RSS

Daily Archives: July 18, 2011

કોટે મોર ટહૂકયા ને વાદળ ચમકી વીજ !

‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ની મેઘદૂતી મોસમ આવી પહોંચી છે. કવિકુલગુરૂ કહેવાતા કાલિદાસે મેઘને ભારે લાડકોડથી સંભાર્યો છે. પાણીકાપની સીઝનમાં પ્રજાનું પાલન કરતો હોવાથી એ ‘પર્જન્ય’ કહેવાય, જીવનજળને અંદર બાંધી રાખે એટલે ‘જીમૂત’ અને પાણીને એકથી બીજી જગ્યાએ લઇ જાય માટે ‘અંબુવાહ’ જળ આપે માટે ‘તોયદ’ અને વીજળી એની લાઇફ પાર્ટનર છે, માટે તાડીત્વાન’ (તડિત એટલે વીજળી) અંગ્રેજીમાં તો મળે માત્ર એક જ શબ્દ ‘રેઇન’! કાલિદાસ તો ઉનાળે આમ્રકુંજના વાસંતી કોયલના ટહૂકા યાદ કરે તો ચોમાસે ‘જંબુકુંજ’ યાને મીઠાંમઘુરા કાળા લિસ્સા શ્યામગુલાબી જાંબુડીના ઝાડની ઘટાને બિરદાવે (યમ્મ યમ્મ!)

ઉપર ઉપરથી કોરા આકાશમાં ભીતર ઘેરાતા ઘેધુર વાદળાઓનો મહિનો એટલે અષાઢ. બદલાતા ૠતુચક્રમાં હવે અષાઢી સાંજના અંબર અને મેઘાડંબર ગાજવાની કોઇ ગેરંટી નથી. (એક દૂહો છે, જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહિ , પણ અષાઢનો એક એક દી વરવો લાગે વેરડા!) હવે કદાચ અષાઢ ચાતક નયને બારિશની ખ્વાહિશ કરવાની મોસમ છે. પણ વરસાદની તો શકયતાના શમણાંય એના વ્હાલેરા વાસ્તવ જેવા જ!

મોરલાને જોવા માટે ડિસ્કવરી- નેશનલ જયોગ્રાફિક જેવી ચેનલ્સ ચાલુ કરવી પડે, એવા કાળમાં અષાઢે વરસાદની હેલ માટે ટહેલ નાખતો ટહૂકો શહેરમાં કયાં સાંભળવા જ મળે છે? અંગ અંગ રંગ ઉમંગનો ગાઢ અષાઢ લ્હેરાતો હોય ત્યારે ટાગોરનું મન મોર મેઘરે સંગે ઉડે ચલે દિગદિગેન્તેર પ્રાન્તે યાદ આવ્યા વિના રહે? (રહે, જો કયારેય આવું કશું માણવાની તસ્દી ન લીધી હોય અને જૂઇના માંડવાને બદલે બિલાડીના ટોપ જેવું જીવ્યા હો તો!)

૮ નવેમ્બર ૧૯૩૩. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે ‘સંચયિતા’ નામનો પોતાનો ગીતસંગ્રહ ઝવેરચંદ મેઘાણીને મોકલ્યો, એવા પત્ર સાથે કે ‘આમાંના થોડા ગુજરાતીમાં આવે તો ગમશે’ મેઘાણીએ એમાંથી ૧૯૪૪માં એક ગીતનું (મૂળ પાઠમાંનો એક અંતરો પડતો મુકીને) કાઠિયાવાડીકરણ કર્યું. મેઘાણી ભાષાંતર જ નહિં, રૂપાંતર પણ કરતા. પણ ટાગોરના આ ‘નવી વર્ષા’ કાવ્યને તો એણે એવી કમાલથી મૌલિક નિરીક્ષણો અને ઉર્મિઓ સાથે ઢાળ્યું કે એ જાણે ગુજરાતી ધરતીની ભીની માટીની મહેંક પ્રસરાવતુ મૌલિક ગીત જ બની ગયું!

અને કેવું એ ધીંગી ધરાનો ધબકાર ઝીલતુ ગીત! અહાહાહા! ચારણી શૈલીના દોમળિયા (તોર્તકની અસર સાથે) છંદનો ઉપયોગ કરી (જેમ આમ પણ મોન્સુન સ્પેશ્યલ ગણાય – બે હૈયાના મળવાની વાત પરથી આવું નામ પડયું હશે? કે જમીન- આસમાનના આલિંગનની ૠતુ પરથી? વાદળ જાણે ને વસુંધરા!) જાણે કોઇ તળપદું લોકગીત હોય એમ શબદમોતીડાંની સેર ગૂંથીને મેઘાણીએ આ મદમસ્ત રચનાનો હાર આપણાં કંઠે શોભાવ્યો છે.

૧૯૨૦માં મેઘાણીએ ટાગોરના કંઠે મૂળ બંગાળી રચના સાંભળેલી. પણ એક વખત હેમુ ગઢવીના અષાઢીના કંઠમાં જેણે સાંભળ્યું હોય, એમના તો કાનમાં જાણે વાદલડીઓ અનરાધાર વરસી જાણો! આમ પણ કાચાપોચા કલાકારનું ગજું નથી કે જમૈકન કેલિપ્સો બીટસ કે બ્રાઝિલિયન સામ્ભા સોંગ્સને ઝાંખા પાડે એવી આ બુલંદ રચના ગાઇ બતાવે! વર્તમાન કલાકારોમાં અરવિંદ બારોટ, અભેસિંહ રાઠોડ કે પ્રફુલ્લ દવે જેવા આંગળીને વેઢે ગણાય એવા ગાયકોના ભગીરથ કંઠ જ આ ધસમસતા ગીતનું ગંગાવતરણ ઝીલી શકે તેમ છે!

એક એક શબ્દમાં રૂંવાડે રૂંવાડે જાણે ભીતરથી લોહીના ફુવારા છુટવાનું જોર કરતાં હોય એવું આ ‘ફોર્સ’થી ધમધમતું ગીત હાઇ ફાઇ સાઉન્ડ સીસ્ટમમાં ડિજીટલ ઓર્કેસ્ટ્રા સાથે કોન્સર્ટમાં રજૂ કર્યું હોય તો દુનિયાભરના યંગસ્ટર્સ ગગનભેદી ચિચિયારીઓ સાથે વાળ – વસ્ત્રોની પરવા વિના વાવાઝોડાંની માફક થિરકી ઉઠે! પણ આજે વીસરાતી જતી ચારણી લઢણ, કલેજાંને ધ્રુજાવે એવા નક્કર ગુજરાતી શબ્દો  પોંખવા આ ગીતને માણીએ!

મેઘાણી ‘ટાઇમલેસ કલાસિક’ ગણાય એવા સાહિત્ય માટે નોળિયા અને નોળવેલની ઉપમા આપતા. એવું મનાતું કે સાપ સાથે લડતાં નોળિયો ઘાયલ થાય ત્યારે નોળવેલ વનસ્પતિ સુંઘે તો થાક ઉતારીને ફરી તાજોમાજો થઇ જાય. આપણે ય સંજોગોના સાપ સામે ઝઝુમીને લોથપોથ થયા હોઇએ, તો આવા કળા- સાહિત્યનો સ્પર્શ આપણી ‘બેટરી રિચાર્જ’ કરી નાખે છે!

તો ચાલો માણીએ ‘મન મોર બની થનગાટ કરે’ જેવા ગુજરાતના ભાતીગળ વારસાના ‘રાજ્યગીત’ સરીખા ઝવેરાતની ઝણઝણાટીને!

મન મોર બની થનગાટ કરે,

મન મોર બની થનગાટ કરે

ઘનઘોર ઝરે ચહુ ઓર,

મારૂં મન મોર બની થનગાટ કરે!

બહુ રંગ ઉમંગના પીંછ પસારીને

બાદલસું નિજ નેનન ધારીને

મેઘમલાર ઉચારીને

આકુલ પ્રાણ કોને કલ સાદ કરે?

મન મોર બની થનગાટ કરે.

ટાગોર-મેઘાણી જેથી સુપરલેટિવ ટેલન્ટસનું મેજીકલ મિલ્કશેઇક થયું હોય, ત્યાં ઉપમા- અલંકારોની રમઝટ બોલ્યા વિના રહે? આ રચનાની કળાત્મકતા પણ ત્યાં છે કે અહીં વ્યક્તિ અને પ્રકૃતિની બંનેની વાત અને વર્ણનો સિમ્બોલિક રીતે એકસાથે ગૂંથી લેવાયા છે! ટુ ઇન વન, યુ સી! વરસાદી વાયરા ફુંકાતા જેમ મોર પીંછા ફેલાવીને વાદળા સામે તાકી ગહેકતો હોય, એમ આ ઘનઘોર ઘટાની ૠતુમાં મનડું થનગન થવા લાગે છે. વરસાદને પોકારાતો હોય એવા મેઘમલ્હાર જેવો તડપથી કોને વ્યાકુળ ચિત્ત ઝંખે છે?

ઘર ઘરર ઘરરર મેઘઘટા

ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે

નવ ધાન ભરી સારી સીમ ઝૂલે,

નદીયું નવજોબન ભાન ભૂલે,

નવ દીન કપોતની પાંખ ખૂલે

મધરા મધરા મલકાઇને

મેડક મેહસું નેહસું બાત કરે,

ગગને ગગને ગુમરાઇને

પાગલ મેઘઘટા ગરજાટ કરે

માહોલ બાંધવામાં આવ્યો છે અહીં! કુશળ કેમેરામેન કલોઝ અપ લેતા પહેલાં નેચરલ લેન્ડસ્કેપના કટસ બતાવે તેવી રીતે. ગુમરી એટલ ઘુમરી, સરકયુલર મોશન. વરસાદની એક મેગા બાસ સાઉન્ડ ઇફેકટ હોય છે. પાણીનું દફતર ઉંચકીને જાણે ચંચળ પવન જરા વિવેકી બની જાય છે. આકાશમાં વાદળો ગરજીને પોતાનું શકિત પ્રદર્શન કરી રહ્યા છે. નવે નવ ધાન ભરેલી, એટલે ખેતીના ખજાનાવાળી સીમ ઝૂલે છે. નવા પાણી રૂપે નદીઓની ‘મેકઓવર ટ્રીટમેન્ટ’ થઇ જતાં એ પણ ભાન ભૂલીને ઠુમકતી નાચે છે. ન્યુવાળો ‘નવ’ ગુજરાતીમાં ‘નો’વાળા નવ તરીકે પણ વપરાય (ને નવડો તો ખરો જ નાઇનવાળો!) એટલે આ બધી ધમાચકડીમાં લપાઇ ગયેલા દીન, યાને રાંક, ગભરૂ કબૂતરની તો પાંખોય ખુલતી નથી. ત્યારે મધરા મધરા એટલે મઘુર મઘુર નહિં, પણ ધીમે ધીમે હસીને (અધીરાઈનું વિરૂધાર્થી) દેડકાઓ પણ નેહ યાને સ્નેહથી મેઘ સાથે સંવાદ રચે છે! આકાશ પર બ્લ્યુ ફેસવોશના ફીણ ઉભરાતા હોય અને છાપરા પર ગ્રુપ ડાન્સ થતો હોય, તેવી મોસમ છે.

નવ મેઘ તણે નીલ આંજણીએ

મારા ઘેધુર નેન ઝગાટ કરે

મારા લેચનમાં મદઘેન ભરે

વનછાંય તળે હરિયાળી પરે

મારો આતમ લહેર બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે

મારો પ્રાણ કરી પુલકાટ

ગયો પથરાઇ સારી વનરાઇ પરે

ઓ રે! મેઘ અષાઢીલો આજ મારે

હેલ્ય નેન નીલાંજન-ઘેન ભરે!

પંકિતએ પંકિતએ વરસાદી થનગનાટ જામ્યો છે. નીલ યાને ભૂરીવાદળી રંગોનું જ સામ્રાજય આખી સૃષ્ટિ પર ચોમાસે છવાતું હોય, ત્યારે જાણે એ સૂરમો- કાજલ- મસ્કારા બનીને આંખોમાં અંજાય છે. અને આ મદહોશ વાતાવરણ આંખમાં શૃંગારિક સપનાઓનું ઘેન લઇ આવે છે. જાણે એક નશો ચડાવે છે. અષાઢી વર્ષામાં ફકત ફૂલો જ નહીં, ઘાસ પણ ખીલે! અને એ વનવગડાની હરિયાળી પથારી પર શરીર નહીં, પણ આત્મા આળોટી પડે છે, બહાર નીકળીને!

તો ચોમેર કૃષ્ણના મખમલી શ્યામ રંગની બારિશાના ડિઝાઇન થઇ ગઇ છે! જાણે આપણું અસ્તિત્વ કુદરતમાં કણ કણ થઇને વિખેરાઇ રહ્યું છે! આંખોમાં કાજળને બદલે વરસાદી વાતાવરણની શેફાયરની ચમક જેવી ડાર્ક નેવી બ્લ્યૂ ઝાંયની આઇલાનર છે! પ્રિયકાંત મણિયારે સોળ વરસની છોકરીના વર્ણનમાં લખેલું ‘ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરૂં એ તો અંજન આંજે, મઘમઘ મહેંકયા ડોલરના કૈં ફૂલ સરીખા ગાલે-ખંજન રાજે!’ આમે ય સાવનસીઝન એટલે આંખમાં આંખ પરોવવાની ૠતુ!

ઓલી કોણ કરી લટ મોકળિયું પડી

આભ મહોલ અટારી પરે

ઉંચી મેઘ મહોલ અટારી પરે!

અને ચાકમચૂર બે ઉર પરે

પંચરંગીન બાદલ પાલવડે

કરી આડશ કોણ ઉભેલ અરે!

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર

રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી

વીખરેલ લટે ખડી મે’લ પરે!

ફરી વાર નેચર સાથે નારી-નરનો મેટાફોર! આખું વર્ણન તાજી તાજી વરસેલી નવવર્ષાને પણ લાગુ પડે અને એ વરસાદની હેલીમાં ઘેલી બની જતી કોઇ સુંદરીને પણ! વરસાદી પવનમાં આમ પણ વાળ છૂટ્ટા મુકી દેવાનું મન થાય એટલે ફોરાં જરા એની સાથે અડપલાં કરી શકે! જાણે આકાશની બાલ્કનીમાં વર્ષારાણીએ પોતાના કાળાભમ્મર કેશ છૂટા મુકી દીધા હોય એવું પણ ભાસે!

અને ચાકમચૂર બે ઉર એટલે (મર્યાદાપ્યાદાંઓ, આંખો મીંચી લેજો) મસ્ત એવા બે સ્તન! જે પયોધરો પર રંગબેરંગી વાદળોનો પાલવ ઢાંકવાની કોશિશ કરતું કોણ દેખાય છે? અંકલાશ યાને આકાશી ખોળામાં રાસ રમવા નાચતીકૂદરતી વીજળીનો ઉજાસ ઘુમ મચાવે છે, અને જેવો ખેલ બ્રહ્માંડમાં થાય છે એવો જ આપણી આસપાસની મેડી ઉપર પણ થાય છે, જયાં કોઇ જોબનવંતી જુવતી એની છાતીને કસોકસ ઉભારને સંતાડવાનો પ્રયત્ન કરતી હવામાં ફરફરતી લટો સાથે ઉભે છે! એની રગ રગમાં જાણે મયૂરનો ટેહુંક સ્વર ‘કામાભિધાન’ કરી એને ઉત્તેજીત કરી રહ્યો છે. ધરતી અને યુવતી બંનેની તરસ ઠારવા અમીધારા વહે છે.

નદી નીર કેરા કૂણા ઘાસ પરે

પનિહાર એ કોણ વિચાર કરે

પટકૂળ નવે પાણી ઘાટ પરે!

એની સૂનમાં મીટ સમાઇ રહી

એની ગાગર નીર તણાઇ રહી

એને ઘેર જવા દરકાર નહીં.

મુખ માલતીફૂલની કુંપળ ચાવતી

કોણ બીજા કેરૂં ઘ્યાન ધરે?

પનિહાર નવે શણગાર નદી કેરે

તીર ગંભીર વિચાર કરે!

વરસાદ એટલે પ્રણયની ૠતુ. વરસાદ એટલે યાદની મોસમ. કરસનદાસ લુહારે લખેલું ‘એક ચોમાસું કે તું-તુંથી સભર, એક ચોમાસું કે હું તારા વગર!’ ક્યારેક કશુંક ખોવાઇ ગયાની પીડાના પૂર પણ બે કાંઠે વહેતા હોય છે. મિલાપની પ્રતીક્ષા કે વિલાપની અગ્નિપરીક્ષા બંનેનો છડીદાર છે અષાઢ. નદી કિનારે (તીરે) પનિહારી કોના સ્મરણમાં સાનભાન ખોઇ બેઠી છે કે એની નજર જાણે શૂન્યમાં સ્થિર થઇ ગઇ છે, એને ઘરનું, પાણીનું કોઇ ઘ્યાન નથી. એના ચહેરા પર તો જાણે ‘ફલાવર ઓફ ફીલિંગ્સ’ ખીલી રહ્યા છે. સજીધજીને ઉભેલી એ રમણીના હૃદયમાં જાણે ખિસકોલીની માફક સ્વીટ સ્વીટ હાર્ટબીટ ભાગદૌડ કરે છે. કશાક ગુલાબી સ્પંદનોની નવી નવી રોપાયેલી કળીને મેહુલિયાની માળી સીંચી રહી છે. પેઇન ઓફ લોસ્ટ લવ? ઓર સાઇન ઓફ ફ્રેશ એટ્રેકશન?

ઓલી કોણ હિન્ડોળ ચગાવત

એક ફૂલ બકુલની ડાળ પરે

ચકચૂર બની ફૂલ ડાળ પરે!

વીખરેલ અંબોડાના વાળ ઝૂલે

દિયે દેહ નીંડોળ ને ડાળ હલે

શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે

એની ઘાયલ દેહના છાયલ-છેડલા

આવા ઉઠી ફરકાટ કરે

ઓલી કોણ ફંગોળ લગાવત

એકલ ફૂલ બકુલની ડાળ પરે!

જયારે મસ્તીનો વરસાદ દિલમાં કુછ કુછ કરે, ત્યારે દેહમાં અચાનક વીજળીના આંચકા જેવો તરવરાટ આવી જતો હોય છે. બસ, અમસ્તું જ દોડવાનું, કુદવાનું, નાચવાનું… શરીરની ઉર્જાને બહાર ફગાવી દેવાનુ મન થાય છે. જાણે અંદરથી કોઇ કામદેવ- રતિના હાથો હીંચકા નાખે છે. જાણે નસનસમાં કોઇ બાંસુરી વાગે છે. આવા કેફમાં ચકચૂર કોઇ મનમોહિની બકુલવૃક્ષની ડાળીએ હીંચકો જોર જોરથી ચગાવી રહી છે. એને પોતાની જાત ભૂલાઇ ગઇ છે, કારણ કે કોઇ યાદ આવ્યું છે, અને ભાવાવેશમાં અંબોડો વરસાદી પવનની ગુદગુદીથી વીખેરાઇ ગયો છે.

જેમ વહેતું ઝરણું નમણો વળાંક લે, એમ એ શરીરને કમનીય ઝટકો આપે છે, અને એ ઠેલાના લટકાથી ડાળી હલત તેની માથે આનંદવર્ષા થાય છે, ડાળ પરના સુગંધી ફૂલોની! એના પ્રીતની ધારથી ઘાયલ એવા શરીર પરની છાપ (ડિઝાઇન)વાળી ચુંદડી મોરપીંછની માફક હવામાં આ મસ્તીની ગતિથી, ઉડે છે અને બધા જ બંધનો તોડીફોડીને જાણે વાદળને ભેટવું હોય એમ એ પોતાની જાતને ફંગોળતી રહે છે, ચેઝિંગ ધ પ્લેઝર! મનમાં સુખના શમણાંઓ ફૂલોની જેમ ઝરતા રહે છે.

મન મોર બની થનગાટ કરે

આજે મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે

નવ બાદલને ઉર આગ બુઝે

નદી-પૂર જાણે વનરાજ ગુંજે

હહડાટ કરી, સારી સીમ ભરી,

સરિતા અડી ગામની દેવડીએ

ઘનઘોર ઝરે- ચહું ઓર,

મારૂં મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે!

વરસાદ એટલે જોશભેર ગામના દરવાજાને ભેટવા આવતી નદી. વરસાદ એટલે ઠંડા પાણી ભરેલા વાદળાના હૈયામાં ભભૂકતી વીજળીની આગ! વરસાદ એટલે બ્રહ્માંડની સિંહગર્જના, રાતના ભરાતી તમરાંની સંગીતસભા! અને અષાઢ એટલે બઘું જોઇ થનગનાટ અનુભવવાના રોમાંચનું ‘વેલકમ ડ્રિન્ક!’

મેઘાણીનું આખું કાવ્ય જાણે નાદ અને લયના હીંચકે સેલ્લારા ખવડાવે છે, જાણે ઝબૂકતી વીજળીનું જોશ, જાણે ખળખળ વહતા ધોધનો વેગ! આજ શુઘુ ચોખે ચોખે થેઈકાર દિન! ઇન્દ્ર ધનુષોમાંથી છૂટેલા શબ્દોના તીર જેવું આ ગીત જાણે આપણી છાતી વીંધી નાખે છે. જાણે ગરમાગરમ ભીના ચુંબનોની ઝડી વરસાવે છે. મોરને ગુજરાતી ન આવડે તો ન નાચે. પણ આ માણ્યા પછી અમારું તો તન મન મોર બની થનગાટ કરે છે. તમારૂં?

# બે વર્ષ પહેલા પ્રગટ થયેલો આ લેખ અષાઢી મેઘાડંબર અત્યારે ગોરંભાયા છે, ત્યાં મનમાં ગુંજવા લાગ્યો. ગમતી વાત હોય એ વારંવાર કહેવાનું મન થાય..પૂછો પ્રેમમાં તાજી પડેલી કોઈ બેલડીની જોડલીને 😉 ‘નવી વર્ષા’ ગીતની સમજુતી તો અહીં સુધી પહોંચ્યા એટલે વંચાઈ ગઈ હશે. એ.આર.રહેમાન નહિ, તો આપણા મેહુલ સુરતી ય એને રિધમિક અરેન્જમેન્ટમાં  લેખમાં યાદ કર્યા એ ત્રણમાં થી કોઈ એકના ઘેઘુર કંઠે  ફાસ્ટ રિ-મિક્સ કરે ને એનો બઝ લુહારમાન જેવા ફાસ્ટ કટ્સમાં મણિ રત્નમ સરીખો કોઈ માણીગર મ્યુઝિક વિડીયો બનાવે – ને દુનિયા ડોલાવે એવા સપના જોવામાં તો હજુ કંઇક ચોમાસા વહી જશે. પણ આ બે રાષ્ટ્રીય શાયરોના સંગમ જેવું , બે વિશિષ્ટ પ્રદેશોના સમન્વયતણું ગીત વિદેશોમાં ય હજુ મધરાતે ડાયરામાં એન્ટી-ટ્રાન્કવીલાઈઝરનું કામ કરે છે. લોકો ઝૂમે છે, પણ પુરો અર્થ પચાવતા નથી. એક અંતરો તો ઉઘાડો શ્રુન્ગારનો જ છે – છતાં ય એ લલકારી પાછા ઘણા કલાકરો મર્યાદાની મોરલી શરુ કરે , એ સાંભળીને બડી ગમ્મત થતી હોય છે!

આ લેખ લખતી વખતે પણ બે-ત્રણ શબ્દકોશમાંથી પસાર થવું પડ્યું અને ખરાઈ કરવા હવે  હરિવલ્લભ ભાયાણી કે જયમલ્લ પરમાર જેવા જીવંત જ્ઞાનકોશ મોજુદ ના હોઈ ને મિત્ર સાંઈરામ અને નિરંજનભાઈની નીંદર વેરણ કરી ને ય લોકબોલીના શબ્દોના અવનવા અર્થો અંગે જે ચર્ચા કરી, એ ય એક લેખ લખાય તેવી હતી..જે હજુ સ્મૃતિમાં છે.  હા ગોંડલમાં હજુ ય  વરસાદી સાંજે થીરકતા મોરલા જોવા મળે , એની વચ્ચે મોટા થયાનો ગહેકાટ ખરો મિજાજમાં 🙂

આ ગીત સાંભળવાનો ઉમળકો ચડે એ માટે બે લિંક મુકું છું. પહેલી લિંકમાં જીતુદાનના કંઠે એ જામ્યું છે. તો બીજી લીંકમાં ચેતન ગઢવી અને આશિત દેસાઈના કંઠે છે..ક્યાંક કોઈક માં એકાદ અંતરો ઓછો પણ લાગે. પણ ત્રણેય ની અલગ  છટા છે. ત્રણેય સાંભળો …તમને કઈ વધુ જામે છે? પણ હજુ મારા મનમાં થનગાટ છે, એ એમાં પુરો તો ઝીલાતો નથી જ!

*રણકાર પર જીતુદાન ગઢવી

*મીતિક્ષા પર અનુક્રમે ચેતન ગઢવી અને આશિત દેસાઈ

 
32 Comments

Posted by on July 18, 2011 in art & literature, feelings

 
 
%d bloggers like this: