RSS

Daily Archives: August 1, 2011

મહાદેવની ‘મહા’ કવીઝ !

શ્રાવણ માસ શરુ થઇ ગયો છે. મુસીબત એ છે કે બાવાઓ અને નેતાઓએ સાથે મળીને સૌથી વઘુ ઉદાત્ત વૈચારિક – તાર્કિક ભૂમિકા ધરાવતા ભારતીય દર્શનનું શાહૂકારી પેઢીમાં રૂપાંતર કરી નાખ્યું છે. આખો દિવસ ઘાલમેલ કરી સાંજે શિવમંદિરે એક લોટી દૂધ ચડાવો કે છૂટ્ટા! આખું વરસ ગામગપાટા, સૈરસપાટા અને આટાપાટા રમીને એક મહિનો દાઢી વધારી એકટાણા કરીને બિલીપત્રની થોકડી મહાદેવના મંદિરે મૂકો કે પવિત્ર!

આવી ધાર્મિકતાની સુવાસ ચંદનના એસેન્સ જેટલી પણ નથી હોતી. સમજયા – વિચાર્યા વિના જ કર્મકાંડો કર્યે જવાના અને વાંચ્યા – અનુભવ્યા વિના જ સંસ્કૃતિની ગૌરવગાથાનો નશો વગર ભાંગે ધૂંટતો જવાનો! આપણી માયથોલોજીના સવાલો કેબીસીમાં આવે તો ‘ટપ્પો’ પડતો નથી, અને ગ્રીક ટાઈટન કે થોર પર ફિલ્મો બની જાય છે!

શ્રાવણિયા સોમવારે જ નહિ, આખો મહિનો હવે તો શિવજીની વ્રતકથાઓ, બોધકથાઓ, તીર્થકથાઓ છપાયા કરે છે. ભોલેનાથ ગણાતા આ ભગવાનના નામે ખાસ્સી છૂટછાટ મળે છે. ખાસ કશા વિધિવિધાન વિના પણ એના શરણે જઈ શકાય. એના મંદિરોમાં પણ બહુ નીતિનિયમો કે ઠાઠઠઠારા ન હોય. પણ શિવ માત્ર એક આકૃતિ કે ઈશ્વર નથી. એ એક સાયન્ટિફિક કોન્સેપ્ટ છે! નટરાજનું તાંડવ પાર્ટિકલ ફિઝીકસનો કોસ્મિક ડાન્સ છે, અને અનાદિ મહાકાલમાં બ્રહ્માંડના આદિ તથા અંતના ભેદ છે. ઈશ્વરના ય ઈશ્વર ગણાયેલા શંભુના નામે પચ્ચીસ – પચ્ચાસ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ બને એટલી રસિક કથાઓ, ઉપકથાઓ જોડાયેલી છે. ઓમ નમઃ શિવાયની સિરિયલો દ્વારા શંકરને ઓળખનારા સમાજ માટે જ્ઞાનનું ત્રીજું નેત્ર ખોલ્યા વિના કરવી પડે એવી દિમાગી કસરત માટે અહીં હાજર છે. ભોલેબાબા સાથે સંકળાયેલી વિગતોમાંથી તૈયાર કરેલી એક કવીઝ… વાંચો, અને વિચારો કે ભોળાનાથ અંગે આપણા જીવનું ભોળપણ કેટલું છે?

યોર ટાઈમ સ્ટાર્ટસ.. નાઉ!

(૧) પ્રાચીન વેદગ્રંથોમાં શિવશંકરના પરચાનો ખાસ ઉલ્લેખ નથી. એમાં ‘‘શિવ’’નો અર્થ ‘કલ્યાણ’ એવો થાય છે, પણ આ સર્વેશ્વરને એક એવા નામથી ઓળખવામાં આવ્યા છે, જેનો અર્થ તોફાન, ઝંઝાવાત, કાળ, ક્રોધ, પ્રકૃતિનો કોપ એવો થઈ શકે. એ નામનું સ્વરૂપ દિતી સાથે મળીને સંતાનરૂપે મરૂત પેદા કરે છે, અને એની આંખનું આંસુ પૃથ્વી પર આજે પણ પવિત્ર ગણાય છે. આ વૈદિક શિવસ્વરૂપનું નામ શું?

(૨) શિવજીના નામ સાથે અભિન્નપણે જોડાયેલો ‘ત્ર્યંબક્મ યજામહે સુગંધી પુષ્ટિ વર્ધનમ્‌’ વાળો મહામૃત્યુંજયમંત્ર પણ એક વેદસંહિતાનો જ ભાગ છે. કઈ સંહિતાનો?

(૩) ભોળા શંભુ ઝટ પ્રસન્ન થઈને ફટ વરદાન આપી દે. વાયકા મુજબ ભસ્માસુર નામના રાક્ષસને એમણે વર આપ્યું કે એ પોતાનો હાથ જે કોઈની માથે મુકશે, એ બળીને ભસ્મ થઈ જશે. ‘ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી’નું સૂત્ર સમજાવતી ‘સ્પાઈડરમેન’ ફિલ્મ ન જોઈ હોઈને ભસ્માસુર શિવની જ પાછળ પડયો! અંતે વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરી ભસ્માસુરને રિઝવ્યો અને નારી પાછળ ફના થતા કોઈ પણ દીવાનાની જેમ ભસ્માસુર પોતાના જ માથે હાથ મૂકીને બળી મૂઓ! આડકથા એવું કહે છે કે, પછી મોહિનીરૂપ ધારી વિષ્ણુ અને શિવના સમાગમથી ‘હરિહરપુત્ર’ પેદા થયો! કેરળનું ‘મોહિનીઅટ્ટમ’ નૃત્ય જેને સમર્પિત છે, એવા આ હરિ – હર – પુત્રનું બહુ ગાજેલું નામ કયું?

(૪) રામ અને પરશુરામથી લઈને શહાબુદીન રાઠોડના ટૂચકાઓ સુધી શિવજીનું ધનુષ ખાસ્સું સુખ્યાત બન્યું છે. ટૂંકો ને ટચ સવાલ : શિવધનુષનું નામ શું?

(૫) શિવતાંડવ અને શકિતપીઠ પાછળની કથા બહુ જાણીતી છે. શિવના પ્રથમ પત્ની મહારાજ દક્ષ પ્રજાપતિના પુત્રી હિન્દી ફિલ્મોનાં ઠાકુર જેવા દક્ષને ઘૂર્જટિ (ભભૂતધારી) જમાઈ દીઠ્ઠો ન ગમે! દક્ષના યક્ષમાં શિવની અનિચ્છા છતાં શિવપત્ની ભૂતગણો સાથે ગયા અને પિતા દ્વારા પતિનું અપમાન સહન ન થતાં, યજ્ઞમંડપમાં જ પોતાના પ્રાણની આહુતિ દઈ દીધી. આ ખબર જાણ્યા પછી પ્રિય પત્નીનો મૃતદેહ ખભે ચડાવીને શિવે ત્રિલોકને ધ્રુજાવતું તાંડવ શરૂ કર્યું અને એમની સંહારક મુદ્રામાંથી સર્વનાશ રોકવા વિષ્ણુએ સુદર્શનચક્ર ધુમાવી પત્નીના મૃતદેહના ૫૧ ટૂકડા કર્યા – જે ભારતમાં જયાં પડયા ત્યાં એક શકિતપીઠ રચાઈ… ના, કયા અંગની શકિતપીઠ કયાં એવો સવાલ નવરાત્રિમાં.. અત્યારે ઈઝી કવેશ્ચન : શિવના એ પ્રથમ પત્નીનું જાણીતું નામ?

(૬) નૃત્યકાર શિવની ‘નટરાજ’ મુદ્રા તો ભાવિકો જ નહિ, દુનિયાના કળાકારો અને વિજ્ઞાનીઓને પણ અખૂટ ચિન્તન કરવા પ્રેરે છે. અમેરિકાના મ્યુઝિયમમાં મોજૂદ એવી કાંસાની નટરાજપ્રતિમા હોય કે આપણા ઘરમાં રહેલો શોપીસ… દરેકમાં એક અસુર જેવા ઠીંગણી આકૃતિ પર પગ મુકીને નટરાજ નૃત્ય કરતા હશે. એ આકૃતિનું નામ?

(૭) કૈલાસપતિને રિઝવવા માટે રાવણે હિમાલય ઉંચકીને રચી કાઢેલું શિવતાંડવ સ્તોત્ર થેન્કસ ટુ અરવિંદ ત્રિવેદી એન્ડ આશિત દેસાઇ, આજે શિવમ્હિમ્નઃ સ્તોત્રથી પણ વઘુ લોકપ્રિય છે. સવાલ જરા ટ્‌વીસ્ટેડ છે. આ શિવતાંડવ કયા છંદમાં છે?

(૮) ‘મહાભારત’માં અર્જુન અને શંકરનો સામસામે ભેટો બે વખત થાય છે. એક વખત વરાહના શિકારમાં ‘કિરાત’ (ભીલ સરદાર)નું રૂપ ધારણ કરી શિવ અર્જુનનો મદ ઉતારી તેને હંફાવે છે. બીજી વખત કૈલાસમાં યુદ્ધ માટેના અસ્ત્રોશસ્ત્રો મેળવવા શિવભક્ત બનેલા અર્જુનને શિવ પ્રસન્ન થઇ એક વિશિષ્ટ શકિતશાળી અસ્ત્ર ભેટ આપે છે. કયું અસ્ત્ર?

(૯) બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (સંરક્ષક) અને શિવ (સંહારક)ની હિન્દુ ધર્મના પાયારૂપ ‘ત્રિમૂર્તિ’ દાર્શનિક અભ્યાસનો વિષય રહી છે. પુરાણો એવું કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુને એક વાર શિવના સંપૂર્ણ સ્વરૂપનો તાગ લેવાનું મન થયું. ત્યાં શિવ અગ્નિના એક સ્તંભરૂપે પ્રગટ થયા. શૂન્યાવકાશમાં એ સ્તંભ જોઇ એનો છેડો શોધવા વિષ્ણુએ નીચે જવાનું શરૂ કર્યું અને બ્રહ્માએ ઉપર…. પણ અનંત યાત્રા પછી પણ આ શકિતજવાળાનો અંત ન મળતાં બંનેએ શિવને અનાદિ, સ્વયંભૂ માનીને વંદન કર્યા. સવાલ એ છે કે આ શોધ માટે બન્નેએ કયા પશુપંખીનું રૂપ ધારણ કર્યું હતું?

(૧૦) શિવ – પાર્વતી અને એમના લગ્ન માટે નિમિત્ત થનાર કામદેવ- રતિની કથા ખૂબ જાણીતી છે. ખાસ્સી જદ્દોજહત અને મહેનતમુશ્ક્કત પછી (આજની ભાષામાં ‘ફિલ્ડિંગ’ પછી) અંતે શિવને સ્વામી બનાવનાર પાર્વતીના પિતા તો હિમાલય (હિમવાન) હતાં, પણ એમના માતા યાને ભોલેનાથના સાસુજી કોણ?

(૧૧) શિવપુત્ર ગણેશ જેટલા પ્રસિદ્ધ થવાનું નિર્માણ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન) માટે થયું નથી. આમ તો તારકાસુરના વધ માટે શિવે કાર્તિકેયનું પાંચ માથા સાથે સર્જન કર્યું હોવાની કથા છે. પણ કવિ કાલિદાસે શિવ-પાર્વતીના દાંપત્ય પ્રેમનું અદ્દભૂત વર્ણન કરતું કાવ્ય લખ્યું છે. કાલિદાસની આ બેનમૂન ઇરોટિક રચનામાં શિવ-પાર્વતીના આદર્શ યુગલના સાયુજ્ય અને પ્રથમ કુમાર કાર્તિકેયના ગર્ભાધાન અર્થે પ્રણયક્રીડાનું વર્ણન છે, જેના માટે એ શ્રાપિત થયાની પણ દંતકથા છે. નામમાં જ જેની ‘થીમ’ છૂપાયેલી છે એવી આ રચના કઇ?

(૧૨) હળાહળ કાલકૂટ વિષ ગળામાં રાખીને નિલકંઠ બનનાર જટાધારી શિવની જટામાં ગંગા, ગળામાં નાગ, હાથમાં ડમરૂ, શરીરે ભભૂતિ, વ્યાઘ્રચર્મ, સત્વ- રજસ- તમસના ત્રણ ગુણો ધરાવતું ત્રિશૂલ આ બઘું શારીરિક વર્ણન અને પ્રતીકો જગજાહેર છે. સવાલ એ છે કે શિવના કપાળે રહેલો ચંદ્ર કેટલામા દિવસનો ચંદ્ર છે? (નેચરલી, પૂનમનો તો નથી જ!)

(૧૩) શિવ વિશ્વભરમાં એક એવું પૂજાનું સ્વરૂપ છે, જેની ચોક્કસ આકાર કરતાં ઉર્જાના રૂપમાં આરાધના વઘુ થાય છે. માટે શિવપ્રતિમા કરતાં ‘શિવલિંગ’ વઘુ જોવા મળે છે. પૌરૂષના પ્રતીકરૂપ લિંગ સ્વરૂપે પૂજાતા શિવ જ પાછા પુરૂષ- પ્રકૃતિ અને શિવ-શકિત (પ્રોટોન- ઇલેકટ્રોન?)ના અખંડ યુગ્મરૂપ ‘અર્ધનારીશ્વર’ રૂપે પણ પૂજાય છે. શિવનું જ તાંત્રિક સ્વરૂપ ભૈરવરૂપે પૂજાય છે. શિવપૂજાની પરપંરાના ઐતિહાસિક પુરાવારૂપે અઢળક મૂર્તિઓ અને ચિત્રો મળી આવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિની હાલ પાકિસ્તાનમાં રહેલી કઇ આર્કિયોલોજીકલ સાઇટ પરથી શિવનું ચિહ્ન ધરાવતી પ્રાચીન મુદ્રા મળી આવી છે?

(૧૪) ‘ચૈતન્ય જ આત્મા છે…. જ્ઞાન બંધન છે… યોનિગર્ભ અને કળા એ શરીર છે… શકિત ચક્રના સંધાનથી વિશ્વનો સંહાર થઇ જાય છે’ આ શબ્દોથી સ્વયં શિવના મુખેથી કહેવાયેલું કયુ સૂત્ર શરૂ થાય છે? (હિન્ટઃ એ નામના અનુમાન માટે કોમન સેન્સ કાફી છે!)

(૧૫) શિવ યુદ્ધકથાઓમાં સદૈવ અપરાજીત છે. એમને ‘રામેશ્વરમ્‌’ની કાંઠે રેતીનું લિંગ બનાવી રામ પણ ભજી શકે અને રાવણ પણ! એને ઇન્દ્ર જેવા દેવતા કે આદિ શંકરાચાર્ય જેવા મનુષ્ય પણ ભજી શકે. હિન્દુ ધર્મની વિખ્યાત આખ્યાયિકામાં શ્રીકૃષ્ણના વેવાઇ પક્ષે રહેલો અને એમની સામે લડેલો રાક્ષસ પણ શિવભક્ત હતો! એ કોણ?

(૧૬) શિવમંદિરમાં રહેલા કચ્છપ (કાચબા) પર ભાગ્યે જ કોઇનું ઘ્યાન જાય છે, પણ ત્યાંનો નંદી આબાલવૃદ્ધને ગમે છે. નંદીના નામે અનેક રમૂજી કથાઓ પણ છે. મૈસુરનો વિરાટ નંદી તો સાક્ષાત્‌ શિવ મંદિરથી પણ વઘુ જાણીતો છે. તમામ દેવી-દેવતાઓ, અસુરો, પશુ-પંખીઓ, નવ ગ્રહો અને મનુષ્યો દ્વારા પણ પૂજાતા શિવના મંદિરમાં આ પોઠિયો વાયુ તત્વનું નિરૂપણ કરે છે. તો તંત્ર મુજબ શિવ સદ્‌યોજત, વામદેવ, અઘોર, તત્પુરૂષ અને એષણાના પાંચ મંત્રોનો દેહ છે. પણ ત્રિપુંડધારી શિવનું એક નામ ‘ત્રિપુરાંતક’ છે. એકબીજાની ઉપર તરતા સોના, ચાંદી અને તાંબાના ત્રણ આસુરી શહેરોને એક જ બાણમાં વીંઘ્યા હોવાને કારણે! કયા વિખ્યાત રાક્ષસશિલ્પીએ આ જાદૂઈ નગરો બનાવ્યા હતા ?

– તો રીડરબિરાદર, કહો કૈસી રહી? હજુ તો શિવ સહસ્ત્રનામથી લઇને મહાશિવરાત્રિ સુધીની વાતો રહી ગઇ! પણ સોળ સોમવાર જેવા આ સોળ સવાલમાંથી કેટલો સ્કોર થયો? ન થયો હોય તો પણ ડોન્ટવરી… આ બધી તો માહિતી છે. ખરી ખોજ તો શિવતત્વની અનુભૂતિની છે! આજેય બાબા અમરનાથની ફિલ્મથી લઇને અમરનાથની શિવલિંગની સચ્ચાઇના વિવાદ સુધી શંકર તો સમાચારોમાં સ્થાયી જ છે! પણ જેને પૂજીએ એના વિશે કશુંક જાણીએ તો ખરા! તે હવે માણો સાચા જવાબો:

*

*

*

*

*

*

*

(૧) રૂદ્ર

(૨) શુક્લ યજુર્વેદ સંહિતા

(૩) અય્યપ્પા

(૪) પિનાક

(૫) સતી

(૬) અપાસ્મારપુરૂષ (અજ્ઞાનનું પ્રતીક)

(૭)પંચચામર (સુધારા માટે મિત્ર પ્રહલાદ જોશીનો હાર્દિક આભાર )

(૮) પાશુપત

(૯) વરાહ (વિષ્ણુ), હંસ (બ્રહ્મા)

(૧૦) અપ્સરા મેના (હિમવતી)

(૧૧) કુમારસંભવમ્‌

(૧૨) પંચમીનો

(૧૩) મોહેં જો દરો

(૧૪) શિવસૂત્ર

(૧૫) બાણાસુર (કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધની પ્રેયસી- પત્ની ઓખાનો પિતા)

(૧૬) મયદાનવ

(જરાતરા સહજ ફેરફાર સાથે પાંચેક વર્ષ અગાઉનો લેખ)

 
49 Comments

Posted by on August 1, 2011 in heritage, india, religion

 
 
%d bloggers like this: