૨૦૦૪ની સાલમાં મારી પહેલી વિદેશયાત્રા અમેરિકન સરકારના આમંત્રણથી અમેરિકાની (ગુજરાતી મીડિયા માટેની પ્રથમ અને એકમાત્ર એક્સક્લુઝિવ) મીડિયા ટ્રીપ નિમિત્તે થઇ, એ જિંદગીના યાદગાર અનુભવોમાંનો એક રહ્યો છે. અમેરિકા જવું કોઈ ગુજરાતી માટે નવી નવાઈની વાત નથી, પણ યુ.એસ.સ્ટેટ ડીપાર્ટમેન્ટના ગેસ્ટ તરીકે ફરવું અને અનેક જગ્યાએ જવું/મળવું જેમ કે વોશિંગ્ટન પોસ્ટ કે શિકાગો સન ટાઈમ્સના તંત્રીઓ સાથેની મુલાકાત કે કેપિટલ હિલની ખાસ સફર વગેરે – એમાંથી સાંપડેલા મિત્રો અને અનુભવો હજુ ય પ્રાચીન બ્લ્યુ ચીપ સ્ક્રીપની માફક ડિવિડન્ડ આપતા રહે છે. કોઈ વાર એ યુનિક ટ્રીપ વિષે વધુ વિગતે લખવાની ઈચ્છા ખરી..
પણ હમણાં વધુ એક વાર એ સફરની યાદો દિમાગના સળમાંથી સળવળી ઉઠી. તાજેતરમાં સમાચાર ચમક્યા હતા અખબારોમાં કે અમેરિકાની પ્રેસીડેન્ટને પણ ના ગાંઠતી મહાચાલાક જાસુસી સંસ્થા એફ.બી.આઈ.એ અમરિકામાં રહેતા કાશ્મીરી (વાંચો, પાકિસ્તાની) નાગરિક ડૉ.ગુલામ નબી ફાઈની પાકિસ્તાનની (ભારતની દુશ્મન નંબર એક ) સિત્તેર શિયાળ અને સત્તર સાપ ભાંગીને એક પેદા કરી હોય એવી જાસુસી (વાંચો, ત્રાસવાદી) સંસ્થા આઈ.એસ.આઈ.ના એજન્ટ તરીકે ધરપકડ કરી છે. ફાઈ આઈ.એસ.આઈ. પાસેથી નિયમિત ફંડ મેળવીને એના શેતાની ચરખાના મૂળિયા અમેરિકામાં મજબૂત કરતા હોવાનો આરોપ છે. અત્યારે તો અમેરિકન અદાલતે ફાઈને એક લાખ ડોલરના જામીન પર નજરકેદ રહેવાની શરતે છોડ્યા છે. ફાઈ સમર્થકો કહે છે કે દાક્તરબાબુ તો બાપડા ભલાભોળા સમાજસેવક છે. ફાઈની પહોંચ અમેરિકન રાજકારણમાં એવી હતી કે બંને મુખ્ય પક્ષો રીપબ્લીકન અને ડેમોક્રેટિકને ચૂંટણીમાં ૨૦,૦૦૦ ડોલર જેટલું દાન આપી ચુક્યા હોવાના અહેવાલો છે.
એની વે, ફાઈની અંડરગ્રાઉન્ડ એક્ટીવીટી જે હોય તે, ઓવર ધ ગ્રાઉન્ડ એમની એક પ્રવૃત્તિ હતી – અમેરિકામાં કાશ્મીર પીસ કોન્ફરન્સ યોજીને સ્માર્ટલી ( અને કન્ઝીસ્ટંટલી) ભારતવિરોધી પ્રચાર કરવાની. ફાઈ મૂળ કાશ્મીરમાં જ ભણેલા. ૧૯૮૩થી વિદેશવાસી બનેલા. કાશ્મીર પ્રશ્નનું એક (આપણે ત્યાં જેની ખાસ ચર્ચા નથી થતી એ ) અગત્યનું પરિબળ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરને લીધે ૧૯૪૭થી થયેલું જર્મનીની બર્લિન વોલ જેવું પ્રજાનું પરાણે થયેલું વિભાજન છે. ( આ બ્લોગ પર કરવા ધારેલા કામોમાં એક કાશ્મીર પરની લાંબી લેખમાળા છે- પણ હમણાં તો એ શક્ય નથી.) ફાઈ, એને એકદમ વેસ્ટર્ન માઈન્ડસેટને અનુકુળ ઇમોશનલી રજુ કરી માનવ અધિકારના નામે; આવા પ્રાદેશિક વિભાજન બાબતે ઓલરેડી સોફ્ટ સ્ટેન્ડ ધરવતા શિક્ષિત પશ્ચિમી ભદ્રલોક પર ભૂરકી છાંટવાની પ્રવૃત્તિ ‘કાશ્મીરી અમેરિકી કાઉન્સિલ’ના ઓઠાં તળે કરતા રહેતા.
અમે અમેરિકા હતા ત્યારે સપ્ટેમ્બર ૨૦૦૪માં બુશ બીજી વખત ચૂંટાઈ આવ્યા એ ચૂંટણીના પ્રચાર પડઘમ અંતિમ તબક્કામાં હતા. એ જ વખતે પાટનગર વોશિંગ્ટનમાં વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાતની ચર્ચા વચ્ચે ફાઈની કાશ્મીર પીસ કોન્ફરન્સ હતી. ભારતીય પત્રકારો તરીકે અમને ત્યાં લટાર મરાવવાનું અમેરિકન આઇટીનરી(પ્રવાસની રોજીંદી રૂપરેખા)માં નક્કી થયું. હું તો વળી હજુ એ જ વર્ષના ઉનાળામાં દોસ્તો સાથે દસેક દિવસનો કાશ્મીર પ્રવાસ ( જયારે ત્રાસવાદની બીકે કોઈ કરતુ નહોતું ત્યારે ) કરીને આવેલો એટલે કાશ્મીરનો તાજેતાજો જાતઅનુભવ. અમારા નેપાળી એસ્કોર્ટ પ્રોફેસર શક્તિ આર્યલ અને બે અમેરિકન અધિકારીઓ સંગાથે અમે ૨૪ સપ્ટેમ્બરની સવારે ત્યાં દાખલ થયા.
આખી કોન્ફરન્સ તો એટેન્ડ કરવાની નહોતી. લંચ સુધી રોકાઈ પછી બીજે જવાનું હતું. ફાઈ અરુંધતી રોયબ્રાન્ડ ભારતીય બૌદ્ધિકોને મફત અમેરિકા પ્રવાસ તગડી સુખસુવિધા સાથે હમણાં સુધી કરાવતા રહ્યા છે. જે વક્રદ્રષ્ટા બુદ્ધિજીવીઓ ત્યાં આ.એસ.આઈની કમ્પોઝ કરેલી ધૂન પર બારબાળાની માફક ફરમાઈશી મુજરો કરી, ભારતનું ભરપુર ‘વાટી’ ને પરત આવતા. મફતમાં અમેરિકા જઈ દેશમાં ‘મોટાભા’ ગણાઇ જવાની એમની લાલચથી અમેરિકન મીડિયામાં પાકિસ્તાનનો ખોટો પક્ષ સાચો ચીતરાઈ જતો. એ દિવસે કોન્ફરન્સમાં એ સમયે બ્રિટનમાં પ્રથમ વખત ચૂંટાયેલા મુસ્લિમ સાંસદ ‘લોર્ડ’ નાઝીર અહેમદનું વ્યાખ્યાન હતું.

સ્પીકર્સ, ટોપિક સાથે છેડે કાશ્મીરી અમેરિકી કાઉન્સિલનો પરિચય ધ્યાનથી વાંચો. આપણે કાશ્મીર આપણું છે એવો દાવો ઘેરબેઠા કરીએ છીએ, પણ પાકિસ્તાને એના નામનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ય રચી દીધી, અને બિનહરીફ હોઈ એ અધિકૃત પણ બની ગઈ!
કોન્ફરન્સમાં દાખલ થતાંવેંત એનું લિટરેચર પકડાવી દેવાયું. એમાં ટાઈટલ પર જ કાશ્મીરનો જે નકશો દોરવામાં આવેલો એમાં કાશ્મીરને ખંડિત બતાવવામાં આવેલું. એક્ચ્યુલી, ભારત સરકાર જ પ્રજાને મુરખ બનાવે છે, બાકી જગતે તો પાકિસ્તાને પચાવી પાડેલા ૭૮૦૦૦ ચો કિમીથી વધુ વિસ્તારનું ક્યારનું ય નાહી નાખ્યું છે. આપણે સિમલા કરારમાં એલ.ઓ.સી. કબુલ કરીને બેઠા છીએ, અને એ પીઓકેમાં આપણું ફદીયું ય ઉપજતું ના હોવા છતાં – ટંગડી ઉંચી રાખવા નકશામાં એ પ્રદેશ ભારતમાં છાપીને મૃગજળીયો સંતોષ લઈએ છીએ. પણ ગુલામ નબી ફાઈએ વહેંચેલા સાહિત્યમાં નવો જ ભડાકો હતો. એમાં ભારત પાસે રહેલા કાશ્મીર ( જમ્મુ, શ્રીનગર, ખીણ , લદ્દાખ સહિતનું )ને “IOK’ યાને ઇન્ડિયન ઓક્યુપાઇડ કાશ્મીર તરીકે ખુલ્લેઆમ દર્શાવવામાં આવ્યું હતું!
અંદરનું લખાણ તો એથી ય વધુ ભડકામણું હતું. આખી વાતને સિફતથી ટ્વિસ્ટ કરીને મુકવામાં આવી હતી. કાશ્મીર પર પાકિસ્તાનનો જ અધિકાર હતો, પણ બળજબરીથી મહારાજાને દબાવી ભારત સરકારે એણે અન્યાયથી પચાવી પડ્યું છે, જેમાંથી આપણે POK કહીએ છીએ, તે વિસ્તાર ‘આઝાદ કાશ્મીર’ છે અને બાકીના ભાગને ભારતની ચુંગાલમાંથી આઝાદ કરાવવાનું બાકી છે! પછી લબાણપૂર્વક ભારતીય સૈન્યે ગુજારેલા અત્યાચારોનું ઢાબાના પંજાબી શાક જેવું, છૂટા હાથે મરચું ભભરાવી; મૂળ સબ્જીનો સ્વાદ ભૂલાઈ જાય એવું મસ્સાલેદાર વર્ણન હતું!
જે મુજબ કાશ્મીરનો ઇતિહાસ એમાં ૧૬મી સદીમાં ઇસ્લામી શાસક યુસુફ કાકે અકબરની તાબેદારી સ્વીકારી- અને મહાન ‘કશ્મીરિયત’ પર દિલ્લીની દખલઅંદાજી પ્રથમ વાર શરુ થઇ! પછી રણજીતસિંહ અને ડોગરા સેનાપતિઓએ ‘હિંદુ/શીખ’ સંસ્કૃતિના ‘આક્રમણો’ કર્યા અને અંગ્રેજોએ કાશ્મીરના મૂળ ઇસ્લામિક શાસકોને દબાવી રાખ્યા એની વાત હતી. સિફતપૂર્વક કાશ્મીરનો છેલ્લા ૪૦૦ વરસ પહેલાનો ઇતિહાસ ગુપચાવી દેવામાં આવ્યો હતો! કલ્હણે ‘રાજતરંગિણી’ લખી કે લલિતાદિત્ય નામનો રાજા ત્યાં હતો એવા કોઈ ઉલ્લેખોનું નામોનિશાન જ નહિ! જાણે એક મૂળભૂત ઇસ્લામિક ‘રાષ્ટ્ર’નો ભારત બળજબરીથી કોળિયો કરવા થનગનતું હોય એવું જ ચિત્ર ઉભું થાય! (કસાબ જેવા કેટલાયનું બ્રેઈનવોશિંગ કેવી રીતે થાય એનો આ સોફિસ્ટિકેટેડ સબૂત!) ગુજરાતી સ્યુડો સેક્યુલરો આવી જ ‘સિલેક્ટીવ’ મેમરી ધરાવતા હોય છે અને ‘સ્થાનિક સત્યવાદી’નો બિલ્લો હૃદય પર ચિપકાવી ફરતા હોવા છતાં આવા હડહડતા જાહેર જૂઠાણાં અંગે કદી કોઈ સ્ટેન્ડ લેતા નથી.
એમાં તો એડવિના સાથેના સંબધોને લીધે કાશ્મીરી પંડિત નેહરુએ તત્કાલીન રાજા હરિસિંહ પર માઉન્ટબેટનની મદદથી દબાણ લાવી કાશ્મીર ‘લખાવી’ લીધું હોવાની પણ વાત હતી! (બાપડા સરદારનો એમાં ય શત્રુવટથી ય ઉલ્લેખ નહોતો!) ‘જનમત’નો હવાલો આપી ઇન્ટરનેશનલ કોમ્યુનીટીને ભારતીય સેનાના ‘ભયાનક’ અત્યાચારો સામે અપીલ કરવામાં આવી હતી. ટૂંકમાં આખો ઇતિહાસ એડિટેડ અને ‘વન-વે’ હતો. ગુજરાતી બનાવટી સેક્યુલરશિરોમણીઓની અદ્દ્લોઅદલ નકલ જેવો ! ( આ સિલેક્ટીવ વન સાઈડેડ મેમરી કેટલી ખતરનાક છે, ને આગળ જતાં કેવું વરવું રૂપ ધારણ કરી લે છે , અને પરોક્ષ રીતે ત્રાસવાદીઓના ‘બળતા’માં કેવું ઘી હોમે છે- એનો આ નમૂનો છે.) કાશ્મીર પીસ કોન્ફરન્સના આ ખોટી અને તટસ્થતાના નામે આઈ.એસ.આઈ.ની સ્ક્રિપ્ટ મુજબ જાણ્યે-અજાણ્યે ભાષણ કરનારા ભારતીય પ્રતિનિધિઓ આ લુચ્ચાઈથી ખદબદતા આપણા દેશમાં એક કહેતા એકવીસ હાજર થાય તેમ છે. કહેવાનો મતલબ એવો નથી કે કાશ્મીરમાં ભારતના પક્ષે બધું જ ધોળું છે, પણ જે કાળું છે એનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં ય મોટે ભાગે કાળાનો પ્રતિકાર કરવા જતા સફેદાઈ પર લાગેલા ડાઘ છે – એ કોઈ લીલા/ ભગવા રંગે રંગાયા વિનાનું શુદ્ધ રંગહીન સત્ય છે.
કોન્ફરન્સ અમેરિકન ઢબછબ મુજબ એકદમ ઓર્ગેનાઈઝ્ડ અને ડિસિપ્લિન્ડ હતી. તારસ્વરે લાંબાલચ મેલોડ્રામેટિક ક્વોટ્સ ફટકારતા કોઈ ‘માસ્તર’ ઓફ સેરેમની નહોતા. સ્પીકર્સ ઝેર જ ઠાલવતા હતા પણ જાણે પ્રાર્થના કરતા હોય એટલી શાંતિથી. (કહેવાતા હિન્દુવાદી આગેવાનો સતત ટેન્શનમાં લાલઘૂમ થઈને જ કાશ્મીર અંગે મીડિયા સામે બોલવા આવે, એટલે દુનિયાને દેખીતી ચીડ ચડે એવી ચીસાચીસ કરવા લાગે છે. આ મામલે પાકિસ્તાની રાજદ્વારીઓ વધુ સ્વસ્થ હોય છે, એવું અંગત નિરીક્ષણ છે) વક્તાઓ સસ્મિત , પૂરી સ્વસ્થતા સાથે વિવેકી ભાષામાં મુદ્દાસર રજૂઆત કરતા હતા. કોઈ જ ઈમોશનલ રીલિજીયસ ડ્રામાના કલર વિના. નિયત મિનિટોમાં સ્પીચ પૂરી થઇ જતી હતી. અમેરિકાના અધિકારીઓ ઉપરાંત કેટલાક મહત્વના મીડિયાપર્સન્સ પણ હતા જે ટૂંકો ડાયલોગ કરતા હતા. અન્ડરપ્લેથી પોલીટીકલ ગ્રાઉન્ડ બનવવાના જ દેખીતા પ્રયાસો હતા.
પણ સાચી હકીકતોની જાણકારીને લીધે આ વન-વે બોમ્બાર્ડિંગથી હું કંટાળ્યો. અન્ય સાથી પત્રકારમિત્રો તો કાબેલ હતા એટલે પગ મૂકતાવેંત જ આ તાશીરો કેવો પોલમપોલ છે, એ પારખી ગયા હતા. અને ક્યારના ય ‘પગ મોકળો’ કરવાના બહાને એ રમણીય બિલ્ડીંગમાં આમતેમ ટહેલતા હતા. હું બેસીને કંટાળ્યો એટલે ‘હલ્કા હોને કે લિયે’ બહાર નીકળ્યો. એક યુવાન અમેરિકન ડિપ્લોમેટ સાથે પછી વાતોએ વળગ્યો. એમના સાથીદાર પાક્કા અધિકારી હતા એટલે ઔપચારિક હા-હોંકારા સિવાય ખાસ સ્પષ્ટ વાત કરતા નહોતા. પણ ભારતથી ખાસ પરિચિત નહિ, એવા આ યુવાને કેટલીક પેટછૂટી વાત કરી નાખી.
એમના ઉચ્ચ અધિકારીઓને બે અણુસત્તા (ભારત-પાક) વચ્ચેના આ સમાધાનિયા ‘ઉકેલ’માં રસ હતો. પણ એ યુવાને મને ત્યારે જ કહ્યું કે “અહીં (રાજધાનીમાં) કેટલાક લોકોને નાઈન-ઈલેવન પછી આ કોન્ફરન્સના આયોજકો પર શક છે અને નજર રાખે છે.” પાકિસ્તાનની ચાલાકી જુઓ. ૯/૧૧ પછી લાજવાને બદલે ભવિષ્યમાં આવી ઘટના ના બને અને ‘કાયમી’ શાંતિ સ્થપાય એ માટે કાશ્મીર મુદ્દે ૨૦૦૨થી જ અમેરિકામાં એણે ગાજવાનું શરુ કરી દીધું હતું! સેન્સેટિવ બનેલું અમેરિકા જે થોડું વધુ ઢળે તે !
હું પાછો ફર્યો ત્યારે સાથી મિત્રપત્રકારોએ (કાશ્મીર અંગેના મારા ‘ગનાન’ ને લીધે) મને સવાલ પૂછવા જણાવ્યું. મેં અંગ્રેજીમાં ત્રણ સવાલો લખી , કો-ઓર્ડીનેટરને કાર્ડ પર આપ્યા. એ જ હતા ડૉ. ફાઈ! (એ પરિચય મને ય ત્યાં પાછળથી થયો ) બ્રિટીશ સંસદ નઝીરભાઈ ઉત્તમ અંગ્રેજીમાં લઘુમતીઓ સાથે થતા અન્યાય અંગે કશીક ચર્ચા કરતા હતા, એમની સાથે.
મારા ત્રણ સવાલ કંઇક આવા હતા :
૧ > કાશ્મીરમાં ભારતીય સેનાની જોરતલબીની ચર્ચા થાય છે. પણ એ સેના કંઈ થોડી શોખથી ત્યાં ગઈ છે? સેના મોકલવી પડે એવા હિંસક ઉધામાઓ ત્યાં કેવા અને કેટલા થયા એ અંગે કેમ કોઈ બોલતું નથી? એ ઘટનાઓ બાદ કરીને ફક્ત લશ્કરના ‘રી-એક્શન’ અંગે જ કેમ વાતો કરી તેને વખોડવામાં આવે છે?
૨> કાશ્મીરી પંડિતોની સાથે જે અત્યાચાર થયા, એમને બેઘર કરાયા, ધાર્મિક ઉન્માદમાં એમની સાથે હિંસા-હત્યા-લૂંટફાટ થઇ, એ અંગે કેમ સદંતર ખામોશી છે? એ વાતોનો કેમ કશે પ્રિન્ટેડ સાહિત્યમાં પણ ઉલ્લેખ સુધ્ધાં નથી?
૩> ‘આઝાદ’ કાશ્મીરમાંથી મોટે ભાગે (કારગીલમાં વેશપલટો કરી આવેલા તેમ) સશસ્ત્ર ત્રાસવાદીઓ આવે છે, તો અહીં અમેરિકાને બદલે ત્યાં કેમ સ્થાનિક સ્તરે આ ‘શાંતિપાઠ’ (મતલબ, પીસ કોન્ફરન્સ) કરવામાં નથી આવતો ?
આમાંથી સવાલ નંબર બે લેવાયો. “કાશ્મીરી પંડિતો પણ કાશ્મીરના હમવતની છે, આઝાદી એમના માટે પણ છે. એમને જરૂરથી અમે બોલાવીએ – પણ આવતા નથી. આ લોકશાહી જનમતની માંગ કાશ્મીરીઓ માટે છે, કોઈ મુસ્લિમોની જ નથી.” એવા મતલબનો ટૂંકો જવાબ વિનયથી અપાયો. એમાં સૌજન્ય ભારોભાર હતું. પરંતુ, સત્ય કેટલું હતું એ આપ બધા રીડરબિરાદરો જાણો જ છો. મેં ડિબેટ કરવા આદતવશ મોં તો ખોલ્યું, પણ આવી ચર્ચામાં ફેસબુક પર પણ થાય એમ – ‘મુકો ને માથાકૂટ..શાંતિ રાખોને..શું ચર્ચા લંબાવો છો..હશે, હવે લપ બંધ કરો ને’ પ્રકારના સંકેતો આંખોથી આપી અમારા વડીલ એસ્કોર્ટશ્રીએ મને રોકી દીધો. બે દિવસ પહેલા જ એમની સાથે હોટેલમાં એક મુદ્દે મારી આદતવશ મેં તળિયાઝાટક ચર્ચા કરી હતી, એટલે હું દલીલો શરુ કરીશ તો બધાને નાહક પકાવીશ એવી એમને વાજબી ધાસ્તી હતી! એ કહેતા “જય , યુ નો યોર પ્રોબ્લેમ? યુ નો બિટ ટુ મચ. અધર્સ આર નોટ રેડી ફોર ધેટ. સો યુ હેવ ટુ કંટ્રોલ..”
થોડી વારમાં લંચ બ્રેક એનાઉન્સ થયો. અહીં ડૉ. ફાઈ મને પર્સનલી મળ્યા. હવે તો ફિલ્મોમાં ય બાઘડા જેવા ત્રાસવાદીઓ બતાવવામાં નથી આવતા. ડૉ. ફાઈ ધીમા અવાજે બોલતા, મંદ મંદ સ્મિત કરતા ગરવા જેન્ટલમેન વડીલ જ લાગતા હતા. હું મૂળ વેજ-નોનવેજ ફૂડ બાબતે મૂંઝાયેલો હતો. હજુ અમેરિકા મારા માટે નવું નવું હતું. ટગર ટગર તાકીને વાનગીનો અંદાજ મેળવતો હતો, હતો ત્યાં ઉષ્માપૂર્વક ડૉ. ફાઈ મારી બાજુમાં આવ્યા. ખાલિસ ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં એમણે વાત ચાલુ કરી. ‘યે (અમેરિકન) લોગ નહિ જાનતે, મગર હમ જાનતે હૈ ના , આપ કો તકલીફ કૈસી હોતી હોગી..તહઝીબ ઔર મઝહબી પાબંદી (શાકાહારી હોવાની) ક્યા હોતી હૈ, હમ તો આપસ મેં સમજ સકતે હૈ, ઇન લોગો કો ક્યા માલુમ..” એ મતલબનું બોલી ને હસ્યા.
પછી મારા પંડિતોવાળા સવાલની વાત સામેથી છેડી.(કદાચ એને લીધે જ મારી નજીક આવ્યા હશે) ‘દેખિયે, હમ તો અહેતીયાત બરતના ચાહતે હૈ ઉનકે લિયે ભી..મગર જબ આપ કિ ઇન્ડિયન ગવર્નમેન્ટ હી ઉનકો તબ્જ્જો નહિ દેતી, તો હમ યહાં કૈસે તય કરે કિ કિસકો બુલાયા જાયે. હમે કમ માલુમાત હૈ જરા ઉનકે બારેમે. હિન્દુસ્તાનમેં ભી કમ છપતા હૈ. મગર વો હમારે હી હૈ’ – ચાબખો એમણે સટાકેદાર ફટકાર્યો હતો. પણ શું થાય – વાત તો સાચી હતી એટલે ખમી લેવો પડ્યો.
પછી બીજા દોસ્તો પણ જોડાયા. લંડનના પેલા હસમુખા અને મિલનસાર લોર્ડ અહેમદ સાથે ડૉ.ફાઈએ ગુજરાતી પત્રકારોની પ્રેમપૂર્વક ઓળખાણ કરાવી. (અમરીકન રાજદ્વારીઓને પણ અવગણી એ અમારી પાસે આવી ગયા હતા). હું તાજો જ કાશ્મીર ફરી આવેલો, એ વાત સાંભળી ડૉ.ફાઈ ભાવવિભોર થઇ ગયા. કાશ્મીરની ખૂબસુરતી અને લોકોના મેં વખાણ કર્યા, એટલે એમના અવાજમાં ભીનાશ આવી. એમને મને કાર્ડ આપી કહ્યું કે “તમે પણ અહીં બોલવા આવી શકો હવેના વર્ષોમાં..તમે તો જોયું છે ને અમારું દર્દ…એક પત્રકાર તરીકે તમે ભારતમાં અમારા અહીં વર્ષોથી ચાલતા પ્રયાસો વિષે અવામને જાગૃત કરો..સરકારની માહિતી ખોટી છે, મટીરીઅલ હું આપું..” મેં કહ્યું, “ચોક્કસ બોલું, પણ હું તો મારી સ્પીચ જાતે જ તૈયાર કરું. અને હું ફિલ્ડનો પત્રકાર નથી, પણ નિરીક્ષણો – તારણો મુકતો કટારલેખક છું. કાશ્મીર પર મેં કોઈની બ્રીફ પકડ્યા વિના જે મને સાચું લાગ્યું એ લખ્યું જ છે. પણ બધાને પોતાને મનગમતું અર્ધસત્ય(half truth) સાંભળવું હોય છે, હિન્દુઓને પણ, મુસ્લિમોને પણ. એટલે પૂર્ણસત્ય (whole truth)કહેનારો હું એમાં બહુ ફિટ નથી થતો.”
કોન્ફરન્સ ભલે વન વે હોય, હું દુનિયાને વન વે નથી જોતો. એટલે મેં જે બન્યું એ જ તટસ્થભાવે યાદ કરીને લખ્યું છે. ડૉ. ફાઈ અંગેનું નીર-ક્ષીર સત્ય હવે એફ.બી.આઈ.કહેશે. પણ કાશ્મીર માટેનો એમનો સોફ્ટ કોર્નર એમની તગતગતી આંખોમાં મેં જોયો હતો. એમાં વતનપ્રેમ તો હતો જ. મેં કહ્યું તેમ , એ એકદમ સોફ્ટ સ્પોકન ભદ્ર સીનિઅર ડોક્ટર (કે જે લાયન્સ –રોટરીની મીટીંગમાં જોવા મળે)નું જ વ્યક્તિત્વ રજુ કરતા હતા. કાશ્મીર ફરી જવાની એમની તડપ ઉડીને આંખે વળગે તેવી હતી. (પાક્કું યાદ નથી, પણ ભારત એમને વિઝા આપતું નહોતું – એવી કંઇક વાત હતી અને હવે અહેવાલોમાં છપાયું છે કે એ આઈ.એસ.આઈ.ની મિટીંગો માટે પાકિસ્તાન વારંવાર જતા !)
લંચ પછી દેખીતી ભારતવિરોધી કોન્ફરન્સમાંથી અમે હાશકારા સાથે બહાર આવ્યા. એટલા વરસ પહેલા પણ મને એ જ વિચાર આવેલો કે ISI જગતકાજી ગણાતા દેશોમાં (ત્યાં યુરોપિયન યુનિયનમાં એ વખતે કાશ્મીરી અમેરિકી કાઉન્સિલે કરેલી પહેલનું ફરફરિયું અપાયેલું..જેનો એક ટુકડો અહીં સ્કેન કરી મુક્યો છે) એમના તરીકા મુજબ સ્ટ્રોંગ પાકિસ્તાનતરફી લોબીઈંગ કરે છે. કાશ્મીરના નામે એ સંસ્થાઓ ચલાવે છે, એન.જી.ઓ. તરીકે વર્ષોથી વિદેશમાં મનફાવતો ટ્વિસ્ટ આપી પ્રચાર કરે છે , અને આપણે કૌભાંડો કરતા; સરકારી નિવેદનો સિવાય ઘોરતા રહીએ છીએ. અમેરિકા સાથે પાકિસ્તાને ઘરોબો કેવી રીતે વર્ષોથી કેળવ્યો છે, એનું એક આ સેમ્પલ છે. માનવ અધિકારના નામે બૌદ્ધિકોનું કેવું સાવ એકાંગી વાતોથી ઈમોશનલ બ્લેકમેઈલીંગ કેવા ખતરનાક તત્વોના ઈશારે થતું હોય છે, એનું આ એક (એકમાત્ર નહિ!) દ્રષ્ટાંત છે.

એ વખતે યુરોપમાં પણ કેવો સિફતપૂર્વક કાશ્મીર પ્રશ્ને આઈ.એસ.આઈ. પ્રેરિત સંસ્થાએ પગપેસરો કર્યો હતો, એની તત્કાલીન પ્રેસ્ રિલીઝની ઝલક
અહીં ગુરૂઓ મંચ પર કુદકા મારી પશ્ચિમને ભાંડવામાંથી નવરા નથી થતા. ધર્મપ્રસાર કરવા ત્યાં જાય છે, પણ આવી કશી બાબતો પર ધન કે ધ્યાન કશું આપતા નથી. રાષ્ટ્રપ્રેમના નામે ઘરના ભુવા ને ઘરના ડાકલા જેવા નર્યા સંમેલનો કર્યા કરે છે, પણ રાજદ્વારી સ્તરે ભારત દેશની અસર વધે એ દિશામાં બધાને સાથે લઇ કામ કરવાનું વિઝન જ નથી. ડફોળ હિન્દુવાદીઓ હિન્દી ફીલ્મોના મુસ્લિમ એક્ટર્સને નાહક ભાંડ્યા કરતા, સાવ ખોટ્ટા મામુલી મુદ્દાઓ ‘બ્લાઈન્ડ બાયસ’થી ચગાવીને દેશભક્તિનો સંતોષ લે છે. ડોલર કમાવા ગયેલા શ્રીમંત ભારતીયોમાં કોની ત્યાં પૈસા ખર્ચી, ત્યાંના રાજકારણમાં કાશ્મીર પ્રશ્ને ભારતની ઇન્ફલ્યુન્સ વધે તેવી પ્રવૃત્તિ (જેમ કે વિસ્થાપિત પંડિતો માટે ન્યાયની ગુહાર)– ત્યાં માફક આવે એવા બીબામાં કરવાની તૈયારી હોય છે? ભલે ને, પ્રેસિડેન્ટ ડીનરમાં ફાળો આપીને બો ટાઈ ચડાવી પહોંચી જાય! ફિલ્મસ્ટારોને નચાવવા માટે બોલાવશે, પણ ભારતના પક્ષે બોલવા માટે નહિ! (તો રાઈટરોની વાત જ શું કરવી?)
પૂરું કરતા પહેલા, આ પોસ્ટ એક નાનકડું ઉદાહરણ છે કે કેટલાક અર્ધદગ્ધો માને છે એમ હું કોઈ એકાંગી પૂર્વગ્રહથી અમુકતમુક સ્ટેન્ડ નથી લેતો. ઓફીસના ખર્ચે ટાઈમ-ન્યુઝવીક વાંચીને દુનિયા અંગેનું ગોખેલું રેડીમેઈડ જ્ઞાન ફેંકવાવાળા લેખકોની જમાતમાં પ્લીઝ મને ના મુકશો. મેં ઘણું અંદર ઊંડા ઉતરીને નજીકથી જોયું છે અને ભૂતકાળમા જ જીવ્યા કરવાના પલાયનવાદી શોખને બદલે ઠેકઠેકાણે આવા શબ્દશ: ‘જીવંત’ નોલેજ સોર્સ પામ્યો છું. ગુજરાતના થોડા ભોળા અને ઘણા બદમાશ સેક્યુલારીસ્ટોને મેં એમના દંભ બદલ પડકાર્યા હોય, તો એમાં રઝળપાટના અંતે લાધેલા આવા કંઇક અનુભવસિદ્ધ સત્યો અને સતત આગળનું બીજાને ના દેખાય એવું પારખતા રહેવાની વિકસતી વિચારશીલતા છે – દ્વેષ કે નફરત નહિ.
આ જ ૨૦૦૪ની યાત્રામાં પછીથી શિકાગોના દેવોન વિસ્તારમાં કેટલા ઉમળકાથી સામે ચાલીને અચાનક જ ભારત-પાકિસ્તાનના ગુજરાતી બોલતા મુસ્લિમ મિત્રો મળ્યા હતા, એની સ્મૃતિ અત્યારે ય મારી આંખ સામે તરવરે છે. વર્ષો પછી ઘેર આવેલા દીકરાની પેઠે એ બધાએ જમાડ્યા હતા ને જલસાથી ફેરવીને સાથે મળી ભાવભીની વિદાય આપી હતી. ત્યારે ત્યાં ભારત-પાકિસ્તાન-હિંદુ-મુસ્લિમ જેવા કોઈ ભેદ વિના નર્યા પ્રેમનો જ અભિષેક થયેલો! એ ય અનાયાસ…ગુજરાત રમખાણો/ગોધરાકાંડવાળા ઝખ્મો હજુ તાજા હોવા છતાં..એવો જ સુખદ અનુભવ મારો કાશ્મીરમાં છે,
પણ, વાત છે ISIની ! જેની કાશ્મીર peace (પીસ = શાંતિ) કોન્ફરન્સ તો કાશ્મીર piece (પીસ = ટૂકડા) કોન્ફરન્સ જ હતી..! ૨૦૦૪માં પરત આવી મેં આ ઉલ્લેખ કરેલો. જે-તે જવાબદારોને લખેલું. પણ અહીં કોણ આવી વાતો ને ગંભીરતાથી લે છે? (સિવાય કે બ્રેઇનવોશ થતા ધર્માંધો!) અંતે છેક ૨૦૧૧માં આ ભોપાળું બહાર આવ્યું!
ને હજુ ય એને કોણ ગંભીરતાથી લે છે?