RSS

Monthly Archives: June 2011

પપ્પા @ ૭૫ : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..!

આજે જેઠ વદ બારસ. પંચાંગની તિથિ મુજબ મારા પપ્પાને ૭૫ વર્ષ પૂર્ણ થયા. તારીખ મુજબ એક દિવસ પછી ૩૦ જૂન, ગુરુવારે ૭૫ વર્ષનું અમૃતપર્વ પૂરું કરશે. લહેરથી જીવવા જેટલી કમાણી છે, પણ મોટા ઉત્સવો ઉજવવા જેટલું ગજું નથી. એટલે આ અમૃતપર્વની ઉજાણીની શરૂઆત રીડરબિરાદરોના પ્યારા અને પહોળા પરિવાર સાથેના શબ્દોત્સવથી. 😀અહા ! જિંદગી’ ઓક્ટોબર ૨૦૦૮ના દિવાળી અંક માટે દિપક સોલિયાએ પ્રેમાગ્રહથી પપ્પા પર જે લેખ લખાવ્યો, એ ૨૦૦૯માં મૃગેશભાઈએ એટલા જ ઉમળકાથી ‘રીડગુજરાતી’ ઉપર મુકેલો, જેમાં એણે ચિક્કાર હિટ્સ મળી. એ જ લેખ જરાતરા પૂરક માહિતી સાથે મુકું છું. એ છપાયા પછી ફેફસાના ઘસારા ઉપરાંત પપ્પાને આ વર્ષે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો, જે સદભાગ્યે રીવર્સ થયો, અને બંને ઘૂટણમાં સંધિવાની તીવ્ર અસર છે. મારે આ વર્ષે એમને લઈને  એમને ગમતા દેશો ફેરવવા છે, પણ એમને થોડો વધુ થાક લાગે છે. દાંતનું હવે ચોકઠું પણ બનાવવાનું છે. મારી જંજાળ વધતા એમની સાથે ઓછો સમય વીતાવવાનો ગિલ્ટ મને ય સતાવે છે. હશે, જીન્દગી હર કદમ એક નઈ જંગ હૈ. પણ એ ૭૫ના પડાવ પર ભારે તકલીફો વેઠીને ય પહોંચ્યા છે. ભૂલો ઘણી કરી છે, પણ શાંત સરળ પ્રેમ એનાથી થોડોક વધુ કર્યો છે. 😛 આ જગતમાં મને સૌથી વધુ ચાહતી એ એકમાત્ર હયાત વ્યક્તિ છે. એમને આ જાહેરમાં પ્રણામ કરું છું, વ્હાલ કરું છું. મારા અત્યારના ઘરના નમ્બર ૦૨૮૨૫-૨૨૩૭૭૬ પર એ બપોરના આરામ સિવાય ઉપલબ્ધ જ હશે. કોઈને એમની સાથે પણ વાત કરવાનું મન થાય તો….આ એટલે લખ્યું છે કે એમને માટે, એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મારા તરફથી એમને જે ભેટ આપી શકાય – એ આપ બધાની દુઆઓ અને શુભેચ્છાઓ છે. એમનાથી અડધી ઉંમરે હું એક શબ્દ પચાવતા શીખ્યો છું. ઇન્શાલ્લાહ ! ઇન્શાલ્લાહ, એમનો છાંયડો મારા તાપને વર્ષો સુધી ટાઢક આપતો રહે….ઇન્શાલ્લાહ, એમને આપ બધા મૌન શુભેચ્છા પણ દિલથી પાઠવો, એનાથી વધુ સરસ રીતે જીવવાનું બળ મળે…અને લાંબુ તંદુરસ્ત સુખી જીવન મળે..આભાર 🙂

મારા પપ્પાનું આખું નામ લલિતચંદ્ર જીવાભાઈ વસાવડા. મારા પપ્પાએ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી જૂનાગઢ, વેરાવળ, ભાવનગર, રાજકોટ નોકરી કરીને ગોંડલ કૉલેજમાં અધ્યાપક તરીકે નિવૃત્તિ લીધી. મારા પપ્પાને બે બહેનો અને પાંચ ભાઈઓ હતાં એ તમામમાંથી ફક્ત સૌથી નાની વયના પપ્પા આયુષ્યના સાતમા દાયકામાં હયાત છે. મારા પપ્પાની આંખે ચશ્માં છે. માથે થોડી ટાલ છે. હવે દાઢી પણ રાખે છે. …શું આ છે મારા પપ્પા ? પપ્પા એટલે નામ ? પપ્પા એટલે દેખાવ ? પપ્પા એટલે પદ ? પપ્પા એટલે જૉબ ઍન્ડ એવોર્ડસ ? પપ્પા એટલે બાયોડેટા ? હું આ લખું છું ત્યારે પપ્પાએ પાણી ભરીને સિન્કમાંથી વાસણ ગોઠવી લીધાં છે, ને ટીવી પર ગુજરાતી સમાચારને વાર હોઈ એક અખબાર વાંચે છે. આવતીકાલે રસોઈવાળાં બહેન આવવાનાં નથી, એટલે દાળ-શાક પપ્પા વઘારશે. યસ, આ છે મારા પપ્પા ! હમારી સચ્ચી કહાની યહાં સે શુરૂ હોતી હૈ ! કમ ઑન ઈન !

યુ નો વ્હોટ ? એક જમાનામાં પપ્પાનું જૂનાગઢ શહેરમાં નામ હતું. વિદ્યાર્થીઓ એમની પાસે ન ભણતા હોવા છતાં કશુંક જાણવા આવતા. એડવોકેટ નિરૂપમ નાણાવટીથી ડૉક્ટર ઉર્વીશ વસાવડા જેવી ગુજરાતભરમાં જાણીતી પ્રતિભાઓથી લઈને કોઈ ગુમનામ આદમીને પણ અચાનક એમને આદરપૂર્વક પગે લાગતા જોઈને મનેય નવાઈ લાગી છે ! એમણે ક્યારેય, રિપિટ, ક્યારેય આ વાતો ઘરમાં કરી નથી. જાણે એ એમનું યૌવન ઈરેઝરથી છેકી નાખવા માગે છે.

પણ સાઠના દાયકામાં જૂનાગઢમાં એમની ટેલન્ટના ટકોરા ગિરનારની તળેટીના ઘંટારવ કરતાં વધુ વાગતા ! હિન્દી કવિતા માટે એમને જવાહરલાલ નહેરુના હાથે ચન્દ્રક મળેલો, (જે હુ જોઉં એ પહેલાં વેચાઈ ગયો હતો !) મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ગોવિંદ ગઢવી, પ્રફુલ્લ નાણાવટી ઈત્યાદિ નામાંકિત સર્જકોને પતંગિયા બનવા માટેનો કોશેટો આપતી ‘મિલન’ સાહિત્ય સંસ્થા જૂનાગઢમાં ચાલતી. અમૃત ઘાયલ, રૂસ્વા મઝલૂમી અને તખ્તસિંહ પરમાર જેવા દિગ્ગજો એમાં સક્રિય રહેતા. આ ‘મિલન’ના અનસંગ હીરો જેવા પાયાના પથ્થર પપ્પા હતા. એની બેઠકો એમના ઘેર યોજાતી. એ સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂંપેલા રહેતા. એમની પાસે સંસદસભ્યોથી લઈને સામાન્ય ગણાતા લોકો નાટકોની અને ભાષણોની સ્ક્રિપ્ટ લખાવવા આવતા. રતુભાઈ અદાણી અને ચિત્તરંજન રાજા જેવા જૂની પેઢીના ધરખમ આગેવાનોને પપ્પાને મળવા અને અંગત આયોજનોનાં આમંત્રણ પાઠવવા આવતાં મેં નજરે જોયા છે.

મેં એમની જૂની ફાઈલમાં પીળાં, ભુક્કો થઈ જતાં પાનાઓમાં લખાયેલી અને ક્યાંક છપાયેલી વાર્તાઓ જોઈ છે. પણ એમને કશુંય લખતા નથી જોયા. એમને સાંભળવા એ લહાવો ગણાતો, એવું સાંભળ્યું છે. પણ એક-બે વખતનાં મારી સાથેનાં વ્યાખ્યાનો સિવાય એમને સાંભળ્યા નથી.
કેમ ? બસ એમ જ.
મમ્મી કહેતી કે, મારા જન્મ અને એમના જીવનમાં મમ્મીના પ્રવેશ પહેલાં જ મારા દાદીબા બીમાર પડ્યાં. એમને પેરેલિસિસ થયું. બધાં સંતાનો નોકરી-ધંધા માટે બહાર હતાં. પપ્પાએ પાંચ વર્ષ માટે ભેખ લઈ લીધો. સિવિલ સર્વિસમાં સ્યોર ગણાતી કરિયર છોડીને સાહિત્ય અપનાવી લીધું. એમની સેવામાં જ એ (રોટલી સિવાયની !) રસોઈ કરતાં શીખી ગયા, મોટી ઉંમર સુધી અપરિણીત રહ્યા. મમ્મી એમ પણ કહેતી કે આ માતૃસેવા જ એમણે – ફ્રેન્કલી સ્પીકિંગ, મોટે ભાગે સામે ચાલીને નોતરેલી ! – આફતો સામે ઢાલ બનીને એમને બચાવે છે. હમ્મ્મ… પપ્પાની જિંદગીમાં ત્યારે બીજું શું થયેલું ? બસ, એ રહસ્યકથા છે. કારણ કે, એ વખતે તો મમ્મી પણ નહોતી કે જે મને કહી શકે….. અને પપ્પા કશું કહે ? સામે ચાલીને ? માખણબાજી કરો કે મુક્કાલાત… નો વે !

ઈનફેક્ટ, પપ્પા મરોડદાર અક્ષરોએ હું નાનો હતો ત્યારે તાલીમના ભાગરૂપે મને નિબંધ લખી આપતા, વક્તૃત્વની સ્પીચ પણ લખી આપતા…. પણ દરેક બાપ એના દીકરાને પોતાના જેવા બનાવવાની કામના રાખે છે. અને દરેક દીકરાની છાતીમાં એક ધરબાયેલી ક્રાંતિ હોય છે કે હું મારા જેવો બનીશ, બાપ જેવો નહિ ! કોયડો વિચિત્ર છે. હું સાડા ત્રણ દાયકાની જિંદગી લેક્ચરર, પ્રિન્સિપાલ, ફુલટાઈમ રાઈટર એન્ડ પોપ્યુલર પ્રોફેશનલ સ્પીકર બની ગયો ! વાચન અને શબ્દોની સંગત લોહીમાં ભેળવીને ! શું આ એ જ અધૂરી કહાની હતી પપ્પાની…. જે વિધાતાએ મારા પાત્રમાં આગળ વધારી ? જવાબ સહેલો નથી. સીધો નથી. સ્પષ્ટ નથી. કારણ કે, સમજણા થયા પછીની મારી પહેલી જીદ એ હતી કે પપ્પાની લખવા-બોલવામાં બિલકુલ મદદ ન લેવી ! અરે, ગુજરાતી ભાષા અંગે પણ પુસ્તક કે અન્ય કોઈ મિત્રને પૂછવું. આમ પણ, મારા સબ્જેક્ટ્સ જુદા. ઈન્ટરેસ્ટસ જુદા. એમને સાયન્સ, કે ફિલ્મ્સ કે સ્પોર્ટસમાં રસ પડે નહિ (હા, મને રસ પડે એટલે બચપણમાં કંપની ભરપૂર આપે !) મારા એ મનગમતા વિષયો ! સામાન્ય સંજોગોમાં હોય છે એવા ‘સલાહશોખીન’ પિતાની ભૂમિકા તો એમણે સામે ચાલીને સલાહ માગો તોય ભજવી નથી ! (લકી મી!) માટે બીજા ઘણા યંગથિંગ્સને જે પપ્પા નામનું પ્રાણી સ્પીડબ્રેકર બનીને પજવ્યા કરે એ કદી બન્યું નથી ! મને અંગત રીતે ઓળખનારા જાણે છે કે મારું વ્યક્તિત્વ, મિજાજ અને ગમા-અણગમાનું ઘડતર મારી મમ્મી મુજબ થયું છે. મારા સિદ્ધાંતો, નીતિમત્તા, સારા-ખરાબનો નીરક્ષીરવિવેક, સચ્ચાઈ, ક્રોધ, જરા કડવી લાગે તેવી સ્પષ્ટ જબાન, બળવાખોરી… કમ્પ્લિટ વેલ્યુ સિસ્ટમ મમ્મીને આભારી છે. રિમેમ્બર, વાત માતાના પ્રેમની નથી. સિલેકશન ઑફ પેરેન્ટિંગ રોલ મોડલની છે.
તો પછી પપ્પાનું પ્રદાન ?

પહેલું તો તમે જેના થકી આ વાંચો છો તે. ભાષા, સાહિત્ય, કળા અને અભિવ્યક્તિ. પપ્પાની એ સમયે જે સૂઝસમજ હતી ત્યારે ઈન્ટરનેટ કે ડીવીડી તો શું, ટીવીનો પણ અણસાર નહોતો. એકમાત્ર સંતાન તરીકે મને ઘેર ભણાવવાનો નિર્ણય લેવાયો. શિસ્તાગ્રહી શિક્ષકની મુખ્ય ભૂમિકા મમ્મીની, પણ એ માટેની દષ્ટિ અને માહોલ પપ્પાનાં, બેહદ તંગ આર્થિક સ્થિતિમાં ઘરને જ લાયબ્રેરી બનાવવાનું સપનું એમણે સાકાર કર્યું. કોઈ જ વ્યસન નહિ. મને યાદ નથી એમણે પોતાના માટે શર્ટ તો ઠીક, ચંપલ પણ જાતે ખરીદ્યાં હોય ! પણ હું નાનો હતો ત્યારે રોજનું એક પુસ્તક બહારથી અચૂક લેતા આવે ! ઘેર આવે એટલે થેલી ફંફોસવાની, અને ચોકલેટની ટેવ તો કોલેજિયન બન્યા પછી પડી ! પપ્પાની પસંદગીથી બાળસાહિત્યની એક સનાતન સૃષ્ટિને સજીવન થતી જોઈ. એમણે રમણલાલ સોનીથી હરીશ નાયક જેવા લેખકો, બુલબુલની સફારી સુધીનાં મેગેઝિન્સ, અમર ચિત્રકથાથી ઈન્દ્રજાલ કોમિક્સ સુધીની ચિત્રવાર્તાઓ…. તમામનો પરિચય કરાવ્યો. મને ગમતાં પુસ્તક, મેગેઝિન, કેસેટ માટે ટાઈટ બજેટ છતાં નો લિમિટ ! તમામ પ્રકારનાં પુસ્તકો-સામાયિકો વસાવવાનાં…. ફાઈલ કરી વ્યવસ્થિત ગોઠવવાનાં ! (આજે એમની આ ક્ષમતા સાવ ક્ષીણ છે, અને વસ્તુઓ ઠેકાણાસર ન ગોઠવવા માટે મારે એમના પર વારંવાર તાડૂકવું પડે છે !) રોજ રાત્રે સૂતાં પહેલાં મમ્મી-પપ્પા વારાફરતી વાર્તા કહે. પપ્પા રેલવે સ્ટેશને દૂધની ચમચી લઈ, ટ્રેન બતાવીને મને પિવડાવે ! રમકડાની ટ્રેનનું બોક્સ ખરીદીને પકડાવી દેવું, અને રોજ સાચુકલી ટ્રેનના દર્શનાર્થે દીકરાને તેડીને જેવું, એ વચ્ચે બંને પ્રકારની ટ્રેનોમાં હોય એવો અને એવડો મોટો ફરક હોય છે ! કશીક સરસ ફિલ્મ હોય તો (પોતાને જરાય શોખ ન હોવા છતાં) થોડા મોટા થયા પછી ગોંડલથી રાજકોટ લઈ જાય. મારા બચપણના ફ્રેન્ડસ જ બે : મમ્મી અને પપ્પા.

સુપરમેન કે ટારઝન, વોલ્ટ ડિઝની કે જૂલે વર્નનો પ્રથમ પરિચય એમને આભારી. એમને બદલાતી ટેકનોલોજી અને સાયકોલોજી બહુ સમજાઈ નહિ. પણ એ તો જૂની પેઢીના નવ્વાણું ટકા લોકોને નથી સમજાતી. પણ એના પરિણામે એ લોકો નવીન પરિવર્તનના, સંતાનોના સ્વાતંત્ર્યના વિરોધી બની જાય છે. પોતે પાછળ પડી ગયા, એટલે બીજા આગળ નીકળવા જ ન જોઈએ એવી વિકૃતિથી વાંકદેખા અને પ્રતિબંધશૂરા બની જાય છે. પપ્પાએ એટલી મોકળાશ આપી કે ક્યારેક તો જેન્યુઈનલી એવું ફીલ થાય કે આના કરતાં થોડાક કડક, થોડાક વ્યવહારુ, થોડાક ‘તૈયાર’ હોત તો વધુ ગમત ! આપણને પણ આ ‘જીવનજરૂરી’ કૌશલ્યો ઘેરબેઠાં (અને ખૂબ વહેલાં) શીખવા મળત ! પપ્પાને સાઈકલ પણ આવડે નહિ ! (થોડા ધૂંધવાટ અને થોડી મસ્તીમાં હું કાયમ ફરિયાદ કરું – તમારે લીધે મને ઝટ કોઈ વાહન ચલાવતાં આવડ્યું નહિ ! દીકરો પહેલું વાહન તો બાપ પાસેથી શીખેને !) ગણતરી અને હિસાબમાં પહેલેથી બેધ્યાન લાગે એટલે કાચા ! (થેન્ક ગોડ ! નાક ઉપરાંત આ વારસોય મને મળ્યો, હું બહુ ‘પ્રેક્ટિકલ’ કહેવાય એવો ‘વેપારી ગણતરીબાજ’ ન થયો !) એમના વિદ્યાર્થીઓ આજેય યાદ કરે એવા ભણાવવામાં ઉત્તમ, રસાળ અને અભ્યાસપૂર્ણ વક્તા (અલાયદા વિષયમાં પણ આ પરંપરા પેઢી દર પેઢી સચવાઈ છે !) દિલીપકુમાર (અને પછી મારે લીધે અમિતાભ) એમના પ્રિય અભિનેતા. તલત મહેમૂદ પ્રિય ગાયક. ગઝલો અને વિવેચનના શોખીન. પણ મારા માતા-પિતાએ મને એવો અનકન્ડિશનલ લવ આપ્યો છે કે આટલાં વર્ષોમાં કદી પોતાની પસંદગી અંગે હરફ નહિ ઉચ્ચારવાનો ! એને બસ, ઓગાળી દેવાની !

પપ્પાએ ક્યારેય, કદી પણ મારા પર ‘પોપ’ગીરી કરી નથી. હાથ ઉપાડવાની વાત તો દૂર, કદી ઊંચે સાદે બોલ્યા પણ નથી ! પપ્પા પર સતત મેં જ હુકમો ચલાવ્યા છે, અને એમણે એ પડ્યો બોલ ઝીલ્યો છે ! એમનું કાર્ય હું જે કંઈ કરું એમાં ‘સપોર્ટ સિસ્ટમ’ બની રહેવાનું. એમની પાસેથી સ્ત્રીસ્વાતંત્ર્યની ફેન્સી ચળવળોમાં પણ નથી, એવું નારીસન્માન હું શીખ્યો. વર્ષો સુધી એ દશ્યો જોયાં છે કે મમ્મી રોટલી વણે ત્યારે પપ્પા કૂકર મૂકતા હોય. મમ્મી-પપ્પા સાથે મળીને વાસણ માંજતાં હોય કે સફાઈ કરતાં હોય, નાના બાળકને પણ માનાર્થે બોલાવવાનાં. (આજેય અમારી શેરીનાં બાળકો એમની પાસે ‘લાગો’ ઉઘરાવે એમ ફ્રૂટ માંગવા લાડ કરતાં આવે !)

આજની તારીખે પણ એમનો વાચનશોખ બરકરાર છે, અને અખબારી સમાચારોથી લઈને વિશ્વસાહિત્ય સુધીનાં (પુસ્તકો માગીને નહિ, લાયબ્રેરીમાંથી કે ખરીદીને જ લેવાં એ આદત સાથે) એમણે રોપેલાં મૂળિયાં મને કામ લાગ્યાં છે. ‘ઝગમગ’થી લઈને ‘ઝેન’ ફિલસૂફી સુધીની દુનિયામાં હું બહુ વહેલો પ્રવેશીને નાની ઉંમરે આગળ નીકળી ગયો, એ ‘લીવરેજ’ પ્લસ ‘માઈલેજ’ના સાયલન્ટ આર્કિટેક્ટ એ ! એમાં પણ કોઈ જ કર્તવ્યભાવના નહિ. ‘હું’ને એમણે કદાચ 1973ની દશેરાની રાત્રે જ મારામાં ઓગાળી દીધો હતો. એમના ઈન્ટરસ્ટેશિયલ લંગ ડિસીઝની સારવાર કરતા તબીબ મિત્ર ડૉ. પાર્થિવ મહેતા ઓફિશિયલી કહે છે : એમનો શ્વાસ યોગીનો શ્વાસ છે ! અલબત્ત, ચૈતન્યમાં આસ્થાવાન પપ્પા ક્યારેય ધાર્મિકતામાં ડૂબ્યા નહિ. એટલે જ ધર્મ પ્રત્યે ઝનૂનને બદલે કૂતુહલથી નિહાળવાના સંસ્કારમાં હું રંગાયો. પ્રાણાયામ કે પૂજાપાઠ એ કશું કરે નહિ. યજ્ઞોપવીત ન પોતે લીધી, ન મેં. પણ શિવમંદિરે જવું એમને ગમે. સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચારોમાં શક્રાદય સ્તુતિ કરે. ઉર્દૂ રૂબાઈઓ અને જિબ્રાનની અંગ્રેજી ફિલસૂફી પણ એટલા જ રસથી કંઠસ્થ. એમની ઉંમરના ઘણા લોકો માત્ર એમના રમૂજી/સત્યઘટનાત્મક એનેક્ડૉટ્સ સાંભળવા એમને બોલાવે. હિંમતભાઈ વૈદ, ડૉ. માત્રાવડિયા જેવી પ્રસંગોપાત્ત સોબત ખરી. પણ બેઝિકલી, પપ્પાને કોઈ જ દોસ્ત નહિ. ઔપચારિક વાતો સાવ ઓછી કરે. મારા મિત્રોની સાથે વાતો કરે, પણ હળવી રમૂજની. વ્યવહારકુશળતામાં તદ્દન નરસિંહ મહેતા. ભાઈબંધો છે નહિ. હા, કૌટુંબિક ભાણેજ-ભત્રીજા-ભત્રીજીના પરિવાર સાથે આત્મીયતા ગાઢ. પણ કદી કોઈના ઘેર જવાનું નહિ. મમ્મી ગયા પછી પપ્પા સાવ એકલા. મારા દોસ્તોમાં મારી ગેરહાજરીમાં ચેતન જેઠવા, શૈલેશ સગપરિયા, ઈલિયાસ શેખ, હિતેશ સરૈયા, મનીષ બૂચ, દીપ વગેરે સાથે નિરાંતે બેસે. બાકી મારા બધા ફ્રેન્ડસ ‘માસા’ને લાગણીથી બોલાવે. કોઈ અંકલ/કાકા ન કહે. કારણ કે, મૂળ તો બધા ‘માસી’ (મમ્મી)ના લાડકા ! હા, પપ્પાની સૌથી વધુ નજીક (ઈનફેક્ટ, મારાથી પણ વધુ નજીક !) હોય તો મારા – પ્રદીપમામા. સાળા-બનેવી વચ્ચે વાત ઓછી થાય પણ મૌન સંવાદ સતત વહેતા ઝરણા પર ઝૂકેલી ડાળીની માફક થતો રહે.

ઉંમરના એક વળાંક પછી દરેક બાપ-દીકરા વચ્ચેનો સંબંધ ‘લવ-હેટ’નો થઈ જતો હોય છે. પિતાનો ઝુકાવ ‘લવ’ તરફ, પુત્રનો ‘હેટ’ તરફ. મારા અત્યંત અંગત સ્વજનો અને અમે બંને બાપ-દીકરો જાણીએ છીએ કે ‘શક્તિ’ના દિલીપ-અમિતાભ કરતાં એકદમ ‘રિવર્સ’ એવા અમારા બંને વચ્ચેના કાયમી કોન્ફિલક્ટ પોઈન્ટસ કયા છે, શા માટે છે. આ બાબતમાં વી એગ્રી ટુ ડિસએગ્રી ફોરએવર. પરેશ રાવલની ‘મેરે બાપ પહેલે આપ’ની માફક જ હું રોજ જોરશોરથી પપ્પા પર ખીજાતો હોઉં છું. કોઈ ફાયદા-કારણ વિના માત્ર મને રાજી રાખવા જુઠ્ઠું બોલવાની એમની આદત પર મને ચીડ ચડે છે. (છેલ્લા થોડા સમયથી એમાં આંતરખોજ થતા મારો અભિગમ બદલાયો છે, હવે હું એમને રાજી રાખું છું. ટપાટપી કરતો નથી, ને સતત એમની ભૂલો પર ચોંટી રહેવાની ભૂલ કરતો નથી.) પપ્પાને ખૂબ ભાવતા ગળપણ જેવા ગળચટ્ટા (વાંચો, ઢીલા-પોચા) અભિગમથી હું અકળાઉં છું. બાકી, ત્રણ દાયકાની નોકરી પછી નિવૃત્ત થયેલો માણસ 10 વર્ષે સરકાર પેન્શન મંજૂર કરે, એની રાહમાં ચુપચાપ બેસે ? (આ અલગ કથા છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકાર સામે લાંબી કાનૂની લડત પછી ગયા વર્ષે કેસ જીત્યા અને એમને પેન્શન મળ્યું. જે મને આપી દીધું, નવા મકાન માટે.) પણ એ તો અપરિણિત દીકરા અંગેના એકમાત્ર અરમાન અંગે પણ ચિંતાતુર છતાં ચૂપ છે. ખામોશી એ પપ્પાની પ્રકૃતિ છે, પોતાની પ્રેમકહાની વિશે, આવડત વિશે, ભૂલો વિશે…. એ ખામોશ રહે છે. બીમાર પડે, પીડા થાય તો પણ ખામોશ જ રહે છે ! ખુદની વેદના અંગે ખામોશ પપ્પા મને ઉધરસનું ઠસકું આવે તો પણ વ્યાકૂળ થઈ જાય છે. ફોન પર મારું કોઈ મનોમંથન સાંભળીને એમની તબિયત ખરાબ થઈ જાય છે ! એમનો નિર્લેપ સાક્ષીભાવ માત્ર મારી સાથે જ જોડાયેલા જીવનતંતુથી ખળભળે છે !

વેલ, ધેટ્સ વ્હાય આઈ લવ હિમ. પપ્પા એટલે મારા મોબાઈલમાં ‘હોમ કૉલિંગ’ ઝબકે ત્યારે સંભળાતો અવાજ. પપ્પા એટલે મધરાતના ત્રણ વાગ્યે જાગીને મારી રાહ જોતી બે કરચલિયાળાં પોપચાંવાળી ઊંડી ઊતરેલી આંખો. પપ્પા એટલે મારી સફળતાનો મૌન ઉમળકો. પપ્પા એટલે… જેમને પ્રેમ કરવા કે દર્શાવવા માટે આટલા બધા શબ્દોની જરૂર નથી, એ ! :-“

 
87 Comments

Posted by on June 28, 2011 in personal

 
 
%d bloggers like this: