RSS

પાર્ટી, પપ્પા અને ….. પ્રેમ !

09 Jul

૩૦ જૂને ઓફિશ્યલી પપ્પા ૭૫ વર્ષના થઇ ગયા, એ હવે પરિવારના સભ્યો જેટલા જ ઉમળકાથી આ અવસરને વધાવનાર રીડરબિરાદરોને યાદ જ હોય. આ બ્લોગમાં મુકેલો એમના પરનો લેખ, ફેસબુક પર મુકેલી એની લિંક તથા ફોટો અને ટ્વિટર પર જ બધું મળીને ૪૦૦-૫૦૦ જેટલા લાઈક્સ અને મેસેજીઝ મળ્યા છે. મોબાઈલ કે ઘરના ફોન અને ટપાલમાં (હા , હજુ ય એ માધ્યમ જીવતું છે, હો!) ટોપલો ભરીને મળેલી શુભકામનાઓ અલગ. ખૂબ ગમ્યું. નો ફોર્માલિટીઝ હીઅર. પણ મારા મનમાં ચોક્કાસ એ એકે એક શબ્દનું આગવું મહત્વ છે. એક તો એમાં ફક્ત લિપિ નથી. લવ છે. પ્રેમનો ઘૂઘવતો તરબોળ કરી દેતો દરિયો. કોઈ પણ માણસને આટલા નિર્વ્યાજ પ્રેમનું બળ મજબૂત બનાવે.. પૈસા ખર્ચીને જાહેરાત છપાવી શકાય, પણ કંઈ  ફીડબેક ના મેળવી શકાય. બીજું, હું તો માનું છું કે જિંદગીમાં દિલથી મળેલી દુઆઓ પણ કવચ બનતી હોય છે. બેટરી રીચાર્જ કરતી હોય છે. (કોઈ આવું ના પણ મને, પણ હું માનું છું-એટલે મારે માટે તો એનું અદકેરું મહત્વ અને મૂલ્ય રહેવાનું જ) પણ  એકસાથે આટલા બધા સંદેશાનો ઈચ્છા છતાં વ્યક્તિગત જવાબ કેમ દેવો?

એટલે આ બ્લોગપોસ્ટ. થેન્ક્સગિવિંગ જ સમજો ને.

જીન્દગી બહુ સખ્તાઈથી એક પાઠ આપણને શીખવતી હોય છે. બધું જ આપણું ધાર્યું નથી થતું હોતું. પપ્પા એટલા લો-પ્રોફાઈલ રહે કે એમના અમૃતપર્વની વાત મને ખુદને પણ મોડી યાદ આવી ! મારી તો આગલા દિવસે વ્યાખ્યાન માટે ખેડબ્રહ્મા તારીખ અપાયેલી. આદિવાસી વિસ્તારના પ્રાથમિક શિક્ષકોનો ય એવો જ પ્રેમાગ્રહ. સારથી -સાથી ગોપાલે એ જ રાત્રે પાછા ફરવાનું બીડું ઝડપ્યું. રાતના ગાડીમાં બેઠા બેઠા વિચાર કર્યો શું કરવું? યોગાનુયોગે એ જ દિવસે ગાઢ મિત્ર-સ્વજન સમા કિન્નર આચાર્યનો પણ જન્મદિન. એમને ફોન કર્યો. જાતભાતના સેલિબ્રેશનના વિચારો કર્યા, પણ દરેક માટે સમય ટૂંકો પડતો હતો. હું કેટલાક એવા કાર્યક્રમોમાં વક્તવ્ય આપી ચુક્યો છું-જ્યાં વ્યક્તિવિશેષના પરિવાર માટે સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી બધા ને બતાવી હોય. પણ અફસોસ, મારા જ ઘરના પ્રસંગમાં એવું કરવાનો ઝબકારો થયો, ત્યારે એની પૂર્વતૈયારીની વેળા વીતી ગઈ હતી! બધા ને જમવા બહાર લઇ જઈએ, બૂકિંગ પણ કરાવીએ-તો ય એમાં મૂળ મુદ્દો પપ્પા સાથે મળીને વાતો  વહેંચવાનો ચુકાઈ જાય.

અંતે ૩૦મીની સવારે ઘડિયા લગન જેવો ઝડપી નિર્ણય લીધો. રાજકોટમાં એક ફ્લેટ બૂક કરાવ્યો છે (હજુ સ્થળાંતર કર્યું નથી. મારી લાયબ્રેરી અંગેના ફર્નીચરનું કામ અને બજેટ બંને મારી પહોંચની બહાર ગણાય એટલા ભગીરથ છે! ફ્લેટ પણ વિવિધ ‘લોન’ની હરિયાળીમાં ખીલેલું ગુલાબ છે :P) ઘણા નિકટ મિત્રો અને સ્વજનોને એ જોવાનો બાકી હતો. બહારગામથી તો આટલી ટૂંકી નોટીસમાં કોઈ પહોંચી શકે એવો ચાન્સ જ નહોતો. ઈનફેક્ટ, સ્થાનિક મિત્રોના શેડ્યુલ્સ ગોઠવાઈ ગયા હોય. ઉજવણીના ઉત્સાહમાં કોઈને નડીએ નહિ એટલે વરાયટી (મિત્ર કિન્નર અને જીગ્નેશ જેવા સલાહકાર તરીકે હોય એટલે ખાણીપીણીની ટિપ્સ બાબતે દુનિયા જખ મારે છે :D) નાસ્તા-ડ્રીન્કસ (સોફ્ટ જ હોયને, હાર્ડ તો હું ય લેતો નથી 😉 ) સાથે નાનકડું ગેટટુગેધર અને કેક કટિંગ ફાઈનલ થયું. (કેમ જાણે બીજું કૈ કરી શકવાનો ઓપ્શન બચ્યો જ હોય lolz)

ગોંડલ – રાજકોટના મિત્રોને ઝટપટ સંદેશા મોકલવા શરુ કર્યા. બહારગામના તો પહોંચી ના શકત. સાવ નજીક્નામાં રાજીવ, પ્રતીક, ઈલિયાસ, શૈલેષ, રથીન, યોગેશ, અમિત, હિતેશ,અચ્યુંતભાઈ, બીજલ વ્યસ્ત/બહારગામ હોઈ આવી ના શક્યા. પરેશ રાજગોર, સમ્રાટ બુદ્ધ, મલય ઢેબર, કેતન ઠક્કર, નીલેશ શેઠ, હિંમતભાઈ વૈદ,માધુરી, કનુભાઈ, ભાર્ગવ, ગીરીશ જે.ટી.,કૌશિકભાઈ, ઇન્દ્રનીલભાઈ, ડૉ. કણસાગરા, ડૉ. પાર્થિવ   ઈત્યાદિ મિત્રોને દોડધામમાં કહી જ ના શકાયું. 😦 પપ્પાના અંગત કોઈ મિત્રો ખાસ છે નહિ. જે કોઈ છે તે, સંપર્કમાં (કમનસીબે કેટલાક દુનિયામાં) રહ્યા નથી. પણ ડૉ. માત્રવાડીયા, ભરતભાઈ મહેતા,ભદ્રાયુભાઈ આવી શક્યા. નાદુરસ્તી છતાં યશોમતિકાકી પણ આવ્યા. ડૉ.ઉર્વીશ-ફૂલેત્રાસાહેબ-સુરેશમામા-ડૉ. લાલાણી-પડોશી કાનાભાઈ-સુભાષભાઈ-એ.ટી.-જ્વલંત-ડૉ.જોશી પહોંચી ના શક્યા. રશ્મિભાઈ, મુકેશભાઈ,જગદીપભાઈ  વગેરે ખાસ સમય કાઢીને આવ્યા. બાકી મારા સર્કલમાં ચેતન જેઠવા ,ભૂપત,જીગ્નેશ,કેતન,ધર્મેશ,ચિરાગ, ચેતન ગણાત્રા, મનીષ બૂચ, વિનોદ,સમીર ભટ્ટ,હેમાંગ બધા આવ્યા. અને અમારા સ્થાનિક સગા (અને વ્હાલા જ વળી!) ધ્રુવભાઈ, રક્ષિતભાઈ,દેવયાનીબહેન, મન્જુમાસી, ઋષિ, જ્યોતિબહેન,પૂજા અને અફ કોર્સ, પ્રદીપમામા-ભાવનામામી ને દીપ તો હોય જ ! બિલ્ડીંગના સર્વે પાડોશીઓ આવ્યા. મોટા ભાગના સપરિવાર.ગોપાલ-પ્રતિક અઢીયા -સતીશભાઈ આવ્યા. કીન્નરભાઈ નો જન્મદિન ત્યાં જ ઉજવી કાઢવાનું નક્કી કર્યું.એટલે કવિતાબેન -સર્વદા હોય જ. આમ પણ ક્યાં એ કુટુંબથી અલગ છે?

આ યાદીનું કદાચ કોઈ વાંચનાર માટે મહત્વ નહિ હોય, પણ આ લખનાર માટે છે. મુદ્દો એક જ હતો-મોટા સેલિબ્રિટીઆમંત્રિતોની નહિ – અંતરમાં વસતા સ્નેહીઓની મહેફિલ કરવી છે. નવરાશમાં જેમની સાથે વીતાવેલો વખત, પૃથ્વી પર જીન્દગી જીવવાનું મન થાય એનું પાયાનું કારણ હોય એવા અંગત પારિવારિક નિકટજનોની 🙂 સુખ એટલે આવા ‘ભમીશું ભેળાં તણા મિલનમેળા'(સૌજન્ય : આપણો ઘડીક સંગ – નિરંજન ભગત)! એટલે જ દાનધર્મના દેખાડાને બદલે આનંદના અખાડાનો નિર્ણય લીધો.

ગાડીમાં પપ્પા ને લઇ પહોંચ્યા, ગોન્ડલથી રાજકોટ. એમને નવા વા-વા પહેરાવ્યા 🙂 ધીરે ધીરે બધા આવવા લાગ્યા..ને વાતોની નદીઓનો દરિયો ઉછાળા લેવા લાગ્યો. રાબેતા મુજબની દોડધામ, મંડપની ખુરશીઓ અને ખાસ કનકાઈની જ ચાની ચાહ સુધીની શરુ થઇ.

કલાકેક સુધી આગમનનો અને વાતોના અમનચમનના દૌર પછી અંતે ધાર્યા કરતા થોડું મોડું કેક કટિંગ શરુ થયું. ઈમ્પરિયલની સ્પેશ્યલ ડબલ ડેકર ફ્રુટ કેક અને ચોકલેટ ટફલ કેક આવી ગઈ. જોતાવેંત મોંમાં પાણી નહિ ફુવારા છૂટે એવી 😉 રીડરબિરાદરોને આ વાંચીને મન થાય તો એનું દમન ના કરવું..ઝટપટ નજીકમાં મળતી ફ્રેશ પેસ્ટ્રી મારું નામ લઇ, ખાઈ લઈને એનું શમન કરવું. 😛 અને બિલ મોકલાવી દેવાની છૂટ છે 🙂

બંને ‘બર્થ ડે બોયઝ’ – ૭૫ના અને ૩૭ના – તાલીઓના ગડગડાટ વચ્ચે “કેક-કાપન” માટે ક્રીમી લેયરમાં કાપો મુકવા ઉપસ્થિત થયા.

અને જિંદગીની તકલીફોની ધારને જે મુલાયમ મૌન કે સ્મિતથી જીરવી ગયા, એવી અદામાં ઉંમરને ચીરવાતણું ચીઅરફુલ કાર્ય પોતપોતાની રીતે એક સાથે આરંભ કર્યું…

યમ યમ…ગ્લ્પ ગ્લ્પ…ચ્બ..ચ્બ..ચ્બ…ઇશ્માઇઇઈઈલ પલીજ….

એ જ દિવસે આ મિલન પોતાને આંગણે રાખવાનો આગ્રહ કરી ચુકેલા પારિવારિક સ્વજન સમા  ભદ્રાયુભાઈ અને ઈલાબહેનના સ્નેહલગ્નની ત્રણ દાયકા કુદાવી ગયેલી એનિવર્સરી પણ હતી ! એના માનમાં ઈટાલીથી આવેલી પ્રેમાળ પુત્રવધૂ જેલમ હાર્દિક વછરાજાનીએ શબ્દશઃ મધમીઠાં અવાજે એક કર્ણપ્રિય ગીત ગાઈને અનેરી ગીફ્ટ આપી – સાસુ સસરાને !

અને કેકજમણની સાથે જ શરુ થયો નાસ્તો…મિત્ર ચેતન જેઠવાએ કાઉન્ટર મેનેજમેન્ટ ગોંડલના દોસ્તો સંગાથે સંભાળી લીધેલું. બટરમલાઈ , પિસ્તા કાલા જામ, ખસ્તા કચોરી, સમોસા, ડ્રાયફ્રુટ ભેળ, સેવખમણી, લાલ-લીલી ચટણી અને રંગબેરંગી સોફ્ટ ડ્રિન્ક્સ…

પાર્ટી, એ ય આપણા ગુજરાતીઓની..એમાં અન્ન ભેગા, એમના મન ભેગા ! 😀

ખુશમિજાજ…ખુશઆમદીદ…

અમે ભૂલી ગયા એ ડૉ. માત્રાવડીયાને યાદ આવ્યું. અને એમણે બધાને ખામોઓઓઓશ કરી પપ્પાને ઉભા કર્યા બોલવા માટે…

પપ્પા ટૂંકું પણ એકદમ ભાવવાહી બોલ્યા. એમની કોઈ તૈયારી હતી નહિ, એટલે અંતરની લાગણીથી બોલ્યા. મેં તસવીરો તો ખેંચી..પણ અચાનક યાદ આવ્યું કે એનું વીડીઓ શૂટિંગ થઇ શકત! કમ સે કમ મારા મોબાઇલમાં ઓડિયો રેકોર્ડીંગ તો થાત ! પણ ત્યાં સુધીમાં સ્પીચ પૂરી થવા આવી હતી અને હું ય સ્ટેચ્યુ બનીને એ સંભાળતો હતો. બધાના આભારની સાથે પપ્પાએ જીવનના તડકા-છાંયડાને યાદ કરતા, અત્યાર સુધીમાં  પહેલી વખત એમનો જન્મદિવસ ૭૫ વર્ષમાં ઉજવાયો – એ આજની ઘડી રળિયામણી વર્ણવી. હજુ સુધી પોતે બોલી, સાંભળી, વાંચી, (ભલે ડગુમગુ) ચાલી શકે છે…ખાઈ-પી (અલબત્ત, એમને મનપસંદ ગળ્યું જ !) શકે છે, નાના મોટા આઘાત જીરવી શક્ય છે , એને આભારપૂર્ણ રીતે સદભાગ્ય ગણાવ્યું અને સહુના પ્રેમનો ઋણસ્વીકાર કર્યો. કેમેરો નહોતો. પણ, જીવનની અમુક યાદો આજીવન મનમાં છપાઈ જતી હોય છે. એનું રેકોર્ડીંગ બીજાઓ માટે ખપનું હોતું નથી, ને પોતાનો માટે એની જરૂર હોતી નથી. હું જીવીશ ત્યાં સુધી આ અવાજ, આ લાગણી, આ દ્રશ્ય મારામાં હંમેશા ‘રેકોર્ડેડ’ જ રહેશે. હાજર રહેલા સહુ કોઈએ એક ચિત્તે સાંભળ્યું.

પછી વળી મેં ઉત્સાહમાં આવી ત્યાં હાજર ઘણા અંગત મિત્રોનો પરિચય આપ્યો..એ બધા કે જેમણે મારા માટે કશુક કર્યું છે. જાણ્યે અજાણ્યે મને ઘડ્યો છે. જેમની સોબતમાં કોઈને કોઈ રીતે આ જીવનયાત્રા ખેડવાની મને મજા પડી છે. અંતે મારે પપ્પા વિષે કશુંક બોલવું હતું. પણ ના બોલાયું. પુત્ર અને પિતા વચ્ચે સાવ નિકટતા હોય તો ય કુદરતી એક અદ્રશ્ય દીવાલ રહેતી હોય જ છે! સંકોચ થયા કરે પુરા વ્યક્ત થવામાં, એકલા જ હોઈએ તો પણ.! થોડા સમય પહેલા પપ્પાને લખેલો પત્ર પણ મારી ગેરહાજરીમાં શૈલેષને સોંપીને હું બહાર નીકળી ગયો હતો! એ ય વાંચવો હતો બધાની વચ્ચે , અને માફી પણ માગવી હતી મારા કેટલાક ઉધામાઓની…પણ ના થઇ શક્યું. વધુ મોટા મંચ પર આવા જ ઉત્સવમાં પપ્પાની હાજરીમાં એ થઇ શકે એ માટે પ્રભુને પ્રાર્થના.

અરે હા, આખી પાર્ટીની આ સહુથી ‘અજોડ જોડી’ 🙂 સૌથી મોટી વય ૭૫ વર્ષના યજમાન સાથે સહુથી નાની વય ૩ મહિનાની મહેમાન – કીન્નરની રમકડાં જેવી દીકરી રીતિદા! એણે ત્રણ કલાક સુધી પાર્ટીમાં બધા સાથે ભરપુર ગેલ કર્યો ને ઘૂઘવાટા નાખ્યા. પપ્પાઓ નો બર્થ ડે હતો ને ! એને એક ને જ ધાવણી હોઇને કેક ખાવાની નહોતી, તો યે રડી જ નહિ છેક સુધી. 😛

ધીરે ધીરે બધા વિખેરાયા. રાબેતા મુજબ છેલ્લી સાફસુફી અને ગોઠવણીમાં અમે જ જુના જોગીઓ રહ્યા, મામા-મામી-દીપ-ચેતન-ગોપાલ  અને ભૂપત વગેરે…આ રહ્યો અમારો પરિવાર..અમે તો બે જ ..પણ અમારા ત્રણ- મામાનું કુટુમ્બ ભળતા ! મમ્મીની એમે ખૂટતી ગેરહાજરી મામા-મામી થી સરભર થઇ.

રાજકોટમાં મિજબાની માટે મળીએ ને આઈસ્ક્રીમ ના ખાઈએ? હોતું હશે કંઈ? બે બર્થ ડે શેર કરનારાઓ એ મધરાતે સ્કૂટરની સીટ પણ શેર કરી ગમ્મતમાં !

અને છેલ્લે તમારા બધા માટે ઈ-ડેઝર્ટ..ક્લિક કરોને વાંચો, ખાસ પપ્પા એ ઉજાગરો કરી સહુ માટે લખેલો આ સંદેશ. બ્લોગ, ફેસબુક, ટ્વીટર વગેરે પરના તમામ પ્રતિભાવો મેં પ્રિન્ટઆઉટ કાઢીને એમને આપેલા. પત્રો, મેઈલ્સ, સેલ મેસેજીઝ અને કોલ્સ તો ખરા જ. ત્રણ દિવસ સુધી એ વાંચતા રહ્યા… પ્રિન્ટઆઉટ્સ, એકેએક સંદેશા, કોમેન્ટ્ વાંચી ગયા. અને પછી આ લખ્યું છે..તમારા બધા માટે.

અમારા રક્ષાભાભી, કે જેમને પપ્પા સહીત બધા  ભાઈ-બહેનોનેને જોયા છે, ‘બડી બહુ’ તરીકે (હવે એમાં માત્ર પપ્પા જ હયાત છે.) – ગળગળા થઇ ગયા . અને કહ્યું કે આ લોકો એટલા સાદા અને ચુપ રહ્યા છે…કે કોઈની જીવતેજીવ નોંધ જ ના લેવાઈ..! એમના આંસુ તમામ પ્રેમપૂર્વક મળેલી ભેટોમાં યાદગાર ગીફ્ટ હતા! -અરમાન તો એવા જ હોય ને કે આવા અવસર આવતા રહે…પપ્પા બધા ને આવી જ મોજ અને તંદુરસ્તીથી હળતા-મળતા રહે…હજુ એમને ઠંડી શરુ થાય એ પહેલા યુરોપ ફેરવવા છે (જે જરાક કપરું કામ છે)..એક પુસ્તક કરવું છે, એમની વાતો નું શૂટિંગ કરવું છે…ઇન્શાલ્લાહ…મમ્મી તો એમ જ ગઈ, પપ્પાને ઘણું જોવાનું છે…

તો બસ, દોસ્તો …. દુઆમેં યાદ રખના :-”

મોન્સૂન મુબારક.

 
35 Comments

Posted by on July 9, 2011 in personal

 

35 responses to “પાર્ટી, પપ્પા અને ….. પ્રેમ !

 1. Kinner Aacharya

  July 9, 2011 at 5:01 PM

  all photos are superb… especially the last one 🙂
  happy birth day to Masa and to Me again 🙂
  -Kinner

  Like

   
 2. Asfakhusen Ghanchiq

  July 9, 2011 at 5:22 PM

  its really lovely moment…. happy family…. happy life…

  Like

   
 3. Dr.Yogesh Mehta

  July 9, 2011 at 5:37 PM

  very emotional and impressive .
  sometimes words are not enough to express our joy and happiness.
  inspiring.
  our best wishes to you all.

  dr.yogesh

  Like

   
 4. poonam mehta

  July 9, 2011 at 5:58 PM

  thank a lot for sharing………… very emotional and touchy. ane tame lakhyu che ke tamare tamara pappa ne europe feravava lai aavava che. to jyare pan aavo tamne hardik aamantaran che ghare aavava mate.
  – Poonam Mehta

  Like

   
 5. Kiran Kalaria

  July 9, 2011 at 6:23 PM

  શ્રી જયભાઈ, આમ તો તમારા પરિવારના એક પ્રસંગની અંગત ઊજવણીનું વર્ણન જ કહેવાય. (તમારો વાચક પરિવાર વિશાળ બની ચુક્યો તે અલગ વાત છે.)છતાં એક વખત વાંચવની શરૂઆત કરી તો અક્ષરશઃ “મોન્સૂન મુબારક” સુધી વંચાઈ ગયું….મારો આટલો સમય બગાડવા માટે તમારી લેખનશૈલીને દોષ દઉ કે પ્રાસંગીક લાગણીસભરતાને તે હજુ નક્કી નથી થઈ શક્યું…..ઈ-ડેઝર્ટ ની લિજ્જત માણ્યાં પછી સમજાયું કે તમારામાં આ ટેલન્ટ ક્યાંથી આવી છે. લેખ વાંચતાં વાંચતા ખરેખર ભાવવિભોર થઈ જવાયું….મેં પણ ક્યારેય પપ્પાનો જન્મદિન ઉજવવા વિષે અત્યાર સુધી નહોતું વિચાર્યું..મારા પપ્પા પણ પંચોતેરે પહોંચવા આવ્યાં. ૭૧, ૭૨ કે ૭૩ કેટલા વર્ષના થયા તે પણ ખબર નથી. આપણા અસ્તીત્વનાં સર્જક તરીકે નહી તો પણ બચપણથી લઈ આપણને અત્યારનાં મુકામ સુધી પહોંચાડવામાં તેમણે લડેલી ખુદનાં અસ્તીત્વની લડાઈમાં તેઓએ કરેલી બાંધછોડોના ઋણસ્વિકાર તરીકે પણ આપણી ખુશીની થોડી ક્ષણો તેમની સાથે વહેંચશું તો પણ તેમાં આપણી ખુશીઓ જ બેવડાશે.

  Like

   
 6. Rajni Agravat

  July 9, 2011 at 6:52 PM

  દિલદાર દોસ્તો માટે દિલથી આલેખાયેલી અમૃતપર્વ દાસ્તાન કેકમાં છરી ઊતરે એમ ઊતરી ગઈ!
  શુભેચ્છા માટે કોઇ સમય ‘ફિક્સ’ હોતો નથી એટલે અગમ્ય કારણસર અંકલને અમૃતપર્વની શુભેચ્છા પાઠવી શક્યો ન હતો એ હવે આ માધ્યમથી સાદરવંદન સાથે પાઠવું છું.

  સાથોસાથ કિન્નરભાઈને પણ ફરી એકવાર હેપ્પી બર્થ ડે..બીલ મોકલવાની છુટ છે એટલે દિલથી બે બિલ પણ મોકલી શકવાની છુટ જાતે જ લઈ લવ છું.

  અંતે જયભાઈ,
  દોસ્ત તમને તો શું કહેવાનું હોય ? થેંક્યુ પણ નહીં!

  Like

   
 7. himmat chhayani

  July 9, 2011 at 6:59 PM

  વાહ જય ભાઈ .આખી પાર્ટીમા જાણે અમે હાજર રહ્યા ,એવુ વર્ણન અને ફોટોથી ટપકતી જીવંતતા…!
  એક સુપાત્ર એવા સુપુત્ર દ્વારા આખા પ્રસંગને તટસ્થ રૂપે રજુ કરીને અમને ભાવવિભોર કરી દીધા..!

  Like

   
 8. Envy

  July 9, 2011 at 7:29 PM

  જયભાઈ, આંખો ભીની કરી દીધી તમે…..મારા બા નો જન્મદિવસ નુતન વર્ષે છે, એટલે ઘરના બધા સભ્યો હંમેશા હાજર જ હોય છે એનો આનંદ અનેરો રહ્યો છે.
  તમારા પિતા લાખોમાં એક છે…..આટલા શાંત અને સહનશીલ અને તે પણ પુરુષ!! ભાગે મળે.
  e-dessert તો અફલાતુન, જાણે ૩૨ પકવાન મળ્યા. ફરી દિલ થી નમન અને પ્રભુને પ્રાર્થના કે તમારી બધી ઈચ્છા ઓ પૂરી થાય.
  આ વખતે આવું એટલે મળવું છે પપ્પાને.

  Like

   
 9. LALIT KHAMBHAYTA

  July 9, 2011 at 8:03 PM

  મજા કરાવી હો! વર્ચુઅલ પાર્ટી થઇ ગઈ! બંને ને અર્થપૂર્ણ જન્મદિવસ મુબારક!

  Like

   
 10. Harnish Jani

  July 9, 2011 at 9:17 PM

  Jaybhai-Thank you for sharing the auspicious event-Your dad must be proud of you. Wish him many more to come-
  Harnish Jani -(NJ USA)

  Like

   
 11. Rathin Raval

  July 9, 2011 at 9:49 PM

  I wish all birthdays fall on weekends 😦 so tht i can attend

  Like

   
 12. sohan (@solankisohan)

  July 9, 2011 at 10:13 PM

  Jaybhai its really a heart touching post. I like the letter from you dad. Best wishes on his 75th b’day. One song comes in my mind after reading the post. Apne to apne hote hain….

  Like

   
 13. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  July 9, 2011 at 10:25 PM

  પંચોતેર, પપ્પા, પુત્ર, પ્યાર, પ્રેમાળ પ્રિયજનો, પાર્ટી, પરમ-આનંદ….

  પછી બીજું શું પૂછવાનું હોય?

  Like

   
 14. zeena rey

  July 9, 2011 at 10:51 PM

  there u r jay,,,,,,,,,, if not u wrote this,,,,,,,,, may not i ever thought of u as a simple and innocent boy of dad ,,,,,,,,,beyond being a writer………that’s called quantum of solace………

  Like

   
 15. Chetan Patel

  July 9, 2011 at 11:58 PM

  Jaybhai…really enjoyed reading the post. Again Happy Birthday to Uncle and Kinnarbhai.

  Like

   
 16. Desai

  July 10, 2011 at 12:07 AM

  Ankho ma anshu avi gaya sir…………u r a best writer i ever seen in my life………

  Like

   
 17. sanket

  July 10, 2011 at 12:26 AM

  jaybhai…nice to read the post. ane y blog par party kari lidhi…tamara papa ane kinner bhai mate fari thi shubhechchhao….by the way flat kya area ma lidho ?

  Like

   
 18. shivanidesaishivani

  July 10, 2011 at 1:07 AM

  Jay,

  Thanks for sharing your private moments with us….felt like we were there in the party….may god bless your dad and you and give him long life….Thank you 🙂

  Like

   
 19. sujata

  July 10, 2011 at 2:11 AM

  તમારા પપ્પા માટે મારા પપ્પા ની કહેલી વાત કહું છું વ્યક્તિ ને નહિ એના વ્યક્તિત્વ ને પિછાણો………અને જેટલી ખુશી માન-પાન ને આપવું હોયે તે જીવતે જીવ જ આપવું જોઈએ ……you are doing tremendous job hats off to you…for your papa……jiyo jitne bhi saal raho bas khushaal……..

  Like

   
 20. Ajay Upadhyay

  July 10, 2011 at 9:43 AM

  jaybhai…kale j mob par link joyeli pan as u kno eni par vanchi na shakay …pan atyare sunday morning 1t 9am computer chalu kari nhe pahelu e kam karyu….wife nahva mate bumo padti rahi ne hu eki swase vanchi gayo….mane thayu hu e ujavani ma hato j…u r right bap ane beta vachhe hamesha ek diwal hoy j chhe…khabar nahi tamaru aa vakya mari jindgi ma pan aksharshah lagu pade chhe….btw HBD to masa…ghanu jivo evi mari shubhechha….thx….chalo have nahi lau :PPPP

  Like

   
 21. satish mehta rajkot

  July 10, 2011 at 2:59 PM

  jindgini yadgar xanone satish mehta vdo ma n lai sakya loko fakat mana prem vishe kahe 6 bap nu pan jivan ma kevu sthan 6 te tamo a samaj ne batavu sadehe bap sathe hajar rakhva badal …….. ?

  Like

   
 22. vividspice

  July 10, 2011 at 4:03 PM

  Direct Dil Se.. Eyes filled with tears of Joy!

  After reading this, just felt like I was there in the party… Thnx a lot for sharing it..

  Last but not the least.. Many Many Congratulations for New Home.. 🙂

  Like

   
 23. Shyam j Desai

  July 10, 2011 at 4:41 PM

  Dhanya chhe jay bhai tamne ane tamara “pappa” ne.
  Dhanya chhe tamara Prem ne

  ane ha CAKE joi ne mane cake khava nu mann thayu chhe ha…. : )

  1 Geet ni Lines Emna mate
  “Baar baar din yeh aaye”
  “Baar baar dil yeh gaaye”
  “Tum jiyo Hazaro saal ye meri hai aarzoo”
  Happpy birthday to you……

  Like

   
 24. narendra vasavada

  July 10, 2011 at 10:25 PM

  We all Miss u frm g’nagar…
  Wishing u very happy long life to lalitkaka…

  -Narendra Vasavada

  Like

   
 25. RAJEN VASAVADA

  July 10, 2011 at 11:10 PM

  દરેક કુટુંબનો એક આંબો હોય છે. આપણા આંબાના થડ સમા અમારા લલીતકાકાના કુટુબમાં એક નવી કુપળ સમા તમારા પૌત્ર ચિ. હેતાર્થ પણ આપની સફળ જીવનયાત્રાનો સાક્ષી છે. અને ગર્વથી તેના દાદાજીની આવનારી વર્ષગાઠનો સહભાગી થવા આજ થી ડગમાંડવાની શરૂઆત કરી રહ્યો છે. જય કાકા જેવા વસાવડા કુટુંબના પનોતા પુત્ર બનવા હેતાર્થ પણ તમને આદર્શ બનાવી પગલીઓ ભરશે. આજના પ્રશંગે આપના આશીષની અપેક્ષા સહ.

  રાજન આરતી હેતાર્થ.

  Like

   
 26. jay padhara

  July 11, 2011 at 9:36 AM

  અંતે મારે પપ્પા વિષે કશુંક બોલવું હતું. પણ ના બોલાયું. પુત્ર અને પિતા વચ્ચે સાવ નિકટતા હોય તો ય કુદરતી એક અદ્રશ્ય દીવાલ રહેતી હોય જ છે! સંકોચ થયા કરે પુરા વ્યક્ત થવામાં, એકલા જ હોઈએ તો પણ.! થોડા સમય પહેલા પપ્પાને લખેલો પત્ર પણ મારી ગેરહાજરીમાં શૈલેષને સોંપીને હું બહાર નીકળી ગયો હતો! એ ય વાંચવો હતો બધાની વચ્ચે , અને માફી પણ માગવી હતી મારા કેટલાક ઉધામાઓની…પણ ના થઇ શક્યું. વ

  વધુ મોટા મંચ પર આવા જ ઉત્સવમાં પપ્પાની હાજરીમાં એ થઇ શકે એ માટે પ્રભુને પ્રાર્થના. AAMEEN..!!

  Like

   
 27. Shahil

  July 11, 2011 at 11:15 AM

  જયભાઈ …… પોસ્ટ વાંચી ને અનુભવ્યું કે અમો ત્યાં જ હાજર હતા….!!!
  આપનો કોઈ જવાબ નથી…. “આદર્શ પુત્ર” શબ્દ નો અર્થ ક્યાય વાંચવા જવું પડે એમ નથી…. આપની આ પુત્ર તરીકે ની હુંફ આપના પિતાશ્રી ને ચોક્કસ રીતે અનહદ વહાલી લાગતી હશે. આપે આપના પિતાશ્રી માટે જે ભવિષ્ય ના આયોજન કર્યા છે એ ચોક્કસ પુરા થશે જ એમાં કોઈ બેમત નથી. ઈશ્વર આપના પિતાશ્રી ને નીરોગી લાંબુ જીવન અર્પે એવી શુભેચ્છાઓ.

  Like

   
 28. raj bhaskar

  July 11, 2011 at 4:39 PM

  no word, jaybhai……. u make me cry…..

  Like

   
 29. bansi rajput

  July 11, 2011 at 4:40 PM

  🙂 Superb n so emotional n so touchy…….. my all the best wishes alz alz wid u n uncleji……. god bless u both…….

  Like

   
 30. Purvi.

  July 12, 2011 at 4:09 PM

  Hi,…..!!
  Thanks 4 sharing this,….!!

  જીવનની અમુક યાદો આજીવન મનમાં છપાઈ જતી હોય છે. એનું રેકોર્ડીંગ બીજાઓ માટે ખપનું હોતું નથી, ને પોતાનો માટે એની જરૂર હોતી નથી. હું જીવીશ ત્યાં સુધી આ અવાજ, આ લાગણી, આ દ્રશ્ય મારામાં હંમેશા ‘રેકોર્ડેડ’ જ રહેશે.

  Have healthy life 2 both of u.

  Like

   
 31. VISHAL JETHAVA

  July 13, 2011 at 1:05 PM

  કેક જોઇને કૈંક ના મનમાં ફુવારા છુટ્ટે…પણ અમુક વાક્યો વાંચીને આંખ માંથી આંસુ છુટ્ટે….!!!
  એવું લાગ્યું કે અમે પણ party માં હાજર હતા…
  અમારા દિલ ભીનું થઇ જાય જો માત્ર વાંચીને તો જયભાઈ આ લખતી વખતે તમારી મનોસ્થિતિ ની કલ્પના પણ અમે કઈ રીતે કરી શકીએ…
  બસ,’માસા’ સ્વસ્થ-દીર્ઘાયુ થાય અને વિશ્વ દર્શન કરવાનો મોકો મળે એવી સુપ્રાર્થના સહ…વંદન..!!! :*

  Like

   
 32. bhavishamaurya

  July 29, 2011 at 5:11 PM

  Hey JV,

  Thanks for sharing these with US!!!!!!!!
  It shows us that we (reader biradar) is part of your family.

  Be lated very very happy birthday to uncle and Mr.Kinnar.
  God bless you and give you healthy and peaceful life.
  ( I think its never too late for best wishes)

  Like

   
 33. Diya Shah

  June 10, 2012 at 1:56 AM

  ખુબ ખુબ શુભેચ્છાઓ,,,,,,,,,પિતાજી ને આવા આનંદ ના અવસર વારંવાર ઉજવવા મળે એ માટે ,,,,,,,, અને તમે અમને વર્ચુલી આ પાર્ટી માં સામેલ કર્યા એ બદલ અભિનંદન ,,,,,,,

  Like

   
 34. Sachin Desai, Dahod

  February 13, 2013 at 6:51 PM

  જયભાઈ, આજે જ લલિતકાકાના 75 મા ”બર્થ ડે” ની ઉજવણીનો આંખેદેખ્યો અહેવાલ વાચ્યો. સાચું કહું તો સામે તમે ઉભા રહીને કોઈ હસતી-રોતી ફિલમ” ભજવતા હોય તેવો અનુભવ થયો છે. તમારા એકેક શબ્દની સાથે હું પણ હસ્યો છું અને રડ્યો છું. ઈશ્વર, લલિતકાકાને હવે પછીનું શેષ આયુષ્ય સાવ નિરામય બક્ષે તેવી પ્રાર્થના અને હા, કીન્નરભાઈને પણ તેમના જન્મદિવસની મોડે મોડેથી પણ દિલી શુભેચ્છાઓ.

  Like

   
 35. Akash

  May 28, 2015 at 9:56 AM

  Just started reading your blog and couldn’t stop my self from reading one after another….. i always have been great fan of your writing and following every article “Anavrut” since long…

  I also write blog since 2010 …. just for my self to revisit and live old memories as and when I want….

  entire article is awesome… gracefully noted down.. specially this….

  ” અંતે મારે પપ્પા વિષે કશુંક બોલવું હતું. પણ ના બોલાયું. પુત્ર અને પિતા વચ્ચે સાવ નિકટતા હોય તો ય કુદરતી એક અદ્રશ્ય દીવાલ રહેતી હોય જ છે! સંકોચ થયા કરે પુરા વ્યક્ત થવામાં, એકલા જ હોઈએ તો પણ.! થોડા સમય પહેલા પપ્પાને લખેલો પત્ર પણ મારી ગેરહાજરીમાં શૈલેષને સોંપીને હું બહાર નીકળી ગયો હતો! એ ય વાંચવો હતો બધાની વચ્ચે , અને માફી પણ માગવી હતી મારા કેટલાક ઉધામાઓની…પણ ના થઇ શક્યું.”

  This article is older one….. but i wish you have already got chance to say all this to your dad … if not then don’t delay…. !

  Cheers….

  Happy Writing !!!!

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: