RSS

Daily Archives: August 2, 2011

ઈન્શાલ્લાહ…….રમઝાન મુબારક !

શ્રાવણ માસ શરુ થયો અને સાથે જ રમઝાન માસ. ભારતીય વારસાનું સેક્યુલારિઝમ ‘સર્વધર્મ-અભાવ’નું પશ્ચિમી નહિ – સર્વધર્મસમભાવનું મૌલિક છે. પૂર્વની બે સંસ્કૃતિ-પ્રાર્થનાપદ્ધતિના બે સર્વાધિક પવિત્ર મનાતા અને ઉપવાસ (એટલે માત્ર ભૂખ્યા રહેવું એમ નહિ, રોજીંદી કડાકૂટ છોડી ભીતરમાં ઊંડા ઉતરી ધ્યાનમગ્ન થવું!)નું મહાત્મય કરતા મહિનાઓનો સંગમ !(એમ તો હમણાં જૈન ધર્મના પર્યુષણ પણ આવશે!)મહાદેવની મહાક્વીઝ રીવિઝીટ કર્યા બાદ ચાર વર્ષ પહેલાના ગુજરાતી ભાષામાં આ ઉમદા ઇસ્લામિક શબ્દ પર મેં, યાને એક બિનમુસ્લિમે લખેલા સંભવતઃ પ્રથમ અને એકમાત્ર લેખનું રિવિઝન 🙂

લીબિયાની એક લોકકથા છે :

એક વાર બધા પક્ષીઓએ યાત્રા માટે ઉડવાનું નક્કી કર્યું, સભા કરી, અને છેલ્લે ઠરાવ પસાર કરીને કહ્યું ‘કાલે સવારે આપણે ઉડીએ છીએ, ઈન્શાલ્લાહ !’

ઈન્શાલ્લાહ એટલે જો માલિકની, ઉપરવાળાની, ભગવાનની મરજી હશે તો !

કૂકડાએ આ વાતનો વિરોધ કર્યો, કહ્યું : સવારે ક્યારે ઉઠવું એ જગત મારી મરજીથી નક્કી કરે છે, તો પછી ક્યારે ઉડવું એમાં અલ્લાહની મરજીનું શું કામ ?

બધા પંખીઓએ કહ્યું કે ‘અલ્લાહની મરજી વગર પાંદડું પણ ન હલે !’ કૂકડાએ કહ્યું ‘હું તો મારી મરજીને ઓળખું, એ માટે અલ્લાહ સુધી અરજી કરવાની મને જરૂર લાગતી નથી.’

કહેવાય છે કે તે દિવસથી કૂકડો ઉડી શકતો નથી !

*

આ કૂકડા જેવો લીબિયામાં અલીખાન નામે જોરાવર સુલતાન. મોટું લશ્કર, અફાટ ખજાનો, અનાજના ભંડાર… એને થતું કે આ બઘું મેં મારી શક્તિ અને લાયકાતના જોરે મેળવેલું છે. હું ધારું તે કરી શકું… એકવાર દુશ્મનોએ શહેરને ફરતે ઘેરો ઘાલ્યો. ઘમંડી અલીખાન પોતાની અજૈય તાકાત પર મુસ્તાક હતો. એનું સંખ્યાબળ દુશ્મનો કરતા ચારગણું હતું. પણ લડાઈ શરૂ થઈ કે અચાનક અલીખાનના દાવ અવળા પડવા લાગ્યા. દુશ્મનો જીતી ગયા. અલીખાને જીવ બચાવી ચીંથરેહાલ દશામાં એકલા ભાગવું પડ્યું.

અંતે મજૂરી કરતા કરતા દૂર દેશના એક ખુદાઈદાદ નાઝના બાદશાહના લશ્કરમાં એક જમાનાનો સુલતાન અલીખાન મામૂલી સૈનિક તરીકે જોડાયો. એક વાર ખુદાઈદાદે થોડા સૈનિકોને સાથે રાખીને એક જબરી ફોજને હરાવી દીધી. એ સૈનિકોમાંના એક અલીખાનને નવાઈ લાગી. એણે ખુદાઈદાદને પૂછ્‌યું: ‘આવું કેમ બને ? જેનું લશ્કર મોટું હોય એ જ જીતવો જોઈએ, પણ એ હારી કેમ ગયો ?’

ખુદાઈદાદે કહ્યું : ‘ના, સંખ્યાથી નથી જીતાતું, પણ ખુદા જેને જીતાડવા ચાહે તે જીતે છે. ઉપરવાળો પડખે હોય તો એકલો માણસ આખા લશ્કરને હરાવીને જીતે છે.’

અલીખાને ખુદાઈદાદની શિખામણ બરાબર ગળે ઉતારી લીધી. એ એકલો જંગલમાં ચાલ્યો ગયો. દિવસ-રાત માલિકની બંદગી કરી. એક દિવસ એના અંતરમાંથી અવાજ ઉઠ્યો : જા, પાછો તારે દેશ જા. ‘ઈન્શાલ્લાહ’ કહીને એ રવાના થયો. સરહદ પર સિપાઈઓએ એને રોક્યો. અલીખાને મક્કમતાથી કહ્યું: મને હૂકમ છે કે મારે આગળ વધવું : સિપાઈઓએ પૂછ્‌યું : કોનો ? કયા બાદશાહનો ?

અલીખાને કહ્યું : ‘બાદશાહોના બાદશાહનો !’

અને હિંમતભેર પોતાની ઓળખાણ આપી. કહ્યું કે, ‘અગાઉં હું બાહુબળ પર મુસ્તાક હતો, હવે માનું છું કે અહીં આવ્યો એમાં અલ્લાહની કંઈકે ઈચ્છા હશે.’ સિપાઈઓ પોતાના જૂના સુલતાનને જોઈ ભાવવિભોર થઈ ગયા. નવા સુલતાનથી એ પણ ત્રાસેલા હતા. બળવો થયો, અલીખાન ફરીથી સુલતાન બન્યો.

* * *

રમણલાલ સોનીએ અનુવાદ કરેલી આ વાર્તા કેમ યાદ આવી ગઈ ? કારણ સીઘુંસાદું છે, એક જ શબ્દનું : ‘ઈન્શાલ્લાહ ! જગતની કોઈ પણ સંસ્કૃતિમાં શોધાયેલા કેટલાક ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ શબ્દોમાંનો એ એક શબ્દ છે. માનવજાતને મળેલી સોગાત છે. ત્રાસવાદ અને જડતાને લીધે દૂનિયાભરમાં બદનામ એવા ઈસ્લામમાં જે કેટલીક બેહદ ખુબસુરત બાબતો છે- એમાંનો એક આ અચળ શ્રઘ્ધા અને અડગ આત્મવિશ્વાસના ફુવારા જેવો શબ્દ છે!

મૂળ. તો કુરાનના મક્કામાં રચાયેલા ૧૮માં સુરા ‘અલ કહાફ’ (કેવ-ગુફા)ની ૧૧૦ આયાતો પૈકી ૨૩-૨૪મી આયાતમાં આ જાદૂઈ શબ્દનો સુર પડઘાય છે. ‘અને ક્યારેય એમ ન કહો કે હું આવતીકાલે (કે હવે પછી) આમ કરીશ ને તેમ કરીશ… ઉપરવાળાનો સ્વીકાર કરીને (પોતાની મરજી જાહેર કરતા પહેલા) બોલો ‘જો અલ્લાહની ઈચ્છા હશે, તો હું….’ – આ બહાને (વાતેવાતમાં નમ્રતાથી) સર્જનહારને યાદ કરો.’

આવા વિચારો અને સબ્દપ્રયોગો ‘ફેઈથ’ના ઓક્સિજન પર ટકેલા ધર્મમાત્રમાં જોવા મળે છે. અરેબિક શાસન નીચે રહી ચૂકેલા વિસ્તારોમાં પણ આવા સ્થાનિક શબ્દપ્રયોગો છે. સ્પેનિશમાં ‘ઓજાલા’ અને પોર્ચુગીઝમાં ‘ઓક્ઝાલા’ જેવા શબ્દો છે, જેનો અર્થ ‘ગોડ વિલિંગ’ કે ‘આઈ હોપ, આઈ વિશ’ એવો થાય છે. મોટી ઈચ્છા કે જીંદગીની ખુશહાલ વાતોને જાહેર કરતી વખતે લાકડાને અડવાની કે ટચવૂડ કહેવાની જાણીતી પશ્ચિમી માન્યતા છે. જેમાં સરવાળે તો કોઈ અદીઠ શક્તિનો ૠણસ્વીકાર કે અજ્ઞાત કારણોસર અચાનક બઘું છીનવાઈ જવાનો ભય જવાબદાર છે. અપભ્રંશ થયેલી અરેબિકમાં ‘લો સો લ્લાહ’ જેવો લોકબોલીનો શબ્દ છે. ખ્રિસ્તી વાક્યપ્રયોગ ‘ગોડ ફોરબિડ’ જગજાહેર છે. ભારતમાં તો ‘ઈશાવાસ્યમ્‌ ઈદમ્‌ સર્વમ્‌’ ( ઈશ્વરની જ ઈચ્છિત આ સકળ સૃષ્ટિ છે) ના ભાવવાળું અનોખું ‘ઈશાવાસ્યઉપનિષદ’ રચાયું છે. ‘હરિઈચ્છા બલિયસી’નું સંસ્કૃત ભૂલાઈ ગયું હોય તો પણ ‘દેવી કૃપા’, ‘સાંઈ કૃપા’, ‘પ્રભુ કૃપા’, ‘હરિ કૃપા’ જેવા મકાનો ક્યાં ઓછા છે ?

મતલબ, આ વાતનો સ્પિરિટ કંઈ નવતર નથી. નવકારમંત્રથી બુઘ્ધમ શરણમ્‌ ગચ્છામિ સુધી આ અર્થ વિશ્વભરની પ્રજાઓમાં પ્રગટતો રહ્યો છે. પણ એ ફિલસૂફીને એક જ શબ્દમાં ઢાળીને લોકપ્રિય બનાવવાની ક્રેડિટ નેચરલી ‘ઈન્શાલ્લાહ’ને આપવી પડે. જાહેરાતોમાં જેમ એક-બે શબ્દોનું કેચી સ્લોગન અમર બની જાય, એમ ધાર્મિક મુસલમાનોની આદતને લીધે ઇન્શાલ્લાહ શબ્દ ટકી રહ્યો છે. પાકિસ્તાનના ઈન્ઝમામ જેવા ખેલાડીથી લઈને ઝરદારી જેવા ખંધા ખેલાડી વાતેવાતમાં ટીવી પર ટપકીને અલ્પવિરામ કે પૂર્ણવિરામ જગ્યાએ ઈન્શાલ્લાહ બોલ્યા કરે છે. સો ટચનો સેક્યુલર ગણાય એવા ‘આર્યન’ના પિતા શાહરૂખખાનને પણ આ ટેવ છે.

પણ સઈદ અનવર અને શાહરૂખના ઈન્શાલ્લાહ વચ્ચે ભારત- પાકિસ્તાન જેટલો જ તફાવત છે. ઓસામા બિન લાદેન ઈન્શાલ્લાહ બોલે ત્યારે એના માટે એ પાક મુસલમાન તરીકેની ફરજ છે (!) ધાર્મિક આદેશ છે. આવું કરવાથી ખુદાની વઘુ નજીક જઈને જન્નત મેળવી શકાય એવી આચારસંહિતાનું અનુસરણ છે. હાથમાં માળા ફરતી હોય અને આંખો ટીવી પર ફરતી હોય એવો એક આદતવશ થતો કર્મકાંડ છે. ‘જય ભવાની’ બોલીને ચંબલના ડાકુઓ લૂંટવા જતા, એમ ‘ઈન્શાલ્લાહ કહીને કાશ્મીરના ત્રાસવાદીઓ માસૂમોની કતલ કરવા નીકળી પડે છે. એમના બોમ્બવિસ્ફોટ જો અલ્લાહની મરજીથી થતા હોય તો પછી અમેરિકાની ધોકાબાજી પણ અલ્લાહની મરજીથી જ થતી હશે એવું સ્વીકારવું પડે.

માટે સ્તો લાદેનના ‘ઈન્શાલ્લાહ’માં ફક્ત એક આદત છે. અલ્લાહની મરજીના નામે તાલિબાનો ફક્ત પોતાની મરજી મારકૂટ ને જોરતમબીથી ચલાવતા હતા. આવા જગતકાજીઓ શબ્દોમાં ઈન્શાલ્લાહ ભલે બોલે, અલ્લાહના ઓઠાં નીચે હૃદયમાં એમની ઈચ્છાએ, વાસનાઓ, લાલસાઓ એમણે પૂરી કરવી હોય છે. (વારંવાર મોડી પડતી ‘ઈરાકી એરવેઝ’ ઉર્ફે ‘આઈ.એ.’ને મજાકમાં મુસાફરો ‘ઈન્શાલ્લાહ એરવેઝ’ કહેતા !)

પણ શાહરૂખ ટાઈપના ઈન્સાનોનું ઈન્શાલ્લાહ ફકીરી મસ્તીવાળું છે. અણધાર્યું, અચાનક, અઢળક સુખ મળી જાય એ જીરવી શકાય અને છકી ન જવાય એ માટેનું ‘ચેક પોઈન્ટ’ છે. ટેન્શનનું પ્રેશર હળવું કરવાનો, ચિંતા ખંખેરી નાખવાનો સેફ્ટી વાલ્વ છે. આસમાની સુલતાનીમાં આનંદની સાથે અભિમાન પણ અણધાર્યું આવી જતું હોય છે. ત્યારે ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા… શકટનો ભાર જેમ શ્વાન તાણે’ જેવું થઈ જતું હોય છે. ગાડાં નીચે ચાલતું કૂતરું ગાડું પોતાને લીધે જ ચાલી રહ્યો હોય એવો ફાંકો રાખે છે. કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ વોહી બાણ.

માણસ સફળ નથી થતો, એનો સમય સફળ થતો હોય છે. બી.આર. ચોપરાની વક્ત ફિલ્મ યાદ છે ને ? બઘું સમુંસૂતરું છે એવા કેફમાં પરિવારના મોભી પાર્ટી રાખીને બેઠા હતા, અને એક ભૂકંપ આવ્યો એમાં બે દસકા સુધી આખા કુટુંબના તાણાવાણા વીંખાઈ ગયા ! મોટે ભાગે ઉપરવાળાની થપાટ ખાધા પછી જ એની મરજીને માન આપવાનું લોકોને યાદ આવતું હોય છે. હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર આમ જુઓ તો સાવ ક્ષુલ્લક હોય… પણ એટલી પળમાં બાજી ઉંધી વળી શકે, પ્યાલો છટકી શકે, પીણું ઢોળાઈ શકે, હોઠ દાઝી શકે ! વક્ત કી હર શહ ઔર માત…..

માટે સ્તો ઈન્શાલ્લાહ સર. ઝૂકાવવા માટે છે, સર ઉઠાવવા માટે નથી… કર્મણ્યેવાધિકાસ્તે, મા ફલેષુ કદાચન…ની નમ્રતા એમાંથી પણ પ્રગટે છે. કર્મ આપણા હાથમાં છે, એનું ફળ ઈશ્વરના હાથમાં છે… આગે રબ કી મરજી !

* * *

મોબાઈલ કંપનીઓ ન્યુ ઈયર વિશના એસએમએસનો ચામડાફાડ ચાર્જ લગાડી ઉઘાડેછોગ શોષણ કરે, તો પણ પબ્લિક નવું વરસ સુખદ જવાની શભેચ્છાઓ ભેટીને, હાથ મિલાવીને, મેસેજ કરીને, કાર્ડ લખીને, ફોન કરીને આપતી રહે છે. બાપડા માનવપ્રાણીઓ ! બધા ઉત્સાહથી વિશ કર્યા કરે છે, પણ એમાંના કેટલાના વીતેલા વર્ષો હેપ્પી હેપ્પી ગયા ? વન્સ અગેઈન, રિમેમ્બર નરસિંહ મહેતા- ‘જે ગમે જગતગુરૂ જગદીશને, તે તણો ખરખરો ફોક ગણવો !’….. આપણો ચિંતવ્યો કંઈ અર્થ સરતો નથી. આખી જીંદગીનો હરખ ભેગો કરી લેવાના સંકલ્પો લેનારાનું બેલેન્સશીટ કાઢો, તો એમાં હરખનું બાષ્પીભવન થઈ ગયું હશે અને નરી હતાશાનો હિસાબ બાકી હશે ! કદાચ, ઈન્શાલાલાહ બોલવાનું ભૂલાઈ ગયું હશે?… કદાચ એ યાદ રહે એ માટેની આ ખુદાઈ કરામત હશે ? પ્લીઝ, મદમાં આવીને ‘હું કરી નાખીશ’ બોલતા પહેલા જરા મનમાં બોલજો. ઈન્શાલ્લાહ.

મેન પ્રપોઝીઝ, વુમન ડિસ્પોઝિસ. સોરી, ગોડ ડિસ્પોઝિસ. નસીરૂદ્દીન શાહની એક ઉમદા ફિલ્મ ‘યૂં હોતા તો ક્યા હોતા’ દરેક તહેવાર ટાણે યાદ કરી લેવાની જરૂર છે. ભારતમાંથી અલગ- અલગ સંજોગોમાં ચાર અલગ- અલગ પાત્રો ડ્રીમ ડેસ્ટિનેશન ગણાતા અમેરિકામાં ભરપૂર મુશ્કેલીમાં પહોંચે છે. આખી જીંદગીના સંઘર્ષ પછી હવે અમનચૈન હાથવેંતમાં લાગે છે. વતનમાં બધા રાજી છે. એમની સાથે એક પત્ની પણ જેમતેમ કરીને પતિને મળવા અમેરિકા પહોંચે છે. એક પાત્રને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઓફિસમાં ધાર્યું કામ મળે છે. એ રાજી છે. બીજા પાત્રો ફ્‌લાઈટમાં બેસે છે. પેલી ગમાર જેવી ગભરૂ પત્ની પોતાની બેવકૂફીથી પ્લેનમાં બેસવાનો બોર્ડિંગ પાસ ખોઈ નાખે છે. સિક્યોરિટીમાં એની ધરપકડ થાય છે. પ્રેક્ષકને થયું આ એક ડફોળ રહી ગઈ, બાકીના ઉડીને સુખી થઈ ગયા…..

…ને એ જ પ્લેનનું ત્રાસવાદીઓ અપહરણ કરે છે. પ્રેયસીને વચન આપી ઉડેલો જુવાન, બે દસકા પછી પોતાની આખી જીંદગીની મજૂરીના રૂપિયા પર પહોંચેલા બાપ-દીકરી…આ બધા સહિતનું પ્લેન નાઈન- ઈલેવનની સવારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટિ્‌વન ટાવર પરની ઓફિસ પર ત્રાટકે છે… ઓફિસમાં બેઠેલો પેલો યુવાન અને બાકીના સપનાને ઝંખનારાઓ તમામ… ખતમ ! ને પેલી બાઘી લાગતી સ્ત્રી પોતાની ભૂલના પરિણામે ફ્‌લાઈટમાં ન ચડવાથી બચી જાય છે. બોલો, મરજી માણસની ચાલે છે કે વિધાતાની ?

માત્ર એક લીટીના વિચાર પરથી નસીરને આ ફિલ્મ બનાવવાનું સુજ્યું હતું : લાઈફ ઈઝ વૉટ હેપન્ડ ટુ યુ, વ્હેન યુ પ્લાન સમથિંગ ઍલ્સ…..તમે કશુંક આયોજન કરતા હો, ત્યારે અણધાર્યું તમારી સાથે જે (સારું કે ખરાબ) બને એનું નામ જીંદગી ! પછી અફસોસ કે અચરજ અહેસાસ કરતા રહેવાનો… યૂં હોતા, તો ક્યા હોતા…..

અલબત્ત, સાવ નેગેટિવ બની જવાની જરૂર નથી. બી રિયાલિસ્ટિક. ઇન્શાલ્લાહ ખમીરવંતો શબ્દ છે. આપણી જવાબદારી ભગવાનના શિરે છોડીને આપણા હાથમાં જે શ્રેષ્ઠ હોય, એ કરી બતાવવા ઝઝૂમવાનો આત્મવિશ્વાસ એમાંથી પ્રગટ થવો જોઈએ. પરાજયની નિષ્ક્રિયતા નહિ ! હશે, ભગવાનને ગમ્યું તે ખરું કહીને બેઠા રહેવાનું નથી, પણ પ્રયત્નની નિષ્ફળતાનો અપરાધભાવ ખંખેરી ફરી ઈન્શાલ્લાહ આગેકદમ કરવાનું છે… ક્યારેક કદાચ કોઈ કહી દેશે : આમીન ! તો, મહત્વ શબ્દનું નહિ, સર્વશક્તિમાનને થતા સમર્થનનું છે. એ થાય તો… માશાલ્લાહ !

ઝિંગ થિંગ !

અપને મન કા હો તો અચ્છા, લેકિન અપને મન કા ન હો તો જ્યાદા અચ્છા ! …..(ક્યોં કિ તબ ભગવાન કે મન કા હોતા હૈ !)

– હરિવંશરાય બચ્ચન

 
29 Comments

Posted by on August 2, 2011 in education, philosophy, religion

 
 
%d bloggers like this: