દુનિયા બે ભાગમાં વહેંચાયેલી હતી.(દુનિયા હંમેશા ‘ડિવાઇડેડ’ જ હોય છે ‘યુનાઇટેડ’ હોતી નથી !) કાળા અને ગોરા, સવર્ણ અને દલિત, ઉમરાવ અને આમઆદમી જેવા બે ભાગ હતા. એક અજાયબ છૂપી દુનિયા હતી વિઝાર્ડસ અને જાદૂગરોની. આ હાથચાલાકીના ખેલ નહોતા ‘ગિફ્ટેડ’ પ્રકારના જીનિયસ લોકો હતા. સદીઓ પહેલાના ચાર મહાન જાદૂગરોએ ‘હોગ્વર્ટસ’ નામની સ્કૂલ સ્થાપી હતી. ગોડ્રિક ગ્રિફિનડોર, હેલ્ગા હફલપફ, રોવેના રેવનક્લો અને સાલાઝાર સ્લાયથેરીન. સમય જતાં વ્યક્તિગત રસરૂચિ મુજબ ભાગીદારોમાં મતભેદ થયો. વિદ્યાર્થીઓના પણ ભાગલા પડ્યા. જે બહાદુર હતા એ ગ્રિફિનડોર હાઉસમાં ગયા. જે પ્રખર બુદ્ધિશાળી હતા એ રેવનકલો જૂથમાં રહેતા. સ્લાયથેરીનમાં માત્ર ‘શુદ્ધ લોહી’ના ખાનદાની વિદ્યાર્થીઓ ભણતા યાને પેઢીઓથી જેમની રગોમાં વિઝાર્ડસનું કુલીન લોહી વહેતું હોય ! અને વધેલા બધા હફલપફમાં ! સાલાઝાર શાળા છોડીને ચાલ્યો ગયો, કારણ કે એ શેતાનિયતના પ્રતીક સાપનો પૂજારી હતો, સાપની ભાષા સમજી શકતો હતો, અને દ્રઢપણે કોઈ ચુસ્ત ધાર્મિક ભક્તની માફક ‘પ્યોર બ્લડ’માં માનતો. જતા પહેલા એ એક ‘સિક્રેટ ચેમ્બર’ (ગુપ્ત ભોંયરૂં) બનાવતો ગયો, જે એનો વારસ જ ખોલી શકે અને એમાં એક એવો રાક્ષસ હોય જે ‘મગલૂ’ યાને વિઝાર્ડ (જાદુગર) ન હોય એવા સામાન્ય માણસોની કૂખે જન્મેલા સ્ટુડન્ટસનો ખાત્મો કરે ! એને રોકી શકે એવી માત્ર ગ્રીફિનડોરની તલવાર હતી.
હજારો વર્ષ વીતી ગયા. સાલાઝાર (પોર્ટુગલમાં વાસ્તવમાં આ નામનો એક સરમુખત્યાર હતો)ના વંશમાં ઉચ્ચ પરંપરા જાળવવાનું એક માહાત્મ્ય હતું કે, એક તબક્કે (મામા- ફઈના સંતાનો પરણે એમ) સગોત્ર લગ્નો પણ થતા, પણ કૂળ ભ્રષ્ટ ન થવું જોઈએ ! ક્રોધી સ્વભાવનો માર્વોલો એમાં ૧૮ વર્ષની દીકરી મેરોપી અને હિન્સક મવાલી જેવા દીકરા મોરફિન સાથે રહેતો. મેરોપી પાસે વડવા સાલાઝારનું લોકેટ વારસામાં હતું, એ પણ એક જાદુગરણી હતી.
એક દિવસે મેરોપીની નજર એના ઘર પાસેથી પસાર થતા સ્થાનિક જાગીરદાર જેવાના દીકરા ટોમ રિડલ અને એની ગર્લફ્રેન્ડ પર પડી. મગલ યાને માણસ (જાદુગરોની નજરે સરેરાશ, બેવકૂફ પ્રાણી !) એવા ટોમ રિડલને જોઈને મેરોપીના દિલમાં કુછ કુછ થવા લાગ્યું. ટોમને અલબત્ત મેરોપીનું મકાન પણ નહોતું ગમ્યું. સીધી રીતે ટોમ રિડલ પોતાના પ્રેમપાશમાં વશ નહિ થાય, એમ માનીને મેરોપીએ જાદૂના જોરે ‘લવ પોશન’ (પ્રેમ પીણું !) બનાવ્યું અને છુપી રીતે રોજ એ ટોમને પીવરાવતી હતી. લવ પોશનની અસરમાં ટોમ મેરોપીને ચાહવા લાગ્યો. બંને ઘર છોડીને ભાગી ગયા. ભારે ઉધામા કરનાર મેરોપીના પિતા માર્વોલો અને ભાઈ મોર્ફિનને જેલની સજા થઈ. આઝકાબાનની ટાપુ પરની ભયાનક કાળકોઠરીમાં એ બંધ થયા. રોમેન્ટિક પેરેડાઇઝમાં જીવતા ટોમ સાથેના સંસારમાં મેરોપી પ્રેગનન્ટ થઈ.
મેરોપી ટોમને ભરપુર ચાહતી હતી. ૧૮ વર્ષની એની જંિદગી પિતા મોર્વોલોએ જેલ જેવી અંધારી અને એકાંત બનાવી હતી. હવે એને પોતાની પાંખોથી ઉડવા મળ્યું હતું. મેરોપી રોજ જાદૂઈ લવ પોશનના ડોઝ આપતી એટલે ટોમ પણ એની પ્રેમજાળમાં ગૂંથાયેલો રહેતો. પણ સગર્ભા મેરોપીને કદાચ થયું કે હવે તો ટોમ આજીવન બંધનમાં જોડાઈ ગયો છે. કદાચ એને થયું કે શુદ્ધ પ્રેમમાં છેતરપીંડી ન હોય કદાચ એ જાદુગરણી મટીને પતિની માફક માણસ બનવા માંગતી હતી. વી ડોન્ટ નો, પણ મેરોપીએ ટોમ રિડલને નિખાલસતાથી સાચી વાત કહી દીધી. લવ પોશન આપવાનું બંધ કર્યું.
પણ સચ્ચાઈ ટોમથી જીરવાઈ નહિ એ ઘૂંધવાઈ ઉઠ્યો. મેરોપીને દગાખોર કહીને એને છોડી ચાલતો થયો. મેરોપીનું હૃદય ભાંગી ગયું. એની ભૂલ તો હતી, પણ અપરાધ કબૂલ કરવા જતાં એ ગુમાવી દીઘું. જેના માટે અપરાધ કર્યો હતો ! રિડલ ક્યારેય પાછો ન ફર્યો, મેરોપીને જીવનમાંથી એણે ભૂંસી નાંખી. લાચાર મેરોપી પિતાને ઘેર આવી જ્યાંથી એને જાકારો મળ્યો. હડઘૂત થઈને સગર્ભા મેરોપી ભિખારણની જેમ લંડનની સડકો ઉપર ફરતી થઈ ગઈ. ખાવા માટે એણે વડવા સાલાઝારનું લોકેટ વેચી નાંખ્યું. ટોમે તો કદી એની સામે જોયું પણ નહિ. પિતા માર્વોલોએ પણ એ જ કર્યું. મેરોપી ધારે તો જાદુવિદ્યાના જોરે અઢળક પકવાન અને ભવ્ય મહેલ પેદા કરીને આરામથી રહી શકે તેમ હતી. પણ કોણ જાણે કેમ, લવ પોશનવાળી વાત પછી મેરોપીએ કદી જાદૂનો પ્રયોગ જ ન કર્યો. સામાન્ય સ્ત્રીની માફક ચૂપચાપ વેદના વેઠતી રહી. એક રાત્રે મેરોપીએ અનાથાશ્રમનો દરવાજો ખખડાવ્યો ત્યાં એણે પોતાના દીકરાને જન્મ આપ્યો. એ ધારત તો દીકરાના ઉછેર માટે જીવી શકત. (અને તો દીકરાનું ભાવિ નેચરલી કંઈક જુદું ઘડાત) પણ પોતાની તકલીફોથી થાકેલી મેરોપીને કદાચ હવે કોઈની જીંદગીમાં રસ નહોતો.
પુત્ર જન્મના એક જ કલાક પછી મેરોપીએ જીવન સંકેલી લીઘું મરતા પહેલાં એક ઇચ્છા પ્રગટ કરી :તાજા જન્મેલા બાળકનું નામ ટોમ માર્વોલો રિડલ રાખજો ! કેવું અજાયબ ? પોતાના જીવનના આખરી અંશને મેરોપીએ એ જ બે પુરુષોના નામ આપ્યા જેના તરફથી એને સૌથી વઘુ દુઃખ મળ્યું હતું ! પિતા માર્વોલો અને પતિ ટોમ રિડલ !
ટોમ માર્વોલો રિડલ ઉર્ફે ટોમ રિડલ જુનિયર અનાથાશ્રમમાં મોટો થયો. મા-બાપનો પ્રેમ તો ન મળ્યો, પણ ટોમ એટલો બધો એકલપેટો બન્યો કે એને કોઈ દોસ્તો જ નહોતા ! કૌટુંબિક જીવનનો સ્વાદ એણે ચાખ્યો જ નહોતો પણ ટોમ અસામાન્ય તેજસ્વી હતો. માના ખાનદાનનો સાપની ભાષા ઉકેલવાનો વારસો તેની પાસે હતો. પ્રખર જાદૂગર થવાના તમામ મોસાળ પક્ષના લક્ષણો ધરાવતા ટોમનો ચહેરો અદ્દલોઅદ્દલ એના પિતા જેવો હતો ! પોતાની ટેલેન્ટનું ટોમને એટલું અભિમાન હતું કે બાકીનાને મગતરા સમજી, એમની સાથે વાત કરવામાં પણ એને ખુદનું અપમાન લાગતું.
એક દિવસ હોગ્વર્ટ્સ શાળાના શિક્ષક ડમ્બલડોરની નજર ટોમની તેજસ્વીતા પર પડી અને ટોમને અનાથાશ્રમની સ્કૂલમાં લઈ ગયા. જાદુવિદ્યાની આ ભેદી પ્રાચીન સ્કૂલની કલ્પનાના સીમાડાઓ વીંધી નાંખે એવી અચરજભરી દુનિયા હતી ! ગાતી ટોપી સજીવ ચિત્રો, ઉડતી માછલીઓ, નાચતી સીડી, તરતી મીણબત્તીઓ, ઝાડૂ ઉપર ઉડવાનું અને ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ તથા છોડવાઓ સાથે રમવાનું ! એક બાળક ‘એમ્યુઝ’ થઈ જાય, અચંબામાં આંખ પહોળી કરે એ બઘું જ !
પણ ખામોશ ટોમ આવું બાળસહજ વિસ્મય ગુમાવી બેઠો હતો. એને ડાર્ક આર્ટસ (મેલી વિદ્યા)માં રસ પડતો હતો. હોગ્ઝવર્ટસના ઇતિહાસનો એ સૌથી તેજસ્વી વિદ્યાર્થી નીવડ્યો એને પોતાનું બહુ જ કોમન એવું નામ ‘ટોમ’ ગમતું નહોતું. એને જ્ઞાન ગમતું કારણ કે એને લીધે એની સેકન્ડહેન્ડ કપડામાં હોવા છતાં બીજાઓ વચ્ચે નોંધ લેવાતી. એણે ચાલાકીથી કદી ખુલતી એના વડવા સાલાઝારની ‘ચેમ્બર ઓફ સિક્રેટ્સ’ ખોલી નાંખી (અને હેગ્રીડ નામનો ડમ્બલડોરનો કદાવર વફાદાર એના માટે આરોપી ઠરતાં, એને હોગ્વર્ટસની બહાર ધકેલી દેવાયો !) પણ એના પિતા એક મગલૂ યાને ઇન્સાન હોઈને એની કોઈ માહિતી ત્યાં ન મળતા નિરાશ થયો. પણ એને ભૂતકાળની ખબર પડી.
૧૬ વર્ષની ઉંમરે ટોમ રિડલે પોતાની મા જાદૂગરણી હતી, એટલે એને છોડી જનાર પિતાને કાયર કહી એનું નામ પડતું મૂક્યું (જે અલબત્ત માએ જ એને આપ્યું હતું !) અને જગતભરના જાદુગરોમાં પ્રભાવ પાડે એવું નવું નામ પસંદ કર્યું : લોર્ડ વોલ્ડેમોર્ટ ! ફ્રેન્ચ ભાષામાં ‘વોલ-ડે-મોર્ટ’નો અર્થ થાય ને ‘મૃત્યુ સામેની લડાઈ’ ! નોર્વે અને ડેન્માર્કની ભાષાઓમાં ‘વોલ્ડ’ એટલે હંિસા. લેટિનમાં ‘વાલ્ડે’ એટલે મજબૂત, જોરાવર, યુરોપની પ્રાચીન ભાષાઓમાં ‘મોર્ટ’ એટલે શેતાની, ઇવિલ.
નામ મુજબના જ કામ ટોમ મોર્વોલો રિડલ ઉર્ફે વોલ્ડરમોર્ટે શરૂ કર્યા. એની માના વતન જઈ નાના અને દાદાના સમગ્ર ખાનદાનને પિતા સહિતના સ્વજનોની હત્યા કરી નાંખી !એના મામાની યાદો ભૂંસી એ ગુન્હેગાર ઠરે, એમ એને મરતા મૂકીને ચાલ્યો ગયો ! હોગ્વર્ટસ પાછા ફરેલા વોલ્ડેમોર્ટને ડિફેન્સ અગેઇન્સ્ટ ધ ડાર્ક આર્ટસના ટીચર થવું હતું. પણ એની ઉંમર નાની હતી મિનિસ્ટર કરતાપણ ટીચર થવા ઘણા ઉત્સુક વોલ્ડેમોર્ટની ધીરજ ખૂટી ગઈ હતી. ડમ્બલડોરે એનો વિરોધ કર્યો. વોલ્ડમોર્ટને પસંદ કરતી છોકરી હેપ્ઝીબાહને ત્યાં એણે હફલપફનો કપ અને પોતાની માએ વેચી નાંખેલું લોકેટ જોયું ! થોડા દિવસ પછી હેપ્ઝીબાહની લાશ મળી અને પેલી બે ચીજો ગાયબ ! પછી ૧૦ વર્ષ માટે વોલ્ડેમોર્ટ ગુમ થઈ ગયો પાછો આવ્યો ત્યારે એનો દેખાવ ફરી ગયેલો ! ફિક્કો ચહેરો, લાલ આંખો, ઠંડો અવાજ, બળેલા વાળ !
વોલ્ડેમોર્ટે ફરી ટીચર થવાની માંગ કરી. પ્રિન્સિપાલ બની ચૂકેલા ડમ્બલડોરે એનો ઇન્કાર કર્યો. વોલ્ડેમોર્ટે પોતાની કાતિલ, ખૂંખાર કેદીઓ અને ગુનેગારોની બળવાખોર ટોળી જમાવવાની શરૂઆત કરી જેને ‘ડેથ ઇટર્સ’ કહેવાતા. વોલ્ડેમોર્ટને ઘણા તાબેદારો અને પ્રશંસકો મળ્યા પણ એનો કોઈ દોસ્ત નહોતો. કોઈની સાથે મનના સિક્રેટ ‘શેર’ કરવામાં એને નાનમ લાગતી, પ્રેમ નામના શબ્દથી એને નફરત હતી. ત્યાગ એને મન નબળાઈની નિશાનીહતી. ખુદ આંતરજ્ઞાતીય પ્રેલલગ્ન (વિઝાર્ડ- મગલૂ)નું સંતાન હોવાથી ‘ક્રોસ બીડ’ યાને ‘હાફ (વિઝાર્ડ) બ્લડ’ હતો, પણ એને આવા હાફ બ્લડસ પ્રત્યે નફરત હતી. જાદૂગર પ્યોર ખાનદાની વિઝાર્ડ બ્લડ માટે જ હોય, એવી એની જડ માન્યતામાં એ દ્રઢ હતો. એના પ્રતિકાર માટે ડમ્બલડોરે ફિનિક્સની ફોજ બનાવી હતી.
આ ફોજમાં ડમ્બલડોરના જ બે વિદ્યાર્થીઓ હતા. સંયોગવશ એમની પણ ઇન્ટર રેસિયલ લવસ્ટોરી હતી. અહીં લિલી નામની સુંદર છોકરી મગલ યાને માનવવંશની હતી. અને ક્લાસમેટ જેમ્સ વિઝાર્ડ ઉર્ફે જાદુગરવંશનો હતો જેમ્સ અને લિલી પરણીગયેલા. બંનેએ વોલ્ડેમોર્ટનો મુકાબલો કર્યો હોઈને એ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયેલા જ્યાં લિલીએ પુત્રને જન્મ આપ્યો અને એનું નામ રાખ્યું હેરી !
વોલ્ડેમોર્ટને ભવિષ્યવાણીનો અંશ સાંભળવા મળ્યો કે હાફ બ્લડ એવું લવમેરેજનું સંતાન જ એનો નાશ કરી શકશે. પોતે ગોઠવેલા જાસૂસની મદદથી એ જેમ્સ- લિલિ અને પારણે પોઢેલા બચુકલાં હેરીના ઘરે પહોંચી ગયો. જેમ્સને એણે ખતમ કર્યો, લિલીએ દીકરા હેરીને તેડી લીધો. વોલ્ડેમોર્ટે ઓફર મૂકી કે ‘હેરીને મારવા દે તો તને (લિલી)ને જીવતી જવા દઈશ.’ પણ વોલ્ડેમોર્ટે તમામ જાદૂઈ શક્તિ એકઠી કરીને ફેંકેલો પ્રહાર હેરી સુધી પહોંચે એ પહેલાં જ એની માએ આત્મબલિદાન આપીને એ ઝીલી લીધો. બિનશરતી ત્યાગનો આ ‘લવસ્પેલ’ હેરી ફરતે એવું રક્ષાકવચ બની ગયો કે વોલ્ડેમોર્ટનો પ્રહાર એના ઉપર જ ‘રિબાઉન્ડ’ થયો ! વોલ્ડેમોર્ટનો અંત લિલીના જીવના સાટે રચાયેલા પ્રેમકવચને લીધે નિશ્ચિત હતો, પણ એણે ‘હોરક્રક્સ’નો અજોડ કાળો જાદૂ વિદ્યાર્થી તરીકે જ સિદ્ધ કરેલો હતો !
જાદૂગરીની દુનિયામાં મનાતું કે હત્યા (મર્ડર) એ ‘હાઇએસ્ટ ઇવિલ’ છે સૌથી મોટું પાપ ! અને જે જાદૂગરીના જોરે ખૂન કરે, તેના આત્માના ટૂકડા થતા જાય !પણ જો ‘હોરક્રક્સ’નો પ્રાચીન જાદૂ સિદ્ધ કર્યો હોય તો દરેક ખૂન વખતે ખલનાયક પોતાના આત્માનો એક ટૂકડો ત્યાં હાજર રહેલી કોઈ વસ્તુ કે વ્યક્તિમાં મૂકી શકે. આવા સાત ખૂન થાય પછી એના શેતાન જાદૂગર પાસે આત્માનો થોડોક હિસ્સો બાકી રહે, એ અદ્રશ્ય થઈ જાય અને પછી એના પિતાનું હાડકું, ચાકરનું સ્વેચ્છાએ આપેલું અને દુશ્મન પાસેથી પરાણે લેવાયેલું લોહી એકઠું થાય ત્યારે જ એને શરીર મળે ! પણ પછી એ જાદૂગર લગભગ અમર થઈ જાય, કારણ કે એને મારવા માટે સાત ખૂન વખતે એણે પોતાના આત્માના ટુકડાઓ જ્યાં છૂપાવ્યા હોય એ સાતે સાત બાબતો ખતમ કરવી પડે !
વોલ્ડેમાર્ટે હોરક્રક્સનો ઉપયોગ કર્યો, પણ એના ટૂકડાઓ ક્યાં મૂક્યા ? લોકેટમાં, પુનર્જીવન પથ્થરમાં, એની પાળેલી ‘નાગિની’ (સાપણ)માં, એની યાદો કહેતી રિડલ ડાયરીમાં અને કદાચ ખુદ હેરી પોટરમાં ? ને બીજે ક્યાં ?
વેલ, હેરી પણ ટોમ રિડલની માફક અનાથ તરીકે ઉછર્યો ૧૧ વર્ષે હોગ્વર્ટસમાં આવ્યો. વોલ્ડેમોર્ટનું નામ પણ ન લેવાય એવો એનો ખોફ હતો, એને ‘મેન હુ કેન નોટ બી નેમ્ડ’ કે ‘યુ નો હુ’ તરીકે જ ઓળખવામાં આવતો. એના પ્રહારને લીધે બાળક હેરીના કપાળે ઘાનું નિશાન હતું. પણ હેરીએ ટોમ જેવા સંજોગોમાં જીંદગીનો જૂદો પંથ પસંદ કર્યો. એ એકલો હતો,પણ લાગણીહીન નહોતો. સ્કૂલમાં એને ભોળા રોન અને બાહોશ હરમાયોની જેવા દિલોજાન દોસ્તો મળ્યા. જીન્ની વીઝલીને એ પ્રેમ કરવા લાગ્યો. ડમ્બલડોર કે હેગ્રીડ જેવા હેતાળ વડીલોને એ માન આપતો. એ મા-બાપને યાદ કરી ખૂબ હિજરાતો. પોતાની જાત પર એને ચીડ ચડતી પણ મૂળભૂત રીતે એ સ્નેહાળ હતો. ગુસ્સો ઝટ ઉતરીને એ દોસ્તોની સંગાથે મુશ્કેલી ભૂલી જતો. એમના દુઃખદર્દમાં મદદરૂપ થવા દોડી જતો. લક્ષ્ય એક હોય તો પછી ભાષા કે ટેવો જુદી હોય એની એને ફિકર નહોતી. એનું હૃદય ખુલ્લું રહેતું !
વોલ્ડેમોર્ટ ચાલાકીથી હેરીની પાછળ પડી ગયો. અજાણતા જ દોસ્તોની નિઃસ્વાર્થ મદદ અને આત્મબળથી હેરી મુકાબલો કરતો ગયો. અનેક રોમાંચક અને હેરતઅંગેજ બનાવો પછી એક તબક્કે વોલ્ડેમોર્ટે હેરીના મમ્મી- પપ્પાના મિત્ર અને સ્વજન સમાન સિરિયસ બ્લેકને ખતમ કર્યો. ખુદ હેરી ઉપર કબજો કર્યો… પણ હેરી એટલું બોલ્યો કે, ‘હું તારાથી અલગ છું. મારી પાસે કંઈક એવું છે જે તારી પાસે કદી નહોતું ! એ છે લવ એન્ડ ફ્રેન્ડશીપ !’ને વોલ્ડેમોર્ટે પારોઠના પગલા ભરવા પડ્યા !પછી તો એણે જ ઉશ્કેરેલી એક લડાઈમાં પિતામહ જેવા ડમ્બલડોર ખતમ થઈ ગયા… હવે એક મ્યાનમાં બે તલવાર રહી શકે તેમ નથી. હેરી અને વોલ્ડેમોર્ટ વચ્ચે આખરી જંગ છે. નફરત વિરૂદ્ધ વિશ્વાસના જંગમાં સંસારના સૌથી મોટા જાદૂગર સામે હેરી પાસે દુનિયાનો સૌથી મોટો જાદૂ છે પ્રેમ ! અને સૌથી મોટો ડેથ અને ડાર્કનેસનો ભય છે. કારણ કે એ બંનેમાં કશુંક અજ્ઞાત છે, અજાણ્યું છે !
* * *
૨૧ જુલાઈ,૨૦૦૭ના દિવસની કાગડોળે એટલે જ રાહ જોવાતી હતી. હેરી પોટર સિરીઝનો આખરી સાતમો ભાગ એની મહાન લેખિકા જે. કે. રોલિંગે બજારમાં કરોડો નકલો અને અબજોની આવક સાથે મૂકી દીધો છે. વિશ્વભરના બાળકોને ડિજીટલ યુગમાં વાંચતા કરનાર હેરી પોટરની કહાણીનો અહીં અઢળક પાત્રો- પ્રસંગોને નાછૂટકે પડતા મૂકીને લખેલો સારાંશ છે. મૂળ વાતની ‘થીમ’ પકડવા કથાને અપસાઇડ ડાઉન કરીને ‘વોલ્ડેમોર્ટના’ એંગલથી પકડો, તો સરળતાથી સમજાઈ જાય તેમ છે. આ મહાન ‘એપિક’ બાળકોનું છે, પણ કેવળ બાળકો માટેનું નથી ! એમાં જાદૂ માત્ર એક મેટાફોર એક બેકડ્રોપ છે. એ જાદૂટોણાની નહિ જીંદગીના તાણાવાણાની કહાણી છે. એમાં જ પ્રિન્સિપાલ ડમ્બલ્ડોરના મુખે કહેવાયું છે કે, ‘જીંદગીએ મારી સાથે અન્યાય કર્યો છે એવું બધા કહે છે. પણ જીંદગી ક્યારેય કોઈની સાથે ન્યાય નથી કરતી ! માણસો સારા કે ખરાબ એવા જ બે જ પ્રકારના નથી હોતા. દરેકમાં અચ્છાઈ અને બુરાઈ હોય છે. પસંદગી આપણા હાથમાં છે ! કોઈનો જન્મ એની ઓળખ નથી, એનો વિકાસ એની પહેચાન છે !’
બસ આટલું જ ?
***
‘‘દેખાદેખી છે બધી! અંગ્રેજીથી ઈમ્પ્રેસ થવાની ગુલામ માનસિકતાનો પ્રભાવ છે. વિદેશી સંસ્કૃતિના માર્કેટંિગની કમાલ છે. આજના જમાનામાં જાદૂની વાર્તા? છી છી! આપણી પાસે કંઈ બાળસાહિત્યનો ખજાનો ઓછો છે? આ તો પ્રચારને લીધે કંપનીઓએ ક્રેઝ ઉભો કર્યો છે ને લોકો ઉંધુ ઘાલીને હેરી પોટર પાછળ ગાંડા થયા છે.’’
હેરી પોટર જાણે બાળકોની પ્રિય વાર્તાઓના પાત્રને બદલે હિન્દુસ્તાનનો દુશ્મન હોય એમ નાકનું ટીચકું ચડાવે છે. હેરી પોટરના ચાહકોની ઠેકડી ઉડાવે છે.
સદંતર ખોટા છે આ બધા!
એક શરત મારવી છે? હેરી પોટરના જાદૂની ઉછળી ઉછળીને ટીકા કરનારાઓને પૂછજો… હેરી પોટર સીરિઝના પ્રસિઘ્ધ થયેલા સાતેસાત પુસ્તકો આખેઆખા વાંચ્યા છે? જવાબ પાક્કે પાયે ‘ના’ મળશે. વાંચવાનું નહિ, વખોડવાનું ખરૂં!
જો એક વાર હેરી પોટર સીરિઝ રસ લઈને વાંચો, તો એના પૃથ્વીના ગોળા ફરતે ચકરાવો લઈ ચૂકેલા મેજીકનું સિક્રેટ જાણી શકો! કબૂલ, કે હેરીને ટક્કર મારે એવું બાળસાહિત્ય ગુજરાતીમાં છે પણ એથી હેરી પોટરનો જાદૂ કંઈ ઓછો થાય! સત્તાવાર રીતે આજની તારીખ સુધીમાં ૪૫ કરોડથી વઘુ પુસ્તકો એના વેંચાઈ ગયા છે! પાઈરેટેડ નકલોનું ગેરકાનૂની વેંચાણ અલગ! ૬૭ ભાષામાં એના અનુવાદો થયા છે. અત્યાર સુધીમાં તેના પરથી રિલીઝ થયેલી ફિલ્મો વિક્રમસર્જક અબજો ડોલરનો ધમધોકાર કારોબાર કરીને ‘ઓલટાઈમ હિટ’ના ટોપ લિસ્ટમાં ગોઠવાઈ ગઈ છે!
ગુજરાતી લેખકોને આનંદ અને ઈર્ષાની લાગણી એકસાથે થાય એવી સિઘ્ધિ તો એ છે કે… હેરી પોટરની યુવા લેખિકા જે.કે. રોલિંગ અબજપતિઓનું લિસ્ટ બહાર પાડતા ‘ફોર્બ્સ’ મેગેઝીનના વાર્ષિક અંક મુજબ ‘માત્ર અને માત્ર લખીને જ અબજપતિ’ (કે અબજ ‘પત્ની?’) થનાર દુનિયાની સર્વપ્રથમ (અને હાલ એકમાત્ર) વ્યકિત છે! જે.કે. રોલંિગની પાસે હેરી પોટરના પુસ્તકો – ફિલ્મો વગેરેની રોયલ્ટીની આજની તારીખે કુલ કમાણી બ્રિટનના ક્વિનથી વધુ છે! આ બ્રિટીશ મહારાણી પણ વિશ્વના દિલો પર રાજ કરેછે!
હેરી પોટર એક પુસ્તક – નથી. સળંગ ચાલતી ગ્રંથશ્રેણી છે. હેરી પોટર સીરિઝ દુનિયાભરમાં રજૂ થતી, ત્યારે બાળગ્રાહકો દુનિયાભરમાં આખી રાત જાગીને એ ખરીદવા કતારો લગાવીને ઉભા રહેલા. મોંધઘાદાટ અને દળદાર એવા એ પુસ્તકોની પહેલા જ દિવસે લાખો નકલો જગતભરમાં ખપી જતી! હેરીની લોકપ્રિયતા હવે અતૂટ વિક્રમો સ્થાપી રહી છે! રોલિંગે માની ન શકાય, છતાં વાસ્તવિક લાગે એવી હેરતઅંગેજ સૃષ્ટિ સર્જીને આખી એક પેઢીને વાંચતી કરી છે.
જાદૂગરનો શો તો ત્રણ કલાકમાં ખતમ થઈ જાય. પણ હેરી પોટરનો જાદૂ આટલા વર્ષે પણ ઓસરવાને બદલે ઉભરાતો જાય છે . ‘હેરી પોટર’ના પ્રથમ અને કદમાં સૌથી નાના પુસ્તકની ગુજરાતી આવૃત્તિ બહાર પડી. આ અનુવાદની કિંમત ગુજરાતીઓને વગર વરસાદે ન્હાવા જેવી લાગે! પણ છતાંય બહાર પડયાના ૩ જ દિવસમાં એની ૫૦૦ નકલો ચપોચપ ઉપડી ગઈ! (જો કે હેરીના બીજા ભાગો ગુજરાતીમાં આવ્યા જ નહિ!) ગુજરાતી માઘ્યમનાં બચ્ચાં લોગ પણ હવે અંગ્રેજીમાં એ વાંચવા અને વસાવવા ધડાધડ કૂદાકૂદ કરી રહ્યાં છે!
બાળકથી વઘુ પ્રામાણિક વાચક કે ગ્રાહક બીજું કોઈ કોઈ નથી. યાદ રાખજો, મોટેરાઓ હેરી પોટરના વેચાણના આંકડા વાંચીને પ્રભાવિત થતા હશે. પણ હેરીની સફળતાના અસલી શિલ્પી એવા જગતભરના ભૂલકાંઓ – કિશોરોને વેંચાણ કરતાં વાર્તામાં વઘુ રસ પડે છે! બાળકો વિવેચકો નથી. જો વાર્તા ગમી જાય તો એના પાત્રો એમની અસલી જીંદગીના મિત્રો બનીને રહે છે! બાળકો માટે કલ્પનાની સૃષ્ટિ જાણે સજીવન થઈ જાય છે. ‘વાંચનભૂખ ઘટાડતી મૂવી- ટીવીની પાશ્ચાત્ય સંસ્કૃતિ’ના રોદણા રોવાવાળાઓએ નોંધ લેવી જોઈએ કે, હેરી પોટરના કલ્પનાશીલ પુસ્તકો એ પશ્ચિમની ટીવીમૂવી જનરેશનના બાળકોએ દોડી દોડી ને વાંચ્યા ખરીદ્યા છે. ટીવી કે ફિલ્મોએ તો હેરી પોટરની કિતાબોની લોકપ્રિયતામાં વધારો કર્યો હશે, ઘટાડો હરગીઝ નહિ!
હેરી પોટરની પહેલી નજરે ગપગોળા લાગતી વાર્તામાં એવી તો શી નવી નવાઈ છે? જાદૂની અંધશ્રઘ્ધાથી ઉભરાતી વાર્તા જ વળી, આત્મવિશ્વાસ કેવી રીતે શીખવે?
બાળકને ઓળખવું હોય, તો પહેલા માને ઓળખવી પડે. સંસ્કાર કહો, ઉછેર કહો કે ઘડતર… બાળકની મૂર્તિ એની મા ઘડતી હોય છે. હેરી પોટર નામના પાત્રની લેખિકા તેની ‘માનસસમાતા’ થઈ. એની જીવનકહાણી અને હેરી પોટરની પ્રસવવેદના (લેબર પેઈન) જાણો તો હેરી મેજીકનું અડઘું સિક્રેટ સમજાઈ જાય! કિવિક ફલેશબેક ટુ જોઆન કેથલીન રોલિંગ. ખુલ જા… સીમ સીમ!
***
સ્કોટલેન્ડના કિંગક્રોસ સ્ટેશન પર એકબીજાથી સાવ અજાણ એવા ૧૧ વરસના યુવક- યુવતી નેવીમાં ભરતી થવા જતાં હતાં. છોકરીને ઠંડી લાગતી હતી, એ જોઇને છોકરાએ પોતાનો કોટ આપી દીધો. તો છોકરીએ દિલ આપી દીઘું! ૧૯ વરસની ઉંમરે બેઉ પરણી ગયા.
‘ક્રોસ બ્રીડિંગ’ જેવા આ મેરેજનું પ્રથમ સંતાન એટલે ૧૯૬૫માં જન્મેલી હેરી પોટરની સર્જક જોઆન રોલિંગ. મમ્મી-પપ્પાના પહેલાં મિલનની યાદમાં આજે પણ હેરીની જાદૂની સ્કૂલે જવાની ટ્રેન કિંગક્રોસ સ્ટેશનેથી જ ઉપડે છે! જોઆન પહેલેથી જ સ્વતંત્ર મિજાજની. આજે વકીલ એવી નાની બહેનને કપાળે બેટરીનો સેલ ફેંકીને એક ઘા કરી દીધેલો. હેરી પોટરના કપાળે પણ જગમશહૂર એવું ‘ઝેડ’ આકારનું ઘાનું નિશાન છે!
જોઆનને પહેલેથી જ લખવાનો શોખ. ૮ વર્ષની ઉંમરે ‘રેબિટ’ નામના રેબિટ યાને સસલાની વાર્તા લખેલી. ૧૧ વર્ષે વળી ૭ શ્રાપિત હીરોની ચોરીની રહસ્યકથા લખેલી. પછી તો જોઆનબહેન મમ્મી-પપ્પાના દબાણથી (રોજીરોટી માટે કંઇક કરવું ને!) ફ્રેન્ચ શીખીને પરાણે પરાણે અંગ્રેજી-ફ્રેન્ચ જેવી ભાષાના પોર્ટુગલ ખાતે શિક્ષિકા બન્યા.
૧૯૯૦માં એકવાર જોઆનની ટ્રેન એક અંધારી ટનલમાં ફસાઇ ગઇ. ટ્રેન ચારેક કલાક બંધ રહી હતી. ફરતે અંધારી ટનલની બિહામણી કાળાશ! જોઆનને થયું કે આ ટનલમાંથી ટ્રેન સ્ટેશને જવાને બદલે કોઇ બીજી જ જાદૂઇ સૃષ્ટિમાં નીકળે તો? અને જન્મ થયો હેરી પોટરનો! ઘેર આવીને બધા વિચારો તો યાદ ન રહ્યા, પણ હેરી પોટરનું પાત્ર જોઆને લખી રાખ્યું. પછી તો જીંદગીમાં જાદૂથી પણ નાટયાત્મક વળાંકો આવ્યા. વ્હાલી મા કેવળ ૪૫ વર્ષની ઉંમરે ગુજરી ગઇ. જોઆનના લગ્ન માત્ર ૧ વર્ષ ટક્યા. પતિ તો ગયો, પણ ખોળામાં એક બાળકી રમતી મૂકી ગયો, એનું નામ જેસિકા!
જોઆન નોકરી મૂકી બહેનને ગામ રહેવા ગઇ. એક બેડરૂમનો ફલેટ લીધો. ફુરસદના સમયે હેરી પોટરની કથાસૃષ્ટિ પર એ કામ કર્યા કરતી. એના મનમાં હેરી પોટરની ૭ ચોપડીઓની સીરિઝ પહેલેથી નક્કી હતી. ૧૧ વર્ષે હાઇસ્કુલમાં દાખલ થતાં હેરીથી વાત શરૂ થાય… એકબીજાથી સ્વતંત્ર છતાં એકબીજા સાથે જોડાયેલા પાત્રોના ૭ દિલધડક બનાવો હેરીના જીવનમાં દર વર્ષે એકના હિસાબે બને, અને હેરી ૧૮ વર્ષનો યુવાન થાય, ત્યાં કથા પૂરી. (આ કંઇ થોડી એકતા કપૂરની સિરિયલ છે કે સફળતા મળે તો ખેંચાય?) પ્રકાશને બતાવવા માટેની પહેલી વાતો જોઆને કોફી શોપમાં બેઠા બેઠા લખી.
અઘરી અને ઉટપટાંગ લાગતી કથા કોઇપણ સફળ વિચાર મુજબ શરૂઆતમાં ‘રિજેકટ’ થઇ. જોઆને કહ્યું કે ‘એકવાર મારી દીકરી જેસિકાની જ ઉંમરના એક બાળકની ઘેર ગયેલી. એ બાળક પાસે ઓરડો ભરાય તેટલા રમકડાં હતાં. મારી બિચારી દીકરીના રમકડાં એક ખોખામાં આવી જાય તેટલા હતાં. મેં જીંદગીમાં કરેલી ભૂલો પર એ રાત્રે હું ખૂબ રડી. પણ રડીને બેસી ન રહી. મેં પરિસ્થિતિને પડકારી. આ જ ગુણ હેરીમાં પણ છે એ મુશ્કેલી સામે હિંમતથી ઝઝૂમે છે.’
આજે મિડલ કલાસની ‘સિંગલ મધર’ જોઆન પાસે આલીશાન મકાન છે. લખલૂટ સાહ્યબી છે. ડોકટર પતિ સાથે બીજા લગ્નથી બે સંતાનો છે. હેરી પોટર પૂરી કરી ચૂકેલી જોઆનના સાત અન્ય સંતાનો પણ દુનિયાનો ખોળો ખુંદી રહ્યા છે. એ છે હેરી પોટર સીરિઝના સાત પુસ્તકો ‘ફિલોસોફર્સ સ્ટોન’, ‘ચેમ્બર ઓફ સિક્રેટસ’, ‘પ્રિઝનર ઓફ આઝકાબાન’, ‘ગોબ્લેટ ઓફ ફાયર’ ,‘ઓર્ડર ઓફ ફિનિકસ!’,’હાફ બ્લડ પ્રિન્સ’ અને ‘ડેથલી હોલોઝ’!
સાતેય કથાઓ (અને આઠ ફિલ્મો) એક જુઓને બીજી ભૂલો એવી રસભરપૂર છે. વાર્તા બરાબર બાળકોના દિલોદિમાગ, એમના સંવેદનોને ઘ્યાનમાં રાખીને લખાઇ છે. આજના સ્માર્ટ બાળકોને બઘું જ સાદુંસરળ ગમતું નથી. ભેજું કસે એવો ગુંચવાડો તો તેઓ વિડિયો ગેઇમમાં પણ શોધે છે. રોલિંગે પોટરવર્લ્ડમાં કયાંય પણ બાળકો માટે નકામા હોય એવા ગ્લેમર કે હિન્સાના તત્વો પ્રવેશવા દીધા નથી. વાર્તાના પ્લોટમાં જ એવી થ્રીલ હોય છે કે એ માટે બીજા ગતકડાં કરવા ન પડે!
હેરી પોટરની કથામાં જે.કે. સેલંિગે ‘જાદૂ’ જીવનના અણધાર્યા વળાંકોના પ્રતીક તરીકે લીધો છે. જીંદગીના જાદૂના પ્રતિબિંબનું સેમ્પલઃ લેખિકા જે.કે. રોલિંગ અને પાત્ર હેરી પોટરની જન્મતારીખ એક જ છેઃ ૩૧ જુલાઈ!
****
શું છે આ પ્લોટ? ‘બેઝિક સેટઅપ’ સીઘુંસટ્ટ છે પણ એનું નકશીકામ અદ્દભૂત ખૂબીથી થયું છે. હેરી પોટરની દુનિયા એવી દુનિયા છે જયાં લંડન શહેરમાં મગલ્સ (માનવો) અને વિઝાર્ડસ (જાદૂગરો) રહેતાં હોય! ચમત્કારિક જાદૂગરો અલબત્ત, ઓળખ છુપાવીને જીવતા હોય. સ્કોટિશ હરિયાળીની વચ્ચે આવેલા કિલ્લા જેવી ‘હોગ્વર્ટસ’ સ્કૂલમાં વયોવૃદ્ધ પ્રિન્સીપાલ ડમ્બલડોરના માર્ગદર્શન નીચે બાળકો જાદૂ શીખે.
હેરી પોટરની પ્રથમ કથાનો ઉપાડ જ ડમ્બલડોર અને શરીરમાં રાક્ષસ, હૃદયમાં ઇન્સાન એવો એમનો સાથી હેગ્રીડની ઓળખથી થાય છે. એક નવજાત બાળકને શહેરમાં ગુપચુપ મૂકી દેવાય છે. આ બાળક એ હેરી પોટર. હેરીની માએ એક જાદુગર જેમ્સ સાથે ભાગીને લગ્ન કર્યા હોય છે. હેરીના મા-બાપની હત્યા માત્ર શકિત અને સત્તાને જ અંતિમ સત્ય ગણતાં લોર્ડ વોલ્ડેમોર્ટ નામના શેતાની જાદૂગરે કરી છે. હેરીના કપાળ પરનું નિશાન પણ એનું જ આપેલું છે. હેરી તો જોકે, માસી-માસાને ત્યાં ઉછરે છે. માસીનો ડર્સલી પરિવાર ‘પ્રેમલગ્ન’ના સંતાનરૂપ હેરીને ડગલે ને પગલે સતાવે છે પણ હેરી ૧૧ વર્ષનો થતાં એને ચમત્કારિક રીતે જાદૂની સ્કૂલમાં ભણવાનું આમંત્રણ મળે છે.
આ ‘હોગ્વાર્ટસ’ સ્કૂલ પણ અજાયબઘરથી કમ નથી! ત્રણ માથાવાળો કૂતરો એની રખેવાળી કરે છે. એની સીડીઓ દ્રષ્ટિભ્રમવાળા ચિત્રોની જેમ ફરતી રહે છે. દિવાલ પરના ચિત્રો સ્થિર નહીં પણ હાલતા-ચાલતાં બોલતાં છે! ત્યાં અકડુ પ્રોફેસર સ્નેપ પણ છે, અને માયાળુ શિક્ષિકા મેકગેનાગાલ પણ છે. ટપાલ વહેંચતાં ધુવડો અને હવામાં સરકતી મીણબત્તીઓ છે. અડઘું ગરૂડ, અડઘું અશ્વ એવું વિશાળ ઉડતું પ્રાણી ‘હિપ્પોગ્રીફ’ છે. ગ્રીનગોટસ નામની જાદૂઇ બેન્ક પણ છે. બોલતા વૃક્ષો અને નાચતી ટોપીઓ છે. ‘ક્વિડિચ’ નામના ઝાડૂ પર બેસીને રમવાની હવાઇ પકક્ડદાવ જેવી રમત છે.
‘ગરૂડદ્વાર’ (ગ્રિફિનડોર) કે નાગશક્તિ, ચીલઘાત જેવા નામો ધરાવતી- ટૂકડીઓની હોસ્ટેલ્સ છે. હોગ્વાર્ટસ પહોંચવાની ટ્રેન પ્લેટફોર્મ ‘નાઈન એન્ડ થ્રી કવાર્ટર યાને બે પ્લેટફોર્મ વચ્ચેના થાંભલામાંથી નીકળે છે!
અને અહીં હેરીને જીંદગી જીવવાનું મન થાય એવા બે જીગરજાન દોસ્તો મળે છે. ગભરુ અને સંયુકત અમીર કુટુંબનો ખાનદાની નબીરો રોન તથા તેજસ્વી અને હાજરજવાબી બાળા હરમાયોની. હેરી પોટરની ઉંમર (અને કથાના પુસ્તકો) વધતા જાય- એમ લેખિકાએ બે બોયફ્રેન્ડ -એક ગર્લફ્રેન્ડની આ ત્રિપુટીની લાગણીઓમાં થતા પરિવર્તનો પણ આબાદ ઝીલ્યા છે. હેરીને ખબર પડે છે કે એના મમ્મી- પપ્પાની હત્યા થઈ હતી. હેરીને બચાવવા જતા એની મમ્મી મૃત્યુ પામેલી. એ એક ભયંકર ષડયંત્ર હતું અને આજે પણ એ હત્યારો અદ્રશ્ય સ્વરૂપે હેરીને મારવા પ્રયત્નશીલ છે. જીવનમાં કદી મા-બાપનો પ્રેમ તો શું ઝલક પણ ન મેળવનાર હેરી અત્યંત તીવ્રતાથી એમને ઝંખે છે. એ હવે કદીયે મળવાના નથી, એનો ખાલીપો એને રાતોની રાતો જગાડે છે.
રોલિંગની માને વાંચવું બહુ ગમતું. પણ હેરી પોટર પાનાઓ પર ઉતરે એ પહેલા એ જતી રહી. અબજોની સ્વામિની રોલિંગ (જેનું મિડલ નેમ કેથરીન એની દાદીના નામ પર છે!) સજળ નેત્રે કહે છે કે ‘મારી માએ હેરી પોટરનું માત્ર એક પુસ્તક પણ વેંચાતું જોયું હોત તો એ ધન્ય થઈ ગઈ હોત! એને પોતાની દીકરીને લેખિકા બનતી જોવાનો ખૂબ હરખ થયો હોત. એને પુસ્તકો ખૂબ ગમતા! મેં એની વિદાય પછી આજદિન સુધી અનુભવેલી અકળામણ અને એકાંતની પીડા હેરી પોટરમાં ઉતારી છે.’’
હેરી પોટરની કથામાં જાદૂઈ જગત છે, પણ એ વિસ્મય પેદા કરે છે, વિચારહીનતા નહી. બાળકો જ નહિ, ગમે તે માણસને જીવન જીવવામાં ઉપયોગી એવું સોનેરી શાણપણ એમાં વાકયો, સંવાદો, પાત્રો અને ઘટનાઓમાં પરાણે અપાતી સલાહ ન લાગે એમ વણાયું છે. દાખલા તરીકે, આઝકાબાનની ભયાનક જેલના ચોકીદારો ‘ડીમેન્ટોર’ના નામથી ઓળખાય છે. આ ભૂતિયા આકારો એના શિકારનું લોહી નહિ, પણ એના દિમાગમાંથી સઘળી સુખદ સ્મૃતિઓ ચૂસી લે છે! મતલબ, પછી માણસ પાસે કેવળ દુઃખ વેદના હતાશાની યાદો જ બાકી બચે! એ પાગલથી પણ બદતર અવસ્થામાં સબડે! ડેમેન્ટોરને હંફાવવાનો એક જ માર્ગ છેઃ જીવનમાં જે ક્ષણે સૌથી વઘુ ખુશી થઈ હોય, એ પળને યાદ કરીને એની આંખોમાં તાકવું! વાઆઆહ!
એવી જ રીતે જાદૂઈ અરીસામાં મૃત મમ્મી- પપ્પાને જ જોવા માંગતા હેરીને પ્રિન્સિપાલ ડમ્બ્લડોર સમજાવે છે કે ‘જીવવાનું ભૂલીને માત્ર સપનામાં જીવવામાં જાદૂ નથી. જાદૂથી જ્ઞાન અને સત્ય પામવાનું છે!’ સંઘર્ષ વાર્તામાં બરાબર ખીલે છે. નૈતિકતાનો આંતરિક સુર એને લાલચની પ્રંચડ ગર્જના વચ્ચે સંભળાતો રહે છે. આ બધા ઉપરાંત મર્ડર મિસ્ટરી જેવા બનાવો, સનસનાટી ભર્યો અંત અને સ્કૂલ લાઈફના મસ્તી તોફાન તો ખરા જ. બાળકની નજરમાં શિક્ષકોની પણ આગવી અસર હોય છે. એ ધબકાર પણ અહીં બરાબર ઝીલાય છે!
અને હેરી પોટર પોતે! આપણા જૈફ બાળસાહિત્યદાદા સ્વ.રમણલાલ સોની ૯૭ વર્ષની ઉંમરે એની કથા વાંચીને એને લાડમાં ‘હરિયો કુંભાર’ કહેતા! જૂની પેઢીના ગાંધીજી જેવા ગોળ ચશ્મા ગરીબ હેરી પહેરે છે. એ જાદૂની છડીનો દુરૂપયોગ કરતા અચકાય છે, દોસ્તો માટે જીવસટોસટની બાજી લડાવે છે, વિનયી- નમ્ર- વફાદાર- પ્રમાણિક- નિષ્ઠાવાન – આજ્ઞાંકિત અને એબોઉ ઓલ, બહાદૂર છે! બુઘ્ધિ અને આત્મવિશ્વાસથી છલોછલ!
બ્રેવો! હેરી પોટર. બાળકો તારા જેવા બને એમાં એમનું અહિત નહિ, હિત જ છે!
***
જે કંઈ નવું હોય, સુપરહિટ હોય, વેસ્ટર્ન હોય અને યંગ જનરેશનને ક્રેઝી કરી નાખે તેવું હોય એને ઝૂડી કાઢવાની હિન્દી અને ગુજરાતી સાહિત્યના બૌઘ્ધિકો (?) ને ભારે લિજ્જત આવતી હોય છે. આ એ લોકોની જમાત છે, જેમના પાપે (અને નહિ કે અંગ્રેજી ભાષાના પ્રતાપે) ગુજરાતી ભાષાની ઘોર ખોદાઈ ગઈ છે. આ એવા ઉરાંગઉટાંગોની ટોળકીઓ છે, કે જે કંઈ નવું કે નોખું આવે એને મારીમચડીને ‘આ બઘું તો અહી હતું જ’ કે ‘આવા ચિલ્લર સર્જન કરતા આપણા વારસાનું મહિમામંડિત પાંડિત્ય કયાંય ગહન છે’ જેવા કન્કલુઝન્સથી કચડી નાખવામાં એમને ગગનભેદી ઓડકાર આવે છે.આથી ગુજરાતીઓની આખી એક પેઢી (ફોર ધેટ મેટર, હિન્દીભાષીઓની પણ!) લિટરેચરનું નામ પડે એટલે ગળે બાબરો ભૂત વળગ્યો હોય એમ ભાગી છૂટે છે.
અને ૧૦૦થી વધુ દેશોમાં કરોડો નકલોમાં વેંચાતા હેરી પોટરની સકસેસ સ્ટોરી એવા સમાજમાંથી આવી છે, જયાં ઘેરઘેર નહિ – ઓરડે ઓરડે ટીવી છે. ટીવી જ નહિ, વિડિયો ગેઈમ્સના અને ડીવીડીઝના ઢગલા છે. એ દેશોમાં જે ફૂટકળિયાઓ વાંચ્યા વિના જ વખોડયા કરે છે, એમના કપાળે ફટકારો તો પાણી ન માંગે – એટલા હાર્ડબાઉન્ડ એડિશનના જાડાં… ચિત્રો વિનાના, મોડર્ન ગેજેટ્સ કે સેકસ વિનાના ‘ટેકસ્ટ ઓન્લી’ થોથાંઓની આટલી ઘેલછા જાગે છે! જે.કે. રોલિંગે આખી એક પેઢીનાં બચ્ચાં લોગને બચપનમાં વાંચન કરતા કરીને આથમી રહેલી પેઢીના લેખકોને નવા વાચકોના સ્વરૂપમાં આખરી જીવતદાન બોલે તો, એકસટેન્શન આપ્યું છે. ખરેખર તો પુસ્તકપ્રેમીઓએ રોલંિગના માનમાં ‘થેંકસગિવિંગ’ના સમારંભ કરવા જોઈએ!
પુષ્પક વિમાનના વર્ણનો વાંચીને જાતે જ પીઠ થાબડતા રહેતા અને દેવું કરીને એરબસ એ ૩૮૦ ખરીદતા રહેતા અડધા અબૂધ અને અડધા દંભી લોકોના લાભાર્થે કેટલીક વાયડી વાયકાઓની સાફસૂફી કરવી જરૂરી છે. ગ્રામ્યજીવનમાં ગાયો ચારતા અથવા એબ્સર્ડ સરરિયલિઝમથી સેરિડોન, એસ્પેરિનનો માર્કેટ શેર વધારતા સાહિત્યસમર્થો ગુજરાતી વાચકોના લમણે નર્યો ઉપદેશ આપીને ઢીમણાં કર્યે રાખે છે. સાહિત્ય અઘરું હોય તો જ સારૂં? સરળ, લોકપ્રિય હોય અને નવીન, રસાળ હોય તો નઠારું?
* * *
(૧) હેરી પોટરની સફળતા માર્કેટિંગનો જાદૂ છે. હાઈપની અસર છે.
વાહ! જો માર્કેટિંગથી જ સતત સફળતા મળે, તો એકલા હેરી પોટરને જ ૧૯૯૭થી ૨૦૦૭ સુધી કેમ મળે? નફો તો બધાને અપરંપાર જોઈએ છે. બીજા કોઈ પુસ્તકને પ્રચારના જોરે કેમ હિટ બનાવીને વઘુ કમાણી ન કરી? અને અબજપતિ રોલિંગે દૂઝતી ગાય જેવી પોટર સીરિઝનો અંત કેમ કર્યો? એને કોમિકસ કે વઘુ નવા સાહસોના જોરે જીવતી કેમ ન રાખી? રિમેમ્બર, માર્કેટિંગથી ઈન્સ્ટંટ સકસેસ જરૂર મળે છે, પણ કોન્સ્ટન્ટ સકસેસ હંમેશા પ્રોડકટના પરફેકશન પર આધારિત છે. કવોલિટી વિના પોપ્યુલારિટી લાંબો સમય ટકતી નથી. અને આ કંઈ ચોકલેટ કે પેન્સિલ નથી કે ટીવીની જાહેરખબરો જોઈને ભૂલકાંઓ એ ખરીદવા ભેંકડા તાણે! હેરી પોટરની જાહેરાત કદી પેપ્સીની જેમ જોઈ? છતાં કેવળ ‘વર્ડ ઓફ માઉથ’ થકી વિવિધ જાતિ, દેશ, રંગ, બેકગ્રાઉન્ડ, ઉંમરના બાળકો અને મોટેરાઓ પણ એકધારા એની પાછળ પાગલ થયા છે. આ પાવર ઓફ બિઝનેસ નથી, પાવર ઓફ વર્ડસ છે!
(૨) હેરી પોટર તો પશ્ચિમનું ગુલામ બનાવવાનું અને રૂપિયા રળવાનું તરકટ છે!
આ એટલી વાહિયાત અને કચરપટ્ટી દલીલ છે કે એનો નોંધ સુઘ્ધાં લેવાની ન હોય! અમેરિકામાં કોઈ નારાયણમૂર્તિ કે અઝીમ પ્રેમજી સામે મોરચા કાઢીને સિલિકોન વેલીમાં ભારતીયો એ ભારતનું અમેરિકાને ગુલામ બનાવવાનું કાવત્રું છે – એવો વિરોધ કરે તો આપણને કેવો ચક્રમ લાગે? ઈનફેકટ, હેરી પોટરનું કથાનક એકદમ બ્રિટિશ છે અને વાસ્તવમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, રશિયા, બ્રાઝિલ, કે જાપાન માટે પણ ‘ડિફરન્ટ કલ્ચર’નું છે! કેટલાક ખાલી દિમાગના ચુસ્ત ખ્રિસ્તીઓએ તો વળી એને ‘એન્ટી – રિલિજીયસ’ ગણાવી કોર્ટ કેસીઝ પણ કર્યા છે! દરેક મહાન કથાની માફક આ કથા પણ એક પ્રદેશ કે ધર્મની મોહતાજ નથી. ખરેખર જો હેરી પોટર વાંચો અને સમજો તો એમાં કોમર્શિયલાઈઝેશન, ધાર્મિક અંધશ્રઘ્ધા, જાતિ, રંગ કે દેશના ભેદભાવ, ગુલામી અને જડ પરંપરાઓનો પ્રતિરોધ છે!
(૩) હેરી પોટર મંત્રતંત્ર અને જાદૂટોણાની વાતોથી બાળમાનસ દૂષિત કરે છે.
આ કૂમળા બાળમાનસની ફિકર જરઠ ભેજાગેપોને વારતહેવારે થતી હોય છે. અગેઈન, આવું કહેનારા હેરી પોટર ‘વિશે’ વાંચે છે. હેરી પોટર ‘ને’ વાંચતા નથી! પહેલી વાત તો એ કે મનોરંજક સાહિત્ય કંઈ ભજનસંગ્રહ નથી. રસપ્રદ અને રોમાંચક ન હોય તો ક્રિએટિવિટી શું કામની? કળા, સાહિત્ય, સંગીત, સિનેમા, ચિત્રો વગેરેને સતત ગાંધીજીના રૂઢિચુસ્ત ગોળ ચશ્માથી જોવાની ટેવ છોડો અને હેરી પોટરના વિસ્મયના ગોળ ચશ્મા પહેરો! ચમત્કારો કે રાક્ષસોના વર્ણનથી બાળમાનસ એમ ભરમાઈ જતું હોય, તો પહેલા રામાયણ, મહાભારત, બાઈબલ તમામ પૌરાણિક સાહિત્ય પર પ્રતિબંધ મૂકવો પડે! શું આ બઘું વાંચીને માનવજાતના વડવાઓ ભરમાઈ ગયા હતા? તો અહીં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા? બીજી વાત : હેરી પોટરનું આકંઠ રસપાન કરનાર કોઈ ટાબરિયું પણ પીએચડી થયેલા પ્રોફેસરને સમજાવી શકશે કે હેરી પોટર મૂળભૂત રીતે જાદૂની વાર્તા જ નથી!
મેજીક એમાં બાળકોને મનપસંદ એવી ઈમેજીનેશનની અદ્ભુત સૃષ્ટિ રચવા માટેનું મીઠુંમઘુરૂં બહાનું છે. એકસાથે એક હજાર ગુજરાતી સાહિત્યકારોને (એટલા છે જ નહિ? ફાઈન, સો સર્જકો, ચારસો વિવેચકો અઘ્યાપકો અને પાંચસો નવરા ચર્ચાપત્રીઓને) બેસાડીને એકલપંડે જે.કે. રોલિંગે કેવળ કલ્પનાના જોરે જે અભૂતપૂર્વ અવર્ણનીય સૃષ્ટિ રચી છે એવી કાલ્પનિક સ્કૂલ કે, માત્ર પાત્રો (વાર્તા નહિ) કે કમ સે કમ વિજ્ઞાનથી ઈતિહાસ સુધીના સંદર્ભ ધરાવતા નામો રચવાનું કહો! નર્મદાકિનારે લલિત શ્લોકો સાંભળવા કે લગ્નેતર લફરાંની ચલિત શાયરીઓ કરવા કે આઘુનિકતામાં પીસાતા ગ્રામીણ દલિતની વેદનાને વાચા આપવા જેટલું આ સહેલું કામ નથી! આ બધામાં તો વાચકનું ખેતર તૈયાર ખેડાયેલું મળે છે. હેરી પોટરે તો એક નવું જ વાવેતર કરી બતાવ્યું છે! એમાં વર્ણવાયેલા મેજીકનું એકેએક પાનું માનવમનની ક્રિએટિવ ફલાઈટ કેવી ઉડી શકે છે, અને વાચકને પણ સાથે કેવી સહેલગાહે લઈ જઈ શકે છે એનો બોલતો પુરાવો છે!
(૪) આપણા બાળસાહિત્યને અન્યાય થયો છે. બાકી તો હેરી પોટરને ટક્કર મારે એવી કૃતિઓ આપણે ત્યાં પણ હતી જ! ‘ચંદ્રકાંતા’ની જ આ નકલ છે!
આ વાકયનો પૂર્વાર્ધ સાચો છે. બકોર પટેલથી ગલબા શિયાળ અને માનસેન સાહસીથી છેલછબા સુધીના અઢળક પાત્રોને હેરી પોટરના ચાહકોની માફક ગુજરાતી વાચકોએ ભકિતભાવે પૂજયા નહિ. અને જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, ધનંજય શાહ તથા હરિપ્રસાદ વ્યાસ જેવા સર્જકોની શકિત લગભગ વેડફાઈ ગઈ. પણ ઉત્તરાર્ધ માની લેવા મન સ્વાભાવિકપણે લલચાતું હોવા છતાં નિખાલસતાથી નિહાળો તો સત્ય નથી. વિશ્વના બાળસાહિત્યમાં બે પ્રકારની કૃતિઓએ રાજ કર્યું છે. ટૂંકી વાર્તા જેવી લોકકથાઓ અને પરીકથાઓ… તથા મુખ્ય પાત્રોને યથાવત રાખી પહોળા પને વિસ્તરતી ‘એપિક સ્ટોરીઝ’ યાને મહાગાથાઓ! ખુદ રોલિંગના ફેવરિટ રાઓલ્ડ દાહલ (મટિલ્ડા), સી.એસ. લુઈસ (ક્રોનિકલ્સ એફ નાર્નિયા) કે લુઈ કેરોલ (એલિસ ઈન ધ વન્ડરલેન્ડ) હોય કે જે.આર.આર. ટોલ્કિન (લોર્ડ ઓફ ધ રિંગ્સ), એડગર રાઈઝ બરો (ટારઝન) કે જુલે (યુલ) વર્ન… આ બધા હંમેશા નવલકથા જેવી લાંબી વાર્તાઓથી અજરઅમર બન્યા છે. ગુજરાતી બાળસાહિત્યમાં ૯૫% જેટલી જગ્યા માત્ર ટૂંકી વાર્તા કે લધુનવલ જેવા સાહિત્યકારે રોકી છે. જેમાંની અડધી પ્રેરિત કે અનુવાદિત છે.
બાકીનામાં જે ૫% બે-ચાર ભાગમાં એક જ પ્લોટ ચાલે એવી કહાણીઓ રચાઈ તેનો સ્કેલ હેરી પોટર પ્રકારના સાહિત્યની સરખામણીએ ટપાલટિકિટ જેવડો લાગે! સખેદ સ્વીકારવું પડે કે ગુજરાતી સાહિત્યકારોમાં બાળ – કિશોરો માટે ‘સાગા’ ગણાય એવી કાળજયી (ટાઈમલેસ)નવલકથા એક પણ રચાઈ નથી!
એથી પણ વઘુ અગત્યની વાત એ છે કે આઝાદીને જેટલા વર્ષો થયા, એટલા વર્ષોથી બાળસાહિત્ય (જેના જોરે જ વાચકો વાંચવાની આદતમાં ઘડાય, અને સમય જતાં અન્ય સાહિત્યપ્રકારોને એમનો કવોટા મળે!) હેરી પોટરના વિલન લોર્ડ વોલ્ડેમોર્ટના કોઈ સ્પેલની માફક થીજી ગયું છે, ડિઝનીના મિકી માઉસ કે અંકલ સ્ક્રૂજ હજુ ચાલે છે. પણ ડિઝનીએ દાયકાઓ પહેલાં રચ્યા એવા જેમના તેમ નહી! સમય પ્રમાણે એમની લાઈફસ્ટાઈલ, ફેશન, પ્રોબ્લેમ્સ, કેરેકટારાઈઝેશન, લોકેશન બઘું જ અપડેટ થતું રહ્યું છે. બાકી તો શેરલોક હોમ્સ કે ફેન્ટમ પણ આઉટડેટેડ થઈ ગયા છે! (ભારતની વાત બાજુએ રાખો, જાદૂગર મેન્ડ્રેકને હેરી પોટરના બ્રાન્ડ ન્યૂ ચાહકોમાંથી કેટલા યાદ કરે છે?) જૂનવાણી લાગતા હેરી પોટરમાં સાયન્સ ફિકશન જેવા ‘ડેઈલી પ્રોફેટ’ અખબારો, ‘મરૌડર્સ મેપ’ જેવા નકશાઓ છે.
રહી વાત ‘ચંદ્રકાંતા’ એટસેટરાની તો એને પણ ટીવીસિરિયલ સ્વરૂપે ફૂલડે વધાવાયેલી જ છે. કશો નવો સ્વાદ લેવાનો કે નહિ? કયાં સુધી બસ્સો કે બે હજાર વર્ષ પહેલાંની વાર્તાઓના વખાણ કર્યા કરશું? ઈટસ ટાઈમ ટુ ક્રિએટ સમથિંગ ન્યુ, ઓરિજીનલ એન્ડ ફ્રેશ ફોર જનરેશનનેકસ્ટ! સ્પેશ્યલી અપીલિંગ ટુ ટીન્સ!
* * *
હેરી પોટર સીરિઝમાં રોલિંગનો માસ્ટર સ્ટ્રોક સ્કૂલ – હોસ્ટેલના બેસ્ટ ઈયર્સ ઝીલવામાં છે. આજે ટીનેજર્સમાં સૌથી વઘુ સફળતા એને એટલે મળે છે કે એ શાળાજીવનની કથા છે. ૧૧ વર્ષે પોટરની હોગ્વર્ટસમાં એન્ટ્રી થાય અને જેવું વેકેશન પડે એટલે વાર્તા પૂરી. નવા સત્રથી નવો ભાગ શરૂ! એડોલસન્સ (તારૂણ્ય) વટાવી હેરી ૧૮ વર્ષનો જુવાન બને એટલે શાળાજીવન પૂરું, અને સાતમા ભાગમાં એના સંઘર્ષની કહાની પણ સમાપ્ત! આ બધાની વચ્ચે સારા- ખરાબ શિક્ષકો, દાદાગીરી કરનાર મેલફ્રોય જેવા ‘બુલીઝ વિદ્યાર્થીઓ, લીના લવગુડ જેવા હૃદયથી નિર્મળ અને સંજોગોના શિકાર બનેલા પણ બાકીના મજાક ઉડાડે તેવા લધરા કે ભોળા સ્ટુડન્ટસ, રોન જેવા દિલોજાન દોસ્ત, હરમાયોની જેવી શકિતશાળી સ્ટુડિયસ સાથી, મિત્ર સેડ્રિકનું મોત, હાર – જીત, સ્પર્ધા… વીઝલી બ્રધર્સની ફીલગુડ મસ્તી મજાક… કંટાળો, એકલા પડી જવાની પીડા… આપણા બધાની સાથે લાઈફના બેસ્ટ પાર્ટ જેવા સ્ટુડન્ટ ઈયર્સમાં બન્યું હોય એ સબકુછ!
માટે હેરી પોટર લખનારની નહિ, વાંચનારની વાર્તા બની જાય છે. વળી એ ઘટનાપ્રધાન છે. એનું કોઈ પણ ભાગનું કોઈ પણ પૃષ્ઠ ઉઘાડો તો કાં એના રમૂજની છાંટવાળા સંવાદોની રમઝટ દેખાશે, કાં તો મન મોર બની થનગાટ કરે એવું કોઈ અદ્ભુતરસથી છલોછલ વર્ણન દેખાશે અને કાં હાર્ટબીટસની સ્પીડ વધારે એવું કોઈ એકશન રચાતું હશે! આ બઘું એન્જોયેબલ હોવા છતાં જેમ પોટરની ઉંમર વધતી જાય, એમ કથા ડાર્ક એન્ડ ફીલોસોફિકલ થતી જાય!
દરેક પાત્રોના જીવતા માણસોની જેમ વૈવિઘ્યપૂર્ણ લેયર્સ બને, જે સમયાંતરે ખુલતા જાય! બે પાત્રો સરખું કામ કરે, પણ સરખા હોય નહિ! માસ્ટર સ્ટોરીટેલર રોલિંગે ખુદે જ કહ્યું છે, તેમ એક પ્રેરણા એણે શેકસપિયરના ‘મેકબેથ’ની લીધી છે – જેમાં ગુન્હાહિત મનોદશાનું રહસ્ય અને આગાહીને લીધે હત્યા તરફ ધકેલતી મહત્ત્વાકાંક્ષા છે. બીજી પ્રેરણા જેન ઓસ્ટિનની છે. એની માફક દરેક પ્રકરણ કે ભાગ એવી રીતે પૂરા થાય કે નવો વાંચવા માટે કલેજું તાળવે ચોંટી જાય! દરેક ભાગમાં કંઈક એવા ‘હૂકસ’ કે સવાલો અઘૂરા રાખ્યા હોય કે એનો ખુલાસો જાણવાની ઉત્કંઠા માટે છેક સુધી ‘વન ટાઈમ રીડર’નું ‘ઓલ ટાઈમ ફેન’માં રૂપાંતર થઈ જાય! અને એકતા કપૂરથી વિરૂઘ્ધ, આવી સોનાના ઈંડા આપતી કહાણીનો પણ સાતમા ભાગમાં અંત થઈ જાય!
મતલબ, આખો નકશો રોલિંગના દિમાગમાં પહેલેથી તૈયાર હતો! આમ પણ, આ કક્ષાની અપ્રતિમ સફળતા કદી ફલ્યુકમાં મળતી નથી. હેરીની સર્જનકથામાં ૪૨ વર્ષની રોલિંગના ૧૭ વર્ષની એકધારી તપસ્યા છે! અને છ વર્ષની ઉંમરથી શરૂ કરેલો લખવાનો અનુભવ છે! ‘હેરી પોટર’માં મેજીક ચાર્મ્સ કે સ્પેલ્સ, કેરેકટર્સ, પ્રાણી કે વનસ્પતિ, વસ્તુઓ કે કર્સ (શાપ)ના ભૂતપૂર્વ લેંગ્વેજ ટીચર રોલિંગે જે નામો આપ્યા છે, એના ઈતિહાસ, ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય અને વિજ્ઞાન સાથેના કનેકશન્સનું અલાયદું દળદાર પુસ્તક થઈ શકે તેમ છે!
પોટરના ગુજ્જુ ટીક્કારો બેહોશ થઈ જાય એટલો રિસર્ચ અને એવી જ ક્રિએટિવિટી રોલિંગે ફઈબા બનવામાં દાખવી છે. સેમ્પલ: ટોમ ‘મોર્વોલો’ રિડલમાં મોર્વોલો એટલે માર્વેલ્સ (અદ્ભુત) તો ખરૂં જ પણ ‘વોલો’ એટલે ઈચ્છા પણ થાય, અને શેકસપિયરના નાટક ટવેલ્ફથ નાઈટમાં ‘મોર્વોલો’ નામનું પાત્ર આવતું કે જે એવો જૂનવાણી હતો કે પોતે આનંદ ન કરતો અને બીજાઓ કરે એ જોઈને એને ચીડ ચડતી! ‘પોટર’ નામ કુંભારના અર્થમાં નથી. પણ આયર્લેન્ડ, સ્કોટલેન્ડમાં અનાથ બાળકોના કબ્રસ્તાનને ‘પોટર્સ ફિલ્ડ’ કહેવાય છે. વળી, ઈસુ સાથે દગો કરનાર જુડાસના નષ્ટ થવાની પણ એ જગ્યા છે! સુપરહિટ ગેઈમ ‘ક્વિડિચ’ માટે પાંચ પાના ભરી શબ્દો ફંફોસ્યા બાદ ‘કવિડિટી’ (વસ્તુનો અર્ક કે અસલી સ્વભાવ) પરથી રોલિંગે એ જાતે બનાવ્યો છે! બાય ધ વે, એમાં ભારતીય પાત્ર પાર્વતી પાટિલ અને નાગિની પણ છે જ!
પણ હેરી પોટર કેવળ શબ્દકોશ પણ નથી… એ કથા જાદૂની નથી.હીરો – વિલનના ઢિશૂમ ઢિશૂમની પણ નથી. આ કથાનું સિહાસન ચાર પાયા પર ઉભું છે: લવ, લોન્લીનેસ, ડેથ એન્ડ ડિપ્રેશન! ગયા બુધ / કથાસાર યાદ કરો. વોલ્ડેમોર્ટ અને હેરીના બચપણના સંજોગો લગભગ સરખા છે. બંને હતાશ, એકલા, મા-બાપ વિનાના દુખી અને સમાજની મજાકનું કેન્દ્ર બન્યા છે. બંને જીંદગીથી અકળાયા છે. પણ વોલ્ડેમોર્ટમાં વેર પ્રગટે છે અને હેરીમાં વ્હાલ! વોલ્ડેમોર્ટની માતાએ સંતાન ખાતર જીંદગી સમર્પી, જીવીને એને ઉછેરવાને બદલે પોતાની જવાબદારીથી ભાગીને આપઘાત કર્યો’ એ ઘટના સાથે હેરીનો માતાએ સંતાનને રક્ષવાની જવાબદારી ખાતર પ્રાણની આહૂતિ આપી બલિદાન કર્યું એ મૃત્યુને સરખાવો… હેરી હીરો છે, કારણ કે એનો પીંડ વાત્સલ્યમાંથી ઘડાયો છે! વોલ્ડેમોર્ટની જેમ ટેલન્ટનો ગુમાની નશો એને નથી.
હેરી પોટરના સતત ૨૧મી સદીની ફરજીયાત ભેટ જેવું ડિપ્રેશન પડઘાયા કરે છે. ‘ડિમેન્ટોર્સ’ના પાત્રો એના જ પ્રતીક છે. વળી હાફ બ્લડ – પ્યોર બ્લડની વિલનગીરી હિટલર – લાદેન જેવા ફાસીવાદી કે મર્યાદાના નામે પ્રેમલગ્નનો વિરોધ કરતા હિન્દુત્વની જડ વિચારધારાનું પ્રતીક છે. જન્મધર્મજાતિના ચોકઠાંથી માણસને માપનાર ખરા ખલનાયક છે . મૃત્યુથી શરૂ થઈને મૃત્યુ સાથે પૂરી થતી હેરી પોટરની થીમ ડેથ છે. રોલિંગના મતે મેજીકનું અંતિમ આકર્ષણ જ મૃત્યુને હંફાવી અમર બનવાનું છે.
પણ કોઈ જાદૂ મૃત્યુને ટાળી શકતો નથી. અને કોઈ જાદૂ પ્રેમ પ્રગટાવી શકતો નથી! ‘લવ પોશન્સ’ના જાદૂથી ઝનૂન, વળગણ, આકર્ષણ પેદા કરી શકાય. બટ ઈવન ગ્રેટેસ્ટ મેજીક કેન નોટ મેન્યુફેકચર લવ! એ જીવનના સાહજીક વિકાસ સાથે આપોઆપ પ્રગટતો ઈશ્વરીય જાદૂ છે! જે કદાચ મૃત્યુને હંફાવતી એકમાત્ર હૂંફ છે! ભરોસો અને પ્રેમ હેરીની તાકાત બને છે, વોલ્ડેમોર્ટ સ્વાર્થી, તો હેરી પરમાર્થી બને છે.
અને કોણ કહે છે જગતમાં જાદૂઈ છડી નથી ? કાફેમાં બેસીને કાગળ પર અક્ષરો પાડતી વખતે જે.કે. રોલિંગના હાથમાં જે કલમ હતી એ શું જાદૂઈ છડી (મેજીક વોન્ડ)થી કંઈ કમ હતી?
એકસ્પેકટો પેટ્રોનમ!
ફાસ્ટ ફોરવર્ડ
Destiny …is often reflection of choices we had made in past!
-j. K. Rawling.
# હેરી પોટરના પુસ્તકોના અને ફિલ્મોના હું તો ગળાબૂડ પ્રેમમાં છું. એને સલામી અનેક રીતે આપી છે. હું જો કે એના પ્રેમમાં મોડો પડ્યો. ૨૦૦૨માં એની પ્રથમ ફિલ્મે મારા પર ચુંબકીય અસર કરી, પછી પુસ્તકોના ખોળે ગયો. ત્યારે માં ગુમાવ્યાના ઝખ્મો તાજા હતા, જેમાં હેરીની ફેન્ટેસીએ મલમપટ્ટો કર્યો. ત્રણ લેખો છેલ્લા ૬ વર્ષના ગાળામાં લખ્યા અને હજુ તો કેટલું ય લખવાનું રહી ગયું છે. પણ આ રવિવારે સ્પેકટ્રોમીટરમાં હેરીને ફાઈનલ ફેરવેલ કહેતો લેખ લખ્યો, ત્યારે આ બધી વાત એકડે એકથી માંડવાનું જરૂરી લાગ્યું…પાછળથી આ ટ્રેનમાં ચડેલા મગલૂઓ માટે! 😛 હેરીનો જાદુ અનાયાસ નથી. એક વર વાંચો તો તમને અજગરની માફક ગળી જાય એવો છે. સ્કુલોમાં તો અચૂકપણે વંચાવવા જેવી આ કિતાબો છે. એમાં રસના ફુવારા અને ડહાપણના ઝરણા છે. ઉપદેશ નથી, ઉત્તેજના છે. જુના ત્રણ લેખો મામુલી વિગતોમાં ફેરફાર સાથે, નવેસરથી ગોઠવીને અહીં સળંગ લેખ તરીકે મુક્યા છે. હોગવર્ડસ્ અને હોગ્સમીડની ગયા વર્ષે ઓર્લાન્ડોના યુનિવર્સલ સ્ટુડિયોમાં મુલાકાત લીધી ત્યારે રીતસર બંદા પાણી પાણી થઇ પીગળી ગયા હતા! અહાહા..શું એ દ્રશ્યો હતા…વાંચેલી વાર્તાનો મસ્ત સાક્ષાત્કાર ત્યાં રાઈડમાં થયો. કલાકો સુધી ક્યુમાં ઊભવાનું વસુલ થયું! અદભુત રાઈડ..સ્મરણીય અનુભવ! એ સફરની તસવીરો કેટલીક અહીં મૂકી છે. અવડા કેડ્રાવા નો ડેથ સ્પેલ આપણા પર જમડા ચલાવે એ પહેલા કરી લેવા જેવું એક કામ રોલીન્ગની આ મહાન ગાથાની ઓળખાણ છે. એની આંગળીએ ભવસાગર પાર થશે! 🙂