RSS

Daily Archives: July 20, 2011

ગોવર્ધન પર્વત ઊંચકવામાં થોડીક સળીનો ટેકો !

અમદાવાદમાં એક મુસ્લિમ ગૃહિણીની હિંમત અને સમયસૂચકતાને લીધે કેટલાય નિર્દોષોના જીવ બચી ગયા. એનું નામ રેશમા. સમાચારો વાંચતા હશે એને ઘટનાની ખબર હશે. પતિ શેહઝાદ સાથે માથાકૂટ થઇ એમાં એને માર પડ્યો. પતિએ ગુસ્સામાં બોમ્બ બતાવી ઉડાવી દેવાની ધમકી આપી. એ મધરાતે ઘર નજીક મસ્જિદમાં છુપાઈ ગઈ. પોલીસને જાણ કરી. આજે આઠ જેટલા બોમ્બ સાથે ઝડપાયેલો શેહઝાદ રેશ્માબાનોએ સાચી દિશામાં ભરેલા પગલાને લીધે પોલીસની કસ્ટડીમાં છે. રેશમાએ  કશું કહ્યું એ ખાસ સાંભળો :  http://www.ndtv.com/article/india/she-told-cops-her-husband-was-making-crude-bombs-120411?pfrom=home-India

ઉભા થઈને તાળીઓ પાડી બિરદાવવા જેવી વાત છે આ. આપણે નેગેટિવ બાબતો વખોડવામાં એટલા રચ્યાપચ્યા હોઈએ છીએ કે પોઝીટીવ બાબતોને વખાણવામાં ઉણા ઉતારીએ છીએ. જેટલી તાકાતથી ત્રાસવાદ સામે રોષ પ્રગટ કરીએ, એટલી જ તાકાતથી કોઈ ભેદભાવ વિના ત્રાસવાદ રોકતી ઘટનાઓ માટે પ્રશંસા પણ કરતા શીખવું પડે. બિશપ ડેસમંડ ટૂટૂનું ક્વોટ મને અતિ પ્રિય છે : “જેનો વિરોધ કરતા હોઈએ, તેના જેવા ના બની જઈએ – તેનું હમેશા ધ્યાન રાખવું.” અજમલ કસાબ અને તિરંગા માટે શહીદ થનાર અબ્દુલ હમીદનો ભેદ ભારતવાસીઓએ સમજવો જ પડે. નહિ તો પાકિસ્તાન અને ભારતમાં ભેદ જ શું? ત્રાસવાદનો વિરોધ મુસ્લીમમાત્રનો આંધળો વિરોધ ના બની રહે, તેનું ધ્યાન મેં હમેશા રાખ્યું છે. જે મારા દોઢ દાયકાના લખાણોથી પરિચિત છે- એમને નવાઈ નહિ જ લાગે. મેં આકરામાં આકરા ત્રાસવાદવિરોધી લેખોમાં હમેશા નિર્દોષનો ભોગ રમખાણમાં ના લેવાની તાકીદ અચૂકપણે કરી છે. આ કોઈના કહેવાથી નહિ- પણ હું માનું છું એટલે. ખાતરી ના થતી હોય એમણે મારા લેખો જોઈ જવા. હું અંતરના અવાજથી લખું છું. કોઈને સારું લાગે કે માઠું લાગે એની પરવા કરતો નથી.

સમાચાર છે કે રેશમાને ગુજરાત સરકારે પચ્ચીસ હજાર રુપરડીનું મોટા ઉપાડે ઇનામ આપ્યું! આ વાંચીને લોહી ઉકળી ઉઠ્યું. નિર્દોષ નાગરિક મરે તો લાખ્ખો મળે ને બચે તો એની આટલી ઓછી કિંમત ? આજના જમાનામાં આટલા રૂપિયામાં ઘરનો નિર્વાહ સાચું કરવા જતા એકલી પડી ગયેલી પત્નીથી ચાલે ખરો? સરકાર પાસે પબ્લિસિટીનું ખાસ્સું બજેટ છે , ને ગુજરાતને ખરેખર સ્વર્ણિમ બનાવતી આવી ઘટનાઓ માટે રૂપિયા નથી? આમ તો ઘણા પ્રોજેક્ટ માટે ઉદ્યોગપતિઓની મદદ લેવાય છે- તો દાખલો બેસાડવા માટે પણ રેશમાને ખરેખર ચુપચાપ તમાશો જોતા લોકોને જાહેરમાં ત્રાસવાદ અંગે માહિતી આપવાનું મન થાય, એવું જંગી ઇનામ ના આપી શકાય? આમ તો કરોડોનો ફાલતું ખર્ચ કે ભ્રષ્ટાચાર આપણે ત્યાં રહેમરાહે થતો રહે છે. રાષ્ટ્રપ્રેમની વાતો કરતી સંસ્થાઓ અંગે હું ઘણીવાર ટોકું છું કે તમારો રાષ્ટ્રપ્રેમ એટલે નર્યું ભગવું હિન્દુત્વ એવી બાવાવાદી વ્યાખ્યા ના જ ચાલે. ફક્ત મુસ્લિમદ્વેષ એ જ કઈ ભારતપ્રેમની સાબિતી નથી. ખોટી બાબતોને ઝાટકવામાં તત્પર એ બધા હોય છે, એટલી ઉમદા બાબતોને પોંખવામાં કેમ નથી હોતા? આમ તો નફરતનો જ ગુણાકાર થાય, ને દેશનો ભાગાકાર થાય! પોઝીટીવ અવાજને ટેકો ના આપી, આપણે નેગેટીવ ઘોંઘાટનું વોલ્યુમ વધારવામાં ફાળો આપીએ છીએ. સારા સાચા મુસ્લીમોના અવાજને સમર્થન આપતા બિરદાવતા શીખવું જ પડશે- એમની હાડોહાડ એલર્જી રાખો અને એકતા અને મહાન ભારતની વાતો કરો – એ સંઘ ક્યારેય કાશી કે કાશ્મીર – દિલ્હી કે આમ ઈન્સાનના દિલ – ક્યાંય પહોચે નહિ!

ત્રણ દિવસથી આ અંગે મનોમંથન ચાલતું હતું. પ્રિય કિન્નર આચાર્ય અને નિકટ મિત્રો સાથે ઉભરો ઠાલવ્યો. વાતની ખરાઈ કરવા સંબધિત વિસ્તારના પરિચિત ઇન્સ્પેક્ટર કુમ્ભારવાડીયા સાહેબની પણ મદદ લીધી. એ મારા વાચક-શ્રોતા પણ છે. રેશમાએ હજુ સુધી તો હિંમત ટકાવી છે. દસ બાય દસની ખોલીમાં રહીને. મુંબઈમાં ૧૨ ચોપડી અંગ્રેજીમાં ભણીને..અવનવા દબાણો વચ્ચે. એણે કર્યું એમાં ઘણી શંકા-કુશંકા થાય..પણ ભલે અંગત કારણોસર,  એણે આટલું તો કર્યું!

માન્યું કે આ મહેબૂબ ખાન-નરગીસની મધર ઈન્ડીયા જેવી કોઈ ફિલ્મી ઘટના ના પણ હોય. આવેશમાં આવેલો પતિ-પત્નીઓ ઝગડો જ હોય. પણ ઘરમાં ઝગડા તો દાઉદના ઘરમાં ય થતા હશે. રેશમાએ જે પગલું ભર્યું એ કોઈ વાડાબંધી વિના વિચારો તો ઉત્તમ નાગરિકધર્મને લાગતું જ હતું. જેની જાગૃતિના ભાષણો નેતાઓ ઉછળી-કૂદીને કરતા રહે છે. રાજાઓ અને રાડીયાઓથી ઘેરાયેલા ભારતની ટમટમતી જયોતનો પ્રકાશ સંકોરે એવું! રેશમાને હું કઈ જાણતો નથી, પણ મારા માટે એ એક વ્યક્તિ નહિ વિચાર છે. આશાસ્પદ ઘટના છે. હું ખોટો પડું, તો ય સારપમાં મારી શ્રધ્ધા તો ખોટી નહિ પડે ને!

પરમ દિવસે કિન્નર સાથેના ‘ફોનાલાપ’માં નક્કી કર્યું કે એવા જ એક નાગરિક તરીકે આપણે ય આ હકારાત્મક ઘટનાને ટેકો આપવો. મેં અને કિન્નરે સાથે મળીને દસ હજાર આપવાનું નક્કી કર્યું. આજે જ લેખ વાંચી માતૃભાષા અભિયાનવાળા હર્ષદ પંડિતનો ફોન આવ્યો અને એમણે મારી વાત સાંભળી સામે ચાલીને પાંચ હજાર તરત નોંધાવ્યા. આ કુલ પંદર હજારની બોણી સાથે હું અને કિન્નર જાહેર માધ્યમે તમને બધાને અપીલ કરી છીએ – આમાં જોડવાની. ફરજીયાત બિલકુલ નથી, અને શરમે-ધરમે કે ક્ષોભથી પણ કશું ના જ કરવું. આ કોઈ સંબંધોના નામે ઈમોશનલ બ્લેકમેઈલીંગ નથી કે આમાં યોગદાન આપવું જ પડે. અને આમાં યથાશક્તિ-યથામતિ જ કશુંક કરવાનું છે. રકમ મોટી ના હોય તો ચાલે, ઈરાદો મોટો હોવો જોઈએ. મને તો જે સુઝ્યું , જે રુચ્યું એ આદતવશ તરત અમલમાં મુક્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રેશમા પાસે હજુ બેંક એકાઉન્ટ પણ નથી. એટલે હું ય મૂંઝાયેલો છું કારણ કે જે કઈ ફંડ ભેગું થાય એ પૂરી પારદર્શકતાથી કઈ રીતે એકઠું કરી પહોચતું કરવું. હાલ પૂરતું વિચાર્યું છે કે રેશ્માબેનના નામે a/c payee  ચેક મારા કે કિન્નરના સરનામે પહોચાડવા. (જય વસાવડા. ૯, અક્ષરધામ સોસાયટી, ગોંડલ.-૩૬૦૩૧૧ / કિન્નર આચાર્ય , એ-૧૭ શાંતિ નિકેતન પાર્ક, રૈયા ચોકડી –સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, રાજકોટ -૩૬૦૩૧૧ ) જરૂર પડે અમને sms અમારા નંબર પર કરી શકાય. હજુ અમે ય એ રકમની વ્યવસ્થા અંગે વિચારીએ છીએ. તમે અત્યાર પૂરતું યોગદાન જણાવી શકો, અને સુચન પણ. ભરોસો હોય તો અમને ચેક મોકલાવી શકો રેશ્માબેનના નામનો.

આ કેવળ સારા ઈરાદાથી, જે લખીએ એ જ આચરીએની સાદી પારદર્શકતાથી ઉપાડેલું નાનકડું પોઝીટીવ અભિયાન છે. ત્રાસવાદ સામે એક સામાન્ય સ્ત્રીએ કશુક કરી બતાવ્યું, તો સામાન્ય નાગરિકો પણ કોઈ ભેદભાવ વિના આ અમનની ખરી પહેલને ટેકો આપી  શકે. મારી પાસે જો એટલી સંપત્તિ હોત તો મેં મંદિરોને બદલે , આવી ઘટના માટે ૨૫-૫૦ લાખનું ઇનામ જાહેર કર્યું હોત. આવા ફંડનો મને કોઈ અનુભવ નથી, ને ઉપરવાળાની મહેરબાનીથી મારે કોઈ પબ્લિસિટીની જરૂર નથી, એ આપ બધા સુપેરે જાણો છો. આપના પ્રેમ થકી લોક્ચાહનાની ભેટ મળી જ છે. ક્ષતિઓ લાગે તો આગોતરી ક્ષમાપના.

હા, કાળા અંધકારમાં ગાંધીજી કહેતા એમ ઉછીના કિરણે પણ એક નાનકડું ચાંદરણું પાડવામાં નિમિત્ત બનું એનો હરખ છે. નકારત્મકને બદલે હકારત્મક ઘટનાનો વધુ પ્રચાર થાય, જીન્દગી લેવા કરતા બચાવવા માટેનો વિશ્વાસ વધુ ફેલાય એ જ સપનું છે. આને કોઈ લોકપ્રિયતાનું ગતકડું ના માનશો પ્લીઝ. મને ખબર છે, કેટલાક ઈર્ષાળુ કુથ્લીખોરોને મારી બાબતે નવો મુદ્દો મળશે અને એમનું દિમાગ રાજકારણી હોઇને એ આમાં ય રાજકારણ જોડશે. પણ હું તો આ રકમ આપવામાં ય એક પણ રાજકારણીને સાથે રાખવાનો નથી. આ કોમનમેનનું જ કામ છે. સવાલ કોઈ માઈલેજનો નહિ, દાનવતા સામે માનવતાની લીટી ઘાટી કરવાનો જ છે. એટલે જેમને જે તર્ક-વિતર્ક કરીને નેગેટીવ બાબતોમાં સમય બગાડવો હોય એ એમને મુબારક. વિવાદોની પરવા મેં ક્યારેય કરી નથી.અમને જે ઠીક લાગ્યું એ કર્યું. કડવો અનુભવ થશે, તો શીખીશ. પણ મીઠું કર્તવ્ય પડતું નહિ મુકું. તમને યોગ્ય લાગે તો પ્રતિસાદ આપજો, મિત્રો.

—————————-

આ નીચે  છે મારો ૨૦૦૮માં પ્રકાશિત લેખ. થોડા સમયાનુરૂપ ફેરફાર સાથે. ત્યારે પણ મેં આવી ઘટનાને બિરદાવી હતી, એની સાબિતી માટે. અગાઉ પણ આવું ઘણું લખ્યું જ છે. પણ આ વધુ સાંપ્રત છે. એમાં સોફિયા નામની માતા છે , તો અહીં રેશમા નામની પત્ની. પુરુષપ્રધાન હિંસા સામે આ સ્ત્રીહ્રદયનો આર્તનાદ હશે?

તું છે બધે ને સહુમાં તો એક વાત કહું ખુદા

હાથે કરીને કેમ વિતાડે છે ને સહે છે!

ઇન્ડિયન યૂથમાં ખાસ્સી પોપ્યુલર સાઈટ પર એક ઉંચા, મજબૂત, કુંવારા જુવાનનો પ્રોફાઈલ છે. થોડા સમય પહેલા કર્ણાટકના હમ્પી ખાતે એણે પ્રવાસ કરેલો, તેના મુગ્ધ નજરે પાડેલા સરસ ફોટોગ્રાફસ છે. એ ક્યારેક ડ્રિન્ક કરે છે, નોનવેજ પણ ખાય છે. એને ઈંગ્લિશ, હિન્દી, બિહારી, મલયાલયમ, કન્નડ તામિલ ભાષા આવડે છે. સ્પોર્ટસનો એ શોખીન જીવડો છે. ક્રિકેટ ફૂડ એન્ડ મૂવીઝ એના પેશન છે. મૂવીઝ માટે તો એણે લખ્યું છે- એની કાઈન્ડ, એની લેંગ્વેજ, એનીટાઈમ… આઈ એમ મૂવી મેનિઆક! આ ભાઈસાહેબને ફાસ્ટ ડ્રાઈવિંગ ગમે છે. દંભ નથી ગમતો. હૂંફનો અભાવ નથી ગમતો. અને હા, કોઈ પણ અસલી જવાંમર્દની માફક એને ફ્‌લર્ટિંગ, ડાન્સિંગ અને અફ કોર્સ ‘ઈરોટિકા’ ખૂઉઉબ પસંદ છે (જો ન હોય તો જુવાની શું કામની! સીધા બાળકમાંથી બૂઢ્ઢા જ થઈ જવું જોઈએ ને!) ઈરોટિકા યાને શૃંગારિક, કામુક વાતો, વિચારો, તસવીરો એન્ડ વ્હોટ નોટ! અને હા, એને મનપસંદ સોંગ્સના વિડિયોઝમાં યુવાનોમાં પોપ્યુલર પાકિસ્તાની બેન્ડ ‘સ્ટ્રિંગ્સ’ (‘શૂટઆઉટ એટ લોખંડવાલા’નું ‘આખરી અલવિદા ન કહો’ ગીત યાદ છે?)ના ઘણા સોંગ્સ છે! અને આ દિલફેંક યુવાન જેના વિના જીવી ન શકતો હોય એવી બાબતો છે ઊંઘઃ ભોજન, ટીવી અને મૂવીઝ!

સોરી ટુ સે. પણ એ લાંબી નીંદરમાં જ પોઢી ગયો છે. હવે ઉઠી ન શકાય તેવી! એની લાઈફ કોઈ મૂવી જેવી થઈ ગઈ! એ પોતે ટીવી પર દેશ આખા માટે ન્યુઝ બની ગયો. ઉપરના આખા ફકરામાં ‘છે’ને બદલે ‘હતો’ વાંચવું પડે તેમ છે!

આ પ્રોફાઈલ છે શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનો, જેણે મુંબઈમાં ચાલેલી જીવસટોસટના ત્રાસવાદવિરોધી લડાઈમાં સામી છાતીએ જીવ આપી દીધો! જે કમાન્ડોઝને આપવા માટે આતંકવાદ સામે આરપારની લડાઈ કરવા માંગતી સરકારના વહીવટી તંત્ર પાસે નકશા નહોતા, આદેશ નહોતો, કશુંય કો-ઓર્ડિનેશન જ નહોતું, ઉમદા બસ પણ નહોતી અને જેમણે નિર્દોષોને બચાવતા બચાવતા દોષિતોને ઝડપવાના હતા! આ કમાન્ડોઝ ઓપરેશન માટે ફાઈવ સ્ટાર હોટલોમાં ગયા, બાકી સપરિવાર તાજ કે ઓબેરોયના બેન્કવેટ હોલમાં ફરવું એમને પોસાય?

વેલ, જે પાકિસ્તાની મ્યુઝિક બેન્ડ સંદીપને ગમતું, એ જ પાકિસ્તાન પ્રેરિત જેહાદી મુસ્લીમ ત્રાસવાદીઓએ મેજરનો ભોગ લીધો! બીજા અનેક નિર્દોષોની માફક! ખેર, મૂવીઝ કે મસ્તી ડેટિંગના નામથી ભડકતા રૂઢિચુસ્તોને સમજાવું જોઈએ કે આ બધાની સાથે પણ કુરબાની આપી શકે, એવી સરફરોશ જુવાની હોય છે. દેશપ્રેમ એટલે વૈરાગ્યભક્તિ નહિ! પાકિસ્તાની કલાકારોને માનવતાના નામે મહોબ્બત કરવાની સાથે જ પાકિસ્તાનપ્રેરિત ‘દાનવતા’ (ત્રાસવાદ) સામે ઝઝૂમવાનું ખમીર જોઈએ. આ કોઈ વિરોધાભાસી ઘટના નથી. પાકિસ્તાનમાં જે સારા છે એમની સાથે પ્યાર ને જે નઠારા છે એમની સાથે તકરારની ન્યાયસંગત વાત છે. (મોરચો સમગ્ર દેશ કે ધર્મ સાથે નહિ – ઈવિલ યાને આસુરી તત્વો સામે જ માંડતો હોય છે. દુર્યોધનને કે રાવણને ખતમ કરવામાં અંતે તો લંકા –હસ્તિનાપુરનું કલ્યાણ જ છે. મેં હમેશા આ પાતળી ભેદરેખા ચોકસાઈથી જાળવી છે. એટલે જેહાદી ત્રાસવાદનો વિરોધ ધર્મઝનૂનીઓની નકલ કરીને એકાંગી ઇસ્લામવિરોધી બનીને ના કરવો. પાકિસ્તાની કલાકારો અંગે લખવામાં બ્રોડમાઈન્ડેડ સ્ટેન્ડ હોય..પણ પાકિસ્તાની અળવીતરાંઓને સહન કરવાની નબળાઈ એમાં ના હોય એ સ્પષ્ટ સંદેશ એમાં જવો જોઈએ.)

* * *

મેજર સંદીપનું નામ તો આજે જાણીતું છે. પણ એમના વતન કેરળના સાફિયા ફયાસને કેટલા ઓળખે છે? સાફિયા પણ સલામીને લાયક છે. ના, એ સૈનિક નથી. ગૃહિણી છે. માતા છે.

બન્યું એવું કે કાશ્મીરમાં થોડા સમય પહેલા થયેલા એન્કાઉન્ટરમાં મોહમ્મદ ફયાસ નામનો કન્નુરનો એક જુવાન ટેરરિસ્ટ માર્યો ગયો. કુપવાડામાં રહેલી એની લાશને અંતિમવિધિ માટે ક્લેઈમ કરવા માટે એની મા સોફિયાએ ઘસીને ઈન્કાર કર્યો! એણે કહ્યું કે ‘જો મારો દીકરો આવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય, તો એની સાથે જે થયું એ બરાબર થયું. એ આવા જ અંતને લાયક હતો. હું બંદગી કરું છું કે કોઈ સ્ત્રીને કટ્ટરવાદીની મા બનવાનું બદનસીબ ન મળે!’ સાફિયાએ ‘હેં! હોય જ ન નહિ!’ના મુફતી અબુ બશરથી પ્રજ્ઞા ઠાકુર સુધીના પેરન્ટસના પ્રતિભાવોને બદલે ચોખ્ખીચટ વાત કરી, કે ‘મારો દીકરો ભટકતો જતો હતો, તેની મને શંકા હતી જ. ત્રાસવાદી બનવા માટે એના ફૈઝલ નામના દોસ્તે એને લલચાવ્યો હતો, તેવું મને લાગે છે. એ મને કહેતો કે તમારા પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર મોકલ્યો છે, અમદાવાદ મોકલ્યો છે… મોહમ્મદ મારા કાબૂ બહાર જ જતો રહ્યો હતો!’

પાકિસ્તાન ત્રાસવાદી માટેની વ્યૂહરચના આબાદ બનાવી શકે, પણ સ્થાનિક દેશદ્રોહીઓના સહકાર વિના ભારતની બરબાદી કરી ન શકે. ત્રાસવાદીઓને જવાબ દેવાનો એક રામબાણ તરીકે એ પણ છે જ કે જે પકડાયેલા, ગુનાની કબૂલાત કરી ચૂકેલા, સાંયોગિક પુરાવાથી ગુનેગાર સાબિત થયેલા અપરાધીઓ છે, એમને એ જ રીતે આ દુનિયા છોડાવવી જોઈએ, જેવી રીતે મુંબઈમાં ૨૬-૨૭ નવેમ્બરે અસંખ્ય માસૂમોએ વગર વાંકે સરાજાહેર દુનિયા છોડી!

માલેગાંવમાં સૂતળી બોમ્બ જેવા ધડાકા કરતા ફેનેટીક હિંદુ બાવાસાધુઓ તો એ જ ભૂલ કરી રહ્યા છે, જે વર્ષો પહેલા વહાબી માનસિકતા અપનાવતા જૂથ સામે આંખ આડા કાન કરી સમજદાર મુસ્લીમોએ કરી હતી. પોતાના જ ઘરમાં નિર્દોષોને મારવાથી ત્રાસવાદ વધવાનો છે. ઘટવાનો નથી. જો શક્તિપ્રદર્શન કરવું જ હોય તો જે લોકો આ ઝેરીલી માનસિકતાનો લખી-બોલી- તાલિમ આપીને પ્રચાર કરે છે, તેમને ઉઘાડા પાડીને કરવાનો છે! કારણ કે, આતંકવાદીને કોઈ ધર્મ હોય કે ન હોય- આતંકવાદી હવે મારવામાં કોઈ ધર્મ જોતા નથી એ સિદ્ધ થયેલું છે. એનો ત્રાસ મુસ્લીમ ત્રાસવાદી હોય તો મુસલમાનોએ પણ ભોગવવો પડે તેમ છે!

અને એટલે જ, આ દેશને જેટલા સંદીપ ઉન્નીકૃષ્ણનોની જરૂર છે. એટલા જ કદાચ એથી વઘુ સોફિયા ફયાસની પણ જરૂર છે!

* * *

અમદાવાદમાં જયારે બોમ્બ ધડાકા થયા ત્યારે ટીવી પર ચર્ચામાં એક દેખાવે જ કટ્ટર (અને સ્વભાવે વઘુ કટ્ટર) એવા મુલ્લા સાથે નસીરૂદ્દીન શાહ જેવા ખરા અર્થમાં બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી અભિનેતા બેઠા હતાં. નસીરે મુસ્લીમ જુવાનોને ભડકાવવા માટે મુલ્લાજીનો કાન (અલબત્ત, શબ્દોથી!) આમળ્યો. એણે કહ્યું કે ‘તમને મુસ્લીમો બોમ્બધડાકા કરવામાં સામેલ થાય છે, એ રોકવા કરતાં સાનિયા મિર્ઝાના સ્કર્ટની વઘુ ચિંતા છે’! (એક આડવાતઃ હિન્દુઓમાં પણ વળતાં ત્રાસવાદની માનસિકતા બનતી જાય છે, એ હકીકતનો ઇન્કાર ન થઇ શકે. પણ એ ફ્રસ્ટ્રેશનમાંથી આવતું રિએકશન છે. મીણબત્તી બુઝાવો તો અરીસામાં આપોઆપ અંધારૂં થઇ જાય એમ જો ઇન્ફેકશન ખતમ થાય, તો એ તાવ તરત ઉતરી જાય!) મુલ્લાએ નસીરને કહ્યું ‘હમ યતીમખાને મેં દો હજાર બચ્ચોં કો પાલતે હૈ, આપ ફિલ્મવાલે કયા કરતે હૈ કૌમ કે લિયે!’ નસીરે એના ટ્રેડમાર્ક કટાક્ષમય સ્મિત સાથે કંઇક આવું કહ્યું ‘આપ ઉન દો હજાર યતીમોં કો પાલતે હૈ, યા દો હજાર મિલિટન્ટસ તૈયાર કરતે હૈ?’

સલમાનખાનના પિતા ગ્રેટ રાઇટર એન્ડ ફાધર સલીમખાન જેમ સ્પષ્ટપણે જાહેરમાં કહે છે કે ‘જો આ ત્રાસવાદીઓ પોતાની જાતને મુસલમાન કહેતા હોય, તો હું મુસલમાન નથી!’ એવા જ નક્કર વિચારો નસીરૂદ્દીન શાહના પણ છે! ટ્રેજેડી એ છે કે મિડિયામાં ‘વેન્સ્ડે જેવી સચ્ચાઇથી ભરપૂર ફિલ્મોની પણ પચાવ્યા વિના ટીકા કરનારા કહેવાતા માનવતાવાદી ધર્મનિરપેક્ષોના કુવિચારોને જેટલું મહત્વ મળે છે, એટલું એકસપોઝર સલીમખાન કે નસીરૂદ્દીન શાહે જાહેરમાં વ્યકત કરેલા કડવા સત્યને એ ‘નગ્ન સત્ય’ હોવા છતાં મળતું નથી! (વેન્સડે જોઈ કેટલાક દંભી ગુજરાતી સેક્યુલરો સિવાય દેશભરમાં કોઈ નારાજ નથી થયું, સિવાય કે ત્રાસવાદીઓ ! સલીમખાને તો એના લેખક-દિગ્દર્શક નીરજને ખુશ થઇ પોતાનોઈ ફિલ્મફેર આપી દીધો હતો!)

મુંબઇની ઘટનાના થોડાક મહિના પહેલાં જ એનડીટીવીના કોઇ દેખીતી રીતે શિખાઉ પત્રકારને નસીરૂદ્દીન શાહે (એમના પત્ની રત્ના પાઠક તો ગુજરાતી છે જ, પણ નસીરનો મિજાજ એવો કે દીકરાના સ્કૂલ એડમિશન ફોર્મમાં ધર્મના ખાનામાં ‘ભારતીય’ એવું લખાવે!) માત્ર મુંઝાયેલા, અકળાયેલા, ગિન્નાયેલા મુસ્લીમો જ નહિં, પણ બંધિયાર મગજના સેકયુલરિસ્ટોએ ખાસ વિચારવા જેવો ઇન્ટરવ્યૂ આપ્યો હતો! (દરેક મુસલમાન ધર્મઝનુની અને રાષ્ટ્રવિરોધી જ હોય એવી ગ્રંથિથી પીડાતા અન્ય નાગરિકો માટે પણ અગત્યનો ખરો જ!) આજના સંદર્ભે એ યાદ કરવાની તાતી જરૂર છે. ઓવર ટુ નસીરઃ

‘આપણે ત્યાં મુસ્લીમોમાં મોટી સમસ્યા એ છે કે કતલ માટે નૌજવાનોને પ્રભાવિત કરવાવાળા, ઇન્ફલુઅન્સ કરવાવાળા જેટલા શકિતશાળી લોકો છે, એટલા એમને રોકવાવાળા કે સમજાવવાવાળા નથી! મુસ્લીમ યૂથ એમ માને છે કે સમાજ એમને સ્વીકારતો નથી, અલગ ગણે છે. પણ એ માટે અલગ (દેખાવ, જબાન, આદતો) રહેવાનું પોતે પડતું મૂકીને મહેનત કરી, વ્યવસ્થિત જીવતા નથી!

કુરાનમાં ઘણું ય છે. પણ બધા જ પોતપોતાનો ફાવતો મતલબ શોધી લે છે. મઝહબ નસોમાં હોય ત્યારે એની ઉપર જઇને વિચારવું આમઆદમી માટે મુશ્કેલ છે. મને એ નથી સમજાતું કે આઝાદીના જમાનાથી ઇસ્લામનું ભલું મુસ્લીમ લીડરશિપ જ કરી શકે એ વિચાર કેમ થાય છે? એમાંથી જ ભાગલાની માનસિકતા આવી. મુસ્લીમોનું નેતૃત્વ જ ટૂંકી દ્રષ્ટિના લોકો પાસે રહી ગયું છે. નમાજ ખુદા સાથેનું એક અંગત કોમ્યુનિકેશન છે. એને જાહેરમાં શા માટે લઇ આવવું જોઇએ? બીજાથી પોતાનાને ચડિયાતા બતાવવા જ ને? ને ભારત- પાકિસ્તાનમાં તો આખી વાત જ ગુંચવાઇ ગઇ છે. દુનિયામાં સ્કોટલેન્ડથી ઓસ્ટ્રેલિયા સુધી મુસલમાનો છે. પણ અહીં (ભારત- પાક.માં) સોશ્યલ અવેરનેસ નથી વધતી, બસ રિલિજીયસનેસ જ વધતી જાય છે!’

નસીરૂદ્દીન આવું કહેતા હતા ત્યારે (એ વખતે શબાના આઝમીનું મુસ્લીમોને ભારતમાં અન્યાય થાય છે એવું સ્ટેટમેન્ટ આવેલું) એ સંદર્ભે પૂછવામાં આવ્યું. નસીરે હસીને કહ્યું ‘અબ જીન લોગો કો મૈં પહેચાનતા હું, ઉન કે બારે મેં મેરા મૂંહ મત ખુલવાઓ. લેકિન મૈં અપને બારે મેં કહ સકતા હૂં, મેરે સાથ તો મેરે ઇસ મુલ્ક મેં કોઇ નાઇન્સાફી નહીં હુઇ હૈ, મારા પિતા સિવિલ સર્વિસમાં હતાં. મારા કાકા પાકિસ્તાન ગયા, ત્યારે પણ એ ત્યાં ગયા નહોતા. એક ભાઇ આઇ.આઇ.ટી.માં છે. મોટાભાઇ ઇન્ડિયન આર્મીમાં લેફટન્ટ કર્નલ તરીકે રિટાયર્ડ થયા છે. અમારી સાથે એવો કોઇ ભેદભાવ થયો નથી. હા, ભારતમાં ઘણી રીતે સામાન્ય માણસને અન્યાય થાય છે. એનો ભોગ તો દરેક બને છે. કોઇ ખાસ ધર્મ જ નહીં! અને એ માટે એ શું બધા નિર્દોષોનો જાન લઇ લે છે? દુનિયામાં ઇસ્લામ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે, અને મોટાભાગની તો મુસ્લીમોમાં જ છે! જેમ કે ઉર્દુને આપણે ત્યાં ઇસ્લામની ભાષા ગણે છે. પણ એ ભારત- પાકિસ્તાન સિવાય કયાંય બોલાતી નથી, અને દુનિયામાં સૌથી ખરાબ ઉર્દુ પાકિસ્તાનની છે! અને મને તો એ નથી સમજાતું કે કોઇ માણસને મારી નાખે, એવા નાલાયક લોકોને તમે ‘ભાન ભૂલીને ભટકેલા’ કેમ કહી શકો? કોઇનો જાન લેવા કોઇ કન્વિન્સ જ કેમ થાય?’

સૌજન્યશીલ માનવાધિકારવાદીની માફક પેલો ઇન્ટરવ્યૂઅર નસીર સાથે ગોળગોળ ભજીયાં તળતો હતો કે એક ચોક્કસ ઘટના બને ત્યારે એક વર્ગવિશેષના લોકો પ્રતિભાવ આપવાનું ટાળે છે…. નસીરે એની મુંઝવણ સમજી તરત જ કહ્યું ‘આપ સીધા સીધા કહીએ ના, જબ હિન્દુ મરતે હૈ તો યે સેકયુલર લોગ કુછ નહીં કહેતે, જબ મુસ્લીમ મરતે હૈ તભી યે મેદાન મેં આ જાતે હૈ!’ પછી વિચારીને એણે કહ્યું ‘વાતમાં થોડું તથ્ય તો છે જ- પણ સ્ટેટમેન્ટસ જ આપીને શું થવાનું? કશુંક કરો. અમે ય બચપણમાં નફરતના કિસ્સા સાંભળ્યા હતાં, પણ અમે અમારી જાતને એજયુકેટ કરી, ઓપન કરી. બાળકોમાં નફરતના બી ન વાવો. હિન્દુઓ પણ હવે આ જ ગલતી કરે છે. બીજા ધર્મો પણ કરે છે. સ્ટોપ ધિસ. ખુદા કે લિયે જરાક ભવિષ્યની દુનિયા જીવવા જેવી રહેવા દો!’

આમીન!

(શીર્ષક પંક્તિ: સૌમ્ય જોશી)

 
25 Comments

Posted by on July 20, 2011 in gujarat, india, personal

 
 
%d bloggers like this: