RSS

Daily Archives: July 14, 2011

યુઘ્ધમ્‌ શરણમ્‌ ગચ્છામિ?

“પણ હું મારી આંખોમાં આજે આંસુ નહિ, મારા જે નિર્દોષ દેશવાસીઓના (આતંકવાદીહુમલામાં રેડાયેલા) લોહીની રતાશ ભરવા માંગુ છું, ભભૂકતા ગુસ્સા સાથે !

આપણે સગવડતાપૂર્વક આવી બિરદાવલિઓનો રજાઇ તરીકે ઉપયોગ કરી માથે ઓઢીને સૂઈ જઇએ છીએ. દરેક વખતે કઈને કોઈ આફત આવે છે, અને આપણે કહીએ છીએ, ઓહ ઇટ્‌સ મુંબઇ, વી વિલ ફાઇટ બેક ફાઈન. વી. વિલ. પણ એની કોણ ખાત્રી આપશે કે આફત ફરી નહિ આવે ?’

મિડિયામાંથી મને વિનંતીઓ આવી રહી છે કશુંક કહેવાની. ટીવી પર આવી મજબૂતાઈ, બંઘુત્વ અને શાંતિ દર્શાવતા સંદેશ આપવાની. હું ઘસીને ના પાડી દઉં છું. કારણ કે, મને એ ચીકણું, ચવાઇ ગયેલું, વારંવાર કહેવાતું ‘ટીઆરપી’ ગેઇનિંગ સ્ટેટમેન્ટ લાગે છે વઘુ કશું જ નહિ !એને બદલે આ દેશના લાખ્ખો લોકો જ્યારે એકઠાં થઇને, સાથે મળીને દુશ્મનનો મુકાબલો કરવા નીકળશે, ત્યારે મને બોલાવો તો હું ગોળીઓની રમઝટ વચ્ચે પણ પહેલો ચાલીશ !

મેં જે રિવોલ્વર બહાર કાઢવાની વાત કહી, તે પ્રતીકાત્મક છે. મારે દર્શાવવું હતું કે આ સીસ્ટમ અને આ શાસનમાંથી મેં સંપૂર્ણપણે શ્રદ્ધા ગુમાવી દીધી છે. ભારતના સ્વતંત્ર નાગરિક તરીકે, મને મારી ભૂમિમાં ગૌરવથી કોઇ જ ડર વિના રહેવાનો અધિકાર છે અને આ દેશનું તંત્ર મને એ સલામતીની, સુરક્ષાની ખાતરી આપી શક્તું નથી. તો પછી મારે દર્શાવવું પડે કે મારી, મારા કુટુંબની સુરક્ષાની જવાબદારી મારે પ્રશાસન પર આધાર રાખવાને બદલે જાતે લેવી પડશે.

મને દોસ્તોના ફોન આવે છે. આપણા દેશની તાકાત અને ત્રાસવાદ સામેનો વિરોધ બતાવવા ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ પાસે જઇનેએક બનીને મીણબત્તી પેટાવવાના.

નહીં ! મને માફ કરો ! હું એ નહીં કરું !

બહુ થયું. ઢગલે ઢગલા કાગળોના અને સાઇબરસ્પેસના વપરાય છે. શું કરવું જોઇએ તેની ચર્ચાઓ થાય છે. દરેક પાસે કંઇક ને કંઇક ઉકેલ છે. બધા કોઇને કોઇ તર્ક લડાવી સવાલો પૂછે છે. પાણી ડેમને તોડીને જાણે ધસમસી રહ્યું છે. બધા જ પોતપોતાની થિયરી લઇને બેઠા છે, શું ખોટું છે, શું થવું જોઇએ. કોઈ ફિલોસોફિઇકલ કવિતા રચી નાખે છે. કોઈ શબ્દોની સામગ્રી લઇ તૂટી પડે છે. કોઈ દીવો પ્રગટાવે છે. કોઈ રેલી કાઢે છે. કોઈ કાર્યક્રમ કરે છે, કોઈ ફિલ્મ કે ચિત્રના દ્રશ્યો રચે છે. કોઈ પોતે ગુમાવ્યું એ માટે રડે છે, કોઈ સહાનુભૂતિમાં રડે છે. કોઈ હિંમતથી નવનિર્માણ કરે છે. કોઈ વ્યુહાત્મક બને છે. કોઈ સાવચેત થઇ જાય છે.

અને ક્યાંક દૂર… કે આપણી અંદર આ બધા પર કોઈ હસી રહ્યું છે !

આ કોઈ આવા (વિવેક-સૌજન્યભર્યા) ‘જેશ્ચર્સ’ (હાવભાવ, પ્રતિક્રિયા) દર્શાવવાનો સમય નથી. આ સમય છે કોઈ એવા નેતૃત્વને સાંભળવાનો જે મજબૂતાઈથી, ખાતરીબઘ્ધ રીતે કશુંક કરી બતાવે ! આ સમય છે કે દેશનો એકે એક નાગરિક કશુંક કરી બતાવવા સાથે મળે અને એક નિર્દેશાયેલી શિસ્ત મુજબ વર્તન કરતો થાય. આપણે બધાએ એક એવી આચારસંહિતા ઘડીને તેનું પાલન કરવાનું છે, જેથી આપણી એક સામુહિક શક્તિ (કલેક્ટિવ સ્ટ્રેન્થ) બને. જો ધૂસણખોર (પાકિસ્તાની ત્રાસવાદી) બ્રેઇનવોશ થઇ શક્તો હોય કે એ જે કંઇ એ તો દૈવી આદેશ છે તો ભલે એને પણ એક થઇને, સંઘબળથી વર્તતા ૧.૨ અબજ બ્રેઇન્સનો મુકાબલો કરવા મળે જે એને શીખવી શકે એ કેટલો ખોટો અને નબળો છે !

તમને ખબર છે ? શા માટે ભારતીય ક્રિકેટ ટીમને હમણા હમણા જબરદસ્ત સફળતા મળી છે ? ઇટ્‌સ બિકોઝ ઇટ હેઝ શોન કેરકેટર એન્ડ એટિટ્યૂડ. હા, ટેલન્ટ તો છે જ. પણ પિચ ઉપર બોડી લેંગ્વેજ અને વર્તનથી હરીફને મહાત કરી શકાય છે.

આ કદાચ અસંબઘ્ધ અને નાનકડા દ્રષ્ટાંતો છે. પણ એમાંથી જ મહાન અને મોટા ઉદાહરણો (સર્જવા)ની સમજ મળે છે. બહુ લાંબા સમય સુધી આપણે ગુલામીની માનસિકતા ધરાવતા ઢીલા રાષ્ટ્ર તરીકે રહ્યા. આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યને વર્ણવવા માટેનું ધરખમ વિશેષણ આપણી પાસે નથી.

દ્રઢ નિર્ણયથી વળતો પ્રહાર – આ જ ભારતની નાભિમાંથી જરાય માફીની મુદ્રામાં ઝૂક્યા વિના-ઉઠતો ઉંડો ઘેધૂર અવાજ છે !”

***

રીડરબિરાદર, આ શબ્દો છે એંગ્રી ઓલ્ડ મેન અમિતાભ બચ્ચનના ! એમના બ્લોગમાં ૨૬/૧૧ના ‘ટેરર હોરર’ પછી કેટલાક નમૂનેદાર વિચારો સફાઈદાર ભાષામાં એમણે મૂક્યા હતા..

હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ. સ્કૂલોના પ્રાર્થનાખંડોથી લઈને થિયટરોના અંધકાર સુધી, ૧૫ ઑગસ્ટ- ૨૬ જાન્યુઆરીના તિરંગા વિશેષાંકોથી લઈને ધાર્મિક મેળાવડાઓ સુધી જે મહાન દેશને આપણે સિંહ જેવો સમજીએ છીએ, એ બકરી જેવો છે. ઉફ્‌ફ ! આ તો બકરીનું ય અપમાન છે. બકરી ખિજાય તો ય શીંગડા ભરાવે, ધમપછાડા કરે.

પણ ઉંદરડી જેવો જ અવાજ જેમના સ્વભાવની ચાડી ફૂંકે છે એવા વડાપ્રધાન મનમોહન ચૂંચૂંચૂં (એમના નામ પાછળ સિંહ લખવા અમારી માયૂસ કલમ ઉપડતી નથી !) એ તરડાઈ ગયેલી ઘિસિપિટી રેકોર્ડ વગાડશે : અમે સખત પગલા લઈશું!

પગલા લેવાના હોય, એનું એનાઉન્સમેન્ટ ન કરવાનું હોય ! ત્રાસવાદીઓ જે ધમકી આપે છે, તેનો અમલ કરી બતાવે છે. અને ભારત સરકાર ? એવું નિવેદન કેમ નથી આવતું (જેવું નાઇન ઇલેવન પછી અમેરિકાનું હતું) કે, ‘ધે વિલ હેવ ટુ પે ફોર ધીસ’ ‘ઉન હેવાનો, હરામખોરો કો ઇન કી કિંમતચૂકાની પડેગી ઉન્હોંને હમારી હોટલ પે દો દિન કબ્જા કિયા, હમ વો જીસ (પાકિસ્તાની) શહર સે આયે હૈ વો શહર ઉજાડ કે રખ દેંગે. ઇસ ધિનૌની હરકત કા ઐસા બદલા લિયા જાયેગા કિ સાત પુશ્તે દુશ્મન કી ઉસકી દાસ્તાન યાદ કર કે રોયેગી, અગર સાત પીઢી ચલને તક વો જીન્દા રહે તો !’

પણ ક્ષુબ્ધ બનેલા બહુમતીઓ (જે અન્યાયના મામલે કોઈ પણ દેશની ગુલામ લધુમતી કરતા વઘુ લાચાર, બેસહારા છે !)ને ખબર છે કે એમને તો ટેરરિસ્ટો અને સેક્યુલરિસ્ટો બેયના ડફણા ખાવાના છે. ત્રાસવાદીઓને મારવાના મુદ્દે અહીં પોલિસ અફસરો જેલમાં બંધ થઈ જાય છે ! જગતના માનવ અધિકારની માળા જપતા વિકસીત દેશોમાં જે કડક એન્ટીટેરરિસ્ટ કાયદાઓ છે, તેવો કાયદો અહીં લઈ આવવાની વાત કરો, તો પોતાના બાપદાદાનો ગરાસ લૂંટાઈ ગયો હોય એવા લબાડ લુચ્ચા બૌદ્ધિકો ભૂંડના ટોળા જેવી કિકિયારીઓ કરી મૂકે છે. કહે છે કે, આવા કાયદા હતા ત્યારે ક્યાં આ પ્રવૃત્તિ બંધ થઈ હતી. (બંધ તો તમારી વાયડી વાણી પણ નથી થતી સાહેબો, પણ કંટ્રોલ કરવાની, ખૌફનો જવાબ ખૌફથી આપવાની અને માત્રા ઘટાડવાની વાત છે. ૩૦૨ની કલમ છતાં રોજ ખૂન થાય જ છે, એટલે શું એ કલમ કાઢી નાખવાની ?)

જસ્ટ ઇમેજીન, તમારા જ ઘરમાં કોઈ વગર વાંકે જોરજબરદસ્તીથી ધૂસીને તમારા નિર્દોષ ભૂલકાઓને ફડાકા મારી જાય, અને તમે એ નાલાયકને પહોંચી વળો તેમ હો, તો પણ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ત્યારે તો ઠીક, પણ પછી રોકકળ કરતા બેઠા રહો, તો શુદ્ધ ગુજરાતીમાં તમને શું કહેવાય ? બાયલા, નામર્દ !

નવરા પંચાતિયા નિસબતિયાઓ યુદ્ધ, બુદ્ધ, ઇતિહાસ, ભૂગોળ એવા એનાલિસીસ કર્યા કરશે. અસરો અને આડઅસરોના ચશ્મીસ્ટ વિદ્વતાથી છલોછલ ફીફાં ખાંડશે. પ્રોટોકોલ અને પોલિસીના ઉપદેશો આપશે. એમને એમના જ ઘરમા ધૂસીને ધોકે ધોકે ધીબેડી નાખો, તો ‘પોલિસ પોલિસ બચાવો, બચાવો’ની બૂમરાણ કરશે ! (ખાતરી નથી થતી, અજમાવી જુઓ – ગુજરાતમાં આવા ઘણા ય દોઢડાહ્યા નમૂનાઓ છે,!) એ લોકો ભલે કવિતાઓ અને ક્વોટેશન્સ ટાંક્યા કરતા. હકીકત એ છે કે ફૂટનીતિ કપટ વિના થતી નથી. અને સામે મામા શકુનિ હોય ત્યારે યુધિષ્ઠિરવેડાંની કાણી કોડી પણ ઉપજતી નથી. સદી અગિયારમી હોય, એકવીસમી હોય કે એકત્રીસમી હોય ત્યારે અફર, અખંડ, અમોઘ, અજોડ, સત્ય ધ્રુવતારક જેવું અવિચળ છે, હતું અને રહેશે : સો વિદ્વાન, બરાબર એક પહેલવાન ! (આ પણ એક વિદ્વતાપૂર્ણ સંશોધન પછીનું જ વિદ્વાનોનું તારણ છે !)

ભારતે બિલ્લી મારવાની હતી ૧૯૪૭માં, ૧૯૬૫માં, ૧૯૭૧માં ત્યારે મારી નહિ, અને ૨૬ નવેમ્બર ૨૦૦૮ પછી પણ મારી નહિ- પછી બિલાડી વાઘ બનીને ફાડી ન ખાય તો શું ઓલિયા બનીને ગઝલસંઘ્યા ગાય ? દુનિયા આખીની ચોવટ અને (એજ યુઝઅલ) ભારતની ચીસાચીસને ઘોળીને પી જઈ શ્રીલંકાએ એલટીટીઇનો ખાત્મો જ બોલાવી દીધો ને ! આ જ પ્રભાકરને એક ભૂતપૂર્વ વડાપ્રધાનની હત્યા કરી હોવા છતાં આપણે શું કર્યુંહતું ? તાબોટા પાડ્યા, બીજું શું ?

આજે એક ટી.વી. ચેનલ પર દેશના હોમ મિનિસ્ટરઆવીને ઉઠમણામાં બેઠા હોય એવું મોં લટકાવીને એવો જવાબ આપે છે કે, ‘‘મારી જગ્યાએ હોત, તો તમે શું કર્યું હોત ?’’ (બીજું તો આપણે રોવા સિવાય અને ફરિયાદો કરવા સિવાય શું કરીએ હેં ? ઇશ્વરને ગમ્યું તે ખરું !) ‘અરે ચીફ ઓફ આર્મી સ્ટાફ ઓન રેકોર્ડ કહે છે કે, પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં ૪૩ ત્રાસવાદી કેમ્પ ચાલે છે. ચાલે છે તો શું એ કંઈ જોગર્સ પાર્કના મોર્નિંગ વોકર્સ છે કે ચાલવા દેવાના ? તૂટી પડો અને ખત્મ કરો ! આમાં નિર્દોષોને હણવાની પણ વાત નથી.’ મુશર્રફ કહે છે કે, અમે અમેરિકન ગ્રાન્ટ ભારત વિરોધી યુદ્ધક્ષમતા વધારવામાં ચોરીછૂપીથી વાપરી કાઢી.

***

વોટ ટુ ડુ ? સિમ્પલ. પહેલા તો એ જુઓ કે શું નથી ચાલતું. જો અમન, મુહોબ્બત, સદ્‌ભાવની વાતોથી પરિસ્થિતિ સુધરતી હોત તો આ માટેના શ્રેષ્ઠતમ કર્મશીલ એવા ગાંધીજીની હયાતીમાં ભારતના ભાગલા અને રમખાણો પછી કાશ્મીરની મડાગાંઠ ન થઈ હોત. ગાંધીજી કક્ષાનો શાંતિદૂત તો આજે છે પણ નહિ, એ નાપાસ તો કોઈ પાસ ન થઈ શકે. જો માંગણીઓ સ્વીકારવાથી, શિક્ષણ અને સગવડો આપવાથી, ધન આપી થાબડભાણા કરવાથી બદલાવ થતો હોત તો આ બઘું જ કર્યા પછી કાશ્મીરમાંથી ધર્મના નામે પંડિતોને વિસ્થાપિત ન કરવામાં આવ્યા હોત. અમરનાથ યાત્રાનો વિવાદ ભડક્યો ન હોત. આ દાખલો આ રીતે નથી ગણાતો, એ દેખીતું છે.

તો કઈ રીતે ગણાય છે ? જેમ અમેરિકાએ ગણ્યો તેમ. બે ટાવરના બદલામાં બે દેશ. તમે આરડીએક્સ લઈને આવશો, તો અમે ક્લસ્ટર બોમ્બ ઝીંકીશું. પછી જે થાય તે. દસ વરસ તો અમેરિકામાં શાંતિ રહી એ નજર સામે છે. આપણી તો પાડોશમાં જ પાકિસ્તાન- બાંગ્લાદેશ છે. સલામત રહેવું હોય તો ચીનવાળી કરવી પડે. જરાકેય અકોણા ચાલ્યા કે ફાઇટ ટુ ફિનિશ. અને આનો મતલબ હરગીઝ આપણા જ દેશના નિર્દોષ ભારતીય મુસલમાન પર અત્યાચાર કરવાનો (કે ફોર ધેટ મેટર હિન્દુઓની આળપંપાળ કરવાનો) એવો નથી. દેશમાં ને દેશમાં લડીઝગડીને શું મળશે ? ઝૂંપડાવાળાને ખતમ કરવાથી ત્રાસવાદ ખતમ નહિ થાય કારણ કે એ તો મુલ્લા માનસિકતામાંથી આવે છે. તેના એપિસેન્ટર સુધી પહોંચવું પડશે. જગત જમાદારો મંદીમાં છે એમને ય મુંબઈમાં લપડાક લાગી છે. ટાઇમ ટુ વોર. પાકિસ્તાનના ટુકડા કરી નાંખો, ટેરરિસ્ટ કેમ્પ તબાહ કરી નાખો. અરે, ચૂંટણીમાં ય વોટ મળશે, બસ ?

આપણે ઇઝરાયેલી સૈનિકોની પરાક્રમકથાઓ વાંચવી છે, પણ એ પ્રજા જેવું લડાયક અને પ્રામાણિક ખમીર કેળવવું નથી. બઘું નોર્મલ થશે, નવી ‘એબ્નોર્માંલિટી’ના ઇન્તેજારમાં ! ફરી ગુટકા ચાવતો કોઈ પોલિસવાળો હપ્તો ખાઈને ગમે તે પોટલાંને ધૂસી જવા દેશે. ફરી દાનવ અધિકાર (સોરી, માનવઅધિકાર)ના સમર્થકો ‘રાખના રમકડાં’ બનાવી, ચર્ચાનું ચ્યવનપ્રાશ ચાટ્યા કરશે. ફરી ભ્રષ્ટ તંત્ર, દિશાહીન નેતાગીરી અને નિર્માલ્ય જનતાનો ત્રિવેણી સંગમ એમાં ડૂબકી મારનારા પુણ્યશાળીને પાપી બનાવતો રહેશે.આવી નપુંસક આઝાદી કરતા તો વીરત્વભર્યા વિદેશની ગુલામી સારી !

મનમોહનસિંહ જેવા છ નંબરની જર્સી પહેરનારા માસ્તરિયા લીડરોના ગળામાંથી ઉંદરિયો અવાજ જ નીકળવાનો છે. આ કંઈ વાટાઘાટ, વિશ્વ્લેષણ કે માનવાધિકારનો ઈસ્યૂ જ નથી. ‘એક ઘા ને બે કટકા’ સિવાય ખૌફનું મારણ થવાનું નથી. જગતના ચીકણા ચોવટિયાઓને જે કહેવું હોય તે કહે જ્યોર્જ બુશની ધોકાવાળી જ ઈસ્લામિક ત્રાસવાદને ભરી પીવાનો ધ બેસ્ટ ઓપ્શન છે. ઓપ્શનનો પણ પ્રશ્ન રહ્યો નથી. ઈટસ ઓન્લી ચોઈસ! બુશ ફાટી પડયા હોત, તો કઈ ગેરેન્ટી હતી કે વઘુ ત્રાસવાદી હુમલા ન થાત? પણ ભારતના વિમાનો અપહરણ કરનારા તાલિબાનોને પાડોશમાં આપણે નહોતા ગબડાવી શક્યા, એ અફઘાનિસ્તાન અમેરિકાએ ધમરોળી નાખ્યું. ડિટ્ટો ઈરાક. સદ્દામના સાચા-ખોટાનો સવાલ નથી. આજે ઈસ્લામિક વિશ્વની છાતી ઉપર અમેરિકન લશ્કરનું એક થાણુ છે. સૈનિકોના લોહી રેડાયા છે. અબુ ગરીબની જેલમાં થતાં અત્યાચારો જોઈને પીલુડાં પાડનારાઓએ મુંબઇેના ફુરચા યાદ રાખવા જોઈએ.

ત્રાસવાદીઓ નથી યોદ્ધા, નથી ક્રાંતિકારી એ બાયલા, નિવીર્ય, કાયરો છે. પોતાની કહેવાતી ધાર્મિક – સાંસ્કૃતિક – રાજકીય માંગણી માટે એ કોઈનામાં સામી છાતીએ લડવાની ત્રેવડ નથી. જે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને વિજ્ઞાનનો વિરોધ કરે છે, એણે જ શોધેલા વિસ્ફોટકો અને કોમ્યુનિકેશનનો આ નપાવટો ઉપયોગ કરીને મોટો ફાંકો રાખે છે. વીરતાથી પડકાર કરવાને બદલે છછૂંદરની જેમ છૂપાઈને કરડનારાઓ કંઈ પરાક્રમીઓ નથી. એમને કોઈ રાજકીય નેતા, ધર્મગુરૂ કે ચોક્કસ સંસ્થા ખટકતી હોય અને એની સામે મેદાને પડે એ તો હજુ ય સમજી શકાય. પણ આ તો મૂળ વાત સાથે કશું ય લાગતુ વળગતું ન હોય એવા તદ્દન નિર્દોષ નાગરિકોને રંજાડવાની ગુસ્તાખી છે. આ જ ફર્ક છે જંગ અને ત્રાસવાદ વચ્ચેનો!

હજુ પણ આપણે ત્યાં માત્ર રાજકારણીઓની ટીકા કરતા એવા બુદ્ધુ બૌદ્ધિકો છે, જેમને કાશ્મીરથી શરૂ થયેલી આ સમસ્યાનું મૂળિયું જોવામાં મોતિયો આવી જાય છે. આતંકવાદ સામાન્ય અપરાધ નથી કે જેની અસર મર્યાદિત હોય. એ યુદ્ધ પણ નથી કે જેમાં નૈતિકતાના, સામી છાતીએ લડવાના કોઈ નિયમો હોય. એની સામે ઝઝૂમવા માટે જુદી તૈયારી, જુદો અભિગમ જોઈએ. અત્યાર સુધી આપણે વાંચતા- સાંભળતા આવ્યા છીએ, ‘સો ગુનેગાર ભલે છટકી જાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ’. ત્રાસવાદ સામે લડવામાં કમનસીબે, કમને (રિપિટ કમનસીબે, કમને) ‘સો નિર્દોષ ભલે પરેશાન થાય, પણ એક ગુનેગાર છટકવો ન જોઈએ’ની સાયકોલોજી અપનાવવી પડે તેમ છે.

રાતોરાત કોઈ કાયમી ઉકેલ મળવાનો નથી. પણ કાયમી અભિગમ જરૂર હાજર છે. ‘માર બૂઘૂં અને કર સીઘું’! પંજાબમાં ત્રાસવાદ જોઈને આંસુ સારતી કંઈક ફિલ્મો અને સિરિયલો બની ગઈ. એ જોઈને શું કોઈનું દિલ દરિયા થઈ ગયું? ના, એ તો કે.પી.એસ. ગિલની અમાનુષી ગણાતી કડકાઈથી થયું. ઓફ ધ રેકોર્ડ મળેલી માહિતી પ્રમાણે ગિલસાહેબે એક સાદો નુસખો અજમાવેલો. જે શખ્સ રાતના શંકાસ્પદ ફરતો દેખાય એને ‘માર કર જેલમ મેં ડાલો’… બિનવારસી લાશના પંચનામાના કેસ ન ચાલે. એવો સપાટો બોલ્યો કે પંજાબમાં ત્રાસવાદ હતો, એ પણ યાદ કરાવવું પડે છે! આમાં કોમવાદ કે લધુમતીના અન્યાયની વાત નથી. જે ત્રાસવાદી, વિભાજનવાદી, રાષ્ટ્રદ્રોહી અને હિન્સક સંકુચિત દિમાગના છે- એમને ઠેકાણે કરવાની વાત છે. બંધબેસતી પાઘડી કોઈએ પહેરવાની જરૂર નથી. જો તમે એવા નથી, તો એ તમને લાગુ ન પડે. ખોંખારો ખાઈને તમે પણ આ જ વાત જાહેરમાં કરો જ!

***

વાજપેયી હોય કે મનમોહન  – એ લોકો ત્રાસવાદીઓને ‘ચીમકીઓ’ આપે છે. આરપારની લડાઈનો ડારો આપે છે. પોતડીદાસ માસ્તર તોફાની છોકરાઓ સામે શાંતિ જાળવવા ઘાંટા પાડે અને ઘડીબેઘડી પછી છોકરાઓ પાછા કોલાહલ કરી મૂકે એવો ઘાટ સર્જાય છે.

પણ એક દસકામાં અમેરિકાના સત્તાધીશોએ પ્રજાને આપેલું વચન પાળી બતાવ્યું. જસ્ટિસ ડિલિવર્ડ. ગ્રાઉન્ડ ઝીરોનું તર્પણ થયું. મુજે ગબ્બર ચાહિયેના ઠાકુર ફિલ્મી પડદે જ હોતા નથી, એ પુરવાર થઈ ગયું છે. ત્રાસવાદ એમ ખતમ નથી થવાનો. અમેરિકા એમ સલામત પણ નથી થઈ જવાનું. પણ, નાઈન-ઈલેવન પછી લાદેને ટેપ બનાવી બનાવીને ધમકીઓ આપ્યા કરી, પણ અમેરિકામાં હજુ સુધી એક ફટાકડો પણ ફોડી શક્યો નહોતો. (ધારો કે, ભવિષ્યમાં કશુંક અઘિટત બને પણ ખરું, પણ દસ વરસ લગી તમામ પ્રકારના ત્રાસવાદીઓની ફિદાયીનવૃત્તિ અને ઝનૂન છતાં, એક પણ આતંકવાદી ઘટના બને નહિ, એ ઘટના બિલકુલ નાનીસૂની નથી.) એકવાર ઉંઘતા ઝડપાયા પછી અમેરિકાએ એક દસકા સુધી જેહાદી જૂથો અને એમના સંરક્ષક દેશોને લોહીપાણી એક કરીને જાગતા રાખ્યા છે. ઉભા પગે દોડતા રાખ્યા છે. કોઈ પક્ષાપક્ષી વિના બુશે આદરેલું અધૂરું કાર્ય બરાક હુસૈન ઓબામાએ પૂરું કર્યું છે.

સવાલ ત્રાસવાદનો છે જ નહિ. સવાલ દેશની ઈજ્જતનો છે. ન્યાયનો, ગૌરવનો છે. ધર્મયુધ્ધો લડવા અને જીતવા માટે અધર્મ પણ આચરવો પડે, એ ભારતને સમજાવવાની જરૃર નથી. (અહીં ધર્મનો અર્થ ન્યાય અને નીતિ સમજવો.) ગેંગસ્ટરોના શાર્પશૂટરો પાસેની મશીનગનનો મુકાબલો ભજન ગાવાથી ન થાય, એ માટે પોલિસના હાથમાં પણ બંદૂક જોઈએ. અમેરિકાએ વધુ એક વખત સાબિત કરી બતાવ્યું કે અમેરિકન નાગરિકોનું લોહી સસ્તું નથી. અમારી ઉપર આંગળી ઉઠાવશો તો ખભા સહિતનો હાથ જ ઉખેડી નાખીશું. આને કહેવાય ધાક. એક માણસની ‘આણ’થી હજારો ડરે, તો જ જાહેર શિસ્ત અને શાંતિ જળવાય. આપણી જનતા ભૂલકણી છે. નિર્દોષ નાગરિકોના જીવ લેનારાઓને આપણે સજા ફરમાવી શકતા નથી. અમેરિકાએ બોલેલું પાળી બતાવ્યું. ગરદન ઉંચી, છાતી ટટ્ટાર રાખીને! મરદની માફક.

વિચાર તો કરો કે પોતાનાથી સાવ અલગ વાતાવરણ, ભાષા, ખાનપાન, ધર્મ, રીતભાત, સંસ્કૃતિ ધરાવતા દેશોમાં પણ અમેરિકનોએ ખુફિયા બાતમીનું નેટવર્ક કેવી રીતે સ્થાપ્યું હશે? કેવી રીતે ત્યાં અલાયદી લાઈફસ્ટાઈલમાં જીવતા અમેરિકન સૈનિકો રહ્યા હશે? કોઈ અંગત ફાયદા વિના માત્ર રાષ્ટ્રના સન્માન અને શાંતિ ખાતર કેવા ‘કલ્ચર શોક’માંથી પસાર થઈ જાનની આહૂતિ આપી હશે? શક્તિ શબ્દોમાં નથી હોતી, એના અસરકારક અમલમાં હોય છે. ભવિષ્યમાં અમેરિકા કોઈ દેશના દુશ્મન સામે આકરી ભાષામાં વાત કરશે, તો એની વાતમાં વજન પડશે. બાકી ત્રાસવાદ ખતમ જ કરવાનો મક્કમ ઈરાદો હોય તો હાઈટેક તમિલ ટાઈગર્સને શ્રીલંકા જેવો ટચૂકડો દેશ પણ ધૂળચાટતા કરી શકે છે. અમેરિકા જે રીતે ત્રાસવાદીઓ સામે ગુપ્તચરતંત્ર ગોઠવીને ઓપરેશન્સ કરે છે, એના પુરાવા તો વિકિલિક્સે ક્યારનાય આપી દીધા છે! આ મહાસત્તા પોતાના દેશ ખાતર આખી દુનિયા પર ચાંપતી નજર હરહમેંશ રાખે છે. ગ્વાન્તેનામો જેવી કાનૂની પ્રક્રિયાનું ચવાણુ કરી નાખતી જેલ અમેરિકાએ ન બનાવી હોત, તો લાદેનના સગડ ન મળ્યા હોત!

દેશદાઝના કંઈ સીરપ નથી આવતા. કૂટનીતિની કોઈ કેપ્સ્યુલ નથી વેંચાતી. તમે શાકાહારી હો, એટલે જંગલી દીપડો શાકાહારી નથી થઈ જતો. તમારા શાંતિપ્રિય હોવા માત્રથી જ અશાંતિના આરાધકો ચૂપ નથી થઈ જતા (ઉલટું વધુ શોરબકોર કરે છે!) ‘વેન્સ્ડે’ ફિલ્મની માફક આપણા ઘરમાં વંદાઓ અને ગરોળીઓ ઘૂસી આવે, તો એને પંપાળીને પાળવાના ન હોય, બાળવાના હોય.

અમેરિકા પોતાની લડાઈ લડે છે, ભારતની નહિ. પોતાના નાગરિકો માટે, પોતાના હિતમાં જે કંઈ જરૃરી લાગે છે – એટલું એ કરે. શ્રીલંકા હોય કે ઈઝરાયેલ – દરેકે પોતપોતાની લડાઈ જાતે લડવી પડે. પારકી આશા, સદા નિરાશ. આપણો પ્રશ્ન આપણે જાતે જ ઝઝૂમીને ઉકેલવાનો હોય. બહારના શુભચિંતકો ટેકો આપે, – સહાનુભૂતિના બે શબ્દો કહે. ક્યારેક થોડી મદદ પણ કરે. પણ કંઈ આપણા વતી હમેશાં થોડું લડી આપે? જણનારીમાં જ જોર ન હોય, તો સુયાણી શું કરે? આપણે પાણીપોચાં, મિથ્યાભિમાની અને લબાડલુચ્ચા છીએ. શબ્દોના ઢોંગમાં અવ્વલ અને આચરણમાં નાપાસ છીએ. આપણી મહાન સહનશીલતાથી તો બિચારા ત્રાસવાદીઓ પણ થાકી અને કંટાળીને આપણા પર વધુ હુમલા નથી કરતા!

અમેરિકા જગતને માનવઅધિકાર શીખવાડે છે. સત્તાવાર રીતે આપણા કરતાં અનેકગણી શુધ્ધ અને મુક્ત લોકશાહી નાગરિકોના ‘ડી.એન.એ.’માં ઈન્જેક્ટ કરે છે. શાંતિ અને સૌહાર્દ માટે કરોડો-અબજો ખર્ચે છે. પણ ભેંસ આગળ ભાગવત વાંચવામાં સમય બરબાદ કરતું નથી. રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ આવે, તો દાંત કચકચાવીને તુટી પડે છે. લાદેનના મોતના ઓર્ડર પર સહી કરતી વખતે ઓબામા કંઈ દેશની સામે બંધારણીય મુકદ્દમો પેશ કરતા નથી. અને શાસક પક્ષ-વિપક્ષ-બૌદ્ધિકો એક બનીને આ નિર્ણય વધાવી લે છે.

આપણે વરસોના વરસો ટ્રાયલ ચલાવ્યા કરીએ છીએ. દેશહિતમાં પણ રાજકારણ રમ્યા કરીએ છીએ. દેશ’ના’ દુશ્મનોની વાત કરવાને બદલે દેશ ‘માં’ દુશ્મનો પેદા થાય એવું કોમવાદી ઝેર ઓક્યા કરીએ છીએ. પણ આપણામાં ત્રેવડ નથી કે એકઝાટકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાલતા ટેરરિસ્ટ કેમ્પ્સ પર હુમલો કરી, એને સફાચટ કરી દઈએ. (ગુમ થયેલા મુખ્યમંત્રીઓ આપણને દિવસો સુધી જડતા નથી!) આપણી ગુપ્તચર સંસ્થાઓ અંદરોઅંદરની શતરંજમાંથી ઉંચી આવે, તો રાષ્ટ્રચિંતન કરે ને?

આપણે પગાર વધારા માટે બંધારણ ફેરવી શકીએ છીએ. પણ અદાલતી ન્યાય છતાં અફઝલ-અજમલને વટભેર જાહેરમાં ફાંસી સુદ્ધાં આપી નથી શકતા! દાઉદ ઈબ્રાહિમ કે ટાઈગર મેમણને પાકિસ્તાનમાં જઈને ફુંકી મારવાની હિંમત છે આપણી? સત્તાવાર લશ્કર ન જાય, તો પાકિસ્તાનની જ અદામાં સામાન્ય માણસના વેશમાં ટ્રેઈન્ડ કમાન્ડો ૨૬/૧૧ના વળતા જવાબની અદામાં મોકલી શકાય! પણ એ માટે મજબૂત શરીર નહિ, મજબૂત ઈરાદો જોઈએ!

જુઓ, બરાબર સમજો. અર્થનો અનર્થ કરવાની વાત નથી. પાકિસ્તાન કે સાઉદી અરેબિયા પ્રેરિત આતંકવાદી સામે લડવાનો જુસ્સો શેરીમાં રેંકડી ફેરવતા ભારતીય મુસ્લીમ શ્રમજીવી પર ઉતારવામાં નથી બહાદૂરી, નથી બુદ્ધિ, નથી કોઈ નક્કર પરિણામ. એ જ રીતે રાષ્ટ્રવિરોધી, માનવતા વિરોધી ત્રાસવાદી હિન્સાની સામે વિરોધ કરવા કરતાં ઈસ્લામની વ્યાખ્યાની વઘુ ફિકર કરતા મુસ્લીમો પણ લક્ષ્ય ચૂકે છે. ‘ઈસ્લામિક જેહાદ’ના નામે જગતભરમાં ઘૃણાસ્પદ કૃત્યો કરનારા ત્રાસવાદીઓ જ નિર્દોષ મુસલમાનની બદનામી માટે સૌથી વઘુ જવાબદાર છે. કોઈ અન્ય ધર્મી આગેવાનો કે માઘ્યમો નહિ! બસ, આ સાદું સત્ય સમજાય તો ભારતના શાણા હિન્દુ – મુસ્લીમ- ખ્રીસ્તી- શીખ તમામ માટે દુશ્મન કોણ એની વ્યાખ્યા સ્વયંસ્પષ્ટ હોવી જોઈએ, અને એનું નિવારણ પણ!

જીતેલા પ્રદેશો પાકિસ્તાનને તાસક પર આપી દો, અને ૧૯૪૭માં ગુમાવેલા ‘આઝાદ’ (?) કાશ્મીર અંગે પણ ૬૪ વર્ષથી સમતા રાખો, ત્યાં જમ ઘર ન ભાળી જાય તો જ નવાઈ! આયુર્વેદિક નુસખાઓથી રોગ મટે જ નહિ, તો સર્જરી કરાવવી પડે. રોગથી મરી ન જવાય!

૧૯૮૪માં પાકિસ્તાને ઓપરેશન ટોપાઝથી કાશ્મીરમાં ધર્મના નામે જેહાદી ત્રાસવાદીઓને ભડકાવી ૧૯૭૧ની હારનો બદલો લેવા લુચ્ચાઈથી છદ્મયુદ્ધ શરુ કર્યું છે. પાકિસ્તાન સાથે રાતોરાત સીઘું યુદ્ધ કરાય તેમ નથી. શ્વાનને ઠાર મારતા પહેલા હડકાયો સાબિત કરવો જોઈએ. અમેરિકાએ નાઈન-ઈલેવનની સાંજે જ ‘ટેરરિઝમ’ને ‘વોર અગેઈન્સ્ટ અમેરિકા’નું નામ આપ્યું. આપણે ‘ક્રોસ બોર્ડર ટેરરિઝમ’ની મોંમાંથા વગરની કાખલી કૂટવાને બદલે ‘પ્રોક્સી વોર ઓફ પાકિસ્તાન’નો રાગ તારસ્વરે વગાડવો જોઈએ. અણુબોમ્બવાળા મામલે ડરવાની એટલે જરૂર નથી કે પાકિસ્તાન એ વાપરે, તો આપણુ યુદ્ધ પછી બીજા દેશો જ લડી આપે અને વાપરે તો પણ ભારત પાસે જેટલું ભૌગોલિક ઉંડાણ છે, એટલું પાકિસ્તાન પાસે નથી. માટે એ ખમી લીધા પછી ભારતનો વળતો ફટકો ‘ઈતિ સ્વાહા’ જ બને!

કેવળ ત્રાસવાદી કેમ્પ પર હૂમલા કરો તો ફરી પાછી બીજી છાવણી બને. માટે મૂળ અંતિમવાદી માનસિકતા અને એ ખીલવતા ધર્મનો અંચળો ઓઢેલા કેન્દ્રો પર ઘા મારવા જોઈએ. અને આખું પાકિસ્તાન યુદ્ધમાં જીતી લેવાથી પાયમાલ અર્થતંત્રનો હારડો ગળામાં આવે. શ્રેષ્ઠ માર્ગ સુંદરજીચીંઘ્યો છે. પાકિસ્તાનના નામમાં જ પંજાબ (પી), કાશ્મીર (કે), સિંધ (એસ), બલૂચિસ્તાન (સ્તાન) છે. માટે ઈસ્લામ નહિ, કાશ્મીર એને જોડી રાખતો ગુંદર છે. (ઈસ્લામ હોત તો તો બાંગ્લાદેશ છૂટ્ટું પડયું જ ન હોત.) ફૂલ એન્ડ ફાઈનલ ફેંસલો એ કરવાનો કે યુદ્ધ કરી પાકિસ્તાનના સિંધ, પંજાબ, બલૂચીસ્તાન જેવા ટૂકડા કરી નાખવાના! ન વધે સંયુક્ત લશ્કર, ન ઠોસ અર્થતંત્ર! લેકિન, મગર, કિન્તુ, પરંતુ… શસ્ત્રોથી કામ થાય એ શબ્દોથી થતા નથી!

***

જગતને જરૂર છે યુઘ્ધની કે બુઘ્ધની?

યુવકમહોત્સવો કે શાળા – કોલેજોની ડિબેટ કોન્ટેસ્ટસનો વર્ષોથી આ ફેવરિટ સબ્જેકટ રહ્યો છે. અલબત્ત, નિર્ણાયકો અને સ્પર્ધકો બંને માટે આમાં સમાપન ‘વન-સાઈડેડ’ જ હોય છે. સુખ, શાંતિ, અમન, ચૈન માટે બુઘ્ધના વૈરાગ અને સંયમ વિના બીજો કોઈ આરો – ઓવારો નથી. સિકંદર, નેપોલિયન કે હનિબાલની સમકક્ષ વિજયવાવટો ફરકાવવા સક્ષમ એવા સમ્રાટ અશોકે બૌઘ્ધ બનીને જ યુઘ્ધમાં તલવાર ત્યાગી, ત્યારે જગત પર ભારતની આણ ફરકાવવાની આશા પણ મ્યાન થઈ ગઈ હતી. તલવાર વિનાના અશોકનો બૌઘ્ધ ધર્મ શ્રીલંકા, ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, ચીન, જાપાન, જાવા, સુમાત્રા, બાલિથી છેક ઈરાનની સરહદે પહોંચ્યો, તો તલવારવાળો અશોક (અને એ નિમિત્તે ભારતીય અસર) કયાં પહોંચી હોત એ સવાલનો જવાબ સ્વપ્નલોકમાં જ મળી શકે તેમ છે.

પણ યુઘ્ધ – બુઘ્ધની શાબ્દિક રમત રમતા ચેમ્પીયન્સ એક સાદી વાત ભૂલી જાય છે. તર્કને મૂકીને માત્ર તથ્ય પકડો તો પણ રીતસર બૌઘ્ધ ધર્મના વાવટા જયાં ફરકે છે અને બુઘ્ધ જયા પૂજાતા આવ્યા છે- એવા ચીન કે જાપાને વળી મહાસત્તાનું બિરૂદ લડીને મેળવ્યું છે! શાઓલીન, કુંગ – ફૂ, તાઈ – ચી, કરાટે, સમુરાઈ, શોગન જેવી યુઘ્ધકળા અને યોઘ્ધાઓથી જ ‘‘બૌધ’ ચીન જાપાનનો ઈતિહાસ જયા – પાર્વતીના જવારાની જેમ ઉભરાઈ રહ્યો છે!

મતલબ, બુઘ્ધની પૂજા થઈ શકે છે, વ્યવહાર થઈ શકતો નથી! આપણા મુલાયમ માખણહૃદયના જીવો ઘણી વાર ઈન્સાનિયત, અને અમનચૈનને ખાતર યુઘ્ધને વખોડીને શાંતિની હિમાયત કરતા રહે છે. મુદો યુઘ્ધની તરફેણ કે, વિરૂઘ્ધનો નથી. મુદો છે યુઘ્ધના લક્ષ્યનો, હેતુનો! ગાંધીવાદી વિચારધારા ગમે તેટલી સાહિત્યિક લાગે, વાસ્તવિક હકીકત એ છે કે, જો ખરેખર ઈન્સાનિયત અને અમનચૈનનો કાયમી દૌર જોઈતો હોય તો ૧૦૦માંથી ૯૯ કિસ્સામાં ધાક અને ધીંગાણા વિના એ શકય બનતો નથી!

આ માનવસ્વભાવ છે. પ્રેમ, સેકસ, અનુકંપા, આનંદ વગેરેની જેમ જ પ્રાકૃતિક રીતે ‘ભય’ એ બેઝિક ઇન્સ્ટિન્ક્ટ છે. મૂળભૂત મનોવૃત્તિ છે. સંપૂર્ણ ભયમુકત કોઈ થઈ શકતું નથી. સાધકને પણ ઈશ્વર કે સાધનામાં વિક્ષેપનો ભય તો હોય છે. ભય બીન પ્રીતિ નાહીં! અસલામતીની ભાવના, એકલતાનો ખૌફ કે ભાવિ આનંદ છીનવાઈ જવાના ડરથી તો પુરૂષ અને સ્ત્રીને પણ એક – બીજા પ્રત્યે લાલસા જાગે છે. યુઘ્ધ માત્ર હિન્સાખોરી, કનડગત, શોષણ કે શયતાનિયત માટે હોય તો અવશ્ય ત્યાગ કરવાલાયક છે, પણ કયારેક આ બધા અપલક્ષણોને નાથવા પણ યુઘ્ધ જ કરવું પડે છે. કૃષ્ણ અર્જુનને ગીતાની ફિલસૂફી સંભળાવી શકે, દુર્યોધનને નહિ. રામ અયોઘ્યાનું સિંહાસન ત્યાગી શકે, પણ પત્ની પાછી મેળવવા રાવણ સામે રણસંગ્રામ ખેલવો પડે. મોહમ્મદ પયગંબરે પણ સુલેહ શાંતિ માટે જંગ લડવો પડેલો. ‘વાર્યા ન વળે, એ હાર્યા વળે’ ભારોભાર ડહાપણવાળી કાઠિયાવાડી કહેવત છે. ન્યાય જ નહિ, ધર્મનો અમલ પણ સમાજમાં સજા કે પાપના ભયથી જ પ્રવર્તે છે – કેવળ ચિન્તન કે વાટાઘાટોની સમજાવટોના શબ્દોથી નહિ!

ચિન્તનની ચતુરાઈ બે ઘડી બાજુ પર રાખી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ. ઈતિહાસ, વિજ્ઞાન, રાજકારણ અને અર્થતંત્રના તજજ્ઞ અભ્યાસુઓ વર્ષોથી કેટલીક સ્પષ્ટ હકીકતો પર સચોટ ફલેશલાઈટ મારતા રહ્યા છે. પણ આપણા અક્કલમાં આળસુ દેશની સુવાળી પ્રજાનું અંધારૂ એનાથી દૂર થયું નથી. વિગતવાર ઈતિહાસ લખવા માટે તો લેખમાળા પણ ટૂંકી પડે, પણ કિવક એકશન રિપ્લે પર નજર નાખવા જેવી છે.

આજે આઘુનિક અને સભ્યતાનો આદર્શ ગણાતા યુરોપનો આખો ઈતિહાસ જ ટચૂકડા દેશોના કજીયાકંકાસથી ખદબદે છે. બ્રિટન, ફ્રાન્સ, નેધરલેન્ડસ, પોર્ટુગલ, સ્વીડન, નોર્વે, ડેન્માર્ક, સ્પેન, બેલ્જીયમ બધા જ અંદરોઅંદર કૂતરા – બિલાડાની જેમ લડયા કરતા હતા. કોઈ દેશમાં મજબૂત શાસક કે સેનાપતિ આવે કે ગરોળી ફૂદાંને પકડે એમ એ નજીકના બે ત્રણ દેશોનો કોળિયો કરી જાય. વળી ગુલામ દેશ કે એનો મિત્ર દેશ રણસંગ્રામમાં ઝૂકાવે. છેલ્લા પાંચસો વર્ષમાં અંદરોઅંદર યુરોપે ૧૬૦ જેટલી નોંધપાત્ર લડાઈઓ જોઈ!

આજે યુરોપ પ્રગતિશીલ અને શાંત છે. માહોંમાંહ બાખડતા રાષ્ટ્રોની સરહદો એવી એકબીજા માટે ખૂલી છે કે વિઝાની પણ જરૂર ન રહે! એક જ ચલણ અપનાવ્યા પછી એક જ રાજકીય – આર્થિક ધરી સુધી બધા સુમેળ અને ચર્ચાથી લોહીનું ટીપું રેડયા વિના પહોંચ્યા છે. ખરેખર? જી ના. આ બઘું બીજા વિશ્વયુઘ્ધના પ્રતાપે છે. એકાદ કરોડ માનવજીવો અને ૬૦,૦૦૦ કરોડ ડોલર જેટલા નાણા હોમી દીધા પછી બીજા વિશ્વયુઘ્ધમાં જીતેલા અને હારેલા દરેક દેશોની કેડ ભાંગી ગઈ હતી.‘યુઘ્ધસ્વ’ માંથી ‘બુઘ્ધત્વ’ એવું પ્રગટયું કે આંતરિક ઝગડાખોરી બંધ કરી બધા ડાહ્યા નિશાળિયાની જેમ સુખશાંતિનું લેસન ગણવા બેસી ગયા અને ફૂટબોલના મેદાન સિવાય એકબીજાની સામે ધૂરકિયાં કરવાનું સદંતર છોડી દીઘું!

એક બીજા વિશ્વયુઘ્ધના બીજા કેવા પોઝિટિવ આફટરશોકસ આવ્યા, એની પર પણ નજર નાખવા જેવી છે. ચંદ્રયાત્રા સુધીનું સ્પેસસાયન્સ કે ખિસ્સા સુધીની મોર્ડન મેનેજમેન્ટ થિયરીઝ એના પ્રતાપે આવી જ. પણ રકતપાત વિના મેળવાયા હોવાની અઘૂરી સચ્ચાઈ તરીકે બહુ ગવાયેલી ભારત જેવા દેશોની આઝાદી પણ ધાર્યા કરતા વહેલી એના પ્રતાપે જ આવી. એટલું જ નહિ, મારકણા આખલા જેવું હિન્સાખોર જાપાન પણ ગરીબડી ગાય જેવું શાંતિપ્રિય કોઈ કવિતા સાંભળીને નહિ, પણ અણુબોમ્બના ભડાકે જ થયું છે!

મુગ્ધ વિવેચકો જાપાનની ટૂંકા ગાળાની ટેકનોલોજીકલ પ્રગતિ જોઈને ભારતને એમાંથી પ્રેરણા લેવાની શિખામણ આપતા રહે છે. આ બાળાભોળાઓને એ ખબર નથી કે ભારત જયારે ગુલામ હતું, ત્યારે છેલ્લી ત્રણ – ચાર સદીથી જાપાન એશિયન સુપરપાવર હતું. ફરક એટલો કે વૈજ્ઞાનિક સંશોધનોમાં ભેજુ લડાવવાને બદલે જાપાનીઓને હાથથી રીતસરની લડાઈ લડવામાં વઘુ રસ પડતો. દાદાગીરી પણ કેવી? હજુ માંડ ૧૧૨ વર્ષ પહેલા એણે કોરિયા પર આક્રમણ કરેલું. પછી ચીન પર ચડાઈ કરી તેને હરાવી તાઈવાન કબજે કરેલું. પછી રશિયાના નૌકાકાફલાનો વારો કાઢી નાખ્યો. પછી મંચુરિયા અને વચ્ચે અમેરિકાના જહાજો પણ ઉડાડી દીધા. બીજા વિશ્વયુઘ્ધમાં હિટલરના જર્મની સાથે મળીને એ લડયું. માત્ર માથાભારેપણાને લીધે દૂર સૂતેલા અમેરિકાના પર્લહાર્બર પર હૂમલો કર્યો. એ વખતે જાપાનના ક્ષેત્રફળ કરતાં એણે જીતેલા પ્રદેશોનું ક્ષેત્રફળ ૯૩ ગણું હતું, અને ટચૂકડા- એશિયન દેશોને વિસ્તારવાદી જાપાનના નામથી ભયનુ લખલખું આવતું!

આ જાપાનની સાન ઠેકાણે આવી હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બની લપડાક પછી! નિર્દોષ પ્રજાજનોના મૃત્યુ થયા એ સાચું, પણ તો વર્ષોથી જાપાનીઓએ પણ બીજા દેશોમાં શું કરેલું? એટમબોમ્બના એટેક પછી હિન્સાની નિરર્થકતા જાપાનને એવી પચી ગઈ કે બદલા ખાતર પણ અમેરિકા પ્રત્યે વેરભાવ રાખવાને બદલે એ અમેરિકાનું ટેકનોલોજીકલ પાર્ટનર બન્યું!

ઈઝરાયેલથી વિએતનામ સુધીના આવા બીજા સેંકડો દાખલા અને દલીલો દીવા જેવી સ્વયંસ્પષ્ટ છે. લેટેસ્ટ એક્ઝામ્પલ અલકાયદા વિરૂદ્ધ અમેરિકા કા કાયદાનું છે. શાંતિમંત્રની માળા જપતા અને પ્રત્યેક જંગના અંતે શરણાગતિ જેવું સમાધાન કરતા ભારતમાં કાશ્મીર, દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં જ કેટલી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદની સાબિતીરૂપ ઘટનાઓ બની? બેહિસાબ! ભૂલાય નહિ તેવી મોટી ઘટનાઓની યાદી બનાવો તો પણ ડઝનેક દુર્ઘટનાઓ ગણવી પડે. જ્યારે સપ્ટેમ્બર ૨૦૦૧માં લાદેને અમેરિકાના ટ્‌વીન ટાવર તોડયા પછી અમેરિકાની ધરતી પર (લાદેનની પારાવાર ધમકી અને વિડિયો ટેપ છતાં પણ) કેટલા આતંકવાદી હુમલા થયા? એક પણ નહિ! ધારો કે, કાલ ઉઠીને કોઈ છમકલું થાય તો પણ ભારતની સરખામણીએ ઈંટકા જવાબ પથ્થરથી દેનારા અમેરિકાએ વઘુ શાંતિ મેળવી કે નહિ?

ધેટસ ધ પોઈન્ટ. જ્યાં લાગણી, સંવેદના અને સમજદારીની ભાષા સમજાતી હોય ત્યાં બેશક થોડું સહન કરીને કે જતું કરીને પણ એ જ માનવમૂલ્યોને વળગી રહેવું જોઈએ. પણ હડકાયા શ્વાનની સામે જૈન ધર્મની જીવદયાનો મંત્રોચ્ચાર કરો તો કૂતરું પીંડીએ કરડીને પછી બાવડે બચકાં ભરે. આ જ સત્ય ભારતભરના હિન્દુ-મુસ્લીમોએ પાકિસ્તાન અને ત્રાસવાદના સંદર્ભે સમજવાનું છે. શાંતિ હમેશા શક્તિશાળી જ સ્થાપી શકે.

ભારત પર સંસાર અસારવાળી, સેક્સ વિરોધી બ્રહ્મચર્યના ગુણગાન ગાઈ પ્રજાની ખસી કરી નપુંસક બનાવી દેતી માયામિથ્યાવાદી સંસ્કૃતિની અસર એવી જડબેસલાક છે કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે રામ અને કૃષ્ણનો દેશ છીએ. દુઃશાસનના લોહીથી ચોટલો બાંધીશ, એવી પ્રતિજ્ઞા લઈને પૂરી કરનારી દ્રૌપદીનો દેશ છીએ. પોતાની પત્નીને ખાતર લંકામાં ઘૂસી જઈને રાવણની નાભિમાં તીર મારનારા રામનો દેશ છીએ. મહિષાસુરને કાકડીની માફક કાપી નાખનારી દુર્ગા અને રક્તબીજ રાક્ષસનું લોહી ખપ્પરમાં પીનારી મહાકાળીનો દેશ છીએ. એક તીરમાં હવામાં અધ્ધર લટકતા ત્રણ નગર ‘ત્રિપુર’ને ઉડાડી દેતા અગ્નિનેત્રવાળા મહાકાળ રૂદ્રનો દેશ છીએ. કંસથી લઈને નરકાસુરના ઘરમાં ઘૂસીને એમને પૂરા કરનાર કૃષ્ણનો દેશ છીએ. ભારતનો વારસો યુદ્ધથી પીઠ ફેરવીને ભાગવાનો નથી. અહીં પ્રખર બુદ્ધિમાન અને આનંદપ્રેમી આદર્શવાદી ચરિત્રોએ ખૂંખાર લડાઈઓ લડી અને જીતી બતાવી છે.

કિશનને કહા અર્જુન સે – તુ ન પ્યાર જતા દુશ્મન સે… યુદ્ધ કર! યુદ્ધસ્વ!

(ત્રાસવાદ પર મેં અગાઉ લખેલા અસંખ્ય લેખો પરથી સાંપ્રત સંદર્ભે  કેવળ  થોડા  ફકરાઓ સંકલિત – કરુણતા એ છે કે ૩-૫-૭ વર્ષે એના તમામ વિચારો તાજા લાગે છે! આ લેખક તરીકે ગૌરવની વાત ગણાય, તો યે નાગરિક તરીકે શરમની વાત છે! )

 
104 Comments

Posted by on July 14, 2011 in india

 
 
%d bloggers like this: