૨૫,૦૦૦+….
આજે અચાનક ધ્યાન ગયું કે ‘પ્લેનેટજેવી’ને મળતી હિટ્સ/વ્યુઝનો આંકડો ૨૫,૦૦૦ને કૂદાવી ગયો છે, અને હજુ બ્લોગ શરુ કાર્યને બે મહિના પણ પૂરા નથી થયા ! (આમાં નેચરલી મેં પોતે કરેલી વિઝિટ્સ કાઉન્ટ નથી થતી હોતી.:P). ક્રેડિટ ગોઝ ટુ…ના ના આત્મશ્લાધા કરી જાતે જ બરડો પંપાળવાના બરાડા પાડવા માટે આ લખ્યું નથી. 😀 ક્રેડિટ ગોઝ ટુ યુ ઓલ, માય લવ, માય રીડરરાજ્જાઓ અને રાણીઓ 🙂 એટલે ફરીને તમારો ઋણસ્વીકાર કરવા કૃતજ્ઞભાવે લખું છું.
અગાઉ લખી ચુક્યો છું, એમ બ્લોગ શરુ કરવા માટેની ઘણી પૂછપરછ છતાં હું તો સમયના અભાવે ટાળતો હતો. હુસેનસાહેબને ખાતર ઇત્તેફાકન બ્લોગર બની ગયો. શરૂઆતમાં તો ખાસ કંઈ એક્ટિવ નહોતો જ. પણ તમે બધા એ રીતસર સાંબેલાધાર પ્રેમના વરસાદમાં નવડાવી દેતો અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો! ને મને ‘પોરહ’ ચડાવ્યો ! 😛 અત્યારે ૧૬-૧૭ પોસ્ટ્સ છે. ૭૦૦થી વધુ તો કોમેન્ટ્સ છે અને ૨૦૦-૩૦૦થી વધીને રોજીંદા વ્યુઝની એવરેજ ૬૦૦-૮૦૦ની રહે છે. એક દિવસે તો ગત રવિવારે ૨૪ કલાકમાં ૧૫૦૨ હિટ્સ હતી!
ફરી વાર, આ એટલે લખું છું, કે કોઈ વાચકની માફક હું પણ આ બાબતે મુગ્ધ આશ્ચર્ય અનુભવું છું..ને એ સરપ્રાઈઝ તમારી સાથે ના વહેંચું તો કોની સાથે શેર કરું , ભલા? બ્લોગશાસ્ત્રના કેટલાક સ્ટાન્ડર્ડ રૂલ્સ / નિયમો છે. એમાંથી ભાગ્યે જ કોઈનું હું પાલન કરું છું. અહીં હાઈએસ્ટ હિટ્સ મેળવનારી પોસ્ટ્સ અનુક્રમે લોંગેસ્ટ / લાર્જેસ્ટ હોય છે સાઈઝમાં ! મતલબ, આ તમારો પ્યાર બેસુમાર છે. મારી ઈચ્છા છતાં હું વ્યક્તિગત આભાર માની શકતો નથી..એ શક્ય જ નથી, સંખ્યા જોતા..આ વન-વે પ્રચારાત્મક પ્લેટફોર્મ નથી. Q & A વાળો થ્રેડ પણ અહીં છે જ (ને એમાં પુછાયેલા સવાલો ના જવાબો- ભલે મોડા પણ ચોક્કસ મળશે.) જે બાબત માટે હું સોશ્યલ નેટવર્કિંગ પર આવું છું , એ ફન ઉપરાંત વાચકો સાથે લાઈવ કોમ્યુનિકેશનનું હકારાત્મક પ્લેટફોર્મ પણ છે.રેશમા માટેનું ફંડ હોય કે ગુજરાતી સાયન્સ ફિક્શન – આ બ્લોગ ખરા અર્થમાં ઇનોવેટિવ અને ઇન્ટરએક્ટિવ બની શક્યો છે – આપ બધાના સહકારથી.
પણ, મેં કહ્યું તેમ આંનદમિશ્રિત ગૌરવ કે ગૌરવમિશ્રિત આનંદની વાત એ છે કે ‘કોઈ વાંચતું નથી’ના રીડિયારમણમાં કેટકેટલા દોસ્તો મને વાંચવાની તસ્દી ઉઠાવે છે! હું એક વર્નાક્યુલર કહેવાતી (કોઈ રાષ્ટ્રીય કે વૈશ્વિક નહિ) ભાષાનો ખાસ સીનિઅર નહિ એવો એક અન્ય કોઈ નોકરી ના કરનારો ફુલટાઈમ લેખક-વક્તા છું. નથી કોઈ સેલિબ્રિટી રાજકારણી, ઉદ્યોગપતિ, ક્રિકેટર કે ફિલ્મસ્ટાર ! પણ ‘ટાંટિયાખેંચ’ માટે તત્પર ટાંચણીના ટોપકા જેટલા જૂઠા લોકોના તેજોદ્વેષ સિવાય…ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ એટલા બધા તરફથી તો ચાહત જ મળી છે.કદાચ, ગુજરાતી બ્લોગવિશ્વમાં ઐતિહાસિક ગણાય એવી વિક્રમસર્જક – જેના ઘડવૈયા આપ છો. માત્ર નેટ પર જ નહિ, એથી ય વધુ આપણો રિસ્પોન્સ વાસ્તવિક વિશ્વમાં પણ મળતો રહે છે. મારી સજ્જતાને વધુ ને વધુ બળ મળે છે એમાંથી.
એની વે, આ તબક્કે કેટલાક મહત્વના મુદ્દા ઝપાટાબંધ જોઈ લઈએ :
* આ બ્લોગ મારો ‘ગુજરાત સમાચાર’ના કટારલેખક, વક્તા જય વસાવડાનો એકમાત્ર અધિકૃત બ્લોગ છે.
*અહીં મન તો ઘણું ય લખવાનું હોય પણ મારી પ્રવાસોની વ્યસ્તતા અને ગુજરાતી ટાઈપ ના આવડતું હોઈ (ગૂગલ ટ્રાન્સલીટરેશનમાં આ બધું ટાઈપ કરતા દમ નીકળી જાય છે, એક તો મારું ટાઈપીંગ જ નબળું …એમાં હું જે લખું છું એ અંગ્રેજી ટાઈપથી ગુજરાતી કરવું સહેલું નથી..કેટલાય શબ્દોમાં ઘણી વાર લાગે છે. જોડણીમાં ય ક્ષતિ રહી જાય છે :P), નિયમિત રહી શકતો નથી, તો ક્ષમસ્વ. પ્રયત્ન હશે જ ઘણું આપતા રહેવાનો , ને અવનવા આઈડીયાઝ પણ હજુ ઘણા છે મનમાં. માટે ક્યારેક દિવસમાં બે પોસ્ટ્સ હોય, તો ક્યારેક દિવસો સુધી કશું ના હોય એ શક્ય છે.
* આ બ્લોગને સભાનપણે છાપામાં અત્યારે છપાતા લેખોનું ઇન્સ્ટન્ટ મ્યુઝિયમ નથી. હા, સમયાનુસાર જુના લેખો જરૂર મુકું છું અને મુકતો રહીશ- પણ એ તાજા છપાયેલા લેખના એક્સટેન્શન રૂપે કે સાંપ્રત ઘટનાક્રમને અનુરૂપ. એમાં ય એણે નવેસરથી મઠારું છું અને સમય ફાળવીને સજાવું પણ છું.
*ફરી વાર, કોમેન્ટ્સ હું બધી જ અચૂક વાંચું જ છું. તરત તમામનો જવાબ આપવો અશક્ય છે. પ્રયાસો કરું છું. દરગુજર કરવા વિનંતી. બધી જ કોમેન્ટ્સ રસથી વાંચું છું, અને ગમે તેવા મતભેદની હોય એપ્રુવ પણ કરું છું. (હું તો સેટીંગ્સ ઓપન રાખવાના જ મતનો છું, પણ રીતસરની ગાળાગાળી અંગે કેટલાક મિત્રોએ ચેતવેલો હોઈ, એપૃવલની કડાકૂટ કમને રાખી છે.) સમય મળે ત્યારે વ્યક્તિગત જવાબો પણ આપું છું. મક્કમ ને ઉગ્ર ચર્ચા ય કરું છું, જ્યાં મારી વાત / વિગત સાચી લાગે ત્યાં. પણ કોમેન્ટ્સ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાતી નથી, એ ખાતરી રાખજો. માટે હોંકારો આપતા રહેજો બાપલિયા!
*આ બ્લોગનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી. હજુ તો પૂરી બે આંકડામાં પણ પોસ્ટ્સ નથી- પણ ખ્યાલ આવી જશે કે એના મેઘધનુષી રંગોની રેન્જનો. એમાં કીટ્સ પણ છે, ને કાલિદાસ પણ. હેરી પોટર પણ છે અને ઇન્શાલ્લાહ પણ. ભારતીય સંસ્કૃતિનો ખજાનો છે અને વિજ્ઞાનવિહાર પણ. તદ્દન પર્સનલ વાતો/યાદો પણ છે અને સ્થાનિક/ આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ. આ મારી જ મલ્ટીકલર સેલ્ફ્નું રીફ્લેક્શન છે અને રહેશે.
*આ બ્લોગ પરની તમામ સામગ્રીનો પૂર્વ પરવાનગી અને ક્રેડિટ વિના કોઈ પણ પ્રકારનો ઉપયોગ ના કરવા ખાસ અનુરોધ છે. મિત્રો સાથે ઓનલાઈન / ઓફલાઈન શેરિંગ માટે આ બ્લોગની જ લિંકનો ઉપયોગ આસાનીથી થઇ શકે છે.
*’ફોલોઅર’ બનવાની પૃચ્છા કરતા ઘણા મેઈલ / મેસેજીઝ આવે છે. વર્ડપ્રેસમાં એ માટે ‘સબસ્ક્રાઇબ‘ શબ્દપ્રયોગ છે. નવી પોસ્ટ્સ અંગે તમારા મેઈલમાં જ નોટીફીકેશન એમાં સિમ્પલી મેઈલ આઈડી મુકવાથી મળે છે. ‘ગ્રીનકાર્ડ’ના નામે જમણી બાજુ એની લિંક છે જ. આ સુવિધા તદ્દન મફત છે. દરેક વખતે નવી બ્લોગપોસ્ટ અંગે અન્ય પ્લેટફોર્મ પર લખ્યા કરવું મને રૂચતું નથી, ને એટલે ક્યારેક હું એ વિષે લખતો પણ નથી. છતાં ય, બને ત્યાં સુધી ફેસબુક – ટ્વીટર પર મુકું છું.
*બ્લોગ પરના ચિત્રો / ફોટોગ્રાફ્સ મારા પણ છે, મારા જંગી કલેક્શનમાંથી પણ છે. નેટ પરણી ‘પરબ’માંથી પણ છે. એ સહુ સર્જકોનો નતમસ્તકે ઋણસ્વીકાર કરું છું.
*હું ભૂલપ્રૂફ નથી. નોર્મલ ઇન્સાન છું.પંણ હમેશા ભૂલ સુધારવા બાબતે ઓપન છું. ધ્યાન ખેંચશો તો ગમશે. બહુ ટેકનીકલ જાણકારી પણ મારી નથી. સુચનો-માર્ગદર્શન પણ આ ‘ગ્રહ’ને વધુ બેહતર બનાવવા આવકાર્ય છે.
અને છેલ્લે….
તમને આ ‘સિલ્વર જ્યુબિલી’ બદલ મારે ય કશુંક વળતા વાટકીવહેવારમાં આપવું જોઈએ ને! ચાલો, ગુજરાતના હવે નિવૃત્ત એવા ધુરંધર કાર્ટુનિસ્ટ દેવ ગઢવીના કસબનો કમાલ! ૨૦૦૫માં હું ઈટીવીના સંવાદનું એન્કરિંગ કરતો હતો ત્યારે મને અનેક મહાગુજરાતી મહાનુભાવોના યાદગાર ઇન્ટરવ્યૂઝ કરવાનું સૌભાગ્ય મળેલું. એમાં પોતાની મુલાકાત પછી અત્યંત રાજી થયેલા ગઢવીસાહેબે મારું એક કાર્ટૂન ઉત્સાહભેર તત્કાલ દોરી આપ્યું હતું. (આમ તો હું જ દેખાવે ને સ્વભાવે એક જીવતુંજાગતું કાર્ટૂન છું, એટલે મારું તો પોટ્રેટ કહેવાયને 😉 lolzzz)
લો માણો ત્યારે…(ત્યારે મારી કાયા વધુ ફેટ્ટી હતી ને બચ્ચનના વહેમમાં બલ્ગેરિયન કટ ગોટ્ટી ય હતી :D)