મુંબઈ મારું ગમતું શહેર. ઘણાને એ ભીડભાડવાળું, ક્રૂર, યાંત્રિક, ઝડપી લાગે અને છે ય ખરું…પણ સાથોસાથ એ એક ધબકતું મહાનગર છે. જીવંત, શ્વાસ લેતું, રંગબેરંગી, ઝગમગતું. વેલ, મુંબઈની ઘણી વાતો થઇ શકે એમ છે, ને ઘણાય ઘણી રીતે એ કરી ય ચુક્યા છે.
પણ આજે વાત પૃથ્વી થીએટરની કરવાની છે. ના, ના…એનો કોઈ ઇતિહાસ નથી માંડવાનો. પણ સંજના કપૂરને લીધે અમારી પેઢી સુધી પહોચતું રહેલું જુહુના ચર્ચ રોડ પર આવેલું પૃથ્વી ત્યાં જતા પહેલા જ મનમાં એક ચોક્કસ છાપ બનાવી ચુક્યું હોય, એ સ્વાભાવિક છે. જોકે, અઢળક મુંબઈમુલાકાતો થઇ. રાજકોટથી નિકટ સ્વજન સમા મિત્ર અરવિંદ શાહ મુંબઈવાસી થયા, ત્યારે પૃથ્વીની બાજુમાં જ રહેતા હોઈ – પૃથ્વીના પટાંગણમાં પણ પગ મુકવાનું બનતું રહ્યું. એનો બુકશોપ હજુ હમણાં સુધી મારો ફેવરિટ હતો. કળા-સાહિત્યના ઉત્તમ અને દુર્લભ પુસ્તકો નાનકડી જગ્યામાં પણ એસ્થેટિકલી રખાયેલા હોય. હવે એનું કલેક્શન એટલું સ્પેશ્યલ નથી રહ્યું. પૃથ્વીના કોફીશોપમાં એમ ને એમ (એટલકે એમ તો સમોસા-કોફી વગેરેની જ્યાફત માણતા જ વળી! ) બેસવાનું થાય તો પણ આજુબાજુ નજર કરતા સમય પસાર થઇ જાય. ટિપિકલ ધૂની, આર્ટિસ્ટિક, લઘરવઘર, તરવરિયા યંગસ્ટર્સનો એ અડ્ડો. લાંબા વાંકડિયા ઝુલ્ફોવાળા પુરુષો અને ટૂંકાવાળવાળી સ્ત્રીઓ ત્યાં એકબીજાને બદલે સ્ક્રિપ્ટ કે સ્કેચમાં ખોવાયેલા જોવા મળે, ને બધાનો ડ્રેસકોડ કુરતો-જીન્સ-માળા હોવાનો (જેન્ડર બાયસ વિના) ચાન્સ મેક્સિમમ.
પણ , ક્યારેય પૃથ્વી થીએટરમાં નાટક જોવાનો ચાન્સ મળ્યો જ નહિ. મન થાય પણ કાં તો બીજું કઈ કામ હોય, જવાનું હોય, ટિકિટ ના મળે…ને એ અધુરપ ખટક્યા કરે. જાણે ગમતી છોકરીને દૂરથી તાકીને વાત કર્યા વિના જ પાછા ફરતા હોઈએ એવો ઘાટ સર્જાય. ‘પ્રેમ એટલે’ના શો માટે મુંબઈ જવાનું થયું, એટલે મુંબઈના ગુજરાતી નાટ્યકલાકારોના બદ્રી-કેદાર ગણાતા ભાઈદાસમાં પ્રેક્ષકોની બેસુમાર તાળીઓ વચ્ચે પરફોર્મ કરવાનો લ્હાવો તો મળી ગયો. પછી અમદાવાદ જવાનું હતું ને રાતની ફ્લાઈટની ટિકિટ મળતા અચાનક જ પૃથ્વીના પેટાળમાં ઉતારવાની તમન્ના પૂરી થઇ ગઈ.
એ.ટી. (અરવિંદ શાહ)ના પ્રિય પાન બનારસવાલા બનાવનાર રમેશે ટિકિટ લઇ રાખી. રાતની ફ્લાઈટ પહેલા ૬ થી ૯માં મેં જેના વિષે સાંભળેલું, એ ગુજરાતી એકોક્તિઓનો નાટ્યપ્રયોગ ‘બેસ્ટ ઓફ સાત તરી એકવીસ’ હતો. જાણીતા પી.આર. મનહર ગઢિયા નિર્મિત આ પ્રયોગ મંડળ-વમળમાં ‘ગુજરતી’ ગુજરાતી રંગભૂમિ માટે અત્યારે નવતર ગણાય એવો. તખ્તાની ઉભરતી કલાકાર અને ફેસબુક થકી (ખરેખર તો કોલમ થકી ) પરિચયમાં આવેલી ભક્તિ રાઠોડે મારી પૃથ્વીયાત્રા વધુ આસન બનાવી. ઇન્ફીનીટી મોલ ખાતે મેં શોપિંગ કરેલી થેલીઓ ત્યાં આવીને પોતાની કારમાં વરસાદ વચ્ચે પૃથ્વી પર અગાઉ જ લઇ ગઈ. હું તો વરસાદી ટ્રાફિકને લીધે મોડો પહોંચ્યો પાછળથી. એક્ચ્યુલી બહુ નાટ્યાત્મક રીતે – એકદમ નિક ઓફ ટાઈમમાં ! પૃથ્વીમાં નાટક શરુ થઇ ગયા પછી એન્ટ્રી ‘સ્ટ્રીક્ટલી પ્રોહિબીટેડ’ હોય છે. દરવાજો જ બંધ થઇ જાય! એ બંધ થતો હતો ને હું પહોંચ્યો. બસ, ઐન વક્ત પર !
પૃથ્વી કંઈ બહુ વિશાળ ઓડિટોરીયમ નથી, પણ વિશિષ્ટ છે. ગ્રીક એમ્ફીથીએટરની ડિઝાઈનમાં બનાવાયું છે. ફેશન શોના રેમ્પ જેવું એનું સ્ટેજ છે. ફરતા અર્ધચંદ્રાકારે કુશાંદે (કમ્ફર્ટેબલ, યુ સી!) સીટ્સમાં બેસો, ત્યારે ગમે ત્યાં બેઠા હો, નાટક તમારી બાજુમાં જ ભજવાતું હોય એવું લાગે..જાણે તમે કલાકારને સ્પર્શી શકો એટલી નિકટતાનો અહેસાસ થાય! રંગભૂમિનો આ જ તો અલાયદો અનુભવ હોય છે. પૃથ્વીમાં તો દેશના એટલા દિગ્ગજ રંગકર્મીઓ પરફોર્મ કરી ગયા છે, કે એનું સ્ટેજ જોઈ ચાર ધામના કોઈ જાત્રાળુને થાય , એવી ‘પવિત્ર વાઈબ્રેશન્સ’ની અનુભૂતિ થઇ. ભારતવર્ષે મહારાષ્ટ્રખંડે મુંબઈનગરે પૃથ્વીતીર્થ સ્નાનમ્ ઇતિ સંપન્ન !
‘સાત તરી એકવીસ’ મૂળ એકપાત્રી અભિનય જેવા મોનોલોગ્સનું કલેક્શન છે. આ શોમાં તો એમાંથી ચૂંટેલા સાતનું પ્રેઝન્ટેશન હતું. ઓપનિંગનું એનાઉન્સમેન્ટ મિસ કર્યું, પણ વેલેન્ટાઈન્સ ડે,સ્પ્રિંગટાઈમ જેવા યૂથફુલ શબ્દોના પ્રયોગથી પ્લેઝન્ટ સરપ્રાઈઝ થયું! અંદર પણ રમતિયાળ ગુજરાતી ભાષા સાથે યૌવનના મેઘધનુષી સપનાઓ જે રીતે ગૂંથાયેલા હતા…કિસથી લઈને આલિંગનના કાવ્યાત્મક અર્થો હતા…તરત થયું – અયસાઈચ તો અપુન કિ ગુજરાતીમેં બો’ત કમ પંટરલોગ લિખ પાતે હૈ, બાપ ! કોઈક જાણીતા , મેં વાંચેલા કોઈ લેખકે જ લખ્યું હોવાની ‘દેજા વુ’ ફિલિંગ ફરતે ઘુમરાતી ગઈ…અને પછી ભક્તિએ કહ્યું કે એ તો ચંદ્રકાંત શાહે લખ્યું હતું – ને થયું જેબ્બ્બાત ! બોસ્ટનવાસી ચંદુ શાહ તો ગુજરાતી ભાષાને ગલી ગલી કરીને હવામાં ઉછાળીને ભૂલકાંની માફક હસાવે એવા મનપસંદ કવિ-નાટ્યકાર…યે તો હોના હી થા!
લેખકના જોરે જ પહેલાની જેમ છેલ્લી એકોક્તિ પણ જામી ગઈ. મને આંખોથી વાત કરતા આવડે છે – એમાં આતિશ કાપડીયાની જ ટ્રેડમાર્ક સ્ટાઈલમાં હસતા હસાવતા ગંભીર સંદેશ આપી દેવાની જાણીતી છતાં માનીતી શૈલી વધુ એક વખત માણવા મળી. દર્શન જરીવાલાના ક્વિક રીપ્લેસમેન્ટ તરીકે છેલ્લે ‘દિલ્હી બેલી’માં દેખાયેલા પરેશ ગણાત્રાએ સક્ષમ અભિનેતા કઈ રીતે ઓડીયન્સને ‘એફોર્ટલેસલી’ ઇન્વોલ્વ કરી શકે- એનું લાઈવ ડેમો આપી દીધું. તો વચ્ચે પોઝિટીવ થિન્કિંગવાળી એકોક્તિ એકલપંડે એક્ટર પ્રતીક ગાંધીએ ઊંચકી લીધી. એમણે ધાર્મિક-વેપારી માનસના ઓછું વિચારતા, ઝાઝું અનુસરતા ગુજરાતી જુવાનની અવઢવ અને ખાસ તો લહેકો ઝીલ્યો એમાં બધાને જલસો પડી ગયો.
શિરમોર રહી સૌમ્ય જોશી લિખિત – જીજ્ઞા વ્યાસ અભિનીત ન લખ્યેલી કવિતાવાળી વાત. રાઈટર-એક્ટર-ડાઇરેક્ટરનું પરફેક્ટ કોમ્બીનેશન. હું અંગત રીતે સૌમ્ય જોશીને નવા ફાલમાં ગુજરાતી રંગભૂમિનો સર્વશ્રેષ્ઠ લેખક –દિગ્દર્શક માનું છું. આમ તો એ છે જ એકમાત્ર- એટલે સર્વશ્રેષ્ઠ જ હોય ને 😛 અને આ વાત કેવળ એક પ્રેક્ષક તરીકે કહું છું. સૌમ્ય તો સ્વભાવમાં પણ સૌમ્ય છે – પણ એનું પરફોર્મન્સ સિંહની ડણકની જેમ ગરજે છે. આમાં મારો કોઈ બાયસ નથી, પણ હમેશા સૌમ્ય એના ઉમદા સર્જનથી મને જીતી લે છે. કાશ, સૌમ્ય જોશીનું ક્લોનીંગ થતું હોત! આમાં અતિશયોક્તિ લગતી હોય એમણે સૌમ્યના નાટકો જોવા. ના લાગતી હોય એમણે તો જોવાના જ હોય ને 😉
બાકીની એકોક્તિમાં ફોબિયાવાળી ઠીકઠાક. સરોગેટ મધરવાળી ગુજરાતી ફિલ્મોની જેમ હોરિબલી લાઉડ. સૌથી નબળી રહી કૃતિકા દેસાઈવાળી. કૃતિકાના સક્ષમ અભિનય અને સંનિષ્ઠ પ્રયત્નો છતાં (એક ખુરશી પર બેઠે બેઠે જ એ ભજવાઈ છે) એનું લેખન અસહ્ય પ્રેડીકટેબલ અને ચલતાઉ કિસમનું લાગ્યું. પોપ્યુલર એસએમએસના સંવાદો બનાવી દેતા ક્રિએટીવીટીના દુકાળ તણા નગારાં પીટતાં લેખનની મને ભારે ચીડ છે ( એટલે જ સૌમ્ય, મધુ રાય, ચંદુ શાહ ઈત્યાદિ પ્રત્યે વિશેષ મહોબ્બત છે) તમારા સંવાદોના એસએમએસ બનવા જોઈએ, સાહેબ!
અંદર જેટલી જ મજા જો કે પછી બહાર પણ આવી. મારા લેખોના સહ્રદયી ભાવક અને ગુજરાતી તખ્તા જ નહિ , હિન્દી ફિલ્મોનું પણ ઉંચા ગજાનું નામ એવા ઈમ્તિયાઝ પટેલ મળી ગયા. અમારો સ્નેહસંબંધ ખાસ્સો જુનો છે, ને ઈમ્તિયાઝભાઈનો ભરપૂર હુંફાળો ઉમળકો એના મૂળિયામાં સિંચાયો છે. એમના બંને પરાણે વહાલા લાગે એવા બચ્ચાંઓ પપ્પાને વાતોમાં મશગુલ જોઈને મનગમતી બુક્સ (અલબત્ત, અંગ્રેજી – નેચરલી, ગુજરાતીમાં હવે બાળસાહિત્ય પણ આજની પેઢીને ગમે એવું રચાય છે?) ખોલી બેંચ પર બેસી વાંચવા લાગ્યા – જે અણમોલ દ્રશ્ય જોઈને હું તલ્લીન થઇ ગયો!
પપ્પા (ઈમ્તિયાઝભાઈ)ને હેરી પોટરના ખાસ ચાહક નહિ, પણ નાનકડી પુત્રીને પપ્પાનો આ કાઠીયાવાડી દોસ્ત એલિયન ના લાગ્યો. કારણ કે, એ અને હું બંને પોટરફેન નીકળ્યા ! એ ઢીંગલી લોર્ડ વોલ્ડેમોર્ટના બચપણની વાતો લખી એના બચાવમાં કશુંક લખવા ધારે છે. ક્યા બાત હૈ. વાત સાચી પણ છે. (ટોમ માર્વાલો રિડલનું ફિલ્મમાં સદંતર ગાયબ બચપણ આ બ્લોગ પર છે જ. ) અલકમલકની વાતોમાં થોડીવાર માટે સૌમ્ય જોશી પણ જોડાયા, અને એક કપ કોફી પીવડાવી પ્રેમપૂર્વક (આ બ્લોગમાં અલબત્ત એમના વખાણ એ કોફીના ‘સાટે’ નહિ, પણ એમની ટેલન્ટ માટે છે. જેની કશુંક બીજાના ખર્ચે ‘પીધા’ પછી જ કલાકારના વખાણે ચડતા ક્રિટીકકિરીટધારીઓએ નોંધ લેવી :D) અરવિંદભાઈ પરિવાર મળ્યો ને ફલાઈટનું મોડું થતું હોવાથી હું દો દુની ચાર જેવી આ રંગ મહેફિલ અધૂરી મૂકી નીકળ્યો..
બાય ધ વે, મુંબઈ હો અને જુહુ જાવ તો ઇસ્કોન મંદિરમાં સમોસા-કચોરી, સાબુદાણા વડા, રાજભોગ, આલું ટીક્કી વગેરે ખાઈને પછી અમિતાભના બંગલા પાસે નેચરલ્સનો આઈસ્ક્રીમ જરૂરથી ખાજો. ને પછી ચર્ચ રોડ પર પૃથ્વી થિએટરવાળી ગલીની બહાર જ વ્રુક્ષ નીચે રહેલા પાનના થડા પરથી પાન અચૂક જમજો. હું સામાન્ય રીતે પાન રોજેરોજ ખાતો નથી ને ખાઉં ત્યારે પણ સાદું જ. પરંતુ, અનેક ફિલ્મસ્ટાર્સના ફેવરિટ એવા આ પૃથ્વીના પાનવાળાનું પાન મેં સમગ્ર પૃથ્વીલોક પર ખાધેલા તમામ પાનમાં નાયાબ છે. એ લિજ્જત માણવા ક્યારેક મુંબઈ જેવા ભરચક વ્યસ્ત શહેરમાં બે કલાક બગાડીને પણ હું ગયો છું. પૃથ્વીનું નામ પડે એટલે હજુ ય નાટક પછી, પહેલા મને એ પાન જ દિમાગમાં ફ્લેશ થવાનું ! 🙂