RSS

Daily Archives: August 12, 2011

મેરિટોક્રસી, વર્ણાશ્રમ અને અનામત : આજની અનામત, આવતીકાલ કેટલી સલામત ?


કદાચ ગુજરાતી બ્લોગના ઇતિહાસમાં આ સૌથી લાંબી બ્લોગપોસ્ટ તમે (જો ધીરજ, હિંમત અને રસ હોય તો!) તમે વાંચવા જઈ રહ્યા છો. અનામત આખા દેશનો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. મેં કુલ ૫ લેખો અત્યાર સુધી વિવિધ તબક્કે જે-તે ઘટનાને અનુલક્ષીને તેના પર લખ્યા છે. આપણા દેશમાં કોઈને પણ કંઈ બે સાચી વાત કહો, તો ‘જાવ પહેલા આને કહો’ , એવો બાલિશ પ્રતિભાવ મળતો હોય છે. મારા જેવો તો દરેક ને સમય સમય પર જે સાચું લાગે એ કહેતો હોય છે. અને કોઈ મને કંઈ કહે તો ય એ ડીલીટ કરતો નથી હોતો. સંમત ના હોઈએ તો ય ઊંડો વિચાર તો કરવો જોઈએ. ‘આરક્ષણ’ ફિલ્મનો વિરોધ અને જોયા વિના જ પ્રતિબંધ મુકવાની માનસિકતા આટલી સંકુચિત ઉઘાડેછોગ હોવા છતાં, શુભ હેતુથી તેના પર ધ્યાન ખેંચીએ ત્યારે ‘ભદ્ર’ માનસિકતાનું આળ લલાટે લગાડી દેવા ક્યારેક મિત્રો તત્પર હોય છે. અનામતની ખોટી નીતિ અને એનો એથી યે ખોટા અમલનો વિરોધ કરીએ , એટલે કેટલાક મિત્રો દલિતવિરોધી ગણી લે, ત્યારે દુઃખ થાય છે. અંગત રીતે જ્ઞાતિવાદનો હું સખત વિરોધી રહ્યો છું, ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમની ભૂલ અંગે પૂર્વજો વતી હું જાહેર મંચ પરથી માફી માંગી ચુક્યો છું. રોટી-બેટી કોઈ પણ પ્રકારના ભેદભાવનો હું હાડોહાડ વિરોધી છું, પણ મેરિટ યાની લાયકાતનો હાડોહાડ તરફદાર છું. વિશ્વભરનો ન્યાય પણ એ જ કહે છે. આ સાડા ચાર હજાર શબ્દોમાં ચીવટ પૂર્વક અગાઉના પાંચેય લેખોનું સંકલન કર્યું છે. (એમાં હકીકતદોષ હોય તો સુધારવાની તૈયારી છે) એ એકસાથે વંચાય , એ ઈરાદાથી જ એની સીરીઝ નથી કરી. એમાં મૂળ હાર્દ તો એજ રહે છે, છતાં ય ફિલ્મ આરક્ષણ જોઈને હજુ કેટલાક અહીં ન સમાવાયેલી દલીલો અને હકીકતોને આવરી લેતો એક નવો લેખ પણ લખવાની ઈચ્છા ખરી, જે કોલમમાં આવશે. ફેસબુક પર સ્વસ્થ ચર્ચા ચાલી છે એની લિંક પર પણ ફુરસદે નજર નાખી શકો છો. મેં આદતવશ શક્ય તેટલી સરળ અને રસાળ રજૂઆત કરવા પ્રયત્ન કર્યો છે, પણ અહીં વાર્તા કે રોમાન્સ નથી. નક્કર હકીકતો છે. થોડી શુષ્ક કે કંટાળાજનક લાગી શકે. પણ આવી બાબતોના મુદ્દાસર ઊંડાણમાં ઉતરવાની આપણી આળસને લીધે જ ભારતની આવી અવદશા છે. માટે શાંત ચિત્તે, ભલે ટુકડે ટુકડે, ચા ગટગટાવી, આળસ મરડી, થાક ઉતારવા બ્રેક લઈને પણ આ વાંચી જઈ પછી એને ચાવી ચાવીને પચાવશો, તો દેશની તબિયત સુધરશે. અભ્યાસ પણ કરવો જોઈએ ક્યારેક ફાયદા-ગેરફાયદાના વિચાર વિના. જે એ કરે છે, એ ઉજળિયાત, ને જે એમાં કંટાળે એ પછાત –કદાચ ૨૧મી સદીના અંતે ય આ વર્ગભેદ રહેશે. 😛

**દુનિયામાં બે વર્ગના લોકો હોય છે : એક જે માને છે કે દુનિયામાં બે વર્ગના લોકો છે, બીજા જે નથી માનતા! (રોબર્ટ બેન્શલે)**

પશ્ચિમની એક ખૂબ જાણીતી બાળ બોધકથા છે. એના પરથી એનિમેશન ફિલ્મો પણ બની છે ધ ઍન્ટ એન્ડ ગ્રાસહોપર. કીડી અને તીડ (હિન્દી મેં બોલે તો તીતીઘોડા !)

કાતિલ હિમવર્ષના શિયાળાની તૈયારી માટે કીડી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો પાડીને મહેનત કરતી હતી. કીડીએ ઘર બનાવ્યું એમાં ધીરે- ધીરે કણ- કણ એકઠા કરીને ખાધાખોરાકીનો પુરવઠો એકઠો કર્યો. કીડીનો પાડોશી તીડ કીડીની આ મજૂરી જોઈ એની મુર્ખાઈ પર ઠેકડી ઉડાવતો હતો. એ ગાતો રહ્યો, નાચતો રહ્યો બેફિકર થઈ મોજ કરતો રહ્યો. કીડી એકલપંડે ઢસરડો કરતી ગઈ.

હાડ થિજવી નાંખે એવો શિયાળો આવ્યો. મહિનાઓ સુધી બહાર નીકળી શકાય તેમ નહોતું. કીડીએ તો આગોતરી તૈયારી કરી હતી એ સુરક્ષિત ઘરમાં સલામત રીતે દિવસોની મજદૂરીથી એકઠા કરેલા ખોરાકનો ઉપયોગ કરતી રહી. સખત કામ પછી એણે લીલાલહેરવાળો આરામ જીત્યો હતો.

પણ તીડ પાસે નહોતું એવું કોઈ ઘર, નહોતો કોઈ ખોરાક. એ ઠંડીમાં ઠૂઠવાતો ગયો. મોજમસ્તીની હવા નીકળી ગઈ. તીડ મરણતોલ દશામાં તરફડિયા મારવા લાગ્યો.

વેલ, આ સુપ્રસિદ્ધ કહાનીને બ્રેક મારીએ. ડિજીટલ યુગમાં આ પાશ્ચાત્ય કહાણીનું પણ રાજેશ રોશન અને પ્રીતમની શૈલીમાં ભારતીયકરણ કરી નાખીએ. બોધકથાનું ઇન્ડિયા સ્પેશ્યલ ઇ-વર્ઝન વાંચ્યું છે ? નહીં ? લિજીયે, પેશ-એ-ખિદમત હૈ….

* * *

તો સાહિબાન, કદરદાન વાર્તાની તમને તો ખબર છે. મહેનતકશ કીડી ઉનાળાની ગરમીમાં ડગુમગુ કામ કરીને ઘર બનાવતી હતી. મુસીબતમાં કામ આવે એ માટે સપ્લાય સ્ટોકની બચત કરતી હતી. તીડ એને બેવકૂફ માની હસતો હતો. ગાતો- નાચતો અને આરામ કરતો હતો.

અને ઠંડોગાર શિયાળો આવ્યો.

તો ? ભારતીય તીડ ઠરીને ઠીકરું થઈ ગયું ? શું વાત કરો છો ?

તીડે કેટલાક પોતાના જેવા જ ઉનાળામાં આળસ કરી ગયેલા પઠ્ઠાઓ એકઠા કર્યા. પછી એણે એક પ્રેસ-કોન્ફરન્સ બોલાવી. વાઉચરના કવર પકડાવીને એણે સવાલ ઉઠાવ્યો : શા માટે માત્ર કીડીઓને જ ઠંડીમાં ગરમ ઘરમાં પૂરતી ખાધાખોરાકી સાથે રહેવાનો લાભ મળે છે ? જ્યારે સેંકડો તીડ ભૂખ્યા પેટે મરી રહ્યા છે, ત્યારે તત્કાળ ધોરણે કીડીઓના આવાસમાં એમને જગ્યા મળવી જોઈએ. એના ખોરાકમાંથી ગરીબ બાપડા જીંદગી બચાવવાનો સંઘર્ષ કરતાં તીડોને મફત ભોજન મળવું જોઈએ. આ તો હડહડતો અન્યાય છે. કીડી આટલી સુખી અને અમે આટલા દુઃખી ?

એનડીટીવી, આજતક, બીબીસી, ઇન્ડિયા ટીવી, સહારા, ઝી, સ્ટાર… તમામ ન્યુઝ ચેનલોને જબ્બર બ્રેકિંગ ન્યુઝ મળ્યા. ધડાધડ સ્પેશ્યલ બુલેટિન પ્રસારિત થયા. એક વિઝ્‌યુઅલમાં ઠંડીમાં ખુલ્લામાં ઘુ્રજતું તીડ દયામણું મોં કરીને રડતું હતું. તરત જ બાજુમાં બીજું વિઝ્‌યુઅલ આવ્યું જેમાં કીડી આરામદાયક ઘરમાં હૂંફળી આગ પેટાવીને ખાણીપીણીથી સજાવેલ ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી !

દુનિયા આવો વિરોધાભાસ જોઈને સ્તબ્ધ બની ગઈ. અરર… બિચારા ગરીબ તીડને આટલી પીડા ? ને કીડી જલસા કરે ?

અરૂંધતી રોયે કીડીના ઘર સામે હાથમાં પાટિયું પકડીને વિરોધ પ્રદર્શન શરુ કર્યું. મેધા પાટકરે નિર્વાસિત તીડોનો પ્રશ્ન ઉઠાવી પ્રતીક ઉપવાસ કરી રહેલા કેટલાક તીડો સાથે આમરણાંત ઉપવાસની ઘોષણા કરી. ઘરબાર વિના ભટકતા તીડનું હૂંફાળી જગ્યામાં પુનર્વસન ન થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી.

ફાઇવ સ્ટાર હોટલના એરકન્ડીશન્ડ રેસ્ટોરાંમાં બેસીને ડ્રિન્ક લેતી કેટલીક સેલિબ્રિટીઝને ઘુબાકા મારવા માટે નવો સ્વીમિંગ પુલ મળ્યો. નિસબત, કન્સર્ન, સોશ્યલ રિસ્પોન્સિબિલીટી જેવા શબ્દો ગોખતી ગોખતી એ સેલિબ્રિટીઝ અરમાનીના ‘પીસ એન્ડ ઇક્વાલિટી’ વ્હાઇટ કલેક્શનના ડિઝાઇનર શ્વેત વસ્ત્રો ઠઠાડીને આંસુ છુપાવવા ‘કાર્ટિયર’ના ‘બાયોગોગલ્સ’ ચડાવીને ટેકો આપવા પહોંચી ગઈ.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને યુનોના મહામંત્રી બાન કી મૂને ભારતીય તંત્રની ઝાટકણી કાઢી. સમાજના છેવાડે ઊભેલા બાપડા ભૂખ્યાદુઃખ્યા તીડોને એમના મૂળભૂત માનવ અધિકારોથી વંચિત કેમ રાખવામાં આવે છે ? એ સવાલ પૂછીને એના પર સૂટેડબૂટેડ એક્સપર્ટસે ઇન્ટરનેશનલ કન્વેન્શન્સમાં ડિબેટ શરૂ કરી.

ઇન્ટરનેટ પર ‘તીડ બચાવો’ના સ્લાઇડ શૉ અને ઇ-મેઇલ ફરવા લાગ્યા. કેટલાકમાં તીડને મદદ કરવાથી કેવું સ્વર્ગ અને શાશ્વત શાંતિ મળશે, અને ન કરવાથી કેવો પ્રભુનો કોપ ઉતરતશે – એવા ધાર્મિક ઉપદેશો એ આપનારાના કરમુક્ત ટ્રસ્ટના સરનામાઓ પણ હતા. નવજાત ટીનેજરોએ ઓરકુટ/ફેસબુક  પર ‘ગ્રાસ હોપર્સ હોપ’ની કોમ્યુનિટીઝના ઢગલા કરી નાંખ્યા. કેટલાક કોર્પોરેશનની ટિકિટ ગુમાવી ચૂકવાથી નવરા પડેલા વકીલોએ તીડની સુખસુવિધા માટે જાહેર હિતની અરજી કરી !

વિપક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યો. લાલકૃષ્ણ અડવાણીએ સોનિયા ગાંધીની માફીની માંગ કરી. ક્વોટામાં એડમિટ થયેલા ડોક્ટર્સને બદલે વિદેશી તબીબો પાસે સારવાર કરાવી સોનિયા ગાંધીએ ‘તીડ કે લિયે હમ સ્પેશ્યલ પેકેજ દેના ચાહતે હૈ’ વાળી સ્પીચ રાતોરાત ગોખવાની શરૂઆત કરી.

ડાબેરીઓએ દેશવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપ્યું. જેની અસર અલબત્ત પશ્ચિમ બંગાળ, કેરલ અને ત્રિપુરામાં જ થોડીઘણી થઈ. સીપીઆઇ (એમ) અને સીપીએમે સાથી પક્ષો સાથે સંતલસ કરીને એક ઠરાવ પસાર કર્યો કે, સમાજમાં સમાનતા લઈ આવવા માટે – ઉનાળામાં કીડીએ સખત મહેનત કરી ખોરાકનો સંગ્રહ ન કરવો જોઈએ. – આવી વૃત્તિ- પ્રવૃત્તિથી અમીર- ગરીબ વચ્ચેની ખાઈ પહોળી થાય છે. માટે કીડીની કામગીરી પર સીલીંગ લઈ આવી, એના પર વઘુ ટેક્સ અને મહત્તમ અંકુશ લઈ આવતો કાયદો ઘડવો જોઈએ.

લાલુપ્રસાદ યાદવે તત્કાળ તીડો મફત મુસાફરી કરી શકે એ માટે ‘તીડરથ એક્સપ્રેસ’ ટ્રેનની જાહેરાત માટે માંગ કરી – લધુમતીઓ અને પીડિતશોષિત વંચિત વર્ગોના આગેવાનોએ તીડ સાથે હમદર્દી બતાવી, એનજીઓને વર્લ્ડ બેન્કમાંથી ‘તીડનગર’ ઊભું કરવાની લોન ઉઘરાવવાની અપીલ કરી. ગ્રામ્યજીવનના ખોળે ઉછરેલા ગુજરાતી સાહિત્યકારોએ ‘તીડ ૩૦૩’ નામના કાવ્યસંગ્રહનું સંપાદન કર્યું.

૩૪૭ લવાજમો પર ચાલતા વૈચારિક સામયિકોમાં તીડની વ્યથાની થીમ પર ૨૯ વાર્તાઓ છપાઈ ગઈ. હિન્દી ‘ખડપીઠ એવોર્ડ’ ‘તીડ કી તીખી તકલીફે ઔર બાજારવાદ કા રાક્ષસ’  નિબંધ સંગ્રહને મળ્યો. હિન્દુ સંગઠનોએ ‘ભારતીય સંસ્કૃતિના પ્રાચીન વારસામાં તીડના યોગદાન’ ઉપર તત્કાળ ‘સર્ચ’ કરાવીને પાળીતા ઇતિહાસકારો પાસેથી એની પુસ્તિકા લખાવીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું.

અંતે, જ્યુડિશ્યલ કમિટીએ ‘પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ અગેઇન્સ્ટ ગ્રાસહોપર્સ એક્ટ’ (POTAGA) નામના સૂચિત બંધારણીય કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો. ‘પોટાગા’નો અમલ શિયાળાની શરૂઆતથી કરવાનો નિર્ણય લેવાયો. દિગ્વિજયસિંહ દ્વારા તીડોને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીમાં ‘સ્પેશ્યલ રિઝર્વેશન’ આપવા તત્કાળ બંધારણીય સુધારાની માંગનો અમલ થયા બાદ, કીડીને ‘પોટાગા’ના ભંગ બદલ આકરો દંડ ફટકારાયો !

એટલી રકમ કીડી પાસે ન હોઈ એનું ઘર સરકારે જપ્ત કરી લીઘું અને વડાપ્રધાને એક ભવ્ય સમારંભ કરીને તીડને એ ઘર ભેટમાં આપ્યું. જેનું કવરેજ તમામ ચેનલોએ લાઇવ કર્યું. ક્રિકેટ લીગમાં કમાયેલા ક્રિકેટર્સે પોતાના એક લોગોની કમાણી તીડને આપી, આ થીમ પર પણ બોલીવૂડ ફિલ્મમેકર્સે ‘જીવન કા સંઘર્ષ’, ‘મજબૂર કા ખૂન’, ‘હમ હોંગે કામિયાબ’ જેવી ફિલ્મોના ટાઇટલ રજીસ્ટર કરાવ્યા. સ્કૂલોમાં ટીચર્સે ચિલ્ડ્રનને ન્યુઝપેપરમાંથી કટિંગ કરીને તીડઘર બનાવવાનો ‘સોશ્યલ જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી’ પ્રોજેક્ટ આપ્યો.

અરૂંધતી રોયે એને ‘ન્યાયનો વિજય’ કહી હવે ફાંસીની સજા રદ કરાવવી જોઈએ-વાળો નવો મોરચો ખોલ્યો. લાલુપ્રસાદે ‘પિછડે વર્ગો કા ઉત્થાન’ પર પ્રવચન આપ્યું. માયાવતીએ ‘તીડ અબ નહીં સહેંગે લાચારી, દિલ્લી પર રાજ કરેગી સરકાર હમારી’નું નવું સૂત્ર બનાવ્યું. પ્રકાશ કારતે ‘રિવોલ્યુશન ઇન રિસર્જન્સ ઓફ ડાઉનટ્રોડન’ પર ઇન્ટરનેશનલ કોન્ક્લેવનું આયોજન કર્યું.

બાન કી મૂને તીડને યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ આપ્યું. અમેરિકાએ તીડને માનદ નાગરિકત્વ આપી માનવ અધિકાર અંગે વિશ્વભરમાં ક્યાંય પણ દખલ થાય, એ અંગે પ્રમુખની ઊંડી ચિંતા વ્યક્ત કરી.

ને ઘણાં વર્ષો વીતી ગયા….

કીડી એનઆરઆઇ થઈ ગઈ છે અને અલગ- અલગ દેશોમાં એની કંપનીઓ છે.

સેંકડો તીડ હજુય આ શિયાળામાં ભારત ખાતે ભૂખમરાથી મરી રહ્યા છે. જો કે, સરકારે એમને હવે ખોરાક અને આવાસ માટે ૬૪% અનામત આપેલી છે.

અને ભારત ?

અનેક મહેનતુ અને પ્રતિભાશાળી કીડીઓ દેશ છોડીને ચાલ્યા જવાથી અનેક અઢળક કામચોર તીડોનું ભરણપોષણ કરવાથી ભારત ઇ.સ. ૨૦૩૮માં ય હજુ એક ‘વિકાસશીલ’ દેશ છે. જે રોજ સવારે યોગથી હવે વૃદ્ધને બદલે બાળક જેવા લાગતા બાબા રામદેવજીની શિબિરોમાં ભારત મહાસત્તા બનીને દુનિયા પર કેવી રીતે રાજ કરશે એના સપનાઓ સાંભળ્યા રાખે છે.

* * *

નાના પાટેકરની ‘દીક્ષા’ નામની એક અદભુત ઓફબીટ ફિલ્મ વર્ષો પહેલા આવી હતી. નાના એમાં એક અછૂતની ભૂમિકામાં હતો. બ્રાહ્મણ માલિક મનોહરસિંહની વિધવા પુત્રી સગર્ભા બની જાય છે એવા કથાનકવાળી આ ફિલ્મમાં ભેદભાવ અને અસ્પૃશ્યતાથી અકળાઈ ઉઠેલો નાના પોકારી ઉઠે છે :

‘મુઝે હવા છૂ સકતા, પાની છૂ સકતા, સૂરજ છૂ સકતા, પેડ છૂ સકતા… લેકિન બ્રાહ્મણ નહીં છૂ સકતા!’

* * *

વર્ણાશ્રમવ્યવસ્થાની તરફેણ કરીને, ઉછળી ઉછળીને એના હવાલા આપનારા અને એની પ્રાચીન અનિવાર્યતા સિઘ્ધ કરનારાઓને માટે એક હોમવર્ક છે. રોજ પ્રાતઃકાળે મળત્યાગ કર્યા પછી એ મહાનુભવોએ શૌચાલયમાં પાણી નાખવાનું કે ફલશ કરવાનું બંધ કરી, નિજ ઉત્સર્ગદ્રવ્યોને સ્વયમેવ ઉંચકીને ગામની ગટર સુધી પહોંચાડવા. એ પછી જ એમના દિવ્ય અભિપ્રાયો આપવા!

ભગવદગીતામાં ભગવાને ‘ચાતુર્વણ્ય મયા સ્રષ્ટા’ કહ્યું કે ખલ્લાસ, તમામ હિન્દુઓએ આ શ્રત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્રના વર્ણાશ્રમને સર્ટિફાઈડ શ્રેષ્ઠતા માની લેવાનો આ આધાર બનાવવાની પેરવી ઘણા ધર્મગુરૂઓ કરતા રહ્યા છે. ધર્મગ્રંથ હોય કે સાહિત્ય, કોઈ પણ પ્રાચીન પુસ્તકને યથાતથ (ઈટ મીન્સ, જેમનું તેમ) વર્તમાનમાં સ્વીકારી કે ઉતારી શકાય નહીં. જમાનો એક સતત બદલાતી જણસ છે. મનુસ્મૃતિમાં વર્ણાશ્રમની આચારસંહિતા બનાવવાવાળા મનુ મહારાજને કયાં શોધવા જઈશું? પણ એનો ચાલાક એકાઉન્ટન્ટ ૩૧મી માર્ચની રાતે કરે, એવો તોડીમરોડી ટાંગામેળ કરીને વર્ણાશ્રમ વ્યવસ્થાને યોગ્ય સાબિત કરનારાઓને શોધવાનું શકય છે.

શ્રમવિભાજનને સમાજવ્યવસ્થાની જરૂરિયાત માનો તો પણ એ ગુણ આધારિત હોવું જોઈએ, જન્મ આધારિત નહીં. વેપારમાં રૂચિ તે વૈશ્ય અને અભ્યાસમાં રસ એ બ્રાહ્મણ – એવા વિશેષણો હજુ પણ ચલાવી શકાય, પણ માત્ર જૈવિક અકસ્માતરૂપે કોઈ મા-બાપની કૂખેથી જન્મ લેવાને કારણે જ એક ચોક્કસ વ્યવસાય અને જીવનસાથી સ્વીકારવા પડે, એ કયાંનો ન્યાય? એમાં ય બ્રાહ્મણ એટલે ઉંચા અને શુદ્ર એટલે નીચા એવા પગથિયાં શા માટે?

જે વઘુ જાણકાર, વઘુ હોશિયાર, વઘુ બહાદૂર, વઘુ નીતિવાન એ ઉંચો, અને જે અજ્ઞાની, અબૂધ, ડરપોક અને દુરાચારી એ નીચો આ બે જ વર્ગનું ‘પ્રાકૃતિક વિભાજન’ છે. પણ શંબૂક શૂદ્ર બની તપસ્યા કરે તો મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ તેનો વધ કરે, એ રામાયણ સાથે જોડાયું છે. (વિદ્વાનોનું એવું માનવું છે કે વાલ્મીકિ રામાયણમાં આ આધારભૂત નથી, કારણ કે એવું હોય તો ખુદ વાલ્મીકી જ શૂદ્ર હતા!) એકલવ્યને દ્રોણાચાર્યના ‘રોયલ ટયુશન કલાસ’માં ફી દેવાની તૈયારી પછી પણ એડમિશન તો ન જ મળે, ઉલટું બીજે ભણવાનો અધિકાર (બાણાવળીનો અંગૂઠો) છીનવી લેવાય. કર્ણકથા પ્રત્યેક ભારતપ્રેમીને કંઠસ્થ છે.

કયાં જન્મવું એ કંઈ માણસની પસંદગી નથી, પણ જન્મ લીધા પછી શું કરવું, શું બનવું… એ જરૂર માણસની ‘ચોઈસ’ છે. એમાં આડે આવનાર રાક્ષસ છે.

નવાઈની વાત તો એ છે કે, જે પ્રાચીન ભારતીય ભવ્યતાનો ગાઈવગાડીને હવાલો આપવામાં આવે છે – એમાં જ વર્ણાશ્રમ વ્યવસ્થાનું ખોખલાપણું પુરવાર થઈ ચૂકયું છે. ટેઈક સમ સેમ્પલ એકઝામ્પલ્સઃ ધર્મ, નીતિશાસ્ત્ર, ચિન્તન, દર્શન, પૂજા આ બઘું બ્રાહ્મણકૂળનો જ અબાધિત અધિકાર? રાઈટ? તો પછી ભારતમાં મોટા ભાગના ધર્મ, તત્વદર્શન, નીતિના ‘અલ્ટીમેટ આઈડોલ્સ’ તો બ્રાહ્મણ તરીકે જન્મેલા છે જ નહિ! ભારતીય આસ્થાની બે ડાબી – જમણી આંખ જેવા ચરિત્રો કૃષ્ણ અને રામ, જૈન અને બૌઘ્ધ જેવી બે આગવી વિચારધારાઓના જનક મહાવીર અને ગૌતમ બુઘ્ધ, ગાયત્રી મંત્રના સંભવિત રચયિતા ગણાતા ૠષિ વિશ્વામિત્ર – આ તમામ તો ક્ષત્રિય હતા! આ નામો વિનાના ભારતીય ધર્મની કલ્પના થઈ શકે છે?

એવી જ રીતે રાજયપ્રશાસન એ ક્ષત્રિયોનો જન્મસિઘ્ધ હક ગણો તો પછી ચાણકય, ગાંધી કે સરદાર જેવા હિસ્ટોરિકલ પોલિટિકસ એડમિનિસ્ટ્રેટર્સ જન્મે ક્ષત્રિય હતા જ નહિ!

જસ્ટ થિંક, ક્ષત્રિય હોવાને લીધે કૃષ્ણને ગીતાનો ઉપદેશ કરવાની ના પાડવામાં આવે કે બ્રાહ્મણ હોવાને લીધે ચાણકયને મગધના રાજયતંત્રમાં માત્ર શિક્ષક જ બનાવી રાખવામાં આવે… આવું વિચારી શકો છો? તો પછી એ જ ફલેકિસબિલિટી શૂદ્રો માટે કેમ નહિ?

મુદો ફરી ફરીને એ જ રહે છે : માણસમાં જે કોઈ ચોક્કસ કામ કરવાની નેચરલ ટેલન્ટ હોય, અને અંગત રૂચિથી કોઈ ક્ષેત્રમાં સફળ થવાની ક્ષમતા હોય… તો એના બેકગ્રાઉન્ડ, જ્ઞાતિ, ધર્મ કે જન્મને ઘ્યાનમાં લીધા વિના એને વિકસવાની, પોતાનું શ્રેષ્ઠત્વ સાબિત કરવાની સમાન તક અને હક આપે એ જ શિક્ષિત, સભ્ય અને સુસંસ્કૃત સમાજ! બાકી તો એને જંગલી પણ ન કહેવાય… કારણ કે, જંગલમાં છૂત – અછૂત જેવા ભેદભાવ હોતા નથી!

જો આ વાત સાથે સંમત થતા હો, તો આ આખા ય વિચારનું નામ છે : મેરિટોક્રસી. જેમનામાં મેરિટ યાને (જે – તે કામને અંજામ આપવાની) ગુણવત્તા છે, એને જ ઘ્યાનમાં રાખવાનું એના જન્મ, રંગ, સામાજીક – કૌટુંબિક – આર્થિક સ્થિતિ, ભાષા કે સ્ત્રી – પુરૂષ, શહેરી – ગ્રામ્ય, હિન્દુ – મુસ્લીમ જેવા ‘લેબલ્સ’ને નહિ. જેટલા ‘ટાઈટલ’ ઓછા, એટલો સમાજ સુખી.

* * *

મેરિટોક્રસી એક એવો કોન્સેપ્ટ છે, જે ભારતનો વર્તમાન સમાજ પચાવી શકતો નથી. અને એની મોટા ભાગની સમસ્યાઓના મૂળ અહીં છે. લગ્ન માટે સ્ત્રી – પુરૂષનો પરસ્પરનો પ્રેમ, સંમતિ, એમના ગમા- અણગમા, એમને એકબીજાને અનુકૂળ આવે એવી આદતો કે શોખ જુઓ – એ ‘મેરિટ’ છે. પણ એમાં પૈસા, ખાનદાન, જ્ઞાતિ, ધર્મ જ આપણો સમાજ જોયા કરે છે.

ભારત એક જ એવો દેશ હશે કે જીવનનો સૌથી મહત્વનો આ નિર્ણય મેરિટોક્રસી તો શું ડેમોક્રસી (લોકશાહી) મુજબ પણ લેવાતો નથી. એ લેવાય છે વડીલોની ઓટોક્રસી (સરમુખત્યાર શાહી) મુજબ! એવું જ વેપારના ક્ષેત્રમાં છે.

અહીં વેપારી પેઢીઓની સંસ્કૃતિ છે: એલિટોક્રસી! કોર્પોરેટ સીસ્ટમનું માત્ર માળખું છે. બાકી અંદરનું કંકાલ વારસાગત વંશપરંપરાનું જ રહ્યું છે. ગમે તેટલું મેરિટ હોય, ધંધાકીય સુકાન તો નબળા વારસદારોને જ મળે! સેઈમ વિથ એન્ટરટેઈનમેન્ટ એન્ડ એજયુકેશન!

લગભગ ૩ વર્ષ પહેલા અક્ષયકુમારે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે ‘‘બોલીવૂડમાં છેલ્લા બે દસકામાં જેનું કોઈ જ ફિલ્મી કનેકશન કે ફેમીલી બેકગ્રાઉન્ડ ફિલ્મી ન હોય એવા બે જ પુરૂષો એ ગ્રેડના સ્ટાર બની શકયા છે : હું (અક્ષય) અને શાહરૂખખાન!’’ (જેકી કે સુનીલ શેટ્ટી કદી એ ગ્રેડમાં ન પહોંચ્યા અને આમીર, સલમાન, સંજય દત્ત, અનિલ કપૂર, હૃતિક, વિવેક, ગોવિંદા, અક્ષય ખન્ના, ઇમરાન હાશ્મી… બધાના ‘છેડા’ કયાંક અડતાં હોય ને જહોન અબ્રાહમ જેવા બિપાશાના ટેકે આવ્યા હોય!)

શિક્ષણ ક્ષેત્રે પણ જે ઉદ્યોગપતિઓ પૈસા રોકી શકે છે, અને જે રાજકારણીઓ કાનૂની ગુંચ ઉકેલી શકે છે- એ ‘કેળવણીકાર’ છે જેમની પાસે શિક્ષણની દ્રષ્ટિ કે લાયકાત છે, એ ફકત નોકરિયાત છે!

આમ કેમ? કદાચ આપણાં ધાર્મિક આદર્શોના આદેશોએ આપણને મર્યાદા સામે શીશ ઝુકાવતાં શીખવ્યું છે. મેરિટ સામે નહીં! ભગવાન સિવાય આપણે કોઇને મહાન ગણતાં નથી અને પૂજન આ ભૂમિમાં આસ્થાથી થાય છે, આવડત પર નહીં! વળી મેરિટોક્રસી માટે જે પ્રિય મિત્ર ગણાય એ બાબત ભારતમાં દુષ્ટ દુશ્મન બની ગઇ છેઃ! ડેમોક્રસી યાને લોકશાહી!

ભારતીય રાજકારણીઓ માટે લોકશાહી એટલે એક ટૂચકો છે, તેમ ‘તુમ મુઝે આઝાદી દો, મૈં તુમ્હારા (પબ્લિક કા) ખૂન તો જરૂર લે લૂંગા!’ લોકોના ભલા માટે નહીં, નેતાઓના ભલા માટે સરકાર ચલાવવામાં આવે છે. લોકભાગીદારીની વાત છોડો, લોકોના અભિપ્રાયોની પણ કોઇ નોંધ લેતું નથી. આદમીઓ ખુરશીએ બેઠા છે કે એમને સત્તા પૂરતો જ સિદ્ધાંતમાં રસ છે. જૂજ અપવાદોમાં જ સિદ્ધાંત ખાતર સત્તામાં રસ પડે છે માટે એક ‘ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ – આપણી સંસદ અને વિધાન સભાઓના નોનસ્ટોપ ચાલ્યા કરે છે. એ જોયા પછી પહેલાં હસવું, પછી રડવું આવે છે.

‘બહુજન હિતાય’ના નારા સાથે અનેક દલિત- પછાત નેતાઓ અને પક્ષો આવી ચડયા છે. એ બધા શું ખરેખર સમાજના શોષિતો, વંચિતો અને પીડિતોના પ્રતિનિધિ કે પ્રેમી છે? જી ના, એ બધા પોતપોતાના સ્વાર્થના પ્રતિનિધિ છે. માયાવતી કે લાલુપ્રસાદ રોડપતિમાંથી કરોડપતિ બની જશે… જેલમાંથી મહેલમાં પહોંચી જશે. પણ એમના આ દોઢ-બે દસકાની ‘વિકાસ યાત્રા’ દરમિયાન તમે કોઇ ફૂટપાથ પર જોડા સાંધતા ચર્મકાર, રેંકડી ચલાવતાં મજૂર, શેરીઓ વાળતાં સફાઇ કામદારનો ‘ગ્રોથ રેટ’  નોંઘ્યો? એ બાપડા બધા ઠેરના ઠેર જ રહેશે! એમના સંતાનો પણ એ જ વારસાગત વેઠ કરતાં રહેશે!

પરંતુ, આ વાત બી.સી., ઓ.બી.સી., એસ.સી. અને એસ.ટી.ના ઘણા લોકો સમજી શકતાં નથી. આ માટે કંઇ પંડિતાઇની નહિ, સામાન્ય બુદ્ધિની જ જરૂર છે. માત્ર પોતાની જ્ઞાતિ- ધર્મનો આગેવાન જ પોતાનો ઉદ્ધારક થઇ શકે- આ માન્યતા વારંવાર ઇતિહાસે ખોટી ઠેરવી છે. મહાત્મા ફુલે કે ડો. આંબેડકરના ઉમદા પ્રદાન છતાં પણ ભારતમાં અસ્પૃશ્યતાનિવારણની નિસ્બત સૌથી વઘુ ફેલાવનાર અને અપનાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી નામના વણિક હતાં. વિધવા અને સતી જેવી સ્ત્રીઓની સમસ્યાની ખેવના કોઇ સ્ત્રીથી વઘુ રાજા રામમોહનરાય કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા પુરૂષોએ કરી હતી! યુવાનોને મુક્તિ આપવાની વકીલાત કોઇ ટીનેજરને નહિ, પણ રજનીશ કે મહેશ ભટ્ટ જેવા પ્રૌઢોને પહેલાં સૂઝે છે! એ જ ન્યાયે હિન્દુઓ કે મુસ્લીમોના હિતચિંતકો કંઇ વિશ્વ હિન્દુ પરિષદ કે જમાતે ઇસ્લામી જ હોય એ જરૂરી નથી, અને વંચિતોના વાણોતર કંઇ ધનવાન કે ઉજળિયાત ન જ હોય, એવું ફરજીયાત નથી!

પરંતુ, સ્વ. અર્જુનસિંહ જેવા બગભગતો અને ઠગભગતો જયારે લશ્કરની ભરતી કે આઇઆઇટી અને આઇઆઇએમ જેવી શિક્ષણ સંસ્થાઓમાં અનામતનું ઉંબાડિયું કરે, ત્યારે એ એમની શોષણવિરોધની નિસ્બત બતાવતાં નથી. બલ્કે, વોટબેન્કના પોલિટિકસમાં કિસ્મત ચમકાવતા હોય છે. આ લોકો અનામતના નામે દલિત હોવાની સભાનતા વધારે છે, અને સરવાળે બેઉ પક્ષે માનસિક ખાઇ વઘુ પહોળી કરે છે.

મેરિટોક્રસી ઇઝ મેરિટોક્રસી. જેમ કોઇ એકલવ્યના મેરિટનો ઇન્કાર ન હોય, એમ કોઇ અર્જુનના મેરિટનો પણ ન થઇ શકે! અનામત પ્રથાના ચુસ્ત સમર્થકો અજાણતાં જ વર્ણાશ્રમ વ્યવસ્થાનું પણ સમર્થન કરે જ છે! બરાબર સમજી લઇએ. વર્ણાશ્રમ કહે છે કે કર્મ નહિ, જન્મ- જ્ઞાતિ- કુળ વઘુ મહત્વના! પરિણામની સફળતા નહિ, પણ પરિવારની પશ્ચાદભૂમિને પહેલી પ્રાથમિકતા આપવી! અનામતપ્રથા પણ જરા ઝીણવટથી જુઓ તો આ જ વાત પર રેડ અન્ડરલાઇન દોરે છે. મતલબ, જૂની ભૂલો દોહરાવાઇ રહી છે. સાઇડ ચેન્જીસ. પાત્રો ફરી ગયા છે પણ નાટક એનું એ જ!

અનામતનો એકડો સાવ કાઢી નાખવા જેવો નથી. ધારો કે એક ગ્રુપ એવરેસ્ટ આરોહણ કરવા નીકળ્યું છે. એક સભ્યના પગ દુઃખે છે, એ પાછળ રહી જાય છે. બાકીના ઉપર ચડતાં જાય છે. પેલા પાછળ રહેલાં સભ્યને જૂથની હારોહાર કરવા માટે એક હેલિકોપ્ટરમાં બેસાડી ઉપર બીજાઓ સાથે જોડી દેવાય છે.

આ હેલિકોપ્ટર એ અનામત. જરૂરિયાત મુજબ એનો કટોકટીમાં ઉપયોગ હોય. પણ જો પેલો વ્યકિતને હેલિકોપ્ટરમાં જ બાકીનાથી આગળ એવરેસ્ટ પર બેસાડી દેવામાં આવે તો? તો રિઝર્વેશનનું ફેવરિટિઝમ થઇ જાય! એને બાકીના ગ્રુપની સાથે જોડાવા પૂરતો જ વધારાનો ટેકો આપવાનો હતો. પછી તો અણીદાર પથ્થરો કે કાળજું કંપાવતી ઠંડી કે ભયાનક ઝંઝાવાતનો મુકાબલો જેમ બીજાઓ કરે, એટલો એ પણ કરે. સંઘર્ષની સમાનતા ધેન સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ!

ભણવામાં અનામત આપો તો નોકરીમાં બંધ, અને નોકરીમાં આપો તો ભણવામાં બંધ!

અને ઉત્ક્રાંતિના સનાતન સંઘર્ષમાં જે શ્રેષ્ઠ નીવડે, એને જ ટોચ પર પહોંચવાનો હક છે. રોટી, કપડા ઔર મકાનની પાયાની જરૂરિયાતોમાં સમાનતા હોય, પણ પડકારો ઝીલવામાં શ્રેષ્ઠતા ચાલે, સમાનતા નહિ! રાષ્ટ્રની પ્રગતિ ઉચ્ચ કક્ષાના પ્રતિભાશાળી દિમાગોથી થાય… એમાં આગળ નીકળવા માટે કવોટા નહિ, કવોલિટી જોઇએ… અને બુદ્ધિ કદી સાધનો અને પરિસ્થિતિની મોહતાજ નથી રહેતી. ભીંતો ફાડીને પીપળાઓ ઉગે જ છે. અમીરજાદાઓ કંઇ સાહ્યબીને લીધે હોંશિયાર જ બને છે? અને મુફલિસો બધા ઠોઠ જ હોય છે? રિસ્પેકટ મેરિટ. ટ્રસ્ટ મેરિટ. ઓર પેરિશ! નહિ, તો સર્વનાશની રાહ જૂઓ!

***

દ્રશ્ય ૧ : એક બહુ જાણીતો એસએમએસ છે. નેતાઓ સામાજીક ન્યાય અને સમરસતાના નામે તમામ ક્ષેત્રમાં જે રીતે અનામત ઝીંકી રહ્યા છે, એમ ક્રિકેટમાં પણ ફટકારે તો…

… એસસી/ એટી/ ઓબીસી ઇત્યાદિ ખેલાડીઓ માટે બાઉન્ડ્રી લાઇન ૧૫ યાર્ડ ટૂંકી રાખવી પડે… આ ‘ક્વોટા’વાળા ફિલ્ડર્સ એક ટપ્પે કેચ પકડે તો પણ માન્ય ! જે ‘અનામત’ વાળો ખેલાડી પ્રેકટિસમાં ૨૦ રન કરે, એ નેશનલ ટીમ માટે પણ માન્ય ! એ ૬૦ રન કરે તો સેન્ચુરી ગણી લેવી. એ ૫ બોલ ફેંકે તો ઓવર ! દરેક ક્રિકેટ ટીમમાં ૪૦% ખેલાડી તો ક્વોટામાંથી જ હોવા જોઈએ !

દ્રશ્ય ૨ : ચિત્રગુપ્ત ચોપડો ચશ્મા ચડાવીને વાંચી રહ્યા છે.. આજીવન પુણ્ય કમાઇને સ્વર્ગમાં પ્રવેશવા માટે થનથન થતાં જીવાત્માઓને ઉદ્દેશીને કહે છે : ‘તમે જીંદગી, બહુ સારી જીવ્યા, પણ સોરી અહીં પણ ૪૯% સીટ પર એડમિશન રિઝર્વ્ડ છે !’… સ્વર્ગના દરવાજે રંભા, ઉર્વશી, મેનકા, તિલોત્તમા ઇત્યાદિ અપ્સરાઓ બેહોશ થઇને પડી છે, કારણ કે ‘અપ્સરા ભરતી અને તાલીમ નિગમ’નું પાટિયું છે. ૩૩% ભરતી આરક્ષિત છે !

દ્રશ્ય ૩ : અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર ભાટિયા, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, પરેશ રાવલ વગેરે કલાકારોને લઇને વિક્રમ ભટ્ટ જેવા કોઇ દિગ્દર્શક ફિલ્મ બનાવી રહ્યા છે. ત્યાં એક અનામત તરફી આંદોલનકારીઓનું ટોળું ધસી જાય છે. સામાજીક ન્યાય માટે ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂમાં રિઝર્વેશન માંગવામાં આવે છે !

દ્રશ્ય ૪ : અખબારો અને ટીવી ચેનલ્સને કહી દેવામાં આવે છે કે લેખકો, પત્રકારો, ન્યૂઝ રીડરો… તમામની ભરતીમાં ક્વોલિટી નહિ, ક્વોટા ફરજીયાત છે. પછી આ લેખનો ૨૭% હિસ્સો લખવાની તક ‘રિઝર્વ્ડ કેટેગરી’ના નવોદિતને મળશે.

દ્રશ્ય ૫ : તમે રવિવારની સાંજે મલ્ટી પ્લેક્સમાં જાવ છો… ત્યાં ટિકિટોની ફાળવણી ૬૦:૪૦ના ધોરણે થઇ રહી છે. તમે ભાગીને બગીચામાં પહોંચો છો, ત્યાં જાતિના પ્રમાણપત્ર પછી જ બાળકોને લપસણીમાં કે હીંચકામાં બેસવા દેવામાં આવશે…. તમારે ગામ છોડીને જતાં રહેવું છે, સોરી બસમાં ૭૦% સીટ જનરલ કેટેગરીમાં નથી… તમારે મરી જવું છે, પણ તમે ઝેર પીને મરી શકતા નથી. કારણ કે એ બનાવતી કંપનીમાં નિષ્ણાતોની ભરતી કેમિકલની જાણકારી મુજબ નહિ, ક્વોટા પર થઇ છે !

તમને આવા દ્રશ્યોની કલ્પના કરી હસવું આવે છે ? ગુસ્સો આવે છે ? … તો બંને પ્રક્રિયા બંધ કરી, થોડું વિચારો. પહેલી નજરે ‘ઓવરરિએકશન’ કે ફારસ જેવી લાગે એવી એ વાત ભાવિ વાસ્તવિકતા બનવાની છે. આવા તો હજુ ૧૦ સેમ્પલ્સ આપી શકાય, પણ પછી ઉદાહરણ પર ચર્ચા થશે ને મૂળ વાત ભૂલાઇ જશે. આમ પણ મૂઠ્ઠીભર હિંમતવાનો સિવાય દેશને તો લકવો જ થઇ ગયો છે ને !

રીડરબિરાદર, તમે ગમે તે જ્ઞાતિ, જાતિ, ધર્મ, બૅકગ્રાઉન્ડના હો. જરાક નિર્મળ મનથી, તટસ્થભાવે આ એક સવાલનો જવાબ આપો. તમારો ગંભીર અકસ્માત થયો છે. તમને ખૂબ વહાલ કરતા મમ્મી-પપ્પા તમને હોસ્પિટલે લઇ જાય છે. તમારા મમ્મી તમારી જીંદગી માટે કલેજું કાઢીને આપી દેવા તૈયાર છે. તમારી જીંદગી બચાવવા તમારી હાર્ટ સર્જરી કરવી પડે એમ છે. તમારા મમ્મી હાથમાં સ્કાલપેલ (ઓપરેશન માટેની છરી) અને ક્લોરોફોર્મ લઇને કહે છે કે મારા દીકરાની સર્જરી હું જ કરીશ. બાજુમાં જ અનુભવી ડોકટર ઉભા છે. બોલો, તમે શું કરો ? મમ્મી પર વ્હાલ છે, વિશ્વાસ છે. પણ તમને ખબર છે કે હૃદયની ચીરફાડ કરવાનો ઇરાદો હોય તો પણ આવડત કે અનુભવ એની પાસે નથી. મા પ્રત્યે ગમે તેટલું માન હોય તો પણ તમારે ક્ષમતા ધરાવતા ડોકટરના હાથમાં જ જીવ સોંપવો પડશે ને ? મા ટ્રેઇનિંગ લેવા તૈયાર હોય તો પણ એને બદલે કુશળ તબીબને જ બોલાવવા પડશે ને ? (અહીં ક્વોટામાં આવેલા ડોક્ટર બોગસ હોય એવો અર્થ અભિપ્રેત નથી. મુદ્દો એ છે, ઈમોશન અને એક્સલન્સ બે જુદી બાબત છે. નિષ્ણાત તબીબ આ કિસ્સામાં દલિત હોઈ શકે અને મમ્મી સવર્ણ હોઈ શકે!)

ધેટસ ઇટ ! જગતમાં કામની વહેંચણી બે ભાગમાં થઇ શકે. એક એવા કામો કે જે કારકૂની છે. જેમાં મઘ્યમ સ્તરની શારીરિક / માનસિક તાકાત અને પ્રેકટિસની જરૂર છે. મોટા ભાગના બીબાઢાળ હિસાબી કે શ્રમજીવી કામો આવા હોય છે. બીજાં એવા કામો કે જેમાં ડિગ્રી નહિ, પણ ટેલન્ટની જરૂર પડે છે. એમાં રિઝર્વેશન માત્ર મેરિટનું જ ચાલે ! ત્રીજો એક મુદ્દો સ્વતંત્ર પસંદગીનો પણ છે.

સરકારી તંત્ર પબ્લિકના પૈસે ચાલે છે એમાં અનામત જાહેર કરવાનો જશ નેતાઓ ખાટી શકે છે. પણ ખાનગી ક્ષેત્ર વ્યકિતગત સાહસ છે. એમાં જાહેર સુખાકારીના નીતિનિયમથી વઘુ જો સરકારી દખલગીરી હોય તો પછી આઝાદી અને ગુલામીમાં ફરક શો રહ્યો ? અને એક વાત ગણીને ગાંઠે બાંધી રાખવા જેવી છે. મેરિટની વાતને ઉજળિયાત વિરૂઘ્ધ પછાત વર્ગભેદમાં વહેંચવાની જરૂર નથી.

વાત પ્રતિભાની છે, જે ઇશ્વરદત્ત છે. વાત આવડતની છે, જે સખત મહેનત કરનાર કોઇ પણ માનવી કેળવી શકે છે. આ જે કોઇ પાસે હોય એ આગળ, એ ન હોય તે પાછળ ! એમાં ઉંચ-નીચના પગથિયાં ગોઠવવાની જરૂર નથી. રાહુલ દ્રવિડ સરસ ક્રિકેટ રમે, રાહુલ બજાજ સારી રીતે ઉદ્યોગ ચલાવે, રાહુલ ગાંધી સારી જનસેવા કરે અને રાહુલ બોઝ સારો અભિનય કરે… તો એમાં કોઇ એક-બીજાથી ઉંચુ-નીચું નથી થતું ! સારી ચા બનાવવાવાળો અને ચાના બગીચાનો માલિક બંનેમાં સંપત્તિની દ્રષ્ટિએ ફરક હશે, પણ પોતાનું કામ કરવામાં બંને સરખા માસ્ટર છે !

પરંતુ, જીવનના અનકે એવા કામ છે – જેમાં સફળતા નિષ્ફળતાનો ટોપલો તમે નસીબ ઉપર બહુ બહુ તો છોડી શકો… પણ નેતાઓની ચાલબાજી પર નહિ જ ! ‘સામાજીક ન્યાય’ના નામે કાલ ઉઠીને આપણે સ્વ.વી. પી.સિંહ કે સ્વ.અર્જુનસિંહના અમુક તમુક ટકા કુટુંબીજનોને ફરજીયાતપણે ઠાકુરશાહી મુકીને ઓબીસી/ એસસી/ એસટી કુટુંબોમાં પરણવાનું કહીએ તો કેવું હાસ્યાસ્પદ લાગશે ? જુઓ, પરણવા માટે સ્ત્રી, પુરુષ અને પ્રેમ આ ત્રણ જ બાબતની જરૂર છે. એમાં નાતજાત એટસેટરા કારણોની આડશ ચાલે નહિ.

આગેવાનોને ખરેખર સામાજીક સમરસતામાં રસ હોય તો એમણે નાત, કોમ, ધર્મની વાડાબંધી વિનાના પ્રેમલગ્નોને ઉત્તેજન આપવા માટે સરકારી તંત્રને કામે લગાડવું જોઈએ. પણ એ તો ભારતના બંધારણ અને સર્વોચ્ચ ન્યાયાલય સામે ખુલ્લેઆમ શીંગડા ભરાવે છે !

પ્રીમિયમ કે ક્રીમી એજ્યુકેશન ઇન્સ્ટિટયુટસમાં ભણવાનો ઠેકો કંઇ ઉચ્ચભૂ્ર પરિવારોના શહેરી શ્રીમંત નબીરાઓએ જ નથી લીધો. એમાં ગરીબ ગ્રામીણજનને પણ ભણવાનો હક છે.

પણ સારી સંસ્થાઓ કે – અભ્યાસક્રમો કે ઉદ્યોગોમાં પ્રવેશ લાયકાતના ધોરણે હોવા જોઇએ. એ માટે જરૂરી તેજસ્વીતા ધરાવનાર દરેકને એમાં પ્રવેશ મળે…. અને જેમને એ ખર્ચ પોસાય નહિ એમને સ્કોલરશિપ મળે. જેમને ભાષા કે વિશેષ તાલીમ જોઈએ, એમને એનું સ્પેશ્યલ કોચિંગ મળે. પણ એ જન્મની જ્ઞાતિના આધારે નહિ, આર્થિક હાલત અને બુઘ્ધિક્ષમતાના આધારે ! જે જ્ઞાતિ જ વિભાજનની ઓળખ બની, એને ધૂંટ્યા કરવાથી કદી કોઇ મુખ્ય પ્રવાહમાં આવવાનું નથી ! તમારા પરફોર્મન્સથી કોઇ પણ ચૂપ થઇ શકે છે. પડદા પર નાચતી સુંદરી કે મેદાન પર રમતા ખેલાડીને નિહાળતી વખતે કદી એની જ્ઞાતિ યાદ આવે છે ?

અનામત તદ્‌ન બિનજરૂરી નથી. પણ એનો પાયો માત્ર જન્મના પ્રમાણપત્રના આધારે શા માટે ? જો વાત પાછળ પડી ગયેલા ગરીબોની જ મદદની હોય તો રાતોરાત એનો માપદંડ આર્થિક પછાતપણુ કેમ નથી કરવામાં આવતો ? અને ગરીબ હોવું એ પણ કંઇ વિશિષ્ટ લાયકાત હોવાની સાબિતી નથી. ગરીબી સાથે ગુણ અને જ્ઞાનપિપાસા હોય, પ્રતિભા અને પરિશ્રમ હોય – તો એ ઉત્તમ કે મહાન બનવાની ગુરૂચાવી છે. ક્ષમતા વગરના ગરીબોની પાંજરા પોળ ઉભી કરવાથી રાષ્ટ્રનો વિકાસ નહિ, વિનાશ થવાનો છે !

વળી, આખી જીંદગી દવા પર હોસ્પિટલમાં કાઢવી પડે એ આરોગ્યનું નહિ, બીમારીનું લક્ષણ છે. દલિત – પછાત સમુદાય જેમનો હવાલો ટાંકતા થાકતા નથી, એ ડૉ. આંબેડકરે જ અનામતને ‘કામચલાઉ વ્યવસ્થા’ ગણાવી, એ પણ ઉચ્ચ સ્તરે ૧૦% જ રાખવાની ભલામણ કરી હતી ! સતત અનામત રાખો, એ પણ વધારો તો પછી જ્ઞાતિવાદ ઘટવાને બદલે વકરતો જશે !

ઘણા મિત્રો અકળાઇને કહે છે, ૫૦૦૦ વર્ષના જુલ્મઓસિતમનો હવે બદલો લેવાનો છે.

કબૂલ કે, વર્ણાશ્રમ એક વાહિયાત તૂત છે, અને એના નામે ભરપૂર શોષણ ચાલ્યું છે, અને ચાલે છે. પણ એ પાપની સજા એ ન કરનારી નવી પેઢીને શા માટે ? એ પાપના ખરા ભાગીદાર જેવા નેતાઓ, જમીનદારો, લાલાજીઓ, ધર્મગુરૂઓ, શોષણખોર વેપારી અને અન્યાયી અધિકારીઓ, રાજા-મહારાજાઓ વગેરેની સામે જઇને મોરચા માંડો ને ! અને દરેક વાતમાં ભૂતકાળના સંદર્ભોની ફૂટપટ્ટી લઇને બેસો તો તો પૃથ્વી પરનો દરેક દેશ કોઇ બીજા દેશનો ગુનેગાર ઠરે. દરેક માણસ ખાનદાની અપરાધી જ ઠરે… તો ભવિષ્યનો નકશો જ ન બને, ત્યાં ઇમારતનું પૂછવું જ શું ? ક્યાંક તો જાગ્યા ત્યારથી સવાર માનીને પુરાતન ઘસરકાથી મુકત નવું કેનવાસ લેવું પડે કે નહિ ?

પહેલી નજરે ગળચટ્ટી લાગતી આવી જ બીજી દલીલને પણ ઉંડાણથી સમજો. ઇમોશનલ થઇને ઘણા ગાંધીજન મહાત્માઓ એવું કહે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વાતાવરણ અને સાધનોનું એટલું અંતર છે કે એમાં સમાન હરિફાઇ શક્ય જ નથી.

અમીર કુટુંબના સાહ્યબીમાં ઉછરેલા સંતાનોની ભાષા, બુઘ્ધિ, આવડતને મુકાબલો મહેનતકશ મજુર પરિવારના નબળા અબૂધ ફરજંદ કઇ રીતે કરી શકે ? વેલ, આ તો તર્ક જ ભૂલભરેલો છે. પીપળાઓ હંમેશા ભીંત ફાડીને ઉગ્યા જ છે. જો આવું  હોત તો જગતના તમામ હોંશિયાર વિદ્યાર્થીઓ સંપન્ન કુટુંબોમાંથી આવત અને તમામ ઠોઠિયાઓ ગરીબીમાંથી આવત ! સવાલ દરેક વિદ્યાર્થીને બાળપણથી સમાન તક અને સમાન સુવિધા મળે એવું શૈક્ષણિક અને સામાજીક વાતાવરણ સર્જવાનો છે. માટી સરખી કરો, ખાતર-પાણી બરાબર નાખીને માવજત કરો, નીંદામણ દૂર કરો… પછી જેવું બી એવી ફસલ ! એનું શ્રેષ્ઠ ઉદાહરણ સંપન્ન એવા ઉજળિયાત સુરેશ મહેતા / છબીલદાસ મહેતા કરતા અનેકગણી લોકચાહના પ્રાપ્ત કરનારા ઓબીસી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.

બિયું સફરજનનું હશે તો સ્વાદિષ્ટ સફરજન મળશે અને આમલીનું હશે તો ખાટી આમલી ! માટી (અહીં સરકાર/સમાજ) દરેક બીજને નિષ્પક્ષતાથી પોષણ આપી વિકસવા દે, એને સમાનતા કહેવાય…. દરેક બિયાંમાંથી એકસરખા છોડ બને એ તો વિકૃતિ કહેવાય ! બાકી, ઇતિહાસ સાક્ષી છે કે જે ઉચ્ચ કામ માટે સર્જાયા છે, એમણે કોઇ અનામતની ટેકણલાકડી વિના વિપરીત સંજોગોને હંફાવી બતાવ્યા છે અને જે નથી સર્જાયા એમને લાખોની કેપિટેશન ફી પણ મહાન બનાવી શકી નથી.

છેલ્લી વારંવાર કહેવાયેલી વાત. અનામતની જરૂર જો અભ્યાસમાં લાગે, તો પછી નોકરીમાં રાખો – એ જ આગળની અનામતની મજાક છે.

ફ્રેકચર સાજું થઇ ગયું હોય તો પાટો શા માટે બાંધી રાખવો પડે ? જો ટેકો આપીને ભણવામાં સમાન કરી દેવાયા હોય, તો પછી નોકરીમાં અસમાનતા નવેસરથી ઉભી શા માટે કરવી ? અને જો એ કરવી જ હોય તો ભણવામાં એ કસરત શા માટે કરવી ? વળી આપણી રાજકીય સ્વાર્થવાળી અનામતોમાં ૫૦% સીટસ જનરલ કેટેગરીમાં રહેતી હોય તો એમાં ય રિઝર્વ્ડ કેટેગરીની વ્યકિત ઓપન મેરિટમાં આવી શકે ! અનામતના તરફદારો દલીલ કરે છે કે જૂના મૈસૂર સ્ટેટમાં ૧૯૨૧ અને કોલ્હાપુર સ્ટેટમાં ૧૯૦૨ થી અનામત હતી કે તામિલનાડુમાં ૬૯% અનામત છે, વગેરે વગેરે.

આ બાલિશ તર્ક છે. જો આમ હતું, તો આટલા વર્ષોમાં બધાનું સામાજીક ઉત્થાન થઇ ગયું હોય ને ? હવે એ કાઢી નાખો ! જો આ જવાબ ‘ના’ માં આપવો હોય તો કબૂલ કરો કે કેવળ અનામતથી કંઇ સામાજીક ન્યાય અને સમરસતા આવતી નથી – માટે એ કાઢી નાખો ! બે ય રીતે અનામતનો કેસ ટકતો જ નથી!

ફરીવાર, દરેક બાબતમાં ટકાવારીની ભાગલાવાદી માનસિકતા ન ચાલે. જો  આર. ડી. બર્મનને કહેવામાં આવ્યું હોત કે ઓપન કેટેગરીમાં એમણે આટલા જ ગીત બનાવવા તો કેવું લાગે ? ઘણા કાર્યો ક્ષમતા મુજબ સિઘ્ધ થાય, ક્ષેત્રીય વિભાજન મુજબ નહિ ! ડ્રાઇવિંગથી લઇને બાર ડાન્સિંગ સુધીના કાર્યો લો કે જેનેટિક રિસર્ચથી લઇને રાઇફલ શૂટિંગના કાર્યો લો : એક જ વાત ટકી શકે : મેરિટ ! બાકી બઘું એ ઉધ્ધારકોના દિમાગને અર્પણ જ્યાં આંતરડામાં જમા થયેલા પદાર્થો પહોંચી ગયા છે ! પણ આવું ભાજપ જેવા વિપક્ષો પણ નહિ કહે… મત તો એમને ય ઝાઝા જોઈએ છે !

પણ આ મેરિટ વિના હાલત કેવી થાય, એનો એક હમણાં સુધી સળગતો રહેલો ને આરક્ષણ જેવી ફિલ્મનો પ્લોટ બને તેવો આપણો જ કેસ સ્ટડી જાણો છો?

***

કેસ સ્ટડી : ગુજરાતમાં ‘ઓપન’ કેટેગરી માટે ‘ક્લોઝ’ થતા મેડિકલના દરવાજા ?!

બારમા સાયન્સનું પરિણામ આવી ગયા પછી ગુજરાતી પેરન્ટસ (સ્ટુડન્ટસના ખ્વાબ અહીં સેકન્ડરી છે, શું સમજ્યા?)નું સપનું નંબર વન હોય છે પોતાના ચિરંજીવ સુપુત્ર/સુપુત્રીને ડોક્ટર કે એન્જીનીયર બનાવવાનું ! એમાંય મેડિકલ એ ફર્સ્ટ ચોઇસ ઓફ ડ્રીમ રહે છે. ઠીક છે, આમ પણ વસતિના પ્રમાણમાં આપણે ત્યાં નિષ્ણાત તબીબોની તંગી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ ડોક્ટર બને, એ તેમના જ નહિ, સમાજના હિતમાં પણ છે. મેડીકલ કોલેજો અને બેઠકો વધ્યા પાછી ય પરિસ્થિતિમાં ફરક નથી.

પણ સવા કરોડનો સવાલ એ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ ગુજરાતમાં તકલીફ વિના એમબીબીએસ કે એમડી થઇને ડોક્ટર બની શકે છે ખરા ? વેલ, જો વિદ્યાર્થી ફક્ત હોશિયાર હોય એ કોઈ જ્ઞાતિના કે બાપુજીના બેંક બેલેન્સના તુંબડે તરી જવાનો ન હોય તો આ સવાલનો જવાબ આપતી વખતે ચોથા સ્ટેજના કેન્સરનો રિપોર્ટ આપતા પેથોલોજીસ્ટ જેવી હાલતમાં મુકાવું પડે તેમ છે.

જી હા, જેમને ક્વોટાની કોઈ જ ટેકણ લાકડી નથી, તેવા જનરલ, ઓપન કેટેગરીમાં આવતા મધ્યમવર્ગીય / દરિદ્ર ગુજરાતી સ્ટુડન્ટની હાલત સાયન્સ સ્ટ્રીમ પછી મેડિકલમાં એડમિશન લેવું હોય તો ‘ક્રિટિકલ’ છે. અને અહીં દરદ પણ એક નથી, કોમ્પ્લિકેશન મલ્ટીપલ છે. જેના તરફ સામાન્ય રીતે મુઠ્ઠીભર એડમિશનવાંછુ માતા-પિતા સંતાનો સિવાય સરકાર કે સમાજનું ધ્યાન ખેંચાતુ નથી ! આપણે બધા દરિદ્રનારાયણના પ્રશ્નો ઉકેલવાનો ‘દેખાવ કરવા’માં એટલા મશગુલ છીએ, કે બીજા લાંબે ગાળે સમાજને અસર કરતા સવાલો તરફ આપણુ ધ્યાનજ જતું નથી !

ઓકે, ડોક્ટરો ભલે પેશન્ટને મુદ્દાસર સમજૂતી આપ્યા વિના પ્રિસ્ક્રિપ્શન ફાડે, આપણે પહેલા પ્રોબ્લેમનું પુરેપુરું ‘ચેકઅપ’ કરી જોઇએ. દર વર્ષે આ વર્ષની માફક ઉચું પરિણામ વિજ્ઞાનપ્રવાહમાં આવે છે. હવે તો ગ્રુપ પડી ગયા હોઈ, ડોક્ટર બનવાના ડ્રીમર્સ બાયોલોજી સબ્જેક્ટ પહેલેથી જ રાખે છે. બોર્ડ અને ગુજકેટની પરીક્ષામાં ૬૦/૪૦ના રેશિયો મુજબ માર્ક્સ ગણીને સામાન્ય રીતે એડમિશન મળે છે. પણ ટ્રેજેડી એ છે કે જો તમે સવર્ણ જ્ઞાતિમા હો, મતલબ ઓપન, જનરલ કેટેગરીમાં હો, તો તમે ગમે તેટલા ઉંચા ટકાનો સ્કોર કરો, પેલા ક્રિકેટના ભેદી ડકવર્થ લુઇસ નિયમની માફક તમારા ડોક્ટર બનવાના ચાન્સીઝ ઘટતા ચાલે છે !

એ તો જગજાહેર છે કે હવે મેડિકલની ટોટલ સીટ્સમાંથી સીધેસીધી ૪૯% યાને અડધોઅડધ સીટસ અનામતમાં જતી રહે છે. ૨૭% ઓબીસી, ૧૫% એસ.ટી., અને ૭% એસ.સી. એના સમપ્રમાણમાં કંઇ ઓપન કેટેગરીની સીટસ વધતી નથી, અને સીધી સાદી વાસ્તવિક્તા જોઇએ તો ઘટતી જાય છે ! કેસ સ્ટડી તરીકે એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ સાથે સંકળાયેલી, ગુજરાતની નંબર વન અને ભારતની ત્રીજા નંબરવાળી બી.જે.મેડિકલ કોલેજનો કિસ્સો કાફી છે.

આજથી ૩૨ વર્ષ પહેલા ત્યાં ૨૧૦ સીટ્સ હતી, જેમાં ૧૬૦ ઓપન કેટેગરીના સ્ટુડન્ટસને એડમિશન મળતું. ૩૦ વર્ષ બાદ હમણા સુધી સીટ્સ ૨૫૦ થઇ હતી. (પરિણામો અને વસતિમાં થતા સતત વધારા સામે સીટ્સનો વધારો નગણ્ય છે !) પણ તેમાંથી જનરલ કેટેગરીના મેરિટમાં ઘટીને ૯૯ રહી છે અને તેમાંય ફક્ત ગુજરાત બોર્ડના ફક્ત ૬૮ જ સ્ટુડન્ટસ એડમિશન લઇ શક્યા હતા (આ માહિતી જૂની છે, પણ સમજવા પૂરતી છે !) ટૂંકમાં, જે વિદ્યાર્થી અનામતના લાભ ન મળે, તેવી જ્ઞાતિનો હોય અને ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી હોય તો એના ઇફેક્ટિવ એડમિશન ચાન્સીસ છે ફક્ત ૨૫% !

આવું કેમ ? કહ્યું ને, અહીં એક સાથે અનેક રોગ વળગ્યા છે ! આપણા ૨૦૦૮ના વર્ષના કેસ સ્ટડીને વિગતે સમજીએ. ત્યારે બી.જે.મેડિકલની કુલ સીટ્સ ૨૫૦. તેમાંથી અનામત અનુસાર ઓબીસી-બક્ષીપંચ એટસેટરોમાં ગઇ ૫૩ સીટ્સ. શેડયુઅલ ટ્રાઈબ્સમાં ૨૯ સીટસ, શેડયુલ્ડ કાસ્ટમાં ૧૪ સીટ્સ, હેન્ડિકેપ્ડ (વિકલાંગ) માટેની અનામતમાં ૨ સીટ, સેન્ટ્રલ બોર્ડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓનો હિસ્સો ૧૬ સીટ, પીએમટી યાને પ્રિમેડિકલ ટેસ્ટ પસાર કરીને આવેલા સ્ટુડન્ટસને ૩૭ સીટ. કરો સરવાળો અને હિસાબ તો ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી બારમાની પરીક્ષા આપવાવાળા બિનઅનામત વિદ્યાર્થીઓ માટે વધશે ફક્ત ૯૯ સીટ્સ ! તેમાં ય ૨૧ સીટ્સ તો રિઝર્વેશનમાં આવતા સ્ટુડન્ટસના ફાળે ગણો, તો વધી ૬૮ સીટ્સ !

જી હા. જેમને રિઝર્વેશનમાં ક્વોટા મુજબ સીટ્સ ફાળવી દેવાઇ છે, એવા વિદ્યાર્થીઓને પણ ઓપન મેરિટમાં અરજી કરવાનો અબાધિત અધિકાર છે ! ઇનફ્કેટ, કોમ્પ્યુટરાઇઝડ સીટ્સ જ આપોઆપ એમની ટકાવારી ઉંચી હોય, તો તેમને ઓપન કેટેગરીમાં લઇ લે છે. ફાઈન. એ લોકો ડિઝર્વિંગ છે, કોંગ્રેટ્સ ટુ ધેમ. પણ એમને મળતા ડબલ ચાન્સને લીધે એટલા જ ડિઝર્વિંગ, લાયક જનરલ કેટેગરીના સ્ટુડન્ટનો સિંગલ ચાન્સ પણ છીનવાઈ જાય છે, તેનું શું ?

જનરલ કેટેગરીમાં મેડિકલ એડમિશન માટે સરકારી ધોરણ લઘુત્તમ ૭૦% પ્રાપ્ત કરવાનું છે. એનાથી નીચેની ટકાવારીવાળા સવર્ણ વિદ્યાર્થીને સીટ ખાલી હોય તો ય મેડિકલમાં સીધુ એડમિશન ન મળે. પણ આવી લક્ષ્મણરેખા અનામત માટે દોરવામાં આવી નથી ! માટે તેમાં બૌધ્ધિક સ્તરની માન્ય કસોટી ગણાતી બોર્ડ પરીક્ષામાં ઓછા માર્કસ છતાં ય એડમિશન મળી શકે છે ! (અનામતમાં ય અમુક કેટેગરીમાં અઢળક જ્ઞાતિઓ આવતી હોઇને અંદરોઅંદર સ્પર્ધા હોય છે, અને કેવળ માર્ક્સથી જ ક્ષમતા નક્કી કરવાની પરીક્ષાપ્રથા ખુદ ભૂલભરેલી હોય છે, એમાં ય કેપિટેશન ફી પર નિયંત્રણોની જરૂર છે  – એ અલગ મુદ્દા થયા)

વળી વાત ફક્ત અનામતની જ નથી. બદલીપાત્ર એવા ઉચ્ચ અધિકારીઓના સંતાનોને પણ પ્રાથમિકતા મળે છે. સેન્ટ્રલ બોર્ડ જેવી રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરનારા ગુજરાત બહારના વિદ્યાર્થીઓનો પણ પ્રમોશેનેટ (પ્રમાણસર)નો હિસ્સો છે. તો ૧૫% જેટલું રિઝર્વેશન ‘પીએમટી’ અને ‘પ્રિ-મેડિકલ ટેસ્ટ’ની રાષ્ટ્રવ્યાપી કસોટી પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હોય છે ! જેમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી સફળ થાય છે. માટે જનરલ  કેટેગરીના ગુજરાત બોર્ડના વિદ્યાર્થી માટે જ્ઞાતિમૂલક અનામત એન પીએમટીની ગણો તો ૬૫% જેટલી સીટ્સ તો એડમિશન ફોર્મ ભર્યા પહેલા જ ગુમાવી દેવાની છે ! ને બાકીની રહે છે, તેમાં ય સેન્ટ્રલ બોર્ડ અને મેરિટમાં આવતા રિઝર્વ્ડ વિદ્યાર્થી ‘મા મને છમ્મવડું’ કહીને પહેલા પહોંચી જાય છે !

બાય ધ વે, આ પીએમટીની પરીક્ષામાં કંઇ બધા રાજ્યોએ જોડાવું ફરજીયાત નહોતું. પણ ઘણા વર્ષો પહેલા હોંશે હોંશે ગુજરાત સરકાર સામે ચાલીને જોડાઈ ગઈ, અને બહારના વિદ્યાર્થીઓ માટે ગુલાબની પાંદડીઓની ચાદર બિછાવી દેવામાં આવી !

રાબેતા મુજબ, હૈસો હૈસો કરીને સંઘમાં જોડાયા પછી સજ્જતા પ્રાપ્ત કરવામાં આળસુ એવી ગુજરાતી લાક્ષણિક્તાને લીધે પીએમટીની પરીક્ષાની તૈયારી કરવામાં આપણે કાચા પડયા. એના જાણકારોએ તારવેલા બીજા બે-ત્રણ પરિબળો એ પણ છે કે અન્ય રાજ્યોમાં૭ વર્ષે એડમિશન આપી વિદ્યાર્થીને સ્કૂલમાં બેસાડાય, તેવું પણ બને છે.

વળી અંગ્રેજી હિન્દી માધ્યમ અને સેન્ટ્રલ બોર્ડનો સિલેબસ જ સ્થાનિક સ્તરે અમલમાં હોઈને તૈયારી આસાન બને છે ગુજરાતી સ્ટુડન્ટનું ઇંગ્લિશ-હિન્દી કાચું હોઈને આ પરીક્ષા તેના માટે આસાન નથી, (આપણી વર્ણનાત્મક પરીક્ષા સામે એ મલ્ટીપલ ચોઇસ છે !) અને ઘણી વખત પોતાનાથી મોટી વયના વિદ્યાર્થી સાથે તેને ટકરાવાનું આવે છે ! માટે પ્રિ મેડિકલ ટેસ્ટમાં સફળતા અપવાદરૃપ છે, પણ એને લીધે છીનવાઈ જતી બેઠકો કાયમી નિયમ છે !

એમ તો એ ય સાબિત ન થઇ શકે તેવી હકીકત છે કે બિહાર યુ.પી. જેવા રાજ્યોમાં ઘણી વખત આવી મહત્ત્વની પરીક્ષામાં ‘જુગાડ’ યાને સેટિંગ ચાલે છે (નિતિશકુમારે બિહાર માટે માંગેલું પેકેજ શું છે ? આખા બિહારને જ ‘સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન’ બનાવી દેવાનું ઉઘાડું બ્લેકમેઇલિંગ છે !) સરકારની રહેમનજર નીચે ત્યાં યુનિવર્સિટીઓ પોતાના વિદ્યાર્થીઓને આગળ ધપાવવા કૌભાંડો કરવા નામચીન છે !

ખેર, મુદ્દો એ છે કે ગુજરાતમાં ચાલતી, ગુજરાતીઓના પૈસે ઉભી થયેલી સરકારી કોલેજોમાં મફતના ભાવે બહારના અને અનામત, ક્વોટાના વિદ્યાર્થીઓ લહેરથી ભણે છે એ ‘ઘરના છોકરા ઘંટી ચાટે, (અહીં ઉપાધ્યાયને આટો એવું તો કેમ લખાય ?) ના ન્યાયે, (ઉફ્ફ, અન્યાયે) કાં તો જનરલ કેટેગરીના સ્ટુડન્ટે ડોક્ટર બનવાનું સપનું જ છોડવું, રાધર, તોડવું પડે છે. કાં તો સેલ્ફ ફાઈનાન્સ્ડ કોલેજો તરફ દોડવું પડે છે !

એક તો મેડિકલમાં ઓવરઓલ જ એન્જીનીઅરિંગની સાપેક્ષે સીટ્સ ઓછી, તેમાં વળી સરકારી કોલેજોમાં જેટલું શીખવા મળે, તેટલું સેલ્ફ ફાઈનાન્સ્ડમાં મળે નહિ (સરકારી હોસ્પિટલોમાં નવોદિતોને અનુભવ મળે, એટલો ખાનગીમાં કદી મળે ? જુનિયર ડૉક્ટરને હાથ કોણ લગાવવા દે ?) અને એમાં ય પાછી ડોક્ટર બન્યા પહેલા જ હાર્ટ પેશન્ટ બનાવી દે એવી સેલ્ફ ફાઈનાન્સ્ડ કોલેજીઝની ચામડાફાડ ફીઝ ! વર્ષે લાખ્ખો લેખે સાડા પાંચ-છ વર્ષનો ગુણાકાર કરી લેવાનો !’

અને એટલે જ ઓપન કેટેગરીના સ્ટુડન્ટે લાચાર બની, ખૂબ ઉંચી ટકાવારી છતાં સ્વનિર્ભર કોલેજોની મેનેજમેન્ટ ક્વોટા કે એમઆરઆઈ ક્વોટાની બેઠકો માટે હરરાજીમાં ‘જોતરાવું’ પડે છે ! અને પછી કહેવાય છે કે એક-એક સીટ માટે અધધ એવા ૪૦-૫૦ લાખ ચૂકવીને પણ ડોક્ટરની ડિગ્રી (ટકાવારી હોવા છતાં) વેંચાતી પણ લેવી પડે છે !

માઈન્ડવેલ, બોર્ડ એકઝામ કરતાં ય વધુ કઠણ એવી આ વાસ્તવની પરીક્ષાઓ આટલેથી અટકતી નથી. ફક્ત એમબીબીએસ થયે કંઇ આજે પ્રેક્ટિસ ધમધોકાર ચાલે નહિ. સ્પેશ્યલાઇઝેશન કરવું જ પડે. એમ.ડી.ની પી.જી. (પોસ્ટ ગ્રેજ્યુએટ) કહેવાતી ડિગ્રી મેળવવી પડે. આ પી.જી. લેવલ પર તો હાલત ઓર ખરાબ છે ! સીટ્સ ઓછી હોય છે. વળી એક વખત એમ.બી.બી.એસ.મા અનામતનો લાભ મળ્યા પછી અહીં પણ રિઝર્વેશનનો રાક્ષસ મોં ફાડીને ઉભો રહે છે.

જો અનામતનો હેતુ સમાન તક, સમાન હક આપી સ્પર્ધામાં પગભર બનાવવાનો હોય તો એ પૂરો થઇ ચૂક્યો છે. હવે વ્યક્તિને નાત-જાતના લેબલ વિના મુખ્યપ્રવાહમાં સાહજીક રીતે ભેળવી દેવાનો હોય, પણ ના. પબ્લિક હેલ્થ સેન્ટરમાં છઠ્ઠા પગારપંચ મુજબ ૩૦ હજાર જેટલો પગાર મેળવનાર રિઝર્વ્ડ ક્વોટાનો જુનિયર ડોક્ટર પણ હજુ છેવાડાનો શોષિત, વંચિત, પીડિત જ ગણાય છે (આવું ગણાવા માટે કેટલાય પ્રગતિ કરી ચૂકેલા પછાત પરિવારો પોતાની સાચી આવક પણ બતાવતા નથી. ક્રીમી લેયરની સાડા ચાર લાખની આવકની અંદર જ રહે છે, અને ક્વોટામાં એડમિશનના ફાયદા સાથે સરકારને આવકવેરામાં નુકસાન કરે છે, એ નફામાં ઉપ્સ ખોટમાં !) અને બેવડી (બોર્ડ પરીક્ષા કે હાઈસ્કૂલ એડમિશન ગણો તો ત્રેવડી !) અનામતનો લાભ ઉમેરે છે !

આખી દુનિયામાં મેડિકલ જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચમાં આવું સરકસ ફક્ત સ્વાર્થી રાજકારણીઓ, જ્ઞાતિવાદી આગેવાનો, નીંભર પ્રજા અને લુચ્ચા અધિકારીઓના પ્રતાપે (કે પાપે ?) આપણે ત્યાં જ ચાલે છે ! ઘનચક્કર અનામત વિદેશમાં કયાંય નથી ! બહારના આવેલા વિદ્યાર્થીઓ પી.જી.લેવલ પર તો ગુજરાતના જ ડૉક્ટર કહેવાતા હોઈને મૂળ ગુજરાતી એવો તેજસ્વી ગરીબ સવર્ણ વિદ્યાર્થી તો સ્પેશ્યાલિસ્ટ બનવાના એડમિશન વખતે સાવ હાંસિયામાં ધકેલાઇ જાય છે !

અહીં વળી ૫૦%સીટ્સ પર નવેસરથી પીએમટીનો ક્વોટા હોઈ, તેને લીધે નવા આઉટસાઇડર્સ જગ્યા બથાવી પાડતા હોઈ, એને તો ધક્કામુક્કીમાં પીસાવાનું જ છે ! માટે પી.જી.એડમિશનની સીટનો ભાવ ૬૦-૭૦ લાખથી એક કરોડ સુધી ખાનગી કોલેજોમાં બોલાય છે ! (અને લાખ્ખોની ફી અલગ !) એનાથી આગળની એમસીએચ (સુપર સ્પેશ્યાલિસ્ટ, માસ્ટર ઓફ ચ્યુરિજ) જેવી એમ.ડી.ડી.એમ. ટાઈમ ડિગ્રીમાં તો ભાગ્યે જ ગુજરાતનો ગજ વાગે તેમ છે ! તેમાં તો પીએમટીનો દબદબો ૧૦૦% થઇ જાય છે. બારમા પછી ૧૫%,પી.જી. લેવલ પર ૫૦% અને ટોચના તબીબ બનવા માટે ૧૦૦% પ્રિમેડિકલ ટેસ્ટની જ આણ પ્રવર્તે છે !

આ આખું વિષચક્ર એવું ચાલે છે કે ઓછી ગુણવત્તા અને ઝાઝી અનામતને લીધે ડોક્ટર થયેલાઓ પ્રેક્ટિસમાં કંઇ ખાસ ઉકાળી શક્તા નથી, અને ગોરખધંધા કરીને દર્દીના ભોગે ઘર ભરે છે. કંપનીઓ સાથે જોડતોડ કરે છે કે પોસ્ટમોર્ટમ માટે ય લાંચ માંગે છે. ખાસ નોંધવું કે આમાં ઊંચું ડોનેશન આપી ઘુસી જતા બાપકમાઈના બચુભાઈઓ અને બચીબહેનોનો બિલકુલ બચાવ નથી. મેરિટની વાત આવે ત્યાં એમણે ય કાન પકડવા પડે. એટલે જ જન્મગત જ્ઞાતિ એડમિશનના બદલે પરદેશમાં આર્થિક સ્કોલરશીપ રૂપે લાભ મળે છે. ડોનેશનવાળા વિદ્યાર્થીઓના વાલીઓ પૈસા કમાયા એટલું જ મેરીટ સંતાનોની કારકિર્દી માટે પૂરતું નથી. પણ એ ય ખરું કે, એ પ્રજાના ટેક્સના પૈસે ભણતા નથી. વધુ ટેક્સ ફી ભરી સરકારને આપે છે.

બાકી લાયકાત છતાં છેવાડે પહોંચી ગયેલા સવર્ણ વિદ્યાર્થીઓ તોતિંગ રકમ ખર્ચીને ડોક્ટર થયા હોઈ પહેલા એ વસૂલી લેવાનું કામ દાંત કચકચાવીને કરે છે, અને દર્દીને ચીરી નાખે છે. બે ય પક્ષે સુખદ અપવાદો છે, પણ એ આઈપીએલમાં કોલકાટ્ટા નાઈટ રાઇડર્સે જીતેલી મેચો જેટલા ! બાકી, આ બે ઘંટીના પડ વચ્ચે આરોગ્ય સેવાઓ પીસાઈને ચકનાચૂર થતી જાય છે. (સ્વચ્છતાની દુહાઈ દેતા ડોક્ટરોની કોલેજોની હોસ્ટેલો જોઇ છે ? મોટે ભાગે સાવ ગંદીગોબરી અને રેગિંગ, બળૂકા વિદ્યાર્થીઓની જૂથબંધીથી ખદબદતી હોય છે !) ટૂંકી વાત એટલી, અનામત જન્મજાતને બદલે આર્થિક સ્તરે હોય તો આ વિવાદી સરખામણીનો પ્રશ્ન જ ના રહે.

વળી, ઓછી સુવિધાઓને લીધે ગામડામાં ડોક્ટર્સની તંગી છે, ત્યારે ગુજરાતના ખર્ચે અને જોખમે ગુજરાતમાં ભણી સેંકડો તબીબો પોતાના વતનના રાજ્યમાં પરત જતા રહે છે. અને અહીં એડમિશન ન મેળવી શક્તા જનરલ કેટેગરીના સ્ટુડન્ડસ બીજા રાજ્યોમાં જઈ, ગુજરાતમાં કમાયેલા પૈસા ત્યાં ખર્ચીને તેને સમૃધ્ધ બનાવીને ભણે છે ! પ્રિમેડિકલ ટેસ્ટમાં આગળ નીકળવાની જાગૃતિ જ ટયુશનઘેલા વેપારીવૃત્તિના ગુજરાતીઓમાં નથી, ત્યાં સજ્જતા કેવી રીતે આવી શકે? એ માટે વળી અંગ્રેજી અને શિક્ષણ પધ્ધતિના ઢાંચામાં ફેરફાર કરવા પડે (એક ટિપ : વધુ ઉંમર મુજબ માર્કસ ઘટાડી શકાય !)

અનામત નાત-જાતના ભેદ દૂર કરવાને બદલે એ કાયમી કરે છે, એટલું સાદુંસત્ય આટલા વર્ષે આંધળા અનામતપ્રેમીઆર્ને સમજાતું નથી. ભૂતકાળમાં ક્યારેક ફક્ત જન્મના વાંકે અનામત મેળવનારાએ વેઠવાનું આવ્યું, એ ભવિષ્યમાં એ જ રીતે માત્ર જન્મના જ વાંકે સવર્ણોએ વેઠવાનું આવશે એ નવો વર્ગવિગ્રહ પેદા કરશે ! ટુ રોંગ વિલ નેવર મેઇક વન રાઇટ !ત્યાં સુધી ચાલ્યા કરશે, હેલ્થ સેકન્ડ, વેલ્થ ફર્સ્ટ. એ તરકીબ વિના કંઇ સહેલાઇથી તબીબ થોડું બની શકાય છે ? કોની રાહ જોશો ?  તૂ ઇન્કિલાબ કી અમદ કા ઇન્તિજાર ન દેખ / જો હો સકે તો અભી ઇન્કિલાબ પૈદા કર ! (અઝીઝ)

***

ઓ કે, આ બધા નવા વિવાદોના મૂળ ઓબીસીની એ..બી..સી..ડી ખબર છે?

‘બૈસલા કા ફૈસલા’ જેવી એક રિયાલિટી ટીવી સિરિયલ થોડા સમય માટે દરેક ન્યૂઝ ચેનલ પર છવાઈ ગઈ હતી.રાજસ્થાનમાં ગુર્જરોએ (એક મત મુજબ જેમાં અપભ્રંશથી ગુજરાત શબ્દ આવ્યો છે!) ૨૭% અનામત માટે હાઈકોર્ટના ચુકાદાને ધરાર અવગણીને ઈમોશનલ બ્લેકમેઈલીંગ જેવું આંદોલન કર્યું. નવા નિશાળિયાઓને નવાઈ લાગે એવી વાત તો એ છે કે આ આંદોલન મૂળભૂત રીતે ઘણા કિસ્સાઓમાં બને છે, તેમ ‘પછાત વિરૂઘ્ધ સવર્ણ’નું નહિ, પણ ‘પછાત વિરૂઘ્ધ પછાત’ (ગુર્જર વિરૂઘ્ધ મીણા) કોમનું હતું.

મીણાને ઓબીસીમાં સમાવાયા તો ગુર્જરોને કેમ નહિ? -જેથી આ આંદોલનના વર્ષો પહેલા શ્રીગણેશ થયા હતા, જે આજે ‘બેકવર્ડ’ ગણાવામાં ‘ફોરવર્ડ’ નીકળવાની હરિફાઈથી ૨૭%ની બંધારણના ૧૦૪મા સુધારાથી ભૂતપૂર્વ મંત્રી સ્વ.અર્જુનસિંહ (‘મિર્ચ’ના હીરો અરૂણોદયસિંહના દાદા, યુ નો!)એ પ્રગટાવેલી હોળીની ઝાળ બનીને રહી ગયું છે.

આપણા વારસામાં જેમ મીઠી મઘુરી બાબતો છે, તેમ કડવી ઝેર જેવી બાબતો પણ છે. જેમાંથી એક પાયાની ગરબડનું નામ વર્ણાશ્રમ વ્યવસ્થા છે. તર્કની તલવારો અને ગળચટ્ટી ફિલસૂફીથી ગમે તેટલો ઢાંકપિછેડો કરવામાં આવે… વાસ્તવિકતા એ છે કે આ વર્ણાશ્રમના વર્ગભેદ એ ભારતની મસમોટી ભૂલ છે. નબળાઈ છે.

ભારતની ભૂલોના દસ્તાવેજ જેવી મનુસ્મૃતિમાં અનેક ફાલતુ બાબતો વર્ણવાઈ છે, જેને ‘કલામ-એ-પાક’ની માફક આજના જમાનામાં પરાણે વળગી રહેવાની કોઈ જ જરૂર નથી. ભારતમાં અન્યાય બોધનું વિષવૃક્ષ જે મૂળિયામાંથી પ્રગટ્યું, એ ચાતુવર્ણ્યવ્યવસ્થા એમાંની એક છે. અને મૂળિયાને લીધે જ્ઞાતિભેદની જામેલી ડાળો શિક્ષણની ધારદાર કૂહાડીથી પણ તૂટતી નથી!

ભારતમાં અંગ્રેજી રાજવટ વખતે જ સામાજીક અસમાનતાની અઢળક સમસ્યાઓ ઉદભવી હતી. ધાર્મિક વિખવાદ તો જગતભરમાં હોય છે. અહીં તો આંતરિક ઉંચ-નીચ અને અસ્પૃશ્યતાનો લૂણો ઘરની દીવાલો જર્જરિત બનાવતો હતો. ઘણા મહાપુરૂષો પોતપોતાની રીતે એ દૂર કરવાના પ્રયાસો કરતા હતા. ‘અધર બેકવર્ડ ક્લાસ’ ઉર્ફે ઓબીસી શબ્દ પણ એ જ મંથનમાંથી નીપજેલો છે.

ટેકનિકલી ભારતીય બંધારણમાં ગુર્જરો જેના માટે રાજસ્થાનમાં રમખાણ મચાવી રહ્યા છે, એ ઓબીસી માટેની અનામતનો ઉલ્લેખ જ નથી! ૧૯૩૫માં બ્રિટિશ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૫માં પછાત જ્ઞાતિઓનો સમાવેશ થયો, જે શેડ્યુલ્ડ કાસ્ટ (એસ.સી.) કહેવાયા. એ વખતે ભારતીય નેતાઓનો અભિગમ પણ બ્રિટિશ શાસનની માફક અસ્પૃશ્યતા અને વર્ગભેદ નિવારણનો હતો.

૧૯૩૭માં પેલા એક્ટના વાસ્તવિક અમલ સમયે રાજ્યપાલ/રાષ્ટ્રપતિને શેડ્યુલ્ડ કાસ્ટની યાદી જે બની હોય, તેમાં સુધારાવધારા કરવાની બંધારણીય સત્તા મળી. એસ.સી.ની માફક એસ.ટી. યાને શેડ્યુલ્ડ ટ્રાઈબ્સનો પણ સમાવેશ થયો. ગાંધીજી એસ.સી. માટે ‘હરિજન’ અને શેડ્યુલ્ડ ટ્રાઈબ્સ માટે ‘ગિરિજન’ શબ્દનો ઉપયોગ કરતા. કારણ કે, શેડલ્યુડ ટ્રાઈબ્સ મોટે ભાગે જંગલો, વગડા અને પહાડોમાં રહેતી-ભટકતી પ્રજા હતી. બંધારણમાં આ અંગેના આર્ટિકલ્સ ૩૪૧-૩૪૨ છે.

એસ.સી.ને આજે સહજ રીતે સમજવા માટે ‘દલિત’ અને એસ.ટી.ને માટે ‘આદિવાસી’ શબ્દનો ઉપયોગ થાય છે. અલબત્ત, આ લોકબોલીની વ્યાખ્યાઓ છે. બંધારણીય રીતે આ વર્ગોની યાદી તૈયાર કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યની આ માટે આગવી યાદી હોય છે. પ્રાપ્ત થતા આંકડાઓ મુજબ કેન્દ્રિય યાદીમાં ૩૧૧ ક્રમ શેડ્યુલ્ડ કાસ્ટસના છે, જેમાં બીજી ઘણી પેટાજાતિઓ છે. ગુજરાતમાં આ ક્રમાંક ૯૭ અને મહારાષ્ટ્રમાં ૨૧૫ છે. શેડ્યુલ્ડ ટ્રાઈબ્સની ક્રમાંકિત સંખ્યા એનાથી ઓછી છે. આ બઘું બંધારણના પાંચમા શેડ્યુલમાં છે. ઓબીસીમાં કોણ આવી શકે એ અંગે મતભેદ છે. પણ એક અંદાજ મુજબ બધી પેટાજાતિ સહિત એ આંકડો ૫૦૦૦થી વઘુ થઈ શકે છે!

ભારતે જાતિ-ધર્મ-જન્મ આધારિત સમાજવ્યવસ્થાથી પર લોકશાહી સ્વીકારી હોઈને ૧૯૩૧ પછીની વસતિ ગણત્રી જાતિ આધારિત થઈ નથી. (છેક હવે ૨૦૧૧મા હજુ એ માંડ માંડ શરુ થઇ છે!) એથી ઓબીસીનો જાતિ આધારિત ડેટાબેઝ ઉપલબ્ધ નથી. ૨૦૦૧ની વસતિ ગણત્રી મુજબ એસસી ૧૬% અને એસ.ટી. ૮.૩% છે.

ઓબીસી એટલે અન્ય પછાત જાતિઓનો મુદ્દો વિવાદાસ્પદ એટલે રહ્યો છે, કે એમાં કેટલા ‘ક્રીમી લેયર’ યાને સાધનસંપન્ન છે અને કેટલા ખરેખર જરૂરિયાતમંદ છે, એનો સંવૈધાનિક રીતે કોઈ ડેટાબેઝ હાલ તુરત નથી! ૨૯ માર્ચ, ૨૦૦૭ના રોજ સુપ્રિમ કોર્ટે આ મુદા પર જ ‘સ્ટે’ આપીને આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ઓબીસી માટેની ૨૭% અનામતનો અમલ મોકૂફ રખાયો હતો.

રસપ્રદ વાત તો એ પણ છે કે પછાત જાતિ નહિ, પણ પછાત ‘વર્ગ’ (બેકવર્ડ ‘કાસ્ટ’ને બદલે બેકવર્ડ ‘કલાસ’) શબ્દ બંધારણીય છે. એ માટે પહેલું કમિશન કાકાસાહેબ કાલેલકરના વડપણ નીચે ૨૯ જાન્યુઆરી ૧૯૫૩ના રોજ રચાયું હતું. ૧૯૫૫માં સુપ્રત થયેલા એના અહેવાલમાં ૨,૩૯૯ બેકવર્ડ કલાસનું લિસ્ટ હતું. જેમાં ૮૩૭નો ‘મોસ્ટ બેકવર્ડ કલાસ’માં સમાવેશ થતો હતો. આ રિપોર્ટ તટસ્થતા પૂર્વક તૈયાર થયો હોવા છતાં રિજેકટ થયેલો. અહીં પછાતપણાનો માપદંડ સામાજીકને બદલે આર્થિક થતો હોઈ એનો સ્વીકાર થયો નહોતા!

૧૯૭૯ના રોજ બી.પી. મંડલના વડપણ નીચે આજ દિન સુધી ચર્ચાસ્પદ રહેલા મંડલ કમિશનની આ માટે રચના કરવામાં આવી. એણે ડિસેમ્બર ૧૯૮૦માં રિપોર્ટ મૂકયો. જેનો અમલ કરવા જતા નેવુંના દાયકાના આરંભે વી.પી. સિંહની સરકારનું પતન થયું હતું. મંડલ પંચે ૫૨% વસતિને ઓબીસી ગણાવી હતી. જો કે, એબીસીની વ્યાખ્યા કરતા એના ૧૧ માપદંડ વિવાદાસ્પદ રહ્યા છે.

કેટલાક સંજોગોમાં સુખી પરિવારની સ્ત્રી કામ ન કરે, તો પણ ઓબીસીમાં ગણાઈ જાય! આ અંગેની ગણત્રી રાજયવાર સરેરાશ આધારિત છે, અને ગૂંચવાડાભરી છે. પણ પાછળથી અધિકૃત ગણાતા નેશનલ સેમ્પલ સર્વેમાં ઓબીસીની સંખ્યા ૩૬% ગણાવાઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સ્ટેસ્ટિકસમાં નોન મુસ્લિમ ઓબીસી ૨૯.૮% ગણાવાયા છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ બધા ફકત સર્વેક્ષણો છે. સુપ્રિમ કોર્ટે એટલે આધાર માનવાની ના પાડીને, સત્તાવાર રીતે ગણત્રી કરી એનાં આર્થિક માપદંડો સહિતનો ડેટાબેઝ તૈયાર કરવાનો આદેશ સરકારને આપ્યો હતો.

ઈન શોર્ટ, ભારતમાં ખરેખર કેટલા ઓબીસી છે, અને એમનું જીવનધોરણ કેવું છે એની સમગ્ર દેશની આધારભૂત અને સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ જ નથી! છૂટાછવાયા સેમ્પલના સર્વેક્ષણો, અનુમાનો કે સ્થાનિક ડેટાના આધારે આંકડાકીય રમત ચાલે છે. મંડલ પંચે હિંદુ – બિનહિંદુ અન્ય પછાત વર્ગોની સંખ્યા ૩,૭૪૩ જ્ઞાતિ ગણાવી હતી.

શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણમાં એસસી/ એસટીની ૨૨.૫% અનામત ઉપરાંત ઓબીસીની ૨૭% અનામત વધારવા માટે કેન્દ્ર સરકારે વીરપ્પા મોઈલી સમિતિ બનાવી હતી. એના રિપોર્ટ મુજબ આ ફેરફાર માટે ૧૬,૫૬૩.૩૪કરોડનો નવો ખર્ચ થશે. વારંવાર મતબેન્ક માટે વચનો આપતા નેતાઓ આ ખર્ચ કયાંથી મેળવવો એ અંગે મગનું નામ મરી પાડતા નથી.

અનામત વધારવા માટે જનરલ કવોટાની બેઠકો વધારવાનું વચન આપતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જ અંદાજ મુજબ એ માટે ૬,૦૦૦થી ૯,૦૦૦ કરોડનો ‘ઈન્ફ્રાસ્ટ્રકચરલ એકસપેન્સ’ થઈ શકે તેમ છે! આમ પણ ભારતમાં કુલ જી.ડી.પી. (કાચી રાષ્ટ્રીય પેદાશ)ના ફકત ૦.૩૭% જ ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચાય છે. અને એ માટેના એજ ગ્રુપમાંથી માત્ર  ૮% જ એ લાભ મેળવે છે!

વઘુ એક ‘ઈન્ટરેસ્ટિંગ બટ સ્ટ્રેન્જ’ સત્ય! અનામતના રાજકારણને લીધે શીખ, દલિત, મુસ્લીમ દલિત, ક્રિશ્ચયન દલિત જેવા શબ્દો આવી ગયા છે. આ ત્રણે ધર્મોમાં જન્મ કે જાતિની અસામાનતાની વાત જ નથી, પણ ભારતમાં એના અનુયાયીઓમાં ઉંચ – નીચના ભેદભાવ જોવા મળે છે. (સાંસ્કૃતિક અસર!) શીખ ધર્મમાં ગુરૂ ગોવિંદસિંહના ‘પંજ પ્યારે’ પછાત મૂળિયામાંથી આવતા હોવા છતાં પૂજય ગણાય છે.

પણ વાસ્તવિકતા એ છે કે શીખ દલિત તરીકેના અન્યાયબોધથી કંટાળીને જ સ્વ. કાંશીરામે બૌઘ્ધ ધર્મ ધારણ કર્યો હતો, અને માયાવતીથી આજે પ્રસિઘ્ધ બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી. મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં પણ કેટલાક જૂથો એમનો ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી કરે છે. સ્થાનિક સ્તરે ઓબીસીમાં સમાવેશના કેટલાક નિર્ણયો રાજય સરકારને આધીન હોઈને કયાંક એમને આવું સ્થાન મળે પણ છે. સચ્ચર સમિતિએ એ માટેની સર્વગ્રાહી ભલામણ કરી છે. માટે એ મામલો જ્ઞાતિથી ધર્મ સુધી વકર્યો છે.

ડેટાબેઝમાં એક બીજી ફેકટ પણ નોંધી લો રાજસ્થાનમાં જેમ ઓબીસી વિરૂઘ્ધ અન્ય પછાત વર્ગનો રાજકીય વિવાદ ચાલે છે, એવા જ વિવાદમાં બિહારમાંથી ઝારખંડ રાજય બન્યું છે. ત્યાં અત્યંત પછાત મુંડા, સાંથાલ, ઓરાં અને હોસ જાતિઓએ ઓબીસી અને સર્વણ હિંદુઓ પર પોતાના શોષણનો આરોપ મૂકયો હતો. એક રાજયમાં જે વર્ગ પછાત હોય એ બીજામાં પછાત ન પણ ગણાય. જો કે, કેન્દ્ર સરકારની નોકરીઓમાં ઓબીસીનું પ્રતિનિધિત્વ ઘટીને ૪.૫૧% જ રહ્યું છે, એવી દલીલ પણ ચાલી રહી છે.

સૌથી વઘુ સરપ્રાઈઝિંગ વાત તો એ જ છે કે ઓબીસી માટે આટલા બધા નેતાઓ ચિંતીત હોવા છતાં ભારતની સંસદમાં જ ઓબીસીનો કોઈ કવોટા નથી! આ માટે બંધારણના આર્ટિકલ ૩૩૪માં સુધારો કરવો પડે જેમાં ઓબીસીનો કોઈ ઉલ્લેખ જ નથી! એસ.સી. / એસ.ટી. અને એંગ્લો ઈન્ડિયન માટે અનામત બેઠકોનો જ ઉલ્લેખ છે!

નવાઈની વાત એ છે કે, શિક્ષણસંસ્થાઓથી નોકરીઓ સુધી રાષ્ટ્રીય કે સામાજીક હિતને બદલે પોતાની જાતિ કે વર્ગના હિત માટે થતા આંદોલનોમાંથી કોઈને વિધાનસભાઓ – સંસદમાં ઓબીસી માટેના કવોટા અંગે ચળવળ કરવાનું સૂઝતું નથી! અને અનામતની લ્હાણી કરતા આગેવાનો પણ મૌન છે! આ એક જ સબૂત રાજકારણીઓની અનામતના મામલે ખોરા ટોપરા જેવી દાનત માટે કાફી નથી?

બસ, આ જ આખી કથાનો સાર છે. મૂળભૂત રીતે શું દલિત, શું સવર્ણ- તમામને અહીં શીરા સાટુ શ્રાવક થવું છે. કોઇને દેશની તો શું સત્ય અને ન્યાયની પણ કશી પડી નથી. બસ, હું સુખી- સલામત થઇ જાઊં, એ માટે મને લાભ કરાવે, એ મારો નેતા… એ મારો સમાજ… એ મારૂં સંગઠન, કડવા સત્યની ટાંકણીઓ ન ભોંકવી, એ મહોરાંને આપણે વળી ‘સભ્યતાનું શિક્ષણ’ એવું નામ આપ્યું છે.

વાણીવર્તનની પૂરા સંતુલન સાથે, અનામતની જરાક ચર્ચા પણ છેડીએ તો કેટલાક સંકુચિત મિત્રો તરત જ કપાળે ‘દલિતશત્રુ’નું લેબલ લગાવી, તમામ અનામત આલોચકોને જ્ઞાતિવાદી ઠેરવી દેવાનો ગોકીરો કરી મૂકે છે. પહેલા સત્ય અને ન્યાયનો અવાજ દબાવવા ઉચ્ચ વર્ગ આવો જ હોહાદેકારો કરી પછાત વર્ગને અન્યાય કરતો, આજે સત્ય અને ન્યાય સામે પછાતવર્ગ એટલો જ શોરબકોર કરે છે. આને કહીશું ખૂન કા બદલા ખૂન?

‘જુગાડ’, ‘સેટિંગ’, ‘છેડા’ જેની કેચલાઇન છે, એવા ભારતવર્ષમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના ૯૩મા બંધારણીય સુધારાને બહાલી આપી છે જે અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસી માટે ૨૭% અનામત રહેશે. વિદ્વાનો કહે છે; વઘુ કમાતા ‘ક્રીમી લેયર્સ’ને બાકાત રાખવાની સૂચના છે, ૫ વર્ષે સમીક્ષાનું સૂચન છે, અને દરેક સંસ્થાએ સીટ વધારવાની હોઈને જનરલ કેટેગરીને નુકસાન નથી. માટે આનંદો. ચૂકાદાને આવકારો. સામાજીક સમરસતા સ્વીકારો.

ઓકે. અને કાશ્મીર છોડીને તંબૂમાં ભટકતા કાશ્મીરી પંડિતોના સંતાનો વતનથી બેદખલ નિર્વાસિત છે. એમના અન્યાયબોધનું શું ? (જસ્ટ ફોર ઇન્ફોર્મેશન દિલ્હીના ૫૦ જેટલા સુલભ શૌચાલયોના સફાઈ કામદારો બ્રાહ્મણ છે !)જે સવર્ણ અટક ધરાવે છે, પણ ચીંથરેહાલ છે. મજૂરી કરે છે, ભાડાની રિક્ષા ચલાવે છે, એનુ શું ? એમના સંતાનો તેજસ્વી હોય એ ગુનો ? એમણે તો કંઈ વર્ણવ્યવસ્થાની વાયડાઈ કરતી મનુસ્મૃતિ લખી નથી !

અનામતનો સૈદ્ધાંતિક વાંધો કે વિરોધ હોઈ ન શકે. પાછળ રહેલાઓને મુખ્ય પ્રવાહમાં ભેળવવા એ તો ડેમોક્રેટિક સિવિલાઇઝ્‌ડ સોસાયટીના બંધારણમાં ન લખી હોય તો પણ ફરજ છે. પણ નદી સાગરમાં ક્યારે એકરસ થાય ? યસ, જ્યારે એ પોતાની સ્વતંત્ર ઓળખ ઓગાળે ત્યારે ! પણ અનામતના નામે તો જે જન્મ અને જાતિની ઓળખ ભૂંસવાની છે, એ વઘુ મજબૂત બને છે. અને એકનો અન્યાય દૂર કરવા જતાં બીજાને અન્યાય થાય છે, જે અન્યાયબોધ દૂર કરવા શું નવી અનામતો લઈ આવશું ? માટે અનામત એ તંદુરસ્તીની નહિ, દાયકાઓનો મનભેદ અખંડ રહ્યાની ગવાહી આપે છે !

ભારતનો પ્રોબ્લેમ એ છે કે અહીં રિઝર્વેશન અને ક્વોટા બેવડાય છે. બોક્સિંગ રીંગમાં કોઈ સૂકલકડી હોય તો એને સીધો જ ચેમ્પિયન ઘોષિત કરાય ? એને તાજોમાજો કરાય, સાચી ટ્રેઇનિંગ અને ન્યુટ્રિશ્યસ ફૂડ અપાય. પણ મુકાબલો તો સમાન તક માટે જ લડવો પડે. હાયર એજ્યુકેશનમાં અનામત આપવી હોય, તો પછી નોકરીઓની અનામત કાઢી નાંખવી પડે !

ભારતમાં જો તમે ગરીબ, મઘ્યવર્ગીય હો… ભોળા અને સરળ હો… ઊંચી ઓળખાણો ન ધરાવતા હો… ટૂંકમાં લુચ્ચા અથવા વી.આઇ.પી. ન હો અને મુફલિસ હો તો તમને વાર-તહેવારે અન્યાય થયા જ કરશે. ભલે ગમે તે જ્ઞાતિના હો !

અનામત આજે શેરબજારના બ્લુ ચિપ આઇપીઓ જેવી છે. દરેકને એલોટમેન્ટમાં પોતાનો કવોટા જોઇએ છે ને એનો પાયાનો આધાર શું છે? જો વાત આર્થિક સમૃદ્ધિ અનામત થકી મળે, અને એ મળે તો જ સમાજમાં સ્વીકૃતિ મળે એટલી જ હોય, તો પછી કાલેલકર સમિતિનું આર્થિક આધારવાળું વર્ગીકરણ શું ખોટું હતું? પણ ત્યારે સામાજીક ન્યાયની વાત આડે આવી. વાત જો સામાજીક ન્યાયની જ હોય, તો પછી આર્થિક લાભાલાભની નોકરી, કારકિર્દીની જ અનામત પૂરતી જીદ શા માટે?

અને ખાટલે મોટી ખોડ જ માણસને ફકત જન્મના લેબલથી માપી, એના ગુણ-કર્મને અવગણવાથી શરૂ થઇ છે. અનામત માટે વળી એ જ જન્મજાત જ્ઞાતિનો સ્ટેમ્પ કપાળે ચીટકાડવો ફરજીયાત બને છે. જે ઓળખ ભૂંસવાની છે, એને ઘાટી બનાવવી પડે છે. એટલે સામાજીક સમરસતા પર લાગેલું તાળું ફકત અનામતની એકલી ચાવીથી ખૂલી જશે, એ ભ્રમ તો આંખ-કાન ખુલ્લા રાખનારાઓ માટે કયારનો ય ભાંગી ગયો છે. ઉલ્ટું નવી પેઢીમાં રિઝર્વેશન વર્સીસ મેરિટનો છૂપો ભેદભાવ, પરસ્પરની નફરત ઘટવાને બદલે પાછી વધી છે!

અન્યાયની દાસ્તાનો પૃથ્વી પરના દરેક દેશમાં છે. પણ કેવળ રાજકારણનું રમકડું બનતી અનામત (અ)નીતિ આપણા જેવી કયાંય અમલમાં નથી. આપણને દરેક તંત્રમાં લાયકાત કરતાં બીજા ધારાધોરણોને જ પ્રાથમિકતા આપવાની બૂરી આદત છે. મુદ્દો અનામત હોવી જ ન જોઇએ, એવો નથી. એના ખામીભર્યા અને લુચ્ચાઇભર્યા અમલનો છે. હવે દલિત રાજકારણ એક ‘સ્થાપિત હિત’ છે. દલિતો જ દલિતોનું શોષણ કરે છે. પછાત ગણાતા વર્ગોમાં ય અંદરોઅંદર પાછા ઊંચ-નીચના જ્ઞાતિભેદ છે.

કેટલા ચોકઠાં પાડવાને છે વધારે? અને આગેવાનોએ શું માત્ર અનામત માટે જ આંદોલનો કરવાના છે? જ્ઞાન મેળવવા, કળા શીખવા સ્વચ્છતા કે મૂલ્યો જાળવવાની ક્રાંતિ નથી કરવાની? વિચરતી- વિમુક્ત ગણાતી ઘણી જાતિઓને આજે ય અપમાન સહન કરવું પડે છે. ખરા જરૂરિયાતમંદોનો કાનુની આટાપાટામાં વારો જ નથી આવતો, ને રાજકીય કાર્યકરો નીચેથી ઉપર ઉઠતા જાય છે.

ઘણાં પછાત વર્ગોમાં કુરિવાજો, સ્ત્રીઓ પ્રત્યેના ગુલામીભર્યા વર્તન, નવી પેઢીને જકડી રાખતી પરંપરાઓ, મારામારી, ગંદકી, કુટુંબ નિયોજન, લુખ્ખાગીરી, અંધશ્રઘ્ધા અને ચોરી કે લૂંટફાટના પણ પ્રશ્નો છે. આગેવાનો એમાં નક્કર કામગીરી માટે કેમ કદી રમકડાંની રેલ્વે પણ રોકવાના આંદોલનો નથી કરતા? માણસ એના કર્તવ્યોથી ઉચ્ચ કે નીચ ગણાય છે. જેમણે ઉમદા કર્તવ્યો કર્યા છે, એમના પગમાં ફરજીયાત એની જાતિ-ધર્મ જોયા વિના પ્રજાએ પડવું પડશે.

ખરો મુદ્દો અનામત પણ નથી. ૨૦૦૮થી સુપ્રિમ કોર્ટે પણ ઠરાવ્યું છે, એમ ‘ક્રીમી લેયર’ છે. એ માટેની સાચી માહિતી આગળ જણાવ્યું તેમ હજુ છે જ નહિં, અને આવે તો કેટલાયના ગરાસ લૂંટાઇ જાય એટલે મેળવવાની કોઇની દાનત નથી. એનો અમલ થાય તો રાજકારણીઓ- ઉદ્યોગપતિઓ- અધિકારીઓના સંતાનોને અનામતનો લાભ મળતો જ બંધ થઇ જાય. ‘ક્રીમી લેયર’આપ્યા વિના, બધાને અનામતનું પાસિંગ સર્ટિફિકેટ જોઇએ છે! કહ્યું ને, નર્યા સ્વાર્થની રેસ છે.

આપણા શાસનને કોઇ બાબતનો કાયમી ઉકેલ મળતો નથી. એને દબાવીને એના પોલિટિકલ ફાયદાઓની જ ગણત્રી ચાલે છે. જે અનામતના આટલા ઢોલનગારા પીટાય છે, એના લાભાર્થીઓના સાચા સત્તાવાર આંકડા જ ન હોય, અને દાયકાઓથી છતાં એ ચાલ્યું જાય- આથી વઘુ કરૂણરમુજી કાંડ શું હોઇ શકે? અને શિક્ષણ તથા નોકરી બંનેમાં ફક્ત જન્મના જોરે અમીર હોવા છતાં એક જ વ્યક્તિ બે વખત અનામતનો લાભ લઇ , કોઈ લાયક ગરીબ સવર્ણનો મૂળભૂત હક બાપદાદાના અન્યાયના બદલારૂપે વગરવાંકે લઇ જાય એ કેવો અન્યાય છે! આ દેશ ક્યારેય એક, અખંડ થાય ખરો?

અનામત એક આવશ્યક દવા હતી. દવા આડેધડ આપવાની ન હોય અને દર્દીને દવાની જ ટેવ પડી જાય, એ સારા નહિં, નબળા આરોગ્યની નિશાની છે. દવા કાયમ ખાવી પડે એ જ રોગ છે.

** ‘ઇતિહાસ સાક્ષી છે કે એથિકસ (મૂલ્યો) અને ઇકોનોમિકસ (નાણાં) જયારે સંઘર્ષમાં ઉતરે છે, ત્યારે વિજય હંમેશા ઇકોનોમિકસનો થાય છે!’ (ડો. આંબેડકર)**

 
118 Comments

Posted by on August 12, 2011 in education, gujarat, history, india, religion, youth

 
 
%d bloggers like this: