્વતંત્રતા ન હોય, તો ૧૫ ઓગસ્ટની સ્વતંત્રતાના ગાણા ગાવાનો આપણને હક નથી! જો ભારતને ખરા અર્થમાં આઝાદ અને મુક્ત એવો સ્વપ્નલોક બનાવવો હોય તો હિન્દુસ્તાનમાં કચડાતા પીડાતા અકળાતા યંગીસ્તાનની બેડીઓ તોડી, એમનું ‘ફ્રીડમ ટુ બી’ના વિચારથી મસ્તક ટટ્ટાર કરી અંતે ગુરૂદેવ ટાગોરે જે ‘માઈન્ડ ઈઝ ફ્રી ફ્રોમ ફીઅર, વ્હેર હેડ ઈઝ હેલ્ડ હાઈ’ના સ્વાતંત્ર્ય સ્વર્ગની કલ્પના કરી (જે એમના જન્મની દોઢ શતાબ્દીએ પણ હકીકત બની નથી!) એમાં જગાડવાના છે.

ભારતીય સમાજ ડરપોક છે. મુક્તિ સાહસ માંગી લે છે. પણ પૃથ્વીરાજે કહેલું તેમ અજ્ઞાનથી કંઈ સજ્જનતા આવી જતી નથી. પ્રતિબંધોની જેહાદથી કંઈ સદાચારની સૌરભ ફેલાઈ જતી નથી, એનો આપણને ૬૪ વરસથી અનુભવ છે. સિદ્ધાર્થને જીવનના વાસ્તવથી દૂર રાખીને ગૌતમ બુદ્ધ બનતા અટકાવી શકાયા નહોતા. લૂંટફાંટ વચ્ચે વાલિયામાં વાલ્મીકિ જન્મતો રોકાયો નહોતો. શ્રદ્ધાપૂર્વક આવી વાતો પેઢી દર પેઢી કર્યા કરતા આપણે ભગવાનમાં ભરોસો મુકવાને બદલે પાછા રૂલ્સ અને રિસ્ટ્રિકશન્સના ખોળે બેસી જઈએ છીએ, એવાં બનાવટી ધાર્મિક બનીએ છીએ.

યંગીસ્તાનને શરૂઆતમાં સમાજના ઠેકેદારોએ, તંત્રના શાસકો- વાહકોએ, કુટુંબના મોનિટર મોભીઓએ, ઈશ્વરના ‘સોલ’ સેલિંગ એજન્ટોએ આટલી સ્વતંત્રતા આપવી જ પડશે. નહિ તો એ આઝાદ દેશના ગુલામ નાગરિકો પેદા થઈને કેદીની માફક મૂરઝાઈ જશે. આવો જોઈએ ફ્રીડમ મૂવમેન્ટ ઓફ યંગીસ્તાનનો જયઘોષ કરતા પાંચ મહાવ્રત, લાગણીઓમાંથી જન્મતી માંગણીઓનું મેગ્નાકાર્ટા! જ્યાં સુધી કેટલાય સ્વતંત્ર સુખી દેશોમાં સહજ આ પાંચ બાબતોમાં ભારતના યુવક-યુવતીને સ્વતંત્રતા નહિ મળે- ત્યાં સુધી પેટ્રોડોલર કમાઈને ભપકો કરતા ગલ્ફ દેશો જેવા આપણે- નફાખોર બનીશું, પણ જગત ધ્રુજાવી દેતુ ઈન્ડીપેન્ડન્ટ સુપરપાવર નહિ બની શકીએ!

(૧) પીડીએની આઝાદીઃ શેરબજારિયા ગુજરાતીઓ તો તરત કહેશે, પીડીએ (પર્સનલ ડિજીટલ આસિસ્ટન્ટ) તો મોબાઈલમાં આવી ગયા.- એમાં શું નવું છે? સોરી, આ વાત છે પીડીએ યાને પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેકશનની! અનેક વિકસિત રાષ્ટ્રોમાં જે સાવ સરળ સહજ છે, એવી જાહેરમાં ગમતા ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ કે પતિ-પત્ની કે પ્રેમીપંખીડાને એકબીજાને હગ તથા કિસ કરવાની આઝાદી! અનેકવાર લખાયું છે તેમ, આ આઝાદ દેશમાં જાહેરમાં પેશાબ થાય, પણ પ્રેમભર્યું ચુંબન ન થાય! આલિંગન આપો તો ટોળું એકઠું થાય, પણ કચરો ફેંકો તો કોઈ ઘ્યાન પણ ન આપે! જે સમાજ પોતાના કુદરતી આવેગોને આટલી હદે દબાવીને બેસતો હોય, એનું માનસિક સ્વાસ્થ્ય હાજતો દબાવવાથી બગડતા પેટના આરોગ્યની માફક જ બગડે- એ વૈજ્ઞાનિક સત્ય છે!

એમ ચોંકીને વાંચવાનું પડતું મૂકી બાથરૂમમાં ગંગાજળના બે ટીપાં નાખીને ન્હાવા દોડવાની જરૂર નથી. પ્રાચીન ભારતના ધાર્મિક ગણાતા સાહિત્યના વર્ણનો કે પાંચસો-હજાર વર્ષ પહેલાના કોઈ પણ શિલ્પો ય જોશો તો સમજાશે કે આમાં સંસ્કૃતિવાળી દલીલ તો ચાલે એમ જ નથી. રહી વાત આઘુનિકતાની, તો સુપ્રિમ કોર્ટે સોળ વર્ષે પરસ્પરના દેહસંબંધ, અઢાર વર્ષે લિવ ઈન અને જાહેરમાં ચુંબન-આલિંગનને ‘તોડબાજી’વાળો ગુનો ન ગણવા ચુકાદા આપી જ દીધા છે. ફાંદાળો પોલીસવાળો તમાકુ ચોળતો રોફ મારતો હોય, એ અશ્લીલ ચેનચાળા છે. છોકરો-છોકરી બગીચામાં પ્યાર કરતા હોય એ નહિ! એનાથી કુમળા તેજસ્વી દિમાગો બગડી જતા હોત તો બિલ ગેટસ કે સ્ટીવ જોબ્સ જીનિયસ ન બન્યા હોત, અને ટીવીમાં ય ચુંબન જોવાને પાપ માનતા રહેતા અફઘાનો તાલિબાનો ન થયા હોત!

(૨) કારકિર્દીની આઝાદીઃ ઓશિકાની બાજુમાં રાખેલા ટેડી બેરની પેઠે બચ્ચું કે બચ્ચીને કાખમાં બેસાડી, એની કરિઅર અંગે મમ્મી-પપ્પાઓ ‘ગાઈડન્સ’ લેવા નીકળે છે. આપણે પેલા ઢીંગલા-ઢીંગલીને પૂછીએ કે તમને શું કરવામાં મજા આવે? તો એ ક્યુટમાંથી મ્યુટ થઈ જાય છે. કારણ કે, આવું વિચારવાનું એને ટીચર- પેરન્ટસે કદી કહ્યું જ નથી. તરત મમ્મી કે પપ્પા બેમાંથી જે પોતાના અઘૂરા સપનાનો નેકસ્ટ એપિસોડ લખવામાં ઉત્સાહી હોય- એ ઝૂકાવી દે છે. ફલાણો કોર્સ કેવો? એડમિશન મળે તેવો? સાયન્સમાં ટકા નહિ આવે, અમે કોમર્સ રાખ્યું છે- ઈત્યાદિ.

થોડોક સુધારો શહેરી શિક્ષિત વર્ગમાં આવ્યો છે. પણ હજુ યે શિક્ષણના ધમધમતો વ્યવસાય લોખંડી પડદા તળે છે. અહીં સ્ટુડન્ટને ફ્રીડમ નથી, કે ગમતું ભણે. ફાવતું શીખે. કોર્સ સિલેક્ટ કર્યા પછી ચેન્જ કરે તો ઠોઠ ગણાય છે. રેડમેઈડ સરકારી કિતાબો ગોખવાની છે. હાર્ડ વર્ક કરી કટ ઓફ પોઈન્ટે પહોંચી આરામદાયક આવક આપતી કરિઅર બનાવવાની છે. બધે દિમાગ જ છે. દિલની આગ નથી. માટે યંગીસ્તાન ભણે છે, શીખતું નથી. સ્માર્ટ બને છે, એજ્યુકેટેડ નહિ! લેટ ધ યંગ કિડસ ચેઝ ધેર ઓઉન ડ્રીમ્સ એન્ડ એસ્પિરેશન્સ. કારકિર્દી જાતે પસંદ કરશે તો ઘડાશે, ઠોકી બેસાડવાથી જાણકાર મજૂર જ બનાશે!

(૩) ફ્રીડમ ઓફ ફેશનઃ કાગળ પર તો ભારત સ્વતંત્ર લોકશાહી છે. પણ હજુ છોકરાએ કેવી હેરસ્ટાઈલ રાખવી કે છોકરીએ કેવું સ્કર્ટ પહેરવું એ બાપુજીઓ નક્કી કરીને ઠોકી બેસાડતા હોય છે! જીન્સ પહેરવા જેવા મુદ્દે ૨૦૧૧માં ય યુનિવર્સિટી કે ધર્મસ્થળોમાં તરંગી ફતવાઓ બહાર પાડતો દેશ પોતાની જાતને કેલેન્ડરના જોરે જ એકવીસમી સદીમાં મૂકી દે છે! હજુ ય અહીં લગ્ન પછી ડ્રેસ પહેરવો કે નહિ, એ પુત્રવઘૂ માટે કેટલાય પરિવારમાં જીવન-મરણ જેટલો ઈમ્પોર્ટન્ટ ઈસ્યૂ બને છે. હજુ ય અહીં સરકારો શિક્ષિકાઓને ચોઈસથી નહિ, પણ ફોર્સથી સાડી જ પહેરવા મજબૂર કરે છે. હજુ અહીં પરણી ગયેલો દીકરો કઈ ટાઈ પહેરે એ ટાઈકૂન પપ્પાઓ જ ડિસાઈડ કરે છે!

સ્વતંત્રતા એક જવાબદારી છે, જેની ભારતને તાલીમ જ નથી મળી. છોકરીઓને બુરખામાં જ રાખવાની ઈસ્લામી સંસ્કૃતિ અને ટૂંકા સ્કર્ટ પહેરીને મંદિરમાં ન આવવું (ભલે ને મંદિરમાં લિંગપૂજા અને અનાવૃત શાલભંજિકા હોય!)ના નોટિસ બોર્ડ મુકતું હિન્દુત્વ સાચે જ હિન્દુ-મુસ્લીમ ભાઈભાઈનો સંદેશ આપે છે! અરે, તમને ડાયાબિટીસ હોય એટલે કોઈએ રસગુલ્લા નહિ ખાવાના? યુ ડોન્ટ ઈમ્પોઝ કન્ટ્રોલ ઓન અધર્સ, ઈફ યુ હેવ પ્રોબ્લેમ લર્ન ટુ કન્ટ્રોલ યોરસેલ્ફ. સ્વતંત્ર થવાની આ પહેલી શરત છે. છોકરીઓના કપડા લાંબા કરાવવાને બદલે પોતાની ટૂંકી નજરને નિયંત્રણમાં રાખતા શીખવાનું છે, આ પવિત્ર દેશના ધર્મનિષ્ઠ નાગરિકોએ!

(૪) જીવનસાથીની આઝાદીઃ કોઈ પણ સભ્ય માનવસમાજમાં એક પુરૂષ, એક સ્ત્રી (હવે અનેક તો મંદીમાં પોસાય ક્યાંથી?!) સદાય સાથે રહેવાનો નિર્ણય કરે, એ માટે લગ્નસંસ્થા આવી. ખાસ તો બાળઉછેર અને કમ્પેનિયનશિપ માટે. સરસ. હવે સિવિલાઈઝડ સોસાયટીમાં આ પ્રક્રિયા કેમ ચાલે? પહેલા પ્રેમ થાય. પછી સંબંધ બંધાય. પછી લગ્ન/યુગલત્વનું સહજીવન નક્કી થાય. ઈટસ નોર્મલ. ઈટસ નેચરલ. પ્રકૃતિ પણ આવી જ રીતે ચાલે છે- પેંગ્વીનથી પેન્થર સુધી. પણ ભારત તો ક્યાં માનવલોક છે? એ તો દેવભૂમિ છે! હવે દેવો પણ અહીં આ જ પ્રક્રિયાને અનુસરતા હતા, કારણ કે એ જ સાચી છે. પણ આપણે ત્યાં આજે ય હજુ ઘનચક્કરો ચક્કર ઉલટું ચલાવે છે. પહેલા લગ્ન નક્કી કરો. પછી સંપર્ક- સંબંધ થવા દો. પછી પ્રેમ થાય, તો ઠીક છે. ન થાય, તો સમાજની બીકે, આબરૂની આમન્યાઓ નિભાવીને ઢસડયે જાવ.

કોઈ એકસ્ટ્રામેરિટલ અફેર્સ કરે, કોઈ બારમાં જઈ ઠેકડા મારે. પણ લવમેરેજને ગાળો આપે. ડેટિંગને ડેવિલ માને! ફક્ત જ્ઞાતિને લીધે લગ્ન કરાવતો અને તોડાવતો આ પૃથ્વી ગ્રહ પરનો સવા અબજનો એકમાત્ર સંકુચિત સમાજ છે, અને આપણે ક્યા મોઢે સ્વાતંત્ર દિનની ઉજવણીઓ કરવાના પોકારો કરીએ છીએ? લાલ કિલ્લા પર શું ૧૫ ઓગસ્ટે વડાપ્રધાન ખાપ પંચાયતોને ખીલો ઠોકવાનું એલાન કરશે કદી? જીનેટિકલી પણ ભારત નબળી- નમાલી પ્રજાનો દેશ છે, એનું કારણ પણ આ છે. જે પ્રજા પ્રેમ કરી શકે, એ જ લડી શકે. એટલે ભારતના સુવર્ણયુગમાં જે યોદ્ધાઓ હતા, એવા સ્વાતંત્ર્યયુગમાં વીરલાઓ નથી!

(૫) ફ્રીડમ ટુ બી એડલ્ટઃ આપણી ડેડી-મમ્મીની સમજ ધરાવતી સોસાયટી છે. પપ્પા ડારો આપે, મમ્મી લાડ કરી પાલવમાં સંતાડી આપે. અહીં ઈન્ટરનેટ પર ખુદના કોમ્પ્યુટરમાં એડલ્ટ કન્ટેન્ટ કે ચિત્રો જોનાર વિકૃત ગુનેગાર ગણાય છે, અને કરોડોના કૌભાંડો કરનારા આઝાદ છે! જુવાન દીકરા- દીકરીઓને ટ્રેકિંગના કેમ્પમાં કે ફ્રેન્ડસ સાથે ફિલ્મ જોવા જવું હોય તો પૂછવું પડે છે. જેમાંથી એમનું ઘડતર થાય, એમને જાતમહેનતે જવાબદાર થવાનું કોચિંગ  મળે, એવા એડવેન્ચર કે શિબિરમાં એટલે જવાની છૂટ નથી મળતી કે ‘એ નાના છે, નાદાન છે! અરે, અહીં તો પ્રધાન પણ નાદાન છે!  નાદાનિયત ભૂલો કરશે, તો દૂર થશે. માથે પડશે, તો આવડશે. સારા-ખોટાની સમજણ આપી શકાય, એ પરાણે લાદી ન શકાય. પોર્નોગ્રાફી હોય કે માઉન્ટેનીઅરિંગ, વોલીબોલ હોય કે સાલ્સા ડાન્સિંગ, શાસ્ત્રીય સંગીત હોય કે ટેકનીકલ પ્રોજેક્ટ- ગિવ ફ્રીડમ ટુ ચુઝ, યુ હેવ નથિંગ ટુ લૂઝ. જેની ચોઈસ સ્યોર બનશે, એ જ મેચ્યોર બનશે!

બધી ફિલ્મો બાળકો- વડીલોની જ ન હોય. પુખ્ત વયના યુવાનોને પણ જે ગમે, તે માણવાનો- પડદા પર ન્યૂડ સીન નિહાળવાનો જન્મસિદ્ધ હક છે. પરિપકવ સ્વાતંત્ર્ય ત્યારે કહેવાય જયારે સર્જકોને બિનશરતી અને સંપૂર્ણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મળે. વાસ્તવમાં ગંદકી કે ગુનાખોરી સામે ન બોલનારા તરત કાલ્પનિક કળાના મામલે ઉહાપોહ મચાવે છે. ફ્રીડમ વિના ક્રિએટિવીટી ખીલે જ નહિ. અહીં દર બીજો માણસ સેન્સર બોર્ડ હોય છે ! સર્જક લાખે એક પણ નથી ! ફિલ્મ, ચિત્ર, લેખનની આઝાદી નથી, ત્યાં જીવનની શું હોય? પુખ્ત બનવાની ય ય સ્વતંત્રતા નથી, તો પછી સોરી, સ્વાતંત્ર્ય દિન ભૂતકાળ માટે છે, ભવિષ્ય માટે નથી.

ફાસ્ટ ફોરવર્ડ

“ખરી સ્વતંત્રતા એ કે જયારે બીજાને બહાર હા કહેતી વખતે આપણી જાતને અંદરથી ના ન કહેવી પડે!” (પાઉલો કોએલ્હો)

 
28 Comments

Posted by on August 14, 2011 in fun, india, youth

 
 
%d bloggers like this: