RSS

Daily Archives: July 9, 2011

પાર્ટી, પપ્પા અને ….. પ્રેમ !

૩૦ જૂને ઓફિશ્યલી પપ્પા ૭૫ વર્ષના થઇ ગયા, એ હવે પરિવારના સભ્યો જેટલા જ ઉમળકાથી આ અવસરને વધાવનાર રીડરબિરાદરોને યાદ જ હોય. આ બ્લોગમાં મુકેલો એમના પરનો લેખ, ફેસબુક પર મુકેલી એની લિંક તથા ફોટો અને ટ્વિટર પર જ બધું મળીને ૪૦૦-૫૦૦ જેટલા લાઈક્સ અને મેસેજીઝ મળ્યા છે. મોબાઈલ કે ઘરના ફોન અને ટપાલમાં (હા , હજુ ય એ માધ્યમ જીવતું છે, હો!) ટોપલો ભરીને મળેલી શુભકામનાઓ અલગ. ખૂબ ગમ્યું. નો ફોર્માલિટીઝ હીઅર. પણ મારા મનમાં ચોક્કાસ એ એકે એક શબ્દનું આગવું મહત્વ છે. એક તો એમાં ફક્ત લિપિ નથી. લવ છે. પ્રેમનો ઘૂઘવતો તરબોળ કરી દેતો દરિયો. કોઈ પણ માણસને આટલા નિર્વ્યાજ પ્રેમનું બળ મજબૂત બનાવે.. પૈસા ખર્ચીને જાહેરાત છપાવી શકાય, પણ કંઈ  ફીડબેક ના મેળવી શકાય. બીજું, હું તો માનું છું કે જિંદગીમાં દિલથી મળેલી દુઆઓ પણ કવચ બનતી હોય છે. બેટરી રીચાર્જ કરતી હોય છે. (કોઈ આવું ના પણ મને, પણ હું માનું છું-એટલે મારે માટે તો એનું અદકેરું મહત્વ અને મૂલ્ય રહેવાનું જ) પણ  એકસાથે આટલા બધા સંદેશાનો ઈચ્છા છતાં વ્યક્તિગત જવાબ કેમ દેવો?

એટલે આ બ્લોગપોસ્ટ. થેન્ક્સગિવિંગ જ સમજો ને.

જીન્દગી બહુ સખ્તાઈથી એક પાઠ આપણને શીખવતી હોય છે. બધું જ આપણું ધાર્યું નથી થતું હોતું. પપ્પા એટલા લો-પ્રોફાઈલ રહે કે એમના અમૃતપર્વની વાત મને ખુદને પણ મોડી યાદ આવી ! મારી તો આગલા દિવસે વ્યાખ્યાન માટે ખેડબ્રહ્મા તારીખ અપાયેલી. આદિવાસી વિસ્તારના પ્રાથમિક શિક્ષકોનો ય એવો જ પ્રેમાગ્રહ. સારથી -સાથી ગોપાલે એ જ રાત્રે પાછા ફરવાનું બીડું ઝડપ્યું. રાતના ગાડીમાં બેઠા બેઠા વિચાર કર્યો શું કરવું? યોગાનુયોગે એ જ દિવસે ગાઢ મિત્ર-સ્વજન સમા કિન્નર આચાર્યનો પણ જન્મદિન. એમને ફોન કર્યો. જાતભાતના સેલિબ્રેશનના વિચારો કર્યા, પણ દરેક માટે સમય ટૂંકો પડતો હતો. હું કેટલાક એવા કાર્યક્રમોમાં વક્તવ્ય આપી ચુક્યો છું-જ્યાં વ્યક્તિવિશેષના પરિવાર માટે સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી બધા ને બતાવી હોય. પણ અફસોસ, મારા જ ઘરના પ્રસંગમાં એવું કરવાનો ઝબકારો થયો, ત્યારે એની પૂર્વતૈયારીની વેળા વીતી ગઈ હતી! બધા ને જમવા બહાર લઇ જઈએ, બૂકિંગ પણ કરાવીએ-તો ય એમાં મૂળ મુદ્દો પપ્પા સાથે મળીને વાતો  વહેંચવાનો ચુકાઈ જાય.

અંતે ૩૦મીની સવારે ઘડિયા લગન જેવો ઝડપી નિર્ણય લીધો. રાજકોટમાં એક ફ્લેટ બૂક કરાવ્યો છે (હજુ સ્થળાંતર કર્યું નથી. મારી લાયબ્રેરી અંગેના ફર્નીચરનું કામ અને બજેટ બંને મારી પહોંચની બહાર ગણાય એટલા ભગીરથ છે! ફ્લેટ પણ વિવિધ ‘લોન’ની હરિયાળીમાં ખીલેલું ગુલાબ છે :P) ઘણા નિકટ મિત્રો અને સ્વજનોને એ જોવાનો બાકી હતો. બહારગામથી તો આટલી ટૂંકી નોટીસમાં કોઈ પહોંચી શકે એવો ચાન્સ જ નહોતો. ઈનફેક્ટ, સ્થાનિક મિત્રોના શેડ્યુલ્સ ગોઠવાઈ ગયા હોય. ઉજવણીના ઉત્સાહમાં કોઈને નડીએ નહિ એટલે વરાયટી (મિત્ર કિન્નર અને જીગ્નેશ જેવા સલાહકાર તરીકે હોય એટલે ખાણીપીણીની ટિપ્સ બાબતે દુનિયા જખ મારે છે :D) નાસ્તા-ડ્રીન્કસ (સોફ્ટ જ હોયને, હાર્ડ તો હું ય લેતો નથી 😉 ) સાથે નાનકડું ગેટટુગેધર અને કેક કટિંગ ફાઈનલ થયું. (કેમ જાણે બીજું કૈ કરી શકવાનો ઓપ્શન બચ્યો જ હોય lolz)

ગોંડલ – રાજકોટના મિત્રોને ઝટપટ સંદેશા મોકલવા શરુ કર્યા. બહારગામના તો પહોંચી ના શકત. સાવ નજીક્નામાં રાજીવ, પ્રતીક, ઈલિયાસ, શૈલેષ, રથીન, યોગેશ, અમિત, હિતેશ,અચ્યુંતભાઈ, બીજલ વ્યસ્ત/બહારગામ હોઈ આવી ના શક્યા. પરેશ રાજગોર, સમ્રાટ બુદ્ધ, મલય ઢેબર, કેતન ઠક્કર, નીલેશ શેઠ, હિંમતભાઈ વૈદ,માધુરી, કનુભાઈ, ભાર્ગવ, ગીરીશ જે.ટી.,કૌશિકભાઈ, ઇન્દ્રનીલભાઈ, ડૉ. કણસાગરા, ડૉ. પાર્થિવ   ઈત્યાદિ મિત્રોને દોડધામમાં કહી જ ના શકાયું. 😦 પપ્પાના અંગત કોઈ મિત્રો ખાસ છે નહિ. જે કોઈ છે તે, સંપર્કમાં (કમનસીબે કેટલાક દુનિયામાં) રહ્યા નથી. પણ ડૉ. માત્રવાડીયા, ભરતભાઈ મહેતા,ભદ્રાયુભાઈ આવી શક્યા. નાદુરસ્તી છતાં યશોમતિકાકી પણ આવ્યા. ડૉ.ઉર્વીશ-ફૂલેત્રાસાહેબ-સુરેશમામા-ડૉ. લાલાણી-પડોશી કાનાભાઈ-સુભાષભાઈ-એ.ટી.-જ્વલંત-ડૉ.જોશી પહોંચી ના શક્યા. રશ્મિભાઈ, મુકેશભાઈ,જગદીપભાઈ  વગેરે ખાસ સમય કાઢીને આવ્યા. બાકી મારા સર્કલમાં ચેતન જેઠવા ,ભૂપત,જીગ્નેશ,કેતન,ધર્મેશ,ચિરાગ, ચેતન ગણાત્રા, મનીષ બૂચ, વિનોદ,સમીર ભટ્ટ,હેમાંગ બધા આવ્યા. અને અમારા સ્થાનિક સગા (અને વ્હાલા જ વળી!) ધ્રુવભાઈ, રક્ષિતભાઈ,દેવયાનીબહેન, મન્જુમાસી, ઋષિ, જ્યોતિબહેન,પૂજા અને અફ કોર્સ, પ્રદીપમામા-ભાવનામામી ને દીપ તો હોય જ ! બિલ્ડીંગના સર્વે પાડોશીઓ આવ્યા. મોટા ભાગના સપરિવાર.ગોપાલ-પ્રતિક અઢીયા -સતીશભાઈ આવ્યા. કીન્નરભાઈ નો જન્મદિન ત્યાં જ ઉજવી કાઢવાનું નક્કી કર્યું.એટલે કવિતાબેન -સર્વદા હોય જ. આમ પણ ક્યાં એ કુટુંબથી અલગ છે?

આ યાદીનું કદાચ કોઈ વાંચનાર માટે મહત્વ નહિ હોય, પણ આ લખનાર માટે છે. મુદ્દો એક જ હતો-મોટા સેલિબ્રિટીઆમંત્રિતોની નહિ – અંતરમાં વસતા સ્નેહીઓની મહેફિલ કરવી છે. નવરાશમાં જેમની સાથે વીતાવેલો વખત, પૃથ્વી પર જીન્દગી જીવવાનું મન થાય એનું પાયાનું કારણ હોય એવા અંગત પારિવારિક નિકટજનોની 🙂 સુખ એટલે આવા ‘ભમીશું ભેળાં તણા મિલનમેળા'(સૌજન્ય : આપણો ઘડીક સંગ – નિરંજન ભગત)! એટલે જ દાનધર્મના દેખાડાને બદલે આનંદના અખાડાનો નિર્ણય લીધો.

ગાડીમાં પપ્પા ને લઇ પહોંચ્યા, ગોન્ડલથી રાજકોટ. એમને નવા વા-વા પહેરાવ્યા 🙂 ધીરે ધીરે બધા આવવા લાગ્યા..ને વાતોની નદીઓનો દરિયો ઉછાળા લેવા લાગ્યો. રાબેતા મુજબની દોડધામ, મંડપની ખુરશીઓ અને ખાસ કનકાઈની જ ચાની ચાહ સુધીની શરુ થઇ.

કલાકેક સુધી આગમનનો અને વાતોના અમનચમનના દૌર પછી અંતે ધાર્યા કરતા થોડું મોડું કેક કટિંગ શરુ થયું. ઈમ્પરિયલની સ્પેશ્યલ ડબલ ડેકર ફ્રુટ કેક અને ચોકલેટ ટફલ કેક આવી ગઈ. જોતાવેંત મોંમાં પાણી નહિ ફુવારા છૂટે એવી 😉 રીડરબિરાદરોને આ વાંચીને મન થાય તો એનું દમન ના કરવું..ઝટપટ નજીકમાં મળતી ફ્રેશ પેસ્ટ્રી મારું નામ લઇ, ખાઈ લઈને એનું શમન કરવું. 😛 અને બિલ મોકલાવી દેવાની છૂટ છે 🙂

બંને ‘બર્થ ડે બોયઝ’ – ૭૫ના અને ૩૭ના – તાલીઓના ગડગડાટ વચ્ચે “કેક-કાપન” માટે ક્રીમી લેયરમાં કાપો મુકવા ઉપસ્થિત થયા.

અને જિંદગીની તકલીફોની ધારને જે મુલાયમ મૌન કે સ્મિતથી જીરવી ગયા, એવી અદામાં ઉંમરને ચીરવાતણું ચીઅરફુલ કાર્ય પોતપોતાની રીતે એક સાથે આરંભ કર્યું…

યમ યમ…ગ્લ્પ ગ્લ્પ…ચ્બ..ચ્બ..ચ્બ…ઇશ્માઇઇઈઈલ પલીજ….

એ જ દિવસે આ મિલન પોતાને આંગણે રાખવાનો આગ્રહ કરી ચુકેલા પારિવારિક સ્વજન સમા  ભદ્રાયુભાઈ અને ઈલાબહેનના સ્નેહલગ્નની ત્રણ દાયકા કુદાવી ગયેલી એનિવર્સરી પણ હતી ! એના માનમાં ઈટાલીથી આવેલી પ્રેમાળ પુત્રવધૂ જેલમ હાર્દિક વછરાજાનીએ શબ્દશઃ મધમીઠાં અવાજે એક કર્ણપ્રિય ગીત ગાઈને અનેરી ગીફ્ટ આપી – સાસુ સસરાને !

અને કેકજમણની સાથે જ શરુ થયો નાસ્તો…મિત્ર ચેતન જેઠવાએ કાઉન્ટર મેનેજમેન્ટ ગોંડલના દોસ્તો સંગાથે સંભાળી લીધેલું. બટરમલાઈ , પિસ્તા કાલા જામ, ખસ્તા કચોરી, સમોસા, ડ્રાયફ્રુટ ભેળ, સેવખમણી, લાલ-લીલી ચટણી અને રંગબેરંગી સોફ્ટ ડ્રિન્ક્સ…

પાર્ટી, એ ય આપણા ગુજરાતીઓની..એમાં અન્ન ભેગા, એમના મન ભેગા ! 😀

ખુશમિજાજ…ખુશઆમદીદ…

અમે ભૂલી ગયા એ ડૉ. માત્રાવડીયાને યાદ આવ્યું. અને એમણે બધાને ખામોઓઓઓશ કરી પપ્પાને ઉભા કર્યા બોલવા માટે…

પપ્પા ટૂંકું પણ એકદમ ભાવવાહી બોલ્યા. એમની કોઈ તૈયારી હતી નહિ, એટલે અંતરની લાગણીથી બોલ્યા. મેં તસવીરો તો ખેંચી..પણ અચાનક યાદ આવ્યું કે એનું વીડીઓ શૂટિંગ થઇ શકત! કમ સે કમ મારા મોબાઇલમાં ઓડિયો રેકોર્ડીંગ તો થાત ! પણ ત્યાં સુધીમાં સ્પીચ પૂરી થવા આવી હતી અને હું ય સ્ટેચ્યુ બનીને એ સંભાળતો હતો. બધાના આભારની સાથે પપ્પાએ જીવનના તડકા-છાંયડાને યાદ કરતા, અત્યાર સુધીમાં  પહેલી વખત એમનો જન્મદિવસ ૭૫ વર્ષમાં ઉજવાયો – એ આજની ઘડી રળિયામણી વર્ણવી. હજુ સુધી પોતે બોલી, સાંભળી, વાંચી, (ભલે ડગુમગુ) ચાલી શકે છે…ખાઈ-પી (અલબત્ત, એમને મનપસંદ ગળ્યું જ !) શકે છે, નાના મોટા આઘાત જીરવી શક્ય છે , એને આભારપૂર્ણ રીતે સદભાગ્ય ગણાવ્યું અને સહુના પ્રેમનો ઋણસ્વીકાર કર્યો. કેમેરો નહોતો. પણ, જીવનની અમુક યાદો આજીવન મનમાં છપાઈ જતી હોય છે. એનું રેકોર્ડીંગ બીજાઓ માટે ખપનું હોતું નથી, ને પોતાનો માટે એની જરૂર હોતી નથી. હું જીવીશ ત્યાં સુધી આ અવાજ, આ લાગણી, આ દ્રશ્ય મારામાં હંમેશા ‘રેકોર્ડેડ’ જ રહેશે. હાજર રહેલા સહુ કોઈએ એક ચિત્તે સાંભળ્યું.

પછી વળી મેં ઉત્સાહમાં આવી ત્યાં હાજર ઘણા અંગત મિત્રોનો પરિચય આપ્યો..એ બધા કે જેમણે મારા માટે કશુક કર્યું છે. જાણ્યે અજાણ્યે મને ઘડ્યો છે. જેમની સોબતમાં કોઈને કોઈ રીતે આ જીવનયાત્રા ખેડવાની મને મજા પડી છે. અંતે મારે પપ્પા વિષે કશુંક બોલવું હતું. પણ ના બોલાયું. પુત્ર અને પિતા વચ્ચે સાવ નિકટતા હોય તો ય કુદરતી એક અદ્રશ્ય દીવાલ રહેતી હોય જ છે! સંકોચ થયા કરે પુરા વ્યક્ત થવામાં, એકલા જ હોઈએ તો પણ.! થોડા સમય પહેલા પપ્પાને લખેલો પત્ર પણ મારી ગેરહાજરીમાં શૈલેષને સોંપીને હું બહાર નીકળી ગયો હતો! એ ય વાંચવો હતો બધાની વચ્ચે , અને માફી પણ માગવી હતી મારા કેટલાક ઉધામાઓની…પણ ના થઇ શક્યું. વધુ મોટા મંચ પર આવા જ ઉત્સવમાં પપ્પાની હાજરીમાં એ થઇ શકે એ માટે પ્રભુને પ્રાર્થના.

અરે હા, આખી પાર્ટીની આ સહુથી ‘અજોડ જોડી’ 🙂 સૌથી મોટી વય ૭૫ વર્ષના યજમાન સાથે સહુથી નાની વય ૩ મહિનાની મહેમાન – કીન્નરની રમકડાં જેવી દીકરી રીતિદા! એણે ત્રણ કલાક સુધી પાર્ટીમાં બધા સાથે ભરપુર ગેલ કર્યો ને ઘૂઘવાટા નાખ્યા. પપ્પાઓ નો બર્થ ડે હતો ને ! એને એક ને જ ધાવણી હોઇને કેક ખાવાની નહોતી, તો યે રડી જ નહિ છેક સુધી. 😛

ધીરે ધીરે બધા વિખેરાયા. રાબેતા મુજબ છેલ્લી સાફસુફી અને ગોઠવણીમાં અમે જ જુના જોગીઓ રહ્યા, મામા-મામી-દીપ-ચેતન-ગોપાલ  અને ભૂપત વગેરે…આ રહ્યો અમારો પરિવાર..અમે તો બે જ ..પણ અમારા ત્રણ- મામાનું કુટુમ્બ ભળતા ! મમ્મીની એમે ખૂટતી ગેરહાજરી મામા-મામી થી સરભર થઇ.

રાજકોટમાં મિજબાની માટે મળીએ ને આઈસ્ક્રીમ ના ખાઈએ? હોતું હશે કંઈ? બે બર્થ ડે શેર કરનારાઓ એ મધરાતે સ્કૂટરની સીટ પણ શેર કરી ગમ્મતમાં !

અને છેલ્લે તમારા બધા માટે ઈ-ડેઝર્ટ..ક્લિક કરોને વાંચો, ખાસ પપ્પા એ ઉજાગરો કરી સહુ માટે લખેલો આ સંદેશ. બ્લોગ, ફેસબુક, ટ્વીટર વગેરે પરના તમામ પ્રતિભાવો મેં પ્રિન્ટઆઉટ કાઢીને એમને આપેલા. પત્રો, મેઈલ્સ, સેલ મેસેજીઝ અને કોલ્સ તો ખરા જ. ત્રણ દિવસ સુધી એ વાંચતા રહ્યા… પ્રિન્ટઆઉટ્સ, એકેએક સંદેશા, કોમેન્ટ્ વાંચી ગયા. અને પછી આ લખ્યું છે..તમારા બધા માટે.

અમારા રક્ષાભાભી, કે જેમને પપ્પા સહીત બધા  ભાઈ-બહેનોનેને જોયા છે, ‘બડી બહુ’ તરીકે (હવે એમાં માત્ર પપ્પા જ હયાત છે.) – ગળગળા થઇ ગયા . અને કહ્યું કે આ લોકો એટલા સાદા અને ચુપ રહ્યા છે…કે કોઈની જીવતેજીવ નોંધ જ ના લેવાઈ..! એમના આંસુ તમામ પ્રેમપૂર્વક મળેલી ભેટોમાં યાદગાર ગીફ્ટ હતા! -અરમાન તો એવા જ હોય ને કે આવા અવસર આવતા રહે…પપ્પા બધા ને આવી જ મોજ અને તંદુરસ્તીથી હળતા-મળતા રહે…હજુ એમને ઠંડી શરુ થાય એ પહેલા યુરોપ ફેરવવા છે (જે જરાક કપરું કામ છે)..એક પુસ્તક કરવું છે, એમની વાતો નું શૂટિંગ કરવું છે…ઇન્શાલ્લાહ…મમ્મી તો એમ જ ગઈ, પપ્પાને ઘણું જોવાનું છે…

તો બસ, દોસ્તો …. દુઆમેં યાદ રખના :-”

મોન્સૂન મુબારક.

 
35 Comments

Posted by on July 9, 2011 in personal

 
 
%d bloggers like this: